અભિષેક (Abhishek Novel Part-53)

Related

અભિષેક પ્રકરણ 53

પ્રશાંત વૈદ્ય મુંબઈનો એક ખૂબ જ જાણીતો જાસુસ હતો. વલ્લભદાસ શેઠે પોતાનો પુત્ર અંકિત ગુમ થઈ ગયા પછી એને શોધવાનું કામ પ્રશાંતને સોંપ્યું હતું અને પ્રશાંતની ટીમ દ્વારા દોઢ વર્ષ પછી અંકિતનો હમશકલ અભિષેક રાજકોટથી મળી આવ્યો હતો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

પ્રશાંતની ટીમ જ્યારે અભિષેકને રાજકોટથી મુંબઈ લાવી રહી હતી ત્યારે રસ્તામાં ઝપાઝપી થવાથી અભિષેકને માથામાં વાગી ગયું હતું અને એણે યાદદાસ્ત ગુમાવી દીધી હતી. અભિષેકને જ અંકિત તરીકે વલ્લભદાસના ઘરે ગોઠવી દીધા પછી પ્રશાંતને ધીમે ધીમે ખાતરી થઈ કે વલ્લભદાસના ઘરે જે ગોઠવાયો છે તે અંકિત નહીં પણ અભિષેક જ છે !

પોતાની ભૂલની સજા બિચારી નિર્દોષ અંજલી ભોગવી રહી હતી. પ્રશાંતનું મન ડંખી રહ્યું હતું અને કોઈ પણ હિસાબે અભિષેકની યાદદાસ્ત પાછી લાવીને એને પોતાના ઘરે મોકલી દેવાનું અને સાચા અંકિતને શોધી કાઢવાનું બીડું એણે ઝડપી લીધું હતું.

પ્રશાંતને કોઈ કડી મળી જવાથી એ અંકિતને શોધવા માટે મનીષને સાથે લઈને હિમાલયની તળેટીમાં ગંગોત્રી આવ્યો હતો અને અંકિત જ્યાં રહેતો હતો એ આશ્રમ સુધી પહોંચી ગયો હતો. એની યાત્રા સફળ થઈ હતી.

પ્રશાંતે અંકિતની રૂમમાં આવીને એની સામે બેસીને ઘણા સવાલો પૂછ્યા હતા અને તમામ સવાલોના અંકિતે સંતોષકારક જવાબો આપ્યા હતા. પ્રશાંતે અંકિત સાથેનો વાર્તાલાપ આગળ ચાલુ રાખ્યો.

" અંકિતભાઈ તમારે ડૉ. અભિષેક નામનો એક જોડિયો ભાઈ પણ છે અને વલ્લભદાસે તમારી આઠ દસ મહિનાની ઉંમરે તમને દત્તક લીધા હતા એ તમને ખબર છે ? " પ્રશાંતે આગળ સવાલ કર્યો.

" પહેલાં મને કંઈ જ ખબર ન હતી. પરંતુ છેલ્લા સાત મહિનાથી મને ખબર પડી છે અને આ સમાચાર મને મારા ધ્યાનમાં મારા પૂજ્ય ગુરુજીએ જ આપ્યા છે. અમે બંને ભાઈઓ અમારા છેલ્લા ઘણા જન્મોથી ગુરુજી સાથે જોડાયેલા છીએ. કેટલાંક કર્મો ભોગવવા માટે ગુરુજીએ અમને એક જ ઘરમાં જન્મ આપ્યો. " અંકિત બોલ્યો.

" મારા કુતૂહલ ખાતર એક સવાલ પૂછું છું કે આવા દિવ્ય ગુરુજી સાથે તમે ઘણા જન્મોથી જોડાયેલા હોવા છતાં પણ તમારી મુક્તિ કેમ નથી થઈ ? એટલે કે ફરી ફરી જન્મ કેમ લેવો પડે છે ? " પ્રશાંત બોલ્યો.

" સૌથી પહેલાં તો મુક્તિ વિશેની તમારી કલ્પના જ ખોટી છે. ખરેખર તો મોક્ષ જેવું કંઈ હોતું જ નથી. મોક્ષ મળ્યા પછી પણ લોકકલ્યાણ હેતુથી જન્મ લેવો પડે છે. ખુદ ઈશ્વર પણ જન્મ લેતો હોય છે. આપણે જે બ્રહ્માંડમાં જીવીએ છીએ એવાં તો અનેક બ્રહ્માંડો છે. જીવની યાત્રા ક્યારેક બીજા બ્રહ્માંડમાં પણ ચાલતી રહે છે. આ વિષય ઘણો ગહન છે. ઈશ્વરની લીલાનું વર્ણન કરવું કોઈના પણ માટે શક્ય નથી. " અંકિત હસીને બોલ્યો.

" તો પછી ભક્તિ સાધના ઉપાસના અને આ કઠોર તપનો કોઈ મતલબ ખરો ? " પ્રશાંત બોલ્યો.

" એ માર્ગે ચાલ્યા પછી જ તમને ખબર પડે કે એનો મતલબ શું છે ! આપણા અનેક જન્મો થઈ ચૂક્યા છે. અને આ તપસ્યાથી અને ગુરુકૃપાથી ઘણાં બધાં સંચિત કર્મો કપાઈ જાય છે. દરેક જન્મમાં આત્માની ઉત્ક્રાંતિ થતી હોય છે. ભલે તમારા જન્મો ચાલુ રહે પણ તમે અંદરથી મુક્ત થતા જાઓ છો. કોઈ ઈચ્છા, કોઈ વાસના રહેતી નથી. તમારી પોતાની મસ્તીમાં તમે જીવી શકો છો. " અંકિત બોલી રહ્યો હતો.

" સંચિત પાપકર્મો ઓછાં થઈ જાય એટલે તમને એવો જન્મ મળે છે કે જેમાં તમને સાચા સન્યાસી બનવાની ઈચ્છા થાય છે. સાચા સન્યાસી બન્યા પછી તમને પાંચમા લોકની પ્રાપ્તિ થાય છે અને એ લોકમાં ગયા પછી તમે તમારી ઈચ્છા પ્રમાણે જન્મ લઈ શકો છો. જન્મ ન લેવા માટે પણ તમે સ્વતંત્ર છો. સાધુ અને સંન્યાસી – એ બંને વચ્ચે બહુ મોટો ભેદ છે ! " અંકિત બોલ્યો.

" વાહ ! તમારી વાતો સાંભળવાની બહુ જ મજા આવે છે. પરંતુ અમારી એ લાયકાત નથી. હવે બીજો પ્રશ્ન. તમારો ભાઈ અભિષેક અત્યારે ક્યાં છે એ વિશે કંઈ જાણો છો ? " પ્રશાંત બોલ્યો.

" હું ધારું તો અત્યારે જ જાણી શકું છું પરંતુ મારે જાણવું જ નથી. અમારા બંને ભાઈઓ ઉપર અમારા મહાન ગુરુજીની દિવ્ય કૃપા છે. એ જેમ અને જ્યાં રાખે છે તેમ અને ત્યાં અમે રહીએ છીએ. એનું સંચિત કર્મ એ ભોગવી રહ્યો છે. મારું સંચિત કર્મ હું ભોગવી રહ્યો છું. " અંકિત બોલ્યો.

" વાહ. ઘણી બધી પરિપક્વતા છે તમારામાં અંકિતભાઈ. ઉંમરમાં તમે મારા કરતાં નાના છો પરંતુ તમે સાચા જ્ઞાનને પચાવ્યું છે. હવે અમે રજા લઈશું. તમારા પપ્પાને તમારા તરફથી કોઈ સમાચાર આપવા છે ? " પ્રશાંત બોલ્યો.

" પિતા પુત્ર વચ્ચેનો ઋણાનુબંધ બે વર્ષ પહેલાં જ પૂરો થઈ ગયો છે એટલે મારે હવે કોને સમાચાર આપવાના ! આપણા અનેક જન્મો થઈ ગયા સર. એક જન્મના પિતા બીજા જન્મમાં પુત્ર બનીને આવે. પત્ની બનીને આવે. ભાઈ બનીને આવે. મિત્ર બનીને આવે તો ક્યારેક શત્રુ બનીને પણ આવે. તમામ સંબંધો એક ચોક્કસ સમય સાથે જોડાયેલા છે. બાકી કોઈ કોઈનું છે જ નહીં. એક ભ્રમણામાં જ આપણે જીવી રહ્યા છીએ ! " અંકિત હસીને બોલ્યો.

" સન્યાસીની એક ઉચ્ચ કક્ષા તમે પ્રાપ્ત કરી લીધી છે અંકિતભાઈ. હવે તમને એક પણ સવાલ નહીં કરું. જતાં જતાં તમારી આ સન્યાસી અવસ્થાનો એક ફોટોગ્રાફ લેવાની ઈચ્છા છે. તમારો ફોટોગ્રાફ અમારા માટે એક યાદગાર સંભારણું બની રહેશે. " પ્રશાંત બોલ્યો.

" આ આખું જગત એક ભ્રમણા છે. તમે મને જોઈ રહ્યા છો એ પણ એક ભ્રમણા છે સર. આ દેખાતું શરીર પણ પંચમહાભૂતનો એક ખેલ છે. હું ના ઈચ્છું તો તમે મારા આ દેહનો ફોટો ના પાડી શકો. કોશિશ કરી શકો છો. " અંકિત બોલ્યો.

" કોશિશ કરવી મને ગમશે. હું જલદી હાર નથી માનતો. " પ્રશાંત બોલ્યો અને એણે મોબાઈલથી સામે બેઠેલા અંકિતના બે ત્રણ ફોટોગ્રાફ્સ લઈ લીધા.

એ પછી એણે પોતાના મોબાઈલમાં જોયું તો એ ત્રણે ત્રણ ફોટામાં સામે માત્ર દીવાલ જ હતી. અંકિતનું કોઈ અસ્તિત્વ જ ન હતું. પ્રશાંત અવાક થઈ ગયો.

એ પછી એણે મનીષના મોબાઈલથી બે સ્નેપ લીધા. પરિણામ શૂન્ય. સામે માત્ર દિવાલ !!

" અંકિતભાઈ અમે તો કલ્પના પણ કરી શકતા નથી કે આવું કેવી રીતે બની શકે ? છતાં હકીકત સ્વીકારવી જ પડે છે. આજે મારી હાર કબુલ કરું છું. હવે થોડી કૃપા કરો તો એકાદ ફોટો લઈ લઉં. " પ્રશાંત હસીને બોલ્યો.

" ઠીક છે. હવે ફોટો પાડી શકો છો. " અંકિત બોલ્યો અને પ્રશાંતે બે સ્નેપ લઈ લીધા.

" હવે અમે રજા લઈએ. તમારા જીવનની આગળની યાત્રા માટે અમારી શુભેચ્છાઓ છે. તમે મને સાંભળ્યો અને મારા પ્રશ્નોના જવાબો આપ્યા એ બદલ ખૂબ જ આભારી છું. " પ્રશાંત બોલ્યો.

" તમે મારા દિવ્ય ગુરુજીની ઈચ્છાથી જ અહીં સુધી આવ્યા છો. તમારી અને મારી મુલાકાત એ ગુરુજીની કૃપાથી જ શક્ય બની છે. અમારા બંને ભાઈઓનું જીવન એ ગુરુજીની ઈચ્છા પ્રમાણે ચાલે છે ! " અંકિત હસીને બોલ્યો.

અંકિતની આવી વાતો પ્રશાંતને ખૂબ જ નવાઈ પમાડતી હતી. એ ઊભો થયો. એનાથી અંકિત સામે આદરથી બે હાથ જોડાઈ ગયા. મનીષે પણ હાથ જોડ્યા. અને બંને બહાર નીકળી ગયા અને ચાલતા ચાલતા મૌની બાબાના આશ્રમ સુધી આવી ગયા.

અત્યાર સુધી ચૂપ રહેલા મનીષના મનમાં અનેક પ્રશ્નો ઉછાળા મારી રહ્યા હતા. જે રીતે પ્રશાંત સરે અસલી અંકિતને અહીં એક અજાણ્યા આશ્રમમાં શોધી કાઢ્યો હતો એ કાબિલે દાદ હતું !

" મનીષ આપણું કામ ધાર્યા કરતાં ઘણું વહેલું પૂરું થઈ ગયું. હવે આપણે ફરી પાછા દહેરાદૂન જઈને મુંબઈ ભેગા થઈ જઈએ. " રૂમ ઉપર આવ્યા પછી પ્રશાંત બોલ્યો.

" સૌથી પહેલાં તો મારે ચા પીવી છે સર. આપણે સવારના ચાર વાગ્યાના ઉઠ્યા છીએ. સાડા સાત વાગી ગયા છે હવે ચાની તલપ લાગી છે." મનીષ બોલ્યો.

" ચાલો નીચે જઈને સૌથી પહેલાં ચા પી લઈએ. " પ્રશાંત બોલ્યો અને બંને જણાએ નીચે આવીને આશ્રમની ચા પી લીધી. કડકડતી ઠંડીમાં આદુ અને ભરપૂર ફુદીનો નાખેલી ચા પીવાની બંનેને મજા આવી ગઈ. ઈનોવાનો સરદારજી ડ્રાઇવર પણ નીચે ચા પીવા જ બેઠો હતો.

" હમ અભી આધે ઘંટે મેં દેહરાદૂન વાપસ જાને કે લિયે નિકલતે હૈં. " પ્રશાંત એની પાસે જઈને બોલ્યો.

પ્રશાંત લોકો સવારે આઠ વાગે મૌની બાબા આશ્રમ ગંગોત્રીથી નીકળી ગયા અને બપોરે દોઢ વાગે દહેરાદુન પહોંચી ગયા. રસ્તામાંથી જ એણે દેહરાદુનથી ત્રણ વાગે ઉપડતા ફ્લાઇટની બે ટિકિટ બુક કરાવી દીધી હતી એટલે ગાડી સીધી એરપોર્ટ ઉપર જ લીધી અને ત્યાં જ જમી લીધું.

મનીષના મનમાં અનેક સવાલો હતા પરંતુ આખા રસ્તે પ્રશાંતે એની સાથે આ બાબતે કોઈ જ ચર્ચા કરી નહીં. મુંબઈ પહોંચ્યા ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યા હતા.

" કાલે સવારે અગિયાર વાગે આપણે ઓફિસે મળીએ છીએ અને ત્યાં બધી ચર્ચા કરીશું. " છૂટા પડતી વખતે પ્રશાંત બોલ્યો.

બીજા દિવસે સવારે અગિયાર વાગે પ્રશાંતની કેબિનમાં પ્રશાંત અને મનીષ અંકિતના કેસની ચર્ચા કરવા માટે ભેગા થયા.

" સર ગઈકાલનો હું તમને સાંભળવા બેચેન છું. છેક હિમાલયની તળેટીમાં જઈને તમે અંકિતને પકડ્યો. મારી તો અક્કલ કામ નથી કરતી સર. તમારા પ્રત્યેનું મારું માન અનેકગણું વધી ગયું છે. તમને આ વિચાર ક્યાંથી આવ્યો એ પણ સમજાતું નથી અને આ એડ્રેસ પણ તમારી પાસે કેવી રીતે આવ્યું એ પણ મારા માટે કોયડો છે." મનીષ બોલ્યો.

" બસ બસ... બહુ પ્રશંસા કરવાની જરૂર નથી. તું પોતે પણ ડિટેક્ટિવ છે અને તેં પણ ભૂતકાળમાં આવા અઘરા કેસ ઉકેલ્યા છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળ.... " પ્રશાંત બોલ્યો.

" જી સર." મનીષ શાંત થઈ ગયો અને એકચિત્તે પ્રશાંતની વાત સાંભળવા લાગ્યો.

" વલ્લભદાસ શેઠ ઉપર સૌથી પહેલી શંકા મને એમણે આપણને અંકિતનો કેસ સોંપ્યો ત્યારથી જ શરૂ થઈ હતી. બે વર્ષ પહેલાં માગશર વદી પાંચમના દિવસે અંકિત ગુમ થઈ ગયો હતો. શેઠે પોલીસ ફરિયાદ નોંધાવી. કોઈ પરિણામ ના મળ્યું એટલે ૧૫ દિવસ પછી એમણે આપણને કેસ સોંપ્યો. બરાબર ? " પ્રશાંત બોલ્યો.

" જી સર. એમણે ફેબ્રુઆરી મહિનામાં આપણને કેસ સોંપ્યો." મનીષ બોલ્યો.

" આપણે કેસ હાથમાં લીધો એ પછી એક મહિના સુધી આપણે ઘણી બધી તપાસ કરી. ઘણા બધા સવાલો પણ એમને કરેલા. પરંતુ તને જો બરાબર યાદ હોય તો એ વખતે પણ પોતાનો એકનો એક યુવાન દીકરો ગુમ થઈ ગયા પછી જે પીડા પિતાના દિલમાં હોવી જોઈએ તે નહોતી. કોઈપણ પિતા પોતાનો દીકરો દોઢ વર્ષ પછી અચાનક મળી આવ્યો હોય તો પત્નીની રાહ જોવા માટે ઉભા ન રહે. પરંતુ તરત જ ઝડપથી જઈને સૌથી પહેલાં પોતાના પુત્રની પાસે જ જાય અને એને વહાલથી વળગી પડે. એને શોધવા માટે આપણને રોકવા ના પડે. " પ્રશાંત બોલ્યો અને એણે સિગરેટ સળગાવી

" કામિનીબેન મા હોવા છતાં દીકરો ગુમ થઈ જવાનો આઘાત એમણે બહુ જલ્દી પચાવી લીધો હતો. એમના ચહેરા ઉપર એવી કોઈ વેદના મેં જોઈ ન હતી. દુઃખી એક માત્ર શાલ્વી હતી. " પ્રશાંત બોલતો હતો.

" હવે એ જૂની વાતને ભૂલી જઈએ. અંકિત સાથે જે વાતો થઈ એ પછી મને કેટલીક વાતો સમજાઈ ગઈ છે. અંકિત ચાલ્યો ગયો હતો એટલે શેઠનો વારસદાર પણ ચાલ્યો ગયો હતો. હોટલોનો આટલો સારો ધંધો જમાવેલો હતો પરંતુ એને સંભાળનાર પોતાનો દીકરો જ ના હોય તો ધંધાનું ભવિષ્ય શું ? ધંધાની વાત જવા દઈએ પણ પોતાની આગળની પેઢીનું શું ? " પ્રશાંત બોલી રહ્યો હતો.

" શાલ્વીને છૂટાછેડા નહોતા આપ્યા અને સાચી વાત નહોતી કરી એની પાછળ પણ એમની કોઈક ગણતરી હતી. કોઈ સારું પાત્ર મળી જાય તો શાલ્વીને અંકિતથી ડિવોર્સ લેવડાવી પેલા સાથે પરણાવીને એને જ દત્તક લઈ પોતાનો વારસદાર બનાવવાનું એમણે વિચાર્યું હશે એમ હું માનું છું. " પ્રશાંત મનીષ આગળ પોતાના મુદ્દા સ્પષ્ટ કરતો હતો.

" વલ્લભદાસ એ પણ જાણતા હતા કે અંકિતનો હમશકલ બીજો જોડીયા ભાઈ પણ છે પરંતુ શેઠનો મિત્ર રજનીકાન્ત ગુજરી ગયો હતો અને એ લોકોએ મકાન બદલી નાખ્યું હતું એટલે શેઠ પાસે અભિષેક વિશે કોઈ જ જાણ નહોતી. એ ડોક્ટર બની ગયો છે એ માહિતી પણ શેઠ પાસે નહોતી. શેઠની પ્રથમ પસંદગી અંકિતનો જોડિયો ભાઈ હતો એટલે એની શોધ કરી રહ્યા હતા અને આ માહિતી એમના ડ્રાઇવર રતને મને આપી હતી." પ્રશાંત હસીને બોલ્યો.

" શેઠ અંકિતના જોડિયા ભાઈને શોધી રહ્યા હતા એ માહિતી ડ્રાઇવર રતન પાસે તમને મળી ? તમે રતનને મળ્યા ? " મનીષ આશ્ચર્યથી બોલ્યો.

" સાચી માહિતી કઢાવવા બધી જગ્યાએ દાણા વેરવા પડે છે મનીષ. ઘરનો કોઈને કોઈ નોકર તો જાણભેદુ હોય જ છે. અંકિત સંન્યાસી બનીને ચાલ્યો ગયો છે એ વાત રતન નથી જાણતો. એ તો એમ જ માને છે કે નાના શેઠ ક્યાંક જતા રહ્યા છે. પરંતુ અંકિતના હમશકલને શોધવા શેઠ ઘણા સમયથી કોશિશ કરી રહ્યા હતા એ રતન જાણતો હતો. એ ડ્રાઇવર છે એટલે શેઠની સાથે બધે જતો જ હોય ! " પ્રશાંતે વાત ચાલુ રાખી.

"અચાનક દ્વારકામાં અભિષેક ઉપર શેઠની નજર પડી એ એમનું નસીબ હતું. અભિષેક હાથમાં ન આવ્યો એટલે કોઈ પણ સંજોગોમાં એને શોધી કાઢવા એમણે મને ફોન કર્યો અને મુંબઈ લઈ આવવાનું કામ આપણને સોંપી દીધું. રજનીકાન્તને તો એ ઓળખતા જ હતા એટલે એમના આ બીજા દીકરાને સમજાવીને વારસદાર બનાવવાની એમની ઈચ્છા હતી. " પ્રશાંત બોલી રહ્યો હતો.

" જો અભિષેક હોશમાં હોત તો પણ વલ્લભદાસ ગમે તેમ સમજાવીને પુત્ર તરીકે દત્તક લઈને એને વારસદાર બનાવી દેત. અભિષેક પરણેલો છે એવી એમને ખબર પડી હોત તો પછી એ શાલ્વીને છૂટી કરી દેત. કોઈપણ હિસાબે એમની ઈચ્છા અંકિતનું સ્થાન અભિષેકને આપવાની હતી. પરંતુ અભિષેક યાદ ગુમાવી બેઠો એટલે વલ્લભદાસનું કામ ઘણું સરળ થઈ ગયું. એ ઇચ્છતા નથી કે અભિષેકની યાદદાસ્ત ક્યારે પણ પાછી આવે. એ તો એમ જ ઈચ્છે છે કે શાલ્વી સાથે એનો સંસાર ચાલુ રહે અને વારસદાર મળે." પ્રશાંત બોલ્યો.

" વાહ સર વાહ. તમે કેટલી બધી કડીઓ પરોવી લીધી છે !! એક વાત મને જણાવો કે અંકિતની મેમરી પાછી આવે એવું શેઠ ઇચ્છતા નથી એ વાતની તમને કેવી રીતે ખબર પડી ? " મનીષ બોલ્યો.

" પહેલીવાર જ્યારે અંકિતને એનો ભૂતકાળ યાદ કરાવવા શેઠના ઘરે ગયો હતો ત્યારે શેઠને એ ગમ્યું ન હતું. મારી અંકિત સાથે વાતચીત ચાલુ હતી એ દસ મિનિટ દરમિયાન પણ પાણી પીવાના બહાને ધીમે ધીમે ચાલતા એ કિચનમાં ગયા હતા. " પ્રશાંત હસીને બોલ્યો.

" હવે છેલ્લો મારો મહત્ત્વનો સવાલ. સર તમને કેવી રીતે ખબર પડી કે અંકિત સન્યાસી બની ગયો છે ? અને તમને એનું ગંગોત્રીનું એડ્રેસ ક્યાંથી મળ્યું ?" મનીષ બોલ્યો.

" અંકિત સન્યાસી બની ગયો છે એ ખબર મને ન હતી. પરંતુ થોડા દિવસ પહેલાં હું માથે મુંડન કરાવીને અને એક શિબિરાર્થીનો વેશ ધારણ કરીને અંજલીને મળવા માટે ગયો હતો. અભિષેક હિમાલયની તળેટીમાં એક શિબિરમાં છે એવું મેં અંજલીના ઘરે કહ્યું હતું. તું નહીં માને મનીષ પણ આ વિચાર મને અંજલીના ઘરે જ આવ્યો હતો કે અભિષેકની જગ્યાએ અંકિત પણ આવી કોઈ શિબિરમાં હોય એવું ના બને !! ઈશ્વરનો આ કોઈ સંકેત તો નહીં હોય !! " પ્રશાંત બોલી રહ્યો હતો.

" એના પછીના બે દિવસ બાદ હું વલ્લભદાસ શેઠને મળવા માટે એમની હોટલે ગયો હતો. અને ત્યારે કોફી પીતી વખતે મારું ધ્યાન અચાનક વલ્લભદાસ શેઠની રિવોલ્વિંગ ચેરની પાછળ લગાડેલા પીળા કલરના એક મોટા સ્ટીકર ઉપર ગઈ. તેના ઉપર સ્વામી અપરોક્ષાનંદ આશ્રમ ગંગોત્રી એવું હિન્દીમાં લાલ અક્ષરે લખેલું હતું. આ સ્ટીકર શેઠે પોતાની ચેમ્બરમાં શા માટે ચોંટાડ્યું હશે !! બસ મને ઝબકારો થયો અને મેં એ જ વખતે નિર્ણય લીધો. " પ્રશાંત બોલી રહ્યો હતો.

" મેં છેલ્લે છેલ્લે વલ્લભદાસને અંકિતના ઘર છોડવા પાછળનું કારણ પૂછ્યું હતું. કોઈ એમનેમ અચાનક તો આટલો મોટો વૈભવ છોડીને જતું ના રહે ત્યારે એમણે મને એમ કહેલું કે એ બહુ લાંબી વાત છે અને એના માટે આપણે ફરી મળીશું. એનો મતલબ પણ એ જ થતો હતો કે અંકિતે ઘર છોડ્યું એ પ્લાનિંગથી જ છોડ્યું હશે અને શેઠ એ જાણતા જ હશે. અંકિત અચાનક ગુમ થઈ ગયો એવું કંઈ બન્યું ન હતું. અંકિત સન્યાસી બની ગયો હોય એવી શક્યતા મને વધારે લાગી હતી. " પ્રશાંત બોલ્યો.

" તમે ખૂબ જ જીનીયસ છો સર. તમારી પાસેથી મારે હજુ ઘણું શીખવા જેવું છે. " મનીષ બોલ્યો.

પરંતુ પ્રશાંતને એ ખબર નહોતી કે વલ્લભદાસ શેઠની પાછળની દીવાલ ઉપર આશ્રમનું નામ લખેલું સ્ટીકર બતાવનાર ખુદ સ્વામી નિર્મલાનંદજી હતા. હકીકતમાં એ દીવાલ ઉપર કોઈ સ્ટીકર હતું જ નહીં !!!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."