અભિષેક (Abhishek Novel Part-73)

Related

અભિષેક પ્રકરણ 73

" જૈમિનભાઈ વલ્લભદાસ શેઠે આ વીલ તમને સંબોધીને કર્યું છે. એટલે તમને ખાસ હાજર રાખ્યા છે. વીલમાં જે પણ લખ્યું છે એનો અમલ તમારે કરાવવાનો છે. " ગુપ્તાજી બોલ્યા.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" હા તમે શરૂ કરી શકો છો. શેઠની વીલમાં લખેલી તમામ ઈચ્છા પૂરી કરવાની હું ખાત્રી આપું છું." જૈમિન શાહ બોલ્યા.

એ પછી ગુપ્તાજીએ સીલ કવર બધાની હાજરીમાં તોડીને વલ્લભદાસ શેઠનું વીલ વાંચવાનું શરૂ કર્યું.

" હું વલ્લભદાસ ગોપાલદાસ શેઠ આજરોજ સંપૂર્ણ હોશોહવાસમાં કોઈપણ જાતના દબાણ વગર મારી પોતાની ઈચ્છાથી આ વીલ બનાવી રહ્યો છું.

મારું જો મૃત્યુ થાય તો મારી તમામ સ્થાવર મિલકતના ટ્રસ્ટી તરીકે હું મારા વેવાઈ જૈમિનભાઈ રમણિકલાલ શાહની નિમણૂક કરું છું અને આ વીલમાં લખેલી તમામ સ્થાવર મિલકતની મારી ઈચ્છા પ્રમાણે વહેંચણી કરવાની સત્તા હું મારા વેવાઈ જૈમિનભાઈ શાહને આપું છું.

મારી પાસે ત્રણેય બેંકના બિઝનેસ એકાઉન્ટમાં લગભગ અઠ્ઠાવીસ કરોડ તેમજ ચાર કરોડ મારા પોતાના ખાતામાં પડેલા છે. આ રીતે બેંકમાં કુલ બત્રીસ કરોડ આસપાસની રકમ છે અને એ સિવાય ત્રણેક કરોડ રોકડા મારા બેડરૂમની તિજોરીમાં છે. આ સિવાય મારા લોકરમાં લગભગ પચાસ તોલા જેવું સોનું છે.

મારી સ્થાવર મિલકતમાં હું જે રહું છું તે ૨૪૦૦ ચો.ફૂ. નો લક્ષ્મી વિલા એપાર્ટમેન્ટનો ફ્લેટ મારી પોતાની સ્વ ઉપાર્જિત મિલકત છે. એ સિવાય જૂહુ તારા રોડ ઉપર આવેલી મારી સનરાઈઝ હોટલ તથા સુરતમાં રેસકોર્સ રોડ ઉપર આવેલી હોટલ કૃષ્ણા પણ મારી પોતાની મિલકત છે.

મારા પરિવારમાં મારી પત્ની કામિની છે. મારો એકનો એક પુત્ર અંકિત સન્યાસી બની ગયો હોવાથી એનો કોઈપણ જાતનો હક દાવો મારી સ્થાવર કે જંગમ મિલકત ઉપર રહેતો નથી.

મારી પત્ની કામિની જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી બંને હોટલની કુલ આવકમાંથી દર મહિને બે લાખ કામિનીને આપવા જ્યારે બાકીની રકમ હોટલના એકાઉન્ટમાં જમા રાખવી.

મારી બંને હોટલોના એકાઉન્ટમાં કુલ ૨૮ કરોડ પડેલા છે એમાંથી ૧૦ કરોડ હું મારી એકમાત્ર વારસદાર પુત્રવધુ શાલ્વીને આપી રહ્યો છું અને એના જુદી જુદી તારીખના દસ ચેક પણ આ સાથે બીડેલા છે. બાકીની રકમ હોટલના એકાઉન્ટમાં જમા રહેશે. મારો આ લક્ષ્મી વિલા એપાર્ટમેન્ટનો ફ્લેટ પણ હું શાલ્વીના નામે ટ્રાન્સફર કરી રહ્યો છું.

અભિષેકને મેં મારો પુત્ર અંકિત જ માનેલો છે એટલે બંને હોટલો હું એના નામ ઉપર કરી રહ્યો છું અને એ માટેના તમામ દસ્તાવેજ મેં એડવોકેટ ગુપ્તાને સહી કરીને આપી દીધા છે. હોટલોના બેન્ક એકાઉન્ટમાં માલિક તરીકે મારા બદલે અભિષેકનું નામ દાખલ થાય એ માટે મારી સાઇન કરેલાં જરૂરી ફોર્મ પણ આ સાથે સામેલ છે. હોટલના બિઝનેસ એકાઉન્ટમાં વધેલા બાકીના ૧૮ કરોડની માલિકી અભિષેકની રહેશે.

મારા પોતાના ખાતામાં પડેલા ચાર કરોડ હું અભિષેકને આપું છું. અને એના એક એક કરોડના ચાર ચેક પણ મેં આ સાથે બીડેલા છે. બેડરૂમની તિજોરીમાં પડેલા ત્રણ કરોડ રોકડા ઈમરજન્સી ફંડ તરીકે રાખેલા છે અને એ અભિષેક હોટલના ખર્ચા પેટે એની મરજી મુજબ વાપરી શકે છે.

મારી ઈચ્છા મારો વંશ આગળ ચાલે એવી છે અને એટલે અંકિત આઠ મહિના સુધી મારો પુત્ર રહ્યો હોવાથી આગળ પણ મારા પુત્ર તરીકેની બધી ફરજ બજાવે, મારી હોટલ સંભાળે અને શાલ્વીનો પણ સ્વીકાર કરે તો મારા આત્માને આનંદ થશે. કાયદાની દ્રષ્ટિએ અભિષેક અને શાલ્વીનાં લગ્ન શક્ય ન હોય તો પણ શાલ્વીને અભિષેકથી એક સંતાન જન્મે એવી મારી અંતિમ ઈચ્છા છે. મારા વેવાઈ જૈમિનભાઈ પણ મારી આ ભાવનાને સમજી શકશે તો આનંદ થશે.

શાલ્વીને હું વિનંતી કરું છું કે હવે આ ફ્લેટ એનો જ હોવાથી એ જલ્દી મારા ઘરે પાછી આવી જાય અને કામિનીની સંભાળ રાખે.

મેં કમાવેલા કરોડો રૂપિયા અને મેં વસાવેલી તમામ મિલકત હું અહીં જ છોડીને જાઉં છું. ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જાઉં છું. માત્ર મારાં કર્મો જ મારી સાથે છે. આ જ પરમ સત્ય છે એ હું આજે સમજી શક્યો છું.

સહી... વલ્લભદાસ ગોપાલદાસ શેઠ.

એડવોકેટ ગુપ્તાએ વીલ વાંચીને બધાંની સામે જોયું. જૈમિન શાહ ઊંડા વિચારમાં પડી ગયા હતા. શાલ્વી પોતાના સસરાની આટલી ઉદાર ભાવનાથી આશ્ચર્યચકિત હતી. છેલ્લે છેલ્લે વલ્લભદાસે જે ઈચ્છા વ્યક્ત કરી હતી એનાથી અભિષેકના ચહેરા ઉપર મૂંઝવણના ભાવ હતા.

વલ્લભદાસનું વીલ સાંભળીને પ્રશાંતને કોઈ જ આશ્ચર્ય થયું ન હતું. એણે વીલમાં આવી જ કોઈ વાત નીકળશે એવી ગણત્રી રાખી હતી જે સાચી પડી હતી !

" મારું કાર્ય અહીં પૂરું થાય છે જૈમિનભાઈ. હવે તમારે બધું જોવાનું છે. આ સાથે બેંકની પાસબુકો, ચેકબુકો, જરૂરી તમામ પાવર ઓફ એટર્ની અને એકાઉન્ટ ટ્રાન્સફરનાં સહી કરેલાં ફોર્મ વગેરે તમને આપી જાઉં છું. શેઠે આત્મહત્યા કેમ કરી એ મને હજુ પણ સમજાતું નથી. મને મળવા આવ્યા ત્યારે એકદમ નોર્મલ હતા. એમણે નિર્ણય લઈ લીધો હશે એટલા માટે જ તાત્કાલિક વીલ બનાવી દીધું. " ગુપ્તા બોલ્યા અને ઊભા થયા.

" તમારાથી એમ ચા પાણી પીધા વગર જવાય નહીં ગુપ્તા સાહેબ. " જૈમિનભાઈ બોલ્યા.

" આજે મને માફ કરી દેજો. તમારા ઘરે સૂતક હોવાથી હું ચા નહીં પી શકું." ગુપ્તા બોલ્યા અને બે હાથ જોડી બહાર નીકળી ગયા.

આ બધાંની વચ્ચે કામિનીબેન પતિના શોકમાં ગમગીન બનીને બેઠાં હતાં. વીલ એમણે સાંભળ્યું હતું પરંતુ એનાથી એમને કોઈ જ ફરક પડ્યો ન હતો. પતિની મરજી એ જ પોતાની મરજી એ ભાવ રાખ્યો હતો.

" ચાલો હવે હું રજા લઉં અભિષેક. વીલ મારી ગણત્રી પ્રમાણેનું જ છે. એના વિશે વધુ કોઈ કોમેન્ટ આપણે ના કરી શકીએ. જે થઈ ગયું તે થઈ ગયું પરંતુ શેઠે આ વીલ સાથે જ પ્રાયશ્ચિત કરી લીધું છે. " પ્રશાંત બોલ્યો અને એણે રજા લીધી.

વલ્લભ શેઠના મૃત્યુને તેર દિવસ પૂરા થઈ ગયા. અભિષેકે એક પુત્રની જેમ અંકિત બનીને શેઠનું ક્રિયાકર્મ કર્યું અને પિંડદાન પણ આપ્યું. જમણવાર કરવાના બદલે ગૌશાળામાં શેઠની પાછળ એક લાખનું દાન આપ્યું.

" કામિનીબેન હવે અમે બધાં રજા લઈએ છીએ. કાલથી શાલ્વી અહીં રહેવા આવી જશે. દરેકની વિદાય એક દિવસ નક્કી જ હોય છે. આપણે એમની પાછળ તમામ વિધિવિધાન અને દાન પણ કર્યું છે. હવે શોક પાળવાનો કોઈ મતલબ નથી. તમને જ્યારે પણ મન થાય ત્યારે અમારા ઘરે પણ આવીને રહી શકો છો. " સુષ્માબેન બોલ્યાં.

" જે પણ ભૂલ એમનાથી થઈ ગઈ એના માટે એમને માફ કરી દેજો. " કામિનીબેન બે હાથ જોડીને બોલ્યાં અને રડી પડ્યાં.

" એ બધી વાતો હવે ભૂલી જાઓ બેન. અમને એમના માટે કે તમારા માટે કોઈ ફરિયાદ નથી. " જૈમિનભાઈ બોલ્યા અને બધા એક સાથે જ બહાર નીકળ્યા.

બંને ગાડીઓ બોરીવલી મયૂર ટાવર લઈ લીધી. એ સમયે બપોરના બે વાગ્યા હતા.

" તમે સાંજ સુધી અહીં રોકાઈ જાઓ. અમુક વાતો એમના ઘરમાં ના થઈ શકે. આપણે કેટલીક ચર્ચા કરવી જરૂરી છે. અત્યારે તમે થોડો આરામ કરી લો. આપણે ચારેક વાગ્યે બેસીએ. મારે થોડું કામ છે એટલે હું બહાર જઈને આવું છું. " જૈમિન શાહ બોલ્યા.

અભિષેક આરામ કરવા માટે શાલ્વીના બેડરૂમમાં સૂઈ ગયો. શાલ્વી એની મમ્મી સાથે એમના રૂમમાં સૂઈ ગઈ.

ચારેક વાગે ચા પાણી પીને બધાં ડ્રોઈંગ રૂમમાં ભેગાં થયાં.

" વલ્લભદાસ શેઠનું વીલ વાંચ્યા પછી પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે ડૉક્ટર સાહેબ. શેઠે ૧૦ કરોડ રૂપિયા શાલ્વીને આપ્યા એ વાતનું મને બહુ જ આશ્ચર્ય છે. તમે પણ હવે બેઉ હોટલના માલિક બની ગયા છો. મારે હવે રજીસ્ટ્રાર ઓફિસમાં જઈને ફ્લેટ શાલ્વીના નામે કરાવી દેવો પડશે. જ્યારે હોટલની પ્રોપર્ટી તમારા નામે કરાવવી પડશે. અત્યારે બધું વલ્લભદાસના નામે ચાલે છે." જૈમિન શાહ બોલ્યા.

" સુરતની હોટલ તો પપ્પા વેચી દેવા માગતા હતા. જે પાર્ટી લેવાલ છે એનો નંબર પણ પપ્પાની ડાયરીમાં છે. અહીં બેઠા બેઠા સુરતની હોટલ સંભાળી શકાતી નથી એટલે હું માનું છું આપણે એ હોટલ વેચી નાખવી જોઈએ." શાલ્વી બોલી.

" શાલ્વીની વાત સાચી છે અંકલ. મને પણ એ હોટલમાં કોઈ રસ નથી. મારા માટે તો હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે મારે મારી હોસ્પિટલ ચલાવવી કે જૂહુની આ સનરાઈઝ હોટલ ! બંને બિઝનેસ એક સાથે સંભાળી શકાય નહીં. " અભિષેકે પોતાનો અભિપ્રાય આપ્યો.

" તમને વાંધો ના હોય તો જૂહુની સનરાઈઝ હોટલ હું ચલાવું. મારો પણ સમય પસાર થશે. મને પોતાને પણ હોટલમાં બેસવું ગમે છે. હોટલનું મેનેજમેન્ટ તો મેનેજર સુધીર કરતો જ હોય છે. મારે ત્યાં કંઈ ખાસ કરવાનું રહેતું નથી." શાલ્વી બોલી.

" તું ચલાવતી હોય તો અતિ ઉત્તમ. અને એમાં મને શું કામ વાંધો હોય ! આ હોટલ મારા એકલાની નથી શાલ્વી. હોટલની માલિકી ભલે મારી હોય પરંતુ તારો પણ એટલો જ હક્ક છે. હું તારો અંકિત બન્યો એટલા માટે મને આ હોટલ મળી છે. " અભિષેક શાલ્વીની સામે જોઈને બોલ્યો.

" તો ફરી પાછા તમે મારા અંકિત બની જાઓ ને ! તમારા વગર ચેન નથી પડતું. " શાલ્વીને કહેવાનું મન થઈ ગયું પરંતુ એ ચૂપ રહી.

" શેઠ વલ્લભદાસની અંતિમ ઈચ્છા પણ તમારે યાદ રાખવાની છે અભિષેકકુમાર. જેમણે તમને આટલું બધું આપ્યું એમનું માન પણ રાખવું પડશે ને ! " જૈમિનભાઈ બોલ્યા એટલે શાલ્વી શરમાઈ ગઈ.

" વલ્લભદાસે વીલમાં આ ઈચ્છા પ્રગટ કરીને મને મૂંઝવણમાં મૂકી દીધો છે અંકલ. છતાં અત્યારે હું કોઈ જવાબ આપતો નથી. મારે આ બાબતે અંજલી સાથે પણ ખુલ્લા દિલથી ચર્ચા કરવાની બાકી છે. અત્યારે એને છેલ્લો મહિનો ચાલે છે એટલે આ બાબતમાં એકાદ મહિના પછી વિચાર કરીશ. " અભિષેક બોલ્યો.

" એકાદ મહિનાનો મને કોઈ વાંધો નથી કુમાર પરંતુ શાલ્વી તમારી થઈ ચૂકી છે. આઠ મહિના સુધી તમારી પત્ની રહી ચૂકી છે. નિયતિએ જ આ સંજોગો ઊભા કર્યા છે. તમારી એના પ્રત્યેની પણ ફરજો છે અને હવે તો વલ્લભદાસ પણ તમારું અને શાલ્વીનું સંતાન ઈચ્છે છે. એટલે આ બાબત ઉપર ગંભીરતાથી વિચાર કરજો." જૈમિન શાહ બોલ્યા.

સાંજે જમ્યા પછી રાત્રે આઠ વાગે અભિષેક પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.

" હાશ હવે આજે હું ફ્રી થયો. અંકિત મારો પોતાનો સગો ભાઈ છે એટલે તેર દિવસ સુધીની બધી જવાબદારી મારા ઉપર પણ હતી. શેઠની પાછળનું બધું જ ક્રિયાકર્મ અમે પતાવી દીધું. " રાત્રે ઘરે આવીને ડ્રોઈંગ રૂમમાં બેસી અભિષેક અંજલી અને વીણામાસી સાથે વાત કરી રહ્યો હતો.

અભિષેકે હજુ સાચી વાત પોતાના ઘરે કરી જ ન હતી. અંકિત સન્યાસી થઈ ગયો છે અને પોતાની યાદદાસ્ત જતી રહેવાથી એ શાલ્વીના પતિ તરીકે એના જ ઘરમાં આઠ મહિના સુધી રહ્યો હતો એ વાત અભિષેકના ઘરમાં કોઈ જ જાણતું ન હતું. એટલે જ્યાં સુધી ડિલિવરી ન થાય ત્યાં સુધી અભિષેક શાલ્વી વિશે કે વલ્લભ શેઠના વીલ વિશે કોઈ ચર્ચા કરવા માગતો ન હતો.

" હા પણ અંકિત પોતે ઘરમાં હોય પછી તારે એમના ઘરે આટલી બધી દોડધામ કરવાની શું જરૂર બેટા ! ઘરમાં પ્રેગનેન્ટ વહુ હોય અને તું દિવસ રાત ત્યાં રહેતો હોય એ સારું કહેવાય ? આઠ મહિના પછી તું ઘરે આવ્યો છે છતાં તારા આવ્યા પછી પણ અંજલી તો બિચારી એકલી જ દિવસો પસાર કરે છે !" વીણામાસીએ પોતાની નારાજગી વ્યક્ત કરી.

" મારી મજબૂરી હતી માસી. અંકિતે બધી જ જવાબદારી મને સોંપી હતી. પણ હવે તો હું આવી ગયો છું ને ! હવે હું ક્યાંય જવાનો નથી. " અભિષેક બોલ્યો. એની પાસે બીજો કોઈ જવાબ જ ન હતો.

અભિષેકે એ રાત્રે અંજલીની ફરી માફી માગી અને હવે એની સંપૂર્ણ સંભાળ રાખવાની ખાત્રી પણ આપી. એને ખૂબ જ વહાલ કરીને સૂવાડી દીધી પરંતુ પોતે વિચારોમાં ખોવાઈ ગયો.

મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી. શાલ્વી મારા જીવનમાં શા માટે આવી ! વલ્લભદાસે મારી પાસેથી શાલ્વીના સંતાનની ઈચ્છા કેમ પ્રગટ કરી !! મારે અંજલીને ન્યાય આપવો કે શાલ્વીને ! શાલ્વીના પપ્પા પણ શાલ્વી સાથે સંબંધ રાખવા માટે મારી ઉપર પ્રેશર કરી રહ્યા છે ! અને શાલ્વી ક્યારે પ્રેગનેન્ટ થાય એની કોઈ સમય મર્યાદા પણ નથી – અનેક સવાલો અભિષેકના મનનો કબજો લઈ રહ્યા હતા.

બીજા દિવસે વહેલી સવારે એ પોતે ચાર વાગ્યે ઉઠી ગયો અને ધ્યાનમાં બેસી પોતાના ગુરુજીને ખૂબ જ યાદ કર્યા. વારંવાર પ્રાર્થના કરી છતાં આજે ગુરુજી તરફથી કોઈ જ પ્રતિસાદ ના મળ્યો. એને ખ્યાલ આવી ગયો કે વારંવાર હવે ગુરુજી મારા એક ના એક સવાલોના જવાબો નહીં આપે. એકવાર પ્રત્યક્ષ પ્રગટ થઈને જે કહેવાનું હતું એ એમણે કહી દીધું હતું કે આ બધા પાછલા જન્મોના ઋણાનુબંધ છે. એકાદ કલાક ધ્યાન કર્યા પછી એ ઉભો થયો અને નાહી ધોઈને ગાયત્રીની ૧૧ માળા કરી. એ પછી એને શાંતિ મળી.

ગાયત્રી મંત્રનો એ પ્રભાવ છે કે ધ્યાનથી એ મંત્રને કરવાથી સીધો સૂર્ય સાથે સંબંધ થઈ જાય છે. યુનિવર્સ સાથે સંબંધ થઈ જાય છે અને એટલા માટે મનનો અંધકાર દૂર થઈ જાય છે અને એક નવા ઉત્સાહનો અનુભવ થાય છે ! तमसो मा ज्योतिर्गमय ।

ધ્યાનમાં આજે ગુરુજીનો સંપર્ક ના થઈ શક્યો એટલે અભિષેકે ઋષિકેશ અંકલને મળવાનો નિર્ણય લીધો. યાદદાસ્ત પાછી આવી ગયા પછી આમ પણ એમને રૂબરૂ મળવાનું થયું ન હતું.

" અંકલ હું અભિષેક બોલું. મારે તમને મળવું છે. કેટલા વાગે ફાવશે ? " સવારે સાડા આઠ વાગે અભિષેકે ફોન કર્યો.

" હું તો આખો દિવસ લગભગ ઘરે જ હોઉં છું. તમને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે આવી શકો છો. " ઋષિકેશ અંકલ બોલ્યા.

" તો પછી સાંજે ચાર વાગે તમને મળવા માટે આવું છું. " અભિષેક બોલ્યો.

અને બપોરે થોડો આરામ કરીને અભિષેક ચાર વાગે ઋષિકેશ અંકલના ઘરે પહોંચી ગયો.

" આવો ડોક્ટર સાહેબ. ઘણા લાંબા સમય પછી આપણે મળીએ છીએ. " ઋષિકેશ અંકલ બોલ્યા.

" હા અંકલ. આ દિવાળી નહીં પણ ગઈ દિવાળી વખતે આપણે મળેલા. સવા વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો. " અભિષેક બોલ્યો.

" કેમ છો ડોક્ટર સાહેબ ? " વાતચીત ચાલતી હતી ત્યાં શિવાની પાણીનો ગ્લાસ લઈને અંદરથી આવી અને બોલી.

" બસ હું તો એકદમ મજામાં છું. તમે કેમ છો ? " અભિષેક હસીને બોલ્યો.

" બસ... એ જ રૂટિન લાઇફ ચાલ્યા કરે છે." શિવાનીએ જવાબ આપ્યો અને ખાલી ગ્લાસ લઈને અંદર ગઈ.

" અંકલ ઘણી બધી મૂંઝવણો લઈને તમારી પાસે આજે આવ્યો છું. મારા જીવનમાં ઘણું બધું બની ગયું છે. રાજકોટ છોડીને મુંબઈ આવતી વખતે મારું અપહરણ થઈ ગયું અને એ દુર્ઘટનામાં મારી યાદદાસ્ત પણ ચાલી ગઈ. એ પછી આઠ મહિના સુધી હું મારા જોડીયા ભાઈ અંકિતનું જીવન જીવી ગયો અને એની પત્ની શાલ્વી સાથે સંસાર પણ માણ્યો. બધું જ અજાણતાં થયું." અભિષેક બોલી રહ્યો હતો.

" જૂહુમાં વલ્લભદાસ શેઠના ફ્લેટમાં હું રહેતો હતો. વલ્લભદાસનો દત્તક લીધેલો મારો સગો ભાઈ અંકિત સન્યાસી બની ગયો હતો એટલે અમારા બંને ભાઈઓનો ચહેરો એક જ હોવાથી એમણે જાણી જોઈને મને અંકિત બનાવી એમના ઘરમાં ગોઠવી દીધો. મારી યાદદાસ્ત ચાલી ગઈ હોવાથી એમણે ગેરલાભ લીધો. આઠ મહિના સુધી અંકિત તરીકે એમની હોટલ પણ મેં ચલાવી." અભિષેક બોલ્યો.

" તમે અંકિત બનીને જૂહુ રહેતા હતા એ માહિતી તો મારી પાસે હતી. શાલ્વીને પણ સાગર રેસ્ટોરન્ટમાં જોયેલી છે. જૈમિન શાહ મારા મિત્ર છે અને એમણે જ તમારા નવા ફ્લેટનું ઇન્ટિરિયર કરેલું છે. " ઋષિકેશ અંકલ બોલ્યા.

" હા અંકલ. એ બધી ખબર મને ભાનમાં આવ્યા પછી પડી. મને અંકિતમાંથી અભિષેક બનાવવા માટે ડિટેક્ટિવ પ્રશાંત વૈદ્યનો બહુ મોટો ફાળો છે. અને સાવ સાચું કહું તો શાલ્વી અંજલીની ફ્રેન્ડ હોવાથી એણે પણ મારી યાદદાસ્ત પાછી લાવવા માટે પ્રશાંત સરને સંપૂર્ણ સપોર્ટ આપ્યો અને એમની સાથે મને છેક રાજકોટ લઈ ગઈ. ત્યાં એક અકસ્માતમાં મારી યાદદાસ્ત પાછી આવી ગઈ પરંતુ છેલ્લા આઠ મહિનાનો મારો બધો જ ભૂતકાળ ડીલીટ થઈ ગયો." અભિષેક બોલતો હતો.

" હું શાલ્વીને પણ ઓળખતો ન હતો. હું જાણે અત્યારે જ રાજકોટ છોડીને મુંબઈ જઈ રહ્યો હોઉ એવું મને લાગતું હતું. એ તો પ્રશાંત સરે મને બધી વાત વિગતવાર કહી અને મારા મનમાં બરાબર ઠસાવ્યું કે એ ઘટનાને તો આઠ મહિના પસાર થઈ ગયા છે અને અંજલીને પણ આઠમો મહિનો ચાલે છે. અંકલ બસ મારી મૂંઝવણ હવે અહીંથી જ શરૂ થાય છે." અભિષેક બોલ્યો.

" શાલ્વી આઠ મહિના સુધી મારી પત્ની રહી હોવાથી અને દરરોજ મારી સાથે શારીરિક સંબંધો થયા હોવાથી એ મને છોડી દેવા માગતી નથી. એ હવે બીજે લગ્ન કરવા પણ માગતી નથી. એ પણ ભરયુવાન અવસ્થામાં છે એટલે એના પણ આવેશો છે. અરે એના પપ્પા પણ અમારો સંબંધ ચાલુ રહે એમ ઈચ્છે છે. " અભિષેક બોલી રહ્યો હતો.

" અંકલ એ બધું તો ઠીક પરંતુ ૧૫ દિવસ પહેલાં વલ્લભદાસે આત્મહત્યા કરી લીધી છે અને આત્મહત્યા કરતાં પહેલાં એમણે વીલ બનાવ્યું છે. એમાં પણ મને અને શાલ્વીને વારસદાર બનાવ્યાં છે. એ વીલમાં પણ એમણે ઈચ્છા પ્રગટ કરી છે કે મારા થકી શાલ્વીને સંતાન પ્રાપ્ત થાય અને એમનો વંશ ચાલુ રહે ! હવે તમે જ કહો અંકલ. મારે શું કરવું ?" અભિષેક બોલ્યો.

"હમ્... તમારો પ્રશ્ન તો ઘણો ગંભીર છે અભિષેક !! તમારા માટે પણ મહાભારતના અર્જુન જેવો જ વિષાદ યોગ સર્જાયો છે ! " ઋષિકેશ અંકલ બોલ્યા.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."