અભિષેક (Abhishek Novel Part-59)

Related

અભિષેક પ્રકરણ 59

" સર યુ આર જીનીયસ. માય ગોડ ! તમે શું સ્ટોરી બનાવી !!" પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા પછી શાલ્વી બોલી.

" સર ખરેખર જીનીયસ છે. આજે તો સૂર્યવંશી સાહેબ સામે એમણે કમાલ કરી દીધી. એટલી સરસ રીતે એમણે વાત કરી કે પોલીસ ઇન્સ્પેક્ટરે આખી વાત સાચી જ માની લીધી." મનીષ બોલ્યો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" આપણી લાઈનમાં હાજર જવાબી થવું જ પડે અને દિમાગ પણ તેજ રાખવું પડે. તમે એકદમ કોન્ફિડન્સથી વાત કરો એટલે સામેવાળાને વાત સાચી જ લાગે. ચાલો હવે આપણે પોતપોતાની ગાડી સંભાળીને રાજકોટ તરફ પ્રયાણ કરીએ. " પ્રશાંત બોલ્યો.

" અંકલ એક સવાલ પૂછું ? " અંકિત બોલ્યો.

" હવે તો એક નહીં અનેક સવાલો ઊભા થવાના છે. પણ હાલ પૂરતો એક સવાલનો જવાબ આપું છું. બોલ શું પૂછવાનું છે ? " ગાડી પાસે પહોંચ્યા પછી પ્રશાંત બોલ્યો.

" બીજું બધું તો ઠીક છે પરંતુ અમે લોકો જૂહુ સ્કીમમાં રહીએ છીએ તો પછી તમે દહીસર કેમ કીધું ? " અંકિત બોલ્યો.

" આપણે સૂર્યવંશી સાહેબ સામે અભિષેક વિશે વાત કરતા હતા. અને અભિષેકનું ઘર દહીસરમાં છે. તું અંકિત છે એટલા માટે તારું ઘર જૂહુ સ્કીમમાં છે. હવે સમજણ પડી ?" પ્રશાંત હસીને બોલ્યો.

અંકિતને હજુ પણ સમજણ ના પડી. પ્રશાંત અંકલનો જવાબ સાંભળીને એ કન્ફ્યુઝ થઈ ગયો. એણે માથું ખંજવાળ્યું.

" ચાલો આપણે સૌ પહેલાં ક્રેટા ગાડી પાસે જઈએ. હું માનું છું ત્યાં સુધી અભિષેકની બેગ પાછળ ડીકીમાં પડી હોવી જોઈએ. એ આપણે કાઢીને સાથે રાખવી જોઈએ. " પ્રશાંતને અચાનક મનમાં એક વિચાર આવ્યો એટલે બોલ્યો.

ચારે જણાં પોલીસ સ્ટેશનની પાછળ પાર્ક કરેલી ક્રેટા પાસે ગયાં. પરંતુ ગાડીની હાલત બહુ જ ખરાબ હતી. આખી ગાડી આઠ મહિનાની ધૂળથી ઢંકાઈ ગઈ હતી. પ્રશાંતે દરવાજાના હેન્ડલ ઉપરની ધૂળ સહેજ સાફ કરીને ચાવીથી લોક ખોલ્યું અને અંદર જઈને પાછળની ડીકી ખોલી. એણે અંકિતને બેગ બહાર કાઢવાનું કહ્યું.

એ દરમિયાન ડૅશ બોર્ડના નીચેના બોક્સમાં અભિષેકનું વોલેટ પડ્યું હતું એ પ્રશાંતે લઈ લીધું અને પોતાના ખિસ્સામાં મૂક્યું.

ગાડી પાસે આવ્યો ત્યારથી જ અંકિત વિચારે ચડી ગયો હતો. આ ગાડી એને બહુ જ પરિચિત લાગી રહી હતી.

એણે પોતાના શરીર ઉપર ધૂળ ના ચોંટે એ રીતે સાચવીને ડીકી ખોલી અને ડીકીમાંથી બેગ બહાર કાઢી. આ બેગ પણ એને જાણીતી લાગી.

" અંકિત આ ગાડી જોઈને કંઈ યાદ આવે છે ? " ક્રેટા ગાડી લોક કરી દીધા પછી પ્રશાંત બોલ્યો.

" અંકલ યાદ તો કંઈ નથી આવતું પણ આ ગાડી જાણીતી લાગે છે. અને આ બેગ પણ ખબર નહીં કેમ પણ જાણે મારી જ હોય એવું ફીલ થઈ રહ્યું છે." અંકિત બોલ્યો.

" હા ઘણીવાર એવું થાય. પણ આ બેગ તો અભિષેકની છે એટલે આપણે હવે આપણી ગાડીઓ પાર્ક કરી છે ત્યાં જઈએ. " પ્રશાંત બોલ્યો અને બંને ગાડીઓ જ્યાં પાર્ક કરી હતી એ બાજુ વળ્યો. એ અત્યારે અભિષેકના મગજ ઉપર વધારે પ્રેશર નાખવા માગતો ન હતો. રાજકોટમાં જ બધું રહસ્ય ખોલવું હતું !

વડોદરામાં લગભગ બે કલાકનો સમય પસાર થઈ ગયો હતો અને બપોરના સાડા ત્રણ વાગી ગયા હતા. બંને ગાડીઓ ફરીથી રાજકોટ તરફ ફુલ સ્પીડમાં સરકવા લાગી. રાત્રે આઠ વાગે રાજકોટમાં પ્રવેશ કરી દીધો અને ત્યાંથી ગાડી સીધી ભાભા હોટલ લઈ લીધી.

સવારે જ પ્રશાંતે બે ડીલક્ષ એસી રૂમનું રિઝર્વેશન કરાવી દીધું હતું. એટલે બધાનાં આધારકાર્ડ બતાવીને બે ચાવી લઈ લીધી. આધારકાર્ડ અંકિતના નામનું જ હતું એટલે અહીં અંકિત નામ જ લખાવ્યું. અભિષેકની બેગ અંકિતે પોતાની સાથે રાખી.

" અહીં જમવાનું સારું મળે છે એટલે હાથ પગ ધોઈને તમે લોકો પણ નીચે જમવા માટે આવી જાઓ. અમે પણ ૧૫ મિનિટમાં નીચે પહોંચીએ છીએ." પ્રશાંત અંકિત સામે જોઈને બોલ્યો અને પોતાની રૂમમાં ગયો.

રાત્રે સાડા આઠ વાગે બધા નીચે ડાઇનિંગ હોલમાં જમવા ગયા અને જમ્યા પછી ફરી ત્રીજા માળે પોતાના રૂમ પાસે ગયા.

" સવારે તમે લોકો તમારી રીતે ચા નાસ્તો રૂમમાં મંગાવી લેજો. નાહી ધોઈને આઠ વાગે બંને મારી રૂમમાં આવી જજો. " પ્રશાંત બોલ્યો અને પોતાનો રૂમ ખોલી મનીષની સાથે અંદર ગયો.

હવે તો અહીં રાજકોટમાં અંકિતને આજકાલમાં જ પોતાની યાદદાસ્ત કદાચ પાછી આવી જશે. અંકિત જો અભિષેક બની જશે તો મારે અને એને કાયમી વિયોગ થઈ જશે. એને અંજલી યાદ આવી જશે અને મને તો કદાચ એ ઓળખી પણ નહીં શકે. અભિષેકનો સહવાસ માણવા માટે મારી પાસે ગણત્રીના જ કલાકો છે ! – શાલ્વી બેડ ઉપર બેસીને વિચારી રહી.

નવ દસ કલાક સતત ગાડી ચલાવીને અભિષેક થાકી ગયો હતો છતાં પણ શાલ્વીએ એને સૂવા ન દીધો. એના દિલોદિમાગ ઉપર કામુકતા છવાઈ ગઈ હતી. એણે પોતાના સૌંદર્યથી અંકિત એટલે કે અભિષેકને મજબૂર કરી દીધો અને હોટલના એ બંધ રૂમમાં કલાકો સુધી શાલ્વી રતિક્રીડાનો આનંદ માણતી રહી !

સવારે સાત વાગે ઊઠીને બંનેએ બ્રશ વગેરે પતાવીને નાહી લીધું અને કપડાં બદલી કેન્ટીનનો નંબર દબાવી ચાનો ઓર્ડર આપ્યો. ચા પીવાઈ ગઈ ત્યાં સુધીમાં સાડા આઠ વાગી ગયા.

અંકિત હવે પ્રશાંત અંકલને ફોન કરવાનું વિચારતો જ હતો ત્યાં દરવાજે ટકોરા પડ્યા.

શાલ્વીએ ઊભા થઈને દરવાજો ખોલ્યો તો સામે બેગ લઈને પ્રશાંત સર ઊભા હતા.

" અરે આવો આવો અંકલ. અમે તમારા રૂમમાં આવવાનું વિચારતાં જ હતાં. મનીષભાઈ ના આવ્યા ? " અંકિતની હાજરીમાં શાલ્વી જાણી જોઈને સરના બદલે અંકલ બોલી.

" એને અહીં આવવાની જરૂર નથી. અંકિત સાથે વાત તો મારે જ કરવાની છે ને !" પ્રશાંત હસીને બોલ્યો અને બેડની સામે ખુરશી ઉપર બેઠો.

" અંકિત આ વોલેટ કાલે ક્રેટા ગાડીમાંથી મળી આવ્યું હતું. એમાં શું શું છે જરા ચેક કરી લે ને ! એ કદાચ તારું જ હોય." પ્રશાંત બોલ્યો અને એણે વોલેટ ખિસ્સામાંથી કાઢીને અંકિતને આપ્યું.

અંકિતે વોલેટ ખોલ્યું તો એમાં એનું ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બે એટીએમ કાર્ડ અને ૩૦૦૦ રૂપિયા નીકળ્યા.

અંકિત આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સને જોઈ રહ્યો. એ બંનેમાં એનો જ ફોટો હતો અને નામ ડૉ. અભિષેક મુન્શી લખેલું હતું. એનું મન ચકરાવે ચઢી ગયું. શાલ્વીએ પણ આધારકાર્ડ અને લાયસન્સ જોઈ લીધાં. આ અભિષેક જ છે એની પૂરી ખાત્રી એને થઈ ગઈ.

" અંકિત આ બેગ તો જરા ખોલ. આપણે ક્યાં કોઈ વસ્તુની ચોરી કરવી છે ? જોવું તો જોઈએ ને કે અંદર શું છે ! " પ્રશાંત બોલ્યો અને એણે જાતે જ બેગ ઉંચકીને બેડ ઉપર મૂકી.

અભિષેક જ્યારે રાજકોટ છોડીને મુંબઈ ગયો ત્યારે બેગ એણે પોતાની ડીકીમાં મૂકી હતી અને એને કોઈ લૉક માર્યું ન હતું. ખાલી ચેઈન જ બંધ કરી હતી.

અભિષેકે ચેઈન ખોલી નાખી અને બધાંની હાજરીમાં અંદર ગોઠવેલો બધો સામાન એક પછી એક બહાર કાઢવા લાગ્યો.

બેગના ઉપરના ખાનામાંથી એક ફાઈલ નીકળી જેમાં રાજકોટની બેંકની એક ચેકબુક અને મુંબઈની બે બેંકોની ચેકબુકો, ક્રેટા ગાડીના ઇન્સ્યોરન્સ પેપર્સ, ગાડી ખરીદ કરી એનું બિલ વગેરે ડોક્યુમેન્ટ હતા.

બેગમાં એનાં તમામ કપડાં, બે એપ્રોન અને સ્ટેથોસ્કોપ મૂકેલાં હતાં. સાથે એક બીપી ઇન્સ્ટ્રમેંટ પણ હતું. સૌથી નીચે લાલ રંગનું એક ઘરચોળું નીકળ્યું. અંજલીની બેગમાં જગ્યા ન હતી એટલે છેલ્લે છેલ્લે એ ઘરચોળું અભિષેકે પોતાની બેગમાં મૂક્યું હતું.

અંકિતે એ ઘરચોળું પોતાના હાથમાં લીધું અને એની સામે જોઈ રહ્યો. એની નજર સામે દિપાલી અને અંજલીના ઝાંખા ઝાંખા ચહેરા આવી ગયા. એને સમજાતું ન હતું કે આ ઘરચોળું કેમ આટલું પરિચિત લાગે છે !

" એને જોઈને તને કંઈ યાદ આવે છે અંકિત ? આ તો લગ્ન વખતે જ પહેરવામાં આવે છે ને ? તું દોઢ વર્ષ રાજકોટ રહેલો છે. તેં વડોદરામાં જે ક્રેટા ગાડી જોઈ એ પણ અહીં રાજકોટમાં નોંધાયેલી છે. એ ગાડી તારી પણ હોઈ શકે છે. અને આ બેગ પણ તારી હોઈ શકે છે. આ ઘરચોળા સાથે અને એને પહેરનારી કોઈ સ્ત્રી સાથે પણ તારો સંબંધ હોઈ શકે છે. યાદ કરવા કોશિશ કર અંકિત ! તારો જ આ ભુલાયેલો ભૂતકાળ છે !! " પ્રશાંત બોલ્યો.

અંકિત વિચારમાં પડી ગયો. અત્યારે એના માનસ પટલ ઉપર ઘણી બધી આકૃતિઓ આવતી જતી હતી. આ બધા સાથે મારો પોતાનો જ કોઈ સંબંધ લાગે છે પરંતુ સમજાતું નથી.

" અંકિત વોલેટમાંથી જે આધારકાર્ડ અને લાયસન્સ મળ્યાં એમાં તારા જ ફોટા છે. એમાં ડૉ. અભિષેક મુન્શી લખેલું છે. તું પોતે જ ડૉ. અભિષેક હોઈ શકે છે. તું મુંબઈમાં મેડિકલ કોલેજમાં ભણ્યો હોય અને અહીં રાજકોટ આવી હોસ્પિટલમાં જોબ કરતો હોય એ પણ શક્ય છે. " પ્રશાંત અંકિતના મગજ ઉપર ટકોરા મારી રહ્યો હતો.

" તું બરાબર યાદ કર. અહીં તું કોઈ હોસ્પિટલમાં હતો ? ડૉ દેસાઈને તું ઓળખે છે ? દિપાલી નામની કોઈ ડોક્ટર છોકરી યાદ આવે છે ?" પ્રશાંત એના મનના ઊંડાણમાં જઈ રહ્યો હતો.

" હા ડૉ. દિપાલી... એ ડેન્ટિસ્ટ છે. પણ બીજું કંઈ યાદ નથી આવતું. એ નામ જાણીતું છે. " અંકિત અચાનક બોલ્યો.

" બિલકુલ સાચું ! મતલબ કે તું કોઈ હોસ્પિટલમાં જ હતો. હવે ખૂબસુરત અંજલી તને યાદ આવે છે ? દ્વારકાનુ મંદિર... ગોમતીઘાટ... યાદ કરવા કોશિશ કર. " પ્રશાંત બોલ્યો અને એણે તરત જ પોતાના મોબાઈલની ગેલેરી ખોલીને બંનેનો હાર પહેરેલો ફોટો એની સામે ધરી દીધો.

અભિષેક અપલક નેત્રે એ ફોટા સામે જોઈ રહ્યો. આ અંજલીને તો હું બહુ સારી રીતે ઓળખું છું. એને તો મુંબઈમાં પણ બોરીવલીમાં જોઈ હતી. પરંતુ મારે અને એને શું સંબંધ હોઈ શકે ! અને એની સાથે ફૂલહાર પહેરેલા આ ફોટામાં હું કેમ છું ? – અભિષેક હવે મૂંઝાઈ ગયો.

" બધું યાદ આવી જશે અંકિત. અડધા રસ્તે તો તું પહોંચી ગયો છે. મગજનાં એક પછી એક પડ ખુલતાં જશે એટલે બધું યાદ આવતું જશે." પ્રશાંત બોલ્યો.

શાલ્વી બાજુમાં બેસીને અભિષેકના મનોભાવ સતત જોઈ રહી હતી. સાથે સાથે પોતાના ભાવિ અંગે થોડી ચિંતિત પણ હતી. અભિષેક એને બહુ જ ગમતો હતો. પરફેક્ટ લાઇફ પાર્ટનર હતો ! અભિષેકને રાજકોટમાં બધું યાદ આવી જશે એટલે તરત જ એનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે !

" આપણે હવે બપોરે જમીને થોડો આરામ કર્યા પછી ચારેક વાગે અહીંની પરિમલ હોસ્પિટલમાં ડૉ. દિપાલીને મળવા જઈશું. તને હોસ્પિટલ આવવામાં વાંધો તો નથી ને અંકિત ?" પ્રશાંતે અંકિત સામે જોઈને પૂછ્યું.

" મને કોઈ જ વાંધો નથી અંકલ. હું તો માત્ર ફરવા જ આવ્યો છું. એટલે ગમે ત્યાં સમય જ પસાર કરવાનો છે." અભિષેક હસીને બોલ્યો.

" ઠીક છે તો પછી ચાર વાગે તૈયાર રહેજો અને ત્યાં સુધી તમારે ક્યાંય જવું હોય તો જઈ શકો છો. તમે તમારી રીતે નીચે જઈને જમી લેજો. અને અત્યારે તમે લોકોએ નાસ્તો ના કર્યો હોય તો અહીંનાં ઈડલી વડાં સાંભાર બહુ સરસ આવે છે. " પ્રશાંત બોલ્યો અને બહાર નીકળી ગયો.

"હવે આપણે ક્યાં જઈશું અંકિત ? તમે તો રાજકોટ દોઢ વર્ષ રહેલા છો જ્યારે હું તો અહીં પહેલીવાર આવી છું. " શાલ્વી બોલી.

" તમે બધાં કહો છો એટલે રાજકોટ હું રહ્યો હોઈશ પરંતુ મને રાજકોટ વિશે અત્યારે તો કશું યાદ નથી એટલે તને પણ હું ક્યાં લઈ જાઉં ? " અંકિત બોલ્યો.

" છતાં રૂમમાં બેસી રહીને શું કરીશું ? એક કામ કરીએ અંકિત. આપણે નીચે જઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર પૂછીએ અને અહીં ફરવા લાયક કોઈ સ્થળ હોય તો એની માહિતી લઈ લઈએ. " શાલ્વી બોલી.

" હા એ આઈડિયા સારો છે. એ બહાને સમય તો પસાર થશે. તારી ઈડલી વડાં સાંભાર ખાવાની ઈચ્છા છે ? " અભિષેક બોલ્યો.

" ના અત્યારે તો મારી ઈચ્છા નથી. આપણે હવે બહાર ક્યાંક આંટો મારી આવીએ. " શાલ્વી બોલી.

અને બંને જણાં લિફ્ટમાં પહેલા માળે આવીને રિસેપ્શન કાઉન્ટર ઉપર ચાવી આપવા ગયાં. ચાવી આપીને ત્યાં ઉભેલા એક વડીલને એમણે પૂછ્યું.

" અરે વડીલ અહીં રાજકોટમાં ફરવા જેવી કોઈ જગ્યા છે ? અમે પહેલી વાર આવ્યાં છીએ. " અંકિત બોલ્યો.

" રાજકોટમાં આમ તો અત્યારે સવારમાં ફરવા જેવું કંઈ ખાસ નથી. દર્શન કરવા જવાની ઈચ્છા હોય તો સ્વામિનારાયણનું મંદિર છે અને યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ છે. રેસકોર્સ રોડ છે પણ ત્યાં અત્યારે કંઈ મજા નહીં આવે. બાકી કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ કે રીંગ રોડ ઉપર આંટો મારવા જઈ શકાય છે." એકાદ મિનિટ પછી થોડો વિચાર કરીને વડીલ બોલ્યા.

" અમારે તો ખાલી સમય જ પસાર કરવો છે. સારો એરિયા હોય તો ચક્કર મારી આવીએ." અંકિત બોલ્યો.

" તો પછી કાલાવડ રોડ ઉપર જ જઈ આવો. સ્વામિનારાયણ મંદિર પણ જોવા જેવું છે. ઈચ્છા હોય તો દર્શન કરી લેજો. " વડીલ બોલ્યા.

અંકિત શાલ્વીને લઈને ત્યાં પાર્ક કરેલી મર્સિડીઝ પાસે આવ્યો અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગૂગલ મેપ ઉપર સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ સેટ કર્યું અને ગાડી સ્ટાર્ટ કરી.

ત્રિકોણ બાગ થઈને ગાડીને યાજ્ઞિક રોડ ઉપર લઈ લીધી અને ત્યાંથી આગળ જઈને અંડર બ્રિજ થઈને કાલાવડ રોડ પકડી લીધો. આ રોડ ઉપર પ્રવેશ કરતાં જ સ્વામિનારાયણ મંદિર ડેસ્ટિનેશન આવી ગયું.

" ચાલો આપણે દર્શન કરી જ લઈએ. રોડ ઉપર આંટા મારવા કરતાં દર્શન કરવાં સારાં. " શાલ્વી બોલી અને બંને નીચે ઊતર્યાં. મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ હતું.

મંદિરમાં પ્રવેશ કરતાં જ આ મંદિર એને પરિચિત લાગ્યું. ભૂતકાળમાં એ ચંદારાણા ટાવરમાંથી ભારતી આન્ટીને લઈને કેટલીય વાર આ મંદિરમાં આવી ચૂક્યો હતો પણ એ અત્યારે એને યાદ ન હતું.

અંકિત અને શાલ્વીએ નયનરમ્ય મૂર્તિઓનાં સુંદર દર્શન કર્યાં. સવારનું ખુશનુમા વાતાવરણ પણ સરસ હતું. દર્શન કર્યા પછી બહાર પથ્થરના બાંકડા ઉપર દસેક મિનિટ બેઠાં.

" શાલુ આ મંદિરમાં હું આવી ચૂક્યો છું એવું મને લાગે છે. આ રોડ પણ મારો જાણીતો છે. હું મારી ગાડી લઈને આ રોડ ઉપરથી પણ ઘણીવાર પસાર થયેલો છું. કદાચ આ બાજુ જ ક્યાંક હું રહેતો હોઈશ." અભિષેક રોડ તરફ આંગળી ચીંધીને બોલ્યો.

" તો પછી આપણે એ બાજુ જ એક આંટો મારી આવીએ." શાલ્વી બોલી.

"અરે ડોક્ટર સાહેબ તમે !!! " અચાનક એક બહેનનો નજીકમાંથી અવાજ આવ્યો.

એ અભિષેકનાં પાડોશી સ્વાતિબેન હતાં. એ અભિષેકની નજીક આવ્યાં. પરંતુ સાથે અંજલીની જગ્યાએ બીજી કોઈ સ્ત્રીને જોઈને થોડાં ખમચાઈ ગયાં. શાલ્વી એમનો સંકોચ સમજી ગઈ.

" હા એ અભિષેક જ છે. હું એમને રાજકોટ લઈ આવી છું. અંજલીબેન મુંબઈ છે. ડૉ. અભિષેક યાદદાસ્ત ગુમાવી બેઠા છે એટલે એ મેમરી પાછી લાવવા માટે અમે રાજકોટનો પ્રોગ્રામ બનાવ્યો છે. તમે કોણ ? " અભિષેક જવાબ આપે એ પહેલાં શાલ્વી બોલી ઊઠી.

" મારું નામ સ્વાતિ. મારી બાજુના ફ્લેટમાં જ આ ડોક્ટર રહેતા હતા આઠેક મહિના પહેલાં અંજલીને લઈને મુંબઈ ગયા. પરંતુ થોડા દિવસ પહેલાં એક ભાઈ મુંબઈથી એમના વિશે તપાસ કરવા મારા ઘરે આવ્યા હતા. એમણે તો કહ્યું કે ડોક્ટર સાહેબનું અપહરણ થઈ ગયું છે. " સ્વાતિબેન બોલ્યાં.

" હા એ વાત સાચી છે પરંતુ એમનું અપહરણ થયું નહોતું. સાચી વાતની પછીથી ખબર પડી. તમે અમને તમારા ઘરે લઈ જશો ? કદાચ પોતાનું ઘર જોઈને એમને થોડી યાદદાસ્ત પાછી આવે ! " શાલ્વી બોલી.

" હા ચોક્કસ લઈ જઈશ. મને બે મિનિટ આપો હું જરા દર્શન કરી લઉં." સ્વાતિબેન બોલ્યાં અને પાંચેક મિનિટમાં દર્શન કરીને પાછાં આવી ગયાં.

"તમે લોકો કેવી રીતે આવ્યાં છો ? હું તો એકટીવા લઈને આવી છું. " સ્વાતિબેન બોલ્યાં.

" સામે મર્સિડીઝ પડી છે એ અમારી છે. તમે તમારું એકટીવા આગળ જવા દો. અમે તમને પાછળ ફોલો કરીશું. " શાલ્વી બોલી અને બંને જણાં રોડ ક્રોસ કરીને મર્સિડીઝ પાસે ગયાં.

એ લોકો ગાડીમાં બેઠાં ત્યાં સુધીમાં સ્વાતિબેન યુ ટર્ન લઈને ગાડી પાસે આવી ગયાં હતાં. એમણે એક્ટિવા આગળ લીધું અને પાછળ પાછળ અભિષેકે પોતાની ગાડી લઈ લીધી.

દસેક મિનિટમાં તો ચંદારાણા ટાવર આવી ગયું. પાર્કિંગ સ્લોટમાં ગાડી પાર્ક કરીને અંકિત એટલે કે અભિષેક નીચે ઉતરીને શાલ્વીને લઈને સ્વાતિબેનની સાથે લિફ્ટમાં ઉપર ગયો.

" જુઓ આ ફ્લેટમાં તમે રહેતા હતા. છેલ્લે છેલ્લે તમારાં વાઈફ અંજલીબેન પણ પંદરેક દિવસ અહીં રોકાયાં હતાં. આ બાજુનો ફ્લેટ મારો. હવે કંઈ યાદ આવે છે ડોક્ટર સાહેબ ?" સ્વાતિબેન બોલ્યાં.

જે ફ્લેટમાં પોતે દોઢ વર્ષ સુધી રહ્યો હતો એ ફ્લેટને તો કેમ ભૂલી શકાય ! તેજ ગતિથી એની મેમરી સક્રિય થઈ રહી હતી. એની નજર સામે ભારતી આન્ટીનો ચહેરો આવીને અદ્રશ્ય થઈ ગયો. પ્રાણથી પણ પ્રિય એવી અંજલીનો ચહેરો એની આંખો સામે આવીને ઓઝલ થઈ ગયો. આ જ ફ્લેટમાં ઉજવેલી સોહાગરાતનું દ્રશ્ય પણ બે ક્ષણ માટે એને ઉત્તેજિત કરી ગયું !!

એના મગજમાં મોટી ઉથલપાથલ થઈ રહી હતી વર્તમાન અને ભૂતકાળ વચ્ચે, અંકિત અને અભિષેક વચ્ચે જાણે કે સંતાકૂકડીની રમત ચાલી રહી હતી !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."