અભિષેક પ્રકરણ 75
બે દિવસ પછી ઘરમાં સીમંતનો પ્રસંગ હતો એટલે અભિષેક રામાણી સાહેબને મળ્યો એ દિવસે જ રાત્રે એમને ફોન કરી દીધો હતો કે આપણે આવતી કાલે નહીં પરંતુ ચાર દિવસ પછી હોસ્પિટલ જઈશું.અભિષેક નવલકથા
અભિષેક એમને આપેલા વચન પ્રમાણે ઘરે પ્રસંગ પતી ગયા પછી ફોન કરીને પોતાની ગાડીમાં બોરીવલી રામાણી સાહેબને લેવા માટે દસ વાગે પહોંચી ગયો.
લગભગ ૧૧:૩૦ વાગે એ લોકો ખાર હોસ્પિટલ પહોંચી ગયા. લિન્કિંગ રોડનો આ પોશ એરીયા અને લીલાશ્રી આર્કેડ જોઈને જ રામાણી સાહેબ અવાક થઈ ગયા.
" અભિષેક તમે તો મારી કલ્પના બહારની હોસ્પિટલ ઉભી કરી દીધી છે. કોઈ કોર્પોરેટ હોસ્પિટલ હોય એવી લાગણી તમારી હોસ્પિટલ જોઈને થાય છે !" રામાણી સાહેબ ગાડીમાંથી ઉતરીને બોલ્યા.
" સર હજુ તમે હોસ્પિટલની અંદર તો આવો. " અભિષેક બોલ્યો અને એમને લિફ્ટમાં પહેલા માળે લઈ ગયો.
હોસ્પિટલમાં અભિષેકે એટલો બધો ખર્ચો કર્યો હતો કે હોસ્પિટલની અંદર પગ મૂકતાં જ એ ખર્ચ દેખાઈ આવતો હતો. હોસ્પિટલમાં ગ્રેનાઇટ અને આરસનો ભરપૂર ઉપયોગ થયો હતો. હોસ્પિટલના તમામ રૂમ અને વોર્ડ એમણે જોયા. પોતે જ્યાં બેસવાના હતા એ ચેમ્બર પણ જોઈ. પોતે જાણે કોઈ સપનાની દુનિયા જોઈ રહ્યા હોય એવો અનુભવ એમને થયો.
" સર મારી આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ ડોક્ટરોની અને નર્સોની ભરતી તમારે જ કરવાની છે. જાહેરાતનો તમામ ખર્ચ તમને મળી જશે. તમારા જે પણ કોન્ટેક્ટ હોય એનો ઉપયોગ તમારે કરવાનો છે. આપણે એમને સારામાં સારો પગાર ઓફર કરીશું. તમે કાલથી જ કામ ચાલુ કરી દો. આટલી મોંઘી હોસ્પિટલ હોવા છતાં આપણે કોઈપણ જાતના પ્રોફિટ માટે આ હોસ્પિટલ બનાવી નથી. સામાન્ય માણસને પોસાય એવી ફી આ હોસ્પિટલમાં લેવાશે." અભિષેક બોલ્યો.
" તમે મને આટલી મોટી જવાબદારી સોંપી છે તો હું કાલથી જ તમારા કામે લાગી જઈશ. મારી પોતાની હોસ્પિટલ છે એ રીતે જ હું સ્ટાફની ભરતી કરીશ. તમે હવે એ બધી ચિંતા છોડી દો. તમે આટલા બધા આગળ વધી જશો એની મને કલ્પના જ ન હતી. " રામાણી સાહેબ બોલ્યા.
" હવે આપણે બોરીવલી જઈને ત્યાં સાગર હોટલમાં જમી લઈશું. કારણકે અહીંની કોઈ રેસ્ટોરન્ટ કે ડાઇનિંગ હોલ વિશે મને આઈડિયા નથી. " અભિષેક બોલ્યો.
" હજુ તો સાડા બાર વાગ્યા છે એટલે બોરીવલી જઈને જમીશું તો પણ કંઈ વાંધો નથી. અને એ હોટલ આપણી જાણીતી પણ છે. " રામાણી બોલ્યા અને ગાડીમાં બેઠા.
" સર મેં વિલે પાર્લે ઈસ્ટમાં નહેરુ રોડ ઉપર સાત કરોડનો નવો ફ્લેટ પણ લઈ લીધો છે એટલે હું હોસ્પિટલ ચાલુ થઈ જાય પછી ત્યાં જ રહેવા જવાનો છું." અભિષેક બોલ્યો.
" આ તો તમે બહુ સરસ વાત કરી અભિષેક. તમારી આટલી પ્રગતિ માટે અભિનંદન ! " રામાણી સાહેબ બોલ્યા.
એ પછી બોરીવલી સુધી બંને વચ્ચે કોઈ ખાસ વાતચીત થઈ નહીં. બંનેએ સાગર હોસ્પિટલમાં જમી લીધું એટલે અભિષેક રામાણી સાહેબને એમની હોસ્પિટલે મૂકી આવ્યો.
**********************
શાલ્વી એક સંસ્કારી છોકરી હતી. એ પોતે પણ ખૂબ જ દેખાવડી હતી. લાગણીશીલ અને સેવાભાવી પણ હતી. બીજાનું દુઃખ એ જોઈ શકતી ન હતી. પરંતુ એનામાં એક જ નબળાઈ હતી. એ નિમ્ફોમેનિયાક હતી. આ એક રોગ જ કહી શકાય. આવી સ્ત્રીમાં બીજી સ્ત્રીઓ કરતાં જાતીય આવેશો થોડા વધારે પડતા રહેતા હોય છે અને મન વિષય વાસનામાં ડૂબેલું રહેતું હોય છે.
એટલા માટે જ કોલેજ કાળમાં પણ એ રિલેશનશિપમાં હતી અને શરીર સંબંધ બાંધી ચૂકી હતી. લગ્ન કર્યા પછી અંકિત જ્યારે ઘર છોડીને જતો રહ્યો ત્યારે પણ એ એના જૂના મિત્ર અમિત દોશી સાથે ત્રણ ચાર વાર સંબંધ બાંધી ચૂકી હતી. અભિષેક જ્યારે અંકિત બનીને આવ્યો ત્યારે એના પુરુષત્વથી શાલ્વી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. એને હવે અંકિતની જાણે કે આદત પડી ગઈ હતી !
પરંતુ અંજલીની દયા ખાઈને જ્યારે એણે પોતાના પ્રેમનો ભોગ આપ્યો ત્યારે એ સમયે એણે એ વિચાર નહોતો કર્યો કે અંકિત અભિષેક બની ગયા પછી એને છોડી દેશે તો એનું શું થશે ! આ વાતનો વિચાર એને આવ્યો જ ન હતો. એ બસ પોતાના પરગજુ સ્વભાવના કારણે લાગણીના આવેશમાં જ પ્રશાંતની વાતોમાં આવી ગઈ હતી અને એને પૂરેપૂરો સાથ આપ્યો હતો !
પરંતુ અંકિત અભિષેક બની ગયો અને જ્યારે એને ભૂલી ગયો અને સંબંધ આગળ વધારવાની એણે ના પાડી ત્યારે કડવી વાસ્તવિકતા એની સામે આવી. એ ખૂબ જ હતાશ થઈ ગઈ. એની સાથે જે પણ બન્યું હતું એ સાંભળ્યા પછી કોઈ પણ પાત્ર એની સાથે સામાન્ય સંજોગોમાં લગ્ન ના કરે. અને પૈસાના કારણે કદાચ કોઈ પાત્ર મળી પણ આવે તો પણ એ કેટલું શારીરિક સુખ આપી શકે એ પણ કંઈ નક્કી ના હોય. એટલે એ વધુ હતાશ થઈ ગઈ હતી. એટલા માટે જ એની ઈચ્છા અભિષેક સાથે જ સંબંધ ચાલુ રાખવાની હતી !
રાજકોટની હોટલમાં જ્યારે અભિષેકે એની સાથે આગળ સંબંધ રાખવાની ના પાડી દીધી ત્યારે એ ખૂબ દુઃખી થઈ હતી. એણે ઘણી દલીલો કરી હતી અને પોતાની સાથે સંબંધ ચાલુ રાખવા વિનંતી પણ કરી હતી પરંતુ અભિષેક હજુ તૈયાર ન હતો.
હવે વલ્લભદાસ શેઠે આત્મહત્યા કરી અને પોતાના વીલમાં લખી નાખ્યું કે અભિષેક અને શાલ્વીથી જો સંતાન થશે તો એમના આત્માને શાંતિ મળશે અને એમનો વંશ પણ આગળ વધશે ત્યારે એ વીલ સાંભળ્યા પછી શાલ્વીના હૃદયમાં આશાનો સંચાર થયો હતો.
પરંતુ એ મિલન ક્યારે થશે એ સમય નક્કી ન હતો. કેટલીક વસ્તુઓ માણસના હાથમાં નથી હોતી. એને એટલો વિશ્વાસ જરૂર હતો કે એક દિવસ અભિષેક પોતાની પાસે ચોક્કસ આવશે.
આ બાજુ અંજલીની તબિયત વચ્ચે થોડી બગડી હતી એવા સમાચાર મળ્યા એટલે એનાં મમ્મી જયશ્રીબેન અને જીતુભાઈ દીકરીની ખબર કાઢવા માટે આવ્યાં હતાં. જો કે હવે તો તબિયત સારી હતી અને ડોક્ટરે સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું હતું. એ લોકો ઘરે આવ્યાં ત્યારે અભિષેક તો સવારથી બહાર ગયેલો હતો. વીણા માસીએ બંનેને આગ્રહ કરીને જમાડી દીધાં અને રાત રોકાવા કહ્યું.
" જયશ્રીબેન અંજલીની ડિલિવરી થઈ જાય પછી તમે બંને મલાડ છોડીને અંજલીની સાથે જ કાયમ માટે રહેવા જતાં રહો. અભિષેકની પણ એ જ ઈચ્છા છે. " રાત્રે અભિષેક ઘરે આવ્યો ત્યારે એની હાજરીમાં વીણા માસી બોલ્યાં.
" દીકરીના ઘરે કાયમ માટે અમારે ના રહેવાય. જમાઈએ એમની ખાનદાની બતાવી પણ અમે કાયમ માટે ના રહી શકીએ. ડિલિવરી પછી છ બાર મહિના ત્યાં રહીએ એ વાત અલગ છે. " જીતુભાઈ બોલ્યા.
" ત્યાં કાયમ માટે રહેવું કે નહીં એની ચર્ચા આપણે એક વર્ષ પછી કરીશું પપ્પા. બસ ડિલિવરી થાય એ પછી એકાદ બે મહિનામાં એક વર્ષ માટે નવા ફ્લેટમાં આવી જજો. તમે તો જોયેલો જ છે. " અભિષેક બોલ્યો.
" હા એ ચિંતા તમે ના કરશો. અંજલી અમારી દીકરી છે એટલે એની પૂરી સંભાળ રાખીશું અને જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી રોકાઈશું. " જીતુભાઈ બોલ્યા.
અંજલીના મમ્મી પપ્પા બીજા દિવસે સવારે ઘરે જવા નીકળી ગયાં.
" અંજલી કાલે ત્રણ એપ્રિલે શાલ્વીનો જન્મ દિવસ છે. તો આપણે ગિફ્ટમાં શું આપવું છે ? " મમ્મી પપ્પા ગયા પછી અભિષેકે અંજલીને પૂછ્યું.
" આપણા મોભા પ્રમાણે આપણે એમને ગિફ્ટ આપવી જોઈએ અભિ. સોનાની ચેન અથવા મોતીની માળાનો સેટ અથવા તો ઈયરિંગ્સ આપી શકાય. તમે ત્રણેયનો ભાવ પૂછી લેજો. પછી તમારા બજેટ પ્રમાણે આપજો. " અંજલી બોલી.
" ગુડ આઈડિયા. એવું જ કંઈક કાલે ખરીદી લઈશ. કાલે રાત્રે એના ઘરે જન્મદિવસની પાર્ટી છે. જો બહુ મોડું થઈ જશે તો હું ત્યાં જ રોકાઈ જઈશ. રાત્રે દોઢ બે વાગે ઘરે આવવાનો કોઈ મતલબ નથી. તારા છેલ્લા દિવસો જઈ રહ્યા છે એટલે તને પાર્ટીમાં લઈ જવાનું મને યોગ્ય લાગતું નથી. " અભિષેક બોલ્યો.
" આવી અવસ્થામાં હું આવું પણ નહીં. તમે હાજરી આપશો તો પણ ચાલશે. " અંજલી બોલી.
જન્મદિવસનો આખો પ્રોગ્રામ શાલ્વીએ જ બનાવ્યો હતો. આ વખતનો જન્મદિવસ એ યાદગાર બનાવવા માગતી હતી એટલે એણે રાત્રે પાર્ટીમાં અભિષેક સિવાય કોઈને પણ આમંત્રણ આપ્યું ન હતું. રાત્રે આઠ વાગે એના ઘરે જ કેક કાપવાની હતી. એ પછી જમવા માટે હોટલમાં જવાનો પ્રોગ્રામ હતો.
શાલ્વીએ આ પ્રોગ્રામ બનાવવા માટે એના પપ્પાને વિશ્વાસમાં લીધા હતા.
" પપ્પા અભિષેક અંજલીને ખૂબ જ પ્રેમ કરે છે. તે દિવસે અમે લોકો દહીસર ગયા હતા ત્યારે જ મેં જોઈ લીધું હતું કે અભિષેક અને અંજલી વચ્ચે ખૂબ જ પ્રેમ અને લાગણી છે. એટલે અભિષેક એટલી સરળતાથી મારી પાસે નહીં આવે. મારા પ્રત્યે એમને લાગણી ચોક્કસ છે પરંતુ પત્ની તરફની વફાદારીનો ગુણ એમનામાં વધારે છે. એટલે મારે જ કોઈ કારણ ઊભું કરવું પડશે જેથી અમારો સંબંધ શરૂ થાય. " શાલ્વી બોલી.
" તું સુખી થતી હોય બેટા તો તારા માટે થઈને હું કંઈ પણ કરવા તૈયાર છું. મારો તને સંપૂર્ણ સપોર્ટ છે. કારણકે આઠ મહિના સુધી અભિષેક તારા પતિ તરીકે રહી ચૂકેલો છે એટલે એની સાથે આગળ વધવામાં કંઈ જ ખોટું નથી. અને તારા જીવનમાં જે કંઈ બની ગયું છે એના કારણે બીજાં લગ્ન શક્ય નથી. પૈસાની તો હવે તારી જિંદગીમાં કોઈ તકલીફ નથી એટલે હું પોતે જ ઈચ્છું છું કે તમારા બંનેનો સંબંધ સચવાઈ રહે. " જૈમિનભાઈ બોલ્યા.
" પપ્પા ત્રણ તારીખે મારો જન્મદિવસ આવે છે. અને આ જન્મદિવસનો હું લાભ લેવા માગું છું. હું અભિષેકને કહીશ કે – મારા જન્મદિવસની પાર્ટી રાખી છે અને તમારે આવવાનું છે અને અમારી સાથે હોટલમાં રાત્રે ડીનર પણ લેવાનું છે. તમારી સાથે મારે ઘણી વાતો કરવી છે – એમ કહીને એ હોટલમાં જ રૂમ રાખીને અભિષેકને હું રોકી રાખીશ. એ રાત્રે હું એમને મનાવવા માટે પૂરી કોશિશ કરીશ. જોઈએ મને કેટલી સફળતા મળે છે." શાલ્વી બોલી.
" હોટલમાં આપણે બધાંએ જવાની કોઈ જરૂર નથી શાલુ. તમે લોકો જ જમવાનો પ્રોગ્રામ બનાવજો. તમારા બેની વચ્ચે અમારું શું કામ છે ! " પપ્પા બોલ્યા.
અને આ વાત શાલ્વીએ બે દિવસ પહેલાં જ અભિષેક સાથે કરી હતી. ત્રણ તારીખે અભિષેક સાંજે સાત વાગે જૈમિન શાહના ઘરે હાજર થઈ ગયો. એણે જોયું કે શાલ્વીના ઘરે એના ફેમીલી સિવાય બીજું કોઈ જ ન હતું. જો કે ડ્રોઈંગ રૂમ ખૂબ જ સજાવેલો હતો.
" આવો આવો અભિષેકકુમાર. આજે તમે હાજર રહીને શાલ્વીના જન્મ દિવસની શોભા વધારી દીધી." જૈમિન શાહે સ્વાગત કર્યું.
" બીજા મહેમાનો કેમ દેખાતા નથી ? કે પછી હું જ થોડો વહેલો આવી ગયો છું ?" અભિષેક હસીને બોલ્યો.
આજે ખાસ દિવસ હોવાથી એ ગ્રે કલરનો સ્યૂટ પહેરીને આવ્યો હતો એટલે ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
" અમારા તો મહેમાન તમે એક જ છો અભિષેક. શાલ્વીની દુનિયા તમારામાં જ સમાઈ જાય છે. છેલ્લા આઠ મહિનામાં એ તમારી સાથે એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે કે તમારા સિવાય એને બીજું કંઈ દેખાતું જ નથી. " જૈમિનભાઈ બોલ્યા.
એટલામાં શાલ્વી પણ એના રૂમમાંથી તૈયાર થઈને બહાર આવી. આજની શાલ્વીને જોઈને અભિષેક ચક્કર ખાઈ ગયો. ડાર્ક બ્લુ કલરનો કચ્છી ભરત ભરેલો ડિઝાઇનર ડ્રેસ, ઓરેન્જ કલરનો દુપટ્ટો, શેમ્પૂ કરેલા છૂટ્ટા લાંબા વાળ, થોડો થોડો મેકઅપ, આંખોમાં કાજલ, હોઠ ઉપર આછી લિપસ્ટિક અને પર્ફ્યુમની માદક સુગંધ ! શાલ્વી અદ્ભુત લાગી રહી હતી. અભિષેક માટે જ એ તૈયાર થઈ હતી.
શાલ્વી આવી કે તરત જૈમિનભાઈ અને સુષ્માબેન એમના બેડરૂમમાં સરકી ગયાં.
શાલ્વી પોતે પણ આજે અભિષેકને સ્યૂટમાં જોઈને ખુશ થઈ ગઈ. શાલ્વી એ નીચે નમીને અભિષેકના ચરણનો સ્પર્શ કર્યો. શાલ્વીનો આ વિવેક અભિષેકની કલ્પના બહારનો હતો. એણે શાલ્વીના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને એને ઊભી કરીને ભેટી પડ્યો.
" જન્મદિવસ ખૂબ ખૂબ મુબારક શાલ્વી. " છૂટા પડીને એણે શાલ્વી સાથે હાથ મિલાવ્યા.
" થૅન્ક યુ માય લવ. કમ સે કમ આજે તો મને શાલુ કહો. " શાલ્વી બોલી.
" યુ આર લુકિંગ ગોર્જિયસ શાલુ. રિયલી બ્યુટીફુલ ! " અભિષેક બોલ્યો. શાલ્વીથી આજે એ ખૂબ જ અંજાઈ ગયો હતો.
" આઈ એમ યોર્સ ઓન્લી. મારું આ બધું સૌંદર્ય તમારા માટે જ છે. તમારા માટે જ હું તૈયાર થઈ છું અભિષેક. બસ મારા જીવનમાં તમે પાછા આવી જાઓ " શાલ્વી બોલી.
અભિષેક શાલ્વીને જોઈને મંત્રમુગ્ધ બની ગયો હતો. એને ઋષિકેશ અંકલના શબ્દો યાદ આવી ગયા કે શાલ્વી સાથે આગળ વધવામાં કંઈ જ ખોટું નથી. અભિષેકની અંદર રહેલો પુરુષ જાગી ગયો. આ અદભુત સૌંદર્ય ભોગવવાની ભાવના બળવત્તર બની. અંજલી તરફની વફાદારીના બધા જ વિચારો અદ્રશ્ય થઈ ગયા અને શાલ્વીને એણે ફરી આલિંગન આપી દીધું અને એના ચહેરા ઉપર એક ચુંબન પણ કરી દીધું. પરંતુ આ આલિંગનમાં શાલ્વી માટે પ્યાર સાથે વાસના પણ ભળી હતી.
" ઠીક છે. આપણા સંબંધો પહેલાની જેમ ચાલુ થઈ જશે. મને પણ હમણાં બે ત્રણ મહિના સુધી તારી જરૂર છે શાલુ. " અભિષેક શાલ્વીથી અલગ થઈને બોલ્યો.
અભિષેકના આ ઉન્મત્ત આલિંગનથી શાલ્વી ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ હતી. એની ઈચ્છા તો અત્યારે જ અભિષેકને બેડરૂમમાં ખેંચી જવાની હતી પણ એણે આજે હોટલ બુક કરાવેલી જ હતી એટલે થોડો સંયમ રાખ્યો.
આ ખુશ ખબર આપવા માટે એ પપ્પાના બેડરૂમ પાસે ગઈ અને દરવાજો નોક કરીને અંદર ગઈ. આજે એ બહુ જ ખુશ હતી. પપ્પાએ દીકરીનો ચહેરો વાંચી લીધો.
" પપ્પા અભિષેકે મારી લાગણી સમજી છે. આજે એમણે મારો સ્વીકાર કરી લીધો છે. " શાલ્વી શરમાઈને બોલી.
" તારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી બેટા. આજે હું ખૂબ જ ખુશ છું. ચાલો હવે આપણે ડ્રોઈંગ રૂમમાં જઈએ અને કેક કાપીએ. " પપ્પા બોલ્યા.
જૈમિનભાઈ અને સુષ્માબેન શાલ્વી સાથે ડ્રોઈંગ રૂમમાં આવ્યાં.
" અભિષેકકુમાર શાલ્વીએ મને સમાચાર આપ્યા. તમારી સંમતિથી અમે બંને પણ ખૂબ જ ખુશ છીએ. અમારા આશીર્વાદ હંમેશાં તમારી સાથે છે. હું તો તમને જમાઈ માની જ ચૂક્યો છું. હવે તમે હક્કથી આ ઘરમાં આવન જાવન કરી શકો છો. અમારે પણ આ ઉંમરે હવે નાના નાની બનવાની ઈચ્છા છે. " જૈમિનભાઈ બોલ્યા.
અભિષેકની નજર શાલ્વી ઉપરથી હટતી જ ન હતી. આજે એ ખૂબ જ કામણગારી લાગી રહી હતી અને મેનકાની જેમ અભિષેકનું મન એણે મોહી લીધું હતું. જૈમિન શાહની નાના નાની બનવાની વાતથી પણ એ ઉત્તેજિત થઈ ગયો.
" હા પપ્પા. મેં પણ શાલ્વીને મારી પત્નીનો દરજ્જો આજે આપી દીધો છે. પરંતુ આ સંબંધો ગુપ્ત જ રહેશે. અંકિત વિશે કોઈને પણ સાચી ખબર નથી એટલે શાલ્વી વલ્લભદાસના ઘરે જ શિફ્ટ થઈ જશે અને ત્યાં જ હું એને અંકિત તરીકે અવાર નવાર મળતો રહીશ. મારું નામ તમારા ઘરમાં હવે પછી અંકિત જ રહેશે અને શાલ્વી પણ મને અંકિત તરીકે જ બોલાવશે. ડિલિવરી પછી અંજલી બે મહિના માટે પિયર જવાની છે. એ સમયે હું જૂહુ શાલ્વી પાસે આવતો જતો રહીશ." અભિષેક બોલ્યો.
" આ વાત તમે સારી કરી. અભિષેક ના બદલે અંકિતની ટેવ જ પાડવી પડશે જેથી ભવિષ્યમાં કદાચ અંજલી બંનેને સાથે જોઈ જાય તો પણ કોઈ વાંધો ના આવે. ચાલો હવે કેક કાપી લઈએ. કારણ કે તમારે બંનેને બહાર હોટલમાં જમવા જવાનું છે. " જૈમિનભાઈ બોલ્યા.
" અમે બંને શું કામ ! તમે લોકો પણ આવો ને અંકલ. " અભિષેક બોલ્યો.
" આજનો દિવસ તમારા બંનેનો છે. એન્જોય ! અમારા બે માટે ઘરે ઈડલી સાંભાર બની ગયો છે. " જૈમિનભાઈ હસીને બોલ્યા.
એ પછી હેપી બર્થડે ના ગાન વચ્ચે કેક કાપવામાં આવી. શાલ્વી અને અભિષેકે એકબીજાને કેક ખવડાવી.
ત્યાર બાદ અભિષેકે પોતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની બેગમાંથી લાલ રંગનું બોક્ષ બહાર કાઢ્યું અને શાલ્વીને બર્થ ડે ગિફ્ટ આપી.
શાલ્વીએ અધીરાઈ પૂર્વક બોક્ષ ખોલ્યું તો અંદર ઝગારા મારતો અસલી ડાયમંડ જડેલો ગોલ્ડનો અદભુત નેકલેસ હતો ! એ એક મિનિટ સુધી તો નેકલેસને જોતી જ રહી. એની આંખોને વિશ્વાસ જ નહોતો આવતો કે આટલો મોંઘો અને ડિઝાઇનર નેકલેસ અભિષેક મારા માટે લાવ્યા છે !
શાલ્વીને મન તો એવું થયું કે બધાની વચ્ચે અભિષેકને વળગી જ પડું ! એ પોતાના પ્રિયતમ ઉપર ઓળઘોળ થઈ ગઈ.
અભિષેકને પૈસાની કોઈ જ તકલીફ ન હતી. સવાસો કરોડનો પોતે માલિક હતો. પાંચ છ લાખ રૂપિયાનો ડાયમંડ નેકલેસ લેવામાં એને કોઈ તકલીફ ન હતી એટલે એણે શ્રેષ્ઠ પસંદગી કરી હતી.
" વાઉ ! કેટલી સરસ ચોઈસ છે તમારી ! હવે આ નેકલેસ તમે તમારા હાથે જ મને પહેરાવો અંકિત." શાલ્વી અંકિતનું સંબોધન કરીને બોલી.
અભિષેકે શાલ્વીની નજીક જઈને પાછળથી નેક્લેસની પીન ભરાવી દીધી.
નેકલેસ પહેર્યા પછી અરીસામાં જોવા માટે શાલ્વી પોતાના બેડરૂમમાં ગઈ અને સાથે અભિષેકનો હાથ ખેંચીને એને પણ લેતી ગઈ.
અરીસામાં પોતાને જોઈને એ પાગલ થઈ ગઈ. અભિષેકે દિલથી ભેટ આપી હતી. અસલી ડાયમંડનો આ નેક્લેસ પાંચ છ લાખથી ઓછો ન હતો એની એને સમજણ હતી.
" ડાર્લિંગ તમારે મને આટલી બધી મોંઘી ગિફ્ટ આપવાની ? " શાલ્વી એને પ્રેમથી ભેટીને બોલી.
" યુ આર સ્પેશિયલ ફોર મી શાલુ. યુ ડિઝર્વ ઈટ ! " અભિષેક એની આંખોમાં આંખો પરોવીને બોલ્યો.
" તમારું સજેશન મને ખૂબ જ ગમ્યું ડાર્લિંગ. અંજલી સાથે હો ત્યારે અભિષેક અને મારી સાથે હો ત્યારે અંકિત ! વાહ !! " શાલ્વી લાડથી બોલી.
(આ પ્રકરણ રોમેન્ટિક બનાવ્યું છે કારણ કે નવલકથાના પ્રવાહમાં હવે પછી જે પણ ઘટનાઓ બનવાની છે એના માટે રોમાન્સ બતાવવો જરૂરી છે. 😊)
અશ્વિન રાવલ (અમદાવાદ)
"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

