અભિષેક (Abhishek Novel Part-67)

Related

અભિષેક પ્રકરણ 67

અભિષેક અને શાલ્વી રાજકોટથી નીકળી મુંબઈ પહોંચ્યાં ત્યારે રાતના બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી જૂહુ જવાના બદલે એમણે દહીસર અભિષેકના ઘરે જ જવાનું નક્કી કર્યું.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

અભિષેક અને શાલ્વીને જોઈને અભિષેકના ઘરમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો. અભિષેક અને અંજલી એકબીજાને ભેટીને રડી પડ્યાં. આઠ આઠ મહિનાનો વિયોગ આંસુ બનીને વરસી ગયો.

" અભિષેક.... રસોઈ તૈયાર થાય ત્યાં સુધી તમે બંને તમારા બેડરૂમમાં જઈને બેસો. આઠ મહિનાનો તમારો વિયોગ છે. અહીં મારી હાજરીમાં તમે તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. " શાલ્વી બોલી.

શાલ્વીની વાત બિલકુલ સાચી હતી. બંને પ્રેમી પંખીડાં વાતો કરવા માટે એટલાં બધાં બેચેન હતાં કે જાણે શાલ્વીના આદેશની રાહ જોતાં હોય એમ તરત જ ઊભાં થઈ ગયાં અને બેડરૂમમાં ગયાં અને બેડરૂમ અંદરથી બંધ કરી દીધો.

બેડરૂમમાં અભિષેકે પોતાનો અને અંજલીનો એકબીજાના આલિંગનનો વિશાળ ફોટો બેડની સામે ભરાયેલો જોયો અને એ ખુશ થઈ ગયો.

" અરે અંજલી આ ફોટો તો મારા મોબાઈલમાં હતો. તેં એને કઈ રીતે એન્લાર્જ કરાવ્યો ? અને ડ્રોઈંગ રૂમમાં જે ફૂલહાર પહેરેલો ફોટો છે એ પણ મારા મોબાઈલનો જ છે. " અભિષેકે પૂછ્યું.

" અરે તમારી સાથે શિબિરમાં હતા એ પ્રશાંતભાઈ થોડા દિવસો પહેલાં આવ્યા હતા. તમે એમના મોબાઇલમાં આ બધા ફોટા ટ્રાન્સફર કર્યા હતા એ એમણે મારા મોબાઈલમાં ટ્રાન્સફર કર્યા. અને આ બધું એન્લાર્જ કરવાનું કામ આરતીબેને કરેલું છે." અંજલી બોલી.

અભિષેક બધું સમજી ગયો. પોતાની યાદદાસ્ત જતી રહી હતી ત્યારે પ્રશાંત સરે મારા માટે ઘણું કર્યું છે. એ દહીસર મારા ઘરે આવ્યા હતા એ તો એમણે મને રાજકોટમાં કહેલું છે. પરંતુ મારા ફોટોગ્રાફ્સ અંજલીના મોબાઇલમાં ટ્રાન્સફર કર્યા એ વાત એમણે મને કરી નથી. એણે મનોમન પ્રશાંત સરનો આભાર માન્યો. છતાં એને એક વાત ના સમજાઈ કે એનો ફોન તો તૂટી ગયો હતો તો પછી આ બધા ફોટા કેવી રીતે ટ્રાન્સફર કર્યા !! એ વાત હવે મારે પ્રશાંત સરને જ પૂછવી પડશે !

" અભિ તમે શિબિરમાં ગયા એની સામે મને કોઈ જ વાંધો નથી પરંતુ જતી વખતે એકવાર પણ મને ફોન ના કર્યો ? અરે જતી વખત ના કર્યો તો પાછળથી પણ ગમે તે રીતે એકવાર વાત તો કરી શકો ને ? એવી તે કેવી શિબિર હોય કે ઘરે વાત કરવાની મનાઈ હોય ? કોઈપણ ગુરુ આવો આદેશ થોડો આપે ? " અંજલીએ અભિષેકનો હાથ પોતાના હાથમાં લઈને પોતાનો આક્રોશ ઠાલવ્યો.

" તારી ફરિયાદ સાચી છે ડાર્લિંગ. હું તારો ગુનેગાર છું. તારે મને જે પણ સજા આપવી હોય તે સ્વીકારવા તૈયાર છું. તને બધી જ વાત હું આવતી કાલે કહેવાનો છું. આજની રાત તો હું તને સાંભળવા માગું છું. આ આઠ મહિનામાં શું શું બન્યું તે બધું જ મારે તારી પાસેથી સાંભળવું છે." અભિષેક બોલ્યો.

અને અંજલીએ અમદાવાદથી શરૂ કરીને છેલ્લે છેલ્લે દિપક રેસ્ટોરન્ટ પાસે અંકિતની મુલાકાત થઈ ત્યાં સુધીની આઠ મહિનાની બધી જ ઘટનાઓ વિગતવાર અભિષેકને જણાવી. ઋષિકેશ અંકલે એને કેટલી બધી મદદ કરી એ વાત પણ કરી. વાત કરતાં કરતાં વચ્ચે એક વાર રડવા જેવી પણ થઈ ગઈ.

" બસ હવે હું આવી ગયો છું ને ! હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મને શાલ્વીએ તારી પ્રેગનેન્સીની વાત કરી ત્યારથી તને મળવા માટે હું બેચેન બની ગયો હતો. " કહીને અભિષેકે અંજલીના પેટ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો.

" તમારું બાળક મારા પેટમાં ઉછરી રહ્યું છે અભિ. કેટલા મહિનાથી હું તમારો ઇન્તજાર કરતી હતી ! મારી એક જ ઈચ્છા હતી કે એક વાર તમે મને આ પ્રેગ્નન્સીની હાલતમાં જોઈ લો. આપણા બંનેના પ્રેમનું આ પ્રતીક છે ! મેં રામાયણ, ભગવદ ગીતા અને ભાગવત પણ વાંચી લીધાં છે. તમારું સંતાન ખૂબ જ સંસ્કારી આવશે. " અંજલી બોલી અને અભિષેકના ખોળામાં માથું રાખીને એ ધીમેથી સૂઈ ગઈ.

" તારા ગર્ભમાં દીકરો ઉછરી રહ્યો છે અંજુ. રામનવમીના દિવસે સવારે એનો જન્મ થશે. એની મિથુન રાશિ આવશે એટલે ક અક્ષર ઉપર આપણે નામ પાડવાનું રહેશે. " અભિષેક અંજલીના માથા ઉપર હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યો.

" અરે વાહ.. તમે તો જોષી મહારાજ બની ગયા ! તમને આટલી બધી ખબર કેવી રીતે પડી ? " અંજલી હસીને બોલી.

" તારો દીકરો મને કાનમાં આવીને કહી ગયો કે મારી મમ્મીએ રામાયણ વાંચી છે એટલે હું રામનવમીના દિવસે આ પૃથ્વી ઉપર જન્મ લઈશ." અભિષેકે પણ હસીને જવાબ આપ્યો.

" તો તો પછી આપણે એનું નામ કુશ જ પાડીશું. તમે રામ અને એ કુશ ! " અંજલી બોલી.

" વાહ... આટલું ઝડપથી નામ પણ વિચારી લીધું ? જો કે નામ મને પણ ગમી ગયું. " અભિષેક બોલ્યો.

" અભિ એક વાત કહું ? તમારામાં અને અંકિતમાં તસુભાર પણ ફરક નથી. તમે એને જોશો તો તમે પોતે પણ ચક્કર ખાઈ જશો. માસીએ કહ્યું કે તમે અને અંકિત જોડીયા ભાઈ છો. તમારા બંનેનો અવાજ પણ એક જ છે. તે દિવસે બોરીવલીમાં અંકિતને પહેલીવાર જોયા ત્યારે શાલ્વીબેન સાથે હતાં નહીં તો હું પોતે એમને અભિષેક જ માની બેઠી હતી !" અંજલી બોલી.

" હા. ઋષિકેશમાં હું એને મળ્યો ત્યારે મને પણ એટલું જ આશ્ચર્ય થયું હતું." અભિષેક બોલ્યો.

" શાલ્વીબેનનો સ્વભાવ બહુ જ સારો છે અભિ. જુઓ ને તમને છેક ઘર સુધી મૂકવા આવ્યાં " અંજલી બોલી.

" સાવ સાચું કહું તો શાલ્વીના કારણે જ હું ઘરે આવી શક્યો છું. એનો તો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. તને બધી જ વાત વિગતવાર આવતીકાલે કહીશ. મારે કાલે સવારે એને એના ઘરે મૂકી આવવાની છે." અભિષેક બોલ્યો.

" હા હા તમે એમને કાલે એમના ઘર સુધી મૂકી આવજો. " અંજલી બોલી.

એ પછી બીજી દસેક મિનિટ વાતો ચાલી હશે ત્યાં વીણામાસીએ જમવા માટે બૂમ પાડી.

ડાઇનિંગ ટેબલ ઉપર બંને જણાં ગોઠવાઈ ગયાં. આરતીએ પીરસવાનું ચાલુ કર્યું. બટાકાના રસાવાળા ખટમીઠા શાક સાથે ગરમાગરમ પૂરીઓ પીરસાતી ગઈ.

" શાલ્વી તું અહીં રાત રોકાવાની છે એનો અંકિતને ફોન કર્યો કે નહીં ? એને ફોન કરીને કહી દે કે કાલે સવારે અભિષેક મને મૂકી જશે." અભિષેક જમતાં જમતાં બોલ્યો.

" હા તમે લોકો બેડરૂમમાં હતાં ત્યારે મારે અંકિત સાથે વાત થઈ ગઈ છે. " શાલ્વી બોલી.

" શાલ્વીબેન હવે તમે બોલો. તમને અભિષેક ક્યાંથી મળી ગયા ? તમે તો અમને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. " જમ્યા પછી બધાં સોફા ઉપર બેઠાં એટલે આરતીએ પૂછ્યું.

" હું અને અંકિત ઋષિકેશ ગયાં હતાં. અંકિત અને અભિષેકના ગુરુ એક જ છે એટલે અમે એમના આશ્રમમાં એમનાં દર્શન કરવા ગયાં હતાં. અંકિત જેવા જ દેખાતા અભિષેકને ત્યાં જોઈને મને અને અંકિતને બંનેને આશ્ચર્ય થયું. અમે એમને એમનો પરિચય પૂછ્યો તો એમણે કહ્યું કે એ સાડા સાત મહિનાથી અહીં શિબિરમાં છે અને એ દહીસરના છે. મેં વધારે પરિચય પૂછ્યો તો એમણે વીણામાસી અને અંજલીનું નામ દીધું." શાલ્વી બોલી રહી હતી.

" હું એકદમ ચમકી ગઈ અને મેં એમને કહ્યું કે અંજલીબેન પ્રેગનેન્ટ છે ! મેં એમને ઠપકો આપ્યો કે તમારી ફરજ છે કે તમારે આવા સમયે અંજલીની સાથે રહેવું જોઈએ. તમે સંસાર છોડી દીધો નથી. અમે ગુરુજીની રજા લઈને અભિષેકને શિબિરમાંથી મુક્ત કરી દીધા અને અહીં લઈ આવ્યાં. બસ અત્યારે અભિષેક તમારી સામે છે ! " શાલ્વીએ પોતાની વાત પૂરી કરી.

" ખૂબ ખૂબ આભાર શાલ્વીબેન. અમે તો પ્રેગ્નન્સીના સમાચાર એમની સાથે શિબિરમાં રહેતા પ્રશાંતભાઈને પણ કહ્યા હતા પણ કદાચ એમણે ભાઈ સાથે એ વાત નહીં કરી હોય." આરતી બોલી.

એ પછી બીજા અડધા કલાક સુધી વાતચીત ચાલી. રાતના બાર વાગવા આવ્યા. આખા દિવસનો ડ્રાઇવિંગનો થાક હતો એટલે અભિષેક અને શાલ્વીને બગાસાં આવવા લાગ્યાં.

"હવે તમે લોકો સૂઈ જાવ શાલ્વીબેન. અમે તમને બહુ ડિસ્ટર્બ નહીં કરીએ. તમારી સૂવાની વ્યવસ્થા અલગ બેડરૂમમાં કરેલી છે." આરતી બોલી.

અભિષેકનો વિશાળ ફ્લેટ ત્રણ બેડરૂમનો હતો એટલે ત્રીજા બેડરૂમમાં શાલ્વીની સૂવાની વ્યવસ્થા થઈ ગઈ હતી.

બધાં ઊભાં થઈ ગયાં. પાણી પીને શાલ્વી પોતાને આપેલા બેડરૂમમાં ગઈ અને અભિષેક અંજલી સાથે એના બેડરૂમમાં ગયો.

આખા દિવસનો ડ્રાઇવિંગનો થાક હતો અને મોડું પણ થઈ ગયું હતું એટલે અભિષેક અંજલીને થોડું વહાલ કરીને પાંચ જ મિનિટમાં ઊંઘી ગયો. અંજલીએ પણ પોતાના થાકેલા પતિને વધુ ડિસ્ટર્બ ના કર્યા.

અભિષેક આજે ચારના બદલે પાંચ વાગે જાગ્યો. ઊઠીને તરત જ બાથરૂમમાં જઈ બ્રશ વગેરે પતાવી એણે નાહી લીધું અને પોતાના પૂજા રૂમમાં જઈ આજે ગાયત્રીની ૧૧ માળા કરી. માળા પૂરી થઈ ત્યારે સાડા છ વાગ્યા હતા.

" બેટા આજે લાગે છે કે ઘરમાં રોશની પાછી આવી ગઈ છે." અભિષેક પૂજા રૂમમાંથી બહાર આવ્યો એટલે વીણામાસી બોલ્યાં. એ સવારે છ વાગે ઉઠી જતાં હતાં.

" હા માસી. ઘર એ ઘર. આખી જિંદગી આ જ ઘરમાં મોટો થયો છું એટલે અહીં જે શાંતિ મળે એવી શાંતિ બીજે ક્યાંય મળતી નથી. " અભિષેક બોલ્યો.

" એ તો છે જ. તને કદાચ ખબર નથી બેટા પણ અંકિત તારો સગો ભાઈ છે. અને એટલે શાલ્વી તારી સગી ભાભી થાય અને મારી પણ વહુ થાય ! અંકિત ૭ ૮ મહિનાનો હતો ત્યારે જૂહુ રહેતા શેઠે એને દત્તક લીધેલો. " વીણામાસી બોલ્યાં.

" રાત્રે અંજલીએ મને જોડિયા ભાઈ વિશે વાત કરી. આ વાત હમણાં સુધી કોઈએ મને કરી નથી. એ વાત તમારી સાચી છે કે અમારા બંનેના ચહેરા એકદમ સરખા છે. કોઈ જ ફરક નથી." અભિષેકને આ માહિતી પ્રશાંત તરફથી પણ મળી હતી છતાં અજાણ બન્યો.

" તારા એકલા માટે ચા મૂકી દઉં ? અંજલી અને આરતી ૭ વાગે ઊઠે છે. " માસી બોલ્યાં.

" તો પછી સાત વાગે જ બધાંની ચા મૂકી દો." અભિષેક બોલ્યો ત્યાં અંજલી પણ ઊઠીને બહાર આવી.

" અરે તમે તો નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયા ? " અંજલી બોલી.

" તને તો ખબર જ છે કે હું સવારે ચાર વાગે ઉઠી જાઉં છું. આજે તો એક કલાક મોડો ઉઠ્યો. નાહી ધોઈને ગાયત્રીની માળા પણ પૂરી કરી. " અભિષેક હસીને બોલ્યો.

" ચાલો તો પછી હું પણ બ્રશ કરી લઉં. " અંજલી બોલી અને ફરી પાછી પોતાના બેડરૂમમાં ગઈ.

અભિષેક પણ એની પાછળને પાછળ બેડરૂમમાં ગયો અને દરવાજો બંધ કરી અંજલીને પાછળથી બાથમાં લીધી. એના ચહેરા ઉપર બે ત્રણ કિસ કરી લીધી.

" અરે અરે અભિ ... અત્યારે આટલું બધું હેત કેમ ઉભરાઈ આવ્યું ! " અંજલી બોલી.

" તને મેં બહુ જ તડપાવી છે ડાર્લિંગ. લગ્ન પછી યુવાનીમાં જે સુખ મારે તને આપવાનું હોય એ હું આપી શક્યો નથી. હમણાં બીજું તો કંઈ થઈ શકશે નહીં પણ વહાલ તો કરી શકું ને ! " અભિષેક બોલ્યો અને અંજલીને છૂટી કરી.

અંજલીને અભિષેકના આ શબ્દો ઘણી પ્રસન્નતા આપી ગયા. એણે પણ સામે અભિષેકને એક ચુંબન કર્યું અને પછી બાથરૂમમાં ગઈ.

સાત વાગે શાલ્વી પણ જાગી ગઈ અને વોશરૂમમાં જઈ નાહી ધોઈને સાડા સાત વાગે બહાર ડ્રોઈંગ રૂમમાં આવી.

" શાલ્વી બેટા અંકિત પણ મારો સગો ભાણો છે. કોઈએ દત્તક લીધો એનાથી શું ફરક પડે ! લોહીનો જે સંબંધ છે એ તો રહેવાનો જ છે. એટલે જેમ અંજલી એમ તું પણ મારી ભાણેજ વહુ ! હું તારી સાસુના ઠેકાણે છું. " વીણા માસી બોલ્યાં.

" હા માસી. હવે આપણો આ નવો સંબંધ ચાલુ થયો અને એ હું નિભાવીશ. " કહીને શાલ્વીએ નીચે નમીને માસીના ચરણ સ્પર્શ કર્યા.

" અખંડ સૌભાગ્યવતી ભવ બેટા. " માસીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

માસીએ આશીર્વાદ તો આપી દીધા પરંતુ એક વર સન્યાસી બની ગયો છે અને બીજો વર પરાયો થઈ ગયો છે. આ આશીર્વાદ મારે કોના માટે વિચારવાના !!

" જો તારે ઘરે જવાની ઉતાવળ કરવાની જરૂર નથી. અત્યારે માસીજી ના ઘરે જમીને જ જવાનું છે. પહેલી વાર તું મારા ઘરે આવી છે અને આપણો નવો સંબંધ પણ થયો છે. કેમ બોલતો નથી અભિષેક ? " વીણા માસી બોલ્યાં.

" માસીની વાત તો સાચી છે શાલ્વી. આ નવા સંબંધનું નિમંત્રણ સ્વીકારવું જ પડશે. આપણે જમ્યા પછી તારા ઘરે જવા નીકળીશું." અભિષેક હસીને બોલ્યો.

શાલ્વીએ પછી કોઈ દલીલ ના કરી. એને પણ અભિષેકનું આ ઘર બહુ જ ગમી ગયું હતું. પણ આ ઘરમાં એનો અંકિત અભિષેક હતો !

માસીએ રસોઈની બધી તૈયારી શરૂ કરી દીધી. માર્ચ મહિનામાં હાફૂસ કેરીનો રસ મુંબઈમાં શરૂ થઈ ગયો હતો એટલે રસ, પૂરી, કાજુ કારેલાનું શાક, વાલની લચકો દાળ, ખમણ, કઢી અને ભાત બનાવવાનું મેનુ નક્કી કર્યું.

હાફૂસ કેરી અને ખમણ બહારથી લાવવાનાં હતાં અને એ કામ અભિષેકે સ્વીકાર્યું.

સવારે સાડા દસ વાગે એ બજારમાં જવા નીચે ઉતર્યો ત્યારે એ પોતાનો નવો મોબાઈલ અને આધાર કાર્ડ સાથે લઈને નીકળ્યો અને સહુથી પહેલાં નજીકમાં જ આવેલી એરટેલની ઓફિસમાં ગયો અને પોતાનો જૂનો નંબર ચાલુ કરાવી એ નંબરનું નવું સીમકાર્ડ લઈ લીધું અને પોતાના મોબાઈલમાં ભરાવી દીધું. એક કલાક પછી એનો નંબર ચાલુ થઈ જવાનો હતો.

એ પછી એણે રીક્ષા કરી અને ઠાકુર મૉલ પહોંચ્યો. ત્યાં એણે પાર્ક કરેલી પોતાની ક્રેટા ગાડી લઈ લીધી અને ત્યાંથી ફ્રૂટ માર્કેટ ગયો. હાફૂસ કેરીનું બોક્સ ખરીદીને ઘરે પાછા વળતાં રસ્તામાંથી એક કિલો ખમણ પણ લઈ લીધાં.

હાફૂસ આવી ગઈ એટલે શાલ્વી કામે લાગી ગઈ. કેરી છોલીને મિક્સરમાં રસ પણ એણે જ કાઢ્યો.

" શાલ્વી મારે પ્રશાંત સર સાથે વાત કરવી છે. જરા એમનો નંબર જોડીને મને આપ." અભિષેક બોલ્યો. એ વખતે અંજલી બેડરૂમમાં આરામ કરતી હતી.

શાલ્વીએ નંબર જોડી આપ્યો એટલે અભિષેકે સોફા ઉપર બેસીને પ્રશાંત સાથે વાત ચાલુ કરી.

" પ્રશાંત સર અભિષેક બોલું. ગઈકાલે રાત્રે તો બહુ મોડું થઈ ગયું હતું એટલે હું શાલ્વીને લઈને દહીસર મારા ઘરે જ આવ્યો છું. રાત અહીં જ રોકાયો હતો. અંજલી ખૂબ જ ખુશ થઈ ગઈ છે અને એનો બધો યશ તમને જાય છે. હવે મારે તમારી બીજી એક ફેવર જોઈએ છે. " અભિષેક બોલ્યો.

" હા હા બોલો. કોઈપણ મદદ કરવા હું તૈયાર જ છું. " પ્રશાંત બોલ્યો.

" અમે લોકો અહીંથી લગભગ એક વાગ્યા પછી નીકળીશું એટલે બે વાગ્યા આસપાસ જૂહુ પહોંચવાની શક્યતા છે. મારી ઈચ્છા છે કે તમે પણ અમારી સાથે આવો. તમે બે વાગ્યાની આસપાસ ગુલમહોર રોડ ઉપર આવી જાઓ." અભિષેક બોલી રહ્યો હતો.

" તમને લઈ જવાનું કારણ એક જ છે કે શાલ્વી જ્યારે પેલા લેટરની અને ડિવોર્સ પેપર્સની માગણી કરે ત્યારે અમને આ બધી ખબર કેવી રીતે પડી એ મુખ્ય સવાલ ઊભો થશે. અને ત્યારે સાચી વાત કરવી જ પડશે. તમે સાથે હશો તો તમે ગંગોત્રી જઈને અંકિતને મળી આવ્યા એ વાત કરી શકશો. સાચી વાત કર્યા વગર વલ્લભદાસને સકંજામાં લઈ શકાશે નહીં." અભિષેક બોલ્યો.

" હું ચોક્કસ આવીશ. બધું રહસ્ય ખુલ્યા પછી મારે પણ એમનો ચહેરો જોવો છે. હું લગભગ પોણા બે વાગે ગુલમહોર રોડ ઉપર ધ બાર સ્ટોક એક્સચેન્જ રેસ્ટોરન્ટ પહોંચી જઈશ. તમે ત્યાંથી નીકળો એટલે મને ફોન કરી દેજો. " પ્રશાંત બોલ્યો.

" ઠીક છે." અભિષેક બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

પ્રશાંત સાથે વાત પતી ગઈ એટલે અભિષેકે શાલ્વીને ફોન પાછો આપ્યો.

બપોરે બાર વાગ્યા આસપાસ રસોઈ થઈ ગઈ એટલે બધા જમવા બેસી ગયા.

" આજે રસોઈ એટલી બધી સરસ થઈ છે માસી કે વખાણ કરવા મારી પાસે કોઈ શબ્દો નથી. એક તો આજે સીઝનનો પહેલો રસ અને સાથે કાજુ કારેલાંનું શાક ! " જમતાં જમતાં શાલ્વી બોલી.

" તો પછી બે ચાર દિવસ અહીં જ રોકાઈ જા ને બેટા ! અંકિતને ફોન કરી દેવાનો. એ ના નહી પાડે. અંજલીને પણ કંપની મળશે." માસી બોલ્યાં.

શાલ્વીને કહેવાનું મન તો થયું કે મારી ઈચ્છા તો અહીં કાયમ માટે રોકાઈ જવાની જ છે પણ એ બોલી શકી નહીં.

" ના માસી હું આવતી જતી રહીશ. આજે તો મારે જવું પડશે. જૂહુમાં મમ્મી પપ્પા પણ ગઈકાલે મારી રાહ જોતા હતા પણ મેં રાત્રે ફોન કરી દીધો હતો." શાલ્વીએ વાર્તા કરી.

" ચાલો હવે આપણે નીકળીએ. " બપોરે એક વાગે અભિષેક શાલ્વી સામે જોઈને બોલ્યો.

" હા ચાલો. હું તો રેડી જ છું." શાલ્વી ઊભી થઈ.

" અંજલીબેન તમારી તબિયત સંભાળજો અને હવે તો હું આવતી જતી રહીશ. " શાલ્વી અંજલીને હળવેથી ભેટીને બોલી.

શાલ્વી પોતાની ટ્રાવેલ બેગ લઈને ઘરની બહાર નીકળી અને લિફ્ટ પાસે આવી. એની પાછળ અભિષેક પણ બહાર નીકળ્યો.

બરાબર એ જ વખતે પ્રશાંત વૈદ્ય પણ જૂહુ જવા માટે પોતાની ગાડી લઈને ભાંડુપથી નીકળ્યો.

"પપ્પા અમે એકાદ કલાકમાં જ ઘરે પહોંચીએ છીએ. તમે પણ જલ્દી ઘરે પહોંચી જાઓ. " શાલ્વીએ જ એના સસરાને ફોન કર્યો. વલ્લભદાસ કંઈ જવાબ આપે એ પહેલાં એણે ફોન કટ કરી દીધો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."