અભિષેક પ્રકરણ 72
શાલ્વી અને અભિષેકે પોતાના ઘરેથી કાયમ માટે વિદાય લીધી એ સાથે જ વલ્લભદાસ શેઠનો જીવનમાંથી રસ ઉડી ગયો હતો. એમને પોતાને પણ અહેસાસ થઈ ગયો હતો કે એમનાથી અઘોર પાપકર્મ થઈ ગયું છે !અભિષેક નવલકથા
એમને એ પણ ખ્યાલ આવી ગયો કે શાલ્વી અને અભિષેકે ભલે એમને માફ કરી દીધા હોય પરંતુ એમની અને પ્રશાંત વૈદ્યની નજરમાંથી તો એ ઉતરી જ ગયા હતા. હવે કોના માટે જીવવું ! એમણે એ જ ક્ષણે જીવન સંકેલી લેવાનો નિર્ણય લઈ લીધો.
એટલા માટે જ પોતાનો વૈભવી ફ્લેટ અને પોતાની બે હોટલોના પેપર્સ તથા બેન્ક એકાઉન્ટ્સની તમામ વિગતો વગેરે લઈને એ એડવોકેટ ગુપ્તા પાસે પહોંચી ગયા હતા. એ બધી વિગતો આપીને એમણે પોતાનું વીલ બનાવી દીધું અને ભવિષ્યમાં એમનું જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે એ વીલ જૈમિન શાહને જ વાંચી સંભળાવવાની એમણે એડવોકેટ ગુપ્તાને ખાસ સૂચના આપી. સ્ટેમ્પ પેપર ઉપર વીલ બનાવીને નોટરાઇઝ પણ કરી દીધું.
એમણે એડવોકેટને પણ ગંધ આવવા ના દીધી કે પોતે આજે રાત્રે જ આત્મહત્યા કરી લેવાના છે. ઘરે રાત્રે જમીને એમણે એમની પત્ની કામિનીને કહી દીધું કે હોટલમાં થોડું કામ હોવાથી જો મોડું થઈ જશે તો આજે રાત્રે એ હોટલમાં જ સૂઈ જશે.
રાત્રે મોડે સુધી એ હોટલની ઓફિસમાં બેસી રહ્યા. એકાદ વાર બહાર ચક્કર પણ મારી આવ્યા. મૃત્યુનો ડર પણ હતો અને દ્રઢ નિર્ણય પણ હતો. રાત્રે બારેક વાગ્યા પછી રિસેપ્શનિસ્ટ મોનિકા પાસે જઈને પોતાને આરામ કરવા માટે કાયમ માટે રિઝર્વ રાખેલા ડિલક્ષ રૂમની ચાવી માગી. આ રૂમ હંમેશાં શેઠ માટે ખાલી રાખવામાં આવતો અને રોજ સાફ સફાઈ થતી.
" મોનિકા મને સવારે છ વાગે ઉઠાડી દેજે. આમ તો હું મોબાઇલમાં પણ એલાર્મ મૂકવાનો જ છું. છતાં જાગી ના શકાય તો વેઈટરને મોકલીને મને જગાડજે. " શેઠ બોલ્યા.
" ઓકે સ્યોર સર. " મોનિકા બોલી.
ચાવી લઈને વલ્લભદાસ એમના ડીલક્ષ રૂમમાં ગયા. વેઈટર પાણીનો જગ અને ગ્લાસ મૂકી ગયો.
" હું સૂઈ જાઉં છું. મને હવે ડિસ્ટર્બ ના કરતો. " વલ્લભદાસે વેઇટરને છેલ્લી સૂચના આપી અને દરવાજો બંધ કર્યો પરંતુ અંદરથી સ્ટોપર ખુલ્લી રાખી.
એ પછી પોતાના આવા અધમ કૃત્ય બદલ ઈશ્વરની સાચા હૃદયથી માફી માગી અને પોતાની સાથે લાવેલું દોરડું પંખા તરફ ફેંકી ગાળિયો બનાવ્યો. રૂમમાં પડેલી ખુરશી બેડ ઉપર ગોઠવી સાચવીને એના ઉપર ચડી ગયા. બીજો છેડો ગળામાં આંટી મારીને ભરાવી દીધો. એ પછી ખુરશીને ધક્કો મારી પાડી દીધી અને પોતે લટકી ગયા. શ્વાસ લીધા વગર ત્રણ મિનિટનો એ તરફડાટ કેવો ભયંકર હોય છે એ એમને સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું !
સવારે છ વાગે રિસેપ્શનિસ્ટ મોનિકાએ એમને ઇન્ટરકોમથી લાંબી રીંગ આપી પણ કોઈ જવાબ ન મળ્યો. બીજીવાર રીંગ આપી. કોઈ જવાબ નહીં. છેવટે એણે વેઈટરને એમના રૂમમાં સરને જગાડવા માટે મોકલ્યા.
વેઇટરે જે જોયું એનાથી એ હેબતાઈ ગયો. એનાથી હળવી ચીસ પડાઈ ગઈ. એ દોડતો રિસેપ્શન પાસે આવ્યો અને મોનિકાને બધી હકીકત કહી. બધો સ્ટાફ ભેગો થઈ ગયો અને હોટલ માલિક વલ્લભદાસના રિઝર્વ રૂમ પાસે આવ્યો. ડેડ બોડીને નીચે ઉતારવાની કોઈની હિંમત ચાલી નહીં. પોલીસ કેસનો પણ બધાને ડર હતો.
રિસેપ્શનિસ્ટ મોનિકાએ અંકિત સરને ફોન કર્યો પરંતુ અંકિતનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. છેવટે એણે શેઠના ઘરે કામિની મેમને ફોન કર્યો. એમણે ફોન ઉપાડ્યો એટલે મોનિકાએ શેઠના આત્મહત્યાના સમાચાર આપ્યા.
કામિનીબેન સમાચાર સાંભળીને એટલાં બધાં હતપ્રભ થઈ ગયાં કે મોનિકાને શું જવાબ આપવો એની કોઈ સૂઝ એમને પડી નહીં.
" અમે આવીએ છીએ." એટલું માંડ માંડ બોલીને એમણે ફોન કાપી નાખ્યો. બીજી જ મિનિટે એમણે પોતાની પુત્રવધુ શાલ્વીને ફોન કર્યો. ચાર પાંચ રીંગો ગયા પછી શાલ્વીએ ફોન ઉપાડ્યો.
" શાલુ બેટા તમે લોકો જલ્દી આવો. તારા સસરાએ આત્મહત્યા કરી લીધી છે. " એ રડતાં રડતાં બોલી રહ્યાં હતાં.
" ઓહ્ નો ! મમ્મી હું પપ્પાને વાત કરું છું. અમે આવીએ છીએ." શાલ્વીને પણ આઘાત લાગ્યો. એ ગભરાઈ ગઈ.
એ તરત જ ઊભી થઈ ગઈ અને બેડરૂમમાંથી બહાર નીકળી. પપ્પાના રૂમ પાસે જઈને મોટેથી પપ્પાને જગાડ્યા. દરવાજે ટકોરા પણ માર્યા.
જૈમિન શાહ ઝડપથી દરવાજો ખોલી રૂમની બહાર આવ્યા.
" પપ્પા મારા સસરાએ આપઘાત કર્યો છે. હમણાં જ મમ્મીનો ફોન આવ્યો. એ આપણને બધાંને બોલાવે છે. હવે શું થશે ? " શાલ્વી બોલી.
" અરે પણ એમણે આવું પગલું શા માટે ભર્યું ? અંકિતકુમારે તને ડિવોર્સ આપી દીધા અને તમે લોકોએ ઘર છોડી દીધું એનો આટલો મોટો આઘાત !! " જૈમિનભાઈ બોલ્યા.
શાલ્વી બિચારી કેવી રીતે કહી શકે કે સાચું કારણ શું હતું ! એ કંઈ બોલી નહીં.
" આપણે તાત્કાલિક જવું પડશે. એમના ઘરમાં હવે કામિનીબેન સિવાય બીજું કોઈ છે જ નહીં. આપણે જ આખો મામલો સંભાળી લેવો પડશે. " જૈમિનભાઈ બોલ્યા.
એમણે તરત જ સામેથી કામિનીબેનને ફોન કર્યો.
" તમે ચિંતા ના કરશો. અમે એકાદ કલાકમાં જ તમારા ઘરે પહોંચી જઈશું." જૈમિનભાઈ બોલ્યા.
" એમણે હોટલના રૂમમાં આત્મહત્યા કરી છે. તમે સનરાઈઝ હોટલે પહોંચો. ડ્રાઇવર રતનને મેં ફોન કર્યો છે. એ આવે એટલે એને લઈને હું પણ ત્યાં જ આવું છું." કામિનીબેન રડમસ અવાજે બોલ્યાં.
" આ પોલીસ કેસ છે એટલે તમે હોટલના સ્ટાફને કહી દો કે પોલીસને જાણ કરે. " જૈમિનભાઈએ સલાહ આપી.
આ વાત અભિષેકને કરવી કે નહીં એની મોટી મૂંઝવણ શાલ્વીને થઈ. કારણ કે અભિષેક અને શાલ્વીએ એમનું ઘર છોડી દીધું છે એ ખબર સ્ટાફને નથી. સ્ટાફ તો હજુ પણ અભિષેકને અંકિત શેઠ જ માનતો હશે !
શાલ્વીએ એના પપ્પા સાથે આ બાબતની ચર્ચા કરી.
" પપ્પા મને લાગે છે કે મારે આ વાત અભિષેકને અત્યારે કરવી જ પડશે. કારણ કે જો આ સમયે અભિષેક અંકિત તરીકે હોટલે નહીં આવે તો હજાર પ્રશ્નો ઊભા થશે. આજે કદાચ કહી દઈએ કે એ વિદેશ ગયા છે પણ એ બહાનું માત્ર આજના દિવસે ચાલી શકે. એમણે આવવું તો પડશે જ. બધાંને સાચી વાત કહેવાનો આ યોગ્ય સમય નથી." શાલ્વી બોલી.
" તારી વાત સાચી છે. હું જ એમને બોલાવી લઉં છું અને આપણે બધાએ સાથે જવું પડશે." જૈમિન શાહ બોલ્યા.
" અભિષેકકુમાર તમે જલ્દી મારા ઘરે આવી જાઓ. તાત્કાલિક આપણે જૂહુ તારા રોડ ઉપર વલ્લભદાસની હોટલે જવું પડશે. એમણે રાત્રે હોટલના રૂમમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસ કેસ પણ થશે. અત્યારે તમારે અંકિત તરીકે જ આવવું પડશે. તમારી સાથે જે પણ બન્યું છે એ હોટલનો સ્ટાફ જાણતો નથી." જૈમિન શાહ બોલ્યા.
અભિષેકને પણ આ વાત સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો. શેઠે જે રમત રમી એનું આટલું ગંભીર પરિણામ આવશે એની એને પણ કલ્પના ન હતી. જે પણ બન્યું તે ખૂબ જ દુઃખદ હતું. શેઠના ઘરમાં હવે શેઠાણી સિવાય બીજું કોઈ છે જ નહીં એટલે એણે જવું જ જોઈએ.
એણે મનોમન પોતાના દિવ્ય ગુરુજીનું સ્મરણ કર્યું અને શાલ્વીના સસરા ગુજરી ગયા છે એવી અંજલીને વાત કરીને ઘરેથી નીકળી ગયો. એ સીધો બોરીવલી મયૂર ટાવર પહોંચી ગયો.
ત્યાંથી જૈમિન શાહની ગાડીમાં જ અભિષેક શાલ્વી સુષ્માબેન અને જૈમિનભાઈ ચારે ય જણાં જૂહુ તારા રોડ ઉપર આવેલી વલ્લભદાસની સનરાઈઝ હોટલે પહોંચી ગયાં.
આ હોટલ ઉપર અભિષેક અંકિત તરીકે અનેક વાર આવી ચૂક્યો હતો. પરંતુ યાદદાસ્ત આવ્યા પછી આ હોટલ પણ એના મગજમાંથી ડીલીટ થઈ ગઈ હતી એટલે હોટલ ક્યાં આવી એની પણ એને ખબર ન હતી. આખો સ્ટાફ એને ઓળખતો હતો પણ એ કોઈ સ્ટાફને ઓળખતો ન હતો.
" અરે સર તમે આવી ગયા ! મેં સવારે સૌથી પહેલો ફોન તમને જ કર્યો હતો પણ સ્વીચ ઓફ આવતો હતો. છેવટે મેં કામિની મેડમને ફોન કર્યો." મોનિકા અભિષેકને અંકિત સમજીને બોલી.
" હા મારો ફોન ડિસ્ચાર્જ થઈ ગયો હતો. " અભિષેક એટલું જ બોલ્યો.
" આ બધું કેવી રીતે થયું ? તમને લોકોને ક્યારે ખબર પડી ? " જૈમિન શાહે મોનિકાને જ પૂછ્યું.
" સર મોટા શેઠ મોડી રાત સુધી પોતાની ઓફિસમાં જ બેઠા હતા. રાત્રે બાર વાગ્યા આસપાસ એમણે મારા પાસે એમના કાયમી રિઝર્વ રૂમની ચાવી માગી અને કહ્યું કે સવારે છ વાગે મને રીંગ આપીને ઉઠાડી દેજે. મેં ચાવી આપી એટલે એ એમના રૂમમાં ગયા. સવારે મેં બે લાંબી રીંગ આપી પણ કોઈ જવાબ ન મળ્યો એટલે વેઇટરને મોકલ્યો ત્યારે એણે આ દ્રશ્ય જોયું. " મોનિકા બોલી.
એટલામાં પોલીસ પણ શેઠે જે રૂમમાં આત્મહત્યા કરી હતી ત્યાં બધી તપાસ કરીને રિસેપ્શન પાસે આવી. અભિષેકે પોતાની અંકિત તરીકે જ ઓળખાણ આપી.
"જુઓ અંકિતભાઈ. આ સ્યુસાઈડ કેસ છે પરંતુ મૃતકના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી છે અને શેઠ પોતે અંગત કારણોસર આ પગલું ભરી રહ્યા છે અને કુટુંબની કોઈ જ વ્યક્તિ એના માટે જવાબદાર નથી એવું ડેક્લેરેશન કરેલું છે. એટલે અમારે તમારા લોકોની સામે કોઈ એક્શન લેવાની નથી. ડેડ બોડીને નીચે ઉતારી દીધી છે. પંચનામુ લખી દીધું છે. તમારી અને સ્ટાફની સાઈન આ સ્ટેટમેન્ટમાં કરી આપો." પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોલ્યો.
એ પછી સબ ઇન્સ્પેક્ટર સાથે આવેલા કોન્સ્ટેબલે પંચનામાનું જે સ્ટેટમેન્ટ લખ્યું હતું એમાં અંકિત, કામિનીબેન, જૈમિનભાઈ, પ્રથમ સાક્ષી વેઇટર અને મોનિકાની સહી લઈ લીધી. એ પછી જૈમિનભાઈએ સબ ઇન્સ્પેક્ટરને એક કવર આપી દીધું. આ એક રૂટીન વ્યવહાર હતો ! પોલીસે વિદાય લીધી.
અભિષેક જે રૂમમાં શેઠની ડેડ બોડી પડી હતી ત્યાં બધાંને લઈને ગયો. કામિનીબેન પોતાના પતિને વળગીને ખૂબ જ રડી પડ્યાં. સુષ્માબેને એમને માંડ માંડ શાંત કર્યાં.
" કામિનીબેન તમારાં કોઈ નજીકનાં સગાંવહાલાં હોય તો એમને તમે ઘરે બોલાવી લો. આપણે ડેડ બોડીને ઘરે જ લઈ જવી પડશે. એ પછી ત્યાંથી સ્મશાન ગૃહે લઈ જવાશે. " જૈમિન શાહ બોલ્યા.
" અમારાં નજીકનાં તો કોઈ સગાં છે જ નહીં. એમના દૂરના કાકાનો એક દીકરો છે એને હું સમાચાર આપી દઉં છું." કામિનીબેન બોલ્યાં અને એક બાજુ જઈને એને ફોન કરી દીધો.
આ બધી વિધિ પતાવતાં સવારના નવ વાગી ગયા હતા. હોટલનો મેનેજર સુધીર પણ આવી ગયો હતો. અભિષેકે એમ્બ્યુલન્સ બોલાવીને શેઠની ડેડ બોડીને સ્ટાફની મદદથી એમાં ગોઠવી દીધી અને પોતે પણ જોડે બેસી ગયો. સ્ટાફના ત્રણ ચાર માણસો અને બાકીના લોકો પોત પોતાની રીતે લક્ષ્મી વિલા એપાર્ટમેન્ટ પહોંચી ગયા.
બધા પડોશીઓ ભેગા થઈ ગયા. રાત્રે હોટલમાં હાર્ટ એટેક આવી ગયો એવા સમાચાર હાલ પૂરતા પડોશમાં કહી દીધા.
જરૂરી વિધિ કરીને એકાદ કલાક પછી શબવાહિનીમાં વલ્લભદાસ શેઠની ડેડબોડી પવનહંસ સ્મશાન ગૃહ લઈ જવામાં આવી. કામિનીબેન શાલ્વી અને સુષ્માબેન સિવાય તમામ પુરુષો સાથે ગયા. વલ્લભદાસનો દેહ એકાદ કલાકમાં પંચમહાભૂતમાં ભળી ગયો.
ઘરે આવ્યા પછી તમામ પડોશીઓ અને સગાંઓ વચ્ચે અભિષેકે બે દિવસ પછી રવિવારે સવારે નવ વાગે એમની જ હોટલના બેન્કવેટ હોલમાં બેસણું રાખવાની જાહેરાત કરી. એ પછી તમામ લોકોએ વિદાય લીધી.
અભિષેકે સ્ટાફના મેનેજર તેમજ જે સ્ટાફ મેમ્બર્સ આવ્યા હતા એમને ખાસ સૂચના આપી કે કોઈએ પણ આત્મહત્યાની વાત કરવી નહીં. કોઈ પૂછે તો સરને હાર્ટ એટેક આવ્યો હતો એ રીતે જ વાત કરવી.
હવે ઘરમાં માત્ર કામિનીબેન, જૈમિન શાહ, સુષ્માબેન, શાલ્વી અને અભિષેક રહ્યાં. હમણાં તેર દિવસ સુધી જૈમિનભાઈનો પરિવાર અહીં જ રોકાય એવું નક્કી થયું. અભિષેકે રોજ આવન જાવન કરવાનું નક્કી કર્યું જેથી બેસવા આવનારને એવું ના લાગે કે અંકિત કેમ દેખાતો નથી.
વલ્લભદાસ શેઠના બેસણાની ન્યુઝ પેપર્સમાં જાહેરાત થઈ એટલે શેઠના એડવોકેટ ગુપ્તાને પણ જાણ થઈ ગઈ કે વલ્લભદાસ શેઠ આ દુનિયામાં નથી. એને ખૂબ જ આશ્ચર્ય થયું અને પાકી ખાતરી થઈ ગઈ કે આ હાર્ટ એટેક નહીં પણ આત્મહત્યા જ લાગે છે. જો કે એનાથી એને કોઈ ફરક પડતો ન હતો. બેસણામાં એણે હાજરી આપી અને જૈમિન શાહને પણ શોધી લીધા.
" આ મારું કાર્ડ છે. બેસણું પતી જાય પછી તમારી અનુકૂળતાએ જરા મને ફોન કરજો ને ! " ગુપ્તા ધીમેથી એટલું જ બોલ્યા અને બહાર નીકળી ગયા.
સાડા અગિયાર વાગે બેસણું પતી ગયું એ પછી જૈમિન શાહ બધાંને લઈને લક્ષ્મી વિલા ફ્લેટમાં પાછા આવી ગયા.
ઘરે આવ્યા પછી એમણે એડવોકેટ ગુપ્તાને ફોન કર્યો.
" ગુપ્તાજી... હું જૈમિન શાહ. તમે મને ફોન કરવાનું કહેલું. " જૈમિનભાઈ બોલ્યા.
" મારે તમને મળવું છે. વલ્લભદાસ શેઠ મારા ક્લાયન્ટ હતા. હું એમનો એડવોકેટ છું. શેઠે આત્મહત્યા કરી એ જ દિવસે પોતાનું વીલ બનાવેલું છે અને મને કહેતા ગયા છે કે મારા મૃત્યુ પછી આ વીલ જૈમિન શાહને વાંચી સંભળાવવું. એટલે પરિવારના બધા સભ્યો અને તમે પોતે હાજર હો એવા સમયે મને ફોન કરી દેજો. હું ઘરે આવી જઈશ. " ગુપ્તા બોલ્યા.
આત્મહત્યા શબ્દ સાંભળીને જૈમિન શાહ ચમકી ગયા. એમણે તો બધે જ હાર્ટ એટેકની વાત ફેલાવી હતી તો પછી આ એડવોકેટને કેવી રીતે જાણ થઈ !
" આત્મહત્યા !! એમને તો હાર્ટએટેક આવ્યો હતો. " જૈમિન શાહ બોલ્યા.
" જૈમિનભાઈ ... મારી ઉંમર પાંસઠ વર્ષની છે. તમે ના જણાવો તો પણ મને ખ્યાલ આવી જ જાય. દિવસે માણસ વીલ બનાવે અને એ જ રાત્રે હાર્ટ એટેક આવી જાય એ કઈ રીતે શક્ય બને ! અને આત્મહત્યા કરી હોય તોય મને કોઈ ફરક પડતો નથી અને મારે કોઈને કહેવાનું પણ નથી. મારે મારા કામથી મતલબ છે." ગુપ્તા બોલ્યા.
" તો પછી આજે રાત્રે જ તમે આવી જાઓ. દિવસે કોઈને કોઈની અવર જવર ચાલુ હોય છે એટલે મજા નહીં આવે. " જૈમિન શાહ બોલ્યા.
" ઓકે. તો રાત્રે નવ વાગે બધાને હાજર રાખજો. હું સમયસર ત્યાં આવી જઈશ." એડવોકેટ બોલ્યા અને વાતચીત પૂરી થઈ.
" એડવોકેટનો ફોન હતો. વલ્લભદાસ પોતાનું વીલ બનાવીને ગયા છે અને એડવોકેટ ગુપ્તા આજે રાત્રે નવ વાગે અહીં આવીને વીલ બધાને વાંચી સંભળાવશે માટે સૌએ હાજર રહેવું પડશે. અભિષેક તમે પણ નવ વાગે અહીં હાજર રહેજો. " જૈમિન શાહ પરિવારના બધા સભ્યો સાંભળે એ રીતે બોલ્યા.
" પપ્પા વીલ બનાવીને ગયા છે ? " શાલ્વી આશ્ચર્યથી બોલી.
" સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જે રાત્રે એમણે આત્મહત્યા કરી એ જ દિવસે એમણે વીલ બનાવ્યું છે. એટલે કે દિવસે વીલ બનાવ્યું અને રાત્રે આત્મહત્યા કરી લીધી. અચાનક જ આ નિર્ણય એમણે લીધો લાગે છે. જોઈએ હવે વીલમાં શું લખ્યું છે ! " જૈમિનભાઈ બોલ્યા.
વીલમાં શું લખ્યું છે એ શબ્દો સાંભળીને શાલ્વી પાછી ટેન્શનમાં આવી ગઈ. પોતાના સસરાએ જે ગંદી રમત રમી તેનો ઉલ્લેખ જો વીલમાં કર્યો હશે તો પપ્પાને બધી ખબર પડી જશે. પોતે આ વાત પપ્પાથી છાની રાખી છે અને બીજી જ સ્ટોરી બનાવી છે. પપ્પા તો હજુ પણ પોતાના સસરાને નિર્દોષ માને છે.
" મને લાગે છે કે આપણે વીલ વંચાય ત્યારે પ્રશાંત સરને પણ સાથે રાખવા જોઈએ. શરૂઆતથી જ આપણા પરિવારમાં એમણે અંગત રસ લીધો છે અને આજ સુધી એમણે પોતાની સેવાઓ આપી છે. " અભિષેક બોલ્યો.
" ડિટેક્ટિવ પ્રશાંતભાઈને શા માટે હાજર રાખવા પડે ? " જૈમિનભાઈ આશ્ચર્યથી બોલ્યા.
" પપ્પા અભિષેકની વાત સાચી છે. અમે તમને પૂરી વાત નથી કરી પણ પ્રશાંત સરનો અમારા બંનેના જીવનમાં મોટો ફાળો છે. " શાલ્વીએ અભિષેકની વાતને સપોર્ટ આપ્યો.
અને અભિષેકે પ્રશાંત સરને વલ્લભદાસની આત્મહત્યાની વાત કરી અને વીલ વખતે હાજર રહેવાની વિનંતી પણ કરી.
પ્રશાંત સાડા આઠ વાગ્યે જ લક્ષ્મી વિલા આવી ગયો અને એણે આવીને સૌ પ્રથમ વલ્લભદાસના મૃત્યુ માટે દુઃખ વ્યક્ત કર્યું.
છેવટે રાત્રે નવ વાગે એડવોકેટ ગુપ્તા પણ વલ્લભદાસના ફ્લેટમાં આવી ગયા.
" જૈમિનભાઈ વલ્લભદાસ શેઠે આ વીલ તમને સંબોધીને કર્યું છે. એટલે તમને ખાસ હાજર રાખ્યા છે. વીલમાં જે પણ લખ્યું છે એનો અમલ તમારે કરાવવાનો છે. " ગુપ્તાજી બોલ્યા.
કુટુંબના તમામ સભ્યોના ચહેરા ઉપર ઈંતેજારી હતી. વલ્લભદાસે વીલ શા માટે બનાવ્યું હશે ! વીલમાં શું લખ્યું હશે !! દરેકના મનમાં આ જ સવાલો હતા.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

