અભિષેક પ્રકરણ 64
અભિષેકની યાદદાસ્ત પાછી આવી ગયા પછી પ્રશાંત એને ડિસ્ચાર્જ કરાવીને ભાભા હોટલ લઈ આવ્યો હતો અને છેલ્લા આઠ મહિનાની તમામ ઘટનાઓ વિસ્તારપૂર્વક એને જણાવી હતી. અંજલીની પ્રેગ્નન્સીના સમાચાર પણ એને આપ્યા હતા. અભિષેક પોતે ખૂબ જ ખુશ હતો પરંતુ બીજી તરફ શાલ્વી ઘણી અપસેટ થઈ ગઈ હતી.અભિષેક નવલકથા
બીજા દિવસે વહેલી સવારે રાજકોટ છોડવાનું હોવાથી અભિષેક પોતાની હોસ્પિટલમાં જઈને બધાંને એકવાર મળવા માગતો હતો. શાલ્વીએ પણ અભિષેકની સાથે હોસ્પિટલ આવવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ અભિષેકે પહેલાં તો એને ના પાડી હતી પરંતુ પછી એણે વિચાર બદલ્યો હતો.
હોસ્પિટલ જતી વખતે એણે શાલ્વીનો દરવાજો નોક કરીને એને જલ્દી તૈયાર થઈ જવાનું કહ્યું. અભિષેકના અચાનક બદલાયેલા વર્તનથી શાલ્વીને ખૂબ જ આશ્ચર્ય થયું પરંતુ એ ખુશ થઈ ગઈ હતી !
પાંચ જ મિનિટમાં શાલ્વી કપડાં બદલી માથું ઓળી તૈયાર થઈ ગઈ અને બહાર આવીને એણે અભિષેકનો દરવાજો નોક કર્યો. – "આઈ એમ રેડી."
અભિષેક તો તૈયાર જ હતો. એ તરત જ બહાર આવ્યો અને રૂમ લૉક કરી શાલ્વીને લઈને લિફ્ટમાં પહેલા માળે ગયો. ત્યાં ચાવી આપીને બંને જણાં નીચે ઉતરી ગયાં.
શાલ્વી ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠી અને અભિષેક બાજુમાં બેઠો. શાલ્વીએ ગાડી સ્ટાર્ટ કરી અને પરિમલ હોસ્પિટલ જવા માટે યાજ્ઞિક રોડ બાજુ લીધી.
" શાલ્વી મારા કોઈ શબ્દોથી કે વર્તનથી તમને ખોટું લાગ્યું હોય તો દિલથી માફી માગું છું. મારો ઇરાદો તમને હર્ટ કરવાનો જરા પણ ન હતો." અભિષેક શાલ્વી સામે જોઈને બોલ્યો.
" અરે નહીં નહીં અભિષેક. ફરગેટ ઈટ. હું તમને સારી રીતે ઓળખું છું. તમારા થકી મને ક્યારેય પણ ખોટું ન લાગે. તમે અંકિત હો કે અભિષેક, તમારો મૂળ સ્વભાવ કદી બદલાવાનો નથી. તમે દિલના કેટલા પ્રેમાળ અને લાગણીશીલ છો એ હું જાણું છું. " શાલ્વી હસીને બોલી.
" થેન્ક્સ મને સમજવા માટે." અભિષેક બોલ્યો.
૧૫ મિનિટમાં તો હોસ્પિટલ આવી પણ ગઈ. અભિષેક શાલ્વીને લઈને સૌથી પહેલાં ડૉ. દેસાઈની ચેમ્બરમાં ગયો.
" અરે આવો આવો અભિષેક. હવે તમારી તબિયત કેમ છે ? " દેસાઈ સાહેબ બોલ્યા.
" તબિયત તો એકદમ ઓલરાઈટ છે સર. અને માથાની ઈજા કંઈ ગંભીર ન હતી. મારી યાદદાસ્ત પાછી આવી ગઈ એ જ મારા માટે વધારે મહત્વનું છે " અભિષેક બોલ્યો.
" સરસ. આ મેડમની ઓળખાણ ના પડી." દેસાઈ બોલ્યા.
" એ મારી સાળી શાલ્વી છે. અંજલી પ્રેગ્નન્ટ છે એટલે મારી સાથે શાલ્વી આવી છે. કાલે સવારે મુંબઈ જાઉં છું એટલે આજે છેલ્લે છેલ્લે બધાને મળવા માટે આવ્યો છું." અભિષેક બોલ્યો.
" ચાલો સારી વાત છે. હવે તમે શું લેશો ? " દેસાઈ બોલ્યા.
" અત્યારે કંઈ જ નહીં સર. દિપાલી ચા પીધા સિવાય જવા દેવાની નથી અને ડબલ ડોઝ લેવાની મારી ઈચ્છા નથી." અભિષેક બોલ્યો એટલે દેસાઈ સાહેબ પણ હસી પડ્યા.
એ પછી અભિષેક શાલ્વીને લઈને બહાર નીકળ્યો અને ડૉ. દિપાલીના રૂમ તરફ ચાલવા લાગ્યો. શાલ્વીએ જોયું કે રસ્તામાં જે પણ સ્ટાફ મળ્યો એ બધો જ અભિષેકનો આદર કરતો હતો. કોઈ સલામ કરતું હતું તો કોઈ સાઈડમાં ઊભા રહી અભિષેકને રસ્તો કરી આપતું હતું.
અભિષેક ડૉ. દિપાલીની કેબિનમાં દાખલ થયો ત્યારે દિપાલી એક પેશન્ટના દાંત સાફ કરી રહી હતી. એણે અભિષેક અને શાલ્વીને પોતાની કેબિનમાં પ્રવેશ કરતાં જોયાં કે તરત જ કામ અટકાવીને એ સામે દોડી આવી. અભિષેકને જોઈને એ ખૂબ જ ખુશ થઈ ગઈ.
" અરે દિપાલી તમારું કામ પતાવી દો. અમે આરામથી બેઠાં છીએ. અમારે કોઈ ઉતાવળ નથી. " અભિષેક બોલ્યો અને બંને ત્યાં રાખેલી ગાદીવાળી સેટી ઉપર બેઠાં.
માત્ર પાંચ જ મિનિટમાં દાંતની સફાઈનું કામ પતી ગયું અને પેશન્ટ બહાર ગયું.
" હવે બોલો અભિષેક સર. સૌથી પહેલાં એ જણાવો કે તમારી તબિયત કેમ છે ?" દિપાલી બોલી.
" મારી તબિયત એકદમ સારી જ છે દિપાલી. ખાલી માથામાં ઇજા થઈ હતી પરંતુ એ પણ ઓકે છે. અમે લોકો કાલે વહેલી સવારે મુંબઈ જઈએ છીએ એટલે ખાસ તો તને મળવા માટે જ આવ્યો છું. કારણ કે વારંવાર રાજકોટ હવે અવાશે નહીં." અભિષેક બોલ્યો.
" તમે ખાસ મળવા આવ્યા એ મને બહુ સારું લાગ્યું. " દિપાલી બોલી.
" દિપાલી મારી યાદદાસ્ત પાછી આવી ગઈ છે એ હમણાં તું વીણામાસીને જણાવતી નહીં. મારે કાલે મુંબઈ ઘરે પહોંચીને બધાંને સરપ્રાઈઝ આપવાનું છે. " અભિષેક બોલ્યો.
" તમે મને ના કહ્યું હોત તો પણ હું આ સમાચાર માસીને કહેવાની નહોતી. મને ખબર છે કે આ સમાચાર તમારા માટે કેટલા મહત્ત્વના છે. અંજલી પણ તમારા ઘરે માસીની સાથે જ છે અને મારે એની સાથે પણ વાતચીત થાય છે. અત્યારે એને આઠમો મહિનો ચાલે છે. " દિપાલી બોલી.
" હા એ સમાચાર મને પ્રશાંત સરે આપ્યા. પરંતુ તું અને અંજલી એક બીજાના ટચમાં છો એ ખબર આજે પડી." અભિષેક બોલ્યો.
" હા સર. અંજલીને તમારા ઘરે લઈ જવામાં કોઈ ઋષિકેશ અંકલનો બહુ મોટો ફાળો છે. અંજલીએ આ વાત મને કરેલી. ઋષિકેશ અંકલ ના હોત તો અંજલી તમારા ઘરે જઈ શકી ના હોત. એમણે અંગત રસ લઈને અંજલીને તમારા ઘરે પહોંચાડી છે." દિપાલી બોલી રહી હતી.
" અને તમારી વાત કરું તો તમારી યાદદાસ્ત પાછી લાવવામાં ડિટેક્ટિવ પ્રશાંત સરનો બહુ મોટો ફાળો છે. એમનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. બે વાર તો એ આ હોસ્પિટલમાં આવી ગયા છે. એમને પાક્કી ખાતરી હતી કે તમે અંકિત નહીં પણ ડૉ. અભિષેક છો." દિપાલી બોલી.
" હું તને આ શાલ્વીની ઓળખાણ કરાવું. એ અંકિતની પત્ની છે. અંકિત એને છોડીને સન્યાસી બની ગયો છે. મારી યાદદાસ્ત જતી રહી અને કિસ્મતે મને અંકિત બનાવી દીધો. છેલ્લા આઠ મહિનાથી હું અંકિત તરીકે શાલ્વીની સાથે જ હતો. મારી યાદદાસ્ત પાછી લાવવામાં આ શાલ્વીનો પણ બહુ મોટો ફાળો છે. અંજલીને પણ એ ઓળખે છે." અભિષેક બોલી રહ્યો હતો.
" શાલ્વી બિચારી મને અંકિત સમજી પતિ માનતી હતી પરંતુ સાચી હકીકત ખબર પડી એટલે તરત જ અંજલીને ખાતર મારી માયા એણે છોડી દીધી. એના પ્રેમનું બહુ મોટું બલિદાન એણે આપ્યું છે. " અભિષેક બોલ્યો અને આ સાંભળીને શાલ્વીની આંખો ઉભરાઈ ગઈ.
" મને તો અત્યારે આ બધી ખબર પડી. શાલ્વીબેન યુ આર ગ્રેટ ! તમે જે કર્યું છે એ માટે તમને સલામ કરવાનું મન થાય છે. તમે એવું કામ કર્યું છે કે મારી પાસે કોઈ શબ્દો નથી. અને જ્યાં સુધી અભિષેક સરને હું ઓળખું છું ત્યાં સુધી તમારો આ ઉપકાર એ જીવનભર નહીં ભૂલે. એક સાચા મિત્રની જેમ હંમેશાં તમારી પડખે એ રહેશે. " દિપાલી બોલી.
" એમની પ્રશંસા માટે તો મારી પાસે પણ કોઈ શબ્દો નથી. આઠ મહિના સુધી સતત એમની સાથે રહી છું દિપાલીબેન. " શાલ્વી બોલી.
" હવે અમે રજા લઈએ. એકવાર તને મળવાની ખૂબ ઈચ્છા હતી એટલે તારી પાસે આવ્યો. " અભિષેક બોલ્યો.
" યુ આર ઓલ્વેઝ વેલકમ. અને તમારી હોસ્પિટલ ચાલુ થાય એટલે હું તમારી હોસ્પિટલ જ જોઈન કરીશ. તમે પ્રોમિસ આપ્યું છે એ ભૂલતા નહીં. " દિપાલી બોલી.
"અરે તેં સારું યાદ કરાવ્યું. હોસ્પિટલ બની રહી છે એ તો હું ભૂલી જ ગયો છું. મારે હોસ્પિટલની ડિઝાઇન કાબરા કંપનીને આપવાની હતી. મુંબઈથી દોશી અંકલનો આઠ મહિના પહેલાં મારી ઉપર ફોન પણ હતો. મારે મુંબઈ પહોંચીને તાત્કાલિક હોસ્પિટલનું ચક્કર મારવું પડશે. " અભિષેક બોલ્યો અને ઉભો થયો.
" અરે અરે ઉભા કાં થઈ ગયા ? મારી ચા પીધા વગર થોડું જવાશે ? પાંચ મિનિટ બેસો. કેન્ટીનમાંથી ચા મંગાવી લઉં છું. " દિપાલી બોલી અને એણે કેન્ટીનમાં ઇન્ટરકોમમાં વાત કરીને ચા મંગાવી.
" અંજલીને મારી ખાસ યાદ આપજો. એની સંભાળ રાખજો. " દિપાલી બોલી.
" હા અને તું પણ એકવાર મુંબઈ આંટો મારી જા. માસીને પણ મળી લેવાશે. મેં નવો ફ્લેટ પણ વિલે પાર્લેમાં લીધો છે. ડિલિવરી પછી નવા ફ્લેટમાં શિફ્ટ થઈ જઈશ. મારી હોસ્પિટલ ત્યાંથી નજીક પડશે. " અભિષેક બોલ્યો.
" પાર્લામાં તમે ફ્લેટ લીધો છે ? મને તો આ વાતની ખબર જ નથી. " શાલ્વી આશ્ચર્યથી બોલી.
" તમને ક્યાંથી ખબર હોય ? આપણી વચ્ચે એવી કોઈ વાત જ થઈ નથી ને ! અને હજુ આજે સવારે તો મારી મેમરી પાછી આવી છે ! " અભિષેક હસીને બોલ્યો.
" પાર્લામાં કઈ જગ્યાએ ? " શાલ્વી બોલી.
" પાર્લામાં નહેરુ રોડ ઉપર શિવસાગર રેસ્ટોરન્ટની લગભગ સામે અથર્વ હાઈટ્સ ફ્લેટ્સ નવા જ બનેલા છે. મારો ફ્લેટ પાંચમા માળે છે." અભિષેક બોલ્યો.
" હમ્... એટલા માટે જ તે દિવસે આપણે જ્યારે નેહરુ રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે શિવસાગર રેસ્ટોરન્ટ પાસે અચાનક તમે ગાડી ઉભી રાખી હતી. અને મને કહેતા હતા કે આ રેસ્ટોરન્ટમાં હું આવી ગયેલો છું. હવે મને સમજાયું. " શાલ્વી બોલી.
" શિવસાગર રેસ્ટોરન્ટ પાસે મેં ગાડી ઊભી રાખેલી ! મને તો અત્યારે એ બધું કંઈ યાદ જ નથી. " અભિષેક હસીને બોલ્યો.
" હવે યાદ ના જ હોય ને. વળી પાછો તમારો આ નવો અવતાર છે ! એક જ લાઇફમાં બે લાઈફ તમે જીવી ગયા. " દિપાલી હસીને બોલી.
અને આ રીતે વાતો કરતાં કરતાં ચા પીને અભિષેક અને શાલ્વી હોસ્પિટલની બહાર નીકળી ગયાં અને નીચે જઈને ગાડીમાં બેઠાં.
અભિષેકે જોયું કે હોસ્પિટલની બરાબર સામે જ એક મોબાઇલ શોરૂમ હતો. એને નવો મોબાઈલ લેવાની ઈચ્છા હતી.
" શાલ્વી મારે એક નવો મોબાઈલ લેવો છે. અત્યારે મારી પાસે પૈસા નથી. મોબાઈલ વગર ઓનલાઇન પેમેન્ટ હું કરી શકું એમ નથી. મારી બેગમાં પૈસા પડેલા છે. તમે અત્યારે મને થોડી હેલ્પ કરો તો હોટલ જઈને હું તમને આપી દઈશ. " અભિષેક બોલ્યો.
" અભિષેક હજુ પણ તમે મારાથી આટલો જુદાગરો રાખો છો ! તમે મારાથી એટલા બધા દૂર થઈ ગયા છો !! આઠ આઠ મહિના સુધી મેં તમારું પડખું સેવ્યું છે. આપણે પતિ પત્નીની જેમ રહ્યાં છીએ. તમે મારી પાછળ પાગલ હતા. અને હવે તમે મને તું ના બદલે તમે કહીને બોલાવો છો ! મોબાઈલ માટે પણ રિક્વેસ્ટ કરવી પડે છે !! તમારી મેમરી પાછી આવી એનો અર્થ એવો તો નથી કે તમે આટલું બધું અંતર વધારી દીધું !! તમારો મારી ઉપર એટલો જ હક છે જેટલો પહેલા હતો. " શાલ્વી બોલી અને એનો અવાજ ભારે થઈ ગયો.
" ઓહ્ સોરી સોરી શાલ્વી. મને ખબર નથી પડતી કે મારે તમારી સાથે હવે કેવો વ્યવહાર રાખવો. તમે મારા ભાઈ અંકિતની પત્ની છો એ જાણ્યા પછી મને સંકોચ થતો હતો. " અભિષેકે નિખાલસતાથી પોતાની મનોવ્યથા રજૂ કરી.
" હું સમજું છું અભિષેક કે તમે એક સંસ્કારી વ્યક્તિ છો. પરંતુ આપણી વચ્ચે આઠ મહિના સુધી અસંખ્ય વાર શારીરિક સંબંધો રહ્યા છે. મારા ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે નહીં તો અત્યારે હું પણ તમારા બાળકની મા બનવાની હોત ! ભલે એવા સંબંધો હવે ચાલુ ના રહે પરંતુ જૂના સંબંધોનું સાવ પૂર્ણવિરામ પણ ના થવું જોઈએ ને !" શાલ્વી બોલી રહી હતી.
" અંજલીને ખાતર તમને મેં મારા બંધનમાંથી મુક્ત કર્યા પરંતુ મેં પણ તમને સાચો પ્રેમ જ કર્યો છે. હું બીજે લગ્ન કરવાની જ નથી. મારી જિંદગી તમારી સાથે જોડાઈ ગઈ છે. હું હવે તમારાથી દૂર ના થઈ શકું. અંકિત સન્યાસી બની ગયા છે. મારું તમારા સિવાય હવે બીજું છે પણ કોણ ? સમાજના કાયદા અને નિયમો આપણે જ બનાવેલા છે. ઈશ્વરે આપણને એક કરેલાં છે તો આપણે એક જ રહીશું. લગ્ન ભલે ના થાય. " શાલ્વી આવેશમાં આવીને બોલી અને અભિષેકનો હાથ પકડીને ચૂમી લીધો.
હવે અભિષેક ખરેખર મૂંઝાઈ ગયો. શાલ્વી આ શું બોલી ગઈ ! અને એની વાત આમ જોવા જઈએ તો ખોટી પણ નથી. એણે આઠ મહિના સુધી શાલ્વી સાથે શારીરિક સંબંધો રાખેલા છે. ભલે બધું અજાણતાં થયું હોય પરંતુ શાલ્વીને એણે પત્ની તરીકે ભોગવી છે. એને હવે આમ છોડી પણ ના દેવાય ને !!
" શાલ્વી તારી જગ્યાએ તું સાચી છે. તારી આ વાત ઉપર હું ગંભીરતાથી વિચાર ચોક્કસ કરીશ. તને છોડી દેવાનો મારો કોઈ ઈરાદો નથી પરંતુ હવે અંજલી મારી પત્ની છે એ જાણ્યા પછી આપણા સંબંધોમાં કેવી રીતે આગળ વધવું એ મારા માટે બહુ મોટો પ્રશ્ન છે. હું અંજલીને વફાદાર રહેવા માગું છું. હું પોતે આધ્યાત્મિક માર્ગે છું એટલે મારે આ બાબતમાં ગુરુજીની સાથે જ વાત કરવી પડશે. મને થોડો સમય આપ. " અભિષેક બોલ્યો.
" હા ચાલો હવે તમારો મોબાઈલ લઈ લઈએ. અને હા મોબાઈલના પૈસા તમારે આપવાના નથી. મારા તરફથી આપણા પ્રેમની આ ગિફ્ટ છે." શાલ્વી બોલી અને ગાડીમાંથી નીચે ઉતરી.
અભિષેકે શોરૂમમાંથી દોઢ લાખની આસપાસનો આઇફોન ખરીદ કરી લીધો. શાલ્વીએ ક્રેડિટ કાર્ડથી પૈસા ચૂકવી દીધા.
" અભિષેક હજુ તો સાંજના ૬:૩૦ વાગ્યા છે. અત્યારથી હોટલે જઈને શું કરીશું ? તમે તો હવે મારી રૂમમાં આવીને મારી સાથે બેસવાના નથી ! અને મારે એકલા એકલા રૂમમાં ટાઈમ પણ પાસ નહીં થાય. એના કરતાં પરમ દિવસે આપણે ગયાં હતાં એ સ્વામિનારાયણ મંદિરે જઈને બેસીએ. બેસવા માટે એ જગ્યા સારી છે. " શાલ્વી બોલી.
" પરમ દિવસે આપણે સ્વામિનારાયણ મંદિરે ગયાં હતાં ? " અભિષેક બોલ્યો.
" અરે હા તમને તો હવે યાદ જ નહીં હોય કેમ ! એ વખતે તમે અંકિત હતા. આપણે ચંદારાણા ટાવરમાં પણ ગયેલાં અને સ્વાતિબેનના ઘરે પણ ગયેલાં. " શાલ્વી હસીને બોલી.
" મને ખરેખર એ બધું યાદ નથી. હવે મગજનું એ ખાનું જ બંધ થઈ ગયું છે. એ બધી સ્મૃતિઓ અદ્રશ્ય થઈ ગઈ છે. પરંતુ આપણે ચોક્કસ ત્યાં જ જઈએ. મારી જાણીતી જગ્યા છે અને ભારતી આન્ટીને લઈને હું ઘણીવાર ત્યાં ગયેલો છું. સાંજે સાડા સાત વાગે ત્યાં નજીકમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટમાં જમી પણ લઈશું. ત્યાં પણ જમવાનું સારું મળે છે. " અભિષેક બોલ્યો.
અને શાલ્વીએ ગાડીને કાલાવડ રોડ ઉપર લીધી. દસ મિનિટમાં તો મંદિર આવી પણ ગયું.
બંનેએ સૌથી પહેલાં સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કર્યા અને પછી બહાર બાંકડા ઉપર આવીને બેસી ગયાં.
" અરે અંકિતભાઈ તમે અહીં રાજકોટ ક્યાંથી ? " અચાનક નજીકમાંથી એક અવાજ આવ્યો અને શાલ્વી ચમકી.
એ હિરેન ભોજાણી હતો. અંકિત અને શાલ્વી જ્યાં રહેતાં હતાં એ લક્ષ્મી વિલા એપાર્ટમેન્ટમાં જ પહેલા માળે રહેતો હતો. એનું સાસરુ રાજકોટ હતું એટલે એ રાજકોટ આવેલો હતો અને અત્યારે દર્શન કરવા આવ્યો હતો. અંકિત જેટલી જ એની પણ ઉંમર હતી. એ સ્વામિનારાયણ ધર્મ પાળતો હતો.
" હા અમે રાજકોટ એક કામથી આવ્યાં છીએ હિરેનભાઈ. અહીં એક સારી હોટલ વેચવાની હતી એટલે જસ્ટ જોવા માટે આવ્યાં હતાં કે લેવા જેવી છે કે નહીં. " અભિષેકના બદલે શાલ્વી બોલી.
" હા તમારો હોટલનો બિઝનેસ એટલે તમારી નજર તો હોટલ ઉપર જ રહેવાની. સમય હોય તો ઘરે આવો. નજીકમાં જ મારુ સાસરું છે." હિરેન બોલ્યો.
" ના ના હિરેનભાઈ અત્યારે તો મેળ નહી પડે. કલાક પછી અમારી એક મીટીંગ છે." હવે અભિષેકે જવાબ આપી દીધો.
હિરેન જોઈ ગયો એટલે શાલ્વી એકદમ ટેન્શનમાં આવી ગઈ.
" આ હિરેન આપણને ક્યાં જોઈ ગયો ! હવે આપણે માઉન્ટ આબુની વાત નહીં કરી શકીએ અભિષેક. આ માણસ આમ તો પપ્પાને વાત કરે એવી શક્યતા ઓછી છે પરંતુ હવે આપણાથી ખોટું નહીં બોલાય. " શાલ્વી બોલી.
" આપણે ખોટું બોલવું જ નથી. અને હું છું ને સાથે ! તારે ડરવાની કોઈ જરૂર નથી. જવાબ મારે આપવાનો છે. એમણે તારી સાથે બહુ મોટી રમત રમી છે. હવે હું એમનો કેવો ક્લાસ લઉ છું તે તું જોજે. " અભિષેક બોલ્યો.
" તમારી આવી વાતો સાંભળીને મને કેટલી શાંતિ થાય છે ! મારો ડર જ બધો ભાગી ગયો. હું પણ તમારી સાથે જ છું. મારી સાથે રમત રમી છે ને ! એ જાણતા હતા કે તમે અંકિત નથી પણ અભિષેક છો છતાં તમને મારા પતિ બનાવી દીધા અને સંસાર ચાલુ કરાવી દીધો. અરે તમારું બાળક મારા પેટે જન્મે એવી આશા રાખતા હતા !!" શાલ્વી ગુસ્સાથી બોલી.
" માણસનો સ્વાર્થ અને મમતા માણસ પાસે જાત જાતના ખેલ કરાવે છે. એ વખતે એને પાપ અને પૂણ્યના ખ્યાલો આવતા નથી . જ્યારે એ ભાન થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એમનું કરમ એ જાણે ! સાડા સાત વાગી ગયા છે ચાલો આપણે જમી લઈએ." અભિષેક બોલ્યો અને ઉભો થયો.
બહાર આવીને અભિષેક પોતે જ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો અને શાલ્વીને લઈને કોટેચા ચોક પાસે પટેલ વિહાર રેસ્ટોરન્ટ તરફ ગાડીને લઈ લીધી. આ બધો એરિયા તો એક સમયે એનો રોજનો રસ્તો હતો !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

