અભિષેક પ્રકરણ 69
શાલ્વી અને અભિષેક પ્રશાંત સરને સાથે લઈને જૂહુમાં શેઠ વલ્લભદાસને મળવા આવ્યાં હતાં. વલ્લભદાસ સામે અભિષેક અને શાલ્વીએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો અને પ્રશાંતે આ આખો કેસ ન્યૂઝ પેપરમાં છાપવાની પણ વાત કરી હતી.અભિષેક નવલકથા
વલ્લભદાસ ખૂબ જ ગભરાઈ ગયા હતા. ખાસ કરીને જ્યારે એમણે જાણ્યું કે અભિષેક અને શાલ્વી બોરીવલી પોતાના વેવાઈ જૈમિન શાહ ના ઘરે જવાનાં છે અને બધી સાચી વાત કહી દેવાનાં છે ત્યારે એ ભયંકર ટેન્શનમાં આવી ગયા.
એમણે જૈમિનભાઈને સાચી વાતની ખબર ના પડે એના માટે કોઈ વચલો રસ્તો કાઢવાની ત્રણેને બે હાથ જોડી વિનંતી કરી.
" વડીલ રસ્તા તો બે ત્રણ છે છતાં બધાંને મંજૂર હોય એવો કોઈ એક વિકલ્પ અપનાવવાથી કમ સે કમ જૈમિનભાઈ સાથેના તમારા સંબંધો બગડશે નહીં અને તમારી આબરૂ પણ બચી જશે ! " પ્રશાંત બોલ્યો.
" પ્લીઝ જલ્દી એ માર્ગ બતાવો. તમે કહો એ કરવા હું તૈયાર છું ! " શેઠ અધિરાઈથી બોલ્યા.
" તમારે કંઈ જ કરવાનું નથી શેઠ. જે પણ કરવાનું છે એ અભિષેક અને શાલ્વીએ કરવાનું છે !! " પ્રશાંત બોલ્યો.
" હા બોલો પ્રશાંત સર. અમારે શું કરવાનું છે ? " શાલ્વી બોલી.
" પહેલો વિકલ્પ એ છે કે જ્યાં સુધી શેઠ વલ્લભદાસ હયાત છે ત્યાં સુધી જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. શાલ્વી પહેલાંની જેમ અહીં એકલી જ રહે. જ્યારે પણ એમને બોરીવલી પપ્પાના ઘરે જવાનું હોય ત્યારે અભિષેકને બોરીવલી બોલાવી દે. અને બંને સાથે જ એમના ઘરમાં પ્રવેશ કરે. " પ્રશાંત બોલી રહ્યો હતો.
" જે બે ત્રણ દિવસ શાલ્વી એના પપ્પાના ઘરે બોરીવલી રહે એટલા દિવસ અભિષેકે પણ પોતાનું બધું કામ છોડી શાલ્વી સાથે રહેવું પડે. આ વિકલ્પમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે કે જૈમિન શાહ કદી પણ અભિષેકને અંજલી સાથે ના જોઈ જાય." પ્રશાંત બોલ્યો.
" મને અને અંજલીને સાથે જોઈ જાય એવી શક્યતા તો બહુ ઓછી એટલા માટે છે કે હું હવે જલ્દીથી વિલે પાર્લે મારા નવા ફ્લેટમાં શિફ્ટ થઈ જવાનો છું અને આ ફ્લેટ માસીને રહેવા માટે આપી દેવાનો છું. હવે અમારા માટે બીજો વિકલ્પ ? " અભિષેક બોલ્યો.
" બીજો વિકલ્પ મને વધારે સારો લાગે છે. એના માટે તમારે બંનેએ બોરીવલી તમારા ઘરે જઈને બધી જ સાચી વાત કહી દેવાની કે આ અંકિત નથી પણ અભિષેક છે. પરંતુ એક વાત ખોટી કહેવાની. શાલ્વીએ એ જ કહેવાનું કે પોતે અંકિત નહીં પણ ડૉ. અભિષેક છે એ વાતની અભિષેકને હમણાં ચાર પાંચ દિવસ પહેલાં જ ખબર પડી. એમને પોતાની યાદદાસ્ત અચાનક પાછી આવી ત્યારે એમણે પોતાની સાચી ઓળખ આપી. બંનેના ચહેરા એક જ હોવાથી આ બધી ગરબડ થઈ. એ જાણ્યા પછી અંકિતના પપ્પાને પણ બહુ જ પસ્તાવો થયો કે અમારા બંને વચ્ચે અજાણતાં એમણે સંબંધ કરાવ્યો." પ્રશાંત બોલી રહ્યો હતો.
" અભિષેકે જૈમિનભાઈને એ પણ કહેવાનું કે અભિષેક રાજકોટ આવતાં પહેલાં બદ્રીનાથની યાત્રાએ ગયો હતો અને ગંગોત્રીમાં અંકિતનો અચાનક ભેટો થઈ ગયો હતો." પ્રશાંત બોલ્યો અને એણે પોતાના મગજમાં આવેલો આખો પ્લાન કોઈ સ્ક્રિપ્ટ વાંચતો હોય એ રીતે બધાની સામે રજૂ કર્યો.
" સર તમે ગજબનું વિચારી શકો છો. શું આઈડિયા તમારા મગજમાં આવ્યો છે માય ગોડ ! અદભુત પ્લાન ! આ પ્લાન અમલમાં મૂકવાથી અંકલ પણ નિર્દોષ ઠરશે. મારા અને શાલ્વી વચ્ચે થયેલા સંબંધો જાણ્યા પછી પણ શાલ્વીના પપ્પાને કોઈ ગુસ્સો નહીં આવે. એના કિસ્મતમાં આવું લખ્યું હશે એમ એ માની લેશે. " અભિષેક બોલ્યો.
" હા પ્રશાંતભાઈ. તમે તો આ વાત કહીને મને જાણે નવી જિંદગી આપી દીધી. તમે મારી લાજ રાખી. તમારી જે પણ ફી મેં તમને આપી છે એટલી જ ફી હું તમને ફરી બીજી વાર આપું છું. કારણ કે આખો કેસ તમે બહુ સરસ રીતે ઉકેલી આપ્યો છે. " શેઠ વલ્લભદાસ પ્રશાંત સામે બે હાથ જોડીને બોલ્યા.
" મને લાગે છે કે આ જ વિકલ્પ સૌથી શ્રેષ્ઠ છે. આપણા સંબંધો વિશે પપ્પા આગળ ખોટું બોલવું નહીં પડે. એમને મારે અંધારામાં રાખવા નહીં પડે. સર ફરી મારે તમને કહેવું પડશે કે યુ આર જીનીયસ ! કેટલી ઝડપથી તમે આખો પ્લાન વિચારી લીધો ! " શાલ્વી બોલી.
" મને ખબર જ હતી કે અહીં શું ચર્ચા થવાની છે એટલે આગળ ઉપર શું થઈ શકે એના માટે મેં નીચે ગાડીમાં બેઠાં બેઠાં બહુ વિચાર્યું અને આ બધા રસ્તા ત્યારે જ મારા મગજમાં આવ્યા. સાચી વાત જાણ્યા પછી જૈમિન શાહ વલ્લભદાસ શેઠને છોડે એવા નથી અને સમાજમાં પણ શેઠની મોટી બદનામી થઈ જાય એટલે પછી આ પ્લાન તમને જણાવવાનું મેં વિચાર્યું. " પ્રશાંતે નિખાલસ કબૂલાત કરી.
" સર ત્રીજો પ્લાન તમે કહેતા હતા એ શું છે ? " અભિષેક બોલ્યો.
" ત્રીજો પ્લાન મેં એવો વિચાર્યો હતો કે શાલ્વી પોતાના પપ્પાને એમ કહે કે શરૂઆતથી જ એને શંકા ગઈ હતી કે આ અંકિત નથી જ. જો એ અંકિત હોય તો પોતાના જ ઘરે આવીને માતા પિતા કે પત્નીને જોઈને એને થોડુંક તો યાદ આવે જ. હોટલમાં એમની સહી પણ જુદી પડતી હતી. અંકિત જેવી સાઇન કરવા માટે એમણે મહેનત કરવી પડી હતી. એ પોતે ડોક્ટર છે એવું પણ એ એક બે વાર બોલ્યા હતા. " પ્રશાંત બોલી રહ્યો હતો.
" એટલે શાલ્વી એના પપ્પાને એમ કહે કે આજ સુધી મેં એમની સાથે કોઈ જ સંબંધ રાખ્યો નથી. માત્ર દેખાવ ખાતર જ અમે એક જ બેડરૂમમાં સૂતાં હતાં. પરંતુ ચાર દિવસ પહેલાં અંકિતની યાદદાસ્ત અચાનક પાછી આવી ગઈ. એ પોતાને ડૉ. અભિષેક કહેવા લાગ્યા અને એ પણ કહ્યું કે દહીસરમાં એમનું ઘર છે અને એમની પત્નીનું નામ અંજલી છે ! એટલે પછી આજે હું એમને એમના ઘરે મૂકવા જઈ રહી છું." પ્રશાંત બોલ્યો.
" તમારો આ આઈડિયા પણ ઘણો સારો છે સર. પણ આ પ્લાન પ્રમાણે આગળ વધવું નથી. સત્યને આપણે છૂપાવવું નથી. મારા સંબંધો શાલ્વી સાથે આઠ મહિના સુધી ચાલ્યા છે એટલે હવે સાચી વાત કરવાની જ મારી ઈચ્છા છે. " અભિષેક બોલ્યો.
" હા સર અમને બીજો વિકલ્પ જ વધારે પસંદ છે. અભિષેકની વાત સાથે હું સહમત છું. મેં મારું તન અને મન બધું જ દિલથી એમને અર્પણ કરેલું છે. મારે પણ ખોટું બોલવું નથી." શાલ્વી બોલી.
" બસ તો પછી આપણા પ્લાન પ્રમાણે તમે અંકિતે લખેલો લેટર તથા ડિવોર્સ પેપર્સ શેઠ પાસેથી લઈ લો અને તમારા ઘરે બોરીવલી જવા પ્રસ્થાન કરો. " પ્રશાંત બોલ્યો.
વલ્લભદાસે તરત જ પોતાના બેડરૂમમાં જઈને તિજોરીમાંથી અંકિતે આપેલું બંધ કવર બહાર કાઢ્યું અને ડ્રોઈંગ રૂમમાં આવીને શાલ્વીના હાથમાં આપ્યું.
" અંકિત જતી વખતે મને સારી એવી રકમ તને આપવાનું કહીને ગયો છે એટલે જલ્દીથી હું તારા ખાતામાં ટૂકડે ટૂકડે બે કરોડ જેવી રકમ ટ્રાન્સફર કરી દઈશ બેટા. વિશ્વાસ રાખજે. " વલ્લભદાસ બોલ્યા.
" અંકલ પિતા પુત્રના ઋણાનુબંધ તો આજે પૂરા થઈ ગયા છે પરંતુ જેટલો સમય હું આ ઘરમાં પુત્ર તરીકે રહ્યો છું એ સમય દરમિયાન તમે જે પિતાનો પ્રેમ મને આપ્યો છે એ બદલ હું તમારો ઋણી છું. કોઈક જન્મમાં આપણે ભેગા થવાની ઈચ્છા વ્યક્ત કરી હશે તો જ તમારા ઘરમાં મારે આવવાનું થયું. આજે તમારી વિદાય લઉં છું. મારે લાયક કંઈ પણ કામ હોય તો મારો નવો નંબર તમને આપી રાખું છું." કહીને અભિષેકે વલ્લભદાસના ચરણસ્પર્શ કર્યા અને પોતાનો નંબર એમને આપી દીધો.
અભિષેકના શબ્દો સાંભળીને શેઠ ગળગળા થઈ ગયા. એ અભિષેકને ભેટી પડ્યા.
અભિષેકે એ પછી કામિનીબેનના પણ ચરણસ્પર્શ કર્યા.
" પપ્પા મારાથી તમને વધારે પડતું કંઈ બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો. મારી જિંદગીનું હવે શું થશે અને મારું ભવિષ્ય શું છે એ તો મને પણ ખબર નથી પરંતુ અભિષેક કહે છે એમ મારા અને આ ઘરના ઋણાનુબંધ પણ આજે પૂરા થઈ ગયા છે." ભારે હૃદયે શાલ્વી બોલી અને એણે પણ સાસુ સસરાના ચરણસ્પર્શ કર્યા. એણે મર્સિડીઝ ગાડીની ચાવી પણ વલ્લભદાસના હાથમાં આપી દીધી.
" આ ઘર હંમેશ માટે તારું છે બેટા. ડિવોર્સ લેવાથી સંબંધો પૂરા થઈ જતા નથી. તું મારા દીકરાની વહુ તરીકે આ ઘરમાં આવી હતી એટલે આ ઘરમાં તારો હક કાયમ માટે રહેશે. તારાં બીજે લગ્ન થઈ જાય ત્યાં સુધી ગમે ત્યારે પણ તું મારા ઘરે આવી શકે છે અને ઈચ્છા હોય ત્યાં સુધી રહી પણ શકે છે. અમે બંને તો હવે એકલાં પડી ગયાં છીએ. એક દીકરો હતો એ પણ સન્યાસી થઈ ગયો. તારી જેમ હવે મારા ભવિષ્ય વિશે પણ મને ચિંતા પેઠી. હવે મારી બંને હોટલો મારે વેચી નાખવી પડશે. કોના માટે આ બધું કરવાનું ? " વલ્લભદાસ બોલ્યા. એ અત્યારે સાવ પડી ભાગ્યા હતા.
એ પછી વલ્લભદાસ અને કામિનીબેન ની રજા લઈને ત્રણેય જણાં ઘરની બહાર નીકળી ગયાં અને લિફ્ટમાં નીચે આવ્યાં.
" તમારી સાથેનો મારો ઋણાનુબંધ પણ હવે પૂરો થઈ જાય છે ડૉક્ટર. " પ્રશાંત હસીને બોલ્યો.
" એમ છેડો ફાડી દો એ ના ચાલે સર. ભવિષ્યમાં તમારી સલાહની જરૂર પડશે તો અમે તમને જ ફોન કરીશું." અભિષેકના બદલે શાલ્વી બોલી.
" હું તો મજાક કરું છું. અડધી રાત્રે પણ તમે મને ફોન કરી શકો છો. અને હવે મેં જે પ્લાન બતાવ્યો એ પ્રમાણે જ તમારે આગળ વધવાનું છે. ઑલ ધ બેસ્ટ ! " પ્રશાંત બોલ્યો અને પોતાની ગાડીમાં બેઠો.
શાલ્વી પણ અભિષેક સાથે એની ક્રેટા ગાડીમાં બેઠી અને લક્ષ્મી વિલાને અલવિદા કરી બંનેએ પોણા ચાર વાગે બોરીવલી તરફ પ્રયાણ કર્યું.
ચંદાવરકર લેન ઉપર આવેલા મયૂર ટાવર પહોંચીને અભિષેકે ગાડી પાર્ક કરી ત્યારે સાંજના સાડા ચાર વાગી ગયા હતા. શાલ્વીએ એના પપ્પાને જૂહુથી ફોન કરી દીધો હતો એટલે એ પણ ઘરે આવી ગયા હતા.
" આવો આવો અંકિતકુમાર. આજે તો તમે લોકોએ એકદમ જ સરપ્રાઈઝ આપ્યું ! શાલ્વીએ મને વહેલો ઘરે બોલાવી લીધો એટલે મને વધારે આશ્ચર્ય થયું." જૈમિનભાઈ બોલ્યા.
અભિષેક અને શાલ્વી સોફા ઉપર બેઠાં. ત્યાં સુધીમાં મમ્મી સુષ્માબેન પાણીના બે ગ્લાસ લઈ આવ્યાં.
" પપ્પા મારે તમને આજે અત્યારે એક સિરિયસ વાત કરવાની છે. અમારા બંનેના જીવનમાં એવું કંઈક બની ગયું છે કે જેની મને અને એમને પણ કલ્પના ન હતી." પાણીનો ઘૂંટડો ગળા નીચે ઉતારીને શાલ્વીએ વાતની શરૂઆત કરી.
" સીરીયસ વાત છે ? એવી તે વળી કઈ વાત છે બેટા કે તમારે બંનેને અત્યારે ચાર વાગે બોરીવલી આવવું પડ્યું !! " જૈમિનભાઈ અને સુષ્માબેન ટેન્શનમાં આવી ગયાં. એ પણ સોફા ઉપર બેસી ગયાં.
" બહુ મોટો ગોટાળો થઈ ગયો છે પપ્પા. ગઈ કાલે સવારે અંકિતને અચાનક પોતાની યાદદાસ્ત પાછી આવી. એ કાલે સવારે જાગ્યા ત્યારે મને પણ ઓળખતા ન હતા. મને કહે કે હું અહીં કેવી રીતે છું અને તમે કોણ છો. હું એકદમ ટેન્શનમાં આવી ગઈ કે અંકિતને અચાનક આ શું થઈ ગયું ! એમણે મને કહ્યું કે હું ડૉ. અભિષેક છું અને હું તો રાજકોટથી મુંબઈ આવી રહ્યો હતો ! આઠ મહિનાની બધી જ ઘટનાઓ એ ભૂલી ગયા છે. " શાલ્વી બોલી.
" અંકલ હું તમને બધી વાત માંડીને કરું છું. શાલ્વી મૂંઝાઈ ગઈ છે. હું સાચે જ ડૉ. અભિષેક મુન્શી છું અને દહીસરમાં રહું છું. મારી પત્નીનું નામ અંજલી છે. મારો પોતાનો એક બીજો ફ્લેટ વિલે પાર્લે નહેરુ રોડ ઉપર અથર્વ હાઈટ્સમાં પાંચમા માળે છે. એ ફ્લેટ મેં હમણાં જ લીધો છે અને એનું ઇન્ટિરિયર પણ મારા એક વડીલ મિત્ર ઋષિકેશ અંકલ દ્વારા કરાવેલું છે." અભિષેક બોલ્યો.
અથર્વ હાઈટ્સની વાત અભિષેકે કરી એટલે જૈમિનભાઈ ચમક્યા. અથર્વ હાઈટ્સના એ ફ્લેટની ઇન્ટિરિયર ડિઝાઇન તો એમણે જ કરેલી હતી. અને ત્યાં સુપરવિઝન કરવા માટે કોઈ અંજલી નામની યુવતી આવતી હતી. અભિષેકની વાત એકદમ સાચી લાગે છે. અને એની એ વાત પણ સાચી છે કે આ કામ ઋષિકેશભાઈએ જ સોંપ્યું હતું.
" તમારે હવે તમારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી ડૉક્ટર. હું તમને ઓળખી ગયો છું. તમારા એ નવા ફ્લેટની ડીઝાઇન મેં જ કરેલી છે. પરંતુ મને એ સમજાતું નથી કે તમારો અને અંકિત કુમારનો ચહેરો એક જ કેવી રીતે હોઈ શકે ! તમને જોઈને ભલભલા છેતરાઈ જાય. અરે મારી દીકરી પણ તમને ના ઓળખી શકી. અને તમે વલ્લભદાસના ઘરે કેવી રીતે પહોંચી ગયા. મારા મગજમાં કંઈ બેસતું નથી. " જૈમિન શાહ બોલ્યા.
" અરે અંકલ એ જ તો મોટો ગોટાળો થઈ ગયો ને ! હું અને અંકિત બંને જોડિયા ભાઈઓ છીએ. વલ્લભદાસ અંકલે અંકિતને એ જ્યારે આઠ મહિનાનો હતો ત્યારે દત્તક લીધો હતો. જો કે એમણે એ વાત કોઈને પણ જાહેર કરી નથી. " અભિષેક બોલી રહ્યો હતો.
" હું રાજકોટની પરિમલ હોસ્પિટલમાં જોબ કરતો હતો. અને અહીં ખારમાં મારી પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી હોવાથી મેં એ જોબ છોડી દીધી. હું મારી પત્ની અંજલી સાથે મારી ગાડીમાં મુંબઈ આવી રહ્યો હતો. અંજલી એની ફ્રેન્ડ ના ઘરે રોકાવા અમદાવાદ ઉતરી ગઈ એટલે પછી હું એકલો જ મુંબઈ આવી રહ્યો હતો." અભિષેક બોલી રહ્યો હતો.
" વડોદરા પાસે મારો અકસ્માત થઈ ગયો. કેવી રીતે થયો એ તો મને પણ ખબર નથી. મુંબઈના જાણીતા ડિટેક્ટિવ પ્રશાંતભાઈ એ જ વખતે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એ મને ત્યાં જોઈ ગયા અને મને અંકિત સમજી બેઠા. વલ્લભદાસે અંકિતને શોધવાનો કેસ એમને જ સોંપેલો હતો એટલે એ અંકિત અને સારી રીતે ઓળખતા હતા. હું મારી યાદદાસ્ત તો ગુમાવી બેઠો હતો એટલે પ્રશાંત સર મને જૂહુની હોસ્પિટલ લઈ આવ્યા અને પછી ત્યાંથી વલ્લભદાસ ઘરે લઈ ગયા. " અભિષેક બોલી રહ્યો હતો.
" અભિષેક તરીકેની મારી યાદદાસ્ત પાછી આવી અને મારી સાચી હકીકત જાણી ત્યારે શાલ્વીને પણ મારી વાત ઉપર વિશ્વાસ આવ્યો. કારણ કે એ પણ અંજલીને સારી રીતે ઓળખે છે અને એ એની ફ્રેન્ડ છે. અંજલી અત્યારે પ્રેગ્નન્ટ છે અને એના પેટમાં આઠ મહિનાનો ગર્ભ છે એ સમાચાર પણ મને શાલ્વીએ જ આપ્યા. અમે બંને ગઈ કાલે રાત્રે જ દહીસર ગયા અને આઠ મહિના પછી હું અંજલીને મળ્યો. " અભિષેક બોલ્યો.
" અરે શાલુ તે દિવસે સેફરોન મેટરનિટી હોમમાં ચેકઅપ માટે આવી હતી એ જ અંજલી ને ! આપણે એની સાથે દીપક રેસ્ટોરન્ટ ગયાં હતાં અને નાળિયેર પાણી પીધું હતું ! " સુષ્માબેન બોલ્યાં.
" હા મમ્મી. એ જ અંજલી ડૉ. અભિષેકની વાઈફ છે. એને બિચારીને તો કંઈ ખબર જ ન હતી. બધાને એમ જ કહેતી હતી કે અભિષેક વિદેશ ગયા છે. કાલે સાંજે અમે દહીસર ગયાં હતાં અને ત્યાં જ રોકાયાં હતાં. અંજલી અભિષેકને મળીને એટલી બધી ખુશ થઈ ગઈ મમ્મી કે એનું વર્ણન થઈ શકે એમ નથી. " શાલ્વી બોલી.
" હા બેટા પરંતુ તારા જીવનમાં જે બન્યું એ યોગ્ય નથી. ભલે અજાણતાં બની ગયું પણ તમે બંનેએ આઠ મહિના સુધી પતિ પત્ની તરીકે સંસાર ભોગવ્યો છે. તારી જિંદગી તો હવે રઝળી ગઈ ને ! અંકિતનો તો કોઈ પત્તો જ નથી. " જૈમિનભાઈ બોલ્યા. એ ખૂબ જ અપસેટ થઈ ગયા હતા.
" અંકિતનો પત્તો પણ લાગી ગયો છે અંકલ. અંકિત સન્યાસી બની ગયો છે અને હું એને મળીને આવ્યો છું. આઠ મહિના પહેલાં મેં રાજકોટ છોડ્યું એ પહેલાં હું કેદારનાથ ગયો હતો અને રસ્તામાં ગંગોત્રીમાં મૌની બાબા આશ્રમમાં રોકાયો હતો. ત્યાં એક ભંડારામાં મેં મારા જેવા જ દેખાતા એક સન્યાસી યુવાનને જોયો હતો. અમે બંને એકબીજાને જોઈને ખૂબ જ આશ્ચર્ય પામ્યા હતા. અમારા બંનેનો ચહેરો એક જ હતો. ફરક એટલો જ હતો કે એનાં દાઢી મૂછ વધેલાં હતાં અને વાળ પણ લાંબા હતા. અમે બંનેએ એકબીજાનો પરિચય પૂછ્યો. એણે કહ્યું કે એનું પૂર્વ જીવનનું નામ અંકિત હતું અને એ જૂહુમાં રહેતો હતો. " અભિષેક બોલી રહ્યો હતો.
" મેં પણ એને મારી બધી વાત કરી. એ મને નજીકમાં જ એના પોતાના એક આશ્રમમાં લઈ ગયો અને મને એક બંધ કવર આપ્યું અને એ કવરને જૂહુના એક એડ્રેસ ઉપર પહોંચાડવાનું કહ્યું. એણે એ પણ કહ્યું કે મારા પપ્પાને કહેજો કે આ કવર મારી પત્ની શાલ્વીને આપી દે." અભિષેક બોલી રહ્યો હતો
" અંકિતે કહ્યું કે દોઢ વર્ષ પહેલાં ઘર છોડતી વખતે આ કવર એણે તૈયાર કર્યું હતું પરંતુ એના ગુરુની આજ્ઞા ન હતી એટલે એના પપ્પાને આપવાને બદલે એ એની સાથે લઈ ગયો હતો. પરંતુ હવે સમય પાકી ગયો હોવાથી એણે એના પપ્પાને પહોંચાડી દેવાનું મને કહ્યું." અભિષેક પ્રશાંતે જે સમજાવ્યું હતું એ પ્રમાણે બોલી રહ્યો હતો.
" એ કવર લઈને ચાર દિવસ પછી હું રાજકોટ આવી ગયો અને ત્યાંથી અઠવાડિયા પછી મુંબઈ આવવા નીકળી ગયો. રસ્તામાં અકસ્માત થયો અને મારી યાદદાસ્ત જ જતી રહી. કવર મેં અંજલીની બેગમાં મૂકેલું અને એને કહેલું કે આ બંધ કવર કોઈને પહોંચાડવાનું છે એટલે ખોલવાનું નથી. પરંતુ પછી આઠ મહિના સુધી તો મારી યાદદાસ્ત જતી રહી હતી એટલે ગઈકાલે રાત્રે જ એ કવર મેં લઈ લીધું અને શાલ્વીને આપ્યું. " અભિષેક બોલ્યો.
જે હોંશિયારીથી અભિષેક આખી વાર્તા કરી રહ્યો હતો એ જોઈને શાલ્વી અભિષેકથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ.
" મતલબ અંકિતકુમાર તો બે વર્ષથી સંસાર છોડીને સન્યાસી બની ગયા છે તો હવે મારી દીકરીનું ભાવિ શું ? તમે પણ પરણેલા છો નહીં તો તમારાથી શ્રેષ્ઠ બીજું પાત્ર મને મળે પણ નહીં. " જૈમિનભાઈ નિઃસાસો નાખીને બોલ્યા.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

