અભિષેક પ્રકરણ 58
છેવટે શુક્રવારનો દિવસ આવી ગયો. પ્રદીપ વૈદ્ય સાથે વાત થયા મુજબ શાલ્વીએ અભિષેકને રાજકોટ લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. માઉન્ટ આબુ જવાનું છે એવી ઘરે વાત કર્યા પછી સવારે પોણા આઠ વાગે જ અંકિત પોતાની મર્સિડીઝ લઈને ઘરેથી નીકળી ગયો.અભિષેક નવલકથા
ગુલમોહર રોડથી આગળ જઈને ગાડી અંધેરી તરફ વાળી અને ત્યાંથી બરફીવાલા રોડ પકડી ગોખલે બ્રિજ ક્રોસ કરી અંકિતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી લઈ લીધી. દહીસર ચેકનાકા વટાવ્યું એટલે શાલ્વીએ પોતે ગાડી ડ્રાઇવ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને અંકિતને ગાડી સાઈડમાં ઉભી રાખવાનું કહ્યું. ગાડી ઉભી રહી એટલે શાલ્વી બહાર નીકળીને ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગઈ.
એ દરમિયાન રસ્તામાંથી જ શાલ્વીએ પ્રશાંત સરને મેસેજ કરી દીધો હતો કે અમે લોકો નીકળી ગયાં છીએ.
એણે સીટ ઉપર બેઠા પછી જોયું તો એના આશ્ચર્ય વચ્ચે પ્રશાંતની બ્લેક સ્કોર્પિયો થોડેક દૂર આગળ જ ઊભી હતી. પ્રશાંત ખૂબ જ હોશિયાર હતો. એણે વિચારેલું કે શાલ્વી જો વહેલી પહોંચી જાય તો એણે ગાડી દહીસર ચેકનાકા પાસે ઉભી રાખવાનું અંકિતને કારણ શું બતાવવું ! એટલે એ વહેલો નીકળીને પોણા આઠ વાગે જ દહીસર આવીને ઉભો રહ્યો હતો. ગાડી મનીષ ચલાવતો હતો.
શાલ્વી બધું સમજી ગઈ અને એણે ગાડી સ્ટાર્ટ કરી. એની ગાડીને સ્ટાર્ટ થયેલી જોતાં જ આગળ ઊભેલી ગાડી પણ આગળ વધી. વડોદરા પાસે કોઈ હાઈફ્લાય હોટલમાં લંચ લેવાની વાત પ્રશાંત સર સાથે થઈ હતી અને એમણે સ્કોર્પિયોને ફોલો કરવાનું કહ્યું હતું એટલે શાલ્વીએ ડ્રાઇવિંગ હાથમાં લીધું હતું.
સવાર સવારમાં ટ્રાફિક ઓછો હતો. બંને ગાડીઓ લગભગ ૧૨૦ ની સ્પીડ ઉપર દોડી રહી હતી. બપોરના દોઢ વાગે તો વડોદરા તરસાલી ટચ કરી દીધું.
મનીષે તરસાલી પાસે એક્સપ્રેસ હાઈવે ઉપરથી ઉતારીને ગાડીને હાઈફલાય હોટલ તરફ લઈ લીધી અને ત્યાં પહોંચીને હોટલના પાર્કિંગ પ્લૉટમાં ગાડી પાર્ક કરી. બરાબર એની બાજુમાં શાલ્વીએ પણ પોતાની મર્સિડીઝ પાર્ક કરી.
લગભગ સાડા પાંચ કલાકની નૉનસ્ટોપ મુસાફરી થઈ હતી એટલે અંકિત અને શાલ્વીએ સૌ પ્રથમ વોશરૂમ જવાનું પસંદ કર્યું અને પછી જમવા માટે હોટલમાં દાખલ થયાં.
એ લોકો હોટલની અંદર દાખલ થયાં એ પછી પ્રશાંત અને મનીષ ગાડીમાંથી બહાર નીકળ્યા. પ્રશાંતે ત્યાં ઉભા રહીને હોટલનું બરાબર નિરીક્ષણ કર્યું.
" સર ક્રેટા ગાડી અભિષેકે અહીં પાર્ક કરેલી હતી. " મનીષે જગ્યા બતાવી.
"હા હવે એ ગાડી કોઈ પોલીસ સ્ટેશને પડી હશે. લાંબા સમય સુધી કોઈ ગાડી અહીં પાર્ક થયેલી હોય અને એનો માલિક લેવા ન આવે તો પોલીસને જાણ કરવાની હોટલના મેનેજરની ફરજ છે. જો આ હોટલની બહાર સીસીટીવી કેમેરા પણ છે. મને લાગે છે કે ફૂટેજ જોયા પછી એણે અપહરણની ફરિયાદ પણ કરી હશે. " પ્રશાંત બોલ્યો.
" તો તો પછી આ હોટલનો મેનેજર અભિષેકને અને મને તો ઓળખી જ જશે. " મનીષે શંકા વ્યક્ત કરી.
" ઓળખી જ જાય. તમને બંનેને ફરી આ હોટલમાં આવેલા જોઈને અને તારી આ જ સ્કોર્પિયો ફરી પાર્ક થયેલી જોઈને એ કદાચ પોલીસને જાણ પણ કરશે. " પ્રશાંત શાંત ચિત્તે બોલ્યો.
" તો પછી જો પોલીસ આવી જાય તો શું જવાબ આપવાનો છે સર ? " મનીષ બોલ્યો.
" આપણે ડિટેક્ટિવ છીએ. આપણે વળી ચિંતા શું કરવાની. પડશે એવા દેવાશે અને જવાબ મારે આપવાના છે તારે નહીં. ચાલો હવે આપણે પણ વોશરૂમમાં જઈ આવીએ અને જમી લઈએ. " પ્રશાંત હસતાં હસતાં બોલ્યો.
" ગમે તેવી પરિસ્થિતિમાં પણ હસતા રહેવાનો આ ગુણ મારે પણ શીખવા જેવો છે. " મનીષ બોલ્યો.
વોશરૂમ જઈને પ્રશાંત અને મનીષ પણ જમવા માટે દાખલ થયા. એમણે અંકિત બેઠો હતો એની બાજુનું જ ટેબલ પસંદ કર્યું.
" અરે અંકિત વ્હોટ આ સરપ્રાઈઝ ! તું અહીં ક્યાંથી ? " પ્રશાંત અંકિતની નજીક જઈને બોલ્યો. શાલ્વીને એ ઓળખતો જ ન હોય એમ એની સામે પણ ના જોયું.
" અરે અંકલ અમે લોકો રાજકોટ જઈ રહ્યાં છીએ. " અંકિતથી સાચું બોલાઈ ગયું. બોલાઈ ગયા પછી એને થયું કે આ અંકલ પપ્પાને ઓળખે છે એટલે એમને રાજકોટ કહેવા જેવું ન હતું. પણ હવે શું થાય !
" અરે હું પણ રાજકોટ જ જઈ રહ્યો છું. તમે લોકો રાજકોટમાં ક્યાં ઉતરવાના છો ? " પ્રશાંત બોલ્યો.
" અમે તો જસ્ટ ફરવા જઇએ છીએ એટલે કોઈ હોટલમાં ઉતરીશું અંકલ." આ વખતે અંકિતના બદલે શાલ્વી બોલી.
" તો પછી અમારી સાથે જ ભાભા હોટલમાં ઉતરો ને ! હોટલ પણ સારી છે. " પ્રશાંત બોલ્યો.
" ઠીક છે અંકલ. તમારી પાછળ જ રહીશું અમે." શાલ્વી બોલી.
એ પછી પ્રશાંત પોતાના ટેબલ ઉપર મનીષની પાસે જઈને બેસી ગયો અને જમવાનો ઓર્ડર નોંધાવ્યો.
પરંતુ હોટલનો મેનેજર શર્મા મનીષ અને અંકિતને તરત જ ઓળખી ગયો. એણે બહાર જઈને જોયું તો એ જ બ્લેક કલરની સ્કોર્પિયો પાર્ક કરેલી હતી. જે માણસનું સાત આઠ મહિના પહેલાં અપહરણ થયું હતું એ આ જ હતો. જેમાં એનું અપહરણ થયું હતું એ ગાડી પણ આ જ હતી.
શર્માએ વિના વિલંબે તરસાલી પોલીસ ચોકીના સબ ઇન્સ્પેક્ટર પરમારને ફોન લગાવ્યો.
" સર હું હાઇફ્લાય હોટલનો મેનેજર શર્મા બોલું છું. તમને યાદ છે સાત આઠ મહિના પહેલાં મારી હોટલના પાર્કિંગ પ્લોટમાંથી એક યુવાનનું બ્લેક સ્કોર્પિયો ગાડીમાં અપહરણ થયું હતું અને યુવાનની ક્રેટા ગાડી પાર્કિંગમાં જ પડી રહી હતી ? " શર્મા બોલ્યો.
" હા મને બરાબર યાદ છે. એ ગાડી અત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પડી છે. પણ એનું શું છે ? " પરમાર બોલ્યો.
" અરે સર તમે જલ્દી આવો. જેનું અપહરણ થયું હતું એ યુવાન અત્યારે મારી હોટલમાં જમી રહ્યો છે. એની સાથે એક યુવાન સ્ત્રી છે જે કદાચ એની પત્ની પણ હોય. અને જે સ્કોર્પિયોમાં અપહરણ થયું હતું એ ગાડી પણ અત્યારે અહીં જ પાર્ક કરેલી છે. જેણે અપહરણ કર્યું હતું એ વ્યક્તિ પણ અત્યારે એની સાથે છે. તમે જલ્દી આવો નહીં તો એ લોકો જમીને નીકળી જશે." શર્મા બોલ્યો.
" અરે એ લોકોને ગમે તેમ કરીને રોકી રાખજે. હું હમણાં જ નીકળું છું. એ લોકો જતા ના રહે એનું ખાસ ધ્યાન રાખજે." પરમાર બોલ્યો.
" જી સર. " શર્મા બોલ્યો અને એણે ફોન કટ કર્યો. એને ખ્યાલ હતો જ કે જમતાં જમતાં અડધો કલાક તો થવાનો જ છે અને ત્યાં સુધીમાં તો પરમાર સર આવી જશે.
આ બાજુ સબ ઇન્સ્પેક્ટર પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ સૂર્યવંશી સાહેબનો સંપર્ક કર્યો.
" સર સાત આઠ મહિના પહેલાં જે યુવાનનું તરસાલીની હાઈફલાય હોટલ પાસેથી સ્કોર્પિયો ગાડીમાં અપહરણ થયું હતું અને જેની ક્રેટા ગાડી મકરપુરા પોલીસ સ્ટેશનમાં છે એ યુવાન અત્યારે એ જ હોટલમાં બેઠો છે અને સ્કોર્પિયો ગાડી પણ આવી છે. એ યુવાનની પત્ની પણ સાથે લાગે છે. એ લોકોને એરેસ્ટ કરું ? " પરમાર બોલ્યો.
" સાચી હકીકત જાણ્યા સિવાય એમ એરેસ્ટ કઈ રીતે કરાય ? અપહરણ થયું છે એવું તો આપણે માનીએ છીએ. કોઈ ફરિયાદ હજુ સુધી થયેલી નથી. આપણે એમને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવી પડે. તું તાત્કાલિક હોટલે પહોંચી જા. હું આવું જ છું. તું એમને રોકી રાખજે." સૂર્યવંશી સાહેબ બોલ્યા.
" જી સર. " પરમાર બોલ્યો અને એણે બહાર જઈને બાઈક સ્ટાર્ટ કરી.
અંકિત લોકોએ જમવાનું ચાલુ કર્યું એ પછી પંદર મિનિટમાં સબ ઇન્સ્પેક્ટર પરમારની બાઈક આવીને ઊભી રહી. એ બાઈકને પાર્ક કરીને મોટા સાહેબની રાહ જોતો ત્યાં જ ઉભો રહ્યો.
પ્રશાંત વૈધની નજર ચકોર હતી. જમતી વખતે પણ એનું ધ્યાન ચારે તરફ રહેતું. એક જ પળમાં એને ગંધ આવી ગઈ કે આ સબ ઇન્સ્પેક્ટર લેવલનો માણસ અંકિત પાસે જ આવવાનો છે. એ હજુ બહાર બેઠો છે મતલબ કે પાછળ પોલીસની વાન પણ આવતી હોવી જોઈએ.
રાજકોટની પોલીસ અભિષેકની તપાસ કરવા માટે હોસ્પિટલ ગઈ હતી એટલે પ્રશાંતને ખબર તો હતી જ કે વડોદરામાં અપહરણનો કેસ થયો જ હશે અને આ હોટલના મેનેજરે જ ફરિયાદ લખાવી હશે.
એ જમતાં જમતાં ઉભો થઈને અંકિત પાસે ગયો.
" અંકિત મારી વાત ધ્યાનથી સાંભળ. તારી યાદદાસ્ત જતી રહી છે એટલે તને કંઈ ખ્યાલ નથી. પરંતુ તારી સાથે અહીં એક ઘટના બની હતી એટલે પોલીસ કદાચ પૂછપરછ કરવા માટે તારી પાસે આવશે. તને કંઈ યાદ નથી એટલે તારા વતી હું જ બધા જવાબ આપીશ. તને પૂછે તો તારે તારું નામ ડૉ. અભિષેક મુન્શી કહેવાનું અને આઠ મહિના પહેલા તું રાજકોટની પરિમલ હોસ્પિટલમાં હતો. બાકીનું બધું હું સંભાળી લઈશ. " પ્રશાંત ધીમા અવાજે બોલ્યો અને પોતાના ટેબલ ઉપર જતો રહ્યો.
પ્રશાંતે મનીષને કહ્યું હતું એ પ્રમાણે જ પોલીસની બોલેરો ગાડી આવી ગઈ. ઇન્સ્પેક્ટર સૂર્યવંશી નીચે ઉતર્યા. એમણે પણ બ્લેક સ્કોર્પિયો જોઈ.
અંકિત લોકો જમી રહ્યા હતા એટલે સૂર્યવંશી બહાર જ ઊભા રહ્યા. આ લોકો જમીને બહાર આવે એ પછી જ પોલીસ સ્ટેશન લઈ જવાનું એમણે નક્કી કર્યું.
૧૫ મિનિટ પછી અંકિત શાલ્વી પ્રશાંત અને મનીષ કાઉન્ટર ઉપર બિલ ચૂકવીને બહાર નીકળ્યાં. એ જેવાં બહાર નીકળ્યા કે તરત જ બે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર પરમાર સાથે સૂર્યવંશી સાહેબ સામે આવીને ઊભા રહ્યા.
પરંતુ અભિષેકના મહાન ગુરુ સ્વામી નિર્મલાનંદજીએ અહીં પણ એમની હાજરી છે એવી અનુભૂતિ કરાવી દીધી. પોલીસ ઇન્સ્પેક્ટર સૂર્યવંશી પ્રશાંત વૈદ્યના ઓળખીતા નીકળ્યા. બંને એકબીજાને બહુ જ સારી રીતે ઓળખતા હતા.
સૂર્યવંશી સાહેબ દોઢ વર્ષ પહેલાં જ્યારે સુરત હતા ત્યારે એક મર્ડર કેસમાં પ્રશાંતની મુલાકાત થઈ હતી અને પ્રશાંતે કેસ સોલ્વ કરવામાં એમને મદદ પણ કરી હતી.
" અરે સૂર્યવંશી સાહેબ તમે ! " પ્રશાંત એકદમ આગળ આવ્યો અને એમની સાથે હાથ મિલાવ્યા.
" તમારી ને મારી મેટર એક જ હોય તો ભેગા તો થઈ જ જવાય ને ! " સૂર્યવંશી હસીને બોલ્યા.
" બિલકુલ સાચી વાત. તમને મળીને આનંદ થયો સર. પરંતુ મારી તો કોઈ મેટર જ નથી સર ! આ ડૉ. અભિષેક અને આ એમની પત્ની. આ મારો આસિસ્ટન્ટ મનીષ. અભિષેક મારા મિત્રનો દીકરો છે. અમે લોકો રાજકોટ જઈ રહ્યા છીએ અને રાજકોટથી પાછા ફરતી વખતે પોલીસ સ્ટેશનથી ક્રેટા ગાડી પણ છોડાવવાના છીએ." પ્રશાંતે વાત જ એવી રીતે કરી કે અપહરણનો આખો કેસ હળવો થઈ ગયો.
સૂર્યવંશી સાહેબ પણ અનુભવી પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એમને લાગ્યું કે આ કોઈ અપહરણનો કેસ લાગતો નથી. નહીં તો આ બધા આવી રીતે સાથે ના હોય. ક્રેટા ગાડી છોડાવવાની પણ વાત કરી એટલે વાત કંઈક બીજી જ લાગે છે !
" હવે આપણે ભેગા થઈ જ ગયા છીએ તો પોલીસ સ્ટેશનમાં પધારો. પોલીસ સ્ટેશનની કોફી સારી આવે છે." સૂર્યવંશી બોલ્યા.
" અમે વળતી વખતે આવવાના હતા પણ હવે તમે અમારું સ્વાગત કરવા આવી ગયા છો તો તમારી સાથે જ અમે અત્યારે પોલીસ સ્ટેશન આવી જઈએ. " પ્રશાંત હસીને બોલ્યો.
" હા પોલીસ સ્ટેશન આવીને સ્ટેટમેન્ટ લખાવી દો એટલે ફાઈલ ક્લોઝ થઈ જાય. કીડનેપ થયાની ફાઈલ ઓપન થયેલી છે પરંતુ કીડનેપ થનાર અને કીડનેપ કરનાર બંને સાથે જ છે અને તમે પાછા વચ્ચે છો એટલે હવે ફાઈલ બંધ જ કરવી પડશે ! " સૂર્યવંશી બોલ્યા.
" બિલકુલ સર. તમારી પાછળ પાછળ જ અમે આવીએ છીએ." પ્રશાંત બોલ્યો અને સ્કોર્પિયો તરફ ગયો. અંકિત પણ પોતાની મર્સિડીઝ પાસે ગયો.
" પરમાર તારે હવે મકરપુરા પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી. હું સ્ટેટમેન્ટ લેવરાવી દઉં છું." સૂર્યવંશી બોલ્યા.
" સર. " પરમારે સાવધાન મુદ્રામાં સલામ કરી અને બાઈક લઈને રવાના થઈ ગયો.
તમાશો જોવા હોટલની બહાર આવેલો મેનેજર શર્મા તો આ લોકોની વાતચીત સાંભળીને દિગ્મૂઢ જ થઈ ગયો. ઇન્સ્પેક્ટર સાહેબ પણ આ બધા લોકોને ઓળખે છે ! આ કોઈ અપહરણનો કેસ જ નથી લાગતો. શર્મા નિરાશ થઈને પાછો અંદર ગયો.
આગળ બોલેરો અને પાછળ પાછળ સ્કોર્પિયો તથા મર્સિડીઝ દોડવા લાગી. મકરપુરા પોલીસ સ્ટેશન જઈને ત્રણે ગાડીઓ ઉભી રહી.
" હા તો તમે હવે મને બધી વાત કરો. એ દરમિયાન હું કોફી મંગાવી દઉં છું. આ લોકો તો ચા પીએ છે ને ! " સૂર્યવંશી સાહેબ બોલ્યા.
પ્રશાંતે અંકિત અને શાલ્વી સામે જોયું. બંનેએ હકારમાં માથું હલાવ્યું. ઇન્સ્પેક્ટરે ઓર્ડરલીને ત્રણ ચા અને એક કોફી લઈ આવવાનું કહ્યું અને રાઇટર પ્રતાપસિંહને અંદર મોકલવાનું કહ્યું.
" પ્રતાપસિંહ લગભગ આઠેક મહિના પહેલાં હોટલ હાઈફલાય પાસે એક યુવાનનું અપહરણ થયું હતું એવી તરસાલી પોલીસ ચોકીની એક ફાઈલ ઓપન થયેલી છે. તમે એ ફાઈલ રેકોર્ડ્સમાંથી શોધી કાઢો. જેમનું અપહરણ થયેલું એ આ ડૉ. અભિષેક પોતે જ છે અને એમનું અપહરણ થયું નથી. થોડીવાર પછી એમનું સ્ટેટમેન્ટ લઈને ફાઈલ મને આપી દેજો. " સૂર્યવંશી બોલ્યા.
" સર. " રાઇટર પ્રતાપસિંહ બોલ્યો અને ફાઇલ શોધવા માટે પોતાના રૂમમાં ગયો.
" હા હવે પૂરી વાત મને વિસ્તારથી બતાવો." સૂર્યવંશી પ્રશાંતની સામે જોઈને બોલ્યા.
"સર આ ડૉ. અભિષેક મુન્શી આઠેક મહિના પહેલાં રાજકોટની પરિમલ હોસ્પિટલમાં સેવાઓ આપતા હતા. એ પોતે મુંબઈ દહીસરમાં રહે છે અને એમના પપ્પાનો હોટલનો મોટો બિઝનેસ છે. એકનો એક દીકરો હોવાથી એમના પપ્પાએ છેવટે જોબ છોડાવી દીધી અને મુંબઈમાં જ હોસ્પિટલ બનાવી આપવાની વાત કરી. અત્યારે ખારમાં એમની મોટી હોસ્પિટલ પણ બની રહી છે. " પ્રશાંત પોતાની રીતે સ્ટોરી બનાવીને બોલી રહ્યો હતો.
" એ મુંબઈના જ છે તો પછી છેક રાજકોટની હોસ્પિટલમાં કેમ સેવા આપતા હતા ? " સૂર્યવંશી બોલ્યા.
" વતન પ્રેમ સર. મૂળ વતન એમનું રાજકોટ. એક બે વાર અભિષેક રાજકોટ ગયેલો અને એને એ ગમી ગયું. કેરિયરની શરૂઆત એણે રાજકોટથી કરી." હાજરજવાબી પ્રશાંતે તરત જવાબ આપ્યો અને વાર્તા ચાલુ રાખી.
" મારા એના પપ્પા સાથેના અંગત સંબંધો છે. મારો આસિસ્ટન્ટ મનીષ પણ એના પપ્પાને અને અભિષેકને ઓળખે છે. હવે બન્યું એવું કે જે દિવસે અભિષેક રાજકોટ છોડીને મુંબઈ આવી રહ્યો હતો એ જ દિવસે આ મનીષ પણ મુંબઈ આવી રહ્યો હતો. અચાનક બંને આ હોટલમાં જમવા માટે ભેગા થઈ ગયા. એ દિવસે અભિષેકની તબિયત બહુ સારી ન હતી. એને તાવ હતો અને ચક્કર પણ આવતા હતા." પ્રશાંત બોલી રહ્યો હતો.
" અભિષેકે જમતી વખતે મનીષને પૂછ્યું કે નજીકમાં ક્યાંય ગેરેજ છે ? કારણ કે પાછલા વ્હીલમાં હવા ઓછી લાગે છે. તો મનીષે મારા માણસને બહાર મોકલીને પાછલું વ્હીલ ચેક કરાવ્યું તો ગાડી પંકચર થઈ ગઈ હતી. જમી લીધા પછી બહાર જઈને અભિષેકે પણ જોયું કે ગાડી આગળ જઈ શકે એમ ન હતી. મનીષે અભિષેકને પોતાની જ ગાડીમાં મુંબઈ આવવાનું કહ્યું. એને તાવ પણ હતો.. હોટલના કમ્પાઉન્ડમાં ગાડી પડી રહે તો કોઈ વાંધો ન હતો. અભિષેક તૈયાર થઈ ગયો. " પ્રશાંત બોલ્યો.
" માની લઈએ કે અભિષેક તમારી ગાડીમાં મુંબઈ સુધી આવ્યો પણ તો પછી આટલા સમય સુધી એ પોતાની ગાડી લેવા માટે કેમ ન આવ્યો ? ગાડી વગર તો ચાલે જ નહીં. " સૂર્યવંશી બોલ્યા.
" મારી વાત તો પૂરી સાંભળો સર. તમને બધા જ જવાબો મળી જશે. મનીષ અભિષેકને લઈને મુંબઈ આવી ગયો અને એના ઘરે મૂકી આવ્યો. હવે ગાડી લઈ જવાની અભિષેકને ઉતાવળ એટલા માટે ન હતી કે એની પાસે મુંબઈમાં તો બીજી બે ગાડીઓ છે. એક તો આ મર્સિડીઝ છે. અને બીજી કઈ ગાડી છે તારી પાસે ? " પ્રશાંતે અંકિત સામે જોયું.
" પપ્પાની સિયાઝ છે પણ મોટાભાગે એ અંકિત જ વાપરે છે. " અંકિત જવાબ આપે એ પહેલાં જ શાલ્વી બોલી.
" હા સિયાઝ. ક્રેટા ગાડી તો એણે રાજકોટ માટે લીધેલી. એટલે એને ગાડીની બહુ ઉતાવળ ન હતી. અને વચ્ચે ત્રણ ચાર મહિના માટે અભિષેક યુરોપ ગયો હતો. એ હમણાં મહિના પહેલાં જ આવ્યો. હું રાજકોટ જતો હતો અને અભિષેકને પણ રાજકોટ થોડું કામ હતું અને ગાડી પણ છોડાવવાની હતી એટલે મારી સાથે જ રાજકોટ આવવાનો પ્રોગ્રામ બનાવ્યો." પ્રશાંત બોલ્યો.
" ઠીક છે. તમારી વાત સાચી લાગે છે કારણ કે એ ગાડી રાજકોટ નોંધાયેલી છે. હવે તમે લોકો ચા કોફી પીવાનું ચાલુ કરો. ઠંડી થઈ જશે." સૂર્યવંશી બોલ્યા.
" તમે કેમ કંઈ બોલતા નથી ડોક્ટર સાહેબ ? " ઇન્સ્પેક્ટર બોલ્યા.
"જે વિસ્તાર પૂર્વક અંકલ તમારી સાથે વાત કરી રહ્યા હતા એ રીતે બોલતાં મને ન ફાવે. મારી આખી હિસ્ટ્રી અંકલ જાણે છે એટલે એમણે મારી બધી જ વાત તમને કહી દીધી. અને આમ પણ હું પહેલી વાર જ પોલીસ સ્ટેશન આવેલો છું સર." અંકિત બોલ્યો.
" પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી અભિષેક. હવે તમે મારા રાઇટર પાસે બેસીને એક સ્ટેટમેન્ટ લખાવી દો કે મારું કોઈ જ અપહરણ થયું નથી. જે સ્કોર્પિયો ગાડીમાં હું મુંબઈ ગયો હતો એ અમારા સંબંધી પ્રશાંત વૈદ્યની જ ગાડી હતી. એ પછી તમને રાઇટર જે પેપર આપે એના ઉપર સાઇન કરી આપો એટલે તમને તમારી ગાડી પણ મળી જાય. ગાડીની ચાવી પણ રાઈટર પાસેથી લઈ લેજો. ભલે પછી તમે આજે લઈ જાઓ કે વળતી વખતે લઈ જાઓ. " સૂર્યવંશી બોલ્યા.
અંકિતે બાજુના રૂમમાં જઈને રાઇટર પાસે પીઆઇ સાહેબે જે કહ્યું એ પ્રમાણે સ્ટેટમેન્ટ લખાવી દીધું અને નીચે સાઇન પણ કરી દીધી. ક્રેટા ગાડી છોડાવવાના પેપર્સ ઉપર પણ સાઇન કરી દીધી. રાઇટરે ગાડીની ચાવી અંકિતને આપી અને અંકિતે બહાર આવી પ્રશાંતને આપી.
" ચાલો સર અમે રજા લઈએ. તમે મળી ગયા એટલે અમારું કામ આસાન થઈ ગયું. ગાડી અમે વળતી વખતે લઈ જઈશું. ગાડી ક્યાં પડી છે ? " પ્રશાંત બોલ્યો.
" ગાડી પોલીસ સ્ટેશનની પાછળ પડેલી છે. અત્યારે તો ધૂળ ચડી ગઈ હશે. તમે વળતી વખતે આવો ત્યાં સુધીમાં હું સાફ કરાવી દઉં છું. " સૂર્યવંશી બોલ્યા અને બધા બહાર નીકળ્યા.
" સર યુ આર જીનીયસ. માય ગોડ ! તમે શું સ્ટોરી બનાવી !!" પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા પછી શાલ્વી બોલી.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

