અભિષેક (Abhishek Novel Part-55)

Related

અભિષેક પ્રકરણ 55

કાજલ પાસેથી બધી જ માહિતી મેળવી લીધા પછી પ્રશાંતે કાંદીવલીના મહાવીરનગરમાં ઓફિસ ધરાવતા જૈમિન શાહનો નંબર શોધી કાઢ્યો. નામ અને કંપની જાણીતી હોવાથી એ શોધવામાં બહુ વાર ના લાગી. પ્રશાંતે ફોન ઉપર એમને રૂબરૂ મળવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને એમની એપોઇન્ટમેન્ટ લઈ લીધી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

આપેલા સમય પ્રમાણે બીજા દિવસે પ્રશાંત વૈદ્ય જૈમિન શાહની ઓફિસે પહોંચી ગયો. ઓફિસ ઘણી મોટી હતી અને બહાર રિસેપ્શન કાઉન્ટર પણ હતું. પ્રશાંતે પોતાનું વીઝીટીંગ કાર્ડ ત્યાં આપ્યું. રિસેપ્શનિસ્ટે અંદર ઇન્ટરકોમ ઉપર વાત કરી લીધી અને પ્રશાંતને અંદર જવાનું કહ્યું.

" સર મારું નામ પ્રશાંત વૈદ્ય છે અને મારી પોતાની ભાંડુપમાં ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી છે. અંકિત શેઠ બે વર્ષ પહેલાં ઘરેથી જતા રહ્યા હતા ત્યારે તેમને શોધવાનું કામ અમને જ સોંપવામાં આવ્યું હતું અને દોઢ વર્ષની મહેનત પછી રાજકોટથી એમને શોધીને અમે જ મુંબઈ લઈ આવ્યા છીએ. " પ્રશાંતે વાતની શરૂઆત કરી.

" હા તમારા વિશે અમારા વેવાઈ પાસેથી મેં ઘણું સાંભળ્યું છે. પરંતુ અંકિતકુમારને આવ્યાને તો સાત મહિના જેવો સમય થઈ ગયો. હવે આટલા સમય પછી મને મળવાનું કોઈ કારણ ? " જૈમિનભાઈ બોલ્યા.

" સર કારણ વગર તો આટલે દૂર હું ધક્કો ખાઉં જ નહીં ને ! કોઈ પણ કેસ અમે હાથમાં લઈએ એટલે એની એક આખી ફાઈલ બને છે. અને એ કેસ સાથે જોડાયેલી તમામ માહિતી મેળવીને અમે રેકોર્ડ ઉપર લઈએ છીએ. આ અમારી એક સિસ્ટમ છે. કેસ તો પતી ગયો છે. અંકિતભાઈ મળી આવ્યા છે. અમને અમારી રકમ પણ મળી ગઈ છે છતાં કેટલીક માહિતી ફાઇલમાં ખૂટે છે એટલે જસ્ટ તમને મળવા આવ્યો. મારે તમને વધારે કોઈ પ્રશ્નો પૂછવાના નથી. " પ્રશાંત બોલ્યો.

" પરંતુ બધી જ માહિતી તમને મારા વેવાઈ પાસેથી જ મળી જાય ને ! મને મળવાનું કારણ હજુ મને સમજાતું નથી. " જૈમિનભાઈ બોલ્યા.

" કારણ છે સર. એ બધું જ હું તમને કહું છું. " પ્રશાંત બોલ્યો.

" ઠીક છે. તમે પૂછી શકો છો મને કોઈ પ્રોબ્લેમ નથી." જૈમિનભાઈ બોલ્યા.

" અંકિતભાઈ જ્યારે ઘરેથી ચાલી ગયા એ દિવસે શાલ્વી ક્યાં હતી ? અને અંકિતભાઈ ઘરેથી જતા રહ્યા તો અંકિત અને શાલ્વી વચ્ચે કોઈ ઝઘડો થયેલો ? શાલ્વીએ અંકિત વિશે ક્યારે પણ કોઈ ફરિયાદ તમને કરેલી ? સર કોઈપણ વ્યક્તિ ઘર છોડીને જતી રહે એટલે કોઈને કોઈ મોટું કારણ તો હોય જ. જે અમને મળતું નથી એટલે મારે તમારી પાસે આવવું પડ્યું છે. " પ્રશાંત બોલ્યો.

" અંકિતકુમાર પહેલેથી જ એક પ્રેમાળ અને લાગણીશીલ વ્યક્તિ હતા અને આજે પણ એવા જ છે. મારી દીકરીએ એમના વિશે મને ક્યારેય પણ કોઈ ફરિયાદ કરી નથી. એમણે ઘર છોડ્યું એના માટે મારી દીકરી તો કોઈ રીતે જવાબદાર નથી કારણ કે એમનો સંસાર તો સરસ ચાલતો હતો. અને જ્યારે ઘર છોડ્યું ત્યારે મારા જમાઈ શાલ્વીને ત્રણ ચાર દિવસ માટે મારા ઘરે મૂકી ગયેલા. અંકિત ઘર છોડીને જતા રહ્યા એના બે દિવસ પછી અમને ખબર પડી." જૈમિન શાહ બોલ્યા.

" બસ એટલા માટે જ મારે તમારી પાસે આવવું પડ્યું. વલ્લભદાસે જે પોલીસ કમ્પ્લેન કરેલી અને અમને પણ જ્યારે કેસ સોપ્યો ત્યારે એમણે એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે જે દિવસે અંકિતે ઘર છોડ્યું એ દિવસે શાલ્વીનો જન્મદિવસ હતો એટલે સાંજે અંકિત એને જૂહુ ચોપાટી ફરવા લઈ ગયો હતો. ત્યાં બંનેએ આઈસ્ક્રીમ પણ ખાધો હતો. એ પછી શાલ્વીને ઘરે મૂકીને ફરી પાછો અંકિત ગાડી લઈને ચોપાટી ગયો હતો અને સવાર સુધી એ પાછો આવ્યો ન હતો. સવારે એની ગાડી ચોપાટીના કિનારેથી મળી આવી હતી." પ્રશાંત બોલ્યો.

" વ્હોટ !! આવું એમણે શા માટે લખાવ્યું ? અને શાલ્વીનો જન્મદિવસ તો એપ્રિલમાં આવે છે ! " જૈમિન શાહ આશ્ચર્યથી બોલ્યા.

" હા સર. એટલે જ અમારે તમારી પાસે આવવું પડ્યું. અમે ઊંડી તપાસ કરી તો એ પણ જાણવા મળ્યું કે એમણે કોઈ પોલીસ ફરિયાદ કરી જ ન હતી. થોડા દિવસ પછી સીધો અમને જ કેસ સોંપેલો. અમારે સત્ય જાણવું હતું. બીજેથી અમને માહિતી એવી મળી કે અંકિત ઘર છોડીને ગયો ત્યારે શાલ્વી તેના પિયર હતી જે વાત હમણાં તમે પણ કન્ફર્મ કરી. " પ્રશાંત બોલ્યો.

"હા મારા ઘરે જ હતી." જૈમિનભાઈ બોલ્યા. એ પણ થોડા વિચારમાં પડી ગયા હતા.

" થેન્ક યુ સર. મારે બીજા કોઈ પ્રશ્નો પૂછવા નથી. હવે હું રજા લઉં. હું તમને બીજી વાર મળવા આવીશ. મારે કેટલીક વાતો કરવી છે પરંતુ અત્યારે નહીં. " પ્રશાંત બોલ્યો અને ઉભો થઈ ગયો.

" કંઈ ચિંતા જેવું તો નથી ને ? " પ્રશાંતે બીજી વાર મળવાની વાત કરી એટલે જૈમિનભાઈ બોલ્યા.

" નોટ એટ ઑલ સર." પ્રશાંત બોલ્યો અને બહાર નીકળી ગયો.

ગંગોત્રીમાં અંકિત સાચું જ કહેતો હતો કે એણે ઘર છોડ્યું ત્યારે એ શાલ્વીને એના મમ્મી પપ્પાના ઘરે ત્રણ ચાર દિવસ રહેવા મૂકી આવ્યો હતો જેથી ઘરેથી નીકળતી વખતે શાલ્વી એને કંઈ પૂછે નહીં અને રોકે નહીં. શેઠ વલ્લભદાસ જ ખોટું બોલી રહ્યા હતા.

આ બાજુ સાગર હોટલ પાસે અભિષેકના માથે એના ગુરુજીએ હાથ મૂક્યા પછી એની દસ ટકા જેટલી મેમરી પાછી આવી હતી અને એટલે એને ક્યારેક ક્યારેક પોતાના ભૂતકાળની પણ ઝાંખી થઈ જતી હતી.

" શાલુ આપણે એક વાર રાજકોટ આંટો મારી આવીએ. ખબર નહીં કેમ પણ મને હમણાંથી રાજકોટ જવાની બહુ ઈચ્છા થાય છે. " એક દિવસ રાત્રે બેડરૂમમાં અંકિત બોલ્યો.

" તમે છેલ્લા દોઢ વર્ષ સુધી રાજકોટ રહેલા છો એટલે આ રીતે ક્યારેક ક્યારેક તમને એની યાદ આવે. રાજકોટ જવું હોય તો મને કોઈ વાંધો નથી. તમારી સાથે મને પણ રાજકોટ જોવા મળશે. પરંતુ પપ્પાની રજા લઈ લો એક વાર. " શાલ્વી નિર્દોષ ભાવે બોલી.

એને બિચારીને ખબર ન હતી કે રાજકોટમાં દોઢ વર્ષ સુધી જે રહેતો હતો એ એનો અંકિત નહીં પણ ડૉ. અભિષેક હતો ! જ્યારથી અંકિત પાછો આવ્યો છે ત્યારથી એ તો એને પોતાનો પતિ અંકિત જ માનતી હતી. અંકિત જેવો બીજો પણ એક વ્યક્તિ છે એની એને કોઈ ખબર જ ન હતી.

" પપ્પા મારી ઈચ્છા એકવાર શાલ્વીને લઈને રાજકોટ જવાની છે. તમે બધા કહો છો કે છેલ્લા દોઢ વર્ષથી હું રાજકોટ હતો તો એકવાર રાજકોટ ફરી આવું જેથી કદાચ મારી યાદદાસ્ત પાછી આવે. શાલ્વી પોતે પણ રાજકોટ જોવા માંગે છે. " બીજા દિવસે બપોરે દોઢ વાગે જમતી વખતે અંકિત બોલ્યો.

અંકિતની આ વાત સાંભળીને શેઠ વલ્લભદાસનો પિત્તો ગયો. એમનો ચહેરો ગુસ્સાથી લાલઘુમ થઈ ગયો. એમણે હાથમાં પકડેલી દાળની ચમચી જોરથી થાળીમાં પછાડી. દાળના છાંટા એમનાં કપડાં ઉપર પણ પડ્યા.

" ખબરદાર જો રાજકોટનું નામ લીધું છે તો ! કોઈએ રાજકોટ જવાનું નથી. ફરવા માટે જગ્યાઓ ઓછી છે કે રાજકોટ રાજકોટ કર્યા કરે છે ? ત્યાં કોઈએ જવાનું નથી. " વલ્લભદાસ ભયંકર ગુસ્સાથી બરાડી ઉઠ્યા.

અંકિત અને શાલ્વી પપ્પાના આટલા બધા ગુસ્સાને જોઈને સ્તબ્ધ જ થઈ ગયાં. શાલ્વીને આ જરા પણ ના ગમ્યું. એવું તો એમણે શું કહી દીધું હતું કે પપ્પાએ આટલો બધો ગુસ્સો કર્યો ! કામિનીબેન પણ પોતાના પતિના આવા વર્તનથી અવાક થઈ ગયાં.

પરિવાર તો ઠીક પણ ગરમાગરમ રોટલી લઈને આવી રહેલો મહારાજ પણ ડરી ગયો અને કિચનમાં પાછો જતો રહ્યો.

પરંતુ એક મિનિટમાં જ વલ્લભદાસે રંગ બદલ્યો. એ સમજી ગયા કે રાજકોટ નામ સાંભળીને એમણે જે ગુસ્સો કર્યો એનાથી અંકિત અને શાલ્વીના માનસ ઉપર અવળી અસર થઈ શકે છે ! એ બંનેના મનમાં બીજી શંકાઓ પણ પેદા થઈ શકે છે !

" આજકાલ મારા માથા ઉપર ટેન્શન એટલું બધું છે કે નાની અમથી વાતમાં ગુસ્સો આવી જાય છે. મારા કહેવાનો મતલબ એટલો જ હતો કે રાજકોટમાં કંઈ જ જોવા જેવું નથી. અને આ યુવાન ઉંમરે દ્વારકા દર્શન કરવાની પણ જરૂર નથી. ફરવું જ હોય તો શિમલા મસૂરી જઈ આવો. ઉટી જઈ આવો. અરે ગોવા મહાબળેશ્વર લોનાવલા ખંડાલા જેવી કેટલી બધી જગ્યાઓ છે ! અઠવાડિયું ફરી આવો." વલ્લભદાસ પરાણે હસીને બોલ્યા.

પરંતુ આ હાસ્યની કે આ વાતોની શાલ્વી ઉપર કોઈ જ અસર ના થઈ. એને બહુ જ ખરાબ લાગ્યું હતું.

"ઉનાળામાં વિચારીશું પપ્પા. અત્યારે આ ઠંડી સિઝનમાં ક્યાંય પણ જવાની અમારી ઈચ્છા નથી. " શાલ્વી બોલી.

ડાઇનિંગ ટેબલ ઉપર એ પછી શાંતિ છવાઈ ગઈ. શાલ્વીના મનમાં થોડી કડવાશ ચોક્કસ આવી ગઈ કે પપ્પાએ અંકિત ઉપર આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર હતી જ નહીં. અંકિત ૩૦ વર્ષનો યુવાન દીકરો હતો અને બે ત્રણ દિવસ રાજકોટ જવા માટે પણ એને પપ્પાની પરમિશન લેવી પડે એ કેવું ? અને પપ્પાને પૂછવાનું તો મેં જ એમને કહ્યું હતું.

" અંકિત આપણે રાજકોટ ચોક્કસ જઈશું. ભલે થોડા દિવસ પછી જઈશું. તમારી ઈચ્છા છે તો તમે પૂરી કરો. પપ્પા એ ભૂલી જાય છે કે તમે દોઢ વર્ષ સુધી રાજકોટ રહેલા છો તો તમને રાજકોટની માયા હોય જ. આવી નાની નાની બાબતોમાં પૂછવાની કોઈ જરૂર નથી." બેડરૂમમાં આવ્યા પછી શાલ્વી બોલી.

" હા શાલ્વી મારે એકવાર તો જવું જ છે. આ તો તેં કહ્યું હતું એટલા માટે મેં જમતી વખતે જસ્ટ પપ્પાને પૂછ્યું. પણ પપ્પા આટલા બધા ગુસ્સે થશે એની તો મને કલ્પના જ ન હતી. " અંકિત બોલ્યો.

" મારી સામે પપ્પા આ રીતે તમારું ઈન્સલ્ટ કરે એ મારાથી સહન થતું નથી અંકિત. કહેવાની પણ એક રીત હોય. ક્યાં ફરવા જવું અને ક્યાં ના જવું એની સ્વતંત્રતા તો હોવી જ જોઈએ ને ! રાજકોટ નહીં જવાનું, દ્વારકા નહીં જવાનું એવા પ્રતિબંધો તે વળી હોતા હશે ?" શાલ્વી બોલી.

" રીલેક્સ શાલુ. મને કંઈ ખોટું લાગ્યું નથી. અને પપ્પાની વાતનું ખોટું શું લગાડવાનું ! આપણે હવે જતી વખતે એમને કહેવાની જરૂર નથી કે અમે રાજકોટ જઈએ છીએ. ધેટ્સ ઈટ ! " અંકિત બોલ્યો.

એ વાતને બીજો એક મહિનો થઈ ગયો. માર્ચ મહિનો બેસી ગયો અને અંજલીને આઠમો મહિનો પણ શરૂ થઈ ગયો. વીણામાસીએ એને સંપૂર્ણ આરામ કરવાનું કહી દીધું અને આરતી પણ ભાભીની સંપૂર્ણ સંભાળ રાખવા લાગી. અંજલીની મમ્મી પણ બે વાર આવીને ખબર કાઢી ગઈ.

આમ તો પહેલી સુવાવડ પિયર પક્ષ તરફથી એટલે કે મમ્મીના ઘરે જ થતી હોય છે પરંતુ અભિષેકનો હજુ પત્તો લાગ્યો ન હતો એટલે જયશ્રીબેન અંજલીને ડિલિવરી માટે ઘરે લઈ જઈ શકે એમ ન હતું.

આટલા દિવસોમાં અંજલીએ માસીએ આપેલું રામાયણ આખું વાંચી લીધું હતું અને ભાગવત પણ લગભગ અડધું વંચાઈ ગયું હતું. આ બે કથાઓ વાંચવાથી એના મનને બહુ જ શાંતિ મળતી હતી. એ રોજ એક બે કલાકનો સમય ફાળવતી હતી.

ગર્ભાવસ્થા દરમિયાન ગીતા રામાયણ શ્રીમદ ભાગવત જેવા ગ્રંથો વાંચવાથી ગર્ભની અંદર રહેલા બાળક ઉપર ખૂબ જ સારા સંસ્કાર પડે છે એ વાત સાબિત પણ થયેલી છે !

પરંતુ બીજી બાજુ ડિલિવરીનો સમય જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ પ્રશાંતની ચિંતા વધી રહી હતી. એણે આજે મનીષને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો હતો.

"મનીષ અંજલીની પ્રેગ્નન્સી હવે બે મહિના પછી પૂરી થઈ જશે એટલે આપણી પાસે સમય હવે માત્ર દોઢ બે મહિનાનો છે. અંજલી પ્રેગ્નેન્ટ હોય ત્યારે જ મારે અભિષેકને હાજર કરવો છે. આપણે હવે વહેલી તકે અંકિતને રાજકોટ લઈ જવો જ પડશે. મને વિશ્વાસ છે કે રાજકોટ હોસ્પિટલમાં ગયા પછી એની યાદદાસ્ત પાછી આવી જશે. " પ્રશાંત બોલ્યો.

" હા સર હવે એને રાજકોટ લઈ જવા માટે કોઈ પ્લાન બનાવવો પડશે. હવે આપણે બીજી વાર એને કીડનેપ કરીને રાજકોટ નહીં લઈ જઈ શકીએ." મનીષ હસીને બોલ્યો. પ્રશાંત પણ હસી પડયો.

" અંકિતને મળવા એના ઘરે પણ નહીં જઈ શકાય અને હોટલે પણ નહીં જઈ શકાય. કારણ કે બંને જગ્યાએ વલ્લભદાસની હાજરી હોય છે. એટલે કોઈપણ બહાને એને ક્યાંક બહાર બોલાવીને વાત કરવી પડશે. તું કંઈક વિચાર. હું પણ વિચારું છું. " પ્રશાંત બોલ્યો અને એણે સિગરેટ સળગાવી.

" મનીષ મને એક વિચાર આવ્યો. આપણે અંકિતના બદલે શાલ્વીને જ આપણી ઓફિસે બોલાવીએ અને એને સત્ય હકીકત જણાવી દઈએ. આજે નહીં તો મહિના પછી પણ જે આઘાત એને આપવાનો છે એ અત્યારે જ આપણે આપી દઈએ તો શાલ્વી જ આપણને સાથ આપશે. આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. " સિગરેટના બે કસ લીધા પછી પ્રશાંતનું મન એક્ટિવ થઈ ગયું.

" પરંતુ સર દોઢ વર્ષ પછી શાલ્વીને એનો પ્રેમ પાછો મળ્યો છે. અંકિતની પાછળ અત્યારે શાલ્વી ખૂબ જ પાગલ છે. સત્ય જાણ્યા પછી પણ શું એ અંકિતને છોડવા તૈયાર થશે ? " મનીષ બોલ્યો.

" કોઈપણ સ્ત્રી બીજી સ્ત્રીનું દુઃખ જોઈ શકતી નથી. સત્ય વસ્તુની એને ખબર પડશે કે અંકિત હકીકતમાં ડૉ. અભિષેક છે અને એ અંજલીનો ખોવાયેલો પતિ છે એટલે પછી એ ગર્ભવતી બનેલી અંજલીનો વિચાર પહેલો કરશે. અને વલ્લભદાસનું જૂઠાણું પણ આપણે બહાર લાવીશું એટલે જૂહુના ઘરમાં રહેવાની એની ઈચ્છા પણ નહીં રહે. " પ્રશાંત બોલ્યો.

" પરંતુ સર શાલ્વીને આપણી ઓફિસ માં બોલાવવી કેવી રીતે ? અને એ આટલે દૂર આપણને મળવા શા માટે આવે ? " મનીષે પૂછ્યું.

" આપણી કાજલ વાડેકર એ કામ કરી શકે. મને એના ઉપર વિશ્વાસ છે. કાજલ શાલ્વીને જઈને એમ કહે કે અંકિત વિશે એક અગત્યની વાત કરવા માટે અમારા સર તમને મળવા માંગે છે. કોઈને ખબર ન પડે એ રીતે તમારે મળવાનું છે. એ તૈયાર થાય તો ત્યાંની નજીકની કોઈ રેસ્ટોરન્ટમાં પણ મળી શકાય. મને વિશ્વાસ છે કે કાજલ એને કન્વીન્સ કરી શકશે. " પ્રશાંત બોલ્યો.

" આઈડિયા તો ઘણો સારો છે સર. હું અત્યારે જ કાજલને અહીં બોલાવું. " મનીષે તરત જ ઇન્ટરકોમ ઉપર કાજલને સરની ચેમ્બરમાં આવવાનું કહ્યું.

બે ત્રણ મિનિટમાં જ કાજલ ચેમ્બરમાં હાજર થઈ.

" સર. " આવીને કાજલ અદબથી બોલી. પ્રશાંતે એને બેસવાનો ઈશારો કર્યો.

" કાજલ તારે હવે બીજું એક છેલ્લું કામ કરવાનું છે." પ્રશાંત બોલ્યો.

" માય પ્લેઝર સર ! " કાજલ બોલી.

" તારે હવે કોઈ પણ રીતે શાલ્વીને મળવાનું છે. એને એમ કહેવાનું છે કે – અંકિત અંગેની એક અંગત જાણકારી આપવા માટે અમારા સર તમને મળવા માંગે છે. આ વાત તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. અમારી ઓફિસ તો છેક ભાંડુપમાં છે તો તમે જ્યાં કહો ત્યાં અમારા સર આવી જશે. – તારે એને ગમે તેમ કરીને એ મળવા તૈયાર થાય એના માટે કન્વીન્સ કરવાની છે. " પ્રશાંત બોલ્યો.

" કામ થઈ જશે સર. આવા બધા કામ તો મને બહુ જ ગમે છે. મળવાનું સ્થળ આપણે જ નક્કી કરવું પડશે. શાલ્વી ઉપર છોડવાનું મને યોગ્ય નથી લાગતું." કાજલ બોલી.

" ઠીક છે તું એકવાર એને મળવા માટે તૈયાર કર. એનો ફોન નંબર લઈ લેજે આપણે સ્થળ અને સમય એને ફોન ઉપર આપીશું. હું ત્યાં સુધી એને નજીક પડે એવી કોઈ જગ્યા વિચારી લઉં છું. જૂહુથી થોડે દૂર કોઈ લોકેશન વિચારવું પડશે. " પ્રશાંત બોલ્યો.

" સર લોકેશન પણ મેં વિચારી લીધું છે. મારી એક ફ્રેન્ડ વિલે પાર્લે ઈસ્ટ સ્ટેશનની નજીક જ ફ્લાય ઓવર પાસે પાર્લેશ્વર સોસાયટી બિલ્ડીંગ નંબર એકમાં રહે છે. દિવસે મારી ફ્રેન્ડનો હસબન્ડ જોબ ઉપર હોવાથી એ ઘરે એકલી જ હોય છે. શાલ્વીને એ નજીક પડશે. એની પાસે એકટીવા પણ છે સર. " કાજલ બોલી.

" અતિ ઉત્તમ ! તારું મિશન તું ચાલુ કરી દે. આપણે હવે શાલ્વીને મળીએ જ છીએ. " પ્રશાંતે આદેશ આપ્યો.

અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."