અભિષેક (Abhishek Novel Part-66)

Related

અભિષેક પ્રકરણ 66

અભિષેક પોતાના દિવ્ય ગુરુજી સાથે વાત કરીને ઘણો હળવો થઈ ગયો. એ પછી એણે ગાયત્રીની પાંચ માળા કરી દીધી.

હજુ સવારના પોણા છ વાગ્યા હતા. આજે મુંબઈ જવા માટે વહેલા નીકળી જવાનું હતું. એણે પેન્ટ અને ટીશર્ટ પહેરી લીધાં.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

બરાબર છ વાગે એણે શાલ્વીના દરવાજે ટકોરા માર્યા. શાલ્વીએ બે ત્રણ મિનિટ પછી દરવાજો ખોલ્યો. એ નાહીને બહાર નીકળી હતી અને કપડાં પહેરી રહી હતી એટલે વાર લાગી.

" તમે તો એકદમ તૈયાર થઈ ગયા ! " શાલ્વી બોલી.

" હા આપણે સાત વાગે નીકળી જવાનું છે ને ! હું જોવા જ આવ્યો હતો કે તું તૈયાર થઈ કે નહીં ! પ્રશાંત લોકો પણ તૈયાર થઈ ગયા હશે. ચા પાણી પીને આપણે નીકળી જઈએ. હું પ્રશાંત સરના રૂમમાં બેઠો છું. " અભિષેક બોલ્યો.

" હા પણ આ હોટલ છે સાહેબ. આટલા વહેલા તમને ચા નાસ્તો કોઈ ના આપે. બધી સર્વિસ સાત વાગે જ ચાલુ થાય. " શાલ્વી હસીને બોલી.

" જોઈએ હવે. સાતના બદલે સાડા સાત વાગે નીકળીશું તો પણ કોઈ ફરક નહીં પડે." અભિષેક બોલ્યો અને પછી બાજુના રૂમમાં જઈને પ્રશાંતનો દરવાજો નોક કર્યો.

" અરે આવો આવો અભિષેક. તમે તો એકદમ તૈયાર થઈને આવી ગયા. " પ્રશાંત બોલ્યો.

" ટાઈમની બાબતમાં તો હું બહુ જ પાક્કો છું અને આમ પણ રોજ ચાર વાગે ઉભો થઈ જાઉં છું. શાલ્વી પણ તૈયાર છે. પરંતુ ચા પાણી પીધા પછી જ આપણે નીકળીશું." અભિષેક બોલ્યો અને ખુરશીમાં બેઠો.

" હું તો તૈયાર થઈ ગયો છું. બસ આ મનીષ નાહીને બહાર નીકળે એટલે ચા પીને આપણે નીકળીએ. " પ્રશાંત બોલ્યો.

" તમે પછી સાંજે શાલ્વીની સાથે જ હતા તો એની સાથે બીજી કોઈ ચર્ચા થઈ ? " પ્રશાંતે પૂછ્યું.

" અમારી વચ્ચે ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે. શાલ્વી હવે જૂહુ રહેવાની નથી. અત્યારે તો એવું નક્કી કર્યું છે કે જૂહુ જઈ વલ્લભદાસ સાથે બધી ચર્ચા કરીને અમે બંને નીકળી જઈશું. એ પોતે બોરીવલી એના પપ્પાના ઘરે જતી રહેશે. બધી સાચી વાત એના પપ્પા સાથે કરશે. અંકિતે શાલ્વીને લખેલો લેટર અને ડિવોર્સના પેપર તથા એનો બધો સામાન એના પપ્પા જ મંગાવી લેશે." અભિષેક બોલ્યો.

" ચાલો સરસ. વલ્લભદાસને તો પાઠ ભણાવવો જ પડશે . અમે તમને વડોદરા પોલીસ સ્ટેશન સુધી સાથ આપીશું. તમને તમારી ગાડી મળી જાય એ પછી તમે બંને તમારી રીતે મુંબઈ જજો. અમે અમારી રીતે નીકળી જઈશું. " પ્રશાંત બોલ્યો.

સવારે સાત વાગ્યે હોટલ છોડી દેવાનો પ્લાન કર્યો હતો પરંતુ ચા પાણી પીવામાં થોડું મોડું થઈ ગયું એટલે સવારે આઠ વાગે બંને ગાડીઓ મુંબઈ જવા માટે સ્ટાર્ટ થઈ ગઈ. શાલ્વીની મર્સિડીઝ ગાડી અત્યારે અભિષેક જ ચલાવી રહ્યો હતો.

સવાર સવારમાં ટ્રાફિક ઓછો હતો અને ગાડીઓ પણ ફૂલ સ્પીડમાં દોડી રહી હતી એટલે સાડા બાર વાગે તો બંને ગાડીઓએ વડોદરામાં પ્રવેશ કર્યો.

" શાલ્વી તમે લોકો સીધા હાઈફ્લાય હોટલ જતા રહો. હું અભિષેકની ગાડી લઈને ત્યાં જ આવું છું. તમારે લોકોને પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી. મેં ઇન્સ્પેક્ટરને આખી અલગ જ સ્ટોરી કહેલી છે એટલે એ જો અભિષેકને કોઈ સવાલ કરશે તો પ્રોબ્લેમ થઈ જશે. " પ્રશાંતે ચાલુ ગાડીએ શાલ્વીને ફોન કરીને કહ્યું.

" ઓકે સર. તમારી વાત સાચી છે. અમે લોકો લંચ માટે ત્યાં જ તમારી રાહ જોઈશું." શાલ્વી બોલી.

" મનીષ મને મકરપુરા પોલીસ સ્ટેશન ઉતારીને તું પણ હાઈફલાય હોટલ પહોંચી જા. હું ક્રેટા લઈને આવું છું. ચાવી મારી પાસે જ છે. " પ્રશાંત બોલ્યો.

મકરપુરા પોલીસ સ્ટેશન આવી ગયું એટલે પ્રશાંત નીચે ઉતરી ગયો અને મનીષ સ્કોર્પિયો લઈને તરસાલી તરફ આગળ વધ્યો.

પ્રશાંત સૂર્યવંશી સાહેબની ઓફિસમાં ગયો અને પોતે ગાડી લઈ જઈ રહ્યો છે એની જાણ કરી.

" અરે બે મિનિટ બેસો તો ખરા. ચા પીધા વગર થોડું જવાશે ? " પી.આઇ બોલ્યા.

" ઠીક છે સર. તો પછી મારી કૉફી. " બોલીને પ્રશાંત સૂર્યવંશી સાહેબની સામેની ખુરશીમાં બેઠો.

" શું કરે છે તમારા ડૉ. અભિષેક ?" સૂર્યવંશી બોલ્યા.

" એ અમારી સાથે જ આવેલા છે. હું અહીં એમની ગાડી લેવા આવ્યો અને એ સીધા તરસાલી હાઈફ્લાય હોટલમાં જમવા ગયા. હું પણ ગાડી લઈને હવે ત્યાં જ જમવા માટે જઈશ." પ્રશાંત બોલ્યો.

પ્રશાંતની વાત કરવાની સ્ટાઈલ એવી સરસ હતી અને એ એટલી નોર્મલ રીતે બોલી રહ્યો હતો કે ઇન્સ્પેક્ટરને કોઈ શંકા જ ન જાય.

" સર ગાડી ઉપર ખૂબ જ ધૂળ જામી ગયેલી છે. કોઈને જરા મોકલો ને ગાડી સાફ કરી દે." કૉફી પીધા પછી પ્રશાંત બોલ્યો.

" હા તમારી સાથે મારા માણસને મોકલું છું." ઇન્સ્પેક્ટર બોલ્યા અને એમણે બેલ મારીને પોતાના ઓર્ડરલીને બોલાવ્યો અને પોલીસ સ્ટેશનની પાછળ પડેલી ક્રેટા ગાડી કપડાથી સાફ કરવાની સૂચના આપી.

પ્રશાંત ઇન્સ્પેક્ટરની રજા લઈને ત્યાંથી ઉભો થયો અને ક્રેટા ગાડી પાસે ગયો.
ગાડી ઉપર ખૂબ જ ધૂળ જામેલી હતી. ઇન્સ્પેક્ટરના ઓર્ડરલીએ ઘસી ઘસીને ગાડી એકદમ સાફ કરી દીધી. એ પછી એણે ગાડી ઉપર ભીનું કપડું પણ ફેરવી દીધું.

પ્રશાંતે પેલો ના પાડતો હતો તેમ છતાં એના હાથમાં બસોની નોટ મૂકી. એ ખુશ થઈને ચાલ્યો ગયો.

પ્રશાંતે ચાવી લગાવીને ગાડીનો દરવાજો ખોલ્યો અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો. ગાડી રિઝર્વમાં હતી. આગળ જઈને એણે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીને ગાડી ફૂલ કરી દીધી. ચારેય ટાયરોમાં હવા ભરાવી દીધી. એ પછી એણે ગાડીને હાઇવે ઉપર લીધી અને તરસાલીની એ જ જાણીતી હોટલ ઉપર જઈને ગાડી પાર્ક કરી.

વોશરૂમ જઈ આવીને એ પણ હોટલમાં દાખલ થયો અને મનીષ તથા અભિષેક વગેરે જ્યાં બેઠા હતા ત્યાં જઈને એમની સાથે જોઈન થઈ ગયો.

" જમવાનો ઓર્ડર આપ્યો કે નહીં ?" પ્રશાંત હસીને બોલ્યો.

" ના સર અમે તમારી રાહ જોતા હતા. તમે પસંદ કરો એટલે ઓર્ડર આપી દઈએ. " મનીષ બોલ્યો.

" અરે તમારા બધાની ચોઈસ એ મારી ચોઇસ. આજે અભિષેક મેનુ પસંદ કરશે." પ્રશાંત બોલ્યો અને એણે ગાડીની ચાવી અભિષેકને આપી દીધી.

" સર તમે અમને બહુ જ મદદ કરી છે. અમે બંને તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તમારી ફી તમને મળી ગઈ હોવા છતાં પણ અંગત રસ લઈને તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ હું અભિષેક અને અંજલી ત્રણેય આપનાં ઋણી રહીશું. તમે તો અંકિતને શોધવા છેક ઋષિકેશ સુધી જઈ આવ્યા ! " શાલ્વી બોલી.

" મેં તો મારી ફરજ બજાવી છે પણ તમારા સહકાર વગર આ શક્ય ન હતું. તમે અંજલી માટે થઈને જે કર્યું છે એની તો તુલના જ ના થઈ શકે ! " પ્રશાંત બોલ્યો.

એ પછી અભિષેકે મેનુ પસંદ કરીને ઓર્ડર આપ્યો. બધાંએ વાતો કરતાં કરતાં જમી લીધું. બિલના પૈસા પણ અભિષેકે ચૂકવ્યા.

" અભિષેક તમારી ગાડીમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરી દીધી છે અને ટાયરોમાં હવા પણ ભરાવી દીધી છે એટલે હવે તમને કોઈ તકલીફ નહીં પડે. આપણે હવે અહીંથી જ છૂટા પડીએ છીએ તમે બંને તમારી રીતે હવે આગળ વધો. અંજલીને મારી યાદ ચોક્કસ આપજો. શાલ્વી તમારો ફરી હું આભાર માનું છું કે તમે મારી વાત માનીને રાજકોટ આવવા માટે તૈયાર થઈ ગયાં. ઑલ ધ બેસ્ટ. " પ્રશાંત બોલ્યો અને અભિષેક સાથે હાથ મિલાવીને ઉભો થઈ ગયો.

પ્રશાંત અને મનીષ હોટલની બહાર નીકળીને પોતાની સ્કોર્પિયો તરફ ગયા.

" અભિષેક પ્રશાંત સર જેવા માણસો દુનિયામાં બહુ જ ઓછા હોય છે. તમને અંકિતમાંથી અભિષેક બનાવવામાં પ્રશાંત સરનો બહુ જ મોટો ફાળો છે. એમનો આભાર આપણે જેટલો માનીએ એટલો ઓછો છે. ચાલો હવે તમે તમારી ગાડી લઈ લો અને હું મર્સિડીઝ લઈ લઉં છું. " શાલ્વી બોલી અને ઊભી થઈ.

અભિષેક પણ ઉભો થઈને એની સાથે બહાર આવ્યો અને ક્રેટા જ્યાં પાર્ક કરી હતી ત્યાં આવ્યો. શાલ્વી પણ સાથે જ હતી.

બરાબર એ જ વખતે સ્કોર્પિયો ગાડી હોટલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી. અભિષેક અને શાલ્વી એને જતાં જોઈ રહ્યાં. જાણે કોઈ સ્વજન કાયમ માટે દૂર જઈ રહ્યું હોય એવો અહેસાસ બંનેને થયો !

" શાલ્વી મુંબઈ જઈને તારી ગાડીમાં ભેગા જવાની હવે કોઈ જરૂર નથી. મારી જ ગાડી હું તારા ઘર સુધી લઈ લઉં છું. જૂહુ પહોંચી ગયા પછી તારી ગાડી મારી આગળ રાખજે કારણ કે અંકિત તરીકે હું ક્યાં રહેતો હતો એ ઘર યાદ જ નથી ! કિસ્મતની કેવી રમત છે કે એકવાર મને મારું ઘર યાદ ન હતું અને આજે મને તારું ઘર યાદ નથી ! " અભિષેક હસીને બોલ્યો.

" હા અભિષેક. ખરેખર એ પણ આશ્ચર્યની વાત છે ! તમે ચિંતા નહીં કરો. છેક સુધી આપણે સાથે ને સાથે જ છીએ એટલે વાંધો નહીં આવે. અને ત્યાંથી પછી આપણે બંને સાથે જ તમારી ગાડીમાં બોરીવલી જઈશું." શાલ્વી બોલી.

" શાલ્વી દહીસર ઠાકુર મૉલ પાસે ગાડી બે મિનિટ ઊભી રાખજે. " અભિષેક બોલ્યો.

" આપણને ખબર નથી આપણે કેટલા વાગે મુંબઈ પહોંચીશું. આજે ટ્રાફિક વધારે લાગે છે. જો રાત્રે બહુ મોડું થઈ જશે તો આપણે પ્રોગ્રામમાં ફેરફાર કરવો પડશે. " અભિષેક બોલ્યો.

" ઠીક છે તમે જેમ કહો તેમ." શાલ્વી બોલી.

એ પછી શાલ્વીએ પોતાની મર્સિડીઝ સંભાળી લીધી અને અભિષેક ક્રેટામાં બેસી ગયો. બપોરે પોણા બે વાગે બંને ગાડીઓ હાઈફ્લાય હોટલમાંથી બહાર નીકળી.

ગાડી દહીસર પહોંચી ત્યારે રાતના પોણા દસ વાગી ગયા હતા. દહીસર સાથે એની ઘણી બધી યાદો જોડાયેલી હતી. મન તો એવું થતું હતું કે અત્યારે જ ઘરે પહોંચીને અંજલીને સરપ્રાઈઝ આપી દઉં ! ઠાકુર મૉલ પાસે એણે ગાડી સાઈડમાં લીધી અને ઉભી રાખી. આગળ શાલ્વીની ગાડી પણ ઉભી જ હતી.

અભિષેક પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો અને મર્સિડીઝ પાસે ગયો. શાલ્વી બહાર આવી.

" શાલ્વી ઘણું મોડું થઈ ગયું છે. જૂહુ પહોંચતાં પોણા અગિયાર વાગી જશે. ત્યાં જઈને વલ્લભદાસ સાથે ચર્ચા કરીશું એટલે બીજો અડધો કલાક તો નીકળી જ જશે. એ પછી ફરી બોરીવલી આવશું તો રાતના બાર વાગી જશે. હું વિચારું છું કે અત્યારે તું તારા ઘરે જતી રહે અને હું મારા ઘરે. સવારે નવ વાગે આપણે જૂહુ જઈએ તો ? તારું શું માનવું છે ? " અભિષેકે શાલ્વીને પૂછ્યું.

" તમારી વાત સાચી છે કે ઘણું મોડું થઈ ગયું છે. પરંતુ અત્યારે મને મારા ઘરે જવું યોગ્ય લાગતું નથી. એકલી જઈશ એટલે પપ્પા દસ સવાલો પૂછશે. બે ઓપ્શન છે. કાં તો આપણે બંને તમારા ઘરે જઈએ અથવા તો પછી આપણે કોઈ હોટલમાં રોકાઈએ અને કાલે સવારે જૂહુ જઈએ. " શાલ્વીએ પોતાનો મત આપ્યો.

" મારા ઘરે તને લઈ જવામાં કોઈ પ્રોબ્લેમ નથી. આઈડિયા પણ સારો છે પરંતુ ઘરે જઈને અંજલીને આપણે શું કહીશું ? સાચી હકીકત એને એકદમ કહેવાય એવી નથી. એક તો આટલા સમય પછી હું એને મળી રહ્યો છું અને આપણે બંને સાથે જઈને સાચી વાત કરીશું તો એને ઘણો આઘાત લાગશે. મારા ઘરે જવું હોય તો પછી કોઈ સ્ટોરી આપણે વિચારવી પડશે. " અભિષેક બોલ્યો.

" હું એમ જ કહીશ કે તમારા વરને તમે સંભાળી લો. હું અને અંકિત ઋષિકેશ ગયાં હતાં ત્યાં અચાનક પ્રશાંતભાઈ મળી ગયા. અંકિતનો અને અભિષેકનો ચહેરો એક જ હોવાથી એ ખૂબ જ આશ્ચર્ય પામ્યા. એ અમને શિબિરમાં લઈ ગયા અને અભિષેકની ઓળખાણ કરાવી. તમે પ્રેગ્નન્ટ છો એવી વાત અમે એમને કરી એટલે તરત જ એ શિબિર છોડીને આવવા તૈયાર થઈ ગયા. અમે રાત્રે સાડા આઠ વાગે એરપોર્ટ ઉપર ઉતર્યાં. ઘરેથી ગાડી મંગાવી લીધી હતી એટલે અંકિત ઘરે ગયા અને હું તમને સરપ્રાઈઝ આપવા માટે અભિષેકને દહીસર લઈ આવી." થોડીવાર વિચારીને શાલ્વી બોલી.

" કમાલની વાર્તા બનાવી છે તેં ! તારું દિમાગ બહુ સરસ ચાલે છે. અંજલી ખુશ થઈ જશે ! " અભિષેક બોલ્યો.

" સાવ સાચું કહું તો મારે અંજલીના ચહેરા ઉપર ખુશીઓ જોવી છે. જે ખુશીઓ જોવા માટે મેં આટલો મોટો ભોગ આપ્યો એ ખુશીઓ મારે મારી પોતાની નજરે જોવી છે અભિષેક. " શાલ્વી બોલી.

" શાલ્વી શાલ્વી... તને ખરેખર હું સમજી શકતો નથી. બીજાને ખુશીઓ આપવાનો આવો આનંદ મેં ક્યારેય કોઈના ચહેરા ઉપર જોયો નથી. તારા વિચારો બહુ જ ઉમદા છે. ચાલો આપણે મૉલના પાર્કિંગમાં ગાડીઓ પાર્ક કરી દઈએ. સવારે પછી તને તારા ઘરે મૂકી આવવાને બહાને આપણે ઘરેથી નીકળી જઈશું. " અભિષેક બોલ્યો.

બંને ગાડીઓ મૉલના પાર્કિંગમાં પાર્ક કરીને અભિષેકે રોડ ઉપર આવી રીક્ષા કરી લીધી. શાલ્વી અને અભિષેક નક્ષત્ર ટાવર પહોંચ્યાં ત્યારે રાતના સવા દસ વાગવા આવ્યા હતા.

બંને લિફ્ટમાં બેસીને પાંચમા માળે પહોંચી ગયાં. બંનેના દિલના ધડકારા વધી ગયા હતા. અભિષેકને આઠ મહિના પછીના મિલનના આનંદની ઉત્તેજના હતી તો શાલ્વી બંનેના મિલનની ક્ષણો માણવા માટે થનગનતી હતી !!

અભિષેકે જ ૫૦૩ નંબરના ફ્લેટનો ડોરબેલ વગાડ્યો.

" અત્યારે રાત્રે સવા દસ વાગ્યે કોણ આવ્યું હશે !" વીણામાસી આરતી સામે જોઈને બોલ્યાં.

" હું જોઈ લઉં છું." કહીને આરતી દરવાજા પાસે ગઈ અને મિરર વ્યુ દ્વારા બહાર જોવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સામે કોઈ જ દેખાયું નહીં. અભિષેક અને શાલ્વી જાણી જોઈને એકદમ બાજુમાં ખસી ગયાં હતાં.

" સામે કોઈ દેખાતું કેમ નથી ? " કહીને આરતીએ દરવાજો ખોલ્યો. એ સાથે જ શાલ્વી ધસી આવી.

" અરે શાલ્વીબેન તમે !! અત્યારે મોડી રાત્રે ? વ્હોટ આ સરપ્રાઈઝ !! અરે અંજલીભાભી શાલ્વીબેન આવ્યાં છે." આરતીએ અંજલીને બૂમ પાડી.

પરંતુ આરતીએ જોયું કે શાલ્વીની સાથે અંકિતભાઈ પણ આવેલા છે . એણે બંનેનું સ્વાગત કર્યું અને સોફા ઉપર બેસવા કહ્યું.

એટલામાં ધીમે ધીમે ચાલતી અંજલી બેડરૂમમાંથી બહાર આવી. એણે પીકોક બ્લુ કલરનું ગાઉન પહેરેલું હતું.

અભિષેક એને બસ એકીટસે જોઈ રહ્યો. ગર્ભવતી બનેલી અંજલીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. અતિ સુંદર લાગતી હતી એ !

અંજલીએ પણ અભિષેકને જોયો. દિલ થડકારો ચૂકી ગયું. પરંતુ પાછું એને ભાન થયું કે આ તો અંકિત છે ! એણે હસીને શાલ્વી સામે જોયું.

" અંજલીબેન તમને તમારી ખુશીઓ પાછી આપવા આવી છું. તમારી અમાનત તમે સંભાળી લો. આ મારો અંકિત નથી પણ તમારા અભિષેક છે. છેક ઋષિકેશ જઈને પકડી લાવી છું. જે સજા કરવી હોય એ એમને કરજો." શાલ્વી બોલી.

અને પછી બીજી જ ક્ષણે દહીસરના એ ફ્લેટમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો. અભિષેક અંજલીને જોઈને પોતાની જાત ઉપર કાબુ રાખી શક્યો નહીં અને દોડતો જઈને અંજલીને હળવેથી ભેટી પડ્યો અને એને બાથમાં લીધી. પત્નીના કપાળ ઉપર પ્રેમથી ચુંબન કર્યું. બે મિનિટ સુધી બંને પ્રેમી પંખીડાં એકમેકમાં ખોવાઈ ગયાં અને બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી પડ્યો !

વીણા માસી આટલા સમય પછી અભિષેકને ઘરે પાછો આવેલો જોઈને એકદમ હરખઘેલાં થઈ ગયાં. આઠ મહિના પછી બંનેના મિલનને જોઈને એમની આંખો પણ વરસી પડી.

આરતી દોડીને શાલ્વીને ભેટી પડી. ભાઈને ઘરે પાછા આવેલા જોઈને એની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

" શાલ્વીબેન તમે મારા ભાઈને ઘરે લઈ આવ્યાં. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અંકિતભાઈ નથી આવ્યા તમારી સાથે ? " આરતી બોલી.

" બધું જ કહું છું આરતીબેન. હું ભાગી જવાની નથી. હું આજની રાત અહીં જ રોકાવાની છું. હવે અમારા માટે જમવાનું બનાવો. બપોર પછી અમે જમ્યાં જ નથી. " શાલ્વી હસીને બોલી.

" અરે આ તો મેં વિચાર્યું જ ન હતું. મમ્મી... ભાઈ અને શાલ્વીબેનને હજુ જમવાનું બાકી છે. એ લોકો સાંજે જમ્યાં જ નથી. શું બનાવી દઉં ? " આરતી એની મમ્મી સામે જોઈને બોલી.

" પૂરી અને બટાકાનું શાક બનાવી દે. એ જલ્દી થઈ જશે. શીખંડની દુકાન તો અત્યારે બંધ થઈ ગઈ હશે. " માસી બોલ્યાં.

"હું પણ મદદમાં આવું છું આરતીબેન. તમારે એકલાએ રસોઈ કરવાની નથી." શાલ્વી બોલી.

" ના શાલ્વીબેન તમારે કિચનમાં આવવાનું નથી. તમે અમારાં મહેમાન છો. પહેલીવાર અમારા ઘરે આવ્યાં છો અને આજે તો ભાઈને લઈને આવ્યાં છો ! તમારી તો આજે આરતી ઉતારવાનું મન થાય છે." આરતી હસીને બોલી.

" હા શાલ્વીબેન. તમે શાંતિથી બેસો અને વાતો કરો. પૂરી શાક તો માસી અને આરતીબેન બનાવી દેશે. " હવે અંજલી બોલી. અભિષેકથી છૂટી પડીને એ ધીમે ધીમે શાલ્વીની નજીક આવી.

વીણામાસી અને આરતી કિચનમાં ગયાં અને અંજલી શાલ્વી અને અભિષેક ત્રણેય સોફા ઉપર ગોઠવાયાં.

" હવે બોલો શાલ્વીબેન. અભિષેક તમને ક્યાંથી મળી ગયા અને અંકિતભાઈ કેમ તમારી સાથે ઘરે ના આવ્યા ? " અંજલીએ અધીરાઈથી પૂછ્યું.

" શાલ્વીબેન તમે હમણાં કંઈ પણ બોલશો નહીં. અમારે પણ બધું સાંભળવું છે." રસોડામાંથી આરતી મોટેથી બોલી.

" હું કંઈ પણ નહીં કહું આરતીબેન. તમે શાંતિથી રસોઈ બનાવો." શાલ્વી પણ મોટેથી બોલી.

અભિષેક સોફાની સામેની દિવાલ ઉપર રાખેલા પોતાના અને અંજલીના વિશાળ ફોટા સામે જોઈ રહ્યો હતો ! જાણે દસ બાર દિવસ પહેલાં જ આ તસવીરો પડાવી હોય એમ દ્વારકાની બધી યાદો એને એકદમ તાજી થઈ આવી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."