અભિષેક (Abhishek Novel Part-60)

Related

અભિષેક પ્રકરણ 60

શાલ્વી પ્રશાંત સરની સૂચના પ્રમાણે અંકિતને લઈને રાજકોટ આવી હતી અને હોટલ ભાભામાં રોકાઈ હતી. પ્રશાંત અને મનીષ પણ સાથે જ આવ્યા હતા. પ્રશાંતે શાલ્વીને અંકિતનો સાચો પરિચય આપી દીધો હતો કે એ હકીકતમાં અભિષેક છે અંકિત નથી. અંકિત તો સન્યાસી બનીને અત્યારે ગંગોત્રી પાસે એક આશ્રમમાં રહે છે. રાજકોટમાં કદાચ અભિષેકની યાદદાસ્ત પાછી આવે અને અંજલીને એ ઓળખી શકે એ એક માત્ર આશાથી શાલ્વી ઘરે ખોટું બોલીને અભિષેકને રાજકોટ લઈ આવી હતી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

શાલ્વી અને અભિષેક અત્યારે સમય પસાર કરવા માટે ફરવા નીકળ્યાં હતાં અને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયાં હતાં. ત્યાં અભિષેકનાં પડોશી સ્વાતિબેન મળી ગયાં હતાં અને એમની સાથે એ લોકો ચંદારાણા ટાવર આવ્યાં હતાં.

જે ફ્લેટમાં ડૉ. અભિષેક દોઢ વર્ષ સુધી રહ્યો હતો તે ફ્લેટ તો કઈ રીતે ભૂલી શકાય ? એ ફ્લેટને જોઈને જ અભિષેકની સ્મૃતિઓ સળવળી ઉઠી હતી. ફ્લેટને જોઈને અહીં સુહાગરાત ઉજવી હતી એ દ્રશ્ય પણ એની સામે આવીને અદ્રશ્ય થઈ ગયું હતું.

" તમે લોકો અંદર આવો ને ! એ ફ્લેટમાં તો હવે બીજું એક ફેમિલી રહેવા આવ્યું છે. " સ્વાતિબેન બોલ્યાં અને અભિષેક તથા શાલ્વી એમના ઘરમાં જઈને સોફામાં બેઠાં.

" તમે લોકો શું લેશો ? ડોક્ટર સાહેબ તો ચા પીએ છે એ મને ખબર છે. " સ્વાતિબેન બોલ્યાં.

" આન્ટી અત્યારે ખરેખર કંઈ જ લેવું નથી. અમે લોકો હોટલમાંથી ચા પીને જ બહાર નીકળ્યાં છીએ. તમે બસ અહીં બેસીને વાતો કરો. " શાલ્વી બોલી.

" તમને સોનિયા અને મનોજભાઈ યાદ આવે છે ? સોનિયાએ આત્મહત્યા કરી લીધી હતી અને તમે એને બચાવી લીધી હતી ! " સ્વાતિબેન બોલ્યાં.

" એ ઘટના તો મને અત્યારે યાદ નથી પરંતુ સોનિયા અને મનોજ નામ મેં સાંભળેલું છે. " અભિષેક બોલ્યો.

" તમે જેમની સાથે બાજુના ફ્લેટમાં રહેતા હતા એ ભારતી આન્ટી યાદ આવે છે ? તમે એમની સેવા કરી હતી અને એ ગુજરી ગયાં એટલે તમે પ્રભાસપાટણ જઈને એમનું ક્રિયાકર્મ પણ કર્યું હતું ! કંઈ યાદ આવ્યું ? " સ્વાતિબેન બોલ્યાં.

" ભારતી આન્ટી... હા એમનો ચહેરો યાદ આવે છે. " અભિષેક બોલ્યો અને વિચારોમાં ખોવાઈ ગયો.

અભિષેક આ બધું યાદ કરવા કોશિશ કરી રહ્યો હતો પરંતુ સંપૂર્ણપણે એ વર્તમાનમાં આવી શકતો ન હતો. જે નામ દેવામાં આવે એનો ચહેરો ક્યારેક સામે આવી જતો અને પાછો અદ્રશ્ય થઈ જતો.

" ચાલો હવે અમે રજા લઈએ. સવા અગિયાર વાગી ગયા છે. અમારે હજુ જમવાનું છે. એ પછી થોડો આરામ કરીને એમની પરિમલ હોસ્પિટલ પણ જવાનું છે જેથી ત્યાં ગયા પછી કદાચ એમની મેમરી પાછી આવે. " શાલ્વી બોલી.

" એ તમારો વિચાર એકદમ બરાબર છે. દોઢ વર્ષ સુધી ત્યાં એમણે જોબ કરી છે એટલે ત્યાં ગયા પછી એમને બધું યાદ આવી જાય એ શક્ય છે. " સ્વાતિબેન બોલ્યાં.

શાલ્વી અને અભિષેક ઊભાં થયાં અને સ્વાતિબેનની રજા લઈને બહાર નીકળી ગયાં. નીચેથી ગાડીમાં બેસીને ફરી ભાભા હોટલ તરફ ગાડી લઈ લીધી.

આ બાજુ સવારે સાડા આઠ વાગે શાલ્વીના રૂમમાંથી બહાર આવીને પ્રશાંત પોતાના રૂમમાં ગયો અને મનીષ સાથે કેટલીક ચર્ચા કરી લીધી.

એ પછી સવારે દસ વાગે પ્રશાંત એની સ્કોર્પિયો લઈને પરિમલ હોસ્પિટલ ગયો. મનીષ પણ એની સાથે જ હતો. બંને સીધા ડૉ. દેસાઈની કેબિનમાં જ ગયા.

" અરે આવો આવો પ્રશાંતભાઈ. હવે તો હું તમને બરાબર ઓળખી ગયો છું. અમારા ડૉ. અભિષેકના કોઈ સમાચાર ? " પ્રશાંતને જોઈને જ ડૉ . દેસાઈએ પહેલો સવાલ કર્યો.

" બસ એના માટે જ આવ્યા છીએ સર. ડૉ. અભિષેક અમારી સાથે જ છે. એની યાદદાસ્ત પાછી લાવવા માટે અમે બધી જ કોશિશ કરી રહ્યા છીએ. છેલ્લે છેલ્લે અમે તમારી આ હોસ્પિટલમાં લાવવાનો વિચાર કર્યો જેથી તમને બધાંને મળીને અને તમારા બધા પ્રયત્નોથી કદાચ એને પોતાની અસલી ઓળખ પ્રાપ્ત થાય ! " પ્રશાંત બોલ્યો.

" તમારો આ વિચાર અતિ ઉત્તમ છે. અમે બધા તમને સપોર્ટ કરીશું. એવું લાગશે તો ઇ.ઇ.જી કઢાવીને ન્યુરો સર્જન સાથે પણ વિચાર વિમર્શ કરીશું." દેસાઈ બોલ્યા અને એમણે હરીશને બોલાવીને બે કોફીનો ઓર્ડર આપ્યો.

" એમની યાદદાસ્ત પાછી લાવવામાં ડૉ દિપાલીનો સહકાર ખાસ જોઈશે. કારણ કે દિપાલી એમના પરિવારને પણ સારી રીતે ઓળખે છે. અમે સાંજે લગભગ ચાર વાગે અભિષેકને લઈને અહીં આવીશું. તમે દિપાલીને કહી દેજો કે સાંજે ચાર વાગે એ હાજર રહે " પ્રશાંત બોલ્યો.

" પણ દિપાલી તો આજે રજા ઉપર છે. એની હાજરીમાં આવવું હોય તો પછી કાલે સવારે દસ વાગ્યા પછી ગમે ત્યારે આવો. એ આખો દિવસ અહીં જ હશે. " દેસાઈ બોલ્યા.

" ઓહ ...તો પછી આજનો આખો દિવસ નકામો જશે. ચાલો ઠીક છે તો પછી કાલે સવારે જ એને લઈને આવી જઈશ. " પ્રશાંત બોલ્યો ત્યાં કોફી પણ આવી ગઈ. કોફી પીને બંને બહાર નીકળી ગયા.

હોટલે પહોંચ્યા તો અભિષેક લોકો બહાર ગયેલા હતા. પ્રશાંત પોતાનો રૂમ ખોલીને મનીષ સાથે અંદર ગયો. અડધા કલાક પછી અભિષેક અને શાલ્વી રૂમ પર આવી ગયા અને આવીને તરત જ પ્રશાંતનો દરવાજો નોક કર્યો.

" અરે તમે લોકો આ અજાણ્યા શહેરમાં ક્યાં ગયા હતા ?" પ્રશાંત હસીને બોલ્યો.

" અંકલ અમે અભિષેક જ્યાં રહેતા હતા એ ચંદારાણા ટાવર સુધી જઈ આવ્યા. ત્યાં ગયા પછી થોડું ઘણું એમને યાદ આવ્યું પણ હજુ ભૂતકાળ યાદ નથી આવતો. " શાલ્વી બોલી.

" પરંતુ આ ચંદારાણા ટાવરની તમને કેવી રીતે ખબર પડી ? આપણી વચ્ચે તો એવી કોઈ વાત થઈ નથી. " પ્રશાંત બોલ્યો.

અને શાલ્વીએ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયાં ત્યાંથી શરૂ કરીને બધી જ વાત કરી.

" ચાલો એ કામ પણ સારું થયું. હવે આજે તો આપણે આખો દિવસ અહીં આરામ જ કરવો પડશે. અમે લોકો હોસ્પિટલ ગયા હતા પરંતુ આજે ડૉ. દિપાલી રજા ઉપર છે એટલે આપણે કાલે સવારે જવું પડશે. " પ્રશાંત બોલ્યો.

" હોટલમાં બેઠા બેઠા તો સમય પસાર નહીં થાય. સાંજે કોઈ પ્રોગ્રામ તો બનાવવો જ પડશે. " શાલ્વી બોલી.

" અહીં યાજ્ઞિક રોડ ઉપર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર છે. રામકૃષ્ણદેવનું ત્યાં મંદિર છે. બેલુર મઠની પ્રતિકૃતિ છે. સાંજે ત્યાં જઈ આવજો. મેડીટેશન માટે ખૂબ સરસ જગ્યા છે જો રસ હોય તો. " પ્રશાંત બોલ્યો.

" હા ત્યાં પણ ચોક્કસ જઈ આવીશું. મને તો ધ્યાન વગેરેમાં બહુ રસ છે. " અભિષેક બોલ્યો.

" તમને તો રસ પડવાનો જ. હમણાં તો રોજ ગાયત્રીની માળા કરતા પણ થઈ ગયા છે. " શાલ્વી હસીને બોલી.

" ચાલો આપણે નીચે જઈને જમી લઈએ. બાર વાગવા આવ્યા છે. " પ્રશાંત બોલ્યો અને બધા નીચે જમવા માટે ગયા.

" રાજકોટમાં ગ્રાન્ડ ઠાકર અને આ ભાભાની થાળી વખણાય છે. એ સિવાય અહીં પટેલ વિહાર અને મટુકી પણ જમવા માટે સારી હોટલ છે. ચારથી પાંચ વાર રાજકોટ આવવાનું થયું છે એટલે આ ચારના અનુભવ છે." જમતી વખતે પ્રશાંત બોલ્યો.

" હું દોઢ વર્ષ રાજકોટ રહ્યો છું પરંતુ અત્યારે મને કોઈ હોટલનું નામ યાદ નથી. રાજકોટ આવ્યો છું પણ બધું નવું નવું જ લાગે છે." અભિષેક બોલ્યો.

" શાલ્વી તમારે રાજકોટના ગાંઠિયા એકવાર ચાખવા જોઈએ. રાજકોટના ફાફડાનો ટેસ્ટ આખા ઇન્ડિયામાં તમને બીજે ક્યાંય નહીં મળે. હોટલવાળા કોઈ છોકરાને મોકલીને સાંજે મંગાવી લઈશ." પ્રશાંત બોલ્યો.

" રાજકોટ સીટી આમ સરસ છે પરંતુ અહીં જોવા જેવાં સ્થળો ખાસ નથી. અમે કાલાવડ રોડ ગયા હતા એ એરીયા અમને ઘણો સારો લાગ્યો. " શાલ્વી બોલી.

" ના સાવ એવું નથી. રાજકોટ બપોરે બે ત્રણ કલાક આરામ કરે છે અને પછી સાંજે આળસ મરડીને બેઠું થાય છે. તમારે ફરવું જ હોય તો સાંજે રેસકોર્સ ઉપર ચક્કર મારી આવજો. ઘણી પબ્લિક તમને ત્યાં દેખાશે. ઘણી બધી નાસ્તાની રેકડીઓ પણ ત્યાં હશે. અહીંનો આઇસ્ક્રીમ પણ એક વાર માણવા જેવો છે." બાજુના ટેબલ ઉપર બેઠેલા એક વડીલ બોલ્યા. આ લોકોની વાતચીત એ સાંભળતા હતા.

" તો તો પછી અમે સાંજે રેસકોર્સ ચોક્કસ ફરી આવીશું." શાલ્વી બોલી.

વાતો કરતાં કરતાં જમવાનું પૂરું થઈ ગયું. જમ્યા પછી પ્રશાંત અને મનીષ સિગરેટ લેવા માટે બહાર ગયા જ્યારે અભિષેક શાલ્વી પોતાના રૂમમાં આવી ગયાં.

"એક વાત પૂછું અંકિત ? " આરામ કરવા માટે બેડ ઉપર સૂતા પછી શાલ્વી બોલી.

શાલ્વીને તો હવે ખબર જ હતી કે આ અંકિત નહીં પરંતુ અભિષેક છે છતાં જ્યાં સુધી અભિષેકને પોતાનો ભૂતકાળ યાદ ના આવે અને પોતે અભિષેક છે એવી ખબર ના પડે ત્યાં સુધી એણે અંકિત સંબોધન કરવાનું જ ચાલુ રાખ્યું હતું.

" તેં વળી વાત કરવા માટે મારી રજા લેવાનું ક્યારથી ચાલુ કર્યું ? " અંકિત એટલે કે અભિષેક બોલ્યો.

" આ વાત જ એવી છે એટલે. તમને રાજકોટ આવવાની તીવ્ર ઈચ્છા હતી એટલે આપણે રાજકોટ આવ્યાં છીએ. અહીં આવ્યા પછી તમને પોતાને પણ તમારો ભૂતકાળ થોડો થોડો યાદ આવતો જાય છે. તમને અહીં બધા ડૉ. અભિષેક તરીકે જ ઓળખે છે. હવે કાલે હોસ્પિટલ જઈને તમને બધું જ યાદ આવી જાય કે તમે અંકિત નહીં પણ અભિષેક છો તો પછી મારી સાથેનું તમારું વર્તન કેવું રહેશે ? " શાલ્વી બોલી.

" તારો પ્રશ્ન તો વિચારવા જેવો છે. પરંતુ એ તો હું ખરેખર અભિષેક જ છું એવું મને ભાન થાય એ પછીની વાત છે ને ! અત્યારે તો હું અંકિત જ છું અને તું મારી ડાર્લિંગ છે. " અભિષેક રોમાન્ટિક અંદાજમાં બોલ્યો.

" હું અત્યારની વાત નથી કરતી. માનો કે ખરેખર તમે અભિષેક છો એવી તમને પાક્કી ખાતરી થઈ જાય પછી આપણા સંબંધોનું શું ? આપણી વચ્ચે તો છેલ્લા સાત આઠ મહિનાથી શારીરિક સંબંધો છે ! તમને બધું યાદ આવશે તો તમને તમારી પત્ની અંજલી પણ યાદ આવી જશે. મને તમારી આદત પડી ગઈ છે એનું શું અંકિત ? " શાલ્વી બોલી અને બોલતાં બોલતાં એના યુવાન હૈયામાં ફરી ઉન્માદ જાગ્યો.

" તારો પ્રશ્ન તારી જગ્યાએ સાચો છે પરંતુ અત્યારે એનો જવાબ મારી પાસે નથી. અને તું જેમ કહે છે એમ ખરેખર મને મારો ભૂતકાળ યાદ આવી જાય અને હું ખરેખર અભિષેક છું એવી મને ખાત્રી થઈ જાય તો આપણા સંબંધો આગળ ના પણ વધે. અત્યારે હું મારી જાતને અંકિત જ માનું છું એટલે અંજલીને જોયા પછી પણ મારા મનમાં કોઈ વિકારો આવ્યા ન હતા." અભિષેકે પોતાનો સ્પષ્ટ જવાબ આપ્યો.

શાલ્વીને તો જો કે ખાત્રી જ હતી કે યાદદાસ્ત પાછી આવી ગયા પછી અભિષેક એનાથી કાયમ માટે દૂર થઈ જવાનો છે. અને એટલે જ હોટલના આ બંધ રૂમમાં છેલ્લે છેલ્લે અભિષેક તરફ વધુ પડતું આકર્ષણ એ અનુભવી રહી હતી.

બપોરે બે અઢી કલાક આરામ કર્યા પછી સાડા ચાર વાગે અભિષેકે ચા મંગાવી અને પી લીધી.

સાંજે પાંચ વાગે પ્રશાંતે એમના રૂમનો દરવાજો નોક કર્યો. આ વખતે અભિષેકે જ દરવાજો ખોલ્યો. પ્રશાંતે ગરમા ગરમ ગાંઠિયા અને તળેલા મરચાંની મોટી પ્લેટ એના હાથમાં પકડાવી દીધી અને પોતાના રૂમમાં જતો રહ્યો. એણે પોતાના રૂમમાં પણ એક પ્લેટ મંગાવી હતી.

અભિષેકે તો ભૂતકાળમાં ઘણીવાર અહીં રાજકોટના ગાંઠિયા ખાધા હતા પરંતુ શાલ્વીએ પહેલી વાર ગાંઠિયાનો આટલો સુંદર સ્વાદ માણ્યો !

સાંજે સવા પાંચ વાગે અભિષેક અને અંકિત ગૂગલ મેપમાં રેસકોર્સ સેટ કરીને ગાડીમાં ફરવા માટે નીકળી ગયાં.

પેલા વડીલે કહ્યું હતું એ પ્રમાણે ખરેખર રેસકોર્સ સહેલાણીઓથી ઉભરાતો હતો. ઘણી બધી લારીઓ એટલે કે રેકડીઓ ઉભી હતી. સ્ટોલ પણ હતા. બેસવા માટે આજુબાજુ પાળીઓ પણ હતી.

" અંકિત મને પાણીપુરી ખાવાની બહુ જ ઈચ્છા છે. " શાલ્વી ગાડીમાંથી ઉતર્યા પછી બોલી.

" આમ પણ સ્ત્રીઓ પાણીપુરી ખાવાની બહુ જ શોખીન હોય છે અને વધુમાં વધુ પાણીપુરી છોકરીઓ અને સ્ત્રીઓ જ ખાતી હોય છે. તારે જેટલી ખાવી હોય એટલી ખાઈ લે મને એમાં રસ ઓછો છે." અભિષેક બોલ્યો.

સામે જ પાણીપુરીની એક લારી ઊભી હતી. અભિષેકે કહ્યું એમ ત્યાં માત્ર લેડીઝ ઉભી હતી. શાલ્વીએ પણ ત્યાં જઈને ધરાઈને પાણીપુરી ખાઈ લીધી.

અભિષેકને રગડા પેટીસ વધારે પસંદ હતી એટલે એણે ત્યાંથી આગળ જઈને એક સ્ટોલ ઉપર રગડા પેટીસ ખાઈ લીધી. શાલ્વીએ અભિષેકની પ્લેટમાંથી થોડીક ચાખી લીધી.

છેલ્લે બંનેએ પોતપોતાનો મનપસંદ આઈસ્ક્રીમ ખાઈ લીધો અને જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં પાછાં આવી ગયાં.

રામકૃષ્ણ આશ્રમ જવાની અભિષેકની ઈચ્છા હતી એટલે ગાડી યાજ્ઞિક રોડ લઈ લીધી.

આશ્રમમાં આરતી ચાલી રહી હતી એટલે બંનેએ થોડીવાર ત્યાં બેસીને રામકૃષ્ણ દેવની આરતીનાં દર્શન કર્યાં અને બહાર નીકળી ગયાં.

" આવો જ એક રામકૃષ્ણ આશ્રમ આપણા ખારમાં પણ છે અને બે ત્રણ વાર હું ત્યાં જઈ આવી છું" આશ્રમની બહાર આવ્યા પછી શાલ્વી બોલી.

હોટલે પાછાં આવ્યાં ત્યારે આઠ વાગવા આવ્યા હતા. બંને જણાં રિસેપ્શન કાઉન્ટર ઉપરથી ચાવી લઈને રૂમમાં આવ્યાં. જમવાનો ટાઈમ થઈ ગયો હતો છતાં પણ બંનેમાંથી કોઈને પણ ભૂખ ન હતી.

લગભગ નવ વાગે પ્રશાંતે જમવા માટે દરવાજો નોક કર્યો એટલે જે ભાવે તે ખાઈ લેવાનું નક્કી કરીને બંને નીચે ડાઇનિંગ હોલમાં ગયાં.

" ચાલો ગુડ નાઈટ. સવારે મળીએ. ચા નાસ્તો સાથે જ કરીશું. " જમીને ઉપર આવ્યા પછી પોતાના રૂમમાં જતી વખતે પ્રશાંત બોલ્યો.

" ગુડ નાઈટ અંકલ." અંકિત એટલે કે અભિષેકે જવાબ વાળ્યો અને શાલ્વી સાથે પોતાના રૂમમાં ગયો.

કાલે અભિષેક હોસ્પિટલમાં જાય એ પછી એની યાદદાસ્ત પાછી આવી જાય એવી પૂરી શક્યતા છે. અભિષેકે આજે બપોરે જ કહી દીધું કે જો એમને બધું યાદ આવી જશે તો એ મારી સાથે આગળ નહીં વધી શકે. અને એમની વાત પણ આમ તો સાચી જ છે. મારાથી એમની પાસે એવી અપેક્ષા રખાય પણ નહીં. આજે જ છેલ્લો દિવસ છે ! – બેડ ઉપર સૂતા પછી શાલ્વી વિચારી રહી.

શાલ્વીનું મન આજે ખૂબ જ ઉદાસ બની ગયું હતું. એની ઊંઘ ઊડી ગઈ હતી. એના દિલને ચેન ન હતું. મનમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. અભિષેકને કાયમ માટે ગુમાવી દેવાની પળ હવે નજીક આવી રહી હતી. આજે નહીં તો પછી ક્યારેય પણ નહીં ! ના આજે છેલ્લી વાર મારે એમને મૂડમાં લાવવા જ પડશે !

અભિષેક ઊંઘવાની તૈયારી જ કરતો હતો પરંતુ શાલ્વી એના પ્રયત્નોમાં સફળ રહી અને છેવટે આજની રાત અભિષેક અને શાલ્વીની અંતિમ રોમેન્ટિક રાત બની ગઈ !

બંને મોડે સુધી જાગતાં રહ્યાં એટલે સવારે વહેલા ઉઠી શકાયું નહીં. છેક સાત વાગે આંખ ખુલી. સૌથી પહેલાં અભિષેક ઉભો થઈ ગયો અને બ્રશ વગેરે પતાવી નાહી ધોઈ તૈયાર થઈ ગયો. આજે માત્ર ત્રણ માળા કરી. એની પાછળ ને પાછળ શાલ્વી પણ તૈયાર થઈ ગઈ.

સાડા આઠ વાગે દરવાજો નોક કરીને પ્રશાંત આવ્યો.

" આજે આપણે નીચે કેન્ટીનમાં જઈને ચા કોફી પી લઈએ. તમે લોકો નીચે આવો. " પ્રશાંત બોલીને મનીષ સાથે નીચે પહેલા માળે કેન્ટીનમાં ગયો.

અભિષેક અને શાલ્વી પણ પાછળ ને પાછળ જ ગયાં. પ્રશાંતે ચા કોફીનો ઓર્ડર આપી દીધો હતો સાથે સાથે ઈડલી વડા સાંભારનો ઓર્ડર પણ આપ્યો હતો.

ચા પીધા પછી ઈડલી વડા સાંભારની ચાર પ્લેટો આવી ગઈ. પ્રશાંતે સાચું જ કહ્યું હતું. એકદમ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ હતો ! શાલ્વી અભિષેક બંનેને મજા આવી.

" અંકિત હવે દસ વાગ્યે આપણે હોસ્પિટલ જઈશું. શાલ્વી તમે અહીં રૂમમાં જ રોકાજો. હોસ્પિટલમાં તમને જોઈને બીજા ખુલાસા કરવા પડે એવું નથી કરવું. " પ્રશાંત બોલ્યો.

" નો પ્રોબ્લેમ અંકલ. " શાલ્વી બોલી. અભિષેકની હાજરીમાં એ સરના બદલે અંકલ જ બોલતી.

બીલ ચૂકવીને બધાં ઊભાં થઈ ગયાં અને ઉપર ગયાં.

" હોસ્પિટલ ગયા પછી પણ મારી યાદદાસ્ત પાછી આવશે કે કેમ એ વિશે મને હજુ શંકા છે શાલુ. તમે બધાં કહો છો અને થોડું ઘણું જે યાદ આવે છે એ હિસાબે હું અભિષેક છું એવું હું ઘડીભર માની લઉં છું પરંતુ હજુ મને પૂરેપૂરી ખાત્રી થતી નથી." અભિષેક બોલ્યો.

" ચિંતા નહીં કરો. આ છેલ્લી કોશિશ છે. ઈશ્વરની ઈચ્છા હશે એમ થશે. અને તમને યાદ ન આવે તો પણ તમે મારા અંકિત તો રહેવાના જ છો ! " શાલ્વી વહાલથી અભિષેકનો હાથ હાથમાં લઈને બોલી.

પરંતુ બંનેમાંથી કોઈને પણ ખબર ન હતી કે અડધા કલાક પછી શું થવાનું છે !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."