અભિષેક (Abhishek Novel Part-70)

Related

અભિષેક પ્રકરણ 70

પ્રશાંતે જે સ્ક્રીપ્ટ અભિષેકને સમજાવી હતી એ જ સ્ટોરી બરાબર યાદ રાખીને અભિષેકે શાલ્વીના પપ્પાને સંભળાવી. એણે રજૂઆત પણ એટલી સરસ રીતે કરી કે જૈમિન શાહને કંઈ પૂછવા જેવું ન રહ્યું.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" મતલબ અંકિતકુમાર તો બે વર્ષથી સંસાર છોડીને સન્યાસી બની ગયા છે હવે મારી દીકરીનું ભાવિ શું ? તમે પણ પરણેલા છો નહીં તો તમારાથી શ્રેષ્ઠ બીજું પાત્ર મને મળે પણ નહીં." પૂરી વાત સાંભળ્યા પછી જૈમિનભાઈ નિઃસાસો નાખીને બોલ્યા.

તમારાથી શ્રેષ્ઠ બીજું પાત્ર મળે નહીં એવા શબ્દો પપ્પા પાસેથી સાંભળ્યા પછી શાલ્વીને ખૂબ જ સારું લાગ્યું. એના માટે તો અભિષેક લાખોમાં એક હતો. અફસોસ એક જ હતો કે એ એની ફ્રેન્ડ અંજલીનો પતિ હતો.

" હવે પેલા બંધ કવરમાં શું છે એ તો જરા જોઈ લે શાલુ એટલે બધી આતુરતાનો અંત આવે. " સુષ્માબેન બોલ્યાં.

શાલ્વીએ કેનવાસવાળા ગ્રીન કવરનો એક છેડો કાતરથી કાપી નાખ્યો. અંદરથી ફરી પાછું એક બંધ કવર નીકળ્યું. એ કવરમાં પોતાને લખેલો પત્ર હશે એ શાલ્વી સમજી ગઈ. એ સિવાય સ્ટેમ્પ પેપરમાં નોટરાઇઝ કરેલા ડિવોર્સ પેપર્સ હતા.

શાલ્વીએ સ્ટેમ્પ પેપર પપ્પાને આપ્યો. અંકિતે લખેલો પત્ર વાંચવાનો અત્યારે એનો કોઈ મૂડ ન હતો એટલે એને પોતાની પર્સમાં મૂકી દીધો.

જૈમિન શાહે જોયું તો અંકિતે પોતાની સહી કરીને શાલ્વીને ડિવોર્સ માટે પોતાની સંમતિ આપી દીધી હતી. નીચે જાણીતા એડવોકેટ ગુપ્તાની સહી પણ હતી.

" અંકિતકુમારે તો લગભગ બે વર્ષ પહેલાં જ શાલુને ડિવોર્સ આપી દીધા છે. કોર્ટમાં કેસ મૂકી દેવાથી એને તો હવે લીગલ ડિવોર્સ મળી જશે કારણ કે અંકિત તો સન્યાસી બની ગયો છે. દોઢ વર્ષ સુધી મારી દીકરી એના પતિની રાહ જોતી એના સાસરે પડી રહી. આ બે વર્ષમાં તો એનાં બીજે લગ્ન પણ થઈ ગયાં હોત. અંકિતે આ કવર મૂકી રાખી મૂકીને બહુ મોટી ભૂલ કરી." જૈમિનભાઈએ હવે અંકિત કહીને વાત કરી કારણ કે હવે એ એમનો જમાઈ રહ્યો ન હતો.

કવર આટલું મોડું મળવાથી જૈમિન શાહ ગુસ્સામાં આવી ગયા હતા. અને એમનો ગુસ્સો વાજબી હતો. આ યુવાન ઉંમરમાં બે વર્ષનો ગાળો ઘણો લાંબો કહેવાય. કવર મોડું મળવાથી શાલ્વીએ અજાણતાં અભિષેક સાથે આઠ મહિના સુધી સંસાર ભોગવ્યો હતો.

પોતાની દીકરી સાથે આ શું થઈ ગયું ! વલ્લભદાસને પણ બિચારાને આ ખબર નહીં હોય એટલે એમને પણ શું કહેવું ! છુટાછેડા તો હવે મળી જશે પણ આગળ નું શું !! – જૈમિન શાહ મનોમન ધૂંધવાઈ રહ્યા હતા.

" મેં તમને અત્યારે જે વાત કરી એ જ વાત કાલે સાંજે વલ્લભ અંકલને પણ કરી છે. અંકિતે મને કહ્યું હતું કે આ બંધ કવરમાં ડિવોર્સ પેપર્સ છે એટલે મને તો ખબર જ હતી એટલે મેં એમને જાણ કરી. ડિવોર્સ પેપર્સની વાત જાણીને અંકલને પણ આઘાત લાગ્યો છે. વલ્લભ અંકલે શાલ્વીને એના ભાવિની સુરક્ષા માટે એના ખાતામાં બે કરોડ ટ્રાન્સફર કરવાની વાત કરી છે અને થોડા દિવસમાં જ એના ખાતામાં જમા કરી દેશે. શાલ્વીએ એમનું ઘર કાયમ માટે છોડી દીધું છે." જે વાત બાકી રહી ગઈ હતી એ વાત પણ અભિષેકે પૂરી કરી.

" બહુ જ ખોટું થયું છે. મારી દીકરી સાથે રમત રમાઈ ગઈ. હવે આ ઉંમરે મારી ડિવોર્સી દીકરી માટે ફરી મારે છોકરો શોધવાનો ને ! અને જમાઈ સન્યાસી બની હિમાલય ચાલ્યા ગયા છે એ કારણોથી ડિવોર્સ લીધા છે એ કારણ તો બરાબર પરંતુ શાલ્વી તમારી સાથે પત્ની તરીકે આઠ મહિના રહી એની જાણ પણ સામેવાળાને તો થવાની જ ને ! છોકરાવાળા તો બધી જ પૂછપરછ કરવાના ! " જૈમિનભાઈ આક્રોશથી બોલ્યા.

" હું તમારી વેદના સમજી શકું છું અંકલ. સોરી...મારે હવે તમને પપ્પાના બદલે અંકલ કહેવું પડે છે. મારી યાદદાસ્ત જતી રહેવાથી આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને તમને બધાંને અજાણતાં મેં મુશ્કેલીમાં મૂકી દીધાં છે. શાલ્વીનો હું બહુ મોટો ગુનેગાર છું અને મેં એની સાચા દિલથી માફી પણ માગી લીધી છે." અભિષેક બોલ્યો.

" તમારો કોઈ જ વાંક નથી ડોક્ટર. આ બધો ઉપરવાળાનો ખેલ છે. જે થયું છે એ સારું નથી થયું પરંતુ બધું અજાણતાં થયું છે એટલે વાંક પણ કોનો કાઢવો ? મને તો વલ્લભદાસની દયા આવે છે. આ ઉંમરે એમણે દીકરો અને વહુ બંને ગુમાવી દીધાં. " જૈમિનભાઈ બોલ્યા.

તમે વલ્લભદાસની દયા ખાઓ છો પણ આ બધું એમના કારણે જ થયું છે પપ્પા પણ હું તમને સાચી વાત કહી શકતી નથી. – શાલ્વી મનોમન બોલી.

" હું હવે રજા લઉં અંકલ ? શાલ્વીને મૂકવા અને તમને સાચી વાત કરવા માટે જ હું આવ્યો હતો. " અભિષેક બોલ્યો.

" અરે એમ તે કંઈ જવાતું હશે. તમારે રાત્રે જમવાનું અહીં જ છે. તમે ઘરે કહી દો કે તમારી રસોઈ ના બનાવે. અને મારે ના કહેવું જોઈએ પરંતુ શાલ્વીની જવાબદારી પણ તમારી છે. આઠ આઠ મહિના સુધી તમને પતિ માનીને ચાલી છે તો એનો હાથ તમે એકદમ છોડી ના દેશો. આવા સમયમાં તો એને પણ તમારી જરૂર છે ! " જૈમિન શાહ બોલી રહ્યા હતા.

" તમારા બંનેનો કેસ એક સ્પેશિયલ કેસ છે અભિષેક. તમારી યાદદાસ્ત પાછી ના આવી હોત તો આજે પણ એ તમારી પત્ની જ હોત. સંજોગો બદલાઈ જવાથી સંબંધો બદલાતા નથી. એક બાપ તરીકે મારે ના કહેવું જોઈએ પણ તમારા બંને વચ્ચેના સંબંધો આટલા અંગત બની ગયા છે તો એકદમ તોડી ના નાખશો." જૈમિનભાઈ બોલી રહ્યા હતા.

" આ બધું સત્ય જાણ્યા પછી એનાં બીજે લગ્ન થશે કે કેમ એ પણ એક સવાલ છે. તમે અંજલી સાથે સુખી થાઓ પણ જ્યારે કુદરતે જ તમારા બંને વચ્ચે પતિ પત્નીના સંબંધ કરાવ્યા છે ત્યારે તમારે શાલ્વીનો પણ વિચાર કરવાનો છે ! " જૈમિન શાહ બોલ્યા.

પપ્પા આ શું બોલી ગયા ! આમ જોવા જઈએ તો પપ્પાની વાત ખોટી પણ નથી. કુદરતે જ અમારા બંનેના સંબંધ કરાવ્યા છે. એ તો સારું છે કે હજુ સુધી પ્રેગ્નન્સી નથી આવી પણ મને કદાચ પ્રેગ્નન્સી આવી ગઈ હોત તો શું એ મને છોડી દેત ! – શાલ્વી ફરી પાછી વિચારમાં પડી ગઈ.

અભિષેક પણ જૈમિન શાહની વાત સાંભળીને મૂંઝાઈ ગયો. એક બાપ તરીકે એમની વાત એકદમ સાચી હતી. શાલ્વીને એક પત્ની તરીકે આઠ મહિના સુધી ભોગવી હતી. હવે એને કાયમ માટે છોડી દઉં તો અંતરાત્મા દુઃખી થાય છે !! મારે આ બાબતની ચર્ચા મારા ગુરુજી સાથે જ કરવી પડશે.

" અભિષેક કુમાર મારી વાતનું ખોટું ના લગાડશો અને મારી વાત ઉપર તમે ગંભીરતાથી વિચાર કરજો. તમે કંઈ ખોટું કરી રહ્યા છો એવું જરા પણ મનમાં ન રાખશો. તમારા બેઉની વચ્ચે પાછલા જન્મનો કોઈ ઋણાનુબંધ હશે જ તો જ તમે બંને ભેગાં થયાં છો. મારી દીકરી ખૂબ જ લાગણીશીલ છે અને એ તમને કોઈપણ સંજોગોમાં ભૂલી શકવાની નથી. હું એને ઓળખું છું. " જૈમિન શાહ બોલ્યા.

" તમે તમારી જગ્યાએ સાચા છો અંકલ. મને પણ શાલ્વી પ્રત્યે એટલી જ લાગણી છે. જે થઈ ગયું છે તે બધું અજાણતાં થઈ ગયું છે. હવે હું મારા ભૂતકાળમાં પાછો આવી ગયો છું ત્યારે શાલ્વી સાથે આગળ વધવામાં અંજલીને બેવફા નીવડવાની લાગણી પેદા થાય છે. છતાં તમારી વાત ઉપર હું વિચાર ચોક્કસ કરીશ." અભિષેક બોલ્યો.

" ઠીક છે હું તમને મૂંઝવણમાં મૂકવા નથી માગતો. તમે તમારી જગ્યાએ એક રીતે સાચા પણ છો. મેં મારા તરફથી જે કહેવાનું હતું તે કહી દીધું. તમારી ઈચ્છા હોય તો શાલ્વી સાથે સંબંધ નિભાવી શકો છો. બાકી તમારી ઈચ્છા. તમે આજની રાત અહીં રોકાઈ શકો એમ હો તો રોકાઈ જાઓ. " જૈમિન શાહ બોલ્યા.

" ના અંકલ. આઠ મહિના પછી હું અંજલીને મળ્યો છું. એ પ્રેગનેન્ટ થયેલી છે એ પણ મને હવે ખબર પડી છે. કાલે તો મારે એની સાથે કોઈ વાત પણ થઈ શકી નથી એટલે આજે તો મારે જવું જ પડશે. " અભિષેક બોલ્યો.

એ પછી અભિષેક સાંજે શાલ્વીના ઘરે જમીને રાત્રે સાડા આઠ વાગે દહીસર જવા માટે નીકળી ગયો. ઘરે પહોંચ્યો ત્યારે નવ વાગી ગયા હતા. ઘરે ફોન ઉપર વાત થઈ ગઈ હતી એટલે અહીં પણ બધાએ જમી લીધું હતું.

" આજે તો શાલ્વીબેનના ઘરે તમારો આખો દિવસ પસાર થઈ ગયો." ડ્રોઈંગ રૂમમાં માસી સાથે બેઠેલી અંજલી બોલી.

" શાલ્વીને એના પપ્પાના ઘરે પણ જવું હતું એટલે એને મૂકવા જૂહુથી બોરીવલી ગયો હતો. એના પપ્પાએ જમવાનો બહુ જ આગ્રહ કર્યો એટલે રોકાઈ જવું પડ્યું. " અભિષેકે જવાબ આપ્યો.

" શાલ્વીને મૂકવા અંકિતભાઈ પણ જઈ શકે ને ? " અંજલી બોલી.

" હા જઈ શકે. પરંતુ એણે જ કહ્યું કે તમે દહીસર જાઓ છો તો શાલ્વીને બોરીવલી ઉતારી દેજો ને એટલે પછી એમના ઘરે ગયો. " હાજર જવાબી અભિષેકે તરત જવાબ આપ્યો.

હવે અંજલીને આઠ મહિનાની સાચી વાત અત્યારે કરી દેવી કે ડીલીવરી થઈ જાય પછી કરવી એના વિચારોમાં એ ચડી ગયો. અંજલીએ આઠ આઠ મહિના સુધી મારી પ્રતીક્ષા કરી છે અને ખૂબ જ હેરાન થઈ છે. સાચી વાત જાણીને એને ઘણો આઘાત લાગશે. અંજલીને આવી અવસ્થામાં મારે આઘાત નથી આપવો.

અંજલી ખૂબ જ સુંદર દેખાતી હતી. ગર્ભવતી થયા પછી એનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. જો કે આઠ મહિના પૂરા થઈ ગયા હતા એટલે અત્યારે તો આ સૌંદર્ય માત્ર જોવા માટે જ હતું. લગ્ન કર્યા પછી અંજલી સાથે હનીમૂનના દિવસો માત્ર દસ દિવસના જ રહ્યા ! હવે તો એ મા બની જવાની. લગ્ન પછીના શરૂઆતના એક વર્ષમાં સંવનનનો જે મસ્તીભર્યો રોમેન્ટિક સમય હોય છે એ સમય અંજલી સાથે હવે ક્યારેય માણવા નહીં મળે. અભિષેકના મનમાં અફસોસ રહી ગયો. એણે એ રાત્રે અંજલીના માથા ઉપર હાથ ફેરવીને થોડું વહાલ કર્યું અને પછી શાંતિથી સૂઈ ગયો.

બીજા દિવસે વહેલી સવારના ચારના બદલે પાંચ વાગે એ જાગ્યો. નાહી ધોઈને એણે ગાયત્રીની અગિયાર માળા કરી.

પોતાની યાદદાસ્ત પાછી આવી ગઈ છે અને પોતે દહીસર આવી ગયો છે એ સમાચાર ઋષિકેશ અંકલને આપવાના બાકી હતા એટલે એણે સવારે આઠ વાગે જ ઋષિકેશ અંકલને ફોન કર્યો.

" અંકલ હું દહીસરથી અભિષેક બોલું. હું ઘરે આવી ગયો છું અને તમે અંજલી માટે જે પણ કર્યું એના માટે તમારો દિલથી આભાર માનું છું. તમે અંજલીને મારા ઘરે પહોંચાડીને મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. " અભિષેક બોલ્યો.

" અરે અભિષેક તમે તો સરપ્રાઈઝ આપ્યું મને ! કલ્પના પણ ન હતી કે તમે ખરેખર ઘરે પાછા આવી જશો. તમે અંકિત તરીકે જૂહુ સ્કીમમાં શાલ્વી સાથે રહેતા હતા એ પણ મને ખબર છે. પણ તમારી યાદદાસ્ત જતી રહી હતી એટલે હું પણ કોઈને કંઈ કહી શકતો ન હતો. મારી હાલત સહદેવ જેવી હતી. જાણતો હોવા છતાં મજબૂર હતો. " ઋષિકેશભાઇ બોલ્યા.

" તમને ખબર હતી અંકલ ?" અભિષેક નવાઈ પામીને બોલ્યો.

" હા અંકિત તરીકે તમે શાલ્વીને લઈને સાગર હોટલમાં જમવા માટે આવેલા. સાથે અંકિતના સાસુ સસરા પણ હતા. એ વખતે તમે ગાડી પાર્ક કરવા ગયા હતા અને મારી મુલાકાત જૈમિન શાહ સાથે થઈ હતી જે મારા મિત્ર છે. એમણે કહ્યું કે એમના જમાઈ અંકિત કુમાર ગાડી પાર્ક કરવા ગયા છે. " અંકલ બોલી રહ્યા હતા.

" હું પણ અંજલી લોકોને લઈને એ જ વખતે ત્યાં જમવા માટે આવેલો. ત્યાં શાલ્વી અને અંજલી વચ્ચે ઓળખાણ પણ થઈ. અમે લોકો બહાર નીકળીને ગાડીમાં બેઠા એ પછી અમે તમને ગાડી પાર્ક કરીને હોટલ તરફ જતા જોયા. બસ ત્યારથી હું જાણી ગયો છું. " ઋષિકેશ અંકલે ટૂંકમાં પતાવ્યું.

" હવે મારે દોશી સાહેબને કાલે મળવું છે. આઠ મહિના પહેલાં હું રાજકોટ હતો ત્યારે એમનો ફોન હતો. મારે હોસ્પિટલની ડિઝાઇન આપવાની છે. થોડું પેમેન્ટ પણ બાકી છે. ઘણું મોડું થઈ ગયું છે. " અભિષેક બોલ્યો.

" એ ચિંતા કરવાની તમારે હવે જરૂર નથી. બે કરોડ રૂપિયા કાબરા કંપનીને તમારા મહાન ગુરુજીએ ચૂકવી દીધા છે અને તમારી હોસ્પિટલ પણ લગભગ તૈયાર થઈ ગઈ છે. ખાલી લાઈટ પંખા અને ફર્નિચર બાકી છે. " ઋષિકેશ અંકલે અભિષેકને ચોંકાવી દીધો.

" તમારી વાત હું સમજ્યો નહીં અંકલ ! મારા ગુરુજી કેવી રીતે ચૂકવે ? " અભિષેક બોલ્યો.

" તમારા ગુરુજી શું ના કરી શકે ! મારા કરતાં તો તમે એમને વધારે ઓળખો છો. અભિષેક બનીને એ દોશી સાહેબને પણ મળી આવ્યા. તમારી હોસ્પિટલ જ્યાં બને છે ત્યાં બે ત્રણ વાર જઈ આવ્યા અને ડિઝાઇન આપી દીધી. અગ્રવાલને બે કરોડ રોકડા ચૂકવી પણ આપ્યા. હજુ મને એ સમજાતું નથી કે બે કરોડ એમણે કેવી રીતે ચૂકવ્યા હશે ! તમારી પાસે જો રોકડા રૂપિયા પડ્યા હોય તો જરા જોઈ લેજો ને એમાંથી ઓછા થયા છે ? " ઋષિકેશ અંકલ બોલ્યા.

" તમને આ બધું કોણે કહ્યું અંકલ ? " અભિષેકે આશ્ચર્યથી પૂછ્યું.

" તમારી આ વાત મને યોગીજી સિવાય બીજું કોણ કહે અભિષેક ! દોશી સાહેબ એમને મળવા ગયા હતા અને એમણે યોગીજીને બધી વાત કરી. યોગીજી સમજ્યા કે તમે ઘરે આવી ગયા છો એટલે એમણે તમારો નવો નંબર મેળવવા મને ફોન કર્યો. મેં કહ્યું કે અભિષેક તો હજુ અંકિતની દુનિયામાં છે. બસ એ વખતે આ બધી વાતચીત થઈ." અંકલ બોલી રહ્યા હતા.

" મને વિશ્વાસ ના આવ્યો એટલે હું જાત તપાસ કરવા માટે લિંકિંગ રોડ ખાર પણ જઈ આવ્યો અને તમારી હોસ્પિટલ પણ જોઈ લીધી. કાબરા કંપનીમાં જઈને અગ્રવાલને પણ મળી લીધું. એણે પણ કબૂલ કર્યું કે એને બે કરોડ તમે જાતે આપી આવ્યા છો !" ઋષિકેશ અંકલ બોલ્યા.

"આવું તો કઈ રીતે બની શકે અંકલ ? હવે તો મારે પણ હોસ્પિટલ જઈને તપાસ કરવી પડશે કે મારી હોસ્પિટલની ડિઝાઇન કેવી બની છે !" અભિષેક બોલ્યો. હજુ એને પોતાને પણ આ બધું સ્વપ્ન જેવું લાગતું હતું !!

ઋષિકેશ અંકલ સાથે વાત પૂરી થઈ પછી અભિષેક પોતાના બેડરૂમમાં ગયો. અંજલી ત્યારે ડ્રોઇંગ રૂમમાં હતી. એણે દરવાજો અંદરથી બંધ કર્યો અને તિજોરીનું લોક ખોલીને પાંચ કરોડનું જે પેકેટ મૂક્યું હતું એ બહાર કાઢ્યું અને બધાં બંડલો ગણી લીધાં. અંકલની વાત એકદમ સાચી હતી. અત્યારે એમાં માત્ર ત્રણ કરોડ જેવી રકમ વધી હતી. બે કરોડ ઓછા હતા. એને ખૂબ જ નવાઈ લાગી.

બપોરે જમીને એ લોકલમાં બેસી ખાર ગયો. આટલે દૂર ગાડી ચલાવવાની એની ઈચ્છા ન હતી. ખાર સ્ટેશનથી રીક્ષા કરી લિંકિંગ રોડ ઉપર ૩૮૭ નંબરના પ્લોટ ઉપર પહોંચી ગયો. અત્યારે તો ત્યાં ખૂબ જ સુંદર લીલાશ્રી આર્કેડ બનેલું હતું.

એણે પહેલા માળે જઈને જોયું તો ખરેખર એની હોસ્પિટલ લગભગ તૈયાર જ હતી. પેથોલોજી લેબોરેટરી અને એક્સ રે મશીન માટેના બે રૂમ એક તરફ અલગ હતા. ઓપીડી માટે એક હૉલ હતો. પુરુષો અને સ્ત્રીઓ માટે બે મોટા વોર્ડ પણ બનાવેલા હતા. એક રૂમ નર્સિંગ સ્ટાફ માટે હતો. એક તરફ કેન્ટીન બનાવવા માટેની જગ્યા હતી તો બીજી તરફ એને પોતાને બેસવા માટે મોટો રૂમ હતો જ્યાં બે ચેમ્બર્સ બનાવી શકાય એમ હતી. ત્યાં એક તરફ વોશરૂમ પણ હતો. એ સિવાય જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં બધે જ વોશરૂમની અને વોશબેસિનની વ્યવસ્થા હતી !

લગભગ બધું જ તૈયાર હતું. કાર્પેન્ટરને બોલાવીને અંદર કેબીનો બનાવવાની બાકી હતી અને આખી હોસ્પિટલની ઇન્ટિરિયર ડિઝાઇન બનાવવાની હતી. એસી અને લાઈટ પંખા ફીટ કરવાના હતા. જરૂરી મશીનો અને સાધનો લાવવાનાં હતાં.

એ પછી અભિષેક બાંદ્રામાં આવેલી કાબરા કન્સ્ટ્રક્શનની ઓફિસે ગયો અને ત્યાં અગ્રવાલને મળ્યો.

" આવો ડોક્ટર સાહેબ. હોસ્પિટલ તો લગભગ તૈયાર જ થઈ ગઈ છે. વોટર કનેક્શન પણ આપી દીધું છે. એસી પંખા અને મશીનો માટે ઇલેક્ટ્રિકલ પોઇન્ટ્સ પણ આપી દીધા છે. હવે તમે તમારી રીતે ફર્નિચર કરાવી શકો છો અને એસી પંખા પણ ફીટ કરાવી શકો છો. " અગ્રવાલ હસીને બોલ્યો.

" હા હું અત્યારે તમારા આર્કેડ ઉપર જઈને આવ્યો. તમારા કામથી મને સંતોષ છે. હું તો બસ તમને મળવા જ આવ્યો છું. " અભિષેક બોલ્યો.

" તમને ઋષિકેશ જોષી નામના એક અંકલ મળવા માંગે છે. એ વિલે પાર્લે રહે છે. એ મારી પાસે આવ્યા હતા. એમની દીકરી ડૉક્ટર છે. એમની ઈચ્છા એમની દીકરીને હોસ્પિટલમાં સેટ કરવાની છે. તમે જરા એમની સાથે વાત કરી લેજો એ મને એમનો નંબર આપી ગયા છે. " અગ્રવાલ બોલ્યો અને એણે ડાયરીમાંથી નંબર શોધીને અભિષેકને લખાવી દીધો.

અભિષેક પાસે તો ઋષિકેશ અંકલનો નંબર હતો જ છતાં એણે વિવેક ખાતર એ નંબર લઈ લીધો અને ઊભો થઈ ગયો.

" ચાલો હું રજા લઉં અગ્રવાલજી." અભિષેક બોલ્યો.

" અરે ઠંડુ ગરમ કંઇક તો લો." અગ્રવાલ બોલ્યો.

" નો થેન્ક્સ. " અભિષેક બોલ્યો અને બહાર નીકળી ગયો.

મારા ગુરુજીએ મારી ગેરહાજરીમાં આર્કિટેક્ટ બનીને મારી આટલી સુંદર હોસ્પિટલ પણ બનાવી દીધી !!

અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."