અભિષેક પ્રકરણ 63
અભિષેક હોટલના બાથરૂમમાં સ્લીપ થઈ ગયો પછી બેહોશ થવાથી એને પરિમલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે અભિષેક ભાનમાં તો આવી ગયો પણ સાથે સાથે એની યાદદાસ્ત પણ પાછી આવી ગઈ !અભિષેક નવલકથા
અભિષેકની યાદદાસ્ત પાછી આવે એના માટે પ્રશાંત વૈદ્ય એને રાજકોટ લઈ આવ્યો હતો અને સાથે શાલ્વીને પણ લાવ્યો હતો. અભિષેકને એનો બધો ભૂતકાળ યાદ આવી ગયો એ બહુ જ સારી વાત હતી પરંતુ સાથે સાથે એ છેલ્લા આઠ મહિનાની તમામ ઘટનાઓ ભૂલી ગયો હતો એ એક ચિંતાનો વિષય હતો. અરે એ તો શાલ્વીને પણ ઓળખતો ન હતો અને એને મેડમ કહીને વાત કરતો હતો !
શાલ્વી માટે આ હકીકત આઘાતજનક હતી. એ બે ચિંતાઓમાં ડૂબી ગઈ હતી. એક તો અભિષેક એને ઓળખે જ નહીં તો પછી પોતાના ભવિષ્યનું શું ! બીજી ચિંતા એ હતી કે પોતે ખોટું બોલીને અભિષેકને રાજકોટ લઈ આવી હતી એટલે રાજકોટમાં બનેલી ઘટનાઓ એના સસરા વલ્લભદાસને કેવી રીતે કહેવી !
પરંતુ આ હકીકત પ્રશાંત વૈદ્ય જાણતો હતો એટલે એણે આખી બાજી જ પોતાના હાથમાં લઈ લીધી હતી. એ જમ્યા પછી અભિષેકને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને એનો છેલ્લા સાત આઠ મહિનાનો બધો જ ભૂતકાળ ખૂબ જ વિગતવાર અભિષેકને જણાવ્યો હતો.
અભિષેક પોતે ખૂબ જ આધ્યાત્મિક હતો. પ્રશાંતે જ્યારે અભિષેકને કહ્યું કે છેલ્લા આઠ મહિનાથી એ પોતે અંકિત બનીને એના સગા ભાઇની પત્ની શાલ્વી સાથે સંસાર ભોગવતો આવ્યો છે ત્યારે એને ખૂબ જ આઘાત લાગ્યો.
" ઓહ્ ... નો !!! " અભિષેકથી બોલાઈ ગયું.
" હા અભિષેક. શાલ્વીનો એમાં કોઈ જ વાંક નથી. તમે અભિષેક છો એ શેઠ જાણતા હોવા છતાં પણ તમારો પરિચય એમણે શાલ્વી આગળ અંકિત તરીકે જ કરાવ્યો. આ આખી રમત વલ્લભદાસે રમી છે. તમારા બંને ભાઈઓમાં એટલું બધું સામ્ય છે કે કોઈપણ વ્યક્તિ થાપ ખાઈ જાય ! શાલ્વી તમને પતિ માનીને જ બેઠી છે એટલે હવે એને તમારે કઈ રીતે જોવી એ તમારો પોતાનો પ્રશ્ન છે ! " પ્રશાંત બોલ્યો.
" બીજી રીતે જોવાનો કોઈ પ્રશ્ન જ નથી પ્રશાંત સર. મેં અંજલી સાથે લગ્ન કરેલાં છે, શાલ્વી સાથે નહીં. હકીકત જાણ્યા પછી હું એની સાથે આ રીતે આગળ ના વધી શકું. મારે અંજલીનો તાત્કાલિક સંપર્ક કરવો પડશે. છેલ્લા આઠ મહિનામાં એની હાલત શું હશે એની તો હું કોઈ કલ્પના જ કરી શકતો નથી ! " અભિષેક બોલ્યો.
" એની હાલત બહુ જ ખરાબ હતી પરંતુ કદાચ તમારા ગુરુજીની કૃપાથી હવે એ દુઃખી નથી. તમારો કોઈ સંપર્ક થતો ન હતો અને તમે સાવ ખોવાઈ ગયા હતા. શરૂઆતનો દોઢ મહિનો એણે બહુ જ માનસિક ત્રાસ વેઠેલો છે. તમારી પત્ની અંજલી અત્યારે પ્રેગનેન્ટ છે અને એને આઠમો મહિનો ચાલી રહ્યો છે. તમારાં વીણામાસી એની ખૂબ જ સંભાળ રાખી રહ્યાં છે અને અત્યારે એ તમારા ઘરે દહીસર જ છે ! " છેલ્લે પ્રશાંતે અભિષેકને હસીને ખુશ ખબર આપ્યા.
" વ્હોટ !! અંજલી પ્રેગનેન્ટ છે ! અને અત્યારે દહીસર મારા ઘરે જ છે !! " અભિષેક ખુશી અને આશ્ચર્યથી લગભગ ઉછળી પડ્યો.
" હા. થોડા દિવસ પહેલાં જ હું તમારા ઘરે જઈને એને મળી આવ્યો છું. અંજલીને છેલ્લા સાત આઠ મહિનાથી એવું જ કહેવામાં આવ્યું છે કે તમે હિમાલયની તળેટીમાં તમારા ગુરુજીની એક શિબિરમાં સાધના કરવા ગયા છો. તમે મુંબઈમાં જ છો અને અંકિત બનીને શાલ્વી સાથે સંસાર માણી રહ્યા છો એવું અમે એને કઈ રીતે કહી શકીએ ? " પ્રશાંત બોલ્યો.
" મને તમે અંજલી સાથે વાત કરાવી શકશો પ્લીઝ ? " અભિષેક બોલ્યો.
" હું ઇચ્છું છું કે ફોન ઉપર વાત કરવાના બદલે તમે એને રૂબરૂ મળીને જ સરપ્રાઈઝ આપો. તમે એકવાર ફોન ઉપર વાત કરી લેશો પછી આટલા લાંબા સમય પછી રૂબરૂ મળવાનો જે આનંદ છે એ ઘણો ઓછો થઈ જશે ! " પ્રશાંત બોલ્યો.
" તો પછી આપણે અત્યારે જ હવે મુંબઈ જવા માટે નીકળી જઈએ. " અભિષેક અધીરાઈથી બોલ્યો.
" અંજલીને મળવાની તમારી ઉતાવળ હું સમજી શકું છું અભિષેક પરંતુ અંજલીને મળતાં પહેલાં એક મહત્વનું કામ પણ તમારે કરવાનું છે. અંજલીને મળવામાં એકાદ દિવસ મોડું થશે તો વાંધો નહીં આવે. આપણે આવતીકાલે વહેલી સવારે નીકળી જઈશું જેથી વડોદરા બપોરે પહોંચીને તમારી ગાડી લઈ શકાય. તમારી ક્રેટા ગાડી વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશન પડી છે. " પ્રશાંત બોલી રહ્યો હતો.
" મુંબઈ પહોંચીને ક્રેટા ગાડી ક્યાંક બીજે પાર્ક કરીને તમારે શાલ્વીની સાથે એની મર્સિડીઝ ગાડીમાં શેઠ વલ્લભદાસના ઘરે જવાનું છે. શાલ્વી એકલી હવે એ ઘરે ના જઈ શકે. ત્યાં જઈને શું કહેવું એની આખી સ્ટોરી આપણે આજે વિચારવી પડશે. તમારી યાદદાસ્ત પાછી આવે અને સગર્ભા અંજલી સાથે તમારું દાંપત્યજીવન ફરી શરૂ થાય એના માટે એ છોકરીએ બહુ મોટું બલિદાન આપ્યું છે. એના પ્રેમની કુરબાની આપી છે ! એટલે એની સાથે શેઠ વલ્લભદાસના ઘરે જઈને આખો મામલો તમારે સંભાળવો પડશે. " પ્રશાંત બોલ્યો.
" હવે તમને લોકોને વાંધો ના હોય તો શાલ્વીને પણ આપણી વાતચીતમાં સાથે રાખીએ. " વચ્ચે મનીષ બોલ્યો.
" હા મુખ્ય વાત પતી ગઈ છે એટલે હવે તું શાલ્વીને અહીં બોલાવી લે." પ્રશાંતે સંમતિ આપી.
મનીષ જઈને શાલ્વીને બોલાવી લાવ્યો. શાલ્વી આવી એટલે અભિષેક બેડ ઉપર બેસી ગયો અને શાલ્વી માટે ખુરશી ખાલી કરી આપી.
પહેલીવાર અભિષેકે શાલ્વીને ધારી ધારીને જોઈ. જેની સાથે આઠ મહિના સુધી પત્ની તરીકે ખૂબ જ રંગરાગ માણ્યા એ શાલ્વી અત્યારે એના માટે એક પરાઈ સ્ત્રી બની ગઈ હતી. શાલ્વી નજર ઝુકાવીને એની સામે બેઠી હતી. પોતાનાથી આ શું થઈ ગયું ! અભિષેક ક્ષોભ અનુભવતો હતો.
" શાલ્વી અભિષેક સાથે બધી જ વાતચીત થઈ ગઈ છે. તમારી સાથે જે પણ બની ગયું છે એ પણ એમને હવે ખબર છે. અત્યારે એ અભિષેકના રૂપમાં સંપૂર્ણ સભાન છે. મુંબઈ પહોંચી ગયા પછી તમારી સાથે તમારી જ ગાડીમાં એ તમારા ઘરે આવશે. પરંતુ ત્યાં ગયા પછી તમારા સસરા સાથે શું વાર્તા કરવી એની ચર્ચા માટે તમને અહીં બોલાવ્યાં છે." પ્રશાંત બોલ્યો.
" રાજકોટની કોઈ ચર્ચા મારા સસરા સાથે નહીં થઈ શકે. માઉન્ટ આબુ જવાનું કહીને અમે નીકળ્યાં છીએ. એટલે અભિષેકની યાદદાસ્ત માઉન્ટ આબુમાં કઈ રીતે પાછી આવી એ જ વિચારવું પડશે. " શાલ્વી બોલી. એ હજુ અભિષેક સાથે નજર મિલાવી શકતી ન હતી.
" મને લાગે છે કે એમાં ઝાઝું કંઈ વિચારવાની જરૂર નથી. જે ઘટના રાજકોટની હોટલમાં બની એ જ ઘટના માઉન્ટ આબુની હોટલમાં કેમ ના બની શકે ? હું બાથરૂમમાં સ્લીપ થઈ ગયો. બેહોશ થઈ ગયો. શાલ્વી એમ્બ્યુલન્સ બોલાવીને ત્યાંની કોઈ હોસ્પિટલમાં મને લઈ ગઈ. માથામાં ઇજા થવાથી મારી યાદદાસ્ત પાછી આવી ગઈ. ઘેટ્સ ઈટ ! આપણે હવે ત્યાંની કોઈ હોસ્પિટલનું નામ શોધી કાઢવું પડશે." અભિષેક બોલ્યો.
" વાહ ! તમે તો રસ્તો એકદમ સરળ કરી દીધો અભિષેક ! માઉન્ટ આબુમાં દેલવાડા રોડ ઉપર જે ડબલ્યુ ગ્લોબલ હોસ્પિટલ છે. ત્યાંના એક ડોક્ટરને પણ હું ઓળખું છું. બસ તો હવે એ જ હોસ્પિટલનું નામ તમારે દઈ દેવાનું છે. હવે ઘરે જઈને તમે શું કહેશો એ વિચારી લો. વલ્લભદાસ આસાનીથી તમને તમારા ઘરે જવા દે એ હું નથી માનતો. સામ દામ દંડ ભેદ બધી જ રીતો એ અપનાવશે." પ્રશાંત બોલ્યો.
" વલ્લભદાસ અંજલી વિશે જાણે છે ? મારુ ઘર દહીસરમાં છે એ એમને ખબર છે ? " અભિષેક બોલ્યો.
" ના પપ્પાને દહીસરના ઘર વિશે પણ ખબર નથી કે અંજલી વિશે પણ ખબર નથી. પરંતુ મેં તમારું નક્ષત્ર ટાવર જોયું છે અને અંજલી પણ મારી ફ્રેન્ડ બની ગઈ છે. અંજલીને મળ્યા પછી જ મેં તમારી યાદદાસ્ત પાછી લાવવા માટે સપોર્ટ આપ્યો છે. બહુ જ નિર્દોષ અને ભોળી છોકરી છે. એણે બહુ સહન કર્યું છે. આઠમો મહિનો ચાલી રહ્યો છે અને છતાં પ્રેગ્નન્સી પછી એણે એના પતિનો ચહેરો પણ જોયો નથી. હું મારા સ્વાર્થ ખાતર એને દુઃખી ના કરી શકું. એની મનોવેદના હું સમજી શકું છું. " શાલ્વી બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.
" હોશ આવ્યા પછી તમારો અને મારો આ પહેલો પરિચય છે શાલ્વી. તમારી આવી લાગણીભરી વાતો સાંભળીને તમારા પ્રત્યેનું મારું માન ઘણું વધી ગયું છે. અંજલીને ખાતર તમે જે પણ કર્યું છે એ બદલ જિંદગીભર હું તમારો ઋણી રહીશ. સંબંધોનું સ્વરૂપ ભલે બદલાઈ ગયું પણ આપણા સંબંધો પૂરા થતા નથી શાલ્વી. તમે મારા હૃદયમાં એક અલગ સ્થાન ઊભું કર્યું છે ! " અભિષેક બોલ્યો.
પરંતુ અભિષેકની આવી વાતોથી તો શાલ્વી ઊલ્ટાની વધારે લાગણીશીલ થઈ ગઈ. એક તરફ એનો અભિષેક દૂર થઈ ગયો હતો. એ હવે એને પરાઈ નજરથી જોઈ રહ્યો હતો. પોતાનું ભાવિ ફરી પાછું અનિશ્ચિત થઈ ગયું હતું. એનું હૃદય ભરાઈ આવ્યું અને એ મન મૂકીને રડી પડી.
અત્યાર સુધી દબાવી રાખેલા બધા મનોભાવો આંસુ બનીને વહેવા લાગ્યા. ઈચ્છા તો એવી થતી હતી કે અભિષેકના ખોળામાં જ માથું મૂકીને રડી લઉં ! પરંતુ બધાની હાજરીમાં એ શક્ય ન હતું !
પ્રશાંત અને મનીષ એના મનોભાવો સમજી શકતા હતા. એમણે એને રડવા દીધી. અભિષેકના વિરહનો એને બહુ જ આઘાત લાગ્યો હતો. જો એ રડે નહીં તો ડિપ્રેશન પણ આવી શકે એટલે શાલ્વીને એમણે રોકી નહીં.
શાલ્વી માટે અભિષેક શું હતો એ અભિષેકને ખબર ન હતી. આઠ મહિનાનો સમયગાળો અભિષેકના મગજમાંથી ડીલીટ થઈ ગયો હતો એટલે શાલ્વીના મનોભાવોથી એ બિલકુલ અજાણ હતો. શાલ્વીએ પણ અંજલી જેટલો જ પ્રેમ કર્યો હતો !! પોતાનું તન મન ધન એણે અભિષેકને અર્પણ કર્યું હતું અને અચાનક નિયતિએ એને અલગ કરી દીધી હતી ! આ તે કેવો ઋણાનુબંધ !!
બે મિનિટ પછી મનીષે ઊભા થઈને પાણીનો ગ્લાસ શાલ્વીને આપ્યો. શાલ્વી થોડી સ્વસ્થ થઈ.
" અભિષેક મુંબઈ વલ્લભદાસના ઘરે ગયા પછી આખી બાજી હવે તમારે જ સંભાળી લેવી પડશે. તમારે તો શેઠને એમ જ કહેવું પડશે કે હું ડૉ. અભિષેક છું અને હું તમને કોઈને ઓળખતો નથી. શાલ્વી પણ તમારી વાતને સપોર્ટ આપશે કે યાદદાસ્ત પાછી આવ્યા પછી તમે એને પણ ઓળખતા નથી. " પ્રશાંત બોલી રહ્યો હતો.
" હવે અમારો રોલ પૂરો થઈ જાય છે. અમારાથી જે ભૂલ થઈ ગઈ હતી એ સુધારીને અમારે તમારી યાદદાસ્ત પાછી લાવી આપવાની હતી જે કામ થઈ ગયું છે. તમે અંજલી પાસે પાછા જાઓ એટલે મારો સંકલ્પ પણ પૂરો થઈ જશે. હવે વલ્લભદાસ સાથે કેવી રીતે ડીલ કરવું એ તમારો પોતાનો વિષય છે." પ્રશાંત બોલ્યો.
" મને વલ્લભદાસની કોઈ પણ ઓફરમાં રસ નથી. મારી પોતાની પાસે કરોડો રૂપિયા છે અને મારી પોતાની ખારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ બની રહી છે. અને જો મેં લગ્ન ના કર્યાં હોત તો ચોક્કસ હું શાલ્વી સાથે જ લગ્ન કરી લેત. પરંતુ હવે એ શક્ય નથી. વલ્લભદાસે શાલ્વીનો મારી સાથે સંબંધ કરાવીને બહુ જ મોટું પાપ કર્યું છે." અભિષેક બોલ્યો.
" આપણી ચર્ચા હવે અહીં પૂરી થઈ જાય છે. આપણે કાલે વહેલી સવારે સાત વાગ્યા આસપાસ જ મુંબઈ જવા માટે નીકળી જઈશું. વડોદરાથી ક્રેટા ગાડી લઈ લઈશું. એની ચાવી મારી પાસે જ છે. ક્રેટા દહીસરમાં જ કોઈ જગ્યાએ પાર્ક કરી તમે શાલ્વીની ગાડીમાં જૂહુ જતા રહેજો. " પ્રશાંત અભિષેકની સામે જોઈને બોલ્યો.
" પ્રશાંત સર તમે મારી યાદદાસ્ત પાછી લાવવા માટે જે પણ કોશિષ કરી છે એના માટે દિલથી હું તમારો આભાર માનું છું. તમારા પ્રયત્નો થકી જ હું વર્તમાનમાં પાછો આવ્યો છું. શાલ્વીનો તો જેટલો આભાર માનું એટલો ઓછો છે. એમનું આ સમર્પણ મને હંમેશા યાદ રહેશે. " અભિષેક બોલતો હતો.
" હવે મારો વિચાર સાંજે ચાર વાગે હોસ્પિટલમાં જવાનો છે. દિપાલી સાથે પણ શાંતિથી વાત થઈ નથી. દેસાઈ સાહેબને પણ મળ્યો નથી. રાજકોટ વારંવાર અવાશે નહીં એટલે છેલ્લી વાર બધાને મળી લઉં." અભિષેક બોલ્યો.
" હા હવે તો તમે ફ્રી જ છો. તમે હવે ઓરીજીનલ ડૉ. અભિષેક બની ગયા છો. " પ્રશાંત હસીને બોલ્યો.
" હું તમારી સાથે હોસ્પિટલ આવું ? " શાલ્વી બોલી.
" તમે મારી સાથે આવો એનો મને કંઈ વાંધો નથી પરંતુ તમારો પરિચય મારે બધાને કેવી રીતે આપવો એની મને મૂંઝવણ થશે. જેને મળીશ એ તરત તમારી ઓળખાણ માગશે." અભિષેક બોલ્યો.
" અભિષેકની વાત સાચી છે શાલ્વી. એમના જીવનમાં છેલ્લા આઠ મહિનામાં શું બની ગયું છે એ અહીંનો સ્ટાફ જાણતો નથી. સાચી વાત એ બધાને કહી શકશે નહીં. " પ્રશાંત બોલ્યો.
" સોરી એ મને ખ્યાલ ન રહ્યો. મારા કારણે એમને કોઈ મૂંઝવણ થાય એ હું નથી ઇચ્છતી. " શાલ્વી બોલી પણ અંદરથી એ થોડી વ્યથિત થઈ ગઈ. કેટલું અંતર વધી ગયું મારા અને અભિષેકની વચ્ચે ! અભિષેક ઉપર સતત પોતાનો હક જમાવતી શાલ્વી આજે જાણે એકલી પડી ગઈ હતી !
" પ્લીઝ... તમે માઠું ના લગાડશો. " અભિષેક બોલ્યો.
" ઈટ્સ ઓકે. તમારાં જે કપડાં મારી બેગમાં લઈ આવી છું એ મારી રૂમમાં છે. એ હું લઈ આવું છું. તમે તમારી બેગમાં ગોઠવી દો." શાલ્વી બોલી અને પોતાના રૂમમાં જઈને અભિષેકનાં બે પેન્ટ, બે ટીશર્ટ અને અને એક શર્ટ લઈ આવી. સાથે સાથે બે જોડી અન્ડરવેર અને ટુવાલ પણ લેતી આવી.
કપડાં આપીને શાલ્વી ભારે હૈયે એના રૂમમાં જતી રહી. અભિષેકે પોતાની બેગ ખોલીને તમામ કપડાં એમાં ગોઠવી દીધાં અને એ પછી પોતાની બેગ લઈને એ નવા લીધેલા એના રૂમમાં ગયો. પ્રશાંત અને મનીષ હવે પોતાના જ રૂમમાં રોકાયા.
સાંજે સાડા ચાર વાગે અભિષેક જાગી ગયો. મ્હોં ધોઈ કપડાં બદલી એણે રૂમ બંધ કર્યો અને હોસ્પિટલ જતાં પહેલાં પ્રશાંતને જાણ કરવા એની રૂમમાં ગયો.
" સર હું હોસ્પિટલ જઈને આવું છું. ત્યાં કેટલો સમય થશે મને ખ્યાલ નથી પરંતુ સાત વાગ્યા સુધીમાં તો આવી જઈશ. " અભિષેક બોલ્યો.
" તમને મનીષ હોસ્પિટલ સુધી મૂકી જાય ? શાલ્વીની ગાડી પણ તમે વાપરી શકો છો. એ છોકરી બિચારી બહુ સારી છે. એને દુઃખ લાગે એવું કંઈ પણ ના કહેશો. તમને કદાચ ખ્યાલ નથી પણ તમને નોર્મલ કરવામાં એણે એના અરમાનોની આહુતિ આપી છે ! તમે અંજલીને જેટલો પ્રેમ કરો છો એટલો જ પ્રેમ એણે તમને કરેલો છે. તમે એને હોસ્પિટલ સાથે આવવાની ના પાડી ત્યારે એનો ચહેરો જોવા જેવો હતો ! શાલ્વી બહુ લાગણીશીલ છે. " પ્રશાંત બોલ્યો.
" મારાથી બોલતાં બોલાઈ ગયું પણ મને પણ ત્યારે દુઃખ થયેલું સર. એને હું દુઃખી કરવા કે દુઃખી જોવા નથી માગતો. એણે મારા માટે જે કર્યું છે એ હું સમજી શકું છું. હું એને મનાવી લઈશ ડોન્ટ વરી ! " અભિષેક હસીને બોલ્યો અને દરવાજો બંધ કરી બહાર નીકળી ગયો.
એણે તરત જ બાજુના રૂમના દરવાજે જઈને ડોરબેલ વગાડ્યો. સૂતેલી શાલ્વી સફાળી જાગી ગઈ અને કપડાં સરખાં કરી ઝડપથી દરવાજા પાસે આવી. દરવાજો ખોલ્યો તો સામે સ્માઈલ કરતો અભિષેક ઉભો હતો.
" મેડમ હોસ્પિટલ જવું છે. હવે જલ્દી તૈયાર થઈ જાઓ. તમારી ગાડીની મને આદત પડી ગઈ છે. અત્યારે ગાડી પણ તમારે જ ચલાવવાની છે. તૈયાર થઈને મારો દરવાજો નોક કરજો." અભિષેક હસીને બોલ્યો.
શાલ્વી જે જોઈ રહી હતી અને જે સાંભળી રહી હતી એ એની કલ્પના બહારનું હતું. એને એની આંખો ઉપર પણ વિશ્વાસ ન હતો કે કાન ઉપર પણ ન હતો. શું આ અભિષેક બોલી રહ્યા છે !!
અભિષેકે જે રીતે શાલ્વી સાથે હકથી વાત કરી અને જે આત્મિયતા બતાવી એ જોઈને શાલ્વી ફરી અભિષેક ઉપર ઓળઘોળ થઈ ગઈ !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

