અભિષેક પ્રકરણ 71
અભિષેક ખાર લિંકિંગ રોડ જઈને લીલા આર્કેડમાં બનેલી પોતાની હોસ્પિટલ જોઈ આવ્યો હતો. અને પોતાના સમર્થ ગુરુજીએ હોસ્પિટલનાં દરેક ડિપાર્ટમેન્ટ યાદ રાખીને રૂમોની જે ડિઝાઇન બનાવી હતી એ જોઈને એ દંગ રહી ગયો હતો !અભિષેક નવલકથા
એને આશ્ચર્ય એ વાતનું થયું હતું કે આવું કઈ રીતે બની શકે ! મારું સ્વરૂપ ધારણ કરીને એન્જિનિયરને કયા રૂમ કેટલી સાઈઝના બનાવવા વગેરે સૂચનાઓ આપવી અને પાછા મારી તિજોરીમાંથી કાઢી બે કરોડ રૂપિયા અગ્રવાલને આપી દેવા !! ખરેખર અદભુત !!
મારે હવે ગુરુજી સાથે આ બાબતે અને શાલ્વી માટે પણ ચર્ચા કરવી જ પડશે.
હોસ્પિટલની ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ તો મારે જૈમિન શાહને જ આપવું પડશે. કારણ કે આ ક્ષેત્રમાં એમનું નામ મોટું છે. અથર્વ હાઈટ્સ ફ્લેટનું કામ પણ એમણે બહુ સરસ કરેલું છે. અને પાછા એ શાલ્વીના પપ્પા પણ છે એટલે અંગત રસ લઈને ડિઝાઇન બનાવી આપશે. ફર્નિચરનું કામ પણ એમાં આવી જશે.
એણે શાલ્વીને ફોન કરીને જૈમિન શાહની ઓફિસનું એડ્રેસ લઈ લીધું અને એમનો ફોન નંબર પણ લઈ લીધો. એ પછી એણે જૈમિન શાહને ફોન કરીને સાંજે પોતે મળવા માગે છે એ વાત પણ કરી.
" ચોક્કસ પધારો ડૉક્ટર. તમને મળીને મને આનંદ થશે. " જૈમિન શાહ બોલ્યા.
સાંજે લગભગ પાંચ વાગે અભિષેક ગાડી લઈને કાંદીવલી મહાવીરનગરની એમની ઓફિસે પહોંચી ગયો.
" આજે તો તમે મને સરપ્રાઈઝ આપ્યું. સામે ચાલીને મળવા માટે આવ્યા. " જૈમિનભાઈ બોલ્યા.
" તમારું નામ એક આર્કિટેકટ તરીકે અને ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે બહુ જ જાણીતું છે અંકલ. મારા ફ્લેટનું કામ તો તમે કરેલું જ છે. હવે મારે મારી હોસ્પિટલ માટે પણ તમારી સેવાની જરૂર છે. તમે સમય કાઢીને મારી સાથે મારી હોસ્પિટલ આવો અને હોસ્પિટલની બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇન બનાવી દો. પૈસાનો કોઈ જ પ્રોબ્લેમ નથી. " અભિષેક બોલ્યો.
" હવે તો આપણે સંબંધી થયા છીએ. પૈસાની વાત કરાય જ નહીં. છતાં માલ સામાનના જે પણ પૈસા થશે એ હું ચોક્કસ લઈશ. પણ એ બધું મારી ઉપર છોડી દો. આજે તો હવે બહુ મોડું થઈ ગયું છે એટલે આપણે કાલે સવારે દસ વાગે હોસ્પિટલ જવા નીકળીએ. મારે તમારી હોસ્પિટલ જોવી પડશે. તમે સવારે દસ વાગે અહીં આવી જજો. મારી ગાડીમાં જ આપણે જઈશું. " જૈમિન શાહ બોલ્યા.
" ઠીક છે. તો પછી કાલે સવારે દસ વાગે મળીએ." અભિષેક બોલ્યો.
" આજે પહેલીવાર મારા ત્યાં આવ્યા છો તો મીઠું મ્હોં તો કરવું જ પડશે. આઈસ્ક્રીમ મંગાવી લઉં છું." શાહ બોલ્યા.
અભિષેકે કોઈ આનાકાની ના કરી. જૈમિનભાઈએ એમના માણસને મોકલીને બે આઈસ્ક્રીમ મંગાવી દીધા
" અંજલીની તબિયત કેવી છે ? મેં એને એકવાર ઋષિકેશભાઈ સાથે સાગર હોટલમાં જોયેલી છે." જૈમિન શાહ બોલ્યા.
"ફાગણ મહિનો ચાલુ થઈ ગયો એટલે બે દિવસ પછી એને નવમો મહિનો શરૂ થઈ જશે. એટલે એ અત્યારે તો સંપૂર્ણ આરામ ઉપર છે." અભિષેક બોલ્યો.
એ પછી આઈસ્ક્રીમ ખાઈને અભિષેક ત્યાંથી નીકળી ગયો.
ઘરે જઈને જમી કરીને રાત્રે સૂતી વખતે અંજલી પાસે બેસીને એણે પોતાનો જૂનો મોબાઇલ ચાલુ કર્યો અને ફોટો ગેલેરીમાં ઘણા બધા ફોટોગ્રાફ્સ જોયા. ઘણી બધી જૂની યાદો એમાં કંડારાઈ હતી.
" અંજલી આ બે ફોટા તું જો. લગ્ન સમયે તું કેટલી બધી સુંદર લાગતી હતી ! સુહાગરાતના ફોટા પણ તારા કેટલા બધા આકર્ષક છે ! મેં તો હજુ તારા આ સૌંદર્યને દિલથી માણ્યું પણ નથી. આટલી ઝડપથી તું પ્રેગ્નેન્ટ થઈ જઈશ એની મને કોઈ કલ્પના જ ન હતી." અભિષેક બોલી રહ્યો હતો.
" લગ્ન પછીનું કમ સે કમ એક વર્ષ તો હરવા ફરવાનું અને મસ્તી કરવાનું હોય છે ડાર્લિંગ. એકબીજામાં ખોવાઈ જવાના એ દિવસો હોય છે. આટલા સમય પછી હું પાછો આવ્યો ત્યારે તું તો હવે એક દીકરાની મા પણ થઈ જઈશ. અને માતૃત્વ ધારણ કર્યા પછી યુવાનીની એ મસ્તી તું ગુમાવી દઈશ." અભિષેક બોલ્યો.
" તમને અફસોસ થાય છે અભિ ?" અંજલી બોલી.
" અફસોસ નથી થતો પણ અપસેટ જરૂર છું અંજલી. તને પહેલી વાર જોઈ ત્યારે તારું અદભુત સૌંદર્ય જોઈને હું ખરેખર પાગલ થઈ ગયો હતો. તને પામીને હું ખૂબ જ ખુશ હતો. રાજકોટમાં જે દસ દિવસ મેં પસાર કર્યા છે એનો આનંદ હું વર્ણવી શકતો નથી. પરંતુ બસ ત્યાં જ બધું પૂરું થઈ ગયું. હવે ડિલિવરી પછી આપણે ભેગાં થઈશું ત્યારે એ નવોઢા અંજલી મારી સાથે નહીં હોય !" અભિષેક બોલ્યો.
" કેટલીક બાબતો મારા હાથમાં નથી અભિ. તમારા કોઈ સમાચાર ન હતા ત્યારે એકાદ મહિના પછી મેં એબોર્શન કરાવી નાખવાનું વિચારેલું પરંતુ તમે આવીને નારાજ થશો એ વિચારથી મેં એ વિચાર પડતો મૂક્યો. એક વાર તો હું એબોર્શન કરાવી ચૂકી છું. હવે વારંવાર ગર્ભપાત કરાવું અને પછી ત્રીજી વાર પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થાય તો ! બસ એ ડરથી પ્રેગ્નન્સી ચાલુ રાખી." અંજલી બોલી.
" હું તારાથી નારાજ નથી અને તને કોઈ ફરિયાદ નથી કરતો અંજુ. હું મારી પોતાની જાત ઉપર નારાજ છું કે મારા અને તારા સંબંધોમાં આવું કેમ થાય છે ! આટલો બધો પ્રેમ હોવા છતાં પણ તારે બીજે સગાઈ કરવી પડી અને મારા પહેલાં કોઈ બીજી જ વ્યક્તિએ તારા સૌંદર્યનો ભરપૂર ઉપભોગ કર્યો. છતાં એ બધું જ ભૂલી જઈને તારી સાથે લગ્ન કરી દસ દિવસ માંડ મને સુખ મળ્યું ત્યાં મારી સાથે આવી દુર્ઘટના બની. હવે આપણું જ્યારે મિલન થશે ત્યારે એક બાળકને ગોદમાં લઈને મારી સામે આવીશ ! " અભિષેક બોલ્યો.
" તમે આવું બધું ના વિચારો પ્લીઝ. જૂની વાતોને યાદ ના કરો. હું તમારી છું અને તમારી જ રહેવાની છું. તમારે જેવું જોઈએ એવું સુખ આપવા માટે હું તૈયાર છું. ડિલિવરી પછી મારી યુવાની કરમાઈ જવાની નથી. તમે મનમાં ઓછું ના લાવો પ્લીઝ." અંજલી બોલી અને એની આંખો ભીની થઈ ગઈ. એ પછી અંજલીએ અભિષેકને ખૂબ જ વહાલ કર્યું અને બંને જણાં નિદ્રાધીન થઈ ગયાં.
બીજા દિવસે સવારે સાડા નવ વાગે અભિષેક ગાડી લઈને ઘરેથી નીકળ્યો અને દસ વાગે ફરી કાંદીવલી જૈમિન શાહ પાસે પહોંચી ગયો.
" જુઓ અભિષેક આપણને પાછા આવતાં ત્રણેક કલાક થઈ જશે. દોઢ તો વાગી જ જશે. એટલે તમારું જમવાનું હું મારા ઘરે કહી દઉં છું. તમે ઘરે ફોન કરીને ના પાડી દો. " જૈમિન શાહ બોલ્યા.
" અરે પણ અંકલ મારું જમવાનું મારા ઘરે બનવાનું જ છે. અને હજુ ત્રણ દિવસ પહેલાં તો તમારા ઘરે જમ્યો હતો. " અભિષેક બોલ્યો.
" મારા ઘરે કેટલી વાર જમ્યા એની કોઈ ગણત્રી રાખવાની છે તમારે ? હું તમારું કંઈ સાંભળવાનો નથી. તમે ઘરે ફોન કરીને કહી દો. શાલ્વી બહુ ઉદાસ છે તો એને પણ આનંદ થશે." જૈમિન શાહ બોલ્યા.
અભિષેકે ઘરે માસી સાથે વાત કરી લીધી કે એને આવતાં મોડું થશે એટલે જમીને જ આવશે.
એ પછી પોતાની ગાડી ત્યાં જ મૂકીને જૈમિન શાહની ગાડીમાં અભિષેક બેસી ગયો અને દોઢ કલાકમાં લગભગ પોણા બાર વાગે એ લોકો ખાર લિંકિંગ રોડ પહોંચી ગયા.
લિંકિંગ રોડના આવા પોશ એરિયામાં લીલાશ્રી આર્કેડ જોઈને જૈમિન શાહ ખૂબ જ ખુશ થઈ ગયા. પહેલો ફ્લોર આખો અભિષેકનો જ હતો. ગ્રેનાઇટ પથ્થરનો આ હોસ્પિટલમાં ભરપૂર ઉપયોગ થયો હતો. જૈમિન શાહને તો કલ્પના પણ ન હતી કે આ એરિયામાં અભિષેકની આટલી સરસ હોસ્પિટલ હશે !
" અંકલ તમારે આ હોસ્પિટલની ઇન્ટિરિયર ડિઝાઇન બનાવીને સુંદર ફર્નિચર બનાવવાનું છે. પૈસાની કોઈ જ ચિંતા નથી. " અભિષેક બોલ્યો.
" ઠીક છે. મને તમે આઈડિયા આપો કે તમારે શું શું બનાવવાનું છે. દરેક રૂમમાં કઈ જગ્યાએ કઈ ટાઈપનું ફર્નિચર તમારે જોઈએ છે. " જૈમિનભાઈ બોલ્યા.
અભિષેકે આખી હોસ્પિટલમાં ફરીને દરેક જગ્યાએ એને શું શું જોઈએ છે એનો સંપૂર્ણ આઈડિયા એમને આપ્યો અને જૈમિન શાહ એક કોરા લેટર પેડમાં ડિઝાઇન દોરી દોરીને બધી નોંધ કરતા રહ્યા.
" બસ હવે તમે ચિંતા ના કરો. ત્રણ ચાર દિવસમાં જ હું કામ ચાલુ કરાવી દઉં છું. હોસ્પિટલ જોઈને લોકો પણ યાદ કરશે." જૈમિન શાહ બોલ્યા.
" અંકલ તમારા ધ્યાનમાં એવી કોઈ વ્યક્તિ છે કે જે મને હોસ્પિટલનાં સાધનો, ઇક્વિપમેન્ટ વગેરે પૂરાં પાડે કારણ કે મારે ત્રીસ કોટ એટલે કે પલંગ અને ત્રીસ બેડ જોઈશે. એક્સ રે મશીન, લેબોરેટરીનાં સાધનો પણ જોઈશે. બંને વોર્ડ માટે ટોટલ ચાર ટ્રોલી જોઈશે. ચેર્સ અને ટેબલ્સ પણ જોઈશે ." અભિષેક બોલ્યો.
" આપણા બોરીવલીમાં જ મારા ઘરથી થોડેક દૂર તુષાર શાહ રહે છે. એ હોસ્પિટલના ટર્ન કી પ્રોજેક્ટ કરી આપે છે. આપણે એમને આ કામ સોંપી દઈએ. તમે એમને એક દિવસ આ હોસ્પિટલ લઈ આવો અને તમારે શું શું જોઈએ છે એની પણ એમની સાથે ચર્ચા કરી લો. એ પોતે પણ તમને કેટલાક નવા આઈડિયા આપશે. વર્ષોથી એ હોસ્પિટલની તમામ આઈટમ્સ પૂરી પાડે છે. " જૈમિન શાહ બોલ્યા.
" ચાલો તો પછી એ કામ પણ સરસ થઈ ગયું. બત્રીસ કરોડ તો અત્યાર સુધીમાં આ હોસ્પિટલ બનાવવામાં ખર્ચાઈ ગયા છે. મને લાગે છે કે આ હોસ્પિટલ ચાલુ થઈ જાય ત્યાં સુધીમાં પચાસ કરોડનો ખર્ચ થઈ જશે ! " અભિષેક હસીને બોલ્યો.
" હોસ્પિટલ બનાવવાનું કામ એટલું બધું સહેલું નથી ડોક્ટર સાહેબ. તમે એકલાએ ઘણી હિંમત કરી છે. " જૈમિન શાહ બોલ્યા.
જૈમિન શાહ ડૉ. અભિષેકની આટલી મોટી અને આટલી સરસ હોસ્પિટલ જોઈને ચકરાઈ ગયા હતા. આ વ્યક્તિ પાસે આટલો બધો પૈસો હશે એની તો એમને કલ્પના જ ન હતી. અંકિત કરતાં આ વ્યક્તિ ઘણો શ્રીમંત છે ! એમણે એવું માન્યું હતું કે કોઈ કોમ્પ્લેક્સમાં નાની એવી હોસ્પિટલ બનતી હશે ! વિલે પાર્લેના ફ્લેટ પાછળ પણ આ અભિષેકે સાત આઠ કરોડ ખર્ચી નાખ્યા હતા !
કામ પતી ગયા પછી અભિષેક જૈમિન શાહની ગાડીમાં કાંદીવલી આવી ગયો. ત્યાંથી પોતાની ગાડીમાં બેસીને જૈમિન શાહ સાથે બોરીવલી એમના ઘરે મયૂર ટાવર ગયો.
શાલ્વી અભિષેકને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. જાણે મહિના પછી અભિષેક મળતો હોય એવી લાગણી એના દિલમાં હતી. અભિષેક ગયો ત્યારથી એ ખૂબ જ બેચેન બની ગઈ હતી.
" શાલુ એમને જમવા બેસાડી દે અને તું પણ એમની સાથે જમી લે અમે બંને પછીથી જમીશું." જૈમિનભાઈ બંનેને સ્પેસ આપવા માટે બોલ્યા.
" કેવા રહ્યા તમારા છેલ્લા બે દિવસ અંજલી સાથે ? " જમતાં જમતાં શાલ્વી બોલી.
" આમ તો સારા જ ગયા છે પરંતુ ખબર નહીં કેમ મારા જ ઘરમાં મને નવું નવું લાગે છે. લગભગ બે વર્ષ પહેલાં હું મુંબઈ છોડીને રાજકોટ ગયો એ વખતે એ ઘરમાં જે પોતીકાપણું હું અનુભવતો હતો એ ફીલિંગ અત્યારે આવતી નથી. થોડુંક અતડું અતડું લાગે છે શાલ્વી." નિખાલસતાથી અભિષેક બોલ્યો.
" નવું નવું છે ને અભિષેક એટલે એવું લાગે છે. ધીમે ધીમે તમે એડજસ્ટ થઈ જશો. જુઓને તમે જતા રહ્યા પછી મારા પોતાના જ ઘરમાં ઉદાસીનતા મને ઘેરી વળી છે. જમવાનું પણ ભાવતું નથી. આજે તમને જોઈને જ મારી ભૂખ ઉઘડી છે." શાલ્વી બોલી.
" હું સમજી શકું છું શાલ્વી. જો કે મારા મગજમાંથી તારી સાથેનો આઠ મહિનાનો સહેવાસ સંપૂર્ણ ડીલીટ થઈ ગયો છે એટલે મને એ ફીલિંગ નથી આવતી. ખોટું નહીં બોલું. " અભિષેક બોલ્યો.
" મને તો તમારી આદત પડી ગઈ હતી. હું તમને શું કહું અભિષેક ! રોજ આપણા બેઉની વચ્ચે શારીરિક સંબંધો થતા હતા અને શરૂઆત તમે જ કરતા હતા." શાલ્વીથી બોલાઈ ગયું.
શાલ્વીના શબ્દોથી અભિષેક શરમાઈ ગયો અને સાથે સાથે થોડો રોમાંચિત પણ થઈ ગયો. એણે નોંધ લીધી કે શાલ્વી પણ સુંદર હતી. દરેકનું સૌંદર્ય પોતપોતાનું હોય છે એની સરખામણી ના થઈ શકે.
જો કે આ વાત કર્યા પછી શાલ્વી પોતે પણ શરમાઈ ગઈ હતી એટલે પછી બંને વચ્ચે બીજી કોઈ વાત ના થઈ.
" શાલુ ડોક્ટર સાહેબની હોસ્પિટલ તો ઘણી મોટી છે. હું તો જોઈને જ આશ્ચર્ય પામી ગયો. ખારના આવા પોશ એરિયામાં બત્રીસ કરોડમાં એમની હોસ્પિટલ બની છે અને હવે ચાલુ થશે ત્યાં સુધીમાં આંકડો પચાસ કરોડે પહોંચી જશે. " અભિષેક અને શાલ્વી જમીને ડ્રોઈંગ રૂમમાં આવ્યાં એટલે જૈમિન શાહ બોલ્યા.
" શું વાત કરો છો ! પચાસ કરોડની હોસ્પિટલ ! " શાલ્વી આશ્ચર્યથી બોલી.
" લોકોની સેવા કરવાની જ ભાવના છે શાલ્વી. કમાવાની કોઈ વૃત્તિ જ નથી. મારા દિવ્ય ગુરુજીની કૃપાથી જ આ બધું બની રહ્યું છે." અભિષેક બોલ્યો.
" તમારી પોતાની આટલી મોટી હોસ્પિટલ બની રહી છે અને તમે રાજકોટ હોસ્પિટલમાં જોબ કરતા હતા ? સરપ્રાઈઝિંગ !! " જૈમિન શાહ બોલ્યા.
" પાછલા જન્મનાં કેટલાંક કર્મબંધન પૂરાં કરવાં પડે છે અંકલ. " અભિષેક હસીને બોલ્યો.
" તમે ખરેખર રહસ્યમય વ્યક્તિ છો ડૉક્ટર. માત્ર બે ચાર મુલાકાતોથી તમને ઓળખી નહી શકાય. " જૈમિન શાહ બોલ્યા.
" અરે પપ્પા અભિષેક રાજકોટની જે હોસ્પિટલમાં જોબ કરતા હતા ત્યાં એમણે કેન્ટીનમાં દસ લાખ રૂપિયાનું દાન આપેલું છે. જેથી સ્ટાફને મફત ચા નાસ્તો મળે બોલો ! " શાલ્વી બોલી.
" ચાલો હવે હું રજા લઉં અંકલ. હવે તો મળવાનું ઘણીવાર થવાનું છે. " અભિષેક બોલ્યો અને ઊભો થઈને બહાર નીકળી ગયો.
" આપણી હોસ્પિટલ લગભગ બની ગઈ છે. આપણા ફ્લેટનું કામ કર્યું હતું એ જૈમિનભાઈને જ હોસ્પિટલના ઇન્ટિરિયરનું કામ આજે સોંપી દીધું. " અભિષેકે ઘરે આવીને અંજલીને વાત કરી.
" એ બહુ સારું કર્યું. એમનું કામ પણ ઘણું જ સરસ છે. તમે તો હજુ ફ્લેટ જોયો પણ નથી. " અંજલી બોલી.
" ફ્લેટ તો જોયો છે પરંતુ ઇન્ટિરિયર થયા પછી નથી જોયો. ડિલિવરી પતી જાય પછી એકાદ મહિના પછી આપણે અખાત્રીજના દિવસે નવા ફ્લેટમાં શિફ્ટ થઈ જઈશું. આ ફ્લેટ ભલે માસી વાપરતાં. અને હોસ્પિટલ ચાલુ થઈ જાય એટલે દિપાલીને મુંબઈ બોલાવી લઈશું. એ પણ અહીં માસી સાથે જ રહેશે. એને બીજે ક્યાંય ભાડું ભરવાની જરૂર નથી. " અભિષેક બોલ્યો.
" આ તો તમે બહુ જ સરસ નિર્ણય લીધો. દિપાલીબેનનો સ્વભાવ બહુ સારો છે. મારી અવારનવાર ખબર પૂછતાં હતાં અને તમારી ચિંતા કરતાં હતાં. આરતીબેનને પણ તમે તમારી હોસ્પિટલમાં લઈ લેજો. " અંજલી બોલી.
" અરે હા એ વિચાર તો મને આવ્યો જ ન હતો. દિપાલી અહીં રહેશે તો આરતીને પણ કંપની રહેશે અને બંને સાથે જ અપડાઉન કરશે. " અભિષેક બોલ્યો.
બપોરના સાડા ત્રણ વાગી ગયા હતા એટલે પછી અભિષેકે થોડીવાર આરામ કરવાનું જ પસંદ કર્યું.
***********************
અભિષેક અને શાલ્વી નીકળી ગયા પછી શેઠ વલ્લભદાસ ભાગી પડ્યા હતા. એ ખૂબ જ આત્મગ્લાનિનો અનુભવ કરી રહ્યા હતા. પોતાના દીકરાએ સન્યાસ લઈ લીધો હતો. અભિષેકને અંકિત બનાવ્યો તો એ પણ પુત્રવધુને લઈને ચાલી નીકળ્યો હતો. હવે પોતે એકલા પડી ગયા હતા. ના વારસદાર રહ્યો, ના વંશ રહ્યો !
એમણે જે સપનાં સજાવ્યાં હતાં એ બધાં જ ચકનાચૂર થઈ ગયાં હતાં. અભિષેકને અંકિત બનાવીને એમણે આઠ મહિના સુધી જે ગંદો ખેલ ખેલ્યો એનો ભાંડો ફૂટી ગયો હતો અને પોતે ઉઘાડા પડી ગયા હતા. જે બન્યું એનાથી એમને ખૂબ જ માનહાનિનો અનુભવ થતો હતો. પોતાની પુત્રવધુની સામે જ એ લજ્જિત થઈ ગયા હતા.
એ દિવસે સાંજે એ જમ્યા જ નહીં. રાત્રે મનોમંથન કરીને એમણે કેટલાક નિર્ણયો લીધા. બીજા દિવસે સવારે દસ વાગે એ ઘરેથી કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને એમના એડવોકેટ ગુપ્તા પાસે પહોંચી ગયા અને કેટલાક નવા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા. એ પછી પોતાનું વીલ બનાવ્યું.
ભવિષ્યમાં જ્યારે એમનું મૃત્યુ થાય ત્યારે એ વીલ કાંદીવલીના જાણીતા આર્કિટેક્ટ જૈમિન શાહને આપવાની અને તેમની સામે જ વીલ વાંચી સંભળાવવાની સૂચના એમણે એડવોકેટને આપી. જૈમિન શાહનું પૂરું એડ્રેસ અને ફોન નંબર પણ લખાવી દીધા. એડવોકેટને એમની ફી કરતાં પણ વધારે એક લાખ રૂપિયા રોકડા આપી દીધા.
એ પછીના બીજા દિવસે વહેલી સવારે છ વાગે શાલ્વી ઉપર કામિનીબેનનો ફોન આવ્યો.
" શાલુ બેટા તમે લોકો જલ્દી આવો. તારા સસરાએ આત્મહત્યા કરી લીધી છે." એ રડતાં રડતાં બોલી રહ્યાં હતાં.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

