અભિષેક (Abhishek Novel Part-65)

Related

અભિષેક પ્રકરણ 65

અભિષેક શાલ્વીને લઈને સાંજે સાડા ચાર વાગે હોસ્પિટલ ગયો હતો અને ત્યાં દિપાલીને મળીને પછી સમય હોવાથી સ્વામીનારાયણ મંદિરે ગયો હતો. થોડો સમય ત્યાં બેઠા પછી અભિષેક શાલ્વીને જમવા માટે કોટેચા ચોક પાસે પટેલ વિહાર રેસ્ટોરન્ટ લઈ ગયો હતો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

જમીને એ લોકો હોટલ ઉપર પાછાં આવ્યાં ત્યારે રાત્રિના સાડા આઠ વાગી ગયા હતા. બન્નેએ પોતાના રૂમની ચાવી લઈ લીધી અને ઉપર ગયાં. શાલ્વી પોતાનો રૂમ ખોલીને એન રૂમમાં ગઈ. અભિષેકે ગુડ નાઈટ કરવા પ્રશાંતનો દરવાજો નોક કર્યો.

" અરે તમે લોકો ક્યાં હતાં અત્યાર સુધી ? મેં જમવા માટે શાલ્વીને ફોન કરવાનું વિચારેલું પરંતુ પછી વિચાર માંડી વાળ્યો. તમે હવે એકદમ નોર્મલ છો એટલે પછી મારે ચિંતા કરવાની કોઈ જરૂર ન હતી. " પ્રશાંત હસીને બોલ્યો.

" અમે જમવા જ રોકાયા હતા. આજે પટેલ વિહાર રેસ્ટોરન્ટમાં જમવાનું નક્કી કર્યું હતું." અભિષેક હસીને બોલ્યો. અભિષેક દરવાજા પાસે ઊભા ઊભા જ વાત કરી રહ્યો હતો.

" હા તમે તો રાજકોટથી ખૂબ જ પરિચિત છો. તમારી બધી સ્મૃતિ હવે પાછી આવી ગઈ એટલે હવે આઝાદ પંખીની જેમ રાજકોટમાં ગમે ત્યાં કરી શકો છો. " પ્રશાંત બોલ્યો.

" હા સર કાલે સવારે તો વહેલા આ શહેર છોડી દેવાનું છે એટલે પછી શાલ્વી સાથે થોડું ચક્કર મારવાનું નક્કી કરેલું. નવો મોબાઈલ પણ લઈ લીધો. " અભિષેક બોલ્યો.

" એ કામ બહુ સારું કર્યું. આજની જિંદગી મોબાઈલ વગર એક ડગલું પણ ચાલી શકતી નથી. માનવીનું જીવન આખું મોબાઈલ ઉપર નિર્ભર થઈ ગયું છે." પ્રશાંત બોલ્યો.

" ચાલો ગુડ નાઈટ. કાલે સવારે વહેલા ઉઠવાનું છે." અભિષેક બોલ્યો અને પોતાના રૂમ તરફ આગળ વધ્યો.

" મનીષ હવે લાગે છે કે આપણી ડ્યુટી અહીં જ પૂરી થઈ જાય છે. અભિષેક સંપૂર્ણપણે એના ભૂતકાળમાં પાછો આવી ગયો છે. વલ્લભદાસની આખી રમત પણ હવે એને ખબર છે એટલે એણે એમની સાથે કેવો વ્યવહાર કરવો એ એનો વિષય છે. શાલ્વી સાથેના એના સંબંધો કઈ રીતે આગળ વધશે એ પણ આપણે જાણવાની જરૂર નથી. વડોદરા સુધી આપણે એને સાથ આપીશું. ક્રેટા ગાડી એને સોંપી દીધા પછી આપણે એને ફોલો કરવાની કોઈ જરૂર નથી. " પ્રશાંત બોલ્યો.

" તમારી વાત બિલકુલ સાચી છે સર. આપણે ઘણાં બધાં રહસ્યો ઉપરથી પડદો ઊંચકી લીધો છે. હવે ડૉ. અભિષેક પોતાની જિંદગી જીવવા માટે સ્વતંત્ર છે. " મનીષ બોલ્યો.

" હા. આ વખતે રાજકોટનો આપણો પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો." પ્રશાંત હસીને બોલ્યો.

આ બાજુ અભિષેક પોતાની રૂમમાં ગયો. કપડાં બદલીને નાઈટ ડ્રેસ પહેરી લીધો. હજુ તો પોણા નવ વાગ્યા હતા. એકલા એકલા રૂમમાં સમય પસાર કરવો મુશ્કેલ હતો. ટીવી જોવાની એને બહુ ટેવ ન હતી. છતાં એણે ટીવી ચાલુ કર્યું. સમાચારોમાં રસ ન હતો. એણે બે ત્રણ ચેનલ ચેક કરી પણ બધે એ જ બકવાસ સિરીયલો આવતી હતી. દૂરદર્શન સમયની વૈવિધ્યભરી સીરીયલો હવે ભૂતકાળ થઈ ગઈ હતી ! છેવટે ક્રાઈમ પેટ્રોલ ચાલુ કરી.

ટીવી ચાલુ કર્યાને પંદર મિનિટ થઈ હશે ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. અત્યારે સાડા નવ વાગ્યે કોણ આવ્યું હશે ! એણે દરવાજો ખોલ્યો તો સામે શાલ્વી ઊભી હતી !

" અંદર આવું ? " શાલ્વીએ પૂછ્યું.

" હા આવ ને ! રજા લેવાની થોડી હોય ! તને પણ મારી જેમ આટલી વહેલી ઊંઘ આવતી નહીં હોય. " અભિષેક હસીને બોલ્યો.

" આપણા ઘરે પણ આપણે દસ વાગ્યા પછી જ બેડરૂમમાં જતાં હતાં. જો કે તમને તો યાદ નહીં જ હોય ! " શાલ્વી બોલી અને બેડની સામે રાખેલી ખુરશી ઉપર બેઠી.

"તારી વાત સાચી છે. આઠ મહિનાના તમામ કલાકો ભૂલી ગયો છું. મને તો એમ જ લાગે છે કે જાણે હમણાં જ રાજકોટ છોડીને મુંબઈ જઈ રહ્યો છું." અભિષેક બોલ્યો.

" બસ એ મુંબઈની જ વાત કરવા હું આવી છું. આપણે કાલે વહેલી સવારે મુંબઈ જવા નીકળી જવાના. અને એ પછી વડોદરાથી ગાડી છોડાવીને સીધા જૂહુ આપણા લક્ષ્મી વિલા ફ્લેટમાં જતા રહીશું. પરંતુ ત્યાં ગયા પછી આપણે પપ્પાને શું કહેવાનું છે એ બધી ચર્ચા અત્યારે જ કરી લેવી પડશે અભિષેક. રસ્તામાં ટાઈમ નહીં મળે. " શાલ્વી બોલી.

" હમ્ ... તું શું વિચારે છે ?" અભિષેક બોલ્યો.

" જુઓ હું તો ત્યાં રહેવાની જ નથી. હવે એ ઘર સાથે મારે કોઈ જ સંબંધ નથી. જે પણ વાત કરવાની હોય એ તમે જ કરી લેજો અને પછી તમારી જ ગાડીમાં હું બોરીવલી આવી જઈશ. મારા પપ્પાનું ઘર બોરીવલીમાં ચંદાવરકર લેન ઉપર છે." શાલ્વી થોડી ગુસ્સામાં આવી ગઈ.

" તારો નિર્ણય એકદમ યોગ્ય છે. અંકિતે તને સંબોધીને જે લેટર લખેલો છે એ લેટર અને એણે સહી કરેલા ડિવોર્સ પેપર યાદ કરીને લઈ લેવાના છે. અંકિતે તો તને સારી એવી રકમ મળે એની પણ ભલામણ એ લેટરમાં કરી છે પરંતુ એ બધું આપણે પછી જોઈ લઈશું. પૈસા તો મારી પાસે પણ ઘણા છે. તારે પૈસાની ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. " અભિષેક બોલ્યો.

" અભિષેક સાચું કહું તો મને એમના પૈસામાં રસ પણ નથી. તમને મળ્યા પછી મને બીજા કોઈનામાં રસ નથી. તમે મને પત્ની માનીને આઠ મહિના સુધી રોજ જે સુખ આપ્યું છે એની યાદોમાં જ હું આખી જિંદગી પસાર કરી દઈશ. " શાલ્વી ભાવુક થઈને બોલી.

" જિંદગીના આવા નિર્ણયો માત્ર લાગણીઓના આવેશમાં આવીને ના લેવાય શાલ્વી. તું હજુ યુવાન છે. મન ક્યારેક તો બળવો કરશે. જ્યાં સુધી હું અંકિત હતો ત્યાં સુધી તારી બધી જ ઈચ્છા મેં કદાચ પૂરી કરી હશે પણ હવે અંજલી સાથે વિશ્વાસઘાત કરવાની મારી ઈચ્છા નથી !" અભિષેક બોલ્યો.

જો કે વિશ્વાસઘાત શબ્દ બોલતી વખતે જ એને અંજલીનો ભૂતકાળ યાદ આવી ગયો. મને એ ખૂબ જ પ્રેમ કરતી હતી. મારી સાથે લગ્ન પણ નક્કી હતાં છતાં પણ એના પપ્પાની વાતોમાં આવી જઈને પેલા નિરવ સાથે સગાઈ કરી. એ તો ઠીક પણ એની સાથે ગોવા ફરવા પણ ગઈ અને જેના ઉપર મારો પહેલો અધિકાર હતો એ દેહસૌંદર્ય સતત ચાર દિવસ અને ચાર રાત પેલાને સોંપી દીધું ! સાચી સુહાગરાત તો એની સાથે માણી. જરા પણ વિરોધ ના કર્યો.

હું વફાદારીના આટલા બધા વિચારો કરી રહ્યો છું પરંતુ એણે વફાદારી ક્યાં નિભાવી ! વફાદારીના વિચારો કેટલા બધા ભ્રામક છે !!!

"અભિષેક એક વાત કહું ? " શાલ્વી બોલી.

" હું અંજલી સાથે વિશ્વાસઘાત કરવાની વાત નથી કરતી પરંતુ તમે જો આઠ આઠ મહિના સુધી મને પત્ની માનીને મારી સાથે સંસાર માણ્યો હોય તો એ શું ઈશ્વર જોતો નહીં હોય ! કુદરતે જ આપણને ભેગાં કર્યાં છે ને ! આપણી વચ્ચે કોઈક તો ઋણાનુબંધ હશે ને ! પછી પાપ અને પૂણ્યના વિચારો શા માટે ? " શાલ્વી બોલી રહી હતી.

" અને અંકિતે તો મને ડિવોર્સ આપી જ દીધેલા છે. પછી હું એની પત્ની ક્યાં રહી ? તમને સાચી વાતની ખબર પડી એટલે તમારી શાલુ પરાઈ થઈ ગઈ ? હું પણ તમારા બાળકની મા બનવાની હોત તો પણ તમે મને છોડી દીધી હોત ? અંજલી સાથે તમારું મિલન થાય એના માટે કોશિશ મેં જ કરી છે ને ! પછી મારો વિચાર પણ તમારે કરવો જોઈએ અભિષેક !! " શાલ્વી એકદમ આવેશમાં આવીને બોલી.

શાલ્વીના વેધક સવાલો સાંભળીને અભિષેક દિગ્મૂઢ થઈ ગયો ! શાલ્વી એની જગ્યાએ એકદમ સાચી હતી. આ બધા સવાલોના જવાબો માત્ર પોતાના ગુરુજી જ આપી શકે એમ હતા.

" તારા સવાલો સાચા છે શાલ્વી. મને થોડો સમય આપ. હું આ બાબતમાં અંજલી સાથે પણ વાત કરવા માગું છું. એને અંધારામાં રાખવાની મારી ઈચ્છા નથી. " અભિષેક બોલ્યો.

" ઠીક છે મને વાંધો નથી. પણ અંજલીને તમે આપણા સંબંધો ચાલુ રાખવાની વાત કરશો એટલે એ માની જશે એમ તમે માનો છો ? અંજલીને આ વાત નહીં જ ગમે. કોઈપણ સ્ત્રી પોતાના પતિ ઉપર પોતાનો સંપૂર્ણ હક ઈચ્છતી હોય છે. ભૂતકાળને જાણ્યા પછી એ કદાચ માફ કરી દેશે પરંતુ હવે પછીના તમારા જીવનમાં એ મારો સ્વીકાર નહીં કરે. હું માનું છું તમે એને વાત કરવાની ઉતાવળ ના કરશો. અને અંજલીની સંમતિ ના હોય તો હું તમને મજબૂર કરવા નથી માગતી." શાલ્વી બોલી.

" ઠીક છે. અત્યારે આપણે એ બાબતનો કોઈ વિચાર કરતા નથી. મારા ગુરુજી શું કહે છે એ મારા માટે વધારે મહત્ત્વનું છે. મારી જિંદગી મેં એમને સમર્પિત કરેલી છે. જો એ સંબંધ ચાલુ રાખવાની ના પાડી દેશે તો પછી મારે અંજલીને પણ કંઈ કહેવાની જરૂર નથી. " અભિષેક બોલ્યો.

" હા તમારા જે પણ ગુરુજી હોય તમે એમને પૂછી લો. એમનો નિર્ણય મને પણ માન્ય છે. એમના નિર્ણયની વિરુદ્ધ જવાની મારી કોઈ ઈચ્છા નથી." શાલ્વી બોલી.

" મારા તારા અને અંજલીના બધા જ પાછલા જન્મો મારા દિવ્ય ગુરુજી જાણે છે. તું મારા જીવનમાં કેમ આવી એનો જવાબ પણ મારા ગુરુજી પાસે હશે. મને તો ત્યાં સુધી વિશ્વાસ છે કે મને રાજકોટ લઈ આવનાર પણ મારા ગુરુજી જ છે. પ્રશાંત સરને અંકિતની મુલાકાત કરાવવા હિમાલય ગંગોત્રી લઈ જનાર પણ મારા ગુરુજી જ છે." અભિષેક ગર્વથી બોલ્યો.

" બસ તો પછી આ બધી ચિંતા આપણે તમારા ગુરુજીને જ સોંપી દઈએ. ચાલો હવે હું મારા રૂમમાં જાઉં છું. કાલે સવારે વહેલા ઊઠવાનું છે. ગુડ નાઈટ ! " શાલ્વી બોલી અને રૂમની બહાર નીકળી ગઈ.

એ પછી તો અભિષેક પણ વહેલા ઊઠવાનું હોવાથી સૂઈ ગયો. હવે તો એ અભિષેકના મૂળ સ્વરૂપમાં આવી ગયો હતો એટલે કોઈએ એને જાણે કે જગાડયો હોય એમ સવારે ચાર વાગે ઉભો થઈ ગયો. નાહી ધોઈને ટુવાલ વીંટીને જ બેડ ઉપર ધ્યાનમાં બેસી ગયો.

કોઈપણ હિસાબે સ્વામી નિર્મલાનંદજી સાથે વાત કરવાની એની તીવ્ર ઈચ્છા હતી એટલે ધ્યાનમાં બેસીને સતત એણે સ્વામીજીનું સ્મરણ કરીને આવાહન કર્યું. ૧૫ મિનિટના પ્રયાસ પછી સ્વામીજીની હાજરીનો એને અનુભવ થયો. પણ આ શું ?

આખા રૂમમાં દિવ્ય સુગંધ પ્રસરી ગઈ હતી અને સ્વામી નિર્મલાનંદજી પોતે એની સામે પ્રત્યક્ષ પ્રગટ થયા હતા.

" અરે ગુરુજી આપ સ્વયં પ્રગટ થયા ? આજે તો મારું નસીબ ખુલી ગયું. " અભિષેક બોલ્યો અને તરત જ નીચે ઉતરીને સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

" મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે બેટા." સ્વામીજી બોલ્યા એટલે અભિષેક ઉભો થઈને એમના ચરણ પાસે નીચે જ બેસી ગયો.

" તું મારી સામે બેડ ઉપર બેસ. નીચે બેસવાની જરૂર નથી. " ગુરુજી બોલ્યા એટલે અભિષેક ઉભો થઈને બેડ ઉપર ધ્યાન મુદ્રામાં હોય એ રીતે બેસી ગયો.

" બોલ મને કેમ યાદ કર્યો ? " ગુરુજી બોલ્યા.

"તમે તો સર્વજ્ઞ છો ગુરુજી અને મારા પ્રશ્નો પણ જાણો છો. ગઈ કાલનો હું શાલ્વી સાથેના આઠ મહિનાના સંસારી સંબંધોના કારણે મૂંઝવણમાં છું. મારે હવે એની સાથે આગળ કેવી રીતે વધવું એ મોટો સવાલ છે. અને મારા તથા અંજલીના જીવનમાં આવું કેમ બન્યું ગુરુજી ? " અભિષેક બોલ્યો.

" તું જ્યારે બેહોશ થયો ત્યારે જ મેં તને કહેલું કે તારા જીવનનો એક નવો અધ્યાય હવે શરૂ થઈ રહ્યો છે અને એ પણ તારા પ્રારબ્ધમાં લખાયેલો છે એટલે હું એમાં કંઈ કરી શકતો નથી. આ નવી અવસ્થામાંથી તારે પસાર થવું જ પડશે અને પાછલા જન્મોના કેટલાક હિસાબો ચૂકવવા પડશે ! યાદ આવે છે ? " ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી. હવે હોશમાં આવી ગયા પછી આપના શબ્દો થોડા થોડા યાદ આવે છે. " અભિષેક બોલ્યો.

" તેં છેલ્લા સાત મહિનામાં સવા લાખ ગાયત્રી મંત્રનું એક પુરશ્ચરણ કર્યું છે એ તને યાદ છે ? તેં ગીતા અને ઉપનિષદો વાંચ્યાં છે એ યાદ છે ? મેં આપેલા દીક્ષામંત્રના જાપ પણ તેં લાખોની સંખ્યામાં કર્યા છે એ યાદ છે ? " ગુરુજી બોલ્યા.

" ના ગુરુજી એ તો મને કંઈ જ યાદ નથી. મેં આ બધું વળી ક્યારે કર્યું ? " અભિષેક બોલ્યો.

અને સ્વામી નિર્મલાનંદજીએ અભિષેકના માથા ઉપર હાથ મૂક્યો.

" જી ગુરુજી. હવે બધું જ યાદ આવી ગયું. હું તો ગંગોત્રી પાસેના આશ્રમમાં સાધના કરતો હતો. આ બધું શું છે ગુરુજી ? વળી પાછો હું અહીં કેવી રીતે આવી ગયો ? " અભિષેક આશ્ચર્યથી બોલ્યો.

" તારું શરીર તો પહેલેથી અહીંયા જ છે. તું બેભાન થયો ત્યારથી શરૂ કરીને તું અહીં બોરીવલીમાં સાગર હોટલમાં જમવા ગયો અને જમીને બહાર નીકળ્યો ત્યાં સુધી તારો આત્મા ગંગોત્રીમાં અંકિતના શરીરમાં હતો. અને અંકિતનો આત્મા તારા શરીરમાં હતો. સાગર હોટલ પાસે મેં તારા માથા ઉપર હાથ મૂકીને તારા આત્માને પાછો તારા શરીરમાં ફરી પ્રસ્થાપિત કરી દીધો હતો. " ગુરુજી બોલી રહ્યા હતા.

" મેં તમને બંને ભાઈઓને એકબીજાના શરીરમાં મંત્રશક્તિથી પરકાયા પ્રવેશ કરાવ્યો હતો. તારે આ જન્મમાં કેટલીક તપસ્યા બાકી હતી એટલે તારી પાસે મેં કઠોર તપસ્યા કરાવી અને અંકિત એની પત્નીને છોડીને જતો રહ્યો હતો પરંતુ એની પત્નીની વાસના અધૂરી રહી હતી એટલે પત્નીની અધૂરી વાસનાને કારણે અંકિતને ફરી વધારાનો નવો જન્મ લેવો ના પડે એટલે મેં એના આત્માને તારા શરીરમાં મોકલ્યો હતો !" ગુરુજી બોલી રહ્યા હતા.

" તારી યાદદાસ્ત જતી રહી એ પછીના સાત મહિના તો અંકિતનો આત્મા જ એની પત્ની સાથે સંસાર ભોગવતો હતો. ભલે શરીર તારું હોય ! છેલ્લા એકાદ મહિના માટે જ તારો અને શાલ્વીનો શારીરિક સંબંધ થયેલો છે અને એ જરૂરી હતો. " સ્વામીજી બોલી રહ્યા હતા.

" આ બધી તમારા બેઉના પાછલા જન્મોની માયાજાળ છે બેટા. તારા ત્રણ જન્મ પહેલાં શાલ્વી તારી પત્ની હતી પરંતુ તું બીજી સ્ત્રીના પ્રેમમાં હોવાથી એ બિચારી તારા પ્રેમ અને મિલન માટે આખી જિંદગી તડપતી રહી. ઈચ્છા અધૂરી રહે તો એ નવા કોઈ જન્મમાં પૂરી કરવી જ પડે છે. એટલે નિયતિએ તમને બંનેને ભેગાં કર્યાં છે માટે તેં કોઈ પાપ કર્યું છે એવું વિચારવાની જરૂર નથી. તું અને શાલ્વી ત્રણ જન્મ પહેલાંના હિસાબો એક બીજાને ચૂકવી રહ્યાં છો. " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી પરંતુ અંજલીનો શું વાંક ? એણે મારી સાથે લગ્ન કર્યાં છે છતાં આઠ મહિનાથી એને મારો વિયોગ જ મળ્યો છે. " અભિષેક બોલ્યો.

" જગતમાં કોઈને પણ કારણ વગર સુખ કે દુઃખ મળતું નથી. દરેક ઘટના પાછળ કોઈને કોઈ જન્મનું કોઈને કોઈ કારણ જરૂર હોય છે ! ત્રણ જન્મ પહેલાં શાલ્વી જ્યારે તારી પત્ની હતી ત્યારે તું જે બીજી સ્ત્રી પાછળ પાગલ હતો એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ અંજલી જ હતી ! અંજલીના કારણે તેં એ જન્મમાં શાલ્વીને તડપાવી તો આ જન્મમાં શાલ્વીના કારણે અંજલીને તારા વગર તડપવું પડ્યું. " ગુરુજી બોલી રહ્યા હતા.

" તેં ગીતા વાંચી છે એટલે તું જાણે જ છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનને શું કહ્યું છે. તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે પરંતુ તું એ જાણતો નથી. હું જાણું છું. તારા માટે મારું પણ એવું જ છે. તારા પાછલા અનેક જન્મો હું જાણું છું. " સ્વામીજી હસીને બોલ્યા.

" જી ગુરુજી. " અભિષેક બોલ્યો. ગુરુજીની વાતો સાંભળીને એ નતમસ્તક થઈ ગયો.

" તારી સાધના પૂરી થઈ ગઈ અને શાલ્વીને પણ અંકિતથી સંતોષ થઈ ગયો એટલે મેં તમારા બંનેના આત્માને પોતપોતાના શરીરમાં ફરી પ્રસ્થાપિત કરી દીધા. તારા માથે હાથ મૂક્યા પછી ધીમે ધીમે તારી સ્મૃતિ પાછી આવતી ગઈ. પ્રશાંત વૈદ્ય પણ પાછલા બે જન્મોમાં તારો મિત્ર રહી ચૂક્યો છે. હું જ એને પ્રેરણા આપી એના દ્વારા તને રાજકોટ લઈ આવ્યો છું. તારા જીવનમાં જે પણ થાય છે એ મારી ઈચ્છાથી જ થાય છે !" સ્વામીજી બોલ્યા.

" પરંતુ ગુરુજી હવે તો હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું. આ જન્મમાં મારી પત્ની અંજલી છે અને શાલ્વી મારી સાથે સંબંધ ચાલુ રાખવા માંગે છે તો પછી મારે શું કરવું ? મારા પૂર્વજન્મને યાદ રાખીને અંજલીને તો હવે અન્યાય ના કરી શકું ને ! હું અંજલીને વફાદાર રહેવા માંગુ છું તો બીજી તરફ શાલ્વી પણ મને પતિ માને છે ! મારે હવે કઈ રીતે આગળ વધવું ? " અભિષેક બોલ્યો.

"તમારા ત્રણેયના સંબંધોનું રહસ્ય મેં તને જણાવી દીધું છે. હવે નિયતિ જ તમારો આગળનો રસ્તો નક્કી કરશે. હજુ ઘણી ઘટનાઓ બનવાની છે. તારા સવાલોના જવાબ પણ તને મળી જશે. દરેક સંબંધોની એક આયુષ્ય મર્યાદા હોય છે ! હું તને આ બાબતમાં કોઈ સલાહ આપી ન શકું. તું જે પણ નિર્ણયો લઈશ એની પાછળ મારી જ સૂક્ષ્મ પ્રેરણા હશે ! " ગુરુજી હસીને બોલ્યા અને એકદમ અદ્રશ્ય થઈ ગયા. દિવ્ય સુગંધી પણ બંધ થઈ ગઈ !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."