અભિષેક પ્રકરણ 76
શાલ્વીના જન્મદિવસે અભિષેક એને વિશ કરવા માટે બોરીવલી આવ્યો હતો. શાલ્વીએ પોતાના જન્મદિવસની જે પાર્ટી રાખી હતી તેમાં અભિષેક સિવાય કોઈને પણ આમંત્રણ ન હતું. શાલ્વી એ દિવસે માત્ર અભિષેક માટે જ ખાસ તૈયાર થઈ હતી. આજે એ એટલી બધી સુંદર લાગતી હતી કે અભિષેક એને જોઈને જ આકર્ષાઈ ગયો હતો.અભિષેક નવલકથા
અભિષેકે એને જન્મદિવસની મોંઘી ભેટ આપી હતી. અભિષેકે આપેલો છ લાખનો હીરા જડિત નેકલેસ જોઈને શાલ્વી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.
નેક્લેસ પહેરીને શાલ્વી અભિષેક સાથે પોતાના બેડરૂમમાં ગઈ હતી અને ત્યાં અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયા પછી એ અભિષેકને વળગી પડી હતી અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
" આજનો દિવસ હું ક્યારેય પણ નહીં ભૂલું અભિષેક. ચાલો આપણે હવે ડ્રોઈંગ રૂમમાં જઈએ. " શાલ્વી બોલી અને બંને જણાં ડ્રોઈંગ રૂમમાં મમ્મી પપ્પા પાસે આવ્યાં.
" આ ડાયમંડ નેકલેસ તારા ગળામાં ખૂબ જ શોભે છે બેટા. અભિષેકે ખરેખર દિલથી તને જન્મદિવસની ગિફ્ટ આપી છે." જૈમિનભાઈ બોલ્યા.
" હા પપ્પા. આ ડાયમંડ નેકલેસની કિંમત છ લાખથી ઓછી નહીં હોય. અસલી હીરાથી જડેલો છે. " શાલ્વી બોલી અને મમ્મી પપ્પાને બતાવવા એમની નજીક ગઈ.
" આટલો બધો મોંઘો નેકલેસ લાવવાની શું જરૂર હતી અભિષેક ? " જૈમિન શાહ બોલ્યા.
" મેં પણ એમને એ જ કહ્યું પપ્પા." શાલ્વી બોલી.
" અભિષેક નહીં અંકિત ! અંકલ તમે હવે અભિષેકને ભૂલી જાઓ. શાલ્વી માટે હું હવે અંકિત જ રહીશ. તમે મને અભિષેક કહેશો એટલે મને અભિષેક હોવાનો અહેસાસ થશે. અંકિત કહેશો તો જ હું સંપૂર્ણપણે શાલ્વીનો બની શકીશ. " અભિષેકે જૈમિનભાઈની ભૂલ સુધારી.
" સોરી સોરી... ભૂલ થઈ ગઈ. હવે પછી આ ભૂલ નહીં થાય. મારા ઘરમાં તમારી ઓળખાણ અંકિત તરીકે જ રહેશે. " જૈમિનભાઈ બોલ્યા.
" હા. અંકિત સન્યાસી બની ગયો છે એ કોઈ જ જાણતું નથી. તમારા લોકો માટે અને આખી દુનિયા માટે હજુ પણ હું અંકિત જ છું. અને એ જ સંબંધ ચાલુ રહેશે તો ક્યારેય પણ કોઈ વાંધો નહીં આવે. અમે મુક્ત મને બહાર પણ ફરી શકીશું." અભિષેક બોલ્યો.
" તમારી વાત એકદમ સાચી છે અંકિત. હોટલનો સ્ટાફ પણ તમને અંકિત શેઠ તરીકે જ ઓળખે છે. આપણે બંને જૂહુની એ હોટલે જઈશું તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને અંકિત તરીકે તમે ક્યારેક તમારી એ હોટલ પણ સંભાળી શકશો. " શાલ્વી બોલી.
" હા શાલ્વી. તારા માટે થઈને મેં મારો આ નવો અવતાર સ્વીકારી લીધો છે." અભિષેક બોલ્યો.
" ચાલો હવે તમે લોકો મલાડ જવા નીકળો. નવ વાગવા આવ્યા છે. ત્યાં હોટલ સાઈ પેલેસ તમારી રાહ જુએ છે. તમારા આ નવા જીવનની યાત્રા આજથી જ શરૂ કરો." જૈમિન શાહ હસીને બોલ્યા.
એ પછી અભિષેક અને શાલ્વી મમ્મી પપ્પાને પગે લાગીને હોટલ જવા માટે નીકળી ગયાં.
અભિષેક પોતાની જ ગાડીમાં શાલ્વીને મલાડ હોટલ સાઈ પેલેસમાં લઈ ગયો. ગાડી પાર્ક કરીને બંને જણાં સીધાં હોટલના રેસ્ટોરન્ટમાં જ ગયાં. અહીં બૂફે સિસ્ટમ હતી.
અભિષેક અને શાલ્વીએ ડીશ લઈને પોત પોતાની પસંદગીની આઈટમ પસંદ કરી અને એક ટેબલ ઉપર બેઠાં. આજે અભિષેકનું ચિત્ત જમવામાં બિલકુલ ન હતું. એની નજર સતત શાલ્વી ઉપર જ રહેતી હતી.
શાલ્વીએ આજે અભિષેકને પોતાના હાથે સ્વીટ ખવડાવી. અભિષેકે પણ એનું જ પુનરાવર્તન કર્યું. જમતાં જમતાં બંને એકબીજામાં ખોવાઈ ગયાં હતાં.
" અંકિત આ જ હોટલમાં મેં આપણા માટે રૂમ પણ બુક કરાવી દીધી છે. તમારે આજની રાત અહીં રોકાવાનું છે. આપણે જમીને સીધા રૂમમાં જ જઈએ છીએ." શાલ્વી બોલી.
" સો નાઈસ ઓફ યુ શાલુ. સાચું કહું .. તને જોઈને મન આજે ખૂબ જ બેચેન બની ગયું છે. આજે મારું મન મારા વશમાં નથી ડાર્લિંગ. ટુ મચ એક્સાઇટેડ. " અભિષેક બોલ્યો.
" હા જાન. મારી પણ એ જ હાલત છે. " શાલ્વી બોલી.
જમીને બંને જણાં સાંઈ પેલેસ હોટલના રિસેપ્શન કાઉન્ટર પાસે ગયાં અને આઈકાર્ડ બતાવીને શાલ્વીએ પોતે બુક કરાવેલા ડિલક્સ રૂમની ચાવી લઈ લીધી.
" ખૂબ સારી હોટલ પસંદ કરી છે. રૂમ પણ સ્પેસિયસ અને સરસ છે. " અભિષેક રૂમમાં દાખલ થયા પછી બોલ્યો.
" આજે આપણે જીવનની નવી શરૂઆત કરી રહ્યાં છીએ અંકિત. કેટલાય દિવસોથી તમારી રાહ જોઈ રહી હતી. આઠ મહિના સુધી આપણે એકબીજામાં ખોવાયેલાં રહેલાં. હું તમારી જ છું ડાર્લિંગ." બોલીને શાલ્વી અભિષેકને વળગી પડી.
શાલ્વીના શરીરની માદક સુગંધ અભિષેકને બેચેન બનાવી ગઈ. એણે શાલ્વીને ધીમેથી બેડ ઉપર લઈ લીધી અને આગળ વધતો ગયો. ગૌર વર્ણની શાલ્વીના દેહ સૌંદર્યને એણે અભિષેક તરીકે પહેલીવાર જોયું અને એ હોશ ગુમાવી બેઠો.
શાલ્વીને તો એ પહેલેથી જ પસંદ હતો. બંને યુવાન હૈયાં કલાકો સુધી એક બીજામાં ખોવાઈ ગયાં. વહેલી સવારના ચાર વાગ્યા સુધી એમની પ્રણય ક્રીડા ચાલતી રહી. આજે અભિષેક કરતાં પણ શાલ્વી વધારે ખુશ હતી.
હકીકતમાં શાલ્વી તરફ અભિષેકનું આકર્ષણ એના ગુરુજીએ રચેલી માયા જ હતી. અભિષેક એના નવા જન્મમાં વાસનાથી સંપૂર્ણ મુક્ત રહે એટલા માટે આ જન્મમાં છેલ્લે છેલ્લે એનામાં ભોગવૃત્તિ વધારી દીધી હતી. પાછલા અનેક જન્મોથી દબાયેલી કામવાસનાને કાયમ માટે શાંત કરવા એનામાં કામ ઊર્જા વધારી દીધી હતી અને થોડા સમય માટે એને કામી અને રંગીન બનાવી દીધો હતો.
અને સાથે સાથે શાલ્વી તરફનો મોહ આ જન્મમાં જ પૂરો થઈ જાય અને નવા જન્મમાં એ બે આત્માઓ વચ્ચે કોઈ ઋણાનુબંધ બાકી ના રહે એટલા માટે જ એના મનમાં શાલ્વી માટે આટલો બધો મોહ પેદા કર્યો હતો !
સવારે આઠ વાગે અભિષેકની આંખ ખુલી. ભર ઊંઘમાં સૂતેલી શાલ્વીના સૌંદર્યને એ જોતો રહ્યો. અત્યારે પણ શરીર સંબંધ માટે મન વિચલિત થઈ ગયું પરંતુ પરાણે એણે મન ઉપર કાબુ રાખ્યો.
એણે શાલ્વીના માથા ઉપર હળવેથી હાથ ફેરવીને એને જગાડી દીધી. એણે આંખો ખોલી. અભિષેક એના ઉપર ઝળુંબી રહ્યો હતો. એ ધીમેથી બેઠી થઈ.
" ગુડ મોર્નિંગ જાન. હું તો હજુ પણ નશામાં જ છું. " શાલ્વી બોલી.
" તારો નશો તો મને પણ છે ડાર્લિંગ પણ હવે ઉઠવું તો પડશે ને ! આઠ વાગી ગયા છે. " અભિષેક બોલ્યો.
" તમારી ઈચ્છા હોય તો આજે પણ રોકાઈ જઈએ. " શાલ્વી લાડથી બોલી.
" ના હવે હું નાહીને નીકળી જાઉં છું. અંજલી રાહ જોતી હશે. વધારે મોડું થશે તો મારે ખુલાસા કરવા પડશે. અને હવે તો તારી માયા લાગી ગઈ છે એટલે ફરી આવવું તો પડશે જ. " અભિષેક બોલ્યો અને વૉશ રૂમમાં ગયો.
નાહી ધોઈને અડધા કલાક પછી બહાર આવ્યો ત્યારે સાડા આઠ વાગી ગયા હતા.
" મેં ચાનું કહી દીધું છે અંકિત. પાંચ મિનિટ બેસો ત્યાં સુધી હું બ્રશ કરી લઉં. " શાલ્વી બોલી અને વૉશ રૂમમાં ગઈ. અભિષેક વૉશ રૂમમાં હતો ત્યાં સુધી એણે કપડાં પહેરી લીધાં હતાં.
પાંચ મિનિટમાં જ દરવાજાનો ડોરબેલ વાગ્યો. અભિષેકે દરવાજો ખોલ્યો. વેઈટર ચા લઈને આવ્યો હતો. ચા મૂકીને એ જતો રહ્યો.
ત્યાં સુધીમાં શાલ્વી પણ બ્રશ કરીને બહાર આવી ગઈ. એણે બંને કપમાં ચા કાઢી અને બંનેએ ચા પી લીધી.
" અંકિત આજે હું બહુ જ ખુશ છું. છેવટે તમે મારો સ્વીકાર કરી લીધો. હું પણ તમારી પત્ની જ છું એવી રીતે મારી સાથે સંબંધ રાખજો. હકથી મારી પાસે આવતા રહેજો. " શાલ્વી બોલી.
" હા શાલુ. મેં મારું મન બનાવી લીધું છે. અને તું હવે વલ્લભદાસના ઘરે શિફ્ટ થઈ જા. તારું એ સાસરું છે અને મારું એટલે કે અંકિતનું એ જ ઘર છે. ત્યાં રહીને તું હોટલમાં પણ બેસવાનું ચાલુ કરી દે. " અભિષેક બોલ્યો.
" ઠીક છે અંકિત. તમારી વાત સાચી છે. હું બે ત્રણ દિવસમાં જ જૂહુ શિફ્ટ થઈ જાઉં છું. " શાલ્વી બોલી.
" તું હવે ઘરે કેવી રીતે જઈશ ? કારણ કે ગાડી તો હું લઈ જાઉં છું." અભિષેક બોલ્યો.
" તમે નીકળી જાઓ અંકિત. હું ટેક્સી કરીને ઘરે જતી રહીશ. મને નાહીને બહાર આવતાં પોણો કલાક તો સહેજે થઈ જશે. તમારે મોડું થશે. " શાલ્વી બોલી.
અભિષેક બહાર નીકળી ગયો અને અડધા કલાકમાં દહીસર પહોંચી પણ ગયો.
" તું તો શાલ્વીના ઘરે બહુ રોકાઈ ગયો બેટા ! " વીણા માસીએ મીઠો ઠપકો આપ્યો. અંજલી પણ ત્યાં જ બેઠી હતી.
" રાત્રે અમે લોકો પાર્ટીમાં મોડે સુધી જાગ્યા હતા એટલે સવારે પણ મોડા ઉઠ્યા. અને અંકિત મને ચા પીધા વગર આવવા ના દે એટલે મોડું થઈ ગયું માસી." અભિષેક બોલ્યો.
" ગરમા ગરમ નાસ્તો બનાવેલો છે તું જમી લે. અંજલી બિચારી નાસ્તામાં તારી રાહ જોઈ રહી હતી. છેવટે મેં જ એને પરાણે નાસ્તો કરવા બેસાડી દીધી. " માસી બોલ્યાં.
અભિષેકને મનમાં થોડું દુઃખ તો થયું પરંતુ એ લાચાર હતો. એણે ચૂપચાપ નાસ્તો કરી લીધો.
એક મહિનાનો સમય પસાર થઈ ગયો.
રામ નવમીના દિવસે સવારે સાડા આઠ વાગે અંજલીએ બોરીવલી બાભઈ નાકા પાસે આવેલા સેફ્રોન મેટરનીટી હોમમાં સુંદર પુત્રને જન્મ આપ્યો. કુશ નામ તો અંજલીએ પહેલેથી પાડેલું જ હતું ! બે દિવસ આરતી એની સાથે હોસ્પિટલમાં રોકાઈ હતી.
અંજલીની મમ્મી બે દિવસ પછી અંજલીને પોતાના ઘરે સુંદરનગર મલાડ લઈ ગઈ હતી. અભિષેક જાતે જ પોતાની ગાડીમાં મૂકી આવ્યો હતો. એણે અંજલી માટે પૈસાની પણ બધી વ્યવસ્થા કરી આપી હતી.
આ એક મહિનામાં હોસ્પિટલમાં તમામ સાધનો, મશીનો અને બેડ વગેરે આવી ગયાં હતાં. ફર્નિચર પણ તૈયાર થઈ ગયું હતું. સ્ટાફની ભરતી કરીને ઉદ્ઘાટન કરવાની જ વાર હતી. અને એ માટે રામાણી સાહેબ એકદમ સક્રિય હતા. અક્ષય તૃતીયાના દિવસે હોસ્પિટલ ચાલુ કરવાનું નક્કી કર્યું હતું.
અભિષેકની સલાહ પછી ત્રણ દિવસમાં જ શાલ્વી જૂહુના ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ હતી. છેલ્લા આ એક મહિનામાં અભિષેક ચારેક વખત શાલ્વી પાસે આવ્યો હતો અને એણે અહીં અંકિત તરીકે પોતાનો સંસાર શરૂ કર્યો હતો.
કામિનીબેનને આશ્ચર્ય જરૂર થયું હતું પરંતુ અભિષેક અંકિત બનીને પાછો આવ્યો હતો એટલે એમને અંદરથી તો આનંદ જ થયો હતો. પોતાના પતિની ઈચ્છા વંશ ચાલુ રાખવાની હતી એટલે અભિષેકના આગમનથી એ ખુશ હતાં. અભિષેક હોટલમાં પણ ઘણીવાર ચક્કર મારી આવતો હતો.
છેવટે અખાત્રીજનો દિવસ આવી ગયો. રામાણી સાહેબે ન્યૂઝ પેપરમાં બે વાર જાહેરાત આપીને સારા પગારે તમામ સ્ટાફની ભરતી કરી દીધી હતી. સારા સારા નિષ્ણાત ડોક્ટરો ઊંચો પગાર નક્કી કરીને રોક્યા હતા. હોસ્પિટલનું નામ વનિતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાખ્યું હતું. વનિતા આન્ટીને આ એક પ્રકારની શ્રદ્ધાંજલિ જ અભિષેકે આપી હતી !
ઉદ્ઘાટનના દિવસે સવારે ૧૦ વાગે હોસ્પિટલમાં અભિષેકનો આખો પરિવાર હાજર રહ્યો હતો. અંજલી પણ કુશ ને લઈને એના મમ્મી પપ્પા સાથે આવી હતી. જૈમિન શાહ, સુષ્માબેન, શાલ્વી અને કામિનીબેન પણ આવ્યાં હતાં. ઋષિકેશ અંકલ અને એમની બે દીકરીઓને પણ આમંત્રણ આપ્યું હતું. દોશી સાહેબ પણ ખાસ મહેમાન તરીકે આવ્યા હતા.
વાત થયેલી હતી એટલે એક મહિના અગાઉ નોટિસ આપીને દિપાલીએ રાજકોટની હોસ્પિટલમાં રાજીનામું આપી દીધું હતું અને અત્યારે એ પણ હાજર હતી. અભિષેકના આગ્રહથી એ બે દિવસ પહેલાં જ મુંબઈ આવી હતી અને સીધી દહીસરના મકાનમાં જ રોકાઈ હતી.
છેલ્લા બે દિવસથી મુંબઈનાં તમામ ન્યૂઝ પેપરમાં છેલ્લા પાને વનિતા હોસ્પિટલની સતત જાહેરાત થતી હતી એટલે નજીક રહેતા અમુક પેશન્ટો પણ હોસ્પિટલમાં આવી ગયા હતા અને હોસ્પિટલ ચાલુ થાય એની રાહ જોતા હતા. એક સપ્તાહ સુધી દર્દીઓ પાસેથી કોઈ પણ જાતની ફી લેવાની ન હતી એટલે ભીડ થોડી વધારે હતી.
બરાબર દસ વાગે હોસ્પિટલનું ઉદઘાટન યોગીજીએ દીપ પ્રગટાવીને કર્યું અને સહુએ તાળીઓથી આ પ્રસંગને વધાવી લીધો. એ પછી તમામ સ્ટાફને આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યો. બધાએ દિલથી અભિષેકને અભિનંદન આપ્યા તો કોઈએ બુકે પણ આપ્યા. જાહેરાત મુજબ ૧૧ વાગે સૌએ પોતાની ડ્યુટી સંભાળી લીધી. ડોક્ટરો પોતપોતાના રૂમમાં ગયા.
સુપ્રીન્ટેન્ડેન્ટ તરીકે રામાણી સાહેબની અલગ ચેમ્બર હતી તો માલિક અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અભિષેકની અલગ ચેમ્બર હતી. દિપાલી પણ ડેન્ટિસ્ટ તરીકે પોતાની રૂમમાં ગઈ. આરતી બીજી નર્સો સાથે પોતાને આપેલા વોર્ડમાં ગઈ.
એ પછી તમામ પેશન્ટને અંદર એન્ટ્રી આપવામાં આવી. એક્સ રે વિભાગ પણ ડોક્ટર અને ટેકનિશિયને સંભાળી લીધો હતો તો લેબોરેટરીમાં પણ લેડી ડૉક્ટર અને લેડીઝ ટેકનિશિયન્સ આવી ગયા હતા.
હોસ્પિટલ બનવાની હતી એટલે નીચે એક મેડિકલ સ્ટોર પણ બની ગયો હતો અને એ પણ હોસ્પિટલ ચાલુ થાય એની રાહ જોઈ રહ્યો હતો.
" કેમ અંકિતભાઈ નથી દેખાતા ? " ઉદ્ઘાટન પતી ગયું એટલે અંજલીએ શાલ્વીને પૂછ્યું.
" એ ગઈ કાલના સુરત ગયેલા છે. અમારી બીજી હોટલ સુરતમાં છે એ વેચવાની છે. એક પાર્ટી સાથે મીટીંગ છે એટલે એમને જવું પડ્યું છે." શાલ્વી બોલી અને એણે અભિષેક સામે જોયું.
આ સવાલ આવવાનો જ છે એ શાલ્વીને ખબર હતી એટલે એણે જવાબ તૈયાર જ રાખ્યો હતો.
બાજુમાં જ ઊભેલી દિપાલીએ આ જવાબ સાંભળ્યો. એને ખ્યાલ આવી ગયો કે હજુ સુધી અંજલીને પોતાના પતિ અભિષેક વિશે સાચી માહિતી કોઈએ આપી નથી. જો કે એ માહિતી એને ન જ મળે એમાં જ સૌની ભલાઈ છે.
શાલ્વીએ કુશને પોતાના બે હાથમાં લઈ લીધો અને ખૂબ જ વહાલ કર્યું. આમ પણ એને બાળકો ખૂબ જ વહાલાં હતાં અને આ તો પાછો પોતાના અભિષેકનો દીકરો હતો !
" આજે તો ફ્રી નિદાન છે એટલે હોસ્પિટલમાં પહેલા દિવસે પણ ઘણી ભીડ જોવા મળે છે. સાત દિવસ સુધી આવું જ રહેશે. જો કે એરીયા એવો છે અને ચાર્જિસ પણ એટલા ઓછા રાખ્યા છે કે ધીમે ધીમે આ હોસ્પિટલ આખા મુંબઈમાં પ્રખ્યાત થઈ જશે. " અભિષેક બધા સાંભળે એમ બોલ્યો.
અને ખરેખર અભિષેકની આગાહી સાચી પડી. એક અઠવાડિયા પછી તો વનિતા હોસ્પિટલ ખારની આજુબાજુ ના વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ. ખાસ કરીને બાંદ્રાના મુસ્લિમ વિસ્તારમાંથી પેશન્ટ વધારે આવવા લાગ્યાં. આજુબાજુના એરિયામાં આટલી સસ્તી હોસ્પિટલ બીજી કોઈ જ ન હતી. ઓપરેશનના ચાર્જીસ પણ મામૂલી હતા. એક્સ રે અને લેબોરેટરી ટેસ્ટ પણ ઘણા સસ્તા હતા.
આ હોસ્પિટલમાં જોઈન થયેલા ડોક્ટર્સ પણ ખૂબ જ બીઝી રહેવા લાગ્યા. પેશન્ટોની લાઈન લાગતી હતી. એક મહિનામાં તો બંને વૉર્ડ ફુલ થઈ ગયા. રામાણી સાહેબ પોતે પણ ખૂબ જ આશ્ચર્ય પામી ગયા.
" અભિષેક સર તમારી હોસ્પિટલ તો જબરદસ્ત જામી ગઈ છે. આટલો રશ તો મેં રાજકોટની હોસ્પિટલમાં પણ જોયો નથી. મારી પોતાની પાસે પણ એટલા બધા પેશન્ટ આવે છે કે થાકી જવાય છે. " એક દિવસ દિપાલી રાત્રે જમતી વખતે બોલી. હજુ અભિષેક નવા ફ્લેટમાં શિફ્ટ થયો ન હતો.
" આ હોસ્પિટલ જ મેં લોકોની સેવા માટે ખોલી છે દિપાલી. કમાવાની કોઈ ભાવના જ નથી. ઉપરવાળાએ આપ્યું છે અને ઉપરવાળો ધ્યાન રાખે છે. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. " અભિષેક બોલ્યો.
" ભાઈના વિચારો જ સાવ અલગ છે દિપાલીબેન. અને એ પોતાનું ધાર્યું જ કરે છે. " આરતી હસીને બોલી.
" ડિલિવરીને સાડા ત્રણ મહિના થઈ ગયા સર. હવે તો તમે અંજલીને તેડી લાવો ! કુશનો કિલકિલાટ અમારે પણ સાંભળવો છે." દિપાલી બોલી.
" હા પણ હું એને અહીં લાવવાનો નથી દિપાલી. એને સીધો મારા નવા ફ્લેટમાં લઈ જવાનો છું. ફ્લેટ ઘણો મોટો છે. " અભિષેક હસીને બોલ્યો.
" આવું ના ચાલે ભાઈ. કુશનાં પગલાં આ ઘરમાં કરાવવાં જ પડે. આ એના દાદાનું ઘર છે. અહીં થોડો સમય રહ્યા પછી ભલે તમારે લોકોને જવું હોય તો જજો. " આરતી બોલી.
" આરતીની વાત સાચી છે બેટા. તું અંજલીને આ ઘરમાં લઈ આવ. થોડા દિવસ અમે પણ કુશને રમાડવાનો લ્હાવો લઈએ. શ્રાવણ મહિનો આજે બેસી ગયો છે. પાંચ દિવસ પછી સુદ પાંચમના દિવસે તું અંજલીને લઈ આવ અને પૂનમ પછી તું એને લઈને પારલા જતો રહેજે. " વીણામાસી બોલ્યાં.
અભિષેકે વિચાર્યું કે જો અંજલી ઘરે આવી જશે તો પછી શાલ્વીના ઘરે જૂહુ જઈને એની સાથે રાત રોકાઈ શકાશે નહીં અને હોસ્પિટલ ચાલુ થઈ ગઈ હોવાથી દિવસે તો સમય મળતો જ નથી. એણે ત્રણ દિવસ માટે શાલ્વીની સાથે જ જૂહુ રહેવાનો પ્લાન વિચાર્યો.
" ઠીક છે. તમે બધાં આટલું બધું કહો છો તો પાંચમના દિવસે હું અંજલીને લઈ આવું છું. કાલે તો ત્રણ દિવસ માટે હું પૂણે જવાનો છું." અભિષેક બોલ્યો.
" અચાનક પૂણે કેમ ? " દિપાલી બોલી.
અભિષેકને દિપાલીનો આ સવાલ ના ગમ્યો.
" દિપાલી દરેક સવાલના જવાબ આપવા જરૂરી છે ? અરે હોસ્પિટલમાં ન્યુરોસર્જનની જગ્યા ખાલી છે અને પૂણેની હોસ્પિટલમાં એક ન્યૂરોસર્જન સાથે વાત ચાલી રહી છે એટલે એને રૂબરૂ મળવાની મારી ઈચ્છા છે. " અભિષેક બોલ્યો.
" સોરી સર. મારે આ બધું પૂછવું ના જોઈએ. " દિપાલી બોલી. એણે તો અમસ્તું જ પૂછ્યું હતું. પરંતુ એને ખબર ન હતી કે અભિષેક સરને આ સવાલ નહીં ગમે.
" રિલેક્સ દિપાલી. સોરી કહેવાની જરૂર નથી. હોસ્પિટલ ચાલુ કરી છે એટલે હવે બધી મેડિકલ કોન્ફરન્સ પણ એટેન્ડ કરવી પડશે. સેમિનાર પણ એટેન્ડ કરવા પડશે. હવે તો બહાર જવાનું વારંવાર થશે. " અભિષેક હસીને બોલ્યો.
" હું સમજી શકું છું સર. મેં તો જસ્ટ અમસ્તું જ પૂછ્યું હતું. મારે બીજી પણ એક વાત કહેવાની છે સર. મેં રાજકોટ પાછા જવાનો નિર્ણય લઈ લીધો છે. પપ્પાનો પણ ગઈકાલે રાત્રે ફોન હતો. હોસ્પિટલમાં પણ મારી જગ્યા હજુ ખાલી જ છે. " અચાનક દિપાલી બોલી.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

