અભિષેક (Abhishek Novel Part-77)

Related

અભિષેક પ્રકરણ 77

" હું સમજી શકું છું સર. મેં તો જસ્ટ અમસ્તું જ પૂછ્યું હતું. મારે બીજી પણ એક વાત કહેવાની છે સર. મેં રાજકોટ પાછા જવાનો નિર્ણય લઈ લીધો છે. પપ્પાનો પણ ગઈકાલે રાત્રે ફોન હતો. હોસ્પિટલમાં પણ મારી જગ્યા હજુ ખાલી જ છે. " અચાનક દિપાલી બોલી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" અરે અરે દિપાલી. આટલી બધી ઈમોશનલ ના થા. મારી વાતથી તને ખોટું લાગ્યું હોય તો હું તને સોરી બોલું છું. તારે રાજકોટ જવાની કોઈ જરૂર નથી. મારી હોસ્પિટલને તારી જરૂર છે. અને તને મારા આ ઘરમાં રહેવાની વ્યવસ્થા પણ મેં કરી આપી છે. માસી અને આરતી સાથે તને ઘણી મજા આવશે. " અભિષેક બોલ્યો.

" હા દિપાલીબેન. તમારી મને સારી કંપની મળી છે. હોસ્પિટલમાં પણ આપણે બંને સાથે જ જઈએ છીએ. તમે નહીં હોય તો હું એકલી પડી જઈશ. પ્લીઝ ભાઈની વાત માની લો." જોડે બેઠેલી આરતી બોલી.

" મને અહીં કોઈ જ તકલીફ નથી. અભિષેક સરે પણ મને બહુ જ સપોર્ટ આપ્યો છે. એક મહિના સુધી અહીં મેં જોબ કરી પરંતુ રાજકોટ જેવી મજા મને અહીં નથી આવતી. કામનું પ્રેશર પણ ઘણું રહે છે. મારો આ નિર્ણય ફાઈનલ છે સર. જો નોટિસ પિરિયડ આપવાનો હોય તો એક મહિના પછી હું જઈશ. " દિપાલી બોલી.

" નોટિસ પિરીયડ જેવું કંઈ જ નથી તારા માટે. પણ તું તારો નિર્ણય બદલ. થોડો સમય જવા દે. તને ખરેખર અહીં ફાવી જશે. તને પગાર પણ હું રાજકોટ કરતાં ડબલ આપું છું. " અભિષેક બોલ્યો.

" તમારી વાત સાચી છે સર. તમે મને અહીં મુંબઈ બોલાવીને બહુ માન અને ઈજ્જત આપી છે. પરંતુ મુંબઈમાં હું સેટ નહીં થઈ શકું. અહીંની ફાસ્ટ લાઈફ મને ફાવતી નથી. રાજકોટમાં મને ઘણી શાંતિ મળે છે. " દિપાલી બોલી.

" ઓકે. તારે જ્યારે પણ જવું હોય ત્યારે જઈ શકે છે. " છેવટે અભિષેક બોલ્યો.

અભિષેકને પોતાને પણ લાગ્યું કે શાલ્વીના નશામાં એ બદલાઈ રહ્યો હતો. ખોટું બોલવું પડતું હતું. કોઈ સવાલ કરે તો ગુસ્સો આવી જતો હતો. આજે પણ એણે શાલ્વી સાથે ત્રણ દિવસ રહેવા મળે એટલા માટે પૂણેનું બહાનું કાઢ્યું હતું ! બદલાયેલા સ્વભાવના કારણે જ દિપાલીને ગુમાવી રહ્યો હતો. એ ખૂબ જ પ્રેમાળ છોકરી હતી પરંતુ ખૂબ સ્વમાની પણ હતી ! સામે ચાલીને મારી હોસ્પિટલમાં જોબ કરવાની એણે ઈચ્છા પ્રગટ કરી હતી. આવી ત્યારે ખુશ પણ હતી !

બીજા દિવસે સવારે અભિષેક ગાડી લઈને જૂહુ જવા નીકળી ગયો. એના મન ઉપર શાલ્વીએ કબજો લઈ લીધો હતો. શાલ્વી એને આ રીતે અચાનક આવેલો જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ.

અભિષેક સતત ત્રણ દિવસ સુધી શાલ્વીના મોહપાશમાં જકડાયેલો રહ્યો. વચ્ચે બે દિવસ એ ચાર પાંચ કલાક માટે હોટલ ઉપર જઈ આવ્યો. એ સિવાય બાકીનો બધો જ સમય શાલ્વી સાથે બેડરૂમમાં જ રહેતો. એ શાલ્વીના રૂપમાં ખોવાઈને સંપૂર્ણ વિલાસી બની ગયો હતો. ગુરુજીની ઈચ્છા હતી કે ભોગી બનીને એ યોગી બને !

ત્રણ દિવસ પછી સવારે એ પાછો દહીસર આવ્યો ત્યારે દિપાલી મુંબઈ છોડીને રાજકોટ ચાલી ગઈ હતી.

" ભાઈ દિપાલીબેન રાજકોટ જતાં રહ્યાં છે અને તમારા માટે રાજીનામાનું આ કવર આપતાં ગયાં છે. " આરતી બોલી અને એણે ડ્રોવરમાં મૂકેલું બંધ કવર કાઢીને અભિષેકના હાથમાં આપ્યું.

અભિષેકે પોતાના બેડરૂમમાં જઈને કવર ખોલ્યું તો રાજીનામાના બદલે પોતાના હાથે લખેલો એક લેટર હતો ! સ્ત્રીઓના અક્ષર આમ પણ ઘણા સારા હોય છે.

# અભિષેક સર.. ખૂબ જ ઉત્સાહ અને આનંદથી તમારા આમંત્રણનો સ્વીકાર કરીને હું રાજકોટ છોડીને મુંબઈ આવી હતી. હોસ્પિટલ ઘણી સારી છે. એ માટે દિલથી અભિનંદન. પરંતુ જે અભિષેક સરને રાજકોટમાં હું ઓળખતી હતી એ અભિષેક સર મને મુંબઈમાં ના મળ્યા.

# તમારી સાથે તમારા ઘરમાં હું એક મહિનો રહી પણ તમારો સ્વભાવ અને વ્યક્તિત્વ એકદમ બદલાઈ ગયેલાં છે. તે દિવસે હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે મેં જોયું કે તમારી નજર સતત શાલ્વી ઉપર રહેતી હતી અને શાલ્વીની તમારી ઉપર. અંજલી બિચારી પોતાના બાળક સાથે આવી હતી પરંતુ એના ઉપર તમારું ધ્યાન જ ન હતું. એ તો એના બાળકમાં મસ્ત હતી એટલે એણે તમારી આવી કોઈ નોંધ લીધી નથી. પરંતુ મારી નજર બહુ જ ચકોર છે.

# તમે અંકિત તરીકે એની સાથે આઠ મહિના ગાળેલા છે એ તમે મને કહેલું છે. એ ખૂબસૂરત પણ છે એટલે જ કદાચ તમે એને ભૂલી શક્યા નથી. કદાચ શાલ્વી પણ તમને છોડી શકે એમ નથી. મારો અંતરાત્મા એમ કહે છે કે તમે શાલ્વી સાથે ફરી આગળ વધી રહ્યા છો. તમારું મન બેચેન રહે છે એની પણ મેં નોંધ લીધી છે.

# તમે મને પૂણે જવાની વાત કરી અને એમ પણ કહ્યું કે ન્યુરોસર્જનની જગ્યા ખાલી છે એટલે ત્યાંની એક હોસ્પિટલમાં ન્યુરોસર્જન સાથે ચર્ચા કરવા જાઉં છું. મુંબઈ છોડતાં પહેલાં મેં પરમ દિવસે રામાણી સાહેબ સાથે ન્યુરોસર્જન વિશે ચર્ચા કરી હતી તો એમણે કહ્યું કે મુંબઈના જ એક ન્યુરોસર્જનને ત્રણ દિવસ પહેલાં જ એપોઇન્ટમેન્ટ આપી દીધી છે અને સોમવારથી હાજર પણ થઈ જવાના છે. ઘરથી બહાર રહેવા માટે તમારે પૂણેની વાત ઉપજાવવી પડે છે એ જાણીને દુઃખ થાય છે સર.

# સર આ માર્ગ યોગ્ય નથી. હું તો તમારાથી નાની છું. સલાહ આપવાની મારી કોઈ હેસિયત નથી. અંજલીને અન્યાય ના થાય એ જોજો. આઠ આઠ મહિના સુધી પ્રેગ્નન્ટ હાલતમાં એ તમારી પ્રતીક્ષા કરતી હતી. હવે એની ઉપેક્ષા ના કરશો.

# તમારા માટે મારા મનમાં ખૂબ જ આદર છે અને તમે ખૂબ જ પવિત્ર આત્મા છો એવી લાગણી અત્યાર સુધી મારા મનમાં રહી છે. અજાણતાં જે પણ બની ગયું એના માટે કોઈ દુઃખ નથી પણ હવે જો તમારો માર્ગ શાલ્વીના ઘર તરફ જશે તો મને ખૂબ જ આઘાત લાગશે.... દિપાલી. #

અભિષેકે આ પત્ર બે વાર વાંચ્યો અને એ સ્તબ્ધ થઈ ગયો. માત્ર એક જ મહિનામાં દિપાલીએ મારું આટલું બધું નિરીક્ષણ કરી લીધું ! ફરી પાછો એ ચકરાવામાં પડી ગયો. પોતે સાચું કરી રહ્યો છે કે ખોટું એ જ સમજાતું ન હતું. ઋષિકેશ અંકલ અલગ કહેતા હતા જ્યારે દિપાલી અલગ કહી રહી હતી. જો કે બંનેનો દ્રષ્ટિકોણ જ અલગ હતો.

દિવસે દિવસે શાલ્વીનું આકર્ષણ વધી રહ્યું હતું. જ્યારે પણ એની સાથે સહશયન કરતો ત્યારે સ્વર્ગ જેવું સુખ અનુભવતો હતો. ભૂલવા માંગે તો પણ એને ભૂલી શકતો ન હતો. પોતાની આ શું સ્થિતિ થઈ હતી !

જો પોતે ખોટા માર્ગે હતો તો પછી ગુરુજી કેમ એને રોકતા ન હતા ! જો પાછલા જન્મના કોઈ ઋણાનુબંધથી એ શાલ્વી સાથે જોડાયેલો હતો તો પછી ખોટા માર્ગે કઈ રીતે હતો ! હા એ વાત સાચી હતી કે અંજલી એની પ્રિય પત્ની હતી છતાં પિયરમાં રહેલી અંજલીને જોવા કે એના પોતાના બાળકને રમાડવા છેલ્લા સાડા ત્રણ મહિનામાં એ માત્ર પાંચ છ વાર જ ગયો હતો !

અભિષેકનું મનોમંથન ચાલુ હતું ત્યાં એને એના દિવ્ય ગુરુજીના શબ્દો યાદ આવ્યા.

" તમારા ત્રણેયના સંબંધોનું રહસ્ય મેં તને જણાવી દીધું છે. હવે નિયતિ જ તમારો આગળનો રસ્તો નક્કી કરશે. હજુ ઘણી ઘટનાઓ બનવાની છે. તારા સવાલોના જવાબ પણ તને મળી જશે. દરેક સંબંધોની એક આયુષ્ય મર્યાદા હોય છે ! હું તને આ બાબતમાં કોઈ સલાહ આપી ન શકું."

ગુરુજીની વાત સાચી પડી હતી. એક ઘટના તો બની ચૂકી હતી. વલ્લભદાસ શેઠે આત્મહત્યા કરી હતી અને મરતાં પહેલાં અભિષેક અને શાલ્વીથી એક સંતાન થાય એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. અને સંતાન પ્રાપ્ત થાય એના માટે સતત મળવું પણ જરૂરી હતું !!

અભિષેકને કંઈ સમજાતું ન હતું. એણે મનના વિચારોને બાજુમાં મૂકી દીધા. હમણાં તો જેમ ચાલે છે તેમ ચાલવા દેવું એમ નક્કી કરીને એ સૂઈ ગયો.
 
********************
" ઋષિકેશ અંકલ હું અંજલી બોલું. મારે તમને મળવું છે. ક્યારે અને ક્યાં મળી શકાય ? તમે જ્યાં કહો ત્યાં હું મળવા આવવા તૈયાર છું. " એક દિવસ ઋષિકેશ અંકલ ઉપર અંજલીનો ફોન આવ્યો.

" વાત કરવા માટે મારા ઘર જેવી બીજી કોઈ સારી જગ્યા છે જ નહીં બેટા. અને બપોરના ટાઈમે તો ઘરે હું એકલો જ હોઉં છું. એટલે બપોરે બાર થી પાંચ વાગ્યા સુધીમાં ગમે ત્યારે તું ઘરે આવી શકે છે." ઋષિકેશ અંકલ બોલ્યા.

" ઠીક છે અંકલ તો પછી કાલે જ બપોરે ત્રણ વાગે હું તમારા ઘરે આવી જઈશ. " અંજલી બોલી.

અંજલીએ બપોરે અઢી વાગે કુશને દૂધ પીવડાવી સૂવાડી દીધો અને મમ્મીને ધ્યાન રાખવાનું કહી એ ઘરેથી નીકળી ગઈ. રીક્ષા કરીને અડધા કલાકમાં જ એ બોરીવલી સાંઈબાબા નગર પહોંચી ગઈ.

" હવે મને શાંતિથી બધી વાત કર. કેમ અચાનક મને મળવાની ઈચ્છા થઈ ? " ઋષિકેશ અંકલ બોલ્યા.

"અંકલ ગઈકાલે રાત્રે મને એક ભયંકર સપનું આવ્યું હતું. મને સપનાં બહુ જ ઓછાં આવે છે. પરંતુ ક્યારેક આવે છે તો એ સાચાં પડતાં જોવા મળ્યાં છે. અભિષેક તે દિવસે અચાનક શાલ્વી સાથે ઘરે આવી ગયા એની આગલી રાત્રે પણ મને અભિષેકના મિલનનું એક સુંદર સપનું આવ્યું હતું. મેં એ સપનાને ગંભીર લીધું ન હતું પરંતુ એ જ દિવસે રાત્રે અભિષેક ઘરે આવ્યા હતા." અંજલી બોલી.

" હવે આજે પાછું કયું સપનું આવ્યું મારી દીકરીને ? " ઋષિકેશ અંકલ વહાલથી બોલ્યા.

" અંકલ હું, અભિષેક અને શાલ્વી કોઈ જગ્યાએ પ્રવાસે ગયાં હતાં. ત્યાં એક વિશાળ તળાવ હતું અને ત્યાં ઘણા પ્રવાસીઓ બોટનો આનંદ માણતાં હતાં. અમે ત્રણ જણાં એક નાની નૌકામાં બેઠાં. અભિષેક હલેસાં મારી રહ્યા હતા. નૌકા અધવચ્ચે પહોંચી કે તરત અભિષેકે મને ધક્કો માર્યો અને હું ઊંડા તળાવમાં ડૂબવા લાગી." અંજલી બોલી રહી હતી.

" મેં બચાવો બચાવોની ઘણી બૂમ પાડી પરંતુ નૌકા દૂર દૂર જઈ રહી હતી. મને બચાવવાને બદલે અભિષેક અને શાલ્વી મારી સામે જોઈને હસી રહ્યાં હતાં અને મને બાય બાય કરી રહ્યાં હતાં. અંકલ હજુ પણ મને એ સપનું યાદ છે અને હું ડરી ગઈ છું. મને આવું સપનું કેમ આવ્યું એ મને સમજાતું નથી. શું અભિષેક મારાથી દૂર થઈ રહ્યા છે ? " અંજલી બોલી. એ ખરેખર ટેન્શનમાં દેખાતી હતી.

" જો બેટા દરેક સપનાં સાચાં ન હોય. અને અભિષેકને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી એ તને ખૂબ જ પ્રેમ કરે છે. " ઋષિકેશ અંકલ તો મનમાં બધું જ સમજતા હતા પરંતુ અંજલીને સાચી વાત કેવી રીતે કહે !

" અંકલ સાવ સાચું કહું ને તો એ આવ્યા ત્યારથી એમનું વર્તન હવે પહેલાં જેવું રહ્યું નથી. પહેલા બે ત્રણ દિવસ તો મને ખૂબ જ પ્રેમ કર્યો પરંતુ પછી બધું રૂટીન થઈ ગયું છે. લગ્ન પછીના દસ દિવસ સુધી રાજકોટમાં મારી પાછળ જે રીતે એ પાગલ હતા એ લાગણી હવે જોવા મળતી નથી. એ તો ઠીક પરંતુ ડિલિવરી પછી હું પિયર આવી છું તો પણ મને મળવા માટે દસ પંદર દિવસે એકાદ વાર આવી જાય છે. અડધો કલાક બેસીને નીકળી જાય છે. અંકલ મને ડર લાગે છે." અંજલી બોલી રહી હતી.

" અંકલ દિપાલીબેનને એમણે એમની રાજકોટની જોબ છોડાવીને અહીં બોલાવ્યાં હતાં. દિપાલીબેન અહીં ખૂબ જ ખુશ હતાં. દર બે ત્રણ દિવસે મને ફોન કરતાં હતાં. આરતીબેનનો ગઈકાલે ફોન હતો કે દિપાલીબેન અચાનક મુંબઈ છોડીને રાજકોટ પાછાં જતાં રહ્યાં છે. મેં એમને આજે સવારે બે વાર ફોન કર્યા પરંતુ એમણે મારા ફોન ઉપાડ્યા જ નહીં. એ કેમ જતાં રહ્યાં એ પણ મને સમજાતું નથી. " અંજલી બોલી રહી હતી.

" અંકલ રાજકોટમાં લગ્નની પ્રથમ રાત્રીએ અભિષેકે મને મુંબઈ પહોંચીને તરત નવી ગાડી ગિફ્ટ આપવાની વાત કરી હતી. એ બારોબાર શિબિરમાં જતા રહ્યા એમાં અમારું રિસેપ્શન તો રખડી પડ્યું પરંતુ એક વર્ષ થઈ ગયું છતાં આજ સુધી એમને કારની ગિફ્ટ યાદ પણ નથી. એમની પાસે કરોડો રૂપિયા છે પરંતુ મારે ક્યાંય જવું હોય તો હું રીક્ષામાં ફરું છું. " અંજલી બોલી.

ઋષિકેશ અંકલ અંજલીની વાત સાંભળીને ખૂબ જ દુઃખી થયા. એમને અહેસાસ થયો કે અંજલીને ખૂબ જ અન્યાય થયો છે. એમણે અભિષેકને શાલ્વી તરફ આગળ વધવાની જે સલાહ આપી એ બદલ એમને પસ્તાવો થયો. બહુ જ ખોટું થઈ ગયું હતું. અભિષેકને જે કરવું હોય તે કરે પરંતુ પોતે એને જે ગ્રીન સિગ્નલ આપ્યું એ આપવા જેવું ન હતું. અંજલીનો બિચારીનો તો કોઈ વાંક જ નથી. એણે આટલું બધું સહન કર્યું છે અને હવે અભિષેક એની ઉપેક્ષા કરે એ બરાબર નથી.

" તું ચિંતા ના કર બેટા. હું જ્યાં સુધી અભિષેકને ઓળખું છું ત્યાં સુધી એનું ચારિત્ર્ય ખરાબ નથી. તારે બીજી કોઈ શંકા કરવાની જરૂર નથી. એ પાછો ગાયત્રી ઉપાસક પણ છે. હું આ બાબતમાં ઊંડાણથી તપાસ કરીશ. તારી વાત સાંભળીને મને પણ દુઃખ થયું છે. " ઋષિકેશ અંકલે એને આશ્વાસન આપ્યું.

" હા અંકલ મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે અને એટલા માટે આજે મનની વાત હું તમને કહેવા આવી છું. શાલ્વીબેન તો બિચારાં સારાં છે. હું એમના ઉપર કોઈ શંકા કરતી નથી. પરંતુ હકીકત શું છે એ મારે જાણવી છે અંકલ. " અંજલી બોલી.

" ઠીક છે. થોડા દિવસમાં જ હું તારી સાથે વાત કરીશ. કુશ તો મજામાં છે ને ? " ઋષિકેશ અંકલ બોલ્યા.

" હા અંકલ. બરાબર અભિષેક ઉપર ગયો છે. આવા સુંદર બાળકને મેં જન્મ આપ્યો છે પરંતુ ખબર નહીં કેમ અભિષેકને એને રમાડવાનું મન જ થતું નથી. મને સામેથી ફોન પણ બહુ કરતા નથી. હું ખરેખર ટેન્શનમાં આવી ગઈ છું અંકલ. પ્લીઝ તમે મને મદદ કરજો. અને હું તમને મળવા આવી છું એ વાત પ્લીઝ એમને કહેશો નહીં. એમને સારું નહીં લાગે. " અંજલી બે હાથ જોડીને બોલી અને ઊભી થઈ ગઈ. અંકલને ચરણ સ્પર્શ કરીને બહાર નીકળી ગઈ.

ઋષિકેશ અંકલ એને જતી જોઈ રહ્યા અને એક નિઃસાસો નંખાઈ ગયો. એમને ખરેખર અંજલીની દયા આવી ગઈ. એક સમય એવો હતો કે અભિષેક અંજલી પાછળ પાગલ હતો. એની વાતો કરતાં ધરાતો ન હતો. આજે શાલ્વી પાછળ પાગલ છે. જગતમાં કંઈ પણ શાશ્વત નથી. સમય સાથે બધું બદલાતું જાય છે. મારે હવે અભિષેકને પાછો વાળવો જ પડશે.

પણ કઈ રીતે ? અત્યારે અભિષેક સંપૂર્ણપણે શાલ્વીના નશામાં ડૂબેલો છે એટલે શિખામણોની તો કોઈ અસર નહીં થાય. બીજો કયો માર્ગ અપનાવી શકાય ?

જ્યાં સુધી અંજલી પિયર રહેશે ત્યાં સુધી અભિષેકને છૂટો દોર મળી જશે એટલે સૌથી પહેલું કામ તો અંજલીને પોતાના ઘરે મોકલી દેવાનું છે. કુશની સાથે એ ઘરે હશે તો વારંવાર એ રાતના ટાઈમે બહાર નહીં રહી શકે.

વીણાબેનને પણ હવે વહેલી તકે અભિષેકના ભૂતકાળની સાચી વાત કરવી જ પડશે એટલે એમનો પણ થોડો કંટ્રોલ રહે. એ જરૂર પડે સાચી સલાહ પણ આપી શકે.

ઋષિકેશભાઈએ થોડુંક મનોમંથન કર્યું અને પછી તરત જ વીણાબેનને ફોન લગાવ્યો.

" વીણાબેન ઋષિકેશ બોલું છું. તમને મળવાની ઈચ્છા હતી. થોડીક અંગત વાત કરવી હતી એટલે આરતી ઘરે ના હોય એ સમયે જ મારે આવવું છે. " ઋષિકેશભાઈ બોલ્યા.

"આરતી તો હવે ખાર અભિષેકની વનિતા હોસ્પિટલમાં જાય છે એટલે આખો દિવસ ત્યાં જ હોય છે. અભિષેક જો હોસ્પિટલમાં હોય તો એની સાથે સાંજે ગાડીમાં આવે. નહીં તો પછી ટ્રેનમાં રાત્રે આઠ વાગે આવે. કેમ કંઈ ચિંતા જેવી વાત છે ? " વીણાબેન બોલ્યાં.

"ના ના ચિંતા જેવું કંઈ જ નથી બેન. આ તો તમારી સાથે થોડીક ચર્ચા કરવાની ઈચ્છા હતી. " ઋષિકેશભાઈ બોલ્યા. આ વાતનો ઈશારો પણ એ ફોન ઉપર કરવા માગતા ન હતા.

" ઠીક છે તો પછી આખા દિવસમાં ગમે ત્યારે સાત વાગ્યા પહેલાં તમે આવી શકો છો. " વીણાબેન બોલ્યાં.

" તો પછી કાલે સાંજે ચાર વાગે જ હું આવી જઈશ. " ઋષિકેશભાઈ બોલ્યા અને એમણે ફોન કટ કર્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."