અભિષેક (Abhishek Novel Part-52)

Related

અભિષેક પ્રકરણ 52

શાલ્વી પોતે શરૂઆતથી જ ખૂબ જ રોમાન્ટિક હતી. સામાન્ય સ્ત્રીઓ કરતાં પણ એનામાં વાસનાનું પ્રમાણ થોડુંક વધારે હતું. એનાં લગ્ન અંકિત સાથે થયાં એ પહેલાં પણ પોતાના કોલેજ કાળ દરમિયાન અમિત નામના એના એક બોયફ્રેન્ડ સાથે બે થી ત્રણ વાર શરીર સંબંધ બાંધી ચૂકી હતી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

શાલ્વી અંજલી જેટલી ખૂબસૂરત ન હતી પરંતુ ગોરી અને સુંદર તો એ ચોક્કસ હતી. વાળ પણ એના ઘણા લાંબા હતા. અંજલી પ્રમાણમાં થોડીક પાતળી કહી શકાય જ્યારે શાલ્વીનો દેહ પુષ્ટ હતો ! અંજલીની આંખો સૌમ્ય હતી અને એમાં શુદ્ધ ચારિત્ર્ય છલકાતું હતું. જ્યારે શાલ્વીની આંખોમાં ચંચળતા અને એક પ્રકારની આકર્ષણ શક્તિ હતી ! એ સિવાય સ્વભાવે તો એ ખૂબ જ મિલનસાર અને હસમુખી હતી.

અંકિત સાથે એનાં લગ્ન થયાં ત્યારે સુહાગરાતે જ એને અહેસાસ થઈ ગયો હતો કે અંકિતને રોમેન્ટિક બાબતોમાં રસ ઓછો હતો. એ હંમેશા ક્યાંક ખોવાયેલો રહેતો. મોટા ઘરની એ વહુ હતી એટલે કોઈ ફરિયાદો નહોતી કરતી પરંતુ અંકિતથી એને અસંતોષ ચોક્કસ હતો !

છ મહિના જેવું એનું લગ્ન જીવન ચાલ્યું એ પછી અચાનક એક દિવસ અંકિત ક્યાંક ચાલ્યો ગયો એટલે એનું જીવન સાવ એકલવાયુ થઈ ગયું. દિવસ તો પસાર થઈ જતો પરંતુ રાત્રે બેડરૂમમાં એનું ચંચળ મન ખૂબ જ બેચેન બની જતું. જો અંકિત પાછો આવે જ નહીં તો પોતાની યુવાનીનું શું ! માંડ માંડ પોતાના આવેશોને એ શાંત રાખતી.

બે મહિના તો ગમે તેમ કરીને પસાર થઈ ગયા. પરંતુ પછી એણે કોલેજના એના જૂના બોયફ્રેન્ડ અમિતનો ફરી સંપર્ક કર્યો. એક દિવસ બપોરના સમયે પોતે ગાડી લઈને નીકળી અને અમિતને એક રેસ્ટોરન્ટમાં મળી. એણે અમિતને પોતાની મનોવ્યથા કહી અને પોતાને થોડો સપોર્ટ આપવા વિનંતી કરી. અમિતનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં.

" પરંતુ આવું કેટલા દિવસ ચાલે શાલુ ? એકાદ બે વાર ઠીક છે પણ જો અંકિત પાછો ના આવે તો આ રીતે હું કાયમી સંબંધ ન રાખી શકું. મારા મેરેજ થઈ ગયાં છે અને કોઈક જોઈ જાય તો મારું આખું લગ્નજીવન ડિસ્ટર્બ થઈ જાય. એના કરતાં તારી પાસે મજબૂત કારણ છે. તું ડિવોર્સ લઈ લે અને બીજી વાર લગ્ન કરી લે. હજુ તો તારી ઉંમર જ ક્યાં છે ! " અમિત બોલ્યો.

" હું તારી વાત સમજુ છું પરંતુ મને આશા છે કે અંકિત એક દિવસ પાછો આવશે જ. છતાં હું વધુમાં વધુ હજુ બીજું એક વર્ષ રાહ જોઈશ. નહીં તો પછી તું કહે છે તેમ મારે ડિવોર્સની વાત પપ્પાને કરવી જ પડશે. હમણાં મહિનામાં એકાદ બે વાર પ્લીઝ તું ક્યાંક મળવાનું ગોઠવ." શાલ્વી બોલી.

" ઠીક છે. ચાલુ દિવસે જ મારે મારી ઓફિસમાંથી ત્રણ ચાર કલાકની ગુલ્લી મારવી પડશે. શનિ કે રવિવારે હું નહીં નીકળી શકું. મહિનામાં બે વાર આપણે મળતાં રહીશું. પારલે ઇસ્ટમાં એક હોટેલ છે. હું તને લોકેશન મોકલી દઈશ. કાલથી જ આપણે શરૂઆત કરી દઈએ. તું અગિયારથી સાડા અગિયાર વચ્ચે આવી જજે. મોડું ના કરતી. " અમિત બોલ્યો.

" અરે તું કહેતો હોય તો હું તો સવારે આઠ વાગે જ હાજર થઈ જાઉં. " શાલ્વી હસીને બોલી અને બંને છૂટાં પડ્યાં.

અને બીજા દિવસે બહાનું કાઢીને શાલ્વી ઘરેથી નીકળી ગઈ અને સવારે અગિયાર વાગે જ હોટલે પહોંચી ગઈ. એણે લગભગ આખો દિવસ અમિત સાથે વિતાવ્યો. એ પછી એ લોકો દર પંદર દિવસે એ જ હોટલમાં મળતાં રહ્યાં.

ત્રણ ચાર મહિનામાં આ રીતે અમિત સાથે પાંચ છ વાર શાલ્વીનો સંબંધ રહ્યો અને પછી અચાનક અંકિત મળી આવ્યો. પરંતુ આ વખતે નવા આવેલા અંકિતનું રૂપ જ અલગ હતું. અંકિતના બદલે આવેલા અભિષેકનું જે રોમેન્ટિક સ્વરૂપ એણે જોયું એ પછી તો એ અમિતને પણ ભૂલી ગઈ અને પોતે જ અંકિત પાછળ પાગલ થઈ ગઈ !!
 
*********************
બે દિવસ પછી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીના માલિક પ્રશાંત વૈદ્યે પોતાના જમણા હાથ જેવા ખાસ આસિસ્ટન્ટ મનીષ શિંદેને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.

" સર. " મનીષ ચેમ્બરમાં આવ્યો અને સલામ કરીને ઉભો રહ્યો.

" બેસ મનીષ. બે દિવસ પછી ગુરુવારે બપોરના બે વાગ્યાના ફ્લાઈટમાં આપણે દેહરાદુન જઈએ છીએ. ત્યાં રાત રોકાઈને બીજા દિવસે સવારે ત્યાંથી ટેક્સી કરીને ગંગોત્રી ધામ જઈએ છીએ." પ્રશાંત બોલ્યો.

" સર તમે અઠવાડિયા પહેલાં મુંડન કરાવ્યું અને હવે ચારધામ યાત્રાની વાતો કરો છો. મને કંઈ સમજાવશો ?" મનીષ આશ્ચર્યથી બોલ્યો.

" બસ હવે સંસારથી મન ભરાઈ ગયું છે. તારે પણ સન્યાસ લઈ લેવાનો છે. તું તારા ઘરે પણ કહી દેજે કે હું પાછો આવવાનો નથી. " પ્રશાંત હસીને બોલી રહ્યો હતો.

" અત્યારે હિમાલયમાં કાતિલ ઠંડી હશે એટલે સ્વેટર, ગરમ ટોપી, એક ધાબળો અને સૂવા માટે શેતરંજી પણ લેવી પડશે. વધારે સામાન લેવાની જરૂર નથી. આપણા બંને વચ્ચે એક જ ટ્રાવેલ બેગ લઈ લેજે." પ્રશાંત બોલ્યો.

" કેટલા દિવસનું રોકાણ થશે સર ? ઘરે શું કહું ? " મનીષ બોલ્યો.

" આપણા કોઈપણ મિશનમાં સમય ગાળો થોડો નક્કી હોય છે ? અને મોબાઈલ તો સાથે છે જ પછી ક્યારે પાછા આવીશું એ કહેવાની જરૂર જ ક્યાં છે ? " પ્રશાંત બોલ્યો.

" સોરી સર." મનીષ બોલ્યો. એને લાગ્યું કે ખોટો સવાલ પૂછાઇ ગયો.

" સર રિવોલ્વર તો સાથે લેવાની જ છે ને ? " ફરી મનીષે સવાલ કર્યો.

" અરે આપણે જાસૂસ છીએ અને કાયદેસરનું આપણી પાસે લાયસન્સ છે. જોડે રાખવામાં વાંધો શું છે ? જંગલમાં કોઈ જંગલી પ્રાણી સામે આવી ગયું તો પણ કામ આવશે. એની મોર ક્વેશ્ચન ? " પ્રશાંત હસીને બોલ્યો.

" નો સર. " મનીષ બોલ્યો.

" હવે તું નીકળ અને તૈયારીમાં લાગી જા. કોઈપણ સવાલ મનમાં ઊભો થાય તો ફોન કરી દેજે. તારું આઈડી તારી સાથે રાખજે." પ્રશાંત બોલ્યો.

" સર." મનીષ બોલ્યો અને ઉભો થઈને બહાર નીકળી ગયો.

અને ગુરુવારે બપોરે બે વાગે પ્રશાંત તથા મનીષ ફ્લાઈટ પકડીને સાડા ચાર વાગે દેહરાદુન પહોંચી ગયા. ત્યાં હોટલમાં રાત રોકાયા અને પછી વહેલી સવારે સાત વાગે ઈનોવા કરીને ઉત્તર કાશી થઈને ગંગોત્રીમાં ખૂબ જ જાણીતા મૌની બાબા આશ્રમમાં પહોંચી ગયા.

ગંગા નદીના કિનારે હિમાલયની તળેટીમાં આ ખૂબ જ અદભુત જગ્યા હતી. અહીં આધ્યાત્મિક આંદોલનો એટલાં બધાં પ્રગાઢ હતાં કે પગ મૂકતાં જ શાંતિનો અનુભવ થાય !

આશ્રમમાં રહેવાની સુંદર વ્યવસ્થા પણ હતી. પ્રશાંત મનીષને લઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો અને એક સારો રૂમ બુક કરાવી દીધો.

જમવાનો સમય થઈ ગયો હતો અને અહીં ભોજનાલયની સુંદર વ્યવસ્થા પણ હતી એટલે હાથ પગ ધોઈ ફ્રેશ થઈને એ લોકોએ જમી લીધું.

" સર આપણે અહીં શું કામ આવ્યા છીએ ? હવે તો કહો. " જમ્યા પછી આરામ કરતી વખતે મનીષ બોલ્યો.

" બધું જ સમજાઈ જશે. હું જે કામ માટે આવ્યો છું એમાં મને સફળતા મળશે કે નહીં એની મને કોઈ જ ખબર નથી. બસ અંધારામાં તીર છોડ્યું છે. નિશાના ઉપર લાગે તો ઠીક નહીં તો બે ત્રણ દિવસ પછી મુંબઈ પાછા !" પ્રશાંત બોલ્યો.

સાંજે પાંચ વાગ્યા પછી એ લોકો આજુબાજુની ગંગાકિનારાની તમામ જગ્યાએ ચક્કર મારી આવ્યા. અહીં ઘણી બધી જગ્યાએ સાધકો ગંગા મૈયાના કિનારે પથ્થર ઉપર બેસીને ધ્યાન કરતા જોવા મળ્યા. ચારધામ યાત્રાનો બદ્રીનાથ તરફ જતો આ મુખ્ય માર્ગ હોવાથી ઘણા બધા યાત્રાળુઓ અહીંથી પસાર થતા પણ જોવા મળ્યા.

" કાલે વહેલી સવારે ચાર વાગે ઉઠી જવાનું છે અને નાહી ધોઈ તૈયાર થઈ તારે મારી સાથે આવવાનું છે. અહીંથી ચાલતા ચાલતા ગૌમુખના રસ્તે સ્વામી અપરોક્ષાનંદ આશ્રમ જવાનું છે. " પ્રશાંત બોલ્યો.

" પરંતુ એ આશ્રમમાં આપણે કેમ જવાનું છે ? કંઈક તો મને વાત કરો."
મનીષ હવે થોડો અકળાયો હતો. અહીં કોઈ પ્રવૃત્તિ હતી જ નહીં. અને ધ્યાનની પણ એવી કોઈ પ્રેક્ટિસ એને ન હતી. પ્રકૃતિનો પૂરો આનંદ પણ એ ઉઠાવી શકતો ન હતો.

" મનીષ જિંદગીમાં ક્યારેક આવી સુંદર પ્રકૃતિનો આનંદ પણ માણવો જોઈએ. દૂર દૂરથી લોકો સાધના કરવા માટે હિમાલયમાં આવતા હોય છે." પ્રશાંત બોલ્યો.

મનીષ સમજી ગયો કે પ્રશાંત સર કંઈ જ કહેવાના નથી. એ ચોક્કસ કોઈક હેતુ માટે અહીં આવ્યા છે.

વહેલી સવારે ચાર વાગે એલાર્મ મૂકીને પ્રશાંત અને મનીષ ઊભા થઈ ગયા અને એક કલાકમાં નાઈ ધોઈ તૈયાર પણ થઈ ગયા. જાન્યુઆરી મહિનો ચાલતો હતો એટલે કાતિલ ઠંડીના દિવસો હતા. બંનેએ સ્વેટર પહેરી ઉપર કામળો પણ ઓઢી લીધો. માથે ગરમ ટોપી પહેરી લીધી. એ પછી ગૌમુખના રસ્તે ચાલવાનું શરૂ કર્યું.

વહેલી સવારના પાંચ વાગ્યા હતા એટલે આમ તો રસ્તા સૂમસામ હતા છતાં કેટલાક છૂટા છવાયા સાધકો આજુબાજુ ચાલતા દેખાતા હતા. એક બે સાધુ દુર દૂર ધ્યાનમાં બેઠેલા પણ જોવા મળ્યા.

દોઢ બે કિલોમીટર જેટલું અંતર કાપ્યા પછી સ્વામી અપરોક્ષાનંદ આશ્રમ જોવા મળ્યો. આ આશ્રમ કોઈ મોટો આશ્રમ ન હતો. સાત આઠ ઓરડીઓ દેખાતી હતી એટલે આશ્રમમાં વધુમાં વધુ સાત આઠ વ્યક્તિઓ રહેતી હશે એવું અનુમાન થઈ શકતું હતું.

આ એક અન્નક્ષેત્ર પણ હતું એટલે જમવા માટે અહીં એક નાનો હોલ પણ હતો અને રસોડું પણ હતું. પરંતુ કડકડતી ઠંડીમાં આટલી વહેલી સવારે અત્યારે બધું સૂમસામ હતું.

સૌથી પહેલાં પ્રશાંત આગળ ગયો. એણે અંદર જઈને જોયું તો બધા રૂમો અંદરથી બંધ હતા. સાડા પાંચ વાગ્યા હતા અને આવી ઠંડીમાં આટલી વહેલી સવારે તો આમ પણ કોણ રૂમ ખોલીને બેસે !

એક ખૂણામાં એક તાપણું કરેલું હતું. પરંતુ ત્યાં કોઈ ન હતું. એટલામાં એક સાધુ એના રૂમમાંથી બહાર આવ્યો અને તાપણા પાસે જઈને બેઠો. એણે તાપણામાંથી પોતાની ચલમ સળગાવી.

પ્રશાંત ધીમે ધીમે એની પાસે ગયો. મનીષ હજુ બહાર જ ઉભો હતો. પ્રશાંતે પેલા સાધુને હિન્દી ભાષામાં કંઈક પૂછ્યું. સાધુ કંઈ બોલ્યો નહીં પરંતુ એક બંધ રૂમ તરફ આંગળી બતાવી. પ્રશાંતના ચહેરા ઉપર સ્મિત આવ્યું. એ બહાર આવ્યો.

"આપણે યોગ્ય જગ્યાએ આવી ગયા છીએ મનીષ." પ્રશાંત બોલ્યો.

" એટલે ? " મનીષ બોલ્યો.

" થોડીવારમાં જ તારી પ્રતીક્ષાનો અંત આવશે અને તને જવાબ પણ મળી જશે. એક વ્યક્તિને હું મળવા આવ્યો છું." પ્રશાંત બોલ્યો અને પછી ખડખડાટ હસી પડ્યો.

હજુ પણ મનીષની ટ્યુબલાઈટ સ્ટાર્ટ થતી ન હતી.

" આપણે અહીં ભાગીરથી ગંગા સુધી જરા ચક્કર મારી આવીએ. અડધા કલાકમાં પાછા આવી જઈશું. " પ્રશાંત બોલ્યો અને ચાલવા લાગ્યો.

વહેલી સવારે ગંગા નદીનો ધસમસતો પ્રવાહ એક અલગ જ પ્રકારનો અવાજ કરી રહ્યો હતો. પંખીઓનો કલરવ અને ગંગાના પ્રવાહના અવાજ સિવાય અહીં બીજો કોઈ જ અવાજ ન હતો. પ્રશાંત પ્રકૃતિપ્રેમી હતો અને આ વાતાવરણને ભરપૂર રીતે માણી રહ્યો હતો !

ગંગા નદીના કિનારે એક પથ્થર ઉપર અડધો કલાક સુધી એ લોકો બેઠા. પ્રશાંત ઉંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો. સાડા છ વાગ્યા એટલે પ્રશાંત ઉભો થયો અને એ લોકો ચાલતા ચાલતા ફરી આશ્રમ ઉપર આવી ગયા.

આશ્રમની બે ત્રણ ઓરડીઓ ખુલી ગઈ હતી. સાધુએ જે રૂમ તરફ આંગળી ચીંધી હતી એ રૂમ પણ ખુલ્લો હતો.

પ્રશાંત મનીષને લઈને આશ્રમમાં દાખલ થયો અને સીધો ત્રીજા નંબરની એ ઓરડીમાં દાખલ થયો.

સામે એક ખૂણામાં ઉનના આસન ઉપર બેસીને એક યુવાન માળા કરી રહ્યો હતો. કાળા ભમ્મર રંગની લાંબી દાઢી અને મૂછ. માથે પણ વાળ ઘણા લાંબા હતા. અડધી બાંયનો ભગવો કુર્તો અને ભગવી ધોતી પહેરેલાં હતાં. ચહેરા ઉપર તપસ્વીની અદ્દભૂત ચમક હતી !

બાજુમાં એક બાજઠ ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરેલું હતું અને એના ઉપર એક થાળીમાં વચ્ચોવચ મોટું શિવલિંગ મુકેલું હતું. તાજો જ અભિષેક કર્યો હોય એમ થાળીમાં પાણી હતું. શિવલિંગ ઉપર બે ત્રણ બીલીપત્ર પણ ચઢાવેલાં હતાં.

યુવાને આ લોકોને જોયા પરંતુ માળા ચાલુ હતી એટલે એણે એક હાથથી ઈશારો કર્યો કે પાંચેક મિનિટ રાહ જુઓ. એ સાથે જ એણે બાજુમાં રહેલી એક શેત્રંજી પ્રશાંત તરફ સરકાવી અને એના ઉપર બેસવાનો ઈશારો કર્યો.

મનીષે શેત્રંજી બિછાવી દીધી અને બંને જણા એના ઉપર બેસી ગયા. હવે નજીકથી ધારીને જોયું તો એ અંકિત હતો !! અહીં અંકિતને જોઈને મનીષ તો એટલો બધો આશ્ચર્ય પામી ગયો હતો કે મનોમન એનાથી પ્રશાંત સરને સલામ થઈ ગઈ. ! બોસનું શું દિમાગ ચાલે છે !! ક્યાંથી ક્યાં લઈ આવ્યા મને !!

માળા પૂરી થઈ ગઈ એટલે અંકિતે માળાને ખૂણામાં રાખેલા પૂજાના બાજોઠ ઉપર મૂકી દીધી. ત્યાં દીવો હજુ પણ ચાલુ હતો.

" હા હવે બોલો પ્રશાંત સર. " અંકિત બોલ્યો. અને નામ સાંભળીને જ પ્રશાંત તેમજ મનીષ ઘા ખાઈ ગયા. નામ તો લીધું જ પણ સર કહીને સંબોધન કર્યું !

" અરે અંકિતભાઈ તમે મને કેવી રીતે ઓળખો છો ? " પ્રશાંત આશ્ચર્યથી બોલ્યો. એનાથી અંકિતને બહુવચનથી સંબોધન થઈ ગયું.

" એ બધું છોડો. કેમ અહીં સુધી લાંબા થવું પડ્યું ? " અંકિત હસીને બોલ્યો.

" અંકિતભાઈ તમે તો સમજી જ ગયા કે અમે મુંબઈથી આવીએ છીએ. તમારા પપ્પા સાથે મારા પ્રોફેશનલ સંબંધો છે. અમે લોકો ચારધામ યાત્રાએ નીકળ્યા હતા અને તમારું એડ્રેસ અંકલે મને આપ્યું હતું એટલે પછી ખાસ મળવા માટે આવ્યા. " પ્રશાંતે વાર્તા કરી.

" તમે યાત્રાએ નથી નીકળ્યા સર. તમે મને મળવા માટે જ આવ્યા છો. બોલો શું જાણવા માગો છો ? " અંકિત બોલ્યો. ફરી પાછો પ્રશાંત ચક્કર ખાઈ ગયો.

" તમે તો ઘણું બધું જાણી લીધું મારા વિશે. ચાલો હવે મૂળ મુદ્દા ઉપર જ આવું છું. તમારાથી છૂપાવવાનું કંઈ છે જ નહીં. તમે અચાનક સંસાર છોડીને સંન્યાસી બની ગયા એનું મને બહુ જ કુતૂહલ છે. તમારા પપ્પા તમારા વિશે સાચી વાત મારાથી છૂપાવે છે. એટલે પછી તમને જ મળવાનું મેં નક્કી કર્યું." પ્રશાંત બોલ્યો.

" મેં સંન્યાસ લીધો એમાં છૂપાવવા જેવું કંઈ છે જ નહીં પ્રશાંત સર. મને સંસારમાં કે ભોગોમાં કોઈ રસ જ ન હતો. મારી ઈચ્છા ન હતી છતાં પણ પપ્પાએ પરાણે મારાં લગ્ન કરાવી દીધાં. ઈચ્છા ન હોવા છતાં છ મહિના સંસાર ચલાવવો પડ્યો. છેવટે હું પપ્પાને કહીને જ ઘરેથી નીકળી ગયો." અંકિત બોલ્યો.

" પરંતુ એમાં તમારી પત્ની શાલ્વીનો શું વાંક ? એ તો હજુ પણ તમારી રાહ જોઈને બેઠી છે બિચારી. " પ્રશાંતે જાણીજોઈને આ સવાલ કર્યો.

" શાલ્વી મારી રાહ જોઈને બેઠી છે એ મને ખબર જ નથી. હું બધું જાણી શકું છું પરંતુ જેના ઉપર હું ફોકસ કરું એના વિશે જ જાણી શકું છું. જેનો વિચાર હું ન કરું એના વિશે કંઈ જાણી શકતો નથી. " અંકિત બોલી રહ્યો હતો.

" મેં પપ્પાને કહી દીધું હતું કે શાલુનાં બીજે લગ્ન કરાવી દેજો. મેં તો એના નામની એક ચિઠ્ઠી પણ લખીને બંધ કવરમાં પપ્પાને આપી હતી અને એને બીજાં લગ્ન કરવા સમજાવી હતી. વકીલ દ્વારા ડિવોર્સ પેપર તૈયાર કરીને સહી પણ કરી આપી હતી જેથી શાલુને ડિવોર્સ લેવામાં કોઈ તકલીફ ના થાય !" અંકિત બોલ્યો.

આ સમાચાર પ્રશાંત અને મનીષને આંચકો આપી ગયા. અંકિત ખરેખર બિચારો પ્રમાણિક અને નિર્દોષ છે. વલ્લભદાસે શા માટે રમત રમી એ એમને સમજાતું ન હતું.

" હા તમારી વાત સાચી છે. કદાચ શાલ્વી કોઈ સારા પાત્રની રાહ જોતી હોય એવું બને. આ તો મેં એને તમારા ઘરે જોઈ એટલે હું તમને કહું છું. એ તમારી રાહ જોઈને બેઠી છે એવું કહેવાનું મારો મતલબ ન હતો." પ્રશાંતે વાક્યને ફેરવી તોળ્યું.

" ના મેં શાલુને સ્પષ્ટ લખી જ નાખ્યું છે. એની માફી પણ માગી છે. પત્રમાં ઘણી શિખામણો પણ આપી છે. એને જેટલી જોઈએ એટલી રકમ આપવાની પણ મેં પપ્પાને વાત કરી છે. હું નથી માનતો કે શાલુને મારા તરફથી કોઈ ફરિયાદ હોય. " અંકિત બોલ્યો.

" તમારા પપ્પા એવું કહેતા હતા કે જે દિવસે તમે જતા રહ્યા તે દિવસે સાંજે શાલ્વીને લઈને ચોપાટી ફરવા ગયા હતા અને શાલ્વીને ઘરે ઉતારીને ફરી પાછા ચોપાટી ગયા હતા. પરંતુ મોડી રાત સુધી પાછા આવ્યા ન હતા. બીજા દિવસે સવારે તમારી ગાડી ચોપાટી પાસેથી મળી આવી હતી." પ્રશાંત બોલ્યો.

" પપ્પાએ તમને એવું કેમ કહ્યું એ મને ખબર નથી. મેં ઘર છોડી દીધું એ પહેલાં શાલ્વીને ત્રણ ચાર દિવસ માટે એના પપ્પાના ઘરે મૂકી આવ્યો હતો જેથી હું ઘર છોડી શકું. અને હું તો મમ્મી પપ્પાને પગે લાગીને સવારે સાત વાગે બેગ લઈને ઘરેથી નીકળી ગયો હતો. નાકેથી રીક્ષા પકડીને હું અંધેરી સ્ટેશન ગયો હતો. ત્યાંથી મુંબઈ સેન્ટ્રલ જઈ મેં ટ્રેઈન પકડી હતી." અંકિત બોલ્યો.

" હમ્ .. તમારા પપ્પા સાથે તમારે વાતચીત થતી હોય છે ? એ ક્યારેક તો તમને મળવા આવતા જ હશે ને ?" પ્રશાંતે વાત બદલી.

" શરૂઆતમાં છ મહિના અમારી વચ્ચે વાતચીત ચાલતી હતી. પરંતુ મેં પછી એમને સ્પષ્ટ ના પાડી દીધી કે મને ફોન કરવો નહીં. મારી આ દુનિયા અલગ છે અને મને સંસારની કોઈ વાતો સાંભળવામાં રસ નથી. મારો માર્ગ જ અલગ છે. હું તો ચાર દિવસ પહેલાં આ જગ્યા પણ છોડી દેવાનો હતો પરંતુ મારા દિવ્ય ગુરુજીનો ધ્યાનમાં મને આદેશ મળ્યો કે તમે મુંબઈથી મને મળવા આવી રહ્યા છો એટલે હું રોકાઈ ગયો." અંકિતે પ્રશાંતને બીજો આંચકો આપ્યો.

" તમને ગુરુજીનો આદેશ મળ્યો ?" પ્રશાંતે આશ્ચર્યથી પૂછ્યું.

" હા. તમારું નામ પણ મને ગુરુજીએ ધ્યાનમાં આપ્યું. હવે હું કાલે જ કોઈ અજ્ઞાત સ્થળે જતો રહીશ. કોઈ મને શોધી શકશે નહીં." અંકિત બોલ્યો.

" મને પણ હમણાં હમણાં અધ્યાત્મમાં થોડો રસ વધ્યો છે. તમારા એ દિવ્ય મહાન ગુરુજીનું નામ હું જાણી શકું ?" પ્રશાંતે પૂછ્યું.

" સ્વામી નિર્મલાનંદજી !!! " અંકિત આદરપૂર્વક બોલ્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."