અભિષેક પ્રકરણ 56
શાલ્વીને મળીને અંકિત અંગેની સાચી વાત કરવાની પ્રશાંતની ઈચ્છા હતી કારણ કે અંજલીને ડિલિવરી થાય તે પહેલાં અભિષેક સાથે એનો મેળાપ થાય એ ખૂબ જરૂરી હતું. પ્રશાંત જે પણ થયું એના માટે પોતાને જ દોષિત માનતો હતો એટલે આ એક પ્રકારે એનું પ્રાયશ્ચિત હતું !અભિષેક નવલકથા
શાલ્વીને સત્ય હકીકત જાણીને આઘાત તો લાગશે જ પરંતુ એણે પણ વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે. અભિષેક સાથેનો એનો લાંબો સંબંધ ચલાવી ના લેવાય. શાલ્વી કદાચ પ્રેગ્નન્ટ થઈ જાય તો ઘણા મોટા પ્રશ્નો ઊભા થઈ જાય.
શાલ્વીને બોલાવી લાવવાનું કામ એણે એની આસિસ્ટન્ટ કાજલ વાડેકરને સોંપ્યું હતું. એને કાજલ ઉપર ખૂબ જ વિશ્વાસ હતો કે મુલાકાત માટે કાજલ શાલ્વીને ચોક્કસ કન્વીન્સ કરી શકશે.
કાજલે સૌ પ્રથમ શાલ્વીની નોકરાણી શાન્તાનો સંપર્ક કર્યો. એને બહાર રોડ ઉપર બોલાવી. અગાઉ પણ એણે સારી એવી રકમ શાન્તાને આપી હતી અને આજે પણ થોડી રકમ એના હાથમાં મૂકી.
" શાન્તા મારી વાત સાંભળ. મારે કોઈ પણ હિસાબે એકવાર શાલ્વીને દસ મિનિટ માટે મળવું છે. તું એમને મારી સાથે મળવા માટે તૈયાર કર. કહેજે કે અંકિત શેઠ વિશે અગત્યની માહિતી આપવા એક મેડમ તમને એકલાને દસ મિનિટ માટે મળવા માંગે છે. મેડમ આ મુલાકાત ખાનગી રાખવા માગે છે એટલે જ્યારે શેઠ શેઠાણી ઘરમાં ના હોય ત્યારે જ એ આવશે. " કાજલ મરાઠીમાં બોલી રહી હતી.
" એ પછી શાલ્વી જે સમય આપે એ સમયે હું હાજર થઈ જઈશ. મને તું આગલા દિવસે ફોન કરી દેજે " કાજલ બોલી.
" હો ઠીક આહે. મી તુમ્હાલા સાંગેન." શાન્તા બોલી.
અને બીજા જ દિવસે શાન્તાનો ફોન કાજલ ઉપર આવી ગયો કે શાલ્વી મેડમ મળવા માટે તૈયાર થયાં છે. કાલે સવારે સાડા દસ વાગે તમે ઘરે આવી જાઓ. મોટા શેઠ અને નાના શેઠ દસ વાગે હોટલે જતા રહે છે અને મોટા શેઠાણી એમના ગયા પછી તરત જ ગુલમહોર રોડ ઉપર ગોવર્ધનનાથજી મંદિરે દર્શન કરવા જાય છે અને કલાક પછી પાછાં આવે છે.
શાલ્વી કાજલને મળવા માટે તૈયાર થઈ એના માટે બે કારણો હતાં. એક તો કાજલે અંકિત વિશે અગત્યની માહિતી આપવાની વાત કરી હતી. બીજું કારણ એ પણ હતું કે હજુ બે ત્રણ દિવસ પહેલાં જ વલ્લભદાસ શેઠ રાજકોટનું નામ સાંભળીને અંકિત ઉપર બરાબરના બગડ્યા હતા. એટલે કોઈક તો એવી ખાનગી વાત હતી કે જે એના સસરાને પસંદ ન હતી ! એ વાત પણ કદાચ આ લોકો પાસેથી જાણવા મળે !
આપેલા સમય પ્રમાણે કાજલ જૂહુ સ્કીમના દસમા રસ્તા ઉપર આવેલા લક્ષ્મી વિલા ફ્લેટ ઉપર પહોંચી ગઈ.
" શાલ્વીબેન સૌ પહેલાં હું મારી ઓળખાણ તમને આપું. હું એક જાણીતી ડિટેક્ટિવ કંપનીમાં કામ કરું છું અને અંકિતભાઈને શોધવાનું કામ વલ્લભદાસ શેઠે અમારી કંપનીને જ સોંપ્યું હતું. મારા બૉસ પ્રશાંત સરના પ્રયત્નો દ્વારા અંકિતભાઈ રાજકોટથી મળી આવ્યા હતા એ તો તમને ખબર હશે જ. " કાજલ બોલી રહી હતી.
" શાલ્વીબેન તમે અંકિતભાઈનાં વાઇફ છો એટલે એમના વિશેની કેટલીક વાતો તમારે જાણવી ખૂબ જરૂરી છે. પ્રશાંત સરે જ મને અહીં મોકલી છે. તમારા ઘરે ચર્ચા શક્ય નથી એટલે તમારે સરને ઘરની બહાર જ મળવું પડશે. જે સમય તમને અનુકૂળ હોય એ સમય તમે મને કહો તો મારા સર તમને મળવા આવી જશે. પાર્લા ઈસ્ટના એક ફ્લેટમાં આપણે મળીશું. એડ્રેસ હું તમને આપું છું. " કાજલ બોલી.
" અંકિત વિશેની એવી તો કઈ વાત છે કે જેના માટે મારે સ્પેશિયલ તમારા સરને મળવા આવવું પડે ? " શાલ્વી બોલી.
" એ બધી જ ચર્ચા મારા સર તમને કરશે. મેડમ મને કંઈ જ ખબર નથી. સરે કહ્યું છે કે તમારે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. વલ્લભદાસ બધું જ જાણે છે પણ એ તમને કહેવા માગતા નથી. તમારી જો ઈચ્છા હોય તો આવો અમારું કોઈ દબાણ નથી. " જાણી જોઈને કાજલે આ રીતે વાત કરી.
" ઠીક છે કાલે સાંજે ચાર વાગે હું અહીંથી નીકળીશ. મારા મોબાઈલમાં એડ્રેસ ફોરવર્ડ કરી દો." શાલ્વી બોલી અને એનો મોબાઈલ નંબર એણે કાજલને આપ્યો.
કાજલે શાલ્વીના મોબાઇલમાં એડ્રેસ ફોરવર્ડ કરી દીધું અને પછી એ ઊભી થઈ ગઈ.
" કાલે પાર્લા અમે લોકો તમારી રાહ જોઈશું. અમારામાં વિશ્વાસ રાખવા બદલ થેન્ક્સ. " કાજલ બોલી અને નીકળી ગઈ.
અને બીજા દિવસે વિલે પાર્લે ઈસ્ટમાં પાર્લેશ્વર સોસાયટીના બિલ્ડીંગ નંબર એકમાં આવેલા ફ્લેટમાં શાલ્વી હાજર થઈ ગઈ. આ ફ્લેટ કાજલની ખાસ ફ્રેન્ડ નીતાનો હતો. શાલ્વી આવી ત્યારે પ્રશાંત વૈદ્ય અને કાજલ હાજર જ હતાં.
શાલ્વી પ્રશાંતને જોઈને જ ઓળખી ગઈ. થોડા મહિના પહેલાં આ જ વ્યક્તિ પોતાના ઘરે આવી હતી અને અંકિત સાથે ડ્રોઈંગ રૂમમાં કંઈક વાતચીત કરી હતી. પણ અંકિતે એ વખતે બેડરૂમમાં આવીને એવું કહ્યું હતું કે પપ્પાના કોઈ રિલેટિવ હતા.
" નીતા અમે લોકો અંદર બેડરૂમમાં બેસીએ છીએ. " શાલ્વી આવી એટલે કાજલ બોલી.
" હા હા તમે લોકો બેડરૂમમાં બેસો. તમને કોઈ જ ડિસ્ટર્બ નહીં કરે. તમે લોકો ચા તો પીઓ છો ને ? " નીતા બોલી.
" હા પણ હમણાં નહીં. અમારી વાત પતી જાય પછી આરામથી ચા પાણી પીશું. અમારા આ સર કોફી પીએ છે." કાજલ બોલી.
એ પછી ત્રણે જણાં ઊભાં થઈને બેડરૂમમાં ગયાં. કાજલ અને શાલ્વી બેડ ઉપર બેઠાં અને એની સામે રાખેલી એક ચેર ઉપર પ્રશાંત બેઠો.
" શાલ્વી હું પ્રશાંત વૈદ્ય. મારી પોતાની ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી છે. એક ગંભીર વાત કહેવા માટે આજે મેં તમને અહીં બોલાવ્યાં છે. તમારા માટે વાત આઘાતજનક છે પરંતુ તમારે એ જાણવી ખૂબ જ જરૂરી છે. અમે ચર્ચા શરૂ કરીએ એ પહેલાં તમારે મન મક્કમ કરવું પડશે અને ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે. જે સત્ય છે એ તમારે સ્વીકારવું જ પડશે. " પ્રશાંત બોલ્યો અને પછી બે મિનિટ મૌન રહ્યો જેથી શાલ્વી સત્ય સાંભળવા માટે પોતાની જાતને તૈયાર કરે.
" જે પણ સત્ય હોય એ તમે કહી શકો છો સર. " શાલ્વી બોલી તો ખરી પરંતુ અંદરથી ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી.
" તમારે મને એક વચન આપવું પડશે કે હું જે પણ વાત કરું એ તમારે સાંભળી લેવાની છે પણ એના ઉપર અત્યારે કોઈ એક્શન તમારે ચાલુ કરવાની નથી. હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનું છે. સાવ સાચું કહું તો અમને તમારી મદદની જરૂર છે અને અને આ નેક કામમાં તમારો સાથ જોઈએ છે. " પ્રશાંત બોલ્યો.
" જી સર. પણ વાત જાણ્યા સિવાય હું વચન કેવી રીતે આપું ? " શાલ્વી બોલી.
" વાત જ એવી છે શાલ્વી કે વાત જાણ્યા પછી તમે વચન નહીં આપી શકો. તમારા ગુસ્સાને તમે જલ્દી દબાવી નહીં શકો એટલા માટે જ તમારે મને પ્રોમિસ કરવું જ પડશે. વાત ગમે તેવી હોય પણ માનવતાને ખાતર પણ અત્યારે તમારે ચૂપ રહેવાનું છે. અમારા આ મિશનમાં તમારે સાથ આપવાનો છે. પ્લીઝ. " પ્રશાંત બોલ્યો.
" ઠીક છે સર પ્રોમિસ કરું છું." શાલ્વી બોલી.
" તમારા સસરાએ તમારી સાથે બહુ મોટી રમત રમી છે. મને કહેવું સારું નથી લાગતું પરંતુ અંકિતે સંસારનો ત્યાગ કરી દીધો છે અને એ સંન્યાસી બની ગયો છે. એ અત્યારે હિમાલયની તળેટીમાં છે અને અમે લોકો એને થોડા દિવસ પહેલાં જ રૂબરૂ મળી આવ્યા છીએ. એનો ફોટો પણ મારી પાસે છે અને એ પણ હું તમને બતાવું છું." કહીને પ્રશાંતે મોબાઇલમાં અંકિતનો જે ફોટો લીધો હતો એ શાલ્વીને બતાવ્યો.
લાંબા વાળ અને લાંબી દાઢીવાળો અંકિતનો ફોટો શાલ્વી આશ્ચર્યથી જોઈ રહી. એની આંખો ભીની થઈ ગઈ. છે તો અંકિત જ. તો પછી મારી સાથે અંકિત જેવો જ દેખાતો એ વ્યક્તિ કોણ છે ?
" હું સમજી શકું છું કે તમે મૂંઝાઈ ગયાં છો પરંતુ તમારી સાથે જે છે તે અંકિત નો હમશકલ જોડિયા ભાઈ છે. એનું નામ ડૉ. અભિષેક છે. એની યાદદાસ્ત ચાલી ગઈ છે એટલા માટે જ એ તમારી સાથે છે. વલ્લભદાસ પણ આ આ વાત જાણે છે કે એ ડૉ. અભિષેક છે. એમને એમનો ધંધો સંભાળવા માટે વારસદાર જોઈએ છે અને પોતાનો વંશ પણ ચાલુ રાખવો છે એટલે એમણે તમારાથી આ વાત છૂપાઈ છે." પ્રશાંત અહીં અટક્યો.
સાચી વાત જાણ્યા પછીનો શાલ્વીના ચહેરા ઉપરનો ભયંકર ગુસ્સો એ જોઈ શક્યો.
" તમને ખબર નથી શાલ્વી પરંતુ અંકિત પણ શેઠનો દત્તક લીધેલો પુત્ર છે. અંકિત જ્યારે સાત આઠ મહિનાનો હતો ત્યારે જ એમણે એમના મિત્ર પાસેથી એને કાયદેસર દત્તક લીધેલો. પરંતુ આ વાત એમણે અંકિતને કે તમને કરી નથી. અંકિતે સંસાર છોડી દીધો એ પણ વલ્લભદાસ જાણે છે. કારણ કે એમને કહીને જ એ હિમાલય ગયો હતો." પ્રશાંત બોલી રહ્યો હતો.
" આમ તો બધું શાંત થઈ ગયું હતું પણ શેઠ દ્વારકા ગયા અને એમણે અંકિત જેવા જ દેખાતા અભિષેકને ત્યાં જોયો એટલે એ સમજી ગયા કે એ અંકિતનો જોડીયો ભાઈ જ છે. શેઠનું શેતાની મગજ એક્ટિવ થઈ ગયું. એમણે અંકિતના બદલે એના જોડીયા ભાઈને પોતાનો વારસદાર બનાવવાનો આખો પ્લાન બનાવ્યો. " પ્રશાંત બોલી રહ્યો હતો.
" અંકિત જેવા દેખાતા અભિષેકની ગાડીના નંબર ઉપરથી એને શોધી કાઢવાનું કામ વલ્લભદાસે અમને સોંપ્યું. અભિષેક રાજકોટની એક હોસ્પિટલમાં ડોક્ટર હતો. અમને ખબર પડી કે ત્રણ ચાર દિવસ પછી એ રાજકોટ છોડીને કાયમ માટે મુંબઈ આવવાનો હતો. અમે રાહ જોઈ અને એ એની પત્ની સાથે મુંબઈ આવી રહ્યો હતો ત્યારે જ અમે એનો પીછો કર્યો. " પ્રશાંત બોલી રહ્યો હતો.
" એ અભિષેક પરણેલો છે ? " વચ્ચે જ શાલ્વી બોલી ઊઠી.
" હા શાલ્વી. હું બધી જ વાત તમને જણાવું છું. પૂરી વાત સાંભળ્યા પછી તમને પોતાને જ લાગશે કે તમારે આ નેક કામમાં મદદ કરવી જોઈએ. એની પત્ની અમદાવાદ ઉતરી ગઈ. અમારા માટે રસ્તો સરળ થઈ ગયો. અમે વડોદરા પાસેથી એનું અપહરણ કર્યું. પરંતુ અભિષેકે અમારી ગાડીમાં બેઠા પછી મારા બાઉન્સરો સાથે ઝપાઝપી કરી." પ્રશાંત વિસ્તારથી વાત સમજાવી રહ્યો હતો.
" એણે મારા ડ્રાઇવરનું ચાલુ ગાડીએ ગળું પકડીને દબાવ્યું એટલે મારા બીજા બાઉન્સરે એના માથામાં પૂરી તાકાતથી રિવોલ્વર મારી. એ પછી એ બેહોશ થઈ ગયો. મારા આસિસ્ટન્ટ મનીષે મને ફોન કર્યો. છેવટે મારે શેઠ સામે ખોટું બોલવું પડ્યું કે રસ્તામાં બાથરૂમ જતાં અંકિત સ્લીપ થઈ ગયો છે અને માથામાં વાગ્યું છે એટલે બેહોશ છે. એમણે એને જૂહુ પાસેની હોસ્પિટલમાં લાવવાનું કહ્યું. " પ્રશાંત બોલી રહ્યો હતો.
" અહીં હું તમને એક સ્પષ્ટતા કરી દઉં કે અંકિત અને અભિષેક બે જોડીયા ભાઈ છે એવી ખબર અમને ત્યારે ન હતી. અમે તો એવું જ સમજતા હતા કે આ અંકિત જ છે અને ઘરેથી નીકળી ગયા પછી રાજકોટ આવી ગયો હશે. એટલે અંકિતને એના ઘરે સોંપી દેવાની જ અમારી ફરજ હતી. પરંતુ કમનસીબે ઈજાથી અભિષેક પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો અને એનો પૂરો ગેરલાભ શેઠ વલ્લભદાસે લીધો. " પ્રશાંત થોડા આક્રોશથી બોલી રહ્યો હતો.
" એ અંકિત ન હતો છતાં પણ શેઠે અમને તો અંધારામાં રાખ્યા પરંતુ તમને પણ જણાવ્યું નહીં અને તમારા સંબંધો આગળ વધવા દીધા. એમની ઈચ્છા અભિષેકને જ અંકિત બનાવી તમારા દ્વારા વંશ વધારવાની હતી. એ એમ જ ઈચ્છતા હતા કે અંકિતની યાદદાસ્ત કદી પણ પાછી ના આવે." પ્રશાંત બોલી રહ્યો હતો અને એ જોઈ રહ્યો હતો કે શાલ્વી ગુસ્સાથી ધ્રુજી રહી હતી !
" એટલા માટે જ હમણાં અઠવાડિયા પહેલાં ડાઇનિંગ ટેબલ ઉપર અંકિતે રાજકોટ ફરવા જવાની વાત કરી ત્યારે પપ્પા ગુસ્સાથી બરાડી ઉઠ્યા હતા. એટલો ગુસ્સો કર્યો હતો કે અમે ડરી ગયાં હતાં." શાલ્વી વચ્ચે બોલી.
" એ જ હું તમને કહી રહ્યો છું. જો એ રાજકોટ જાય તો એની સ્મૃતિઓ બધી પાછી આવી જાય. વલ્લભદાસ એ કદી ઈચ્છતા નથી. એ તો તમને સંતાન થાય એવી જ ઈચ્છા રાખીને બેઠા છે જેથી સંતાન થઈ જાય તો તમે ક્યારે પણ છૂટા ન પડો. " પ્રશાંત બોલ્યો.
" બિલકુલ સાચી વાત છે. થોડા દિવસ પહેલાં જ આ વાત એમણે અમને કરી હતી અને હું મેટરનીટી હોસ્પિટલમાં ચેક અપ માટે પણ ગઈ હતી. " શાલ્વી બોલી.
" હવે એક અગત્યની વાત જે શેઠે તમારાથી છૂપાવી છે. અંકિત જ્યારે ઘર છોડીને ગયો ત્યારે એણે તમારા નામનો એક પત્ર પણ લખીને બંધ કવરમાં તમારા પપ્પાને આપેલો છે. વૈરાગ્યના કારણે ઘર છોડવાનું કારણ પણ પત્રમાં લખેલું છે. તમારી માફી પણ માગી છે. લગ્ન કરવાની એની ઈચ્છા ન હતી પરંતુ મા બાપના દબાણ હેઠળ એને લગ્ન કરવાં પડ્યાં વગેરે સ્પષ્ટતા પણ કરેલી છે. " પ્રશાંત એક પછી એક રહસ્ય ખોલી રહ્યો હતો.
" તમે મને અંકિત પાસે લઈ જઈ શકો ? હું એને એક વાર મળવા માગું છું. " વચ્ચે જ શાલ્વી બોલી.
" એ હવે શક્ય નથી શાલ્વી. હવે અંકિત એ આશ્રમમાં નથી. એણે કહ્યું કે હવે હું કાલથી જ હિમાલયની તળેટીમાં અજાણી જગ્યાએ જતો રહીશ. " પ્રશાંત બોલ્યો.
" ઓહ શીટ..." શાલ્વીએ નિઃસાસો નાખ્યો.
" એની સાધનાના કારણે એનામાં કેટલીક દિવ્ય શક્તિઓ આવી છે. તમે નહીં માનો પણ અમે ગયા ત્યારે મારું નામ પણ એણે દઈ દીધું. એણે એમ પણ કહ્યું કે એ અમારી રાહ જોઈ રહ્યો હતો. એણે હવે બધા જ સંસારી સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે." પ્રશાંત બોલતો હતો.
" હવે બહુ જ મહત્વની વાત જે અંકિતે અમને કહી છે. અંકિતે એના એડવોકેટ દ્વારા તમારી સાથે ડિવોર્સના પેપર્સ બનાવીને સહી પણ કરી દીધી છે જેથી તમે સરળતાથી કોર્ટમાં ડિવોર્સ લઈ શકો અને બીજાં લગ્ન કરીને સુખી થાઓ. સાથે સાથે તમને તમારા ભવિષ્ય માટે મોટી રકમ મળે એ વિનંતી પણ એણે પપ્પાને કરી છે. આ ડિવોર્સ પેપર્સની વાત પણ તમારા સસરાએ આજ સુધી તમને કરી નથી. તમને લખેલો પત્ર પણ તમને બતાવ્યો નથી." પ્રશાંત બોલ્યો અને શાલ્વીનો પિત્તો ગયો.
" હાઉ ડેર હી હાઈડ સચ ઈમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ ? હી ઈઝ પ્લેઈંગ વિથ માય લાઈફ ! મારે આજે જ મારા પપ્પાને વાત કરવી પડશે. " શાલ્વી ગુસ્સાથી બોલી.
" રિલેક્સ. એ સમય હજુ નથી પાક્યો. મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે વાત ખૂબ જ ગંભીર છે અને હમણાં કોઈ એક્શન લેવાની નથી. જ્યાં સુધી આપણું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી જેમ ચાલે છે તેમ ચાલવા દેવાનું છે." પ્રશાંત બોલ્યો અને કાજલે શાલ્વીને પાણીનો ગ્લાસ આપ્યો.
" કયું લક્ષ્ય ? " શાલ્વી બોલી. એ કંઈ સમજી નહીં.
" અંકિતમાંથી અભિષેક બનાવવાનું અને અભિષેક બન્યા પછી એને એની પ્રેગનેન્ટ પત્ની અંજલી પાસે દહીસર પહોંચાડવાનું ! " પ્રશાંતે ધડાકો કર્યો અને એ સાથે જ આંચકો લાગ્યો હોય એમ શાલ્વી ઊછળી પડી. એના હાથમાં રહેલો ગ્લાસ પણ પડતાં પડતાં રહી ગયો.
" અરે પણ અંજલીને તો હું બહુ સારી રીતે ઓળખું છું. અને એનો હસબન્ડ તો વિદેશમાં છે. " શાલ્વી બોલી.
" એ બિચારી બીજો શું જવાબ આપે ? એ અમદાવાદ ઉતરી ગઈ પછી અભિષેકનો ફોન જ બંધ થઈ ગયો કારણ કે એ ફોન સ્વીચ ઓફ કરીને અમારી ટીમે લઈ લીધો હતો. અમે એને આશ્વાસન આપ્યું છે કે એનો પતિ હિમાલયમાં કોઈ શિબિરમાં સાધના કરવા માટે ગયો છે. લગ્ન કરીને તરત જ પ્રેગનેન્ટ થઈ પણ એને જોવા માટે એનો પતિ જ હાજર નથી. " પ્રશાંત બોલ્યો.
અને એ સાથે જ પોતાના મોબાઈલની ગેલેરી ખોલીને પ્રશાંતે શાલ્વીને અભિષેક અને અંજલીના દ્વારકાના તેમજ સુહાગરાતે રાજકોટના બેડરૂમમાં લીધેલા ફોટા બતાવ્યા. શાલ્વીએ મોબાઇલ પોતાના હાથમાં લીધો અને બધા જ ફોટા શાંતિથી જોવા લાગી અને એ રડી પડી.
સુહાગરાતે સોળ શણગાર સજીને નવોઢા બનેલી અંજલીને એ ક્યાંય સુધી જોઈ જ રહી. એણે પોતે જ અજાણતાં એના પતિ અભિષેકને છીનવી લીધો હતો ! જાણે અજાણે એનાથી બહુ મોટું પાપ થઈ ગયું હતું. એને આત્મગ્લાનિ થઈ આવી.
" શાલ્વી જાણે અજાણે જે પણ થઈ ગયું છે એનું પ્રાયશ્ચિત તમારે પણ કરવાનું છે અને અમારે પણ કરવાનું છે. તમે અમને સાથ આપો. આપણે અંકિતને અભિષેક બનાવવાનો છે. " પ્રશાંત બોલ્યો.
" પણ હવે એ કઈ રીતે શક્ય બને ? હું પોતે અંજલી માટે થઈને સાથ આપવા માટે તૈયાર છું. " શાલ્વી મક્કમતાથી બોલી.
" આપણી નિષ્ઠા સાચી હોય તો ઈશ્વર પણ આપણને મદદ કરે છે. તમારે અંકિતને ગમે તે રીતે રાજકોટ લઈ જવાનો છે. તમે લોકો રાજકોટનો પ્રોગ્રામ બનાવો. અમે પણ તમારી સાથે જોડાઈ જઈશું. રાજકોટ પહોંચ્યા પછી અમે બાજી સંભાળી લઈશું. એકવાર એને બધું યાદ આવી જાય એ પછી આગળનો પ્લાન હું બનાવીશ. બસ તમે અમારી સાથે રહો અને અત્યારે ઘરમાં એવી રીતે રહો કે જાણે કંઈ બન્યું જ નથી." પ્રશાંત બોલ્યો.
" જી સર. હું તમને પૂરેપૂરો સપોર્ટ આપીશ અને રાજકોટનો પ્રોગ્રામ બનાવીને ટૂંક સમયમાં જ તમને જાણ કરીશ. " શાલ્વી બોલી.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

