અભિષેક (Abhishek Novel Part-78)

Related

અભિષેક પ્રકરણ 78

બીજા દિવસે સાંજે ચાર વાગે આપેલા સમય મુજબ ઋષિકેશભાઈ વીણાબેનના ઘરે પહોંચી ગયા.

" આવો આવો ઋષિકેશભાઈ. તમે તો ગઈકાલથી મને ટેન્શનમાં નાખી દીધી છે. ખાસ કામ વગર તમે આ રીતે સ્પેશિયલ મને મળવા માટે મારા ઘરે આવો નહીં. સૌથી પહેલાં તમે બોલો શું ફાવશે ? ચા કે ઠંડુ ? " વીણાબેન બોલ્યાં.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" શ્રાવણ મહિનો બેસી ગયો છે અને બહાર ધોધમાર વરસાદ ચાલુ છે એટલે આદુ મસાલાવાળી ચા જ વધારે ફાવશે. પરંતુ હમણાં રહેવા દો. આપણી વાત પતી જાય પછી ચા પીને હું જઈશ. " ઋષિકેશભાઈ બોલ્યા.

" ઠીક છે. તો પછી વાત શરૂ કરો ભાઈ "

" વીણાબેન વાત ખૂબ જ ગંભીર છે. તમે આખી વાત ધ્યાનથી સાંભળજો " ઋષિકેશભાઈએ સમય ગુમાવ્યા વગર સીધી વાતની શરૂઆત કરી.

"હા ભાઈ મારું સંપૂર્ણ ધ્યાન તમારી વાતમાં છે. તમે સ્પેશિયલ આ વાત કરવા આવ્યા છો તો વાત ગંભીર જ હશે. " વીણાબેન બોલ્યાં.

" વીણાબેન અભિષેક રાજકોટથી આવી રહ્યો હતો ત્યારે કોઈ શિબિરમાં ગયો ન હતો. એનું અપહરણ થયું હતું. અભિષેક અને અંકિત બંને જોડિયા ભાઈ છે એ તો તમે જાણો જ છો. બંનેનો ચહેરો પણ એક જ છે એટલે ગેરસમજથી અભિષેકનું અંકિત સમજીને અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ એ લોકો મુંબઈ આવી રહ્યા હતા એ દરમિયાન એક અકસ્માતમાં અભિષેક પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો હતો અને યાદદાસ્ત જતી રહી હોવાથી એ વલ્લભદાસ શેઠના ઘરે જ અંકિત તરીકે આઠ મહિના સુધી રોકાયો હતો. " ઋષિકેશભાઇ બોલી રહ્યા હતા.

" હવે પ્રોબ્લેમ એ થયો કે અંકિતની પત્ની શાલ્વીએ પણ અભિષેકને અંકિત જ માનીને આઠ મહિના સુધી એની સાથે સંસાર ભોગવ્યો હતો." ઋષિકેશભાઇ બોલ્યા.

" હાય હાય તમે આ શું વાત કરી રહ્યા છો ઋષિકેશભાઈ !! " વીણાબેન વાત સાંભળીને આઘાતથી સ્તબ્ધ થઈ ગયાં .

" બેન હું જે કહી રહ્યો છું એ વાત એકદમ સત્ય છે. જે પણ થઈ ગયું એ એક કુદરતી દુર્ઘટના હતી અને એમાં અભિષેકનો કોઈ વાંક નથી. એક જ ચહેરો અને એક જ અવાજ હોવાથી આ બધી ગરબડ થઈ ગઈ. " ઋષિકેશભાઈ બોલ્યા.

" પરંતુ તે દિવસે પ્રશાંતભાઈ ઘરે આવ્યા હતા ત્યારે એમણે તો અમને શિબિરની વાત કરી હતી એનું શું ?" વીણાબેન બોલ્યાં.

" બધી જ વાત કરું છું બેન. પ્રશાંત વૈદ્ય મુંબઈના ખૂબ જાણીતા ડિટેક્ટિવ એટલે કે જાસૂસ છે. સવા બે વર્ષ પહેલાં અંકિત સન્યાસી બનીને ઘર છોડી હિમાલય જતો રહ્યો હતો. એ સમયે વલ્લભદાસે એને શોધી કાઢવા માટે પ્રશાંતને રોક્યો હતો. વલ્લભદાસ જાણતા જ હતા કે પોતાનો દીકરો અંકિત સન્યાસી બની ગયો છે છતાં પણ એમણે શાલ્વીને પોતાના ઘરે રોકી રાખવા માટે ડિટેક્ટિવ રોકવાનું નાટક કરેલું. " ઋષિકેશભાઈ બોલી રહ્યા હતા.

" ડિટેક્ટિવ રોક્યા પછી આશામાં અને આશામાં દોઢ વર્ષ સુધી શાલ્વી પોતાના પતિની રાહ જોતી રહી. દોઢ વર્ષ પછી વલ્લભદાસ એક વાર દ્વારકા યાત્રાએ ગયેલા ત્યારે ત્યાં એમની નજર ડૉ. અભિષેક ઉપર પડી. એ વખતે અંજલી એની સાથે હતી. અભિષેક તો ગાડીમાં બેસીને નીકળી ગયો પણ એમણે અભિષેકની ગાડીનો નંબર યાદ રાખી લીધો. " ઋષિકેશભાઈ બોલી રહ્યા હતા.

" એમણે મુંબઈ પ્રશાંતને જાણ કરી અને એની ગાડીનો નંબર આપીને અભિષેકને પોતાના ઘરે લઈ આવવાની વાત કરી. એ વખતે એમનો ઇરાદો અભિષેકને સમજાવીને પોતાનો વારસદાર બનાવવાનો હતો. ગાડીના નંબર ઉપરથી અભિષેક રાજકોટમાં છે એવો ખ્યાલ પ્રશાંતને આવ્યો અને એણે એના માણસોને રાજકોટ મોકલ્યા."

" બરાબર એ જ સમયે અભિષેક રાજકોટ છોડીને મુંબઈ આવતો હતો એટલે પ્રશાંતના માણસોએ વડોદરાથી જ એનું અપહરણ કર્યું. રસ્તામાં ઝપાઝપીમાં અભિષેકને વાગી ગયું અને એણે યાદદાસ્ત ગુમાવી દીધી. બસ એનો લાભ વલ્લભદાસે લઈ લીધો અને અભિષેકને અંકિત જ બનાવી દીધો." ઋષિકેશભાઈ બોલ્યા.

" પ્રશાંતને જ્યારે ખબર પડી કે આ તો ડૉ. અભિષેક છે અને અંકિત નથી ત્યારે એમને ખૂબ જ દુઃખ થયું અને એ અંજલીને આશ્વાસન આપવા માટે જ તમારા ઘરે આવ્યા હતા અને શિબિરની વાત કરી હતી. પ્રશાંતે જ્યારે શાલ્વીને સાચી વાત કરી એટલે શાલ્વીને પણ આઘાત લાગ્યો. " ઋષિકેશભાઈ બોલી રહ્યા હતા.

" પ્રશાંત અને શાલ્વી અંજલી માટે અભિષેકની યાદ પાછી લાવવા એને રાજકોટ લઈ ગયાં પરંતુ ત્યાં હોટલમાં લપસી પડવાથી અચાનક જ અભિષેકની યાદદાસ્ત પાછી આવી ગઈ. એ પછી અભિષેક અને શાલ્વી મુંબઈ આવી ગયાં અને શેઠ ઉપર ગુસ્સે થઈને ખૂબ જ સંભળાવ્યું. વલ્લભદાસ શેઠને પોતાના આવા કૃત્યથી ખૂબ જ પસ્તાવો થયો અને એમણે બે દિવસમાં આત્મહત્યા કરી લીધી અને મરતાં પહેલાં એક વીલ બનાવ્યું." ઋષિકેશભાઈ બોલ્યા.

" વલ્લભદાસે આપઘાત કરી લીધો ? આટલી મોટી ઘટના બની ગઈ છતાં અમને કોઈને કંઈ જાણ જ નથી. અભિષેકે તો ઘરે આવી કોઈ વાત જ કરી નથી ! " વીણાબેન બોલ્યાં.

" એ વાત કેવી રીતે કરે ? ચિંતા તો અહીંથી શરૂ થાય છે. શેઠે પોતાના વીલમાં બધી જ મિલકત અને હોટલ વગેરે શાલ્વીના નામે કરી દીધું. પરંતુ વીલમાં એવી ઈચ્છા વ્યક્ત કરી કે અભિષેક અને શાલ્વીથી એક સંતાનનો જન્મ થાય અને પોતાનો વંશવેલો આગળ વધે." ઋષિકેશભાઈ બોલી રહ્યા હતા.

" હવે પ્રોબ્લેમ એ થયો છે કે શાલ્વી આઠ મહિના સુધી અભિષેક સાથે સંસાર ભોગવી ચૂકી હતી એટલે એ અભિષેકને ભૂલી શકી નથી અને એની ઈચ્છા અભિષેક સાથે સંબંધ ચાલુ રાખવાની છે. અભિષેક પણ શાલ્વીના રૂપથી અંજાયેલો છે એટલે બંને વચ્ચેના સંબંધો ફરી પાછા ચાલુ થઈ ગયા છે. અંજલી પિયર છે એનો લાભ અભિષેક લઈ રહ્યો છે ! વીણાબેન જે પણ થયું તે અજાણતાં થયું પણ હવે જે થઈ રહ્યું છે એ અંજલી માટે સારું નથી. " ઋષિકેશભાઈએ પોતાની વાત પૂરી કરી.

" ભાઈ મને લાગે છે કે ડૉ. દિપાલી પણ એટલા માટે જ આજે સવારે મુંબઈ છોડીને રાજકોટ પાછી જતી રહી છે. એ અહીં અમારી સાથે જ રહેતી હતી. મેં એને રોકવા ઘણી કોશિશ કરી પરંતુ એ રોકાઈ નહીં. એને પોતાને જ મુંબઈ સેટ થવું હતું અને અભિષેકની હોસ્પિટલમાં જોબ કરવી હતી. એને રાજકોટ કરતાં ડબલ પગાર અભિષેક આપતો હતો છતાં પણ થોડા દિવસોમાં જ એણે રાજકોટ પાછા જવાનું પસંદ કર્યું. કદાચ એને પણ ખબર પડી ગઈ હશે !" વીણાબેન બોલ્યાં.

" હા એ બિલકુલ શક્ય છે બેન. અભિષેકના આડા સંબંધોથી એને આઘાત લાગ્યો હશે. અભિષેક વિશેની એની જે પણ કલ્પના હશે એ દૂર થઈ ગઈ હશે !" ઋષિકેશભાઈ બોલ્યા.

" ઋષિકેશભાઈ હવે મારે શું કરવું એ મને પોતાને પણ સમજાતું નથી. આ બહુ ખોટું થઈ રહ્યું છે એ હું પોતે પણ સમજુ છું પરંતુ અભિષેકને મારે કઈ રીતે કહેવું ! તમે મને જાણ કરી પણ મને ખબર કેવી રીતે પડી એ સવાલ અભિષેક મને પૂછશે. અને કોઈના રૂપમાં પાગલ થયા પછી પુરુષ જલ્દી પાછો વળતો નથી. " વીણાબેન બોલ્યાં.

" અત્યારે તો મને એક જ રસ્તો દેખાય છે વીણાબેન કે અંજલીને હવે જલ્દી તમે તમારા ઘરે બોલાવી લો. એની ગેરહાજરીમાં અભિષેકને છૂટ્ટો દોર મળશે. ગઈ કાલે જ અંજલી મને મળવા માટે આવી હતી. એ ખૂબ જ ચિંતામાં હતી. અભિષેક દસ પંદર દિવસે એક જ વાર એને મળવા જાય છે. એના વર્તનમાં પહેલાં જેવો પ્રેમ દેખાતો નથી. પોતાના કુશને પણ ખાસ રમાડતો નથી. અંજલીને ખાસ ફોન પણ કરતો નથી. એને પોતાને પણ લાગે છે કે અભિષેક બદલાઈ ગયા છે." ઋષિકેશભાઈ બોલી રહ્યા હતા.

" અંજલીએ મને એ પણ કહ્યું કે અભિષેકે દ્વારકામાં એની સાથે લગ્ન કર્યાં ત્યારે એણે અંજલીને મુંબઈ જઈને તરત જ નવી કાર ગીફ્ટ આપવાની વાત કરી હતી. એ વાતને એક વર્ષ ઉપર થઈ ગયું. અભિષેક કરોડોપતિ છે છતાં હજુ પણ અંજલી બિચારી રીક્ષામાં જ ફરે છે. મને થયું કે આ વાત મારે તમને જણાવવી જોઈએ એટલા માટે જ હું અહીં આવ્યો. હવે તમે ચા મૂકી શકો છો. બહાર હજુ પણ વરસાદ ચાલુ છે. " ઋષિકેશભાઈ બોલ્યા.

ઋષિકેશભાઈ ચા પીને ગયા કે તરત જ વીણાબેને જયશ્રીબેનને ફોન કર્યો.

"જયશ્રીબેન વીણાબેન બોલું છું. ફોન એટલા માટે કર્યો કે પરમ દિવસે શ્રાવણ મહિનાની સુદ પાંચમ છે. દિવસ સારો છે તો તમે જરા અંજલીને મારા ઘરે મૂકી જાઓ ને ! લગભગ સાડા ત્રણ મહિનાથી અંજલી તમારા ઘરે છે એટલે હવે અમને પણ કુશને રમાડવાની ઈચ્છા છે. અંજલી જલ્દી ઘરે આવી જાય એવી અભિષેકની પણ ઈચ્છા છે." વીણા બેને જાણી જોઈને અભિષેકનું નામ પણ ઉમેર્યું.

અને અભિષેકના નામની અસર વધારે થઈ. જયશ્રીબેનને પણ લાગ્યું કે અભિષેક બિચારા અંજલી વગર સૂના છે. બંને યુવાન છે. હવે એમણે ભેગાં થવું જોઈએ.

"વીણાબેન તમે ચિંતા ના કરો. પરમ દિવસે અમે લોકો ચોક્કસ અંજલીને મૂકી જઈશું. " જયશ્રીબેન બોલ્યાં અને ફોન કટ કર્યો.

એ જ દિવસે સાંજે વીણાબેને દિપાલી સાથે વાત કરી.

" દિપાલી બેટા ઘરે સુખરૂપ પહોંચી ગઈ ને ! " વીણાબેન બોલ્યાં.

" હા માસી. ઘરે શાંતિથી પહોંચી ગઈ છું અને હોસ્પિટલમાં પણ જઈ આવી છું. મારી જગ્યા ત્યાં હજુ ખાલી જ હતી. ટેમ્પરરી એક ડેન્ટિસ્ટની નિમણૂક કરી હતી પરંતુ મેં જઈને વાત કરી એટલે તરત જ મને એ જ જોબ મળી ગઈ. " દિપાલી બોલી.

" બેટા એક વાત પૂછવી છે ! " માસી બોલ્યાં.

" હા હા પૂછો ને માસી. "

" દિપાલી તેં સામે ચાલીને અભિષેક પાસે મુંબઈની જોબ માગી હતી. એની હોસ્પિટલ ચાલુ થઈ ગઈ કે તરત જ તું રાજકોટની જોબ છોડીને મુંબઈ આવી ગઈ. અભિષેકે તને અમારી સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી આપી. પગાર પણ ડબલ મળતો હતો. આવી ત્યારે તું બહુ જ ખુશ હતી. છતાં એવું તે શું થયું કે તું અચાનક રાજકોટ જતી રહી ? મને હજુ પણ એ સમજાતું નથી." વીણા માસી બોલ્યાં.

" કંઈ જ બન્યું નથી માસી. મને મુંબઈની ફાસ્ટ લાઇફ બહુ પસંદ ના આવી. લોકલ ટ્રેનોમાં અપ ડાઉન કરવામાં જે ધક્કા મુક્કી થતી એ મને અનુકૂળ ન આવી. એના પ્રમાણમાં રાજકોટમાં ઘણી શાંતિ છે. એકટીવા ઉપર દસ મિનિટમાં તો હોસ્પિટલ પહોંચી જાઉં છું." દિપાલી બોલી.

" ખરેખર આ જ કારણ હતું ? " માસી બોલ્યાં.

" હા માસી આ જ કારણ. હું અહીં બહુ જ ખુશ છું. " દિપાલી બોલી.

" દિપાલી મારા સોગંદ ખાઈને કહે કે માત્ર આ જ કારણ હતું ! મારે તારી પાસેથી સત્ય જાણવું છે. જે દિપાલી રાજકોટ છોડીને સ્પેશિયલ મુંબઈ આવે, આટલો સારો પગાર મળે, રહેવાની પણ વ્યવસ્થા થઈ જાય અને છતાં રાજકોટ પાછી જતી રહે એમાં અપ ડાઉન કારણભૂત ના જ હોય ! જો કંઈ પણ છુપાવીશ નહીં. મને થોડી ઘણી ખબર પડી છે એટલે જ તને ફોન કર્યો છે." માસી બોલ્યાં.

" માસી તમે જો ખરેખર જાણો છો તો પછી મને શા માટે પૂછો છો ?" દિપાલી બોલી.

" મારે તારી પાસેથી ખાત્રી કરવી છે કે મેં જે સાંભળ્યું છે એ સાચું છે કે નહીં ! તું તો ઘરની છે એટલે મને સાચી વાત જ કહીશ. " માસી બોલ્યાં.

" હા માસી તમે જે સાંભળ્યું છે એ સાચું છે. મને સર વિશે આવી કલ્પના પણ ન હતી. મેં રાજકોટમાં અનુભવ કર્યો હતો કે સરનું ચારિત્ર્ય એકદમ શુદ્ધ છે અને એ અંજલીને ખૂબ જ વફાદાર છે. એમનાથી અજાણતાં જે થઈ ગયું એના માટે એમને દોષ ના દઈ શકાય. એમાં એ નિર્દોષ હતા. પરંતુ હવે એ અંજલીને અન્યાય કરી રહ્યા છે એ મારાથી સહન ના થયું માસી. એ શાલ્વી સાથે કેટલા આગળ વધેલા છે એની તો મને કંઈ જ ખબર નથી પરંતુ બંને વચ્ચે આકર્ષણ વધી રહ્યું છે. એટલે કંઈ પણ થઈ શકે છે. મેં જે એમના માટે લેટર લખેલો છે એમાં મેં લખી શકાય એ બધું જ લખ્યું છે." દિપાલી બોલી.

" ઠીક છે બેટા. બસ મારે આ જ જાણવું હતું. અંજલીને હું અન્યાય નહીં થવા દઉં. " વીણામાસી બોલ્યાં અને ફોન કટ કર્યો.

" અભિષેક પરમ દિવસે શ્રાવણ મહિનાની પાંચમ છે. અંજલીને ઘરે લઈ આવવાનો સમય પાકી ગયો છે. તારે એને ગાડીમાં ઘરે લઈ આવવી જોઈએ. તને લેવા જવાનો ટાઈમ ના હોય તો એ લોકો રીક્ષામાં આવી જશે. એના નસીબમાં ગાડી ક્યાંથી હોય! " રાત્રે અભિષેક ઘરે આવ્યો આવી ત્યારે જમતી વખતે વીણાબેન બોલ્યાં અને ટોણો પણ માર્યો.

માસીની વાત અભિષેકના હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ. એને યાદ આવી ગયું કે એણે લગ્ન વખતે જ અંજલીને કાર ગીફ્ટ આપવાની વાત કરી હતી ! એક વર્ષ થઈ ગયું છતાં એને તો એનું પ્રોમિસ યાદ જ ન હતું. એક તરફ શાલ્વી મર્સિડીઝમાં ફરતી હતી અને પોતે કરોડોપતિ હતો છતાં એની પોતાની પત્ની અંજલી રીક્ષામાં ફરતી હતી !

"માસી એના નસીબમાં ગાડી કેમ ના હોય ! હું જ જઈને એને લઈ આવીશ. તમે ચિંતા નહીં કરો. તમે કહી દેજો કે પરમ દિવસે સવારે દસ વાગે તૈયાર રહે. " અભિષેક બોલ્યો.

અને ત્રીજા દિવસે અભિષેક અંજલી તથા કુશને તેડવા મલાડ પહોંચી ગયો. આજે એણે અંજલી સાથે ખૂબ જ લાગણીથી વાતચીત કરી.

જયશ્રીબેન અને જીતુભાઈએ પ્રેમથી અંજલીને વિદાય આપી અને પોતાની શક્તિ પ્રમાણે સારું એવું ઝિયાણુ કર્યું.

" અંજલી સોરી મેં તને આપેલું એક વચન હજુ સુધી પાળ્યું નથી. મેં તને લગ્ન પછી ગાડી લઈ આપવાનું વચન આપ્યું હતું. પરંતુ હવે તને હું નિરાશ નહીં કરું. હું તને એક વીકમાં જ નવી ગાડી લઈ આપું છું. મારે પણ ક્રેટા ગાડી બદલવી છે. થાર લેવાનું વિચારી રહ્યો છું. " ઘરે આવતી વખતે રસ્તામાં અભિષેક બોલ્યો.

" અભિ મારે ગાડી ચલાવીને ક્યાં જવું છે ? તમે તમારી ગાડી બદલી નાખો. મારે ગાડીની જરૂર નથી. " અંજલી બોલી.

" તું મારી પત્ની છે એટલે તારી પાસે પોતાની ગાડી હોવી જોઈએ. અને ગાડી હશે તો તું માસીને પણ બધે લઈ જઈ શકીશ. " અભિષેક બોલ્યો.

" તો પછી ક્રેટા ગાડી ના વેચશો. એ આપણી રાજકોટ અને દ્વારકાની યાદગીરી છે. એ હું વાપરીશ. જેની સાથે આપણો ભૂતકાળ જોડાયેલો હોય એવી વસ્તુઓ વેચવી મને ગમતી નથી." અંજલી બોલી.

" ચલો મંજુર. ક્રેટા ગાડી તું વાપરજે. પણ તારે ડ્રાઇવિંગ પણ શીખવું પડશે ને ! આપણા બિલ્ડિંગની નજીકમાં જ એક ડ્રાઇવિંગ સ્કૂલ છે. તું જોઈન કરી દેજે. " અભિષેક બોલ્યો.

"અરે અભિ... મને ડ્રાઇવિંગ આવડે છે. મારી પાસે પાકું લાયસન્સ પણ છે. જો કે ઘણા સમયથી ગાડી ચલાવી નથી એટલે મારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. હું એકાદ વીક માટે ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરી લઈશ. " અંજલી બોલી.

"તને ડ્રાઇવિંગ આવડે છે ? તારા ઘરે ગાડી નથી છતાં પણ તું ડ્રાઇવિંગ શીખી છે ? તેં તો મને ક્યારેય પણ વાત નથી કરી. અરે એકાદ વાર પણ આપણી ગાડી ચલાવી નથી." અભિષેક આશ્ચર્યથી બોલ્યો.

" મારે તમારી ગાડી ચલાવવાની જરૂર જ ક્યાં પડી છે ! આપણે રાજકોટમાં ક્યાં વધુ રોકાયાં હતાં કે મારે ગાડી ચલાવવી પડે ! એ દસ પંદર દિવસમાં કોઈ ચાન્સ જ ના મળ્યો. અને લગ્ન કરીને મુંબઈ આવી તો આઠ મહિના સુધી તમે પણ ન હતા અને ગાડી પણ ન હતી. તમે જ્યારે ગાડી લઈને મુંબઈ આવ્યા તો મારી પ્રેગ્નન્સી હતી. બોલો હવે કયા સમયે હું ગાડી ચલાવું ? અને મારા ઘરે ભલે ગાડી ન હતી પરંતુ નાનપણથી મને ગાડીનો શોખ હતો એટલે ડ્રાઇવિંગ શીખી ગઈ ! " અંજલી હસીને બોલી.

" તને મારે શું કહેવું અંજલી ! ખરેખર તું છૂપી રુસ્તમ છે. " અભિષેક પણ હસીને બોલ્યો.

" રુસ્તમ નામ પુરુષોમાં હોય ! સ્ત્રીને તો રુસ્તમી કહેવાય ! " અંજલી બોલી અને બંને ખડખડાટ હસી પડ્યાં.

વાતો વાતોમાં ઘર આવી ગયું. વીણા માસીએ ખૂબ જ ભાવપૂર્વક અને લાગણીથી અંજલી અને કુશનું એના માથે પાણીનો લોટો ઉતારીને સ્વાગત કર્યું. કુશ એ વખતે ઊંઘમાં હતો એટલે એને સીધો પારણામાં સૂવાડી દીધો. જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે બંનેને જમાડી પણ દીધાં. એ દિવસે એમણે ખાસ લાપસી બનાવી હતી !

પણ એ લાપસીની મીઠાશ કોના જીવનમાં કેટલી મીઠાશ લાવવાની છે એ કોઈને પણ ખબર ન હતી !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."