અભિષેક (Abhishek Novel Part-62)

Related

અભિષેક પ્રકરણ 62

(આ પ્રકરણ ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી વાંચવા વિનંતી)

અભિષેકની યાદદાસ્ત પાછી લાવવા માટે પ્રશાંત વૈદ્ય શાલ્વીને અંકિત વિશેની સત્ય હકીકત જણાવીને એને રાજકોટ લઈ આવ્યો હતો. એને એવો વિશ્વાસ હતો કે ડૉ. અભિષેક દોઢ વર્ષ સુધી રાજકોટ રહેલો હતો અને હોસ્પિટલમાં એક ડોક્ટર તરીકે જોબ પણ કરતો હતો તો રાજકોટની એની હોસ્પિટલમાં લઈ જવામાં આવે અને દિપાલી વગેરેને મળે તો કદાચ એને પોતાનો ભૂતકાળ યાદ આવી પણ જાય.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

પરંતુ હોટલમાં વૉશરૂમમાં સ્લીપ થઈ જવાથી અભિષેકને માથામાં ચોટ પહોંચી અને એ ફરી બેહોશ થઈ ગયો એટલે બધાં સમીકરણો બદલાઈ ગયાં. – હોસ્પિટલમાં અભિષેક ભાનમાં આવી ગયા છે અને હવે એ મને પણ ઓળખતા નથી અને અંજલીને જ યાદ કરે છે – એવો શાલ્વીનો ફોન આવી ગયા પછી એ વિચારે ચડી ગયો કે હવે કેવી રીતે આગળ વધવું !

જો અકસ્માત ના થયો હોત અને હોસ્પિટલમાં બધાને મળ્યા પછી એની યાદદાસ્ત કુદરતી રીતે પાછી આવી હોત તો વાત અલગ જ હતી. કારણ કે તો એ શાલ્વીને પણ ઓળખતો હોત. આઠ મહિના શાલ્વી સાથે સંસાર ભોગવ્યો હતો એ પણ એને યાદ હોત. પરંતુ અકસ્માત થવાથી તો આઠ મહિનાની તમામ ઘટનાઓ એ ભૂલી ગયો છે. શાલ્વીને પણ ઓળખતો નથી !

બીજું બધું તો ઠીક પરંતુ હવે શાલ્વીની ઓળખાણ કેવી રીતે આપવી ? કારણ કે એનો તો કોઈ દોષ છે જ નહીં. એના સપોર્ટના કારણે તો અભિષેક રાજકોટ આવ્યો હતો અને અંજલી સાથે એનો સંસાર ફરી શરૂ થાય એ સદભાવનાથી એણે પોતાને પૂરો સપોર્ટ આપ્યો હતો ! હવે એ જો એને ઓળખે જ નહીં તો શાલ્વી માટે આ ઘટના આઘાતજનક બની જાય !

સૌથી મોટો ડર વલ્લભદાસનો હતો. શાલ્વી એમની આગળ માઉન્ટ આબુ જઈએ છીએ એવું ખોટું બોલીને અભિષેકને રાજકોટ લઈ આવી હતી. હવે અભિષેક પોતાના ભૂતકાળમાં જાગૃત થઈ ગયો છે અને એ તો વલ્લભદાસને ઓળખવાની પણ ના જ પાડી દે તો એમને કઈ રીતે શાંત કરવા અને સમજાવવા ? હવે ફરી પાછી કોઈ નવી સ્ટોરી બનાવવી પડશે.

પડશે એવા દેવાશે – એવું વિચારીને પ્રશાંત મનીષને સાથે લઈને હોસ્પિટલ પહોંચી ગયો. સૌથી પહેલાં એ ન્યુરોસર્જનને મળ્યો. રેસિડેન્ટ ડોક્ટરે એમને ફોન કરી દીધો હતો એટલે એ તાત્કાલિક હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.

"જુઓ અત્યારે ડૉ .અભિષેક એકદમ નોર્મલ છે. એનો ભૂતકાળ ફરી સજીવન થઈ ગયો છે. એ મને પણ ઓળખે છે અને આખી હોસ્પિટલના સ્ટાફને પણ ઓળખે છે. એણે ઘણા બધા સવાલો પૂછ્યા છે પરંતુ મેં હજુ કોઈ જવાબ આપ્યો નથી. કારણ કે છેલ્લા સાત આઠ મહિનામાં એની સાથે શું થયું છે એની મને કંઈ જ ખબર નથી. હમણાં તો મેં એને થોડો આરામ કરવાનું કહ્યું છે." ન્યૂરો સર્જન વસાવડા બોલી રહ્યા હતા.

" છેલ્લા સાત આઠ મહિના એના મગજમાંથી ડીલીટ થઈ ગયા છે. એ અત્યારે એક જ સવાલ પૂછે છે કે પરિમલ હોસ્પિટલ છોડીને પોતે ગાડીમાં મુંબઈ જઈ રહ્યો હતો તો પછી અચાનક એવું શું થયું કે ફરી રાજકોટની એની જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું ? એની સાથે જે મેડમ છે એમણે એવો જવાબ આપ્યો છે કે રસ્તામાં અકસ્માત થયો હતો એટલે અમે લોકો એને ગાડીના નંબર ઉપરથી રાજકોટ લઈ આવ્યાં છીએ. હવે તમે લોકો એમની સાથે જે પણ વાત કરવી હોય એ કરી શકો છો. એ એકદમ નોર્મલ છે અને તમે ડિસ્ચાર્જ લઈ શકો છો." વસાવડા બોલ્યા.

" કંઈ વાંધો નહીં. અમે લોકો અત્યારે તો એમને અમારી ભાભા હોટલ ઉપર જ લઈ જઈએ છીએ. ત્યાં ગયા પછી વિસ્તારપૂર્વક છેલ્લા સાત આઠ મહિના દરમિયાન શું થયું એની ચર્ચા એમની સાથે કરીશું. લાંબો સમય છાનું રાખી શકાય એવું નથી. કારણ કે આ આઠ મહિનામાં ઘણું બધું બની ગયું છે સર." પ્રશાંત બોલ્યો.

એ પછી પ્રશાંત અને મનીષ અભિષેક પાસે ગયા અને એની ખબર અંતર પૂછી. શાલ્વી પણ ત્યાં જ બેઠી હતી.

" અભિષેક તમે હવે એકદમ નોર્મલ છો અને ડોક્ટરે પણ ડિસ્ચાર્જ માટે કહી દીધું છે. હવે તમારે તો અત્યારે અમારી મહેમાનગતિ કરવાની છે. અમે ભાભા હોટલમાં રોકાયા છીએ. તમારી ગાડી વડોદરા પડી છે. આપણે મુંબઈ જતી વખતે એ લેતા જઈશું. " પ્રશાંત વાક્યો મનમાં ગોઠવી ગોઠવીને બોલી રહ્યો હતો.

" હા પણ મને અકસ્માત કેવી રીતે થયો ? અને આ જ હોસ્પિટલમાં તમે મને કેવી રીતે લઈ આવ્યા ? તમે તો મને ઓળખતા પણ નથી ! મારે હવે અંજલીને પણ ફોન કરીને કહેવું પડશે. એ બિચારી અમદાવાદ મારા ફોનની રાહ જોતી હશે. અને મારો ફોન ક્યાં છે ? " અભિષેક એક સાથે સવાલો કર્યા.

"બધું જ વિગતવાર જણાવું છું તમને. તમારે આટલું બધું ટેન્શન કરવાની જરૂર નથી. માથામાં ઇજા થયેલી છે એટલે ડોક્ટરે પણ અત્યારે વધુ વાતો કરવાની અને વિચારવાની ના પાડી છે. તમે અમારી સાથે હોટલ ઉપર ચાલો." પ્રશાંત બોલ્યો.

એટલામાં અચાનક ડૉ. દિપાલીને ખબર પડી એટલે એ પણ લગભગ દોડતી જ સ્પેશિયલ રૂમમાં આવી.

" અરે અભિષેક સર...અચાનક તમને આ શું થઈ ગયું ? " દિપાલી આવીને તરત જ બોલી.

" અરે દિપાલી હું મુંબઈ જઈ રહ્યો હતો અને વડોદરા પાસે મારી ગાડીને અકસ્માત નડ્યો. આ લોકો કદાચ એ વખતે ત્યાં હાજર હશે એટલે મારી ગાડીના નંબર ઉપરથી રાજકોટ લઈ આવ્યા છે. મને એ નથી સમજાતું કે મને આ જ હોસ્પિટલમાં એમણે કેવી રીતે દાખલ કર્યો ? એમને ક્યાં ખબર હતી કે હું અહીંયા જોબ કરતો હતો ?" અભિષેક બોલ્યો.

" તમારા વીઝીટીંગ કાર્ડ ઉપરથી. તમે ડોક્ટર છો એ પણ ખબર પડી અને આ હોસ્પિટલમાં જોબ કરતા હતા એ પણ એ કાર્ડ ઉપરથી ખબર પડી. તમારા ખિસ્સામાંથી એક વીઝીટીંગ કાર્ડ મળ્યું. " પ્રશાંત બોલ્યો.

પ્રશાંતને અચાનક યાદ આવ્યું કે એની ગાડીમાંથી જ્યારે એનું વોલેટ મળ્યું હતું ત્યારે એમાં બે ત્રણ વીઝીટીંગ કાર્ડ પડેલાં જ હતાં. એની બેગમાં જે પાઉચ હતું એમાં પણ વીઝીટીંગ કાર્ડ ગોઠવેલાં હતાં.

" હા એ તો મને યાદ જ ન હતું. " અભિષેક બોલ્યો.

" કારણ કે અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તમે ક્યાં જઈ રહ્યા હતા એ પણ અમને ખબર ન હતી. તમારું બીજું કોઈ એડ્રેસ પણ અમે જાણતા ન હતા. એટલે પછી આ કાર્ડ ઉપરથી અમે તમને રાજકોટ લઈ આવ્યા. અમે પોતે પણ મુંબઈ જઈ રહ્યા હતા. " પ્રશાંત બોલ્યો અને એણે દિપાલીને નાક ઉપર આંગળી રાખીને ચૂપ રહેવાનું કહ્યું.

દિપાલી બધું સમજી ગઈ. અભિષેકની વાત ઉપરથી એ આઠ મહિનાની બધી ઘટનાઓ ભૂલી ગયા છે એ પણ એને તરત જ ખ્યાલ આવી ગયો. એ પછી આગળ કંઈ પણ બોલી નહીં. એને વિશ્વાસ હતો કે આ ડિટેક્ટિવ બધું સંભાળી લેશે. એને દુઃખ જરૂર થયું.

પ્રશાંત વૈદ્ય અભિષેકને ડિસ્ચાર્જ કરાવીને પોતાની જ ગાડીમાં ભાભા હોટલ લઈ ગયો કારણ કે અભિષેક શાલ્વીને તો ઓળખતો જ ન હતો એટલે એની ગાડીમાં મોકલવાનો કોઈ મતલબ ન હતો. શાલ્વી પાછળ પાછળ જ આવી.

પ્રશાંતે મનીષ માટે ત્રીજો એક રૂમ બુક કરાવી દીધો અને અભિષેકને પોતાની જ રૂમમાં લઈ લીધો. અભિષેકની જે બેગ શાલ્વીના રૂમમાં પડી હતી એ પણ એણે પોતાના રૂમમાં મંગાવી લીધી.

પ્રશાંત સવારનો નાહ્યો પણ ન હતો એટલે એણે અભિષેકને થોડી રાહ જોવાનું કહીને સ્નાન કરી લીધું. શાલ્વી અને મનીષ પણ પોતપોતાના રૂમમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયાં.

" અત્યારે બપોરનો એક વાગવા આવ્યો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. સૌથી પહેલાં આપણે જમી લઈએ અને એ પછી જ બધી વાત કરીશું. જમ્યા પછી તમે પણ સ્નાન કરી ફ્રેશ થઈ જજો. તમે ગઈકાલથી હોસ્પિટલમાં બેહોશ હતા." પ્રશાંત બોલ્યો અને એણે શાલ્વી તેમજ મનીષને નીચે જમવા આવવા માટે કહી દીધું.

આજે જમવાનું બહુ જ સરસ હતું. અભિષેક પહેલા પણ અહીં ઘણીવાર જમી ગયો હતો એટલે એને તો ભાભા હોટલ અને એનો ડાઇનિંગ હોલ યાદ જ હતો !

" મારો ફોન તમારી પાસે હોય તો જરા આપો ને ! મારે અંજલી સાથે વાત કરવી છે. મેં ગઈકાલનો એને કોઈ ફોન નથી કર્યો એટલે બિચારી ચિંતા કરતી હશે ! " જમતી વખતે અભિષેક બોલ્યો.

" તમને અકસ્માત થયો ત્યારે એ ફોન તૂટી ગયો હતો. તમને માથામાં ઇજા થવાથી તમે એકદમ બેહોશ થઈ ગયા હતા એટલે તમને બચાવવા ખૂબ જ જરૂરી હતા. ફોનની પરવા કર્યા વગર અમે તાત્કાલિક તમને અહીં રાજકોટ લઈ આવ્યા. આ શાલ્વી મેડમે ગઈકાલથી તમારી ખૂબ જ સંભાળ રાખી છે. તમે અંજલીની ચિંતા નહીં કરો. જમ્યા પછી તમને વિગતવાર વાત કરું છું." પ્રશાંત બોલ્યો અને પછી એણે જમવામાં જ ધ્યાન પરોવ્યું.

અભિષેકની યાદદાસ્ત પાછી આવી ગઈ એટલે અભિષેક પાસે અંકિતનો જે ફોન હતો એ શાલ્વીએ લઇ લીધો હતો અને પોતાની પર્સમાં મૂકી દીધો હતો. એણે એ વાત પ્રશાંત સરને પણ કરી.

જમતી વખતે પ્રશાંતના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા. અભિષેકને અંકિત વિશેની સાચી વાત કરવી જ પડશે કારણ કે અત્યારે અંજલીને આઠમો મહિનો ચાલે છે. છેલ્લા આઠ મહિનાની તમામ હકીકતો એને જણાવવી જ પડશે !

જમ્યા પછી પ્રશાંત અભિષેકને પોતાના રૂમમાં લઈ ગયો. મનીષ પણ સાથે જ રહ્યો. શાલ્વીને હમણાં દૂર રાખી.

" અભિષેકભાઈ તમારા જીવનમાં ઘણું બધું બની ગયું છે. તમારી જો સાંભળવાની ઈચ્છા હોય તો અત્યારે જ તમારી સાથે આખી ઘટનાની ચર્ચા કરું અને અત્યારે મૂડ ના હોય તો પછી સાંજે શાંતિથી અથવા રાત્રે વાત કરીશું. " પ્રશાંત બેડ ઉપર તકિયાને અઢેલીને બેઠો અને બોલ્યો.

" ના, મારે તો અત્યારે જ સાંભળવું છે પ્રશાંતભાઈ. મારામાં હવે જરા પણ ધીરજ નથી. મને અંજલીની ચિંતા છે." કહીને અભિષેક બેડની સામે રાખેલી ખુરશી ઉપર એવી રીતે બેઠો જેથી એનો ચહેરો પ્રશાંત સામે રહે.

" ઠીક છે તમારે મારી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળવી પડશે. વચ્ચે એક પણ સવાલ પૂછશો નહીં. હું જે પણ કહી રહ્યો છું એ એકે એક વાત સત્ય છે. તમને સાંભળીને આંચકો લાગશે પરંતુ તમે રાજકોટથી મુંબઈ જવા નીકળ્યા એ વાતને સાડા સાત મહિના પૂરા થઈ ગયા છે અને અત્યારે આઠમો મહિનો ચાલે છે." પ્રશાંત બોલ્યો અને એની વાત સાંભળીને અભિષેક ચકરાઈ ગયો.

" એક રીતે કહું તો આ સાડા સાત મહિના તમે કોમામાં હતા એવું સમજી લો. અભિષેક તરીકે તમે ચોક્કસ કોમામાં હતા પરંતુ બીજા સ્વરૂપે તમે એક નવી જિંદગી જીવી ગયા છો. મારે તમને આખી વાત શરૂઆતથી કહેવી પડશે." પ્રશાંતે સિગરેટ સળગાવી અને મનમાં વાતને ગોઠવવા લાગ્યો.

" તમારો રજનીકાંત મુન્શીના ઘરે જન્મ થયો ત્યારે જોડિયા ભાઈ તરીકે તમે જન્મ લીધો હતો. અંકિત નામનો તમારો બીજો એક ભાઈ પણ હતો. પૈસાની ખૂબ જ તકલીફના કારણે તમારા પિતાએ જૂહુ સ્કીમમાં રહેતા એમના ખાસ મિત્ર વલ્લભદાસને સાત આઠ મહિનાનો અંકિત દત્તક તરીકે આપી દીધો હતો અને સારી એવી રકમ મેળવી હતી." પ્રશાંત બોલી રહ્યો હતો.

" તમે રાજકોટ છોડ્યું એના સાતેક મહિના પહેલાં અંકિત સંસાર છોડીને હિમાલય તરફ ચાલી ગયો હતો અને સંન્યાસી બની ગયો હતો. અંકિતે મા બાપના દબાણના કારણે લગ્ન કરવાં પડ્યાં હતાં પરંતુ સંસારમાં એનું મન ન હોવાથી એણે પોતાની પત્ની પણ છોડી દીધી. અત્યારે આપણી સાથે જે છે તે શાલ્વી અંકિતની જ એટલે કે તમારા સગા ભાઇની પત્ની છે. " પ્રશાંત બોલી રહ્યો હતો.

ખૂબ જ આશ્ચર્યથી અભિષેક આ વાત સાંભળી રહ્યો હતો !

" અંકિત એની પત્નીને ડિવોર્સ મળી જાય એના પેપર્સ તૈયાર કરીને પછી જ ગયો હતો પરંતુ વલ્લભદાસે આ વાત અંકિતની પત્નીથી છાની રાખી. અંકિત કાયમ માટે જતો રહ્યો છે એ વાત પણ એમણે શાલ્વીથી છાની રાખી. શાલ્વી બિચારી પતિની રાહ જોતી રહી. વલ્લભદાસની ઈચ્છા એવી હતી કે કોઈ સારું પાત્ર મળે તો શાલ્વીને ડિવોર્સ અપાવી બીજા પાત્ર સાથે પરણાવી એને ઘર જમાઈ બનાવી દેવો જેથી એમનો વારસદાર પણ મળી રહે. " પ્રશાંત બોલ્યો.

" અંકિત શાલ્વીને છોડીને જતો રહ્યો તો જતી વખતે એણે શાલ્વીને વાત ન કરી કે એ સંસાર છોડીને જઈ રહ્યો છે ? એણે શાલ્વી સાથે જ વાત કરવી જોઈએ ને ! " અભિષેક બોલ્યો.

" કદાચ એવું કહેવાની એની હિંમત નહીં ચાલી હોય. ઘર છોડતી વખતે એ શાલ્વીને ચાર પાંચ દિવસ માટે પોતાના પિયર છોડીને ગયો હતો. વલ્લભદાસે તો એને એમ જ કહ્યું કે અંકિત કહ્યા વગર ક્યાંક જતો રહ્યો છે. એમણે અંકિતને શોધવા માટે પોલીસમાં પણ ખાલી ખાલી ફરિયાદ નોંધાવી. " પ્રશાંત બોલ્યો.

હવે એ મૂળ વાત ઉપર આવતો હતો એટલે એણે પાણીનો એક ઘૂંટડો ભર્યો અને આગળ વાત ચલાવી.

" મારી ઓળખાણ મેં તમને હજુ સુધી આપી જ નથી. મારું આખું નામ પ્રશાંત વૈદ્ય અને મારી પોતાની મુંબઈ ભાંડુપમાં ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી છે. હું પોતે ડિટેક્ટિવ છું અને મારી સાથે છે એ મનીષ શિંદે મારો આસિસ્ટન્ટ છે. બે વર્ષ પહેલાં અંકિતને શોધવાનો કેસ છેવટે વલ્લભદાસે મને જ સોંપ્યો હતો. અમે દોઢ વર્ષ બહુ મહેનત કરી પરંતુ અંકિત તો સન્યાસી બન્યો હતો એટલે અમને કોઈ સફળતા ના મળી." પ્રશાંત બોલતો હતો.

" હવે તમારી વાર્તા અહીંથી શરૂ થાય છે. તમે અંજલી સાથે લગ્ન કરીને દ્વારકા દર્શન કરવા ગયા હતા અને ત્યાં ગોમતીઘાટ ઉપર અંજલી સાથે બેઠા હતા એ જ વખતે વલ્લભદાસ પણ દ્વારકા દર્શન કરવા આવેલા હોવાથી તમને જોઈ ગયા અને પછી નવો ડ્રામા શરૂ થઈ ગયો. એ તમને તરત ઓળખી ગયા. તમારા બંને ભાઈઓનો ચહેરો બિલકુલ એક જ છે એટલે તમે જો અંકિતની જગ્યાએ ગોઠવાઈ જાઓ તો ઘરની વાત ઘરમાં જ સચવાઈ જાય અને એમને વારસદાર મળી જાય. " પ્રશાંત બોલ્યો.

" હા પણ એ તો દસ બાર દિવસ પહેલાંની જ ઘટના છે ! અમે દ્વારકા જઈને લગ્ન કર્યાં હતાં. " અધવચ્ચે અભિષેક બોલ્યો.

" ફરી તમને કહું છું કે એ ઘટનાને સાત આઠ મહિના થઈ ગયા છે અભિષેક. આ લાંબા સમયગાળામાં તમારા જીવનમાં ઘણું બધું બની ગયું છે જે હવે તમને બિલકુલ યાદ નથી. હવે મારી વાત સાંભળો. વલ્લભદાસ તમને જોઈ તો ગયા પણ તરત તમે ઊભા થઈને ત્યાંથી નીકળી ગયા એટલે તમને શોધી કાઢવા એમણે મુંબઈ મારો સંપર્ક કર્યો. એમનો ડ્રાઇવર તમારી ગાડીનો નંબર જોઈ ગયો એટલે તમે રાજકોટમાં રહો છો એ સાબિત થયું." પ્રશાંત બોલી રહ્યો હતો.

" ગમે તમે કેમ કરીને અમે તમને આ પરિમલ હોસ્પિટલમાં શોધી તો કાઢ્યા પરંતુ એ જ વખતે તમે કાયમ માટે રાજકોટ છોડીને અંજલી સાથે મુંબઈ જવાના હતા એટલે પછી અમે તમારી ક્રેટા ગાડીનો જ પીછો કર્યો. વડોદરા તરસાલી પાસે એક હોટલમાં અમે પણ તમારી સાથે જ જમવા બેઠા. અમારે ગમે તેમ કરીને એકવાર તમને વલ્લભદાસ પાસે લઈ જવાના હતા એટલે અમે તમારી ગાડીને પંકચર કરી દીધું. સોરી...પણ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં ! " પ્રશાંત બોલી રહ્યો હતો.

" કોઈ પંકચર વાળાને શોધી કાઢવાના બહાને મારા આ આસિસ્ટન્ટ મનીષે તમને એની ગાડીમાં જ બેસાડી દીધા અને ગાડી સીધી મુંબઈ તરફ લીધી. અપહરણ થયું છે એવી તમને શંકા ગઈ એટલે તમે અમારા માણસો સાથે ચાલુ ગાડીમાં ઝપાઝપી કરી અને એમાં તમારા માથામાં રિવોલ્વરનો ફટકો વાગી ગયો. તમે એ પછી બેહોશ થઈ ગયા. તમારી યાદદાસ્ત પણ જતી રહી જે છેક આજે સવારે તમે ભાનમાં આવ્યા ત્યારે પાછી આવી ! " પ્રશાંત બોલ્યો અને થોડી વાર ચૂપ રહ્યો.

અભિષેક પ્રશાંતની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એ વાત તો સાચી જ હતી કે પોતે અંજલીને લઈને મુંબઈ જવા નીકળ્યો હતો અને અંજલીને અમદાવાદ ઉતારીને પોતે વડોદરા તરસાલી પાસે હોટલ હાઈફ્લાયમાં જમવા બેઠો હતો. એને એ પણ યાદ આવી ગયું કે એની ગાડીને પંકચર થયું હતું. ધીમે ધીમે એને સામે બેઠેલા મનીષ નો ચહેરો પણ યાદ આવી ગયો ! પ્રશાંત સાચું જ કહી રહ્યો હતો !!

" હા મને યાદ આવે છે. આ ભાઈ જ મને રાજકોટ હોસ્પિટલમાં પણ મળ્યા હતા અને હોટલમાં જમતી વખતે પણ મળ્યા હતા. ગાડીને પંકચર થયા પછી એમની સ્કોર્પિયો ગાડીમાં જ હું બેઠો હતો. અત્યારે આપણે હોસ્પિટલમાંથી આવ્યા એ જ બ્લેક ગાડી હતી ! " અભિષેક બોલ્યો.

" એકઝેકટલી ! તમને બરાબર યાદ આવી ગયું. આ મનીષ જ એ વખતે તમારી સાથે હતો. તમને અમારી ગાડીમાં તો બેસાડી દીધા પરંતુ તમે બેહોશ થઈ ગયા એ સાથે તમારી યાદદાસ્ત પણ જતી રહી અભિષેક ! એ પછી લગભગ આઠ મહિના સુધી તમે અભિષેકના બદલે વલ્લભદાસના પુત્ર અંકિત બનીને એમના ઘરમાં રહ્યા ! મારે તમને હવે આ આઠ મહિનાના સમયગાળાની જ ઘટનાઓ કહેવી છે ! " પ્રશાંત બોલી રહ્યો હતો.

" અંકિતના પિતા વલ્લભદાસે તમારી યાદદાસ્ત જતી રહી એનો ભરપૂર ગેરલાભ લીધો. એમણે તમને એમના ખોવાયેલા પુત્ર અંકિત તરીકે એમના ઘરમાં સ્વાગત કર્યું. એ તો ઠીક પણ તમારો તથા અંકિતનો એક જ ચહેરો હોવાથી અને એક જ અવાજ હોવાથી અંકિતની રાહ જોતી શાલ્વી પણ તમને અંકિત માની બેઠી અને આઠ મહિના સુધી એ તમારી સાથે સહશયન કરતી રહી ! વલ્લભદાસને તમારા થકી એમનો વારસદાર જોઈએ છે એટલે એમણે આ સંબંધ ચાલવા દીધો !! " પ્રશાંત આક્રોશથી બોલ્યો.

" ઓહ્ ... નો !!! " અભિષેકથી બોલાઈ ગયું.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."