અભિષેક (Abhishek Novel Part-79)

Related

અભિષેક પ્રકરણ 79

અંજલીએ કુશ સાથે ગૃહપ્રવેશ કર્યો એટલે ઘરનું વાતાવરણ જ જાણે કે બદલાઈ ગયું. ઘર ફરી પાછું જીવંત બની ગયું. કુશની પાછળ આખો પરિવાર વ્યસ્ત થઈ ગયો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

ડિલિવરી પછી અંજલી કંઈક અલગ જ દેખાતી હતી. શરીર પણ તંદુરસ્ત બન્યું હતું. એ હવે વધારે ખૂબસૂરત લાગતી હતી. આજે અભિષેકને ફરી અનુભવ થયો કે અંજલી શાલ્વી કરતાં પણ વધુ આકર્ષક છે ! અભિષેક માટે અંજલી સાથેની એ પ્રથમ રાત્રિ ખૂબ જ મદહોશ બની ગઈ. રાજકોટમાં વિતાવેલી સુહાગરાત આજે એને યાદ આવી ગઈ. આખી રાત એ અંજલીના નશામાં ડૂબેલો રહ્યો. શાલ્વી જ ખૂબસૂરત છે એ ભ્રમણા આજે ભાગી ગઈ.

અંજલી આવી એ પછીના ત્રણ દિવસ સુધી તો એ અંજલીમય જ બની ગયો. રાજકોટ છોડ્યા પછી અંજલી પહેલી વાર અભિષેક સાથે શરીરસુખ માણી રહી હતી એટલે એણે પણ અભિષેક સાથે પરિતૃપ્તિનો અનુભવ કર્યો.

બીજા સાત દિવસ પસાર થઈ ગયા. શ્રાવણી પૂર્ણિમાના દિવસે અભિષેક સવારે વહેલો ચાર વાગે ઉઠી ગયો અને ધ્યાનમાં બેસીને માનસિક રીતે એણે નિર્મલાનંદજીની પૂજા પણ કરી. એ પછી એમને સાચો રસ્તો બતાવવા માટે પ્રાર્થના કરી. ઘણી કોશિશ કરી પણ આજે ગુરુજી સાથે કોઈ સંવાદ ના થઈ શક્યો.

ધ્યાન પતી ગયા પછી એણે ગાયત્રીની અગિયાર માળા કરી. ગાયત્રી મંત્ર કર્યા પછી એને ખૂબ જ શાંતિનો અનુભવ થતો હતો.

આજે રક્ષાબંધનનો તહેવાર હતો એટલે સવારે નવ વાગે આરતીએ અભિષેકને રાખડી બાંધી અને એની પ્રગતિ માટે ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી. આરતી માટે અભિષેક આગલા દિવસે જ એક સોનાની ચેઈન ખરીદી લાવ્યો હતો એ એણે આરતીને સરપ્રાઈઝ ગિફ્ટ આપી. આરતી ખૂબ જ ખુશ થઈ ગઈ.

આજના શુભ દિવસે એણે મહેન્દ્રાની થાર ગાડી ખરીદી. ગાડી ઘરે લાવીને અંજલી પાસે એની ઉપર સાથિયો દોરીને પૂજા કરાવી. સાંજે એ પોતાના પૂરા પરિવારને લઈને ખાર ગયો. ત્યાં છ વાગે રામકૃષ્ણ આશ્રમમાં જઈને શ્રી ઠાકુરનાં દર્શન કર્યાં. પૂર્ણિમાનો દિવસ હોવાથી આશ્રમમાં પણ આજે ઘણી ભીડ હતી. વીણામાસીને આ જગ્યા ઘણી ગમી.

એ પછી અભિષેક બધાંને પોતાની હોસ્પિટલ લઈ ગયો. લીલાશ્રી આર્કેડ બિલ્ડિંગ રામકૃષ્ણ આશ્રમથી માત્ર પાંચ મિનિટના અંતરે હતું. એ જ કોમ્પ્લેક્સમાં આખો પહેલો માળ અભિષેકની વનિતા હોસ્પિટલ હતી.

વીણામાસી અને અંજલી ઉદ્ઘાટનના દિવસે પણ અહીં આવી ગયાં હતાં પણ આજે હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી હતી. બધા જ વોર્ડ ભરેલા હતા. કેન્ટીન પણ ચાલુ થઈ ગઈ હતી. પચાસ કરોડમાં બનેલી આ હોસ્પિટલ ખરેખર ભવ્ય હતી. એડમિશન માટે પણ વેઇટિંગ ચાલતું હતું. વીણામાસીને ખૂબ જ સંતોષ થયો. એમને આજે હોસ્પિટલમાં દિપાલીની ખોટ સાલતી હતી.

આખા પરિવારે દરેક રૂમ અને દરેક વોર્ડમાં જઈને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. એ પછી અભિષેક બધાંને પોતાની ચેમ્બરમાં લઈ ગયો અને વરસાદી વાતાવરણ હતું એટલે બધા માટે કેન્ટીનમાંથી ચા મંગાવી. આરતી ત્યાં જ નર્સ તરીકે જોબ કરતી હતી એટલે એને પણ બોલાવી લીધી. એક કલાક હોસ્પિટલમાં પસાર કરીને રાત્રે આઠ વાગે અભિષેક બધાને ખારમાં આવેલી વૃંદાવન હોટલમાં જમવા માટે લઈ ગયો.

આ બાજુ શાલ્વીએ પોતાની હોટલમાં રેગ્યુલર બેસવાનું ચાલુ કરી દીધું હતું. હોટલનું સંચાલન તો મેનેજર જ કરતો હતો. ચેક ઉપર હવે શાલ્વી જ સાઇન કરતી હતી અને અમુક નિર્ણયો પણ એ જ લેતી હતી ! હોટલ સાથે જોડાયેલી બંને બેંકોમાં શાલ્વીએ અંકિતની સાથે પોતાનું નામ પણ જોઈન્ટ કરી દીધું હતું જેથી એની પોતાની સાઈન પણ ચાલી શકે !

શાલ્વીએ બોરીવલીના સેફ્રોન મેટરનીટી હોમમાં પોતાની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી એને પાંચ મહિના થઈ ગયા હતા. ઇન્જેક્શનનો કોર્સ પૂરો થઈ ગયો હતો એટલે એણે પ્રેગ્નન્સી માટે ફરી એકવાર ગર્ભાશય ચેક અપ કરાવવાનું વિચાર્યું.

" અભિષેક તમે કાલે જો બોરીવલી આવો તો સેફ્રોન મેટરનીટી હોમમાં મારું ચેકઅપ કરાવી લઈએ. હું પણ ગાડી લઈને સીધી ત્યાં પહોંચી જઈશ. મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે એટલે હવે પ્રેગ્નન્સીની પોઝિશન શું છે એ પણ જાણી લઈએ. " શાલ્વી બોલી.

અભિષેક રક્ષાબંધનના દિવસે પોતાના પરિવારને વનિતા હોસ્પિટલ બતાવવા લઈ ગયો એ પછી ચાર દિવસ પછીની આ ઘટના છે.

" હા વાંધો નહીં જઈ આવીએ. કયા ટાઇમે તું બોરીવલી આવી જઈશ ? કારણ કે મારે ખારથી સીધા બોરીવલી આવવું પડશે." અભિષેક બોલ્યો.

" એક કામ કરો. હું તમને એક કલાકમાં ફોન કરું છું. કારણ કે મારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી પડશે." શાલ્વી બોલી અને એણે ફોન કટ કર્યો.

બીજા દિવસે બપોરે સાડા ત્રણ વાગ્યાની એપોઇન્ટમેન્ટ એને મળી. એણે ફોન કરીને અભિષેકને જણાવી દીધું.

બીજા દિવસે બપોરે સવા ત્રણ વાગે અભિષેક પોતાની ગાડી લઈને બોરીવલી બાભઈ નાકા પહોંચી ગયો અને દીપક રેસ્ટોરન્ટ પાસે શાલ્વીની રાહ જોવા લાગ્યો.

લગભગ ૧૫ મિનિટ પછી શાલ્વીની મર્સિડીઝ આવીને ઊભી રહી. બંને ગાડીઓ સાઈડમાં પાર્ક કરીને બંને ચાલતાં ચાલતાં જ નર્સિંગ હોમ પહોંચી ગયાં.

અભિષેક અને શાલ્વી બંને સીધાં ડોક્ટરની કેબિનમાં જ ગયાં. લેડી ડોક્ટર જૈમિન શાહના જમાઈ તરીકે અંકિતને ઓળખતાં જ હતાં એટલે એમણે અભિષેકને અંકિત જ સમજી લીધો.

" આવો શાલ્વી. તમારો કોર્સ તો હવે પૂરો થઈ ગયો છે. " ડૉક્ટર મેડમ બોલ્યાં.

" હા મેડમ. એટલા માટે જ આવી છું. પાંચ મહિનાનો કોર્સ પૂરો થઈ ગયો છે. હવે આજે ફરી ચેકઅપ કરી લો. લગ્નને ઘણો સમય થઈ ગયો છે એટલે હવે સંતાનની ઈચ્છા છે. " શાલ્વી બોલી.

લગભગ પંદર વીસ મિનિટ સુધી ડોક્ટરે ગર્ભાશયની અંદરથી તપાસ કરી અને સોનોગ્રાફી પણ કરી લીધી.

"સોરી શાલ્વી... આપણે પૂરી કોશિશ કરી પરંતુ તમારા ગર્ભાશયમાં એગ્સ બનતાં જ નથી. કોર્સ પૂરો કર્યા પછી પણ ઓવરીઝમાં ફોલિકલ્સ ડેવલપ થતાં નથી. પાંચ મહિનાના કોર્સની કોઈ જ અસર દેખાતી નથી. પ્રેગ્નન્સી માટે હવે હું તમને ખોટી આશા આપી શકતી નથી. તમારા કેસમાં તો આઈવીએફ પણ સક્સેસ થવાની કોઈ ગેરંટી નથી. એટલે તમારે હવે કોઈ બાળક દત્તક લેવાનો જ વિચાર કરવો પડે." લેડી ડોક્ટરે શાલ્વીને એકદમ નિરાશ કરી દીધી.

" આટલી બધી અપસેટ ના થઈશ શાલ્વી. આ બધી પ્રારબ્ધની વાતો છે. અને કુશ પણ આપણો જ છે ને. શેઠનો વારસો એ પણ સંભાળી શકે છે. મારા નિર્ણયનો અંજલી વિરોધ નહીં કરે. " અભિષેક બોલ્યો.

" પરંતુ અંકિત કુશ હોસ્પિટલ સંભાળશે કે હોટલ ? " શાલ્વી બોલી.

" એ તું મારી ઉપર છોડી દે. એ બધી વર્ષો પછીની વાત છે ! " અભિષેક બોલ્યો અને ઉભો થયો.

અભિષેક અને શાલ્વી ડૉક્ટરની કેબિનની બહાર નીકળ્યાં અને જોયું તો સામેના સોફા ઉપર વીણાબેન અને અંજલી બેઠેલાં હતાં.

એક મિનિટ માટે તો અભિષેકના ચહેરા ઉપરથી લોહી ઉડી ગયું. શાલ્વી પણ ખમચાઈ ગઈ.

" અરે શાલ્વીબેન તમે !! કોઈ સારા સમાચાર છે કે શું ? " અંજલી તો હજુ અભિષેકને અંકિત જ માનતી હતી.

જો કે બંનેને સાથે જોઈને વીણાબેન સમસમી ગયાં. એ તો સત્ય હકીકત હવે જાણતાં હતાં. અભિષેક શાલ્વીની સાથે એક પતિની જેમ મેટરનીટી હોમમાં આવ્યો હતો એ એમને ના ગમ્યું.

અંજલીનો સવાલ સાંભળીને શાલ્વીના મનમાં તરત ઝબકારો થઈ ગયો કે એ તો અભિષેકને હજુ અંકિત જ માને છે. એનો શ્વાસ થોડો હેઠો બેઠો. પરંતુ વીણામાસીની આંખોમાં થોડો ગુસ્સો એને દેખાયો.

" ના ના હજુ કોઈ ખુશ ખબર નથી અંજલીબેન. એટલા માટે જ અંકિત સાથે આજે ચેકઅપ કરાવવા આવી હતી. તમે કેમ આજે અહીં આવ્યાં છો ? " અંજલી બોલી.

" મારે બ્લીડિંગનો બહુ પ્રોબ્લેમ છે. ડીલીવરીને ત્રણ મહિના થઈ ગયા છતાં હજુ ઘણું બ્લીડિંગ થાય છે. હવે હું દહીસર આવી ગઈ છું. આજે ચાર વાગ્યાની એપોઇન્ટમેન્ટ મળી એટલે અત્યારે અમે બતાવવા માટે આવી ગયાં. " અંજલી નિર્દોષ ભાવે બોલી.

" ઓકે ઓકે.... ચાલો હવે અમે જઈએ." શાલ્વી બોલી.

" હા અંકિતભાઈને લઈને ક્યારેક ઘરે આવો ને ! અભિષેકને પણ ગમશે. " અંજલી બોલી.

" હા ચોક્કસ આવીશું. " અભિષેક બોલ્યો અને બંને જણાં ઝડપથી બહાર નીકળી ગયાં.

અભિષેક ખૂબ જ ચાલાક હતો. એ શાલ્વી સાથે સંબંધ રાખતો હતો એમાં એ ખૂબ જ સાવધાન હતો. બે શર્ટ અને પેન્ટની જોડી એણે જૂહુમાં પણ રાખી હતી તો બે જોડી કપડાં એણે હોસ્પિટલમાં પણ રાખ્યાં હતાં. જ્યારે જ્યારે એ શાલ્વી પાસે જતો ત્યારે શર્ટ કે ટી શર્ટ બદલી જ નાખતો. આ બધી ચાલાકી વીણાબેન તો હવે જાણી જ ગયાં હતાં.

એમને એટલો બધો ગુસ્સો આવ્યો કે અત્યારે બધાંની વચ્ચે જ અભિષેકને ઉઘાડો કરી દઉં. તમે બંને ક્યાં સુધી અમને બધાંને મૂર્ખ બનાવશો ! પરંતુ અભિષેક એમનો સગો ભાણો હતો અને એના ઘણા ઉપકાર હતા. એના જ મકાનમાં એ રહેતાં હતાં અને એણે આરતીને પણ સેટ કરી હતી એટલે એમની જીભ સિવાઈ ગઈ હતી.

નીચે આવીને અભિષેકે ક્રેટા ગાડી પાર્ક કરેલી જોઈ. એ સમજી ગયો કે અંજલી આજે ક્રેટા લઈને આવી છે.

" આજે તો આપણે બાલ બાલ બચી ગયાં અંકિત ! એક ક્ષણે તો હું ડરી જ ગઈ. એ તો સારું થયું કે તમે હજુ ઘરે સાચી વાત કરી નથી એટલે એ લોકો તમને અંકિત જ માને છે ! છતાં મને વીણામાસીના ચહેરા ઉપર થોડો ગુસ્સો દેખાયો. " બહાર નીકળીને પોતાની મર્સિડીઝ પાસે આવીને શાલ્વી બોલી.

" હા શાલ્વી. હું પોતે પણ ચમકી ગયો હતો પરંતુ અંજલીએ તારી સાથે વાતચીત ચાલુ કરી એટલે મને રાહત થઈ ગઈ. " અભિષેક બોલ્યો.

" અભિષેક હું તો હવે કદી મા નહીં બની શકું. મારા સસરાની અંતિમ ઈચ્છા હવે કઈ રીતે પૂરી થશે ? કુશને ખરેખર તમે વારસદાર બનાવશો ? " શાલ્વી ચિંતામાં પડી ગઈ.

" હા હા કેમ નહીં ! કુશ મોટો થઈને હોટલનો બિઝનેસ પણ સંભાળી શકે છે. પણ એ બધી ભવિષ્યની વાતો છે શાલુ. અત્યારે એ બધી ચિંતા આપણે શા માટે કરવી ? " અભિષેક બોલ્યો.

" હવે મને સંતાન તો થવાનું નથી તો પછી તમે મારી સાથેનો સંબંધ તો ઓછો નહીં કરી નાખો ને ! " શાલ્વી લાડથી બોલી.

" એવું કદી બને ખરું શાલુ ! તને હું છોડી દઉં એ શક્ય જ નથી. હા અંજલી હવે ઘરે આવી ગઈ છે એટલે વારંવાર નહીં મળી શકાય પણ આપણો સંબંધ તો ચાલુ જ રહેશે. ચાલો હવે હું જાઉં. આ લોકો થોડીવારમાં નીચે આવશે. " અભિષેક બોલ્યો અને ચાલતો ચાલતો પોતાની ગાડી જ્યાં પાર્ક કરી હતી એ તરફ ગયો.

પોતાનો નંબર આવી ગયો હતો એટલે શાલ્વી ગયા પછી અંજલી અને માસી બંને ડોક્ટરની કેબિનમાં ગયાં.

અંજલીએ પોતાનો પ્રોબ્લેમ કહ્યો. ડોક્ટર મેડમે ચેકઅપ કરીને અને થોડા સવાલો કરીને દવા લખી આપી.

" બાબો તો હેલ્ધી છે. શું નામ પાડ્યું એનું ? " ડૉક્ટર મેડમ બોલ્યાં. એમણે જ અંજલીની ડીલીવરી કરી હતી એટલે મેડમ અંજલીને સારી રીતે ઓળખતાં હતાં.

" કુશ નામ રાખ્યું છે મેડમ. " અંજલી હસીને બોલી.

કુશ નામ સાંભળીને ડોક્ટર મેડમના મનમાં ઝબકારો થયો. અંજલીને તો એ ઓળખતાં જ હતાં. અંજલીની ડિલિવરી પણ એમણે જ કરેલી. પરંતુ એના બાબાનું નામ કુશ સાંભળીને એ ચમકી ગયાં. આ જ નામની ચર્ચા તો હમણાં શાલ્વીના પતિ અંકિતે કરેલી !

" હમણાં જે કપલ ગયું એ અંકિત અને શાલ્વીને તમે ઓળખો છો ? " મેડમથી પૂછાઈ ગયું.

" હા શાલ્વીબેનને હું બહુ સારી રીતે ઓળખું છું. એ મારી ફ્રેન્ડ છે. એમના હસબન્ડ અંકિતભાઈનો મને પરિચય નથી. " અંજલી નિખાલસતાથી બોલી.

લેડી ડૉક્ટર થોડાં વિચારમાં પડી ગયાં. અંજલીને અંકિતનો કોઈ ખાસ પરિચય નથી તો પછી અંકિત કુશને એમના વારસદાર બનાવવાની વાત શાલ્વીને કઈ રીતે કરી શકે ! એણે તો એમ પણ કહ્યું કે મારા નિર્ણયનો અંજલી વિરોધ નહીં કરે !

પરંતુ મેડમ કંઈ બોલ્યાં નહીં. આ અંકિત અને શાલ્વીનો અંગત મામલો હતો એટલે અંજલીને કોઈ સવાલ કરવાનો મતલબ જ ન હતો.

" મેડમ એક વાત પૂછું ? શાલ્વી અને અંકિતને તમે ઓળખો છો એવો સવાલ તમે અમને કેમ પૂછ્યો ? " વીણાબેન બોલ્યાં. એમને ડૉક્ટરનો આ પ્રશ્ન થોડો વિચિત્ર લાગ્યો હતો.

" અરે નહીં નહીં. મેં તો અમસ્તું જ પૂછેલું. " મેડમ બોલ્યાં.

" આવો સવાલ કારણ વગર કોઈ પૂછે નહીં. કંઈક તો કારણ હશે જ. જો અમને કહી શકાય એમ હોય તો. " વીણાબેને ડોક્ટરની સામે જોઈને પૂછ્યું.

" અમારાથી કોઈ પણ પેશન્ટની અંગત વાત બીજા પેશન્ટને કહી શકાય નહીં. એટલે તમારા સવાલનો જવાબ હું આપી શકતી નથી. " મેડમ બોલ્યાં.

" ઠીક છે મેડમ. કંઈ વાંધો નહીં અમે હવે રજા લઈએ. " વીણાબેન બોલ્યાં અને બંને ઊભાં થઈને બહાર નીકળી ગયાં.

" અંકિતભાઈ તો અદ્દલ અભિષેક જેવા જ લાગે છે. તસુભાર પણ ફરક નથી માસી. એક ક્ષણ માટે તો હું ચમકી ગઈ હતી કે અભિષેક અત્યારે શાલ્વીબેન સાથે ક્યાંથી ! પણ પછી યાદ આવ્યું કે અંકિતભાઈ અભિષેકની કાર્બન કોપી છે ! " નીચે ઉતરી ગયા પછી અંજલી બોલી.

" હા બેટા. " વીણાબેન એટલું જ બોલ્યાં.

એ પછી અંજલી પોતાની પાર્ક કરેલી ક્રેટા ગાડી પાસે ગઈ અને બંને એમાં બેસી ગયાં. અંજલીએ કુશને વીણા માસીના ખોળામાં આપી દીધો.

અંજલી કાર ડ્રાઇવિંગ જાણતી જ હતી છતાં પ્રેક્ટિસ માટે ડ્રાઇવિંગ સ્કૂલમાં ચાર પાંચ દિવસની ટ્રેનિંગ લઈ આવી હતી અને હવે જાતે જ ગાડી ચલાવતી હતી.

અંજલી નીચે આવી ત્યાં સુધીમાં તો અભિષેક પોતાની થાર ગાડીમાં બેસી ગયો હતો અને યુ ટર્ન લઈને એ જ એલ.ટી રોડ થઈને ફરી પાછો ખાર તરફ નીકળી પણ ગયો હતો.

આજે એને પોતાને અંદરથી એમ લાગતું હતું કે એણે શાલ્વી સાથે મેટરનીટી હોમ આવવાની જરૂર ન હતી. એ હવે એનો કાયદેસરનો પતિ ન હતો. એ તો સારું થયું કે પોતે કપડાં બદલી નાખ્યાં હતાં અને માસી તથા અંજલીને મારી સાચી ઓળખાણ પડી ન હતી. નહીં તો આજે મોટો પ્રોબ્લેમ થઈ જાત ! અંજલી ઘરે આવી ગઈ છે એટલે હવેથી વધારે સજાગ રહેવું પડશે !

" બેટા મારે તારી સાથે થોડી અંગત વાત કરવી છે. અંજલીની હાજરીમાં વાત થાય એમ નથી." રાત્રે સાડા આઠ વાગે અભિષેક ઘરે આવ્યો ત્યારે વીણામાસી બોલ્યાં.

" એવી તો કઈ વાત છે માસી કે અંજલીથી છાની રાખવી પડે ? " અભિષેક બોલ્યો.

" મારી વાત સાંભળ્યા પછી તને બધો ખ્યાલ આવી જશે કે શા માટે મારે તને એકલાને મળવું છે. " માસીએ જવાબ આપ્યો.

" ડોક્ટરે અંજલીને ચેકઅપ કર્યા પછી તમને કંઈ કહ્યું છે ? ડૉક્ટરને કોઈ સિરિયસ પ્રોબ્લેમ લાગે છે ? એવું હોય તો અંજલી રાત્રે સૂઈ જાય પછી હું બહાર આવી જઈશ. " અભિષેક થોડાક ટેન્શનમાં આવીને બોલ્યો.

" તું કોઈપણ કલ્પનાઓ કરીશ નહીં. અને ઘરે વાત કરવી મને ઠીક નથી લાગતી. અંજલી ગમે ત્યારે જાગી જાય અને બહાર આવી જાય. કુશ રડે તો પણ જાગી જાય. કાલે બહાર ગાડી ક્યાંક પાર્ક કરીને ગાડીમાં જ વાત કરી લઈશું. " વીણામાસી બોલ્યાં.

" તો પછી કાલે સવારે હું હોસ્પિટલ જાઉં ત્યારે મારી સાથે આવજો. થોડેક દૂર જઈને આપણે વાત કરી લઈશું. એ પછી હું તમને ઘરે મૂકી જઈશ. " અભિષેક બોલ્યો.

" હા એ જ બરાબર છે. શાક લેવાના બહાને હું તારી સાથે આવીશ. " માસી બોલ્યાં.

એ રાત્રે મોડે સુધી અભિષેક વિચારો કરતો રહ્યો કે એવી તે કઈ વાત હશે કે માસી અંજલી ના સાંભળે એ રીતે કરવા માંગે છે !

" આરતી આજે તું ટ્રેઈનમાં નીકળી જજે. મારે હોસ્પિટલ આવતાં મોડું થશે. તારું ટિફિન હું લેતો આવીશ." સવારે ચા પીતી વખતે અભિષેક આરતી સામે જોઈને બોલ્યો.

આરતી સાડા આઠ વાગે જ નીકળી ગઈ. એ પછી બંને ટિફિન લઈને સાડા દસ વાગે અભિષેક હોસ્પિટલ જવા તૈયાર થઈ ગયો.

" અભિષેક તને વાંધો ના હોય તો મને જરા શાક માર્કેટ ઉતારી દેજે ને ! " વીણામાસી અંજલી સાંભળે એ રીતે બોલ્યાં.

" અરે માસી એમને જવા દો ને. હું તમને શાક માર્કેટ લઈ જઈશ." અંજલી બોલી.

" અરે મને કોઈ જ પ્રોબ્લેમ નથી. હું માસીને ઉતારીને આગળ નીકળી જઈશ. અને શાક માર્કેટ ક્યાં દૂર છે !" અભિષેક બોલ્યો.

અભિષેક ગાડીમાં બેસી ગયો અને બાજુમાં જ વીણામાસી પણ બેઠાં.

આગળ જઈને અભિષેકે ગાડીને એવી જગ્યાએ સાઈડમાં ઉભી રાખી કે કોઈને નડે નહીં.

" હવે બોલો માસી તમે શું કહેતાં હતાં ? " અભિષેક માસી તરફ ફરીને બોલ્યો.

" મારી વાતનું ખોટું ના લગાડતો બેટા પરંતુ હું તારી સગી માસી છું અને મને કહેવાનો પૂરો હક છે. " માસી બોલ્યાં.

" માસી હું તમારો ખૂબ જ આદર કરું છું. તમે મારી માની જગ્યાએ છો. તમારી કોઈપણ વાતનું મને ખોટું ના લાગે. તમારો પૂરો હક્ક છે મારી ઉપર." અભિષેક બોલ્યો.

" બેટા તારા અને શાલ્વીના સંબંધો શું એટલા બધા આગળ વધી ગયા છે કે તું આજે એનો પતિ બનીને મેટરનીટી હોમમાં એની સાથે આવ્યો હતો !! કપડાં બદલીને તું અંજલીની આંખમાં ધૂળ નાખી શકે પણ હું તો તને ઓળખી ગઈ હતી. અંકિત તો સન્યાસી બની ગયો છે. તારે શા માટે અંકિત બનવું પડ્યું છે ? તારી નિર્દોષ પત્નીને છેતરતાં શરમ પણ નથી આવતી ? "
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."