અભિષેક પ્રકરણ 54
પ્રશાંતે અંકિત વિશેની બધી ચર્ચા કરવા માટે એના આસિસ્ટન્ટ મનીષને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો અને મનીષના તમામ સવાલોના જવાબો આપ્યા હતા.અંકિત સન્યાસ લઈને હિમાલયની તળેટીમાં ગયો છે એની પાક્કી ખાતરી એને થઈ ગઈ હતી અને શેઠની કેબિનમાં એમની રિવોલ્વિંગ ચેરની પાછળની દિવાલ ઉપર ગંગોત્રીના એક આશ્રમનું એડ્રેસ પણ એક સ્ટીકરમાં એણે વાંચ્યું હતું. અને એટલા માટે જ ગંગોત્રી જવાનો નિર્ણય એણે લીધો હતો !! એની યાત્રા સફળ રહી હતી અને અંકિત સાથે મુલાકાત પણ થઈ હતી.
અભિષેક નવલકથા
" હવે આગળ આપણે શું કરવાનું છે સર ? " મનીષ બોલ્યો.
" બે કામ બાકી છે મનીષ. એક તો મારે શેઠ વલ્લભદાસને ફરી મળવાનું છે અને હવે એ નવી સ્ટોરી શું કહે છે એ સાંભળવી છે. બીજું અગત્યનું કામ અભિષેકની યાદદાસ્ત પાછી લાવવાની છે અને એના માટે શેઠને ખબર ના પડે એ રીતે બે દિવસ માટે અંકિતને રાજકોટ લઈ જવાનો છે. મને પાક્કી ખાતરી છે કે હોસ્પિટલ ગયા પછી અને ત્યાં દિપાલી લોકોને મળ્યા પછી એને ઘણું બધું યાદ આવી જશે." પ્રશાંત બોલી રહ્યો હતો.
" એની મેમરી પાછી આવી જાય પછી એને દહીસર લઈ જવાનો છે. અંજલી ગર્ભવતી છે અને ડિલિવરી આવે એ પહેલાં આ કામ થઈ જાય તો અતિ ઉત્તમ ! કોઈપણ પત્નીની એવી ઈચ્છા હોય જ કે પ્રેગ્નન્સીની હાલતમાં એક વાર એનો પતિ એને જુએ. આપણી પાસે બે મહિનાનો સમય છે. આપણે જે ભૂલ કરી છે એનું પ્રાયશ્ચિત આપણે જ કરવાનું છે." પ્રશાંત બોલ્યો.
" પરંતુ અભિષેકની મેમરી જો પાછી આવી જશે તો પછી શાલ્વીનું શું ? એ અંકિતના ગળાડૂબ પ્રેમમાં છે. એકને સુખી કરવામાં બીજીને પાછી દુઃખી કરવાની જ વાત આવીને સર. " મનીષ બોલ્યો.
" શાલ્વીની જવાબદારી આપણી નથી મનીષ. અંકિતે સન્યાસ લઈ લીધો હોવા છતાં પણ આજ સુધી શેઠે શાલ્વીને કોઈ વાત કરી નથી. અંકિતે શાલ્વીને ડિવોર્સ અપાવી દેવાની વાત એના પપ્પાને કરી હતી. છતાં પણ પોતાના સ્વાર્થ ખાતર વલ્લભદાસે એને પોતાના ઘરે જ રાખી છે. એ પોતે જાણતા હતા કે આપણે જેને લઈ આવ્યા એ અભિષેક છે છતાં પણ એમણે પોતાની પુત્રવધુ સાથે અભિષેકનો સંસાર ચાલુ કરાવ્યો. ઈશ્વર એમને કઈ રીતે માફ કરશે ! " પ્રશાંત બોલ્યો.
" તમારી વાત તો સાચી છે સર. " મનીષ બોલ્યો.
" આપણે આખી દુનિયાના કાજી નથી બની શકતા. આપણું કામ યોગ્ય વ્યક્તિને સાચો ન્યાય અપાવવાનું છે. અભિષેક કાયદેસર અંજલીનો પતિ છે. અંજલી પ્રેગ્નેન્ટ છે એટલે એને એનો પતિ પાછો મળવો જોઈએ. શાલ્વીનું ભાવિ વલ્લભદાસ નક્કી કરશે. એ એમની પુત્રવધુ છે. " પ્રશાંત બોલ્યો.
પ્રશાંત સરની વાત બિલકુલ સાચી હતી એટલે પછી મનીષે બીજી કોઈ દલીલ કરી નહીં.
બે દિવસ પછી વલ્લભદાસ શેઠનો પ્રશાંત ઉપર સામેથી ફોન આવ્યો કે જો પ્રશાંતની એમને મળવાની ઈચ્છા હોય તો આજે આવી શકે છે.
પ્રશાંત તો ફોનની રાહ જોઈ જ રહ્યો હતો એટલે એણે બપોરે ત્રણ વાગ્યે શેઠને મળવાનું નક્કી કર્યું અને સમય પ્રમાણે પહોંચી ગયો.
" આવો પ્રશાંતભાઈ." વલ્લભદાસ શેઠે પ્રશાંતનું સ્વાગત કર્યું.
પ્રશાંત વલ્લભદાસના વિશાળ ટેબલની સામેની ચેર ઉપર બેઠો. ફરી એની નજર રિવોલ્વિંગ ચેરની પાછળની દીવાલ ઉપર ગઈ પરંતુ ત્યાં આજે કોઈ જ સ્ટીકર નહોતું. એના બદલે શ્રીનાથજી બાવાનો વિશાળ કદનો ફોટો હતો. પ્રશાંતને બરાબર યાદ હતું કે એણે એ દિવાલ ઉપર આશ્રમનું નામ લખેલું સ્ટીકર જોયું હતું અને તે દિવસે આ ફોટો અહીં હતો જ નહીં. તો શું પોતાને ભ્રમ થયો હતો !! તાત્કાલિક સ્ટીકર ઉખાડીને ફોટો અહીં ભરાવ્યો હોય એવું તો બની જ ના શકે. શું આ અંકિતના ગુરુજીનો જ સંકેત હતો !!
" શેઠ આ પાછળની દીવાલ ઉપર શ્રીનાથજીનો આટલો સુંદર ફોટો હમણાં લગાવ્યો ? " છેવટે પ્રશાંતે પૂછી જ લીધું.
" નહીં તો. આ તો વર્ષોથી લગાડેલો છે. છેક શ્રીનાથજીથી લઈ આવેલો છું. " શેઠ બોલ્યા.
" હમ્ ... ખબર નહીં. મારું ધ્યાન તો આજે જ ગયું. " પ્રશાંત બોલ્યો.
" હવે સૌથી પહેલાં તમારા માટે કોફી મંગાવી લઉં. આજે આપણે કોલ્ડ કોફી પીએ. એની એક અલગ મજા છે. તમને કોલ્ડ કોફી ફાવશે ને ? " શેઠ બોલ્યા.
" જી બિલકુલ. આજે તમારી પસંદગી " પ્રશાંત હસીને બોલ્યો.
વલ્લભદાસે ઇન્ટરકોમ ઉપર બે કોલ્ડ કોફીનો ઓર્ડર આપી દીધો.
" હવે બોલો પ્રશાંતભાઈ. તમારા મનમાં જે પણ સવાલ હોય એ બધાના જવાબ આપવા તૈયાર છું. કારણ કે મારે કંઈ છૂપાવવાનું છે જ નહીં. મને મારો અંકિત પાછો મળી ગયો છે. " વલ્લભદાસ બોલ્યા.
" મારે તો મારી ફાઇલમાં શરૂઆતથી અંત સુધી બધું રેકોર્ડ કરવા માટે આ સવાલો પૂછવા છે. અંકિત મળી ગયો છે એટલે મારે બીજા કોઈ નવા સવાલો તો છે જ નહીં." પ્રશાંત બોલ્યો.
" પૂછો પૂછો. " વલ્લભદાસ શેઠ મૂડમાં હતા.
" સવાલ તો એનો એ જ છે જે મેં તે દિવસે પૂછ્યો હતો. અંકિત આમ અચાનક ઘરેથી ચાલી ગયો તો એ દિવસે ઘરમાં કંઈ બન્યું હતું ? આઈ મીન પતિ પત્ની વચ્ચે કોઈ ઝઘડો અથવા તમારી અને એની વચ્ચે ઉગ્ર બોલાચાલી જેના કારણે એને આમ ઘર છોડી દેવાનું મન થઈ જાય ! " પ્રશાંત શેઠને રમાડતો હતો.
" જુઓ પ્રશાંત ભાઈ. તમે તો જાણો જ છો કે અંકિત મારો સગો પુત્ર નથી. એને મેં દત્તક લીધેલો છે. ખૂબ જ લાડકોડથી એને અમે મોટો કર્યો છે. પાણી માગે ત્યાં દૂધ આપ્યું છે. છતાં મોટો થયા પછી એના વિચારો થોડા બદલાતા ગયા. મારો આટલો બધો વિકસેલો હોટલનો બિઝનેસ છે પણ એને એમાં જરા પણ રસ ન હતો. હોટલમાં જઈને પણ એ પોતાની ચેમ્બરમાં ગીતા અને ઉપનિષદો વાંચ્યા કરતો. " વલ્લભદાસ બોલી રહ્યા હતા.
" લગ્ન માટે પણ એ ના જ પાડતો હતો. એ લગ્ન જ ના કરે તો મારો વંશ આગળ કેવી રીતે વધે ? એટલા માટે તો મેં એને દત્તક લીધો હતો. ખૂબ જ સમજાવ્યો ત્યારે શાલ્વી સાથે એણે લગ્ન કર્યું. શાલ્વી ખૂબ જ સંસ્કારી અને ડાહી છોકરી છે. શાલ્વીએ એના વિશે અમને ક્યારેય પણ કોઈ ફરિયાદ કરી નથી પરંતુ અંકિતને જાણે કે સંસારમાં રસ જ ન હતો. " શેઠ બોલ્યા.
એ દરમિયાન વેઇટર બે કોલ્ડ કોફી લઈને આવ્યો અને મૂકીને જતો રહ્યો.
" તમે કોફી પીવાનું ચાલુ કરો. " શેઠ બોલ્યા અને એમણે પોતાની વાત ચાલુ રાખી.
" જે દિવસે એ ઘરેથી નીકળી ગયો એ દિવસે પણ એની અને શાલ્વી વચ્ચે કે મારે અને એની વચ્ચે કોઈ જ ચર્ચા થઈ ન હતી. સવારથી સાંજ સુધી બધું જ નોર્મલ હતું. એ દિવસે શાલ્વીનો તિથિ પ્રમાણે જન્મદિવસ હતો એટલે સાંજે એને એ જૂહુ ચોપાટી ઉપર ફરવા લઈ ગયો હતો. ત્યાં આઈસ્ક્રીમ પણ ખાધો હતો. એ પછી શાલ્વીને ઘરે મૂકીને ફરીથી એ ચોપાટી જવા નીકળી ગયો હતો. " વલ્લભદાસ બોલી રહ્યા હતા.
" બસ તે દિવસે એ સાંજે ગયો તે ગયો. સવાર સુધી પાછો ન આવ્યો. અમે તપાસ કરી તો ગાડી ચોપાટી પાસેથી મળી આવી. બે ત્રણ દિવસ રાહ જોયા પછી પોલીસ કમ્પ્લેન કરી અને પોલીસ પણ શોધી ના શકી તો પંદર દિવસ પછી અમે તમારો સંપર્ક કર્યો. બસ આ જ સાચી હકીકત છે પ્રશાંતભાઈ. " વલ્લભદાસ શેઠે પોતાની વાત પૂરી કરી.
શેઠે ભૂતકાળમાં પ્રશાંતને જે વાત કરી હતી એ જ વાત અત્યારે રિપીટ કરી હતી. સન્યાસી બની ગયેલા પ્રમાણિક અંકિતની વાત સાથે આ વાતનો કોઈ મેળ બેસતો ન હતો. અંકિતના કહેવા મુજબ તો ઘર છોડતાં પહેલાં શાલ્વીને એ બે ચાર દિવસ માટે એના પપ્પાના ઘરે મૂકી આવ્યો હતો. અને અંકિત તો પોતે સન્યાસી બનવા કાયમ માટે ઘર છોડી રહ્યો છે એવું શેઠને આગલી રાત્રે જણાવીને જ સવારે નીકળી ગયો હતો.
એણે તો શાલ્વીને બીજે પરણાવી દેવાની વિનંતી પણ એના પપ્પાને કરી હતી અને વકીલ દ્વારા ડિવોર્સ પેપર બનાવી એના ઉપર સહી પણ કરી આપી હતી ! શાલ્વીને સારી એવી રકમ આપવાની ભલામણ પણ શેઠને કરી હતી.
આ બધી જ વાતો શેઠે શાલ્વીથી છાની રાખી હતી. હવે આ જૂઠા માણસ પાસેથી વધુ કોઈ માહિતીની અપેક્ષા કઈ રીતે રાખી શકાય ? યોગ્ય સમય આવશે ત્યારે જ શેઠને ખુલ્લા પાડીશ એવું પ્રશાંતે મનોમન નક્કી કર્યું.
" સર તમારી જો પરમિશન હોય તો મારી ઈચ્છા એકવાર શાલ્વીબેનને મળવાની છે. " પ્રશાંતે જાણી જોઈને આ વાત કરી.
" સોરી પ્રશાંતભાઈ. તમારા બધા સવાલના જવાબ મેં આપી દીધા છે. તમારું પેમેન્ટ પણ મેં પૂરું આપી દીધું છે. મને મારો દીકરો પણ પાછો મળી ગયો છે. હવે આ બાબતમાં વધારે પૂછપરછ મને યોગ્ય લાગતી નથી. " વલ્લભદાસ અકળાઈને બોલ્યા.
" ઓકે સર. નો પ્રોબ્લેમ. મારે હવે વધારે કંઈ જ પૂછવું નથી. મારે જે માહિતીની જરૂર હતી એ તમે આપી દીધી છે એટલે હવે હું રજા લઉં. " પ્રશાંત બોલ્યો અને ઉભો થઈ બહાર નીકળી ગયો.
હવે કોઈપણ સંજોગોમાં વહેલી તકે અંકિતને રાજકોટ લઈ જવો જ પડશે અને એને અંકિતમાંથી અભિષેક બનાવવો જ પડશે. વલ્લભદાસના ઘરેથી એને દૂર કરવો જ પડશે ! – બહાર નીકળી પોતાની ગાડીમાં બેસતી વખતે પ્રશાંતે નિર્ણય લીધો.
બીજા દિવસે પ્રશાંતે મનીષને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.
" મનીષ ગઈકાલે હું ફરી વલ્લભદાસને મળવા માટે ગયો હતો. હજુ પણ એ શેઠ એની એ જ ઘસાયેલી કેસેટ વગાડે છે. મારો મુખ્ય પ્રશ્ન એને એટલો જ હતો કે જે દિવસે અંકિતે ઘર છોડ્યું એ દિવસે ખરેખર શું બન્યું હતું ! " પ્રશાંત બોલી રહ્યો હતો.
"અંકિતે આપણને સ્પષ્ટ કહ્યું હતું કે એણે ઘર છોડતાં પહેલાં સન્યાસ લેવાનો એનો નિર્ણય એના પપ્પાને કહી દીધો હતો. શાલ્વીને ડિવોર્સ આપી દેવાની પણ વાત કરી હતી અને બીજા દિવસે વહેલી સવારે એ એના પપ્પાને કહીને ઘરેથી નીકળી ગયો હતો." પ્રશાંત બોલ્યો.
" બિલકુલ સાચી વાત છે સર. અંકિતે આપણા સવાલોના બધા જ સાચા જવાબો આપ્યા હતા. " મનીષ બોલ્યો.
" છતાં આ માણસ એની એ જ વાત કરે છે. શાલ્વીનો જન્મદિવસ હતો એટલે સાંજે એને ચોપાટી ફરવા લઈ ગયો હતો. આઈસ્ક્રીમ ખાધો હતો. એ પછી શાલ્વીને ઘરે મૂકીને ગાડી લઈને નીકળી ગયો હતો અને સવાર સુધી પાછો આવ્યો જ ન હતો. સવારે એની ગાડી મળી આવી હતી. શેઠ આપણને પણ મામા બનાવે છે. " પ્રશાંત થોડા ગુસ્સાથી બોલ્યો.
" સર આપણે શાલ્વીને મળી શકીએ ? " મનીષે પૂછ્યું.
" મનીષ મને પણ એ જ વિચાર આવ્યો હતો કે હું શાલ્વીને પણ મળી જ લઉં. શેઠની મેં પરમિશન પણ માગી પણ શેઠ તો મારા ઉપર બગડ્યા. સત્ય સામે આવે એ શેઠને પસંદ નથી. શાલ્વીને મળવું તો પડશે જ પણ કઈ રીતે મળી શકાય એ સમજાતું નથી. એની સાથે પણ આ શેઠે વિશ્વાસઘાત કર્યો છે. " પ્રશાંત બોલ્યો.
" સર એક રસ્તો છે. આ કામ આપણે આપણી લેડી આસિસ્ટન્ટ કાજલને સોંપીએ. આવા બધા કામોમાં એ પાવરધી છે. એ શાલ્વીની આખી કુંડળી કાઢી લાવશે. શાલ્વી ક્યાં જાય છે, કોને મળે છે, એના મમ્મી પપ્પા કોણ છે એ બધી માહિતી એ દસ પંદર દિવસમાં લાવી આપશે. એ પછી આપણે નક્કી કરીએ કે શાલ્વીને કઈ રીતે મળી શકાય. " મનીષે સૂચન કર્યું.
" તારું આ સજેશન ઘણું સારું છે. અંકિતના ઘરનું એડ્રેસ તો તારી પાસે છે જ. તું કાજલને એ કામ સોંપી દે. ભલે પંદર વીસ દિવસ થાય આપણને કોઈ ઉતાવળ પણ નથી. " પ્રશાંત બોલ્યો.
" સર. " મનીષ બોલ્યો અને બહાર નીકળી ગયો.
કાજલ વાડેકરે બીજા દિવસથી જ પોતાને સોંપાયેલી ડ્યુટી ચાલુ કરી દીધી. એણે પ્રશાંત સરને માત્ર દસ જ દિવસમાં શાલ્વી વિશે તમામ રિપોર્ટ આપી દીધો. જાસુસ તંત્રની આ જ કમાલ હોય છે !
"સર બોરીવલીની ગોખલે એજ્યુકેશન સોસાયટીમાંથી શાલ્વીએ કોમર્સ કરેલું છે. એના પપ્પા જૈમિન શાહ જાણીતા આર્કિટેકટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. કાંદીવલી મહાવીરનગરમાં એમની ઓફિસ છે અને બોરીવલી ચંદાવરકર લેન ઉપર મયૂર ટાવરમાં એ રહે છે. શાલ્વીને કોઈ ભાઈ બહેન નથી. બે વર્ષ પહેલાં એનાં લગ્ન અંકિત શેઠ સાથે થયાં છે. " કાજલ પ્રશાંતની સામે એનો રિપોર્ટ વાંચી રહી હતી.
"અંકિતના પપ્પાનો હોટલ બિઝનેસ છે. એક ફોર સ્ટાર હોટલ જૂહુ તારા રોડ ઉપર છે જ્યારે બીજી હોટલ સુરત છે. અંકિત દોઢ વર્ષથી ગુમ હતો પણ હમણાં પાછો આવ્યો છે. શાલ્વી કોલેજ દરમિયાન કોઈ અમિત નામના યુવાનના પ્રેમમાં હતી અને અંકિત દોઢ વર્ષ સુધી જતો રહ્યો હતો ત્યારે એ અમિતને અવારનવાર મળતી હતી. શાલ્વી થોડા દિવસ પહેલાં બોરીવલી બાભઈ નાકા પાસે સેફરોન મેટરનીટી હોસ્પિટલ ચેકઅપ માટે ગઈ હતી. " કાજલ બોલી.
પરંતુ કાજલની આ વાત સાંભળીને પ્રશાંત ચમક્યો.
" શાલ્વી પ્રેગ્નન્ટ ના થઈ હોય તો સારું. જો એ પ્રેગ્નન્ટ થઈ ગઈ હશે તો આપણી મુશ્કેલી વધી જશે. " પ્રશાંત બોલ્યો.
" નથી થઈ સર. શાલ્વી અત્યારે પ્રેગનેન્ટ નથી. એટલી માહિતી તો મેં પાક્કી મેળવી છે . મારું માનવું છે કે પ્રેગ્નન્સી નથી આવતી એટલા માટે જ કદાચ એ ચેક અપ માટે ગઈ હશે. " કાજલ બોલી.
" ગુડ વર્ક. " પ્રશાંતે કાજલના કાર્યની દિલથી પ્રશંસા કરી.
" એક વાત પૂછું કાજલ ? " પ્રશાંત હસીને બોલ્યો.
" જી સર. " કાજલ બોલી.
" શાલ્વી વિશેની આટલી બધી ડિટેલ્સ માહિતી તને કેવી રીતે મળી ? " પ્રશાંત બોલ્યો.
" સર હું તમારા હાથ નીચે કામ કરું છું. સામ દામ દંડ ભેદ બધી નીતિ અજમાવી. કેટલીક માહિતી બહારથી મેળવી અને અગત્યની માહિતી તો મને એની કામવાળી શાન્તા પાસેથી જ મળી. મેં એને સારી એવી રકમ આપી એટલે અમુક માહિતી તો તરત જ મળી ગઈ. એ પછી એણે શાલ્વીને વાત વાતમાં પૂછીને કઈ કોલેજમાં અભ્યાસ કર્યો, એના પપ્પાનું નામ, ધંધો વગેરે માહિતી પણ મેળવી લીધી. કામવાળી બહુ જ હોશિયાર છે. એ લોકો મૂંગા મોઢે કામ કરતાં રહે પણ નજર ચારે તરફ હોય અને કાન સરવા હોય ! " કાજલ બોલતી હતી.
" અંકિત ન હતો ત્યારે શાલ્વી એના બોયફ્રેન્ડ અમિત સાથે ફોન ઉપર વાત કરતી હતી અને મળવા પણ જતી. એ બધી વાતો પણ એ કામવાળીએ જે તે સમયે સાંભળી લીધી હતી. હોટલનું નામ પણ એણે સાંભળ્યું હતું પરંતુ અત્યારે એને યાદ ન હતું. શાન્તાએ એમ પણ કહ્યું કે શાલ્વીને એના મરદથી સંતોષ ન હતો પણ અંકિત પાછો આવ્યા પછી એ હવે ખુશ છે. કામવાળી એના ઘરે આખો દિવસ રહે છે સર." કાજલ બોલી.
" આટલી માહિતી તો મારા માટે ઘણી છે. થેન્ક્યુ કાજલ તું હવે જઈ શકે છે. " પ્રશાંત બોલ્યો એટલે કાજલ ચેમ્બરની બહાર નીકળી ગઈ.
પ્રશાંતે ઇન્ટરકોમમાં વાત કરીને મનીષને અંદર બોલાવ્યો.
" સર. " મનીષ અંદર આવીને અદબથી બોલ્યો અને પછી ખુરશી ઉપર બેઠો.
" મનીષ કાજલે ઘણી બધી માહિતી આપી દીધી છે અને હવે આપણે આ માહિતીના આધારે એક્શન ચાલુ કરવી પડશે. શાલ્વી એના પતિ અંકિતને સંપૂર્ણ વફાદાર નહોતી એ આપણા માટે એક પ્લસ પોઇન્ટ છે. નવા અંકિતની એટલે કે અભિષેકની યાદદાસ્ત જો પાછી આવી જાય અને એ અંજલી પાસે જતો રહે તો શાલ્વીને બહુ મોટો આઘાત કદાચ નહીં લાગે. શેઠ એના જો ડિવોર્સ કરાવી આપે તો એ બીજા લગ્ન માટે પણ કદાચ તૈયાર થઈ જશે. આ મારું અનુમાન છે. " પ્રશાંત બોલ્યો.
" હમ્ ... " મનીષ બોલ્યો.
" આપણે હવે શાલ્વીના બદલે એના પપ્પાને મળવું પડશે. કાજલના કહેવા પ્રમાણે એના પપ્પા જૈમિન શાહ કાંદીવલીના બહુ જાણીતા આર્કિટેકટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. અંકિત જતો રહ્યો ત્યારે વલ્લભદાસે પોતાના વેવાઈ જૈમિન શાહ સાથે શું વાત કરેલી છે એ આપણે જાણી લઈએ તો આગળનો પ્લાન આપણે બનાવી શકીએ. જૈમિન શાહ પણ કદાચ અભિષેકને અંકિત જ માની રહ્યા હશે. પરંતુ જે સત્ય છે તે વહેલી તકે આપણે જૈમિન શાહની સામે પણ લાવવું જ પડશે. " પ્રશાંત બોલ્યો.
" હા સર. વલ્લભદાસની રમત ખુલ્લી પાડવી જ જોઈએ." મનીષે જવાબ આપ્યો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

