અભિષેક પ્રકરણ 61
શાલ્વી અભિષેકને લઈને રાજકોટ આવી હતી. પ્રશાંત અને મનીષ પણ એમની સાથે રાજકોટ આવ્યા હતા અને બધા ભાભા હોસ્પિટલમાં રોકાયા હતા.અભિષેક નવલકથા
ગઈકાલે ડૉ. દિપાલી હોસ્પિટલમાં રજા ઉપર હોવાથી આજે સવારે દસ વાગે અભિષેકને હોસ્પિટલ લઈ જવાનો પ્રોગ્રામ પ્રશાંતે બનાવ્યો હતો. અભિષેક હોસ્પિટલ જાય ત્યારે શાલ્વીએ હોટલમાં જ રોકાવું એવું નક્કી થયું હતું.
સવારના સાડા નવ વાગી ગયા હતા. શાલ્વી પોતાના આ હબીને છેલ્લી વાર ધરાઈને જોઈ રહી હતી. એના હૈયામાં વલોણું ફરી રહ્યું હતું. હોસ્પિટલ ગયા પછી અભિષેકને જો યાદદાસ્ત પાછી આવી જાય તો પછી એ શાલ્વીને કાયમ માટે છોડી દે અને અંજલીને મળવા માટે અધીરો બની જાય એવું પણ બને. રાગ અને ત્યાગની વચ્ચે એ ઝૂલી રહી હતી. અંજલી માટે એ પોતાના પ્રેમનું મોટું બલિદાન આપી રહી હતી.
ઘણીવાર એને એવો વિચાર પણ આવી જતો કે નવા અંકિત સાથે એ ઘણી સુખી હતી તો પછી એણે આવો નિર્ણય કેમ લીધો ! પોતાના જ પગ ઉપર કુહાડો મારવાનું એણે કેમ વિચાર્યું !! પણ પછી એ વિચારને મનમાંથી ખંખેરી નાખતી.
એ આવા બધા વિચારોમાં ડૂબી હતી એ દરમિયાન જ વોશરૂમ સાફ કરવા માટે હોટલનો સફાઈ કામદાર રૂમને નોક કરીને અંદર આવ્યો. એણે આખા વોશરૂમની ટાઈલ્સ, વોશબેસિન અને કમોsને લિક્વિડ સોપ નાખેલા પાણીથી ધોઈ નાખ્યાં અને પછી બીજી વાર ચોખ્ખા પાણીથી ટાઈલ્સ એકદમ ક્લીન કરી નાખી. એ પછી એ જતો રહ્યો.
એના ગયા પછી પ્રશાંતે અભિષેકને ફોન કરીને તૈયાર થઈ જવા કહ્યું.
"અંકિત તું હવે જલ્દી તૈયાર થઈ જા. આપણે પાંચ દસ મિનિટમાં જ નીકળીએ છીએ. તૈયાર થઈને મારી રૂમમાં આવી જા. " પ્રશાંત બોલ્યો. એ જ્યારે અંકિત તરીકે વાત કરતો હતો ત્યારે એકવચનથી સંબોધન કરતો હતો.
" ઓકે અંકલ હું પાંચ મિનિટમાં જ આવું છું. " અભિષેક બોલ્યો. એ વખતે પોણા દસ વાગ્યા હતા.
અંકિત એટલે કે અભિષેક ઝડપથી ઉભો થયો અને બૂટ પહેરી લીધા. એ પછી બાથરૂમ જવા માટે વોશરૂમનો દરવાજો ખોલ્યો. વોશરૂમ લિક્વિડ સોપથી ધોયેલો હતો. ફરીથી ચોખ્ખા પાણીથી ધોવા છતાં ટાઇલ્સ ઉપર ચીકાશ રહી ગઈ હતી એટલે જેવો એ ઝડપથી અંદર દાખલ થવા ગયો કે એનો બૂટવાળો પગ લપસ્યો.
એનું બેલેન્સ ગયું અને એ ધડામ કરતો પાછળ તરફ નીચે પટકાયો. નીચેનું અડધું શરીર બાથરૂમની અંદર અને ઉપરનું અડધું શરીર બહાર ! એના માથાના પાછળનો ભાગ ત્યાં ગોઠવેલા બેડના ખૂણા સાથે અફળાયો અને એ બેભાન થઈ ગયો.
શાલ્વીએ જોરથી ચીસ પાડી અને એ ચીસ સાંભળીને પ્રશાંત અને મનીષ બંને દોડતા આવ્યા. એમની સાથે ત્યાં ફરતા સ્ટાફના બે માણસો પણ દોડતા આવ્યા. શાલ્વીએ લગભગ રડતાં રડતાં દોડીને દરવાજો ખોલ્યો.
" સર અભિષેક બેભાન થઈ ગયા છે ! વોશરૂમ હમણાં જ સાફ થયેલો હતો એટલે એ ચીકણો હશે. અભિષેક બૂટ પહેરીને જેવા અંદર ગયા કે તરત પગ લપસી ગયો. એમના માથામાં બેડનો ખૂણો વાગ્યો છે. હવે શું થશે ? હું ઘરે શું જવાબ આપીશ ? અમે તો માઉન્ટ આબુનું કહીને ઘરેથી નીકળ્યાં છીએ." શાલ્વી ટેન્શનમાં આવી ગઈ હતી.
"બૂટના લીધે જ એ લપસી ગયા. તમે ચિંતા ના કરો. માથાના પાછળના ભાગમાં ઇજા થાય એટલે બેહોશી આવી જાય. બહુ લોહી નીકળ્યું નથી એટલે ચિંતા જેવું નથી. એમ્બ્યુલન્સ બોલાવી લઉં છું. આપણે એમને પરિમલમાં જ લઈ જઈએ છીએ. હવે તમે પણ જોડે આવી શકો છો." પ્રશાંત બોલ્યો.
અને પ્રશાંતે તરત જ ૧૦૮ ડાયલ કરી એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને એમ્બ્યુલન્સ સ્ટાફે ઉપર આવીને ડૉ. અભિષેકને સ્ટ્રેચરમાં સૂવાડી નીચે લઈ લીધો. એમ્બ્યુલન્સ શાલ્વી અને અભિષેકને લઈને સાયરન વગાડતી પરિમલ હોસ્પિટલ જવા નીકળી ગઈ. પ્રશાંત અને મનીષ પણ પોતાની ગાડી લઈને હોસ્પિટલ ગયા.
પરિમલ હોસ્પિટલનો આખો સ્ટાફ અભિષેકથી પરિચિત હતો. અભિષેકે તો આ હોસ્પિટલમાં સ્ટાફ માટે દસ લાખ રૂપિયાનું દાન પણ કર્યું હતું. જેવી એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં આવી અને ખબર પડી કે અભિષેક સરને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા છે અને એ બેભાન અવસ્થામાં છે એટલે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ.
આખો સ્ટાફ ભેગો થઈ ગયો અને અભિષેકને ઇમર્જન્સીમાં લઈ જવામાં આવ્યો. તમામ ડોક્ટરો આવી ગયા અને યુદ્ધના ધોરણે એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી.
ઈજા માથામાં થઈ હતી એટલે એના માટે એમઆરઆઈ ટેસ્ટ ફરજિયાત હતો. જરૂરી ઇન્જેક્શન આપીને અભિષેકને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ઇમેજિંગ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં એમઆરઆઈ ટેસ્ટ કરાવીને ફરી પાછો એને હોસ્પિટલ લાવીને આઈસીયુ વોર્ડમાં ન્યુરો સર્જનની દેખરેખ નીચે રાખવામાં આવ્યો.
આ બધી જ દોડાદોડમાં શાલ્વી સતત અભિષેકની સાથે અને સાથે જ હતી. આઈસીયુમાં દાખલ કર્યા પછી શાલ્વી આઈસીયુની બહાર ગોઠવેલી એક ખુરશી ઉપર ગુમસુમ થઈને બેસી ગઈ. ડૉ. દિપાલી દસ વાગે હોસ્પિટલ આવી ગઈ હતી. એને ખબર પડી એટલે એ તાત્કાલિક જ આઈસીયુમાં ગઈ હતી. પ્રશાંત અને મનીષ ડૉ. દેસાઈની ચેમ્બરમાં બેઠા હતા.
દરેકના મનમાં એક જ સવાલ હતો કે અભિષેકની સાથે આ મેડમ કોણ હશે ? કારણ કે અભિષેકનાં લગ્ન અંજલી મેડમ સાથે થયેલાં છે એ તો આખો સ્ટાફ જાણતો હતો. આ પ્રશ્ન આવવાનો જ છે એવી પ્રશાંતને ખબર હતી જ અને એટલે એણે જવાબ વિચારી રાખ્યો હતો.
ધાર્યા પ્રમાણે સૌ પ્રથમ આ સવાલ દેસાઈ સાહેબ તરફથી જ પૂછવામાં આવ્યો.
" અભિષેકની સાથે ને સાથે રહેતાં મેડમ કોણ છે ? એમની ઓળખાણ ના પડી. " ડૉ. દેસાઈ બોલ્યા.
" એ અંજલીની ખાસ ફ્રેન્ડ શાલ્વી છે. અંજલી પ્રેગનેન્ટ છે અને એને છેલ્લા દિવસો ચાલે છે એટલે હું જ એમને સાથે લઈ આવ્યો છું. અભિષેકને કદાચ પોતાની યાદદાસ્ત પાછી આવી જાય તો કોઈ સંબંધી તો સાથે હોવું જોઈએ ને ? " મનમાં જે જવાબ વિચારી રાખ્યો હતો એ એણે આપી દીધો.
એ પછી પ્રશાંત બહાર ગયો અને જ્યાં શાલ્વી બેઠી હતી ત્યાં ગયો અને એની પાસે જઈને આ જ જવાબ એને સમજાવી દીધો.
" કોઈ પૂછે તો એટલું જ કહેવાનું કે હું અંજલીની મિત્ર છું. અંજલી પ્રેગ્નન્ટ છે એટલા માટે ડૉ. અભિષેક સાથે હું આવી છું. સાચી હકીકત કહેવાની કોઈને પણ જરૂર નથી." પ્રશાંત બોલ્યો.
" ઠીક છે સર. પરંતુ અભિષેક ભાનમાં તો આવી જશે ને ! ઘરે શું જવાબ આપવો એનું મને ટેન્શન થઈ ગયું છે. અહીં રાજકોટમાં છું એટલે ઘરે ફોન કરીને એમની હાલત વિશે મમ્મી પપ્પા ને પણ કંઈ કહી શકતી નથી." શાલ્વી બોલી.
" તમે જરા પણ ચિંતા નહીં કરો. બહુ ઈજા થઈ નથી. વધુમાં વધુ ૨૪ કલાક અસર રહેતી હોય છે. કાલ સુધીમાં ભાનમાં આવી જવા જોઈએ" પ્રશાંત બોલ્યો.
એટલામાં આઇસીયુમાંથી ન્યુરોસર્જન વસાવડા બહાર આવ્યા એટલે પ્રશાંતે તરત જ એમને અભિષેક વિશે પૂછ્યું.
" સર શું લાગે છે તમને ? ઈજા ગંભીર છે ? " પ્રશાંત બોલ્યો.
" અભિષેકનો એમઆરઆઈ રિપોર્ટ તો ચિંતાજનક નથી. બ્રેઇનમાં કોઈ ગંભીર ઈજા નથી થઈ. થોડું બ્લડ ક્લોટિંગ થયું છે. માથાના પાછળના ભાગમાં ઇજા થાય તો મેમરી સાથે જોડાયેલી લીમ્બિક સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય છે. બ્રેઇનમાં રહેલું ચેતાતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે. આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે એટલે હોશમાં આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. " વસાવડા બોલ્યા.
વસાવડા ગયા પછી ડો. દિપાલી ત્યાં આવી. પ્રશાંતને તો એ સારી રીતે ઓળખતી હતી.
" સર આ મેડમની ઓળખાણ ના પડી." દિપાલી બોલી.
" હું અંજલીની ફ્રેન્ડ શાલ્વી. હું તમને નામથી ઓળખું છું દિપાલીબેન. અંજલી ક્યારેક તમારી વાત કરતી હોય છે. " શાલ્વી બોલી.
" તમને મળીને ખૂબ જ આનંદ થયો. મારે તો અભિષેક સર સાથે ખૂબ જ અંગત સંબંધો છે. જે પરિસ્થિતિમાં તમને મળવાનું થયું એનું મને બહુ દુઃખ છે. હવે સરને હોશ ના આવે ત્યાં સુધી તમારે લોકોએ અહીં બેસી રહેવાની કોઈ જરૂર નથી. કારણ કે ભાનમાં આવવાનો સમય નિશ્ચિત નથી હોતો. ૭૨ કલાક સુધી ઘણીવાર રાહ જોવી પડતી હોય છે. અને અમે લોકો સતત એમનું ધ્યાન રાખીશું. હોસ્પિટલનો આખો સ્ટાફ એમની ચિંતા કરે છે. " દિપાલી બોલી.
" તમારી વાત સાચી છે દિપાલીબેન. પરંતુ આવી હાલતમાં એમને મૂકીને ક્યાંય જવાનું મન થતું નથી. " શાલ્વી બોલી.
"તમે અંજલીને જાણ કરી ? " દિપાલી બોલી.
" કેવી રીતે જાણ કરું ? એ હોશમાં આવી જાય પછી જ વાતચીત થશે. એ પોતે આવી હાલતમાં છે એટલે આવા સમાચાર આપવાની મારી જરા પણ ઈચ્છા નથી. " શાલ્વી બોલી.
"તમારી એ વાત પણ સાચી છે. તમે અત્યારે ક્યાં રોકાયાં છો ? " દિપાલી બોલી.
" અમે પ્રશાંત સરની સાથે જ આવેલાં છીએ અને ભાભા હોટલમાં રોકાયાં છીએ. " શાલ્વી બોલી.
" તો પછી તમે હોટલમાં જઈને જ આરામ કરો. જેવા એમને હોશ આવશે કે તરત હું તમને જાણ કરીશ. તમારો નંબર મને આપી રાખો. હું આજે સતત અભિષેક સરની સાથે જ રહીશ." ડૉ. દિપાલી બોલી.
" દિપાલી સાચું કહે છે શાલ્વી. તમે હોટલમાં જઈને આરામ કરો. અમે પણ ત્યાં આવી જઈશું કારણ કે અહીં બેસી રહેવાનો કોઈ મતલબ જ નથી. આપણને આઈસીયુમાં જવા દેવામાં નહીં આવે. હોશ આવશે કે તરત દિપાલી આપણને ફોન કરી દેશે. અહીં બેઠા બેઠા સમય પસાર કરવો પણ મુશ્કેલ છે. " પ્રશાંત બોલ્યો.
" ઠીક છે તો પછી હું નીકળું. પરંતુ દિપાલીબેન એમને સારું તો થઈ જશે ને ! " શાલ્વી બોલી.
" અરે શાલ્વીબેન એમનો કેસ સિરિયસ નથી. એમઆરઆઈ રિપોર્ટ પણ લગભગ નોર્મલ છે. માથામાં ઇજાના કારણે બેહોશ થઈ ગયા છે. એ ભાનમાં આવશે કે તરત હું તમને ફોન કરી દઈશ." દિપાલી બોલી.
શાલ્વી અને દિપાલીએ એકબીજાને પોતાનો ફોન નંબર શેર કર્યો. એ પછી શાલ્વી હોસ્પિટલમાંથી બહાર નીકળી ગઈ અને ગાડી લઈને હોટલ પહોંચી ગઈ.
" સર તમે અભિષેકને અહીં રાજકોટ કેમ લાવ્યા હતા ? " શાલ્વી ગઈ એ પછી દિપાલીએ પ્રશાંતને પૂછ્યું.
" અરે અમે તો ગઈકાલનાં આવ્યાં છીએ. ગઈકાલે હું દેસાઈ સાહેબને પણ મળ્યો હતો પરંતુ તમે ગઈ કાલે રજા ઉપર હતાં. એટલે પછી આજે અભિષેકને લઈને હોસ્પિટલ આવવાનું નક્કી કર્યું હતું. તમને તો ખબર જ છે કે એમની યાદદાસ્ત જતી રહી છે. એટલે રાજકોટની આ હોસ્પિટલમાં આવ્યા પછી તમને બધાંને જોઈને કદાચ એમની મેમરી પાછી આવી જાય એ છેલ્લી આશાથી એમને રાજકોટ લઈ આવ્યો છું. અને આજે અચાનક આ ઘટના બની ગઈ." પ્રશાંત બોલ્યો.
" કદાચ એની પાછળ પણ ઈશ્વરનો કોઈ સારો સંકેત હશે સર ! " દિપાલી બોલી.
હવે અહીં બેસી રહેવાનો કોઈ અર્થ ન હતો એટલે આઈસીયુના ઇન્ચાર્જ ડોક્ટર સાથે ચર્ચા કરીને પ્રશાંત અને મનીષ હોસ્પિટલથી નીકળી ગયા અને હોટલે આવ્યા.
બપોરના સાડા બાર વાગી ગયા હતા. જમવાનો ટાઈમ પણ થઈ ગયો હતો. પ્રશાંતે પોતાનો રૂમ લૉક કર્યો અને બાજુના રૂમને નોક કરી શાલ્વીને નીચે જમવા આવવાનું કહી લિફ્ટમાં બંને નીચે ઉતરી ગયા.
પાંચેક મિનિટ પછી શાલ્વી નીચે આવી પરંતુ એ ખૂબ રડી હોય એમ એની આખો લાલ થયેલી હતી અને ચહેરો એકદમ ઉદાસ હતો.
" શાલ્વી રિલેક્સ. આટલા બધા સિરિયસ થવાની જરૂર નથી. બિલીવ મી. અભિષેક એકદમ નોર્મલ છે. આઈસીયુના ડોક્ટરે મને કહ્યું કે સાંજ સુધીમાં તો એમને સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવશે. કારણ કે શરીરનાં બધાં ફંકશન નોર્મલ છે. એ બેહોશ છે એ સિવાય કોઈ જ તકલીફ નથી. અને તમે પણ રાત્રે એની સાથે રહી શકશો." પ્રશાંત બોલ્યો.
પ્રશાંતની વાતથી શાલ્વીને માનસિક રીતે ઘણી રાહત થઈ. થોડીવાર પહેલાં તો જમવાની બિલકુલ ઈચ્છા ન હતી પરંતુ હવે એને ભૂખનો થોડો અનુભવ થયો.
સાંજે પાંચ વાગે ફરી હોસ્પિટલ જવાનું નક્કી કરી બધા પોતપોતાની રૂમમાં ગયા.
આરામ કરીને શાલ્વી લોકો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અભિષેકને પહેલા માળે સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં એક સ્પેશિયલ નર્સ પણ એની સેવામાં હતી.
" હવે તમારે જવું હોય તો જઈ શકો છો. હું હવે એમની પાસે જ છું. " શાલ્વી નર્સની સામે જોઈને બોલી.
" તમે આરામ કરો મેડમ. મને અહીં સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવી છે. રાત્રે દસ વાગે બીજી નર્સ અહીં આવી જશે. સરે અમારા માટે ઘણું કર્યું છે મેડમ. આખો સ્ટાફ એમની ચિંતામાં છે. " નર્સ બોલી.
શાલ્વી એ પછી કંઈ બોલી નહીં. એને અભિષેક માટે ખૂબ જ માન થયું. અભિષેક કેટલા બધા લોકપ્રિય થઈ ગયા છે આ રાજકોટમાં !
થોડીવારમાં પ્રશાંત અને મનીષ પણ રૂમમાં આવ્યા અને નર્સ સાથે વાત કરીને નીકળી ગયા.
" શાલ્વીબેન તમારા માટે ઘરેથી જમવાનું આપી જાઉં ? " પોતાની ડ્યુટી પૂરી થયા પછી દિપાલી રૂમમાં આવીને બોલી.
" ના દિપાલીબેન. અહીં હોસ્પિટલમાં કેન્ટીનમાંથી જમવાનું આવે છે એ હું જમી લઈશ. આમ પણ મને બહુ ભૂખ નથી. " શાલ્વી બોલી. એને દિપાલીનો સ્વભાવ બહુ જ ગમી ગયો.
" રાત્રે કંઈ પણ કામ હોય તો અડધી રાત્રે પણ મને ફોન કરી શકો છો. આમ તો અભિષેક નોર્મલ છે એટલે તમે પણ ચિંતા કર્યા વગર સૂઈ જજો." દિપાલી જતાં જતાં બોલી.
રાત્રે અભિષેકને નળી વાટે ફ્રૂટનો રસ આપવામાં આવ્યો. શાલ્વી માટે પણ જમવાનું આવ્યું એટલે એણે પણ જમી લીધું.
રાત્રે સૂતી વખતે શાલ્વીને એક વિચાર એવો પણ આવ્યો કે અંજલીને ફોન કરીને બધી સાચી હકીકત કહી દઉં કે મારી સાથે છે એ જ તમારો અભિષેક છે. મને હમણાં જ ખબર પડી છે અને અત્યારે અમે રાજકોટ આવ્યાં છીએ પરંતુ અંજલીની હાલત એવી હતી કે અત્યારે એને કોઈ સમાચાર આપી શકાય એમ ન હતા !
રાત્રે દસ વાગ્યે બીજી નર્સ આવી અને એણે પોતાનો ચાર્જ સંભાળી લીધો. એણે પાઈનમાં બે ઇન્જેક્શન આપી દીધાં.
નર્સ આખી રાત જાગતી જ બેસવાની હતી એટલે પછી શાલ્વીએ ઊંઘવાનો પ્રયત્ન કર્યો અને થાકેલી હોવાથી ઘસઘસાટ ઊંઘી ગઈ.
સવારે લગભગ છ વાગ્યાની આસપાસ અભિષેકે આંખો ખોલી. એણે પોતાને એની જાણીતી પરિમલ હોસ્પિટલમાં એક સ્પેશિયલ રૂમમાં સૂતેલો જોયો. બાજુમાં સોનલ નામની જાણીતી નર્સને પણ જોઈ. સંપૂર્ણપણે એ ભાનમાં આવી ગયો હતો.
" અરે સોનલ હું અહીં રાજકોટમાં ક્યાંથી ? હું તો મુંબઈ જવા નીકળ્યો હતો ને ? અને અંજલી ક્યાં છે ? " અભિષેક બોલ્યો.
પોતાનું નામ સાંભળીને સોનલ ચમકી ગઈ. એને પૂરી ખાતરી થઈ ગઈ કે અભિષેક સર પૂરેપૂરા ભાનમાં આવી ગયા છે.
" સર બધું જ જણાવું છું. બે મિનિટ જરા સરને બોલાવી આવું. એમને બધી ખબર છે કે તમે અહીં કેમ છો ! મારી ડ્યુટી તો રાત્રે શરૂ થઈ છે. " સોનલ બોલી અને ઝડપથી બહાર દોડી ગઈ.
આ બંનેની વાતચીત સાંભળીને બાજુમાં સોફા ઉપર સૂતેલી શાલ્વી જાગી ગઈ. એણે અભિષેકને નર્સ સાથે વાત કરતો જોયો. એ સમજી ગઈ કે અભિષેક ભાનમાં આવી ગયા છે. હવે એના ધબકારા વધી ગયા. એ અભિષેક તરીકે ભાનમાં આવ્યા પછી મને ઓળખી શકશે ?
પરંતુ આ સવાલનો જવાબ મેળવવા માટે એને વધુ રાહ જોવી ન પડી. અભિષેકે જ એને સવાલ પૂછ્યો.
" મેડમ તમે કોણ ? અને મારા આ સ્પેશિયલ રૂમમાં મારી સાથે તમે કેમ છો ? અંજલી ક્યાં ગઈ ? હું તો મારી ગાડી લઈને મુંબઈ જઈ રહ્યો હતો ને તો પછી અહીં રાજકોટમાં ક્યાંથી ? " અભિષેકે અનેક સવાલો પૂછીને શાલ્વીને મૂંઝવી નાખી.
અચાનક પૂછાયેલા આવા સવાલોના શું જવાબ આપવા એની શાલ્વીને કોઈ સૂઝ પડતી ન હતી.
" તમને વડોદરા પાસે એક્સિડન્ટ થયો હતો એટલે મારા સર તમને તમારી ગાડીના નંબર ઉપરથી રાજકોટ લઈ આવ્યા છે અને અહીં એડમીટ કર્યા છે. હું સરને બોલાવું છું એ જ તમને બધી માહિતી આપશે. " તાત્કાલિક જે જવાબ સૂઝ્યો એણે અભિષેકને આપ્યો.
હવે અભિષેક તો મને ઓળખતા જ નથી ! એ તો ભાનમાં આવ્યા પછી સીધી અંજલીની જ વાત કરે છે. છેલ્લા સાત આઠ મહિનાનો બધો જ ભૂતકાળ સંપૂર્ણપણે ભૂલી ગયા લાગે છે ! મગજનું નવું ખાનું પૂરેપૂરું બંધ થઈ ગયું છે અને જૂનું ખાનું ખુલી ગયું છે !
એ તરત જ બહાર ગઈ અને નર્સ જે રેસીડેન્ટ ડોક્ટર પાસે ગઈ હતી ત્યાં પહોંચી ગઈ અને પોતે અભિષેકને શું જવાબ આપ્યો છે એ ત્યાં કહી દીધો જેથી બે જવાબો અલગ ના પડે. એ પણ કહ્યું કે પ્રશાંત સરને હું ફોન કરું છું એટલે એ પણ હોસ્પિટલ આવી જશે. તમે ન્યુરોસર્જનને પણ આ જ વાત કરજો એટલે જવાબો બધા એક જ આવે." શાલ્વી બોલી.
" ઓકે મેડમ. તમારી વાત સાચી છે. કારણ કે અમને પણ કંઈ ખબર નથી એટલે તમારી વાત જ અમે અભિષેક સરને રીપીટ કરીશું ." રેસીડેન્ટ ડોક્ટર બોલ્યો અને એણે ન્યુરોસર્જનને ફોન લગાવ્યો.
એ દરમિયાન શાલ્વીએ પ્રશાંત સરને કૉલ કર્યો.
" સર શાલ્વી બોલું. દસ પંદર મિનિટ પહેલાં અભિષેક સંપૂર્ણ ભાનમાં આવી ગયા છે. સાત આઠ મહિનાનો બધો ભૂતકાળ પૂરેપૂરો ભૂલી ગયા છે અને અંજલીની જ વાતો કરે છે. મને મેડમ કહીને સંબોધન કર્યું. પોતે તો મુંબઈ જઈ રહ્યા હતા તો પછી અહીં રાજકોટ હોસ્પિટલમાં કેવી રીતે વગેરે સવાલો મને કર્યા. " શાલ્વી બોલી રહી હતી.
" મેં એમને કહ્યું કે તમને વડોદરા પાસે એક્સિડન્ટ થયો હતો એટલે મારા સર તમને તમારી ગાડીના નંબર ઉપરથી રાજકોટ લઈ આવ્યા છે અને અહીં એડમીટ કર્યા છે. હું સરને બોલાવું છું એ જ તમને બધી માહિતી આપશે. " અંજલીએ પોતાની વાત પૂરી કરી.
" ઓહ્ ... મને આ જ ડર હતો કે જો અભિષેક ભાનમાં આવશે તો હવે આઠ મહિના પહેલાંના ભૂતકાળમાં જ પાછો આવશે અને આઠ મહિનાની બધી જ ઘટનાઓ એના મગજમાંથી ડીલીટ થઈ ગઈ હશે ! બસ પંદરેક મિનિટમાં જ હું નીકળું છું." પ્રશાંત બોલ્યો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

