અભિષેક (Abhishek Novel Part-74)

Related

અભિષેક પ્રકરણ 74

અભિષેક પોતાના મનની મૂંઝવણ દૂર કરવા માટે ઋષિકેશ અંકલ પાસે આવ્યો હતો. જો કે આમ તો એના બધા જ પ્રશ્નોના જવાબ એના દિવ્ય ગુરુ શ્રી નિર્મલાનંદજીએ પ્રત્યક્ષ હાજર થઈને રાજકોટમાં જ આપી દીધા હતા છતાં એના મનની દ્વિધા ઓછી થઈ ન હતી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" તમારી બધી વાત સાંભળી ડૉક્ટર. તમારા જીવનમાં જે ઘટના બની એ એક વિશેષ ઘટના છે એટલે એને સમાજના માપદંડથી ના જોવાય. તમને આવતા પાપ અને પૂણ્યના વિચારો પણ ખોટા છે. હિન્દુ મેરેજ એક્ટ ૧૯૫૫ પ્રમાણે એક જ પત્ની હોવી એ એક કાયદો છે અને બીજું લગ્ન ગુનો બની જાય છે. પરંતુ જ્યારે આ કાયદો ન હતો ત્યારે બે પત્નીઓ રાખવી એ ગુનો ન હતો. રાજા મહારાજાઓ પણ એકથી વધુ રાણીઓ રાખતા હતા. એટલે આ બધું સાપેક્ષ છે. હા તમારો અંતરાત્મા ડંખતો હોય તો બીજી સ્ત્રી સાથે સંબંધ રાખી ના શકાય." ઋષિકેશ અંકલ બોલી રહ્યા હતા.

" પત્ની પ્રત્યેની વફાદારી એ તમારો આદર્શ છે. પરંતુ તમારા સંજોગો જ અલગ છે. હું માનું છું કે તમારો શાલ્વી સાથેનો સંબંધ પાછલા જન્મના કોઈ ઋણાનુબંધના કારણે થયેલો છે. આઠ આઠ મહિના સુધી પતિ પત્ની તરીકે જીવન જીવવું અને પછી એને કાયમ માટે છોડી દેવી એ મને યોગ્ય નથી લાગતું. કુદરતે જ તમને બંનેને ભેગાં કરેલાં છે. " ઋષિકેશ અંકલ બોલી રહ્યા હતા.

" શાલ્વી સાથે લગ્ન તો શક્ય નથી પરંતુ તમે એને પ્રેમ અને હૂંફ આપો તો એમાં કંઈ ખોટું નથી. અને સંબંધ ફરીથી શરૂ કરવો પડે તો પણ મુંઝાશો નહીં. વલ્લભદાસે તો એમની અંતિમ ઈચ્છા પણ પ્રગટ કરી છે કે તમારા થકી શાલ્વીને સંતાન જન્મ થાય અને એમનો વંશ આગળ ચાલે. એટલે હું તો એવું જ માનું છું કે તમારે શાલ્વીનો તમારા જીવનમાં સહજ સ્વીકાર કરી લેવો જોઈએ. ભલે પછી એ સંબંધ જાહેર ના કરો ! " ઋષિકેશ અંકલ બોલ્યા.

" હમ્ .. તમારી વાત સાચી છે અંકલ. મારા મનમાં કદાચ એટલા માટે જ ધીમે ધીમે શાલ્વી તરફ આકર્ષણ વધી રહ્યું છે. કુદરત જ કદાચ મને હવે એના તરફ ખેંચી રહી હોય એવું લાગે છે. એ મારી સાથે હોય તો મને સારું લાગે છે. એને વારંવાર મળવાનું મન થાય છે." અભિષેક નિખાલસતાથી બોલ્યો.

અને એની વાત સાચી પણ હતી. દિવસે દિવસે એને શાલ્વી ગમવા લાગી હતી. એના મનના ભાવો પણ થોડા થોડા બદલાવા લાગ્યા હતા. શાલ્વી પણ ખૂબસૂરત તો હતી જ. ખાસ કરીને વીલમાં વલ્લભદાસની સંતાનની અંતિમ ઈચ્છા વાંચ્યા પછી એને ગૌર વર્ણની શાલ્વીના શરીરનું સૌંદર્ય ગમવા લાગ્યું હતું !

" ઠીક છે અંકલ. તમારી વાત સાચી છે અને મને પણ એવું જ લાગે છે કે જે થઈ રહ્યું છે એ કદાચ ઈશ્વરની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. હજુ મારે શાલ્વી સાથે થોડો ઋણાનુબંધ પૂરો કરવાનો બાકી હશે. હવે શાલ્વી સાથે સંબંધ રાખવાનો નિર્ણય મેં લઈ લીધો છે અને વલ્લભદાસની ઈચ્છા પૂરી કરવા માટે પણ આ સંબંધ જરૂરી જ છે. થેન્ક્યુ અંકલ.. હવે હું રજા લઉં." અભિષેક બોલ્યો.

" એમ થોડું જવાશે ? મારી બનાવેલી આ ચા કોણ પીશે ? " કહેતી કહેતી શિવાની ચા ના બે કપ લઈને આવી.

" ચા નો અનાદર ના થાય. અને તારા હાથની ચા તો મારે પીવી જ પડે. " અભિષેક હસીને બોલ્યો.

" હમણાં તમે કોની વાતો કરતા હતા ? શાનો નિર્ણય લઈ લીધો છે ? " શિવાની બોલી.

" કંઈ નહીં બેટા. એ તો એમની અંગત વાતો છે. " ઋષિકેશ અંકલ બોલ્યા.

" ઓકે ઓકે. મેં તો જસ્ટ એમ જ પૂછ્યું. " શિવાની બોલી અને પાછી કિચનમાં જતી રહી.

" હવે મારા મનમાં કોઈ જ કન્ફ્યુઝન નથી અંકલ. જેવી ઈશ્વરની ઈચ્છા." કહીને અભિષેક ચા પીને ઉભો થઈ ગયો અને ઋષિકેશ અંકલના ચરણસ્પર્શ કરી બહાર નીકળી ગયો.

હજુ સાંજના પાંચ વાગ્યા હતા અને જૈમિન અંકલની ઓફિસ નજીક જ હતી એટલે અભિષેક સીધો એમની ઓફિસે ગયો.

" અરે આવો ડોક્ટર સાહેબ. આજે તો એકદમ સરપ્રાઈઝ આપ્યું. " જૈમિનભાઈ બોલ્યા.

" અરે હું ઋષિકેશ અંકલને મળવા આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી એમને મળ્યો જ ન હતો. તમારી ઓફિસ નજીક હતી એટલે તમને મળવાનું નક્કી કર્યું. " અભિષેક બોલ્યો.

" એ બહુ જ સારું કર્યું. મળતા રહેવું જ જોઈએ. " જૈમિનભાઈ બોલ્યા.

" અંકલ મારી હોસ્પિટલનું કામ હવે શરૂ કરાવી દો ને ! તમે કહેતા હો તો કાલે જ પૈસા તમને પહોંચાડી દઉં. " અભિષેક બોલ્યો.

" અરે અભિષેક તમે તો ઘરના છો. તમારે પૈસાની વાત કરવાની જ ના હોય. મારે મિસ્ત્રી સાથે વાત થઈ જ ગઈ છે અને આવતી કાલે હું જાતે હોસ્પિટલ જઈને એને આખી ડિઝાઇન સમજાવવાનો છું. એકવાર કામ ચાલુ થઈ જશે પછી બે મહિનામાં તો તમારી હોસ્પિટલ તૈયાર થઈ જશે. લાઈટ, પંખા, એસી, કલર કામ વગેરે ગણો તો ત્રણેક મહિના પછી તમે હોસ્પિટલ ચાલુ પણ કરી શકશો. તમારે હવે ડોક્ટર્સની અને સ્ટાફની ભરતી વિશે પણ વિચારવું પડશે." જૈમિન શાહ બોલ્યા.

" હું જે હોસ્પિટલમાં જોબ કરતો હતો એ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ રામાણી સાહેબ ખૂબ જ હોશિયાર છે. વિવિધ ક્ષેત્રોના ડોક્ટર્સ સાથેના એમના સંબંધો પણ ઘણા સારા છે. એ પોતે એડમિનિસ્ટ્રેટર તરીકે પણ સારો અનુભવ ધરાવે છે. એટલે આ બધી જ જવાબદારી હું એમને જ સોંપી દેવાનો છું." અભિષેક બોલી રહ્યો હતો.

" મારી હોસ્પિટલનું નામ મેં વનિતા હોસ્પિટલ રાખવાનું નક્કી કર્યું છે. હું એ નામનું રજીસ્ટ્રેશન કરાવીને હોસ્પિટલનું બિઝનેસ એકાઉન્ટ પણ ખોલાવવાનો છું. મેં તમને જે લિસ્ટ આપ્યું છે એ લિસ્ટ પ્રમાણે હોસ્પિટલ માટે મશીનો, ઇક્વિપમેન્ટ્સ, જરૂરી સાધનો અને ટ્રોલીઝ, ટેબલ્સ વગેરે ખરીદી તમારે જ કરવાની છે. " અભિષેક બોલ્યો.

" એ બધી જ જવાબદારી મેં માથે લઈ લીધી છે. મેં બે ત્રણ કંપનીઓના ભાવ પણ મંગાવી લીધા છે. આ ત્રણ મહિનામાં બધું જ હોસ્પિટલમાં પહોંચી જશે. તમે એની ચિંતા જ છોડી દો. હાથમાં પૈસા હોય તો કોઈ કામ અઘરું નથી. આપણે લોન ઉપર લેવાનું નથી. " જૈમિન શાહ બોલ્યા એટલે અભિષેકને રાહત થઈ.

એ પછી દસેક મિનિટ વાતચીત કરીને અભિષેક ત્યાંથી નીકળી ગયો અને સીધો બોરીવલીની હોસ્પિટલ ગયો. આ એ જ હોસ્પિટલ હતી જ્યાં અભિષેક પહેલાં જોબ કરતો હતો.

સાંજના સાડા છ વાગ્યા હતા અને રામાણી સાહેબ રાત્રે આઠ વાગ્યા સુધી રોકાતા હતા. અભિષેકને અચાનક આવેલો જોઈને એ ખૂબ જ ખુશ થઈ ગયા અને ઊભા થઈને હાથ મિલાવ્યા.

" આટલા લાંબા સમય પછી મળવા આવો છો ? આ હોસ્પિટલને તો સાવ ભૂલી જ ગયા લાગો છો. " રામાણી સાહેબે મીઠી ફરિયાદ કરી.

" તમારી ફરિયાદ સાચી છે સર. દોઢ બે વર્ષથી રાજકોટ હતો એટલે મુંબઈની માયા ઓછી થઈ ગઈ હતી. હવે મુંબઈ આવી ગયો છું તો તરત તમને યાદ કર્યા. " અભિષેક બોલ્યો.

" મારે લાયક કોઈપણ સેવા હોય તો જણાવો. " રામાણી સાહેબ બોલ્યા.

" એક સમયે તમે મને નોટિસ આપી હતી. હવે આજે હું તમને નોટિસ આપવા આવ્યો છું સર કે તમને આ હોસ્પિટલમાંથી ફરજિયાત નિવૃત્ત કેમ ના કરવા ! " અભિષેક હસીને બોલ્યો.

" વ્હોટ !! " રામાણી સાહેબ બોલ્યા. અભિષેકની વાત એમને સમજાઈ નહીં. એ થોડા ટેન્શનમાં પણ આવી ગયા.

" હા સર. આ હોસ્પિટલ તમને નિવૃત્ત કરવા માંગે છે અને મારી હોસ્પિટલ તમારું સ્વાગત કરવા માંગે છે ! " અભિષેક હસીને બોલ્યો.

" તમારી વાત મને સમજાતી નથી અભિષેક. જરા સ્પષ્ટ વાત કરો. " રામાણી સાહેબ કંઈ સમજ્યા નહીં.

" અરે સર ખાર લિંકિંગ રોડ ઉપર મારી પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્રણ મહિનામાં તૈયાર થઈ જશે. એ હોસ્પિટલ તમારે જ સંભાળવાની છે અને તમે જ એના સર્વેસર્વા છો. લગભગ પચાસ કરોડમાં આ હોસ્પિટલ બની છે અને તમે મારી એ હોસ્પિટલના નવા સુપ્રીન્ટેન્ડેન્ટ છો ." અભિષેક ઉત્સાહથી બોલ્યો.

" તમે આ શું કહી રહ્યા છો અભિષેક !! " રામાણી સાહેબને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો.

" સર કાલે સવારે હું તમને લેવા આવીશ. તમે જાતે હોસ્પિટલ જોઈ લો. ત્રણ મહિનામાં આ હોસ્પિટલ તૈયાર થઈ જશે. બધાં જ સાધનો મશીનો અને ઇક્વિપમેન્ટ પણ આવી જશે. કોઈ વસ્તુ ખૂટતી હોય તો એનું પણ સજેશન તમે આપી શકો છો. વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરોની નિમણૂંક પણ તમારે જ કરવાની છે. એડમિનિસ્ટ્રેશન તમારે જ ચલાવવાનું છે. તમે અનુભવી પણ છો એટલે તમારી પાસે આવ્યો છું. સેલેરીની તમે કોઈ ચિંતા ના કરશો. અહીંના કરતાં ડબલ મળશે." અભિષેક બોલ્યો.

ડૉ. રામાણીને કલ્પના પણ ન હતી કે એક સમયે આ હોસ્પિટલમાં જોબ કરનારો અભિષેક આટલી ઊંચાઈ ઉપર પહોંચી જશે અને આવા પોશ એરિયામાં પોતાની હોસ્પિટલ બનાવશે ! અને પાછો એ હોસ્પિટલમાં મને જૉબની ઓફર કરશે અને આટલું માન સન્માન આપશે ! આજે પણ એણે મને યાદ રાખ્યો છે ! એમના મનમાં અભિષેક પ્રત્યે આભારની અને ગર્વની લાગણી પેદા થઈ.

" તમારી આટલી બધી સફળતા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમે આજે જે રીતે મને યાદ કરીને મારી પાસે આટલી મોટી ઓફર લઈને આવ્યા છો એ બદલ તમારો હું ખૂબ જ આભાર માનું છું. કાલે ચોક્કસ હું તમારી સાથે આવીશ. હવે અત્યારે શું લેશો એ બોલો. " રામાણી સાહેબ બોલ્યા.

" અત્યારે તો કંઈ જ નહીં સાહેબ. કાલે સવારે દસ વાગે હું આવી જઈશ. આપણે કાલે સાથે જ બહાર જમી લઈશું. હવે હું સીધો ઘરે જઈશ. મારી વાઈફને છેલ્લા દિવસો જાય છે. " અભિષેક બોલ્યો અને ઉભો થયો.

" કોન્ગ્રેચ્યુલેશન્સ ! તમે તો લગ્નની પણ મને જાણ ના કરી ? રિસેપ્શનમાં પણ ના બોલાવ્યા ? " રામાણી સાહેબે મીઠી ફરિયાદ કરી.

" અરે સર મેરેજ પણ રાજકોટમાં થયાં અને રિસેપ્શન પણ. મુંબઈથી મારાં માસી સિવાય કોઈને પણ બોલાવ્યાં નથી. " અભિષેકે વાર્તા કરી. સત્ય શું છે એ એકલો જ જાણતો હતો !

" ટેક ઈટ ઈઝી અભિષેક. હું તો જસ્ટ મજાક કરું છું. તમને સુખી જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. કાલે તમારી રાહ જોઈશ. " રામાણી સાહેબ બોલ્યા અને અભિષેક બહાર નીકળી ગયો.

બહાર આવીને જૂના બે ડૉક્ટર્સને મળ્યો અને નર્સિંગ સ્ટાફને પણ મળ્યો. અભિષેકને મળીને બઘાંને ખુશી થઈ. એ પછી અભિષેક ત્યાથી નીકળી ગયો.

અભિષેક ઘરે પહોંચ્યો ત્યારે રાતના પોણા આઠ વાગી ગયા હતા.

" ત્રણ મહિનામાં મારી હોસ્પિટલ એકદમ તૈયાર થઈ જશે માસી. એ પછી સારું મુહૂર્ત જોઈને હોસ્પિટલ ચાલુ કરી દઈશું. " અભિષેક જમી લીધા પછી પરિવાર સાથે વાતો કરી રહ્યો હતો.

" તને અહીંથી ખારની હોસ્પિટલ દૂર નહીં પડે ? " માસી બોલ્યાં.

" મુંબઈમાં વળી દૂર શું અને નજીક શું ? અહીંની દુનિયા જ અપ ડાઉનની છે માસી. અને મારે ક્યાં અહીં રહેવાનું છે ? વિલે પાર્લેનો મારો નવો ફ્લેટ એકદમ તૈયાર જ છે. હોસ્પિટલ ચાલુ થઈ જાય એટલે હું ત્યાં શિફ્ટ થઈ જઈશ. આ ફ્લેટ તમારે અને આરતીએ વાપરવાનો છે. દિપાલી પણ ત્રણ મહિના પછી અહીં આવી જવાની છે અને એ પણ તમારી સાથે આ ફ્લેટમાં રહેશે. " અભિષેક બોલ્યો.

" દિપાલી અહીં આવી જવાની છે ? તને દિપાલીએ કહ્યું ? " માસીએ આશ્ચર્યથી પૂછ્યું.

" હા માસી. મેં રાજકોટ છોડ્યું ત્યારે એણે મને કહેલું છે કે તમારી હોસ્પિટલ ચાલુ થઈ જાય એટલે હું મુંબઈ આવી જઈશ. હમણાં પણ મારે એની સાથે વાત થઈ હતી. એ તો તૈયાર જ છે. અહીં તમારી સાથે એ રહેશે. આરતી પણ હવે મારી હોસ્પિટલમાં સેવાઓ આપશે. દિપાલી અને આરતી બંને સાથે મારી હોસ્પિટલમાં અપ ડાઉન કરશે. " અભિષેક બોલ્યો.

" મને એકલીને પારલાના આવડા મોટા ફ્લેટમાં નહીં ફાવે અભિ. અને ડિલિવરી પછી એકાદ વર્ષ તો માસીની મારે જરૂર છે. નાના બાળકનો ઉછેર કરવો મારી એકલીનું કામ નથી. સાથે કોઈ વડીલ જોઈએ." અંજલી બોલી.

" અંજલી સાચું કહે છે અભિષેક. હમણાં એકાદ વર્ષ તમે લોકો અહીં જ રહો. " વીણામાસી બોલ્યાં.

" અરે પણ તું તારાં મમ્મી પપ્પાને જ પારલાના નવા ઘરમાં કાયમ માટે બોલાવી લે ને ! એ લોકો પણ બિચારાં એકલાં જ છે ને ! " અભિષેક બોલ્યો.

" તમારી વાત સાચી છે અભિ પરંતુ કાયમ માટે મમ્મી લોકો ત્યાં રહેવા નહીં આવે. હા બાળકની સંભાળ રાખવા માટે એકાદ વર્ષ માટે કદાચ એ તૈયાર થાય." અંજલી બોલી.

" તું એ બધી ચિંતા છોડી દે અંજલી. એક વાર તારી ડિલિવરી પતી જાય પછી આપણે નક્કી કરીશું કે કોણે ક્યાં રહેવું. એવું હશે તો સીમંત વખતે હું વેવાણ સાથે વાત કરી લઈશ. બે દિવસ પછી તારું સીમંત છે. " વીણા માસી બોલ્યાં.

અંજલીના બેબી શાવરનો પ્રસંગ ખૂબ જ સરસ રીતે ઘરમાં જ પતી ગયો. બહારના લોકોમાં માત્ર શાલ્વીને તથા એની મમ્મીને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

" જયશ્રીબેન આમ તો સીમંત પછી અંજલીને તમારા ઘરે લઈ જવાનો તમારો અધિકાર છે પરંતુ અંજલીની છેલ્લા આઠ મહિનાથી બોરીવલીના સેફ્રોન મેટરનીટી હોમમાં ટ્રીટમેન્ટ ચાલે છે એટલે ડિલિવરી સેફ્રોનમાં જ કરાવવાની છે. અમારી ઈચ્છા ડીલીવરી થાય ત્યાં સુધી અંજલીને અમારા ઘરે જ રાખવાની છે." વીણા માસી બોલ્યાં.

" હા હા અમને કોઈ જ વાંધો નથી વીણાબેન. અંજલીને પ્રેગ્નન્સી આવી એ પછી તમે જ એને સંભાળી છે. સાસુ કરતાં પણ વધારે પ્રેમ એને આપ્યો છે. ડિલિવરી પતી જાય પછી અમે અંજલીને બે ત્રણ મહિના માટે લઈ જઈશું. " જયશ્રીબેન બોલ્યાં.

" હા. તમારી ઈચ્છા થાય ત્યાં સુધી રાખજો. એ તમારી દીકરી છે. તમારો પણ હક બને છે. " વીણામાસી હસીને બોલ્યાં.

પ્રસંગ પતી ગયો એટલે જયશ્રીબેન અને જીતુભાઈ રાત્રે પોતાના ઘરે જવા રવાના થયાં. શાલ્વી પણ એના ઘરે ગઈ.

રાત્રે સાડા દસ વાગ્યે અંજલી તો સૂઈ ગઈ પણ અભિષેકની આંખોમાં ઊંઘ નહોતી. કોણ જાણે કેમ ફરી પાછી શાલ્વી એના મનનો કબજો લઈને બેઠી હતી. આજે ઘરમાં પોતાની પત્ની અંજલીનું સીમંત હતું છતાં એની નજર ઘરમાં ફરતી શાલ્વી તરફ હતી. શાલ્વી પણ અવારનવાર અભિષેકને જોઈ લેતી હતી. જાણે કહેતી હોય કે મારે પણ સંતાન જોઈએ છે. મારા માટે પણ આવો પ્રસંગ ઊભો કરો !

ત્રણ દિવસ પહેલાં ઋષિકેશ અંકલ સાથે જે રીતની વાતો થઈ એ પછી તો એના મનમાં શાલ્વી પ્રત્યે આકર્ષણ ખૂબ જ વધી ગયું હતું.

અત્યારે એના માનસ ચક્ષુ આગળ શાલ્વી આવીને ઊભી રહી હતી. ગૌર વર્ણની અને પુષ્ટ દેહની શાલ્વી કેટલી આકર્ષક હતી ! અભિષેકનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો એટલે આજે ઘરે આવેલી શાલ્વી એને ખૂબ જ આકર્ષક લાગી. શાલ્વીના આ ભર્યા ભર્યા સૌંદર્યને માણવા એ અધીરો થઈ ગયો.

રાજકોટની હોટલમાં બોલાયેલા શાલ્વીના શબ્દો એને યાદ આવ્યા. એ અભિષેક સાથે કાયમ માટે શારીરિક સંબંધ ચાલુ રાખવા માગતી હતી. એની આંખોમાં એણે ત્યારે એક તરસ જોઈ હતી. જૈમિન શાહના શબ્દો પણ યાદ આવ્યા. એ પણ પિતા તરીકે એ જ ઈચ્છતા હતા કે શાલ્વીનો સંબંધ અભિષેક સાથે ચાલુ રહે. શેઠ વલ્લભદાસે પણ ઈચ્છા પ્રગટ કરી હતી કે શાલ્વીને અભિષેકથી એક સંતાન થાય અને એમનો વંશ ચાલુ રહે. આ બધી ઈચ્છાઓનો સરવાળો એ જ થતો હતો કે શાલ્વી સાથે મિલન !!

મારે આ તમામ લોકોની ઈચ્છા પૂરી કરવી જ જોઈએ અને એ માટે શાલ્વી સાથે શારીરિક સંબંધ ચાલુ કરી દેવો જોઈએ. પ્રેગ્નન્સી હોવાથી અંજલી હજુ એક મહિના સુધી પોતાનાથી દૂર રહેવાની છે અને ડિલિવરી પછી પણ બે મહિના એ મલાડ એના પિયર રહેવાની છે. ત્રણ મહિનાનો સમય ઘણો લાંબો છે. મારામાં હવે એટલી ધીરજ નથી. – અભિષેકનું મન બળવો પોકારી રહ્યું હતું.

તો બીજી તરફ એને અંજલીની દયા પણ આવતી હતી. બાજુમાં જ સૂતેલી અંજલી એક વિશ્વાસ સાથે સુધી હતી કે એનો પતિ અભિષેક એનો જ છે ! શાલ્વી સાથે આગળ વધવામાં એનું મન ડંખતું હતું. ના મારે શાલ્વી સાથે આગળ વધવાની ઉતાવળ કરવી નથી. હજુ તો જિંદગી આખી પડી છે. જે બનવાનું હશે તે બનશે પણ મારે શરૂઆત કરવી નથી. જોઈએ સંજોગો કઈ રીતે આગળ વધે છે !

પરંતુ નિયતિ પોતાની રીતે જ કામ કરતી હોય છે. પાછલા જન્મનો અધૂરો રહેલો સંબંધ એ પૂરો કરાવી જ દે છે. અભિષેકનો નિર્ણય લાંબો ટકી શક્યો નહીં. સંજોગો જ એવા ઊભા થયા કે અભિષેક શાલ્વીની મોહજાળમાં ફસાઈ જ ગયો !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."