અભિષેક પ્રકરણ 57
"ઋષિકેશભાઈ હું યોગેશ વ્યાસ બોલું છું. અભિષેકનો નવો નંબર હોય તો મને જરા આપો ને ! અને એ ઘરે આવી ગયો તો પણ તમે મને જણાવ્યું પણ નહીં !" એક દિવસ અચાનક ઋષિકેશભાઈ ઉપર યોગીજીનો ફોન આવ્યો.અભિષેક નવલકથા
" અભિષેક હજુ ઘરે ક્યાં આવ્યો છે યોગીજી ! આપણી વચ્ચે તે દિવસે વાતચીત થઈ એ પછી અભિષેકના કોઈ જ સમાચાર નથી. અભિષેકની યાદદાસ્ત જતી રહી છે અને અત્યારે એ અંકિત શેઠના નામથી જૂહુના એક ફેમિલીમાં ગોઠવાઈ ગયો છે. અંજલી બિચારી બહુ જ દુઃખી છે. કેમ આજે અચાનક પૂછવું પડ્યું યોગીજી ? " ઋષિકેશભાઈ બોલ્યા.
" અરે એડવોકેટ દોશી સાહેબ ગઈ કાલે મને મળવા માટે આવ્યા હતા. તમે તો જાણો જ છો કે એમના દ્વારા જ અભિષેકને આટલો મોટો વારસો મળ્યો છે ! એમણે જ મને કહ્યું કે ચાર મહિના પહેલાં અભિષેક એમને મળવા ગયો હતો અને પછી ખારમાં જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે ત્યાં પણ એ બે ત્રણ વાર જઈ આવ્યો છે. ઝડપથી હોસ્પિટલ બની જાય એના માટે અભિષેકે જાતે જઈને હોસ્પિટલની ડિઝાઇન ત્યાંના આર્કિટેક્ટને સમજાવી દીધી છે !" યોગીજી બોલી રહ્યા હતા.
" એનું બાકી નીકળતું કેશ પેમેન્ટ પણ કોઈ કાબરા કંપનીમાં જઈને આપી આવ્યો છે અને એ રકમ પણ બે કરોડ જેટલી છે. હોસ્પિટલ લગભગ તૈયાર થઈ જવા આવી છે ! એટલે જ મેં તમને પૂછ્યું. તમે જરા એના ઘરે જઈને તપાસ કરો. એ પાછો આવી ગયો લાગે છે. તમને કદાચ ખબર નથી લાગતી. " યોગીજી બોલ્યા.
" અરે પણ યોગીજી હું તો એ લોકોના ઘરે અવાર નવાર જાઉં છું. મારી સાથે અઠવાડિયામાં એક વાર તો વીણાબેન અને અંજલી વાત પણ કરે છે. હું સાચું કહું છું યોગીજી અભિષેક પાછો આવ્યો નથી. એ હજુ અંકિત તરીકે જ જૂહુમાં રહે છે. અંજલી પ્રેગ્નન્ટ થયેલી છે અને એના છેલ્લા દિવસો જાય છે." ઋષિકેશભાઈ બોલ્યા.
" તમે શું વાત કરો છો !! એવું કઈ રીતે બની શકે ? " યોગીજી સ્તબ્ધ થઈ ગયા.
" હા યોગીજી. તમે પણ ધ્યાનમાં બેસીને કંઈક જુઓ. અભિષેકની યાદદાસ્ત જતી રહી છે અને એ પોતે પોતાને અંકિત જ સમજે છે એટલે એ પોતે દોશી સાહેબને મળ્યો હોય કે હોસ્પિટલ ગયો હોય એ શક્ય જ નથી. અંકિતની પત્ની સાથે અભિષેકનો સંસાર પણ ચાલી રહ્યો છે. બહુ બધી ગરબડ થઈ ગઈ છે યોગીજી. અને તમે જે સમાચાર આપ્યા એના માટે મારે હવે જાતે ખાર જઈને તપાસ કરવી પડશે." ઋષિકેશ ભાઈ બોલ્યા.
" ઋષિકેશભાઈ વિચારવાની વાત તો એ છે કે દોશી સાહેબ કદી ખોટું ના બોલે. એ કહે છે એટલે અભિષેક એમને મળ્યો જ હોય અને પેમેન્ટ પણ આપ્યું જ હોય ! અભિષેક બનીને એમને કોણ મળ્યું અને કોણ કાબરાની ઓફિસમાં ગયું એ એક મહત્વનો પ્રશ્ન છે. " યોગીજી બોલ્યા.
" આ તો ખરેખર ચમત્કાર જ કહેવાય યોગીજી. અક્કલ કામ નથી કરતી. કલ્પના પણ ના થઈ શકે એવી ઘટના બની છે. દોશી સાહેબને અભિષેકની પ્રત્યક્ષ અનુભૂતિ એકાદ વાર થઈ હોય તો એ તો સમજી શકાય છે. પરંતુ તમે કહો છો એ પ્રમાણે તો અભિષેક બે ત્રણ વાર ખાર ગયો છે અને બે કરોડ પણ ચૂકવ્યા છે. આ બધું કેવી રીતે બને ! હું આજે સાંજે જ જઈ આવું છું. " ઋષિકેશભાઇ બોલ્યા.
" હા તમે જરા તપાસ કરો. મારે પણ ધ્યાનમાં બેસવું પડશે અને એના મહાન ગુરુજીને પણ પૂછવું પડશે. " યોગીજી બોલ્યા.
ઋષિકેશભાઈ માટે આ ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર હતા. એ સાંજે જ લોકલ ટ્રેઈનમાં બેસીને ખાર પહોંચી ગયા અને રીક્ષા કરીને લિંકિંગ રોડ ઉપર પોણા બે વર્ષ પહેલાં જે બંગલો જોવા અભિષેક સાથે ગયા હતા ત્યાં પહોંચી ગયા.
એમણે જોયું કે ત્યાં ખૂબ જ સુંદર બિઝનેસ કોમ્પ્લેક્સ બની ગયું હતું. લીલાશ્રી આર્કેડ નામનું સાઈન બોર્ડ પણ લાગી ગયું હતું. બહારનું બધું કામ પતી ગયું હતું અને અંદરનું કામ પણ ૮૦ ટકા જેવું પતી ગયું હતું. પહેલા માળે જઈને એમણે જોયું તો હોસ્પિટલનું સુંદર માળખું પણ તૈયાર થઈ ગયું હતું. ઈલેક્ટ્રીક પોઇન્ટ પણ લાગી ગયા હતા અને ફ્લોરિંગ પણ પતી ગયું હતું ! લાઈટ પંખા અને એસી ફીટ કરવાનાં બાકી હતાં અને ફર્નિચરનું કામ બાકી હતું ! યોગીજીની વાત એકદમ સાચી હતી.
ઋષિકેશભાઈ કોમ્પ્લેક્સમાં નીચે જે ઓફિસ હતી ત્યાં ગયા. ત્યાં એક યુવાન બેઠો હતો.
" અરે ભૈયા મને કોઈએ કહ્યું કે પહેલા માળે હોસ્પિટલ બની રહી છે તો એ હોસ્પિટલ કોની છે ? એ ડોક્ટર કદી અહીં આવે છે ખરા ? " ઋષિકેશભાઈ હિન્દીમાં જ બોલ્યા. કારણ કે એ યુવાન ફોન ઉપર જે રીતે કોઈની સાથે વાત કરતો હતો એ ઉપરથી ગુજરાતી નહોતો લાગતો.
" એ બધી માહિતી મારી પાસે નથી સર. મારું કામ નવું બુકિંગ લેવાનું છે અને થોડું સુપરવિઝન કરવાનું છે. તમે એના માટે અમારી બાંદ્રા ઓફિસે તપાસ કરી શકો છો. " યુવાન બોલ્યો.
" ઠીક છે તો પછી મને તમારી ઓફિસનું કાર્ડ હોય તો આપો અને મારે ત્યાં કોને મળવાનું છે એ પણ જણાવો. " ઋષિકેશભાઈ બોલ્યા.
" મેનેજર અગ્રવાલ સર આ લીલાશ્રી આર્કેડ સંભાળે છે તમે એમને મળી શકો છો." યુવાન બોલ્યો અને એણે કાબરા કન્સ્ટ્રક્શન કંપનીનું કાર્ડ આપ્યું.
ઋષિકેશભાઇ બીજા દિવસે સવારે લગભગ સાડા અગિયાર વાગે ફરી ટ્રેઈન પકડીને બાંદ્રા પહોંચી ગયા અને રીક્ષામાં બેસીને કાર્ડમાં જે એડ્રેસ હતું ત્યાં પહોંચી ગયા. ઓફિસ ઘણી જ વિશાળ હતી.
" મારે અહીંના મેનેજર અગ્રવાલ સરને મળવું છે. ઋષિકેશ જોષી મારું નામ." રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને ઋષિકેશભાઇ બોલ્યા.
" વેઇટ એ મિનિટ. " રિસેપ્શનિસ્ટ બોલી. એણે ઇન્ટરકોમમાં મેનેજર સાથે વાત કરી.
" જાઓ. અંદર ડાબી બાજુની ચેમ્બર અગ્રવાલ સરની છે." રિસેપ્શનિસ્ટ બોલી.
" હું બોરીવલીથી આવું છું. ઋષિકેશ જોષી મારું નામ છે. " અગ્રવાલની સામે બેઠા પછી ઋષિકેશભાઈએ પોતાનો પરિચય આપ્યો.
" હા બોલો સર." અગ્રવાલ ગુજરાતી ભાષામાં જ બોલ્યો.
" ખાર લિંકિંગ રોડ ઉપર જે લીલાશ્રી આર્કેડ બન્યું છે ત્યાં એક હોસ્પિટલ પણ બની રહી છે એવું મને ત્યાં સાઈટ ઉપરથી જાણવા મળ્યું. હું ગઈકાલે જ ત્યાં ગયો હતો. જેમની આ હોસ્પિટલ બની રહી છે એમના વિશે તમે મને જણાવી શકો ? હું વિલે પાર્લે રહું છું અને મારી દીકરી ડોક્ટર છે તો એને ત્યાં ગોઠવી શકાય. નજીક પણ પડે." ઋષિકેશભાઈએ વાર્તા કરી.
" એ હોસ્પિટલ ડૉ. અભિષેક મુન્શીની છે. બહુ સારા માણસ છે. એ દહીસર રહે છે એમનો નંબર મારી પાસે છે. તમે સેવ કરી લો. " અગ્રવાલ બોલ્યો અને એણે અભિષેકનો એ જ નંબર લખાવ્યો જે ખરેખર તો બંધ થયેલો હતો.
પળના પણ વિલંબ વગર ઋષિકેશ જોષીએ અભિષેકનો નંબર લગાવ્યો પરંતુ અત્યારે તો અસ્થાયી રૂપથી આ નંબરની સેવાઓ બંધ છે એવો મેસેજ આવતો હતો.
" તમારે આ નંબર ઉપર વાત થાય છે ખરી ? કારણ કે આ નંબરની સેવાઓ બંધ છે એવો મેસેજ આવે છે. " ઋષિકેશભાઈ બોલ્યા.
અગ્રવાલે પોતે પણ એ નંબર લગાવીને કોશિશ કરી પરંતુ ખરેખર આ નંબરની સેવાઓ બંધ છે એવો જ મેસેજ આવતો હતો.
" સર આ જ નંબર ઉપર મારે એમની સાથે ત્રણેક વાર વાત થઈ છે અને આ જ નંબર ઉપર મેં પણ ફોન કરેલો છે. અત્યારે કેમ બંધ છે એ મને ખ્યાલ નથી આવતો. " અગ્રવાલ બોલ્યો.
" છેલ્લે ડૉ. અભિષેક તમારી પાસે ક્યારે આવેલા ? " ઋષિકેશભાઈએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો.
" દોઢ બે મહિના જેવો સમય થઈ ગયો. હિસાબ પેટે જે પણ રકમ નીકળતી હતી એ બધી જ એક સાથે મને આપવા માટે બેગ લઈને ઓફિસે આવ્યા હતા. એ સિવાય સાઈટ ઉપર તો બે થી ત્રણ વાર ગયેલા છે. " અગ્રવાલ બોલ્યો.
"ઠીક છે અગ્રવાલજી. હવે ફરી ક્યારેક ડૉ. અભિષેક આવે તો એમનો નવો નંબર લઈ લેજો. " કહીને ઋષિકેશ ભાઈ ઊભા થઈ ગયા અને બહાર નીકળ્યા.
આ ખરેખર બહુ મોટો ચમત્કાર હતો. અભિષેક પોતે અહીં આવે, સાઇટ ઉપર બે ત્રણ વાર જઈ આવે, બે કરોડ જેવી રકમ રોકડમાં ચૂકવે એ બધું કોઈ રીતે પણ શક્ય ન હતું ! અભિષેક બનીને કોણ આ બધું કાર્ય કરતું હશે ! ઋષિકેશભાઈ માટે તો આ એક કોયડો જ હતો.
એમણે ઘરે જઈને બધી જ વાત વિગતવાર યોગીજીને કરી.
" યોગીજી તમારી વાત એકદમ સાચી છે. હું લીલાશ્રી આર્કેડમાં પણ જઈ આવ્યો તો ત્યાં પણ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. અભિષેક પણ ત્યાં બે થી ત્રણ વાર જઈ આવ્યો છે. કાબરા કંપનીના મેનેજરને મળ્યો તો એણે પણ એ જ વાત કરી કે ડૉ. અભિષેક એને મળેલા છે અને રોકડા રૂપિયા ચૂકવ્યા છે. યોગીજી આ બધું કેવી રીતે શક્ય બને ? " ઋષિકેશભાઈ બોલ્યા.
" જેમના ગુરુ આટલા બધા સમર્થ હોય અને સૂક્ષ્મ શરીરે પૂરી દુનિયામાં અનેક સ્વરૂપે વિહાર કરતા હોય એમના માટે બધું જ શક્ય છે. હવે મને સમજાઈ ગયું. મારે ધ્યાનમાં જઈને જોવાની પણ હવે જરૂર નથી." યોગીજી બોલ્યા.
" પરંતુ બે કરોડ જેવી રકમ એમણે કેવી રીતે ચૂકવી હશે ?" ઋષિકેશભાઈ બોલ્યા.
" એ રોકડા રૂપિયા અભિષેકે જ્યાં પણ મૂક્યા હશે ત્યાંથી જ એ રકમ ઓછી થઈ હશે. એના મહાન ગુરુજી તો ત્રિકાળજ્ઞાની છે. એમને રૂપિયા શોધવા ના પડે. એક સંકલ્પ માત્રથી કામ થઈ જાય ! " યોગીજી હસીને બોલ્યા.
" ખરેખર મહાન યોગીઓની લીલા અતિ ન્યારી છે. આપણી બુદ્ધિથી આ બધું ક્યારે પણ નહીં સમજાય." ઋષિકેશભાઇ બોલ્યા અને ત્યાં જ વાત પૂરી થઈ.
***********************
શાલ્વી પ્રશાંતને મળીને પોતાના ઘરે પાછી આવી ત્યારે ઘણી અપસેટ હતી. એના સસરાએ તો એની સાથે રમત રમી જ હતી પરંતુ સાસુએ પણ એમને સપોર્ટ આપ્યો હતો. એટલે એ બંને ઉપર નારાજ હતી છતાં પ્રશાંતે એને એકદમ નોર્મલ રહેવાનું અને કોઈ પણ જાતની પ્રતિક્રિયા નહીં આપવાનું કહ્યું હતું એટલે એ ઘરે આવીને પણ નોર્મલ જ રહી.
પ્રશાંત સરે કહ્યું છે કે અભિષેકની યાદદાસ્ત પાછી લાવવા માટે એને રાજકોટ લઈ જવો ખૂબ જ જરૂરી છે એટલે આજે રાત્રે અભિષેક સાથે રાજકોટના પ્રોગ્રામ વિશે ચર્ચા કરવી પડશે. હા અભિષેક..... હવે એ અભિષેક છે એ રીતે જ મારે વિચારવું પડશે અને અંતર પણ રાખવું પડશે ! અંકિત તો સન્યાસી બનીને હિમાલયની તળેટીમાં બેસી ગયા છે. હવે મારે મારા ભવિષ્ય વિશે પણ વિચારવું પડશે !
અંકિત એટલે કે અભિષેક તો રાજકોટ આવવા તૈયાર જ છે પરંતુ ઘરે શું કહીને નીકળવું એની ચર્ચા અભિષેક સાથે કરવી પડશે. આમ તો પપ્પાએ કોઈ પણ ફરવાના સ્થળે જવાની છૂટ આપેલી જ છે એટલે પ્રોગ્રામ બનાવવામાં તો કોઈ વાંધો નહીં જ આવે.
રાત્રે જમી પરવારીને અંકિત અને શાલ્વી બેડરૂમમાં આવ્યાં ત્યારે આજે અંકિતનો મૂડ એણે રંગીલો જોયો. શાલ્વી એના ચહેરા ઉપરથી જ પારખી ગઈ પરંતુ હવે એ અંકિત નહીં પણ અભિષેક છે એ વિચાર માત્રથી શાલ્વી અવઢવમાં પડી ગઈ. પોતે ભલે જાણતી હોય કે એ અભિષેક છે પરંતુ અભિષેક તો પોતાને અંકિત જ માનતો હતો એટલે એ તો મારી ઉપર હક કરવાનો જ હતો !
પરંતુ અભિષેક મારા માટે પરપુરુષ છે અને અંજલીનો પતિ છે ! એની સાથે હું શારીરિક સંબંધ ચાલુ રાખી શકું ? શું એ પાપ ના ગણાય ? એક વિચાર એને આગળ વધતી રોકતો હતો તો બીજી તરફ અભિષેકની તૈયારી જોઈને એના પોતાના આવેશો એના મન ઉપર આક્રમણ કરી રહ્યા હતા.
આટલા મહિનાઓથી એ અભિષેક સાથે જ રોજ સહશયન કરતી હતી તો પછી થોડા દિવસ વધારે ચાલુ રાખવાથી શું ફરક પડવાનો હતો ! અને હવે તો યાદદાસ્ત પાછી આવ્યા પછી અભિષેક કાયમ માટે અંજલી પાસે જતા રહેવાના છે તો પછી જેટલા દિવસ મારી સાથે છે ત્યાં સુધી એમની સાથે વધુને વધુ સુખ કેમ ના માણી લેવું ! અને અભિષેકને રોજ ના પાડીને કેટલા દિવસ હું એમને નારાજ રાખીશ ?
છેવટે એની અંદર રહેલી વાસના એના મન ઉપર સવાર થઈ ગઈ. વિષયી વિચારોની જીત થઈ અને એ રાત્રે રાજકોટની ચર્ચા બાજુમાં મૂકી એણે મોડી રાત સુધી ખૂબ જ આક્રમક રીતે અભિષેકને સાથ આપ્યો.
બીજા દિવસે બપોરે અંકિત જમવા આવ્યો અને એની સાથે બેડરૂમમાં બે કલાક રોકાયો એ દરમિયાન એણે રાજકોટની ચર્ચા ઉપાડી.
" અંકિત રાજકોટ જવાનો પ્લાન મેં બનાવી દીધો છે. આપણે ઘણા સમયથી શ્રીનાથજી દર્શન કરવા ગયાં નથી. શ્રીનાથજીની વાત કરીશું એટલે પપ્પા તરત જ હા પાડી દેશે. અને આપણે ગાડી લઈને બાય રોડ પ્રોગ્રામ બનાવીશું જેથી અમદાવાદથી સીધા રાજકોટ જઈ શકાય. ડ્રાઇવર તરીકે રતનને લેવાની ના પાડી દઈશું." શાલ્વી હસીને બોલી.
" આઈડિયા તો ઘણો સારો છે. મારી દ્રષ્ટિએ તો કદાચ આ જ શ્રેષ્ઠ રસ્તો છે. પરંતુ શાલુ આપણે શ્રીનાથજીની વાત કરીશું એટલે મમ્મી પપ્પા પણ આપણી સાથે આવવા તૈયાર થશે. કારણ કે આ ઉંમરે શ્રીનાથજી બાવાનાં દર્શન કરવાની એમની પણ ઈચ્છા હોય જ. " અંકિત બોલ્યો.
" હમ્ ... તમારી વાત સાચી છે. એ તો મેં વિચાર્યું જ ન હતું. ચાલો આપણે માઉન્ટ આબુની વાત કરીએ. હરવા ફરવા માટે માઉન્ટ આબુ આમ પણ ખૂબ જ જાણીતું છે. લગ્ન પછી ઘણાં કપલ હનીમૂન માટે મુંબઈથી માઉન્ટ આબુ જાય છે." શાલ્વી બોલી.
" તારું દિમાગ સરસ ચાલે છે. તરત જ બીજું ઓપ્શન શોધી કાઢ્યું. વેરી ગુડ. એ જ રાખીએ." અંકિત બોલ્યો.
અને બીજા દિવસે બપોરે જમતી વખતે અંકિતે ડાઇનિંગ ટેબલ ઉપર વાત કરી જ દીધી.
" પપ્પા અમે માઉન્ટ આબુ ફરવા જવાનો નિર્ણય લીધો છે. અમે બે દિવસ પછી શુક્રવારે સવારે ગાડી લઈને નીકળી જઈશું. "અંકિત બોલ્યો.
" માઉન્ટ આબુ જવાનો આ વિચાર મને ગમ્યો. બસ આવું જ સ્થળ પસંદ કરાય. આપણે અગાઉ બે વાર માઉન્ટ આબુ ગયેલાં છીએ. એકવાર તો તારો જનમ નહોતો થયો ત્યારે ગયાં હતાં અને બીજીવાર ગયાં ત્યારે તું ચાર પાંચ વર્ષનો હતો એટલે તને અત્યારે યાદ ના હોય. રતનને પણ હું કહી દઉં છું. " વલ્લભદાસ બોલ્યા.
" ના પપ્પા એમની ઈચ્છા જાતે ડ્રાઇવ કરવાની છે. અને હું સાથે છું એટલે ગાડી ફાસ્ટ નહીં ચલાવવા દઉ. અમે વચ્ચે આરામ કરતાં કરતાં જઈશું." શાલ્વી બોલી.
" શાલ્વી સાચું કહે છે. એ બંનેને એકલાં જ જવા દો. " કામિનીબેન બોલ્યાં અને એમણે એક પગેથી બાજુમાં બેઠેલા પતિનો પગ દબાવ્યો. વલ્લભદાસ પત્નીનો ઇશારો સમજી ગયા.
" ઠીક છે જેવી તમારી મરજી. પરંતુ ગાડી ધીમે ચલાવજો. આજકાલ અકસ્માતો બહુ થાય છે. " પપ્પા બોલ્યા.
" હું છું ને પપ્પા ! અને અમે વારાફરતી ગાડી ચલાવીશું એટલે એમને થાક પણ નહીં લાગે. " શાલ્વી બોલી.
અને આ રીતે અંકિત અને શાલ્વીનો રાજકોટ જવાનો પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયો.
એ જ રાત્રે શાલ્વીએ બેડરૂમની ગેલેરીમાં જઈને પ્રશાંત વૈદ્ય સાથે વાત કરી જેથી અંકિત સાંભળી ના શકે.
" સર શાલ્વી બોલું. અમે બે દિવસ પછી શુક્રવારે સવારે આઠ વાગે ઘરેથી રાજકોટ જવા નીકળી જઈશું. અમારી પાસે મર્સિડીઝ છે જેનો નંબર હું તમને વૉટ્સએપ કરું છું. " શાલ્વી બોલી.
" બહુ જ સરસ કામ કર્યું તમે. તમારી પ્રેમની આ કુરબાની હંમેશાં મને યાદ રહેશે. તમારા દિલની આ મહાનતા છે. અંજલીના તમને ખૂબ જ આશીર્વાદ મળશે. દોઢ વર્ષે હાથમાં આવેલો પતિ આટલી સરળતાથી છોડી દેવો એ નાનું કામ નથી. એના માટે પણ હિંમત જોઈએ. " પ્રશાંત બોલ્યો.
" મેં બહુ વિચાર્યા પછી આ નિર્ણય લીધો છે સર. કોઈના પતિને છીનવીને હું પાપમાં પડવા નથી માગતી. હવે મારું શું થશે એ મેં વિચાર્યું નથી. મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું છે. " શાલ્વી બોલી.
" બ્રેવો ગર્લ ! હું અને મનીષ પણ સવારે આઠ પહેલાં નીકળી જઈશું. અમે એ જ સ્કોર્પિયો લઈશું જેથી એને જોઈને પણ અભિષેકની સ્મૃતિઓ સળવળે. તમે જો વહેલાં પહોંચી જાઓ તો દહીસર ચેકનાકા વટાવીને ગાડીને સાઈડમાં ઉભી રાખજો. અમે પણ એ જ પ્રમાણે કરશું. જેથી સાથે ને સાથે પ્રવાસ થઈ શકે. આપણે ગાડીને વડોદરા તરસાલી પાસે હાઈફ્લાય હોટલ લઈ લેવાની છે. " પ્રશાંતે સૂચના આપી.
ગાડીને તરસાલીની હોટલ હાઈફ્લાય લઈ જવાનો નિર્ણય તો પ્રશાંતે લીધો પરંતુ ત્યાં ગયા પછી શું પ્રોબ્લેમ થવાનો છે એ કોઈને પણ કલ્પના ન હતી !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

