અભિષેક (Abhishek Novel Part-68)

Related

અભિષેક પ્રકરણ 68

શાલ્વીને જૂહુ મૂકી આવવા માટે અને ખાસ તો વલ્લભદાસ શેઠને પાઠ ભણાવવા અભિષેક પણ શાલ્વી સાથે નીચે ઉતર્યો અને પાર્ક કરેલી પોતાની ક્રેટા ગાડી પાસે આવ્યો.

"અરે તમારી ગાડી અહીંયા ક્યાંથી ? આપણે તો બંને ગાડીઓ ઠાકુર મૉલ પાર્ક કરી હતી." નીચે પાર્કિંગ પ્લોટમાં પહોંચ્યા પછી શાલ્વી બોલી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" અરે હું સવારે માર્કેટ ગયો ત્યારે લેતો આવ્યો હતો. ગાડી છે પછી ઠાકુર મૉલ સુધી રીક્ષામાં શા માટે જવું ! અને તને પાછું બોરીવલી મૂકવા પણ આવવું પડશે ને ! અને સાંભળ મેં પ્રશાંત સર જોડે વાત કરી લીધી છે અને એ પણ જૂહુ આવી રહ્યા છે. ગંગોત્રી જઈને અંકિતને એ મળ્યા છે એટલે એમને સાથે રાખવા જરૂરી છે." અભિષેક બોલ્યો અને એણે ગાડી સ્ટાર્ટ કરીને ઠાકુર મૉલ તરફ લીધી.

ઠાકુર મૉલ પહોંચ્યા પછી અભિષેકે ગાડી રોડ ઉપર સાઈડમાં ઉભી રાખી અને પોતાનો નવો મોબાઈલ સ્વીચ ઑન કર્યો તો એનો નંબર ચાલુ થઈ ગયો હતો.

" શાલ્વી તારો મોબાઈલ નંબર એક વાર બોલી જા એટલે હું સેવ કરીને તને મિસ કોલ આપું. આપણે બંનેએ એકબીજાના નંબર સેવ કરી લેવા પડશે. અને પ્રશાંત સરનો નંબર પણ તું મને આપ એટલે મારા મોબાઈલમાં સેવ કરી દઉં." અભિષેક બોલ્યો.

અને શાલ્વી પાસેથી એનો નંબર લઈને બાજુમાં જ બેઠેલી શાલ્વીને પોતાના મોબાઈલમાંથી મિસ કોલ કર્યો. એ પછી શાલ્વીએ અને અભિષેકે અરસપરસ એકબીજાના નંબર સેવ કરી લીધા.

" અભિષેક... અંકિતનો મોબાઇલ મારી પાસે છે. તમારી યાદદાસ્ત પાછી આવી એટલે એ મોબાઇલ મેં લઈ લીધો હતો અને મારી બેગમાં મૂકેલો છે. તમારે જોઈતો હોય તો એ પણ તમને આપી દઉં. " શાલ્વી બોલી.

" ના શાલ્વી. અંકિતના મોબાઈલને મારે શું કરવાનો ? એ તારી પાસે જ ભલે રહેતો. " અભિષેક બોલ્યો.

શાલ્વીને કહેવાનું મન થઈ ગયું કે તમે જ્યારે અંકિત હતા ત્યારે તમે એ મોબાઇલમાં મારા ઘણા ફોટા પાડેલા છે અને કેટલાક ફોટા તો અંગત પળોના પણ છે. પણ હવે તમે જ્યારે કાયમ માટે અંજલીના બની ગયા છો ત્યારે આપણી એ મધુરી યાદોનું તમારે મન હવે શું મહત્ત્વ હોય અભિષેક !!

અને શાલ્વીને તરત જ એક જૂના લોકપ્રિય ગીતના શબ્દો યાદ આવી ગયા ....

મુબારકે તુમ્હેં કી તુમ કિસી કે નૂર હો ગયે
કિસીકે ઇતને પાસ હો કી સબસે દૂર હો ગયે
અજીબ દાસ્તાં હૈ યે ..

પોતાની જિંદગીમાં પણ આવું જ થયું છે ને ! અભિષેક આટલા નજીક બેઠા છે છતાં હવે મારાથી કેટલા દૂર છે !!

" અભિષેક ઘરે જઈને આપણે રાજકોટ ગયાં હતાં એમ જ કહેવાનું છે ને ?" શાલ્વી ગાડીમાંથી નીચે ઉતરતાં બોલી.

" હા રાજકોટની જ વાત કરવાની છે. સત્યને પકડીને જ ચાલવાનું છે અને તારે પણ બધી મર્યાદા ભૂલી મનમાં ભરેલો ગુસ્સો ઠાલવવાનો છે. વધારે અન્યાય તો તારી સાથે થયો છે શાલ્વી. જાણી જોઈને તારી સાથે મને સૂવાડીને એમણે ગંદી રમત રમી છે." અભિષેક ગુસ્સાથી બોલ્યો.

" હા..." શાલ્વી બોલી અને ક્રેટા ગાડીમાંથી નીચે ઉતરીને પોતાની મર્સિડીઝમાં બેઠી. બંને ગાડીઓ જૂહુ સ્કીમ તરફ જવા રવાના થઈ.

શાલ્વીના મનમાં પપ્પા પ્રત્યે ગુસ્સો તો ઘણો હતો પણ સાથે સાથે અભિષેક એનાથી દૂર થઈ રહ્યો હતો એના કારણે અપસેટ પણ થઈ ગઈ હતી. શાલુમાંથી એ હવે શાલ્વી બની ગઈ હતી !!

બંને ગાડીઓ ગુલમહોર રોડ ઉપર ધ બાર સ્ટોક એક્સચેન્જ રેસ્ટોરન્ટ પાસે પહોંચી એટલે અભિષેકે આગળ જઈ રહેલી શાલ્વીને ફોન કરીને ગાડી સાઈડમાં ઉભી રાખવા કહ્યું અને એણે પણ પોતાની ગાડી સાઈડમાં ઉભી રાખી. એણે પ્રશાંત સરને ફોન કર્યો.

"સર અભિષેક બોલું . અમે ગુલમહોર રોડ ઉપર તમારા લોકેશન નજીક પહોંચી ગયાં છીએ. અને આ મારો ઓરીજનલ નંબર છે. તમે સેવ કરી લેજો. " અભિષેક બોલ્યો.

પાંચેક મિનિટમાં પ્રશાંત વૈદ્યની ગાડી આવી ગઈ. એણે વિન્ડો ખોલીને અભિષેક લોકોને આગળ રહેવા માટે ઈશારો કર્યો.

શાલ્વીએ પોતાની ગાડી ફરી સ્ટાર્ટ કરી અને દસમા રસ્તા તરફ આગળ વધી . અભિષેક અને પ્રશાંતે પણ એની ગાડીને ફોલો કરી. જૂહુના લક્ષ્મી વિલા એપાર્ટમેન્ટ પાસે પહોંચીને શાલ્વીએ પોતાની ગાડીને પાર્કિંગ પ્લોટમાં લીધી. અભિષેકે ક્રેટાને બહાર જ ઉભી રાખી. એ સમયે બપોરના અઢી વાગ્યા હતા.

પાછળ આવતા પ્રશાંતે પણ પોતાની ગાડી ક્રેટાની પાછળ ઊભી રાખી. અભિષેક અને શાલ્વી પ્રશાંત પાસે ગયાં.

" આ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે મારો ફ્લેટ છે. તમે પણ અમારી સાથે આવો છો ને સર ? " શાલ્વી બોલી.

" ના. અત્યારે તમે બંને ઉપર જાઓ. વાતચીત ચાલુ કરો. મારી જરૂર પડે તો મને તરત જ એક મિસ કૉલ આપજો. હું તરત જ ઉપર આવી જઈશ. અને અભિષેક આ તમારો મોબાઈલ પણ લેતા જાઓ. એ મારી પાસે જ પડેલો હતો. એ તૂટી ગયો ન હતો. " પ્રશાંત હસીને બોલ્યો અને અભિષેકને એનો જૂનો મોબાઇલ આપી દીધો.

અભિષેકે આશ્ચર્યથી મોબાઈલ પોતાના હાથમાં લીધો. એ પછી શાલ્વી સાથે એ ત્રીજા માળે પહોંચી ગયો. શાલ્વીએ પોતાના ફ્લેટની ડોરબેલ વગાડી.

દરવાજો વલ્લભદાસ શેઠે જ ખોલ્યો. એમણે ઉમળકાથી પુત્ર અને પુત્રવધુનું સ્વાગત કર્યું.

" વેલકમ ટુ હોમ ! કેવી રહી તમારી માઉન્ટ આબુની ટ્રીપ ? તમે લોકો તો બહુ જલ્દી પાછાં આવી ગયાં. પાંચ છ દિવસ તો રોકાવું જોઈએ ને ! " શેઠ બોલ્યા.

" અમારી ટ્રીપ બહુ જ યાદગાર રહી. ત્યાં બે દિવસમાં તો ઘણું બધું જોઈ લીધું. અમારા બંનેની તો આખી લાઈફ જ બદલાઈ ગઈ " અભિષેક બોલ્યો અને બંને ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેઠાં. શેઠ અને શેઠાણી પણ સામેના સોફા ઉપર બેઠાં.

" મેં તમને કહ્યું હતું ને કે માઉન્ટ આબુ એક સરસ જગ્યા છે ! તમારે ત્યાં વધારે રોકાવાની જરૂર હતી. અને તમે લોકોએ આજે જમવાનું શું કર્યું ? " શેઠ બોલ્યા.

" અમે લોકો ડૉ. અભિષેકના ઘરે જમીને જ આવ્યાં પપ્પા." શાલ્વીએ આંચકો આપવાની શરૂઆત કરી.

" આ ડૉ. અભિષેક વળી કોણ ? " શેઠ અભિષેકનું નામ સાંભળીને અંદરથી ચમકી ગયા છતાં સાવ અજાણ બનીને એમણે પૂછ્યું.

" રાજકોટવાળા ડૉ. અભિષેક. જેમને તમે દ્વારકામાં જોયા હતા એ." શાલ્વી બોલી.

" તું શું બોલે છે એ કંઈ સમજાતું નથી બેટા. તમે લોકો સીધા માઉન્ટ આબુથી આવો છો તો વચ્ચે આ અભિષેકનું ઘર ક્યાંથી આવી ગયું ? " શેઠ વલ્લભદાસ અકળાઈને બોલ્યા.

" તમે તો મારા ભાઈ અભિષેકને બહુ સારી રીતે ઓળખો છો. તમે કેમ આટલા અજાણ બનો છો ? " હવે અભિષેક બોલ્યો.

" તમારા લોકોની વાત મને કંઈ સમજાતી નથી. માઉન્ટ આબુની વાત કરવાને બદલે તમે લોકો રાજકોટ અને દ્વારકાની વાત વચ્ચે કેમ લાવો છો ? અને આ અભિષેકને તો હું ઓળખતો જ નથી. " શેઠ બોલ્યા તો ખરા પણ અંદરથી એ હચમચી ગયા હતા.

" આટલા બધા અજાણ ના બનો અંકલ. હું જ અભિષેક છું. તમારી બધી રમત ખુલ્લી પડી ગઈ છે. અમે લોકો રાજકોટ જ ગયાં હતાં. અને ત્યાં ગયા પછી મારી બધી જ મેમરી પાછી આવી ગઈ છે. અંકિત સંસાર છોડીને સંન્યાસી બની ગયો છે એ વાત પણ હવે હું જાણું છું અને તમે મને મારી સગી ભાભી સાથે આઠ મહિના સુધી સૂવાડીને ભયંકર પાપ કર્યું છે. તમને જરા પણ શરમ ના આવી ? " અભિષેક બોલ્યો અને એણે તરત જ પ્રશાંતને મિસ કોલ માર્યો.

" તમે તો મારી જિંદગી સાથે રમત રમ્યા છો પપ્પા. શરમ આવે છે મને તમને પપ્પા કહેતાં ! તમે તો બધી હદ વટાવી દીધી છે. આજે મારા પપ્પાને જઈને બધી જ વાત કરવાની છું. કોઈ પણ વ્યક્તિ પોતાની પુત્રવધુ સાથે આવી ગંદી રમત રમે ? " શાલ્વી આક્રોશથી બોલી રહી હતી.

" અંકિતે મારા માટે એક પત્ર લખીને તમને આપ્યો હતો. તમે એ પત્ર પણ મારાથી છૂપાવી રાખ્યો. એ ડિવોર્સ પેપર ઉપર સહી કરીને ગયા છે. એની પણ કોઈ વાત તમે મને નથી કરી. તમને મારે શું કહેવું એ જ સમજાતું નથી !! ડિસ્ગસ્ટીંગ !! " શાલ્વી ગુસ્સાથી ધ્રુજી રહી હતી.

અભિષેક અને શાલ્વીના ગુસ્સા ભર્યા શબ્દો સાંભળીને વલ્લભદાસ શેઠ આખેઆખા હચમચી ગયા. કાપો તો લોહી પણ ના નીકળે એવી એમની હાલત હતી. એમનું મગજ ચકરાઈ ગયું હતું. એમને તો એ જ સમજાતું ન હતું કે આ લોકોને અંકિત વિશે ખબર કેવી રીતે પડી !!

વલ્લભદાસ શેઠે ઘોર પાપ તો કર્યું જ હતું પણ એ પાપ છાપરે ચડીને પોકારશે એવી તો એમને કલ્પના પણ ન હતી ! પોતાની જ પુત્રવધુ આ રીતે પોતાની સામે મોરચો માંડશે એવું તો એમણે ક્યારેય પણ વિચાર્યું ન હતું. હવે આ બંને ભેગાં થઈને પોતાના વેવાઈને સાચી વાત કરી દેશે તો પોતાની આબરૂ ઉપર કાળો ડાઘ લાગી જશે એ વિચાર માત્રથી શેઠ ધ્રુજી ઉઠ્યા.

" બેટા મારી વાત તો સાંભળ.... " શેઠ બોલવા ગયા ત્યાં જ ડોરબેલ વાગ્યો.

અભિષેકે જ દરવાજો ખોલ્યો અને પ્રશાંતનું હસીને સ્વાગત કર્યું. પ્રશાંતને અત્યારે પોતાના ઘરે જોઈને શેઠ ચમક્યા. એમને ખ્યાલ આવી ગયો કે પ્રશાંતે જ આ બધી સાચી માહિતી શાલ્વીને આપી લાગે છે. પણ પ્રશાંતને આ માહિતી કેવી રીતે મળી હશે !!

" તમે સાથે આવ્યા છો મતલબ કે તમે જ મારા દીકરા વહુને ભડકાવ્યાં લાગે છે !" વલ્લભદાસ પ્રશાંત સામે જોઈને ગુસ્સાથી બોલ્યા.

" પોતાના જીવનનું સત્ય જાણીને કોઈ ભડકી જાય એ વાત તો મેં આજે તમારી પાસેથી સાંભળી શેઠ. " પ્રશાંત બોલ્યો.

" પ્રશાંત સરે અમને ભડકાવ્યાં નથી અંકલ. એમણે તો પૂણ્યનું કામ કર્યું છે. અમને બંનેને પાપમાંથી બચાવ્યાં છે. તમે તો જાણતા જ હતા કે અંકિત મારો સગો ભાઈ છે છતાં સગી ભાભી સાથે તમે મને સૂવડાવ્યો છે ! મારા વિયોગમાં ઝૂરી રહેલી મારી પ્રેગનેન્ટ પત્નીના નિઃસાસા તમે લીધા છે. આવું અધમ કૃત્ય કરીને કયા ભવમાં છૂટશો તમે ? " અભિષેક આક્રોશથી બોલ્યો.

" શેઠ સત્યને છૂપાવી શકાતું નથી. મેં બે થી ત્રણ વાર તમને એકના એક સવાલો પૂછેલા છે પરંતુ દર વખતે તમે ખોટા જવાબો જ મને આપેલા છે. અંકિત શાલ્વીને એના પિયર મૂકી આવ્યો હતો અને તમને કહીને જ ગૃહત્યાગ કર્યો હતો છતાં હકીકત છૂપાવીને ગુમ થવાની સ્ટોરી બનાવી. તમે શાલ્વીની જિંદગી સાથે પણ રમત રમી છે. " પ્રશાંત બોલ્યો.

" તમારી આ રમત પ્રશાંત સર જાણી ગયા હતા. એમને ખબર પડી ગઈ હતી કે હું અંકિત નથી પણ અભિષેક છું અને મારી પ્રેગ્નેન્ટ પત્ની અંજલી મારી કાગડોળે રાહ જોઈ રહી છે. એમણે એ પણ જાણી લીધું હતું કે મારી યાદદાસ્ત જતી રહી એનો તમે ગેરલાભ લીધો છે અને તમે મારી સગી ભાભી સાથે મારો સંસાર ચાલુ કર્યો છે. શાલ્વી અને અંજલીના ભવિષ્ય માટે થઈને એ પોતે ગંગોત્રી ગયા હતા અને અંકિતને મળ્યા હતા. એમણે જ્યારે બધી વાત શાલ્વીને કરી ત્યારે તમારી રમત ખુલ્લી થઈ ગઈ." અભિષેક ગુસ્સાથી બોલ્યો.

વલ્લભદાસને લાગ્યું કે બધાની સામે પોતે ખુલ્લા પડી ગયા છે અને હવે પોતાની કોઈપણ વાત કોઈ માનવા તૈયાર નહીં થાય એટલે પછી એમણે હાર્ટ એટેકનું નાટક ચાલુ કર્યું. સોફા ઉપર ઢળી પડ્યા અને એક હાથ છાતી ઉપર દબાવી દીધો. ભયંકર દુખાવો થતો હોય એવું એમણે નાટક ચાલુ કરી દીધું.

" મને છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો " શેઠ ધીમે રહીને બોલ્યા.

શાલ્વી બિચારી થોડી ગભરાઈ ગઈ પરંતુ અભિષેક પોતે ડોક્ટર હતો. એને ખ્યાલ આવી ગયો કે શેઠને કોઈ હાર્ટ એટેક આવ્યો નથી. શેઠના ચહેરા ઉપર ક્યાંય પણ પરસેવો ન હતો. એમને ડાબા ખભે અને પીઠમાં પણ કોઈ દુખાવો થતો ન હતો. એણે તરત જ શેઠનો હાથ પકડી પલ્સ તપાસી. પલ્સ એકદમ નોર્મલ હતી.

" અંકલ પ્લીઝ હવે આ નાટક બંધ કરો. તમને કોઈ એટેક આવ્યો નથી. હું તમારું બીપી પણ ચેક કરી લઉં છું. બધી ખબર હમણાં પડી જશે. " અભિષેક બોલ્યો.

" શાલ્વી નીચે જઈને મારી ગાડીમાંથી બીપી ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવ. " અભિષેક શાલ્વી સામે જોઈને બોલ્યો અને ગાડીની ચાવી આપી.

" રહેવા દે શાલ્વી... તમને લોકોને હવે મારી દયા નથી. તમે હવે શું કરવા માંગો છો એ બોલો ને ! " શેઠે પોતાનાં હથિયાર હેઠાં મૂકી દીધાં અને સીધા બેસીને છાતી ઉપરથી હાથ લઈ લીધો.

" તમારી ઉપર શાલ્વી આજે પોલીસ કેસ કરશે અને હું તમારો આખો કેસ ન્યૂઝ પેપરમાં છપાવીશ. છાપાના તંત્રીઓ પ્રાયોરિટી ઉપર અમારી મેટર લઈ લે. " પ્રશાંત કરડાકીથી બોલ્યો.

" આવી બધી વાતો ઘર મેળે જ પતાવવાની હોય પ્રશાંતભાઈ. છાપામાં આપીને મને મરવા માટે મજબુર ના કરશો. તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું. હું પણ એક બાપ છું. એક દીકરો તો સન્યાસી થઈ ગયો. એનો જ જોડિયો ભાઈ અભિષેક અચાનક મળી આવ્યો અને એની યાદદાસ્ત જતી રહી હતી એટલે મેં આ પગલું ભર્યું. એ વખતે સારા ખોટાનો વિચાર મને ન આવ્યો. " વલ્લભદાસ બોલી રહ્યા હતા.

" અંકિતનો અને અભિષેકનો ચહેરો એક જ હતો એટલે કોઈને કંઈ ખબર નહીં પડે એમ વિચારી એને અંકિત બનાવી દીધો અને શાલ્વીને પણ સાચી વાત ના કરી. મારો વંશ આગળ ચાલે એ સ્વાર્થ મારા મનમાં હતો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે એ હું કબુલ કરું છું. શાલ્વી બેટા તારા બધા પેપર્સ અને લેટર તને પાછા આપી દઉં છું. મને માફ કરી દે બેટા." કહીને વલ્લભદાસે શાલ્વી સામે બે હાથ જોડ્યા.

" હા શાલ્વી બેટા. તારા પપ્પાને માફ કરી દે. " હવે કામિનીબેને પણ બે હાથ જોડીને કહ્યું.

શાલ્વી ગમે તેમ તોયે એક સ્ત્રી હતી અને એ પણ પાછી કોમળ હૃદયની હતી. પોતાના સસરા આંખમાં આંસુઓ સાથે બે હાથ જોડી માફી માગી રહ્યા હતા. લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારથી શરૂ કરીને આજ સુધી એમણે શાલ્વીને ખૂબ જ પ્રેમ આપ્યો હતો અને એની દરેક ઈચ્છા પૂરી કરી હતી. એમણે પોતાનો વંશ રાખવાના મોહમાં અંધ બનીને આ દુષ્કૃત્ય કર્યું હતું પણ એ સિવાય એમની સામે શાલ્વીને બીજી કોઈ જ ફરિયાદ ન હતી.

શાલ્વીનો બધો ગુસ્સો ઓગળી ગયો. એણે વલ્લભદાસના હાથ જોડેલા બંને હાથ પકડી લીધા.

" તમારાથી મને હાથ ન જોડાય પપ્પા. તમે અંકિતના પિતા છો એટલે મારા પણ પિતા સમાન છો. તમે મારી સાથે ગમે તે કર્યું પરંતુ હું મારા પિતાની એક સંસ્કારી દીકરી છું. હવે હું આ ઘર છોડી જ રહી છું ત્યારે તમને પણ માફ કરી દઉં છું. તમારી બદનામી થાય એમાં મને કે પ્રશાંત અંકલને કોઈ રસ નથી. " શાલ્વી બોલી.

" મને તારા માટે ગર્વ છે બેટા. માફીને તો હું લાયક નથી છતાં પણ તારી સાથે મેં જે પણ કર્યું છે એ પાપ માટે ફરી ફરી માફી માગું છું. પ્રશાંતભાઈ તમારી આગળ હું ખોટું બોલ્યો એના માટે તમારી પણ હું માફી માગું છું ." વલ્લભદાસે પ્રશાંત સામે પણ હાથ જોડ્યા.

" વડીલ કર્મ તો કોઈને છોડતું જ નથી. અમે તો તમને કોઈ સજા કરવાના નથી પણ આ અધમ કૃત્ય માટે ઈશ્વર તમને માફ નહીં કરે. અને હજુ તમારે તમારા વેવાઈ જૈમિન શાહનો સામનો કરવાનો છે. એમની એકની એક દીકરી સાથે આ વ્યભિચાર થયો છે. એ તમને કેવી રીતે માફ કરશે ? અભિષેક અને શાલ્વી ડિવોર્સ પેપર્સ લઈને એમના ઘરે જ જવાનાં છે અને બધી સાચી વાત કરવાનાં છે. " પ્રશાંત બોલ્યો.

વલ્લભદાસ ફરી પાછા ટેન્શનમાં આવી ગયા. એમણે તો એવું વિચાર્યું પણ ન હતું કે એક દિવસ પોતાનું આ પાપ જાહેર થશે અને આ રીતે વેવાઈનો સામનો કરવો પડશે !

" બેટા અભિષેક, તું ભલે મારો દીકરો નથી પરંતુ અંકિત તરીકે મારા ઘરે આઠ મહિના રહ્યો છે. મેં તને સગા બાપનો પ્રેમ આપ્યો છે. તું કોઈ વચલો રસ્તો કાઢ. હું જૈમિનભાઇનો સામનો નહીં કરી શકું. તમે બંને બોરીવલી જવાની ઉતાવળ ના કરો. જોઈએ તો અહીં બીજા ત્રણ ચાર દિવસ રોકાઈ જાઓ અને સાથે બેસીને કોઈ માર્ગ કાઢો. " વલ્લભદાસ બોલી રહ્યા હતા.

" પ્રશાંતભાઈ તમે પણ વિચારો. આ સાચી વાત વેવાઈ સુધી પહોંચવી ન જોઈએ નહીં તો મારી આબરૂના ધજાગરા થશે. એમનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો છે એ પણ મને ખબર છે. " વલ્લભદાસ બોલ્યા. એ ખૂબ જ ગભરાઈ ગયા હતા.

" વડીલ રસ્તા તો બે ત્રણ છે અને દરેક માર્ગમાં થોડું થોડું જોખમ છે. છતાં બધાંને મંજૂર હોય એવો કોઈ એક માર્ગ અપનાવવાથી કમ સે કમ જૈમિનભાઈ સાથેના તમારા સંબંધો બગડશે નહીં અને તમારી આબરૂ પણ બચી જશે ! " પ્રશાંત બોલ્યો. એનું મગજ બહુ તેજ ગતિથી કામ કરી રહ્યું હતું.

" પ્લીઝ જલ્દી એ માર્ગ બતાવો. તમે કહો એ કરવા હું તૈયાર છું ! " શેઠ અધિરાઈથી બોલ્યા.

" તમારે કંઈ જ કરવાનું નથી શેઠ. જે પણ કરવાનું છે એ અભિષેક અને શાલ્વીએ કરવાનું છે !! " પ્રશાંત બોલ્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."