અભિષેક (Abhishek Novel Part-80)

Related

અભિષેક પ્રકરણ 80

વીણામાસીની ઈચ્છા અભિષેકને એકાંતમાં મળવાની હતી એટલે અભિષેક હોસ્પિટલ જતી વખતે માસીને પોતાની ગાડીમાં સાથે લઈને નીકળ્યો હતો. અને દહીસરમાં પોતાના ઘરથી થોડેક જ દૂર એક જગ્યાએ ગાડીને સાઈડમાં પાર્ક કરી હતી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" બેટા તારા અને શાલ્વીના સંબંધો શું એટલા બધા આગળ વધી ગયા છે કે તું આજે એનો પતિ બનીને મેટરનીટી હોમમાં એની સાથે આવ્યો હતો !! કપડાં બદલીને તું અંજલીની આંખમાં ધૂળ નાખી શકે પણ હું તો તને ઓળખી ગઈ હતી. અંકિત તો સન્યાસી બની ગયો છે. તારે શા માટે અંકિત બનવું પડ્યું છે ? તારી નિર્દોષ પત્નીને છેતરતાં શરમ પણ નથી આવતી ?" વીણામાસીએ અભિષેકની આંખોમાં આંખો પરોવીને પહેલો જ સવાલ કર્યો.

માસીએ સવાલ એવી રીતે પૂછ્યો કે અભિષેક ચમકી ગયો. એને પોતાને આશ્ચર્ય થયું કે અંકિત સંન્યાસી બની ગયો છે એ માસીને કેવી રીતે ખબર પડી ! અને જો માસી બધું જાણતાં જ હોય તો પછી માસી આગળ વધારે ખોટું બોલી શકાશે નહીં.

" અરે ના ના માસી અમારી વચ્ચે એવું કંઈ જ નથી. શાલ્વી એક સારી છોકરી છે. આજે હું હોસ્પિટલમાં હતો અને શાલ્વીનો અચાનક ફોન આવ્યો કે એને સેફ્રોન મેટરનીટી હોસ્પિટલ જવું છે. હું પોતે ડોક્ટર છું એટલે એણે મને રિક્વેસ્ટ કરી કે તમે પણ સાથે આવો તો ડોક્ટર શું કહેવા માગે છે એ સમજી શકો ! એટલે પછી હું બોરીવલી આવ્યો. " અભિષેકે જવાબ આપ્યો.

" અભિષેક હોઠ સાજા તો ઉત્તર ઝાઝા. તારી પાસે જવાબ તૈયાર જ હોય છે એ હું જાણું છું છતાં હજુ પણ કહું છું કે તું માસીને છેતરી નહીં શકે. મેં ડોક્ટર મેડમને પૂછ્યું હતું કે આ ગયું એ કપલ કોણ હતું ? તો એમણે એમ જ કહ્યું કે શાલ્વી અને એમના હસબન્ડ અંકિત હતા. બન્ને પ્રેગ્નન્સીના ચેક અપ માટે આવ્યાં હતાં. હવે અંકિત તો સંન્યાસી બની ગયો છે તો શાલ્વી પ્રેગ્નન્સીની ઈચ્છા કેવી રીતે રાખે છે ? " માસી બોલ્યાં.

માસીનો સવાલ સાંભળીને એક મિનિટ માટે તો અભિષેકને એસી ગાડીમાં પણ પરસેવો વળી ગયો. કેટલો ધારદાર સવાલ હતો માસીનો !

" માસી અંકિત સન્યાસી થઈ ગયો છે પણ શાલ્વી બીજી વાર તો લગ્ન કરશે ને ? અત્યાર સુધી એને કોઈ સંતાન નથી એટલે એને ચેકઅપ કરાવવું હતું કે પોતાનામાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને ! અને મારો અને અંકિતનો ચહેરો એક જ હોવાથી મેડમ મને અંકિત સમજી બેઠાં હશે. " અભિષેકે મનમાં જે જવાબ સૂઝ્યો તે આપ્યો.

" જવાબ તો તું બહુ સરસ આપે છે અભિષેક. તારી બુદ્ધિને દાદ દેવી પડે. સવારે ચા પીતી વખતે બિચારી અંજલીએ તને પૂછ્યું હતું કે મને બ્લીડિંગનો પ્રોબ્લેમ છે તો તમે આજે મારી સાથે સેફ્રોન મેટરનીટી હોમ આવશો ત્યારે તેં એમ કહેલું કે માસી સાથે જઈ આવજે. છેક ખારથી હું બોરીવલી ના આવી શકું. તારી પોતાની પત્ની માટે તને ટાઈમ નથી અને શાલ્વી માટે દોડતો આવ્યો. " માસી બોલ્યાં.

વીણામાસી પોતાના ભાથામાંથી એવા સવાલોનાં બાણ ફેંકી રહ્યાં હતાં કે અભિષેક વીંધાઈ રહ્યો હતો. માસીના આ સવાલનો જવાબ એ ના આપી શક્યો.

" અભિષેક આઠ મહિના સુધી તારો અને શાલ્વીનો સંબંધ રહ્યો એ માફ કરી શકાય એમ છે કારણ કે એ બધું અજાણતાં થયું. પરંતુ આટલી સુંદર પત્ની તને મળી હોવા છતાં પણ હજુ પણ તેં શાલ્વી સાથે સંબંધ ચાલુ રાખ્યો છે. અંજલી સાથે તું બહુ મોટો વિશ્વાસઘાત કરી રહ્યો છે એ મારાથી સહન થાય એમ નથી. " માસી બોલી રહ્યાં હતાં.

" તું આટલો બધો બદલાઈ જઈશ એની મને કોઈ કલ્પના જ ન હતી. તું તારા બાપના માર્ગે આગળ વધી રહ્યો છે. મારી બહેન સ્નેહલતા આટલી સુંદર હતી છતાં પણ રજનીકાંતે કોઈ વનિતા સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. સમાજમાં પણ એ બદનામ થયા હતા. તારામાં પણ એમનું જ લોહી વહી રહ્યું છે. તારે એની સાથે લગ્ન કરી લેવાં હોય તો અંજલીને છૂટાછેડા આપી દે." માસી આક્રોશથી બોલી રહ્યાં હતાં.

" તારે કોઈ એકની પસંદગી કરવી પડશે અભિષેક. બે સ્ત્રીઓ સાથે સંબંધ હું નહીં સાંખી લઉં. આ માર્ગ પતનનો છે. હું જેને ઓળખું છું એ અભિષેક આવો ન હતો. જો તારે રજનીકાંતના માર્ગે આગળ વધવું હોય તો હું અને આરતી નાસિક જતાં રહીશું. મારો એ ફ્લેટ ખાલી જ છે. આરતીને ત્યાંની કોઈ હોસ્પિટલમાં જોબ મળી જ રહેશે. અંજલીને પણ હું સાચી વાત કહી દઈશ અને એને પણ આવવું હોય તો મારી સાથે આવી શકે છે. કુશને હું મોટો કરીશ. " માસી ગુસ્સાથી બોલ્યાં.

અભિષેકની હાલત કફોડી થઈ ગઈ હતી. માસી બધી જ વાત ગમે ત્યાંથી જાણી ગયાં હતાં. બાપના માર્ગે એવું મહેણું મારીને માસીએ એને એવો તમાચો માર્યો હતો કે અભિષેક ચક્કર ખાઈ ગયો. એને કલ્પના પણ ન હતી કે શાલ્વી પ્રત્યેની પોતાની આસક્તિ આવી સ્ફોટક બની જશે ! માસીએ સ્પષ્ટ કહી દીધું હતું કે કાં તો શાલ્વી અને કાં તો અંજલી !!

" માસી આઠ મહિના સુધી સંબંધો રહ્યા પછી હું શાલ્વીને ભૂલી શકતો નથી. હું અંજલીને સાચા દિલથી પ્રેમ કરું છું અને મને એ ગમે પણ છે પરંતુ મારા મન ઉપર મારો કાબુ નથી. તમારે નાશિક જવાની કોઈ જરૂર નથી. હું ખરેખર ભટકી ગયો છું. મને તમે એક મહિનાનો સમય આપો. મારા પપ્પાના માર્ગે હું નહીં જાઉં. મારા કારણે ભવિષ્યમાં કુશને સાંભળવું પડે એવું હું નહીં થવા દઉં. " અભિષેક બોલ્યો અને એણે પોતાના બે હાથોથી માસીનો હાથ પકડી લીધો. એ પકડમાં વિશ્વાસની ખાત્રી હતી.

" બસ બેટા મારે હવે વધારે તને કંઈ જ કહેવું નથી. મને તો મારો જૂનો અભિષેક પાછો જોઈએ છે. હું તને હવે વધારે શર્મિંદો કરવા નથી માગતી. અને આ બાબતની કોઈ ચર્ચા પણ ભવિષ્યમાં નહીં કરું. ઈશ્વરે આટલી સુંદર અને સુશીલ કન્યા તને આપી છે એને સંભાળી લે. એણે બિચારીએ બહુ જ સહન કર્યું છે." માસી બોલ્યાં અને ગાડીનો દરવાજો ખોલીને નીચે ઉતરી ગયાં.

માસી ઉતરી ગયા પછી દસ મિનિટ સુધી અભિષેક પોતાની સીટ ઉપર બેસી રહ્યો. માસીએ આજે એને આખેઆખો ઝંઝોળી નાખ્યો હતો. બાપના માર્ગે શબ્દો વાપરીને માસીએ એના મર્મ ઉપર આઘાત આપ્યો હતો. કામવાસનાએ એને આંધળો બનાવી દીધો હતો. પોતે કેટલો આધ્યાત્મિક ઊંચાઇ ઉપર હતો અને આજે ક્યાં હતો !

પાપકર્મો થવા લાગે એટલે ઈશ્વર પણ દૂર ભાગે છે ! મતિ ભ્રષ્ટ થાય એટલે સિદ્ધિઓ પણ દૂર ભાગે છે. ઘણી બધી સિદ્ધિઓ ધરાવતો અભિષેક અત્યારે જાણે કે સામાન્ય માનવી બની ગયો હતો !

હવે મારે મનને મક્કમ બનાવવું જ પડશે. ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે – મમ માયા દુરત્યયા. મારી માયામાંથી બહાર નીકળવું એટલું સહેલું નથી.

બીજા દિવસે સવારે અભિષેક થોડો વહેલો ઉઠી ગયો અને ધ્યાનમાં બેસી ગયો. એના આશ્ચર્ય વચ્ચે આજે એના ગુરુજી સામેથી એના ધ્યાનમાં પ્રગટ થયા.

ગુરુજીએ એની સાથે પાંચેક મિનિટ સુધી કેટલીક ચર્ચા કરી અને એના માથે હાથ મૂક્યો. એ પછી અભિષેકે મનોમન ગુરુજીને પ્રણામ કર્યા.

પરંતુ અભિષેક જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યો ત્યારે ગુરુજી સાથે શું ચર્ચા થઈ હતી એ બધું જ ભૂલી ગયો.
**********************

" શાલ્વી એકવાર મળવાની ઈચ્છા છે. બહાર ક્યાંક મળી શકાશે ? "

ઘણા સમય પછી શાલ્વીના જૂના બોયફ્રેન્ડ અમિત દોશીનો અચાનક શાલ્વી ઉપર ફોન આવ્યો.

" શાના માટે મળવું છે અમિત ? કારણ કે અંકિત પાછા આવી ગયા છે એટલે હવે આપણા સંબંધો ચાલુ નહીં થઈ શકે. બીજું કંઈ કામ હોય તો તું ફોન ઉપર પણ કહી શકે છે. " શાલ્વી બોલી.

" શાલુ ફોન ઉપર કહેવાય એવી આ વાત નથી. ગમે તેમ કરીને એકાદ કલાકનો સમય તું મને આપ ડાર્લિંગ." અમિત બોલ્યો.

" તું હવે મને ડાર્લિંગ કહીને ના બોલાવ પ્લીઝ. હું કોઈની પત્ની છું. " શાલ્વી બોલી.

" શાલુ ગયા વર્ષે આપણે મળતાં હતાં ત્યારે પણ તું કોઈની પત્ની જ હતી. મારો તને ડાર્લિંગ કહેવાનો પૂરો હક છે અને એ તું પણ જાણે છે. હવે ક્યારે મળવું છે અને ક્યાં મળવું છે ? " અમિત બોલ્યો.

" ઠીક છે. પાર્લે વેસ્ટમાં મેકડોનાલ્ડમાં પહેલાં જ્યાં મળતાં હતાં ત્યાં જ મળીએ. કાલે સાંજે પાંચ વાગે ઠીક રહેશે. " શાલ્વી બોલી.

અને બીજા દિવસે શાલ્વી આપેલા સમય પ્રમાણે સાંજે પાંચ વાગે મેકડોનાલ્ડ પહોંચી ગઈ.

" બોલ હવે. એવી તો કઈ વાત હતી કે તારે મને રૂબરૂ મળવું હતું ? " શાલ્વી બોલી.

" શાલુ આજે પણ તું એટલી જ ખૂબસૂરત લાગે છે. તું બહુ જ હૉટ છે યાર ! " અમિત બોલ્યો.

" તેં આ બધું કહેવા જ મને અહીં બોલાવી છે ? આવી વાતો ના કર પ્લીઝ. હું અંકિતને ખૂબ જ પ્રેમ કરું છું. હવે આવી બધી વાતોની મારા મન ઉપર કોઈ જ અસર નહીં થાય. " શાલ્વી બોલી.

" શાલુ તને કદાચ ખબર નથી પણ છ મહિના પહેલાં મારી યુવાન પત્ની એક એક્સિડન્ટમાં ગુજરી ગઈ છે. હું સાવ એકલો પડી ગયો છું. અંકિત પાછો આવી ગયો છે એટલે હવે તારી સાથે લગ્ન તો ના થઈ શકે પરંતુ આપણા સંબંધો તો ફરી શરૂ થઈ શકે ને ! " અમિત બોલ્યો.

" જો આ જ વાત કરવાની હોય તો હું જાઉં છું. મેં તને ફોન ઉપર જ કહી દીધું હતું કે અંકિત પાછા આવી ગયા છે. હું એમનાથી ખૂબ જ ખુશ છું અને એમની સાથે કોઈ વિશ્વાસઘાત કરવા માગતી નથી." શાલ્વી બોલી.

" શાલ્વી તું કઈ રીતે વિશ્વાસઘાતની વાત કરી શકે ? ગયા વર્ષે જ્યારે આપણે અવાર નવાર મળતાં હતાં ત્યારે અંકિત સાથે વિશ્વાસઘાત નહોતો થતો ? તારે મારી જરૂર હોય ત્યારે નિયમો જુદા અને મારે તારી જરૂર છે ત્યારે નિયમો જુદા ? તું ગયા વર્ષે મને કેટલી બધી કરગરતી હતી કે પ્લીઝ મને તારી જરૂર છે ! હવે આજે તું આવી વાતો કરે છે ? " અમિત બોલ્યો.

" અમિત તું સમજવા પ્રયત્ન કેમ નથી કરતો ? એ સમય જુદો હતો. હવે મને અંકિતથી પૂરો સંતોષ છે. એ મને ખૂબ જ પ્રેમ કરે છે અમિત. તેં ગયા વર્ષે મને સાથ આપ્યો એ બદલ ચોક્કસ તારો આભાર માનું છું પણ હવે પ્લીઝ આવો આગ્રહ નહીં રાખ. " શાલ્વી બે હાથ જોડી બોલી.

" શાલુ મને અત્યારે તારી જરૂર છે. હું તને હજુ પણ સાચા દિલથી પ્રેમ કરું છું. આપણા બેની વચ્ચે અનેક વાર સંબંધો થયેલા છે એટલે ફરી સંબંધો થતા રહેશે તો કોઈ ફરક નહીં પડે. તું કેટલી હોટ છે એ મને ખબર છે. હું તને છોડીને બીજે ક્યાંય જવા માગતો નથી. તારી પાસે જે છે એ બીજે ક્યાંય મને નહીં મળે. અને આપણે રોજ રોજ થોડા મળવાનું છે ? " અમિત બોલ્યો.

અમિતે વાત એવી રીતે કરી કે શાલ્વી થોડી થોડી પીગળવા માંડી અને ઉત્તેજિત પણ થતી ગઈ. અમિત પણ હેન્ડસમ જ હતો અને અભિષેક જેટલો જ આક્રમક હતો. એને પોતાને અમિતનો ઘણો સારો અનુભવ હતો. અંજલી હવે ઘરે આવી ગઈ હોવાથી અભિષેક એને પહેલાંની જેમ વારંવાર નહીં મળી શકે એ પણ એને ખબર હતી. અને એના માટે મહત્ત્વની વાત એ હતી કે અમિત એનો ભૂતકાળનો પ્રેમી જ હતો ! અંકિત જતો રહ્યો હતો ત્યારે આ અમિતે જ એને ખુશ રાખી હતી !!

" ઠીક છે અમિત હું તને નારાજ કરી શકતી નથી. તારી ઈચ્છાને માન આપીને હું તને મળીશ. પરંતુ વારંવાર આપણે મળી નહીં શકીએ. હવે જ્યારે હોટલ જવાનું હોય ત્યારે મને આગલા દિવસે જ કહી દેજે. એક આખો દિવસ તારી સાથે રહીશ." શાલ્વી બોલી.

" થૅન્ક યુ ડાર્લિંગ. મને ખાતરી જ હતી કે મારી શાલુ મને નિરાશ નહીં કરે. પરમ દિવસે રવિવાર છે. પરમ દિવસે જ બપોરે બાર વાગે વિલે પાર્લે નેહરુ રોડ ઉપર આપણી કાયમી રામકૃષ્ણ હોટલ ઉપર આવી જજે. લંચ પણ આપણે ત્યાં શબરીમાં લઈ લઈશું. " અમિત બોલ્યો.

એ પછી કોલ્ડ કોફી પીને શાલ્વી ઘરે જવા નીકળી ગઈ. અમિત અંધેરીમાં એક જાણીતી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચી પોસ્ટ ઉપર હતો. શાલ્વી એને ખૂબ જ ગમતી હતી પરંતુ એનાં બીજે લગ્ન થઈ ગયાં એટલે એણે પણ લગ્ન કરી લીધાં. પરંતુ ગયા વર્ષે શાલ્વી સામેથી એની પાસે શારીરિક સંબંધ માટે આવી હતી એટલે પત્નીના અચાનક અવસાન પછી ફરી એને શાલ્વી યાદ આવી. આજે શાલ્વી માની ગઈ એટલે એ ખૂબ જ ખુશ હતો.

આ બાજુ હોસ્પિટલ પહોંચી ગયા પછી પણ આજે અભિષેકને ચેન ન હતું. વીણામાસીનો કડક ભાષામાં ઠપકો સાંભળ્યા પછી એને પોતાને પણ લાગ્યું કે એ પતનના માર્ગે આગળ વધી રહ્યો હતો. પોતાને આવા સમર્થ ગુરુજી મળ્યા હતા છતાં એ માયામાં ફસાઈ ગયો હતો. મારા ગુરુજીએ પોતે જ વીણામાસી દ્વારા મને આજે ઠપકો આપ્યો હોય તોયે કોને ખબર ! દિપાલી પણ મને છોડીને જતી રહી. હવે મારે મારો માર્ગ બદલવો જ પડશે. જાગ્યા ત્યાંથી સવાર !

એણે હોસ્પિટલમાંથી દિપાલીને એક લાંબો વૉટ્સએપ મેસેજ કર્યો.

# દિપાલી... તારી મારા પ્રત્યેની નારાજગી હું સમજી શકું છું. તેં મને જગાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. બાકીની ભૂમિકા આજે માસીએ ભજવી. મારી હોસ્પિટલને તારી ખૂબ જરૂર છે. માસી પણ તને ખૂબ જ યાદ કરે છે. આરતીને પણ તારી કંપનીની જરૂર છે. તારી ઈચ્છા મુંબઈમાં સ્થાયી થવાની હતી એ હું બરાબર જાણું છું.

# હવે જ્યારે આવીશ ત્યારે ફરિયાદ કરવાનો કોઈ મોકો તને નહીં આપું. તારા ઘરે આવ્યો ત્યારે ડૉ. અભિષેક જેવો હતો એવો જ અભિષેક એના અસલી સ્વરૂપમાં હવે પછી તને જોવા મળશે. તારા આગમનની પ્રતીક્ષામાં... ડૉ. અભિષેક.

" અંજલી આપણે હવે નેક્સ્ટ વીકમાં વિલે પાર્લે શિફ્ટ થઈએ છીએ. આ ફ્લેટમાં માસી આરતી અને દિપાલી રહેશે. " રાત્રે સૂતી વખતે અભિષેકે અંજલીને કહ્યું.

" વાઉ ! પણ દિપાલીબેન તો કાયમ માટે રાજકોટ જતાં રહ્યાં છે અભિ !"

" દિપાલીને મુંબઈ આવવું જ પડશે અંજુ. એક વીકમાં જ દિપાલી અહીં આપણી સાથે જ હશે." અભિષેક એકદમ આત્મવિશ્વાસથી બોલ્યો. ગુરુજીએ એની શક્તિઓ ફરી જાગૃત કરી દીધી હતી.

" તો તો સારું. માસીને એમની કંપની રહેશે. એમનો સ્વભાવ ખરેખર બહુ જ સરસ છે. " અંજલી બોલી.

" આપણા નવા ફ્લેટમાં તારાં મમ્મી પપ્પાને કાયમ માટે બોલાવી લેજે. એ આપણી સાથે જ રહેશે. કુશને પણ સાચવશે અને તને પણ ! " અભિષેક હસીને બોલ્યો.

" તમે મને આટલી બધી સાચવો છો પછી મમ્મી પપ્પાને મને સાચવવાની જરૂર શું કામ પડે ? " અંજલી બોલી.

" અરે અત્યારે નહીં. કુશ પછી હવે બીજી વાર તને લવ ની પ્રેગ્નન્સી આવે ત્યારે ! " અભિષેક બોલ્યો.

" જાઓ ને હવે. હજુ તો કુશ ચાર મહિનાનો છે અને અત્યારથી લવના આગમનમાં પહોંચી ગયા ? " અંજલી મીઠો છણકો કરીને બોલી.

" હવે સાંભળ. પરમ દિવસે રવિવારે આપણે વિલે પાર્લે અથર્વ હાઈટ્સના ફ્લેટ ઉપર જઈશું. મેં હોસ્પિટલના બે માણસોને પણ કહી દીધું છે. એ લોકો આખો ફ્લેટ વાળીઝૂડીને એકદમ સાફ કરી દેશે. માસીને પણ સાથે લેતાં જઈશું. ત્યાં ઘર ચાલુ કરવા માટે જે કંઈ વસ્તુઓ ખૂટતી હોય એનું લિસ્ટ બનાવી દઈશું અને પછી આપણે ત્યાં રહેવા પણ જઈશું. " અભિષેક બોલ્યો.

એ પછી અંજલીના અદ્ભુત સૌંદર્યમાં અભિષેકે પોતાનું બધું ધ્યાન પરોવી દીધું અને રાજકોટની જેમ જ એની સાથે જાતીય પરિતૃપ્તિનો અનુભવ એણે કર્યો !

રવિવારે સવારે અગિયાર વાગે અભિષેક પોતાના આખા પરિવારને થાર ગાડીમાં લઈને દહીસરથી વિલે પાર્લે જવા નીકળ્યો.

પોણા બાર વાગ્યે એણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર એરપોર્ટ સર્કલથી વિલે પાર્લે તરફ રાઈટ ટર્ન લીધો. એણે જોયું કે પોતાની ગાડીથી થોડી આગળ શાલ્વીની મર્સિડીઝ પણ જઈ રહી હતી. શાલ્વી અહીં ક્યાંથી ! એને ખૂબ જ આશ્ચર્ય થયું.

અભિષેકે પોતાની ગાડી મર્સિડીઝની પાછળ ને પાછળ થોડુંક અંતર રાખીને ચલાવી. અભિષેકનું અથર્વ હાઈટ્સ ટાવર ક્રોસ થઈ ગયું છતાં પણ એણે પોતાની ગાડી શાલ્વીને ફોલો કરી.

આગળ જઈને શાલ્વીએ મર્સિડીઝને જમણી બાજુ વાળીને રામકૃષ્ણ હોટલના ગેટમાં દાખલ કરી અને હોટલ સામે પાર્કિંગમાં ઉભી રાખી. હવે શાલ્વી અભિષેકની થાર ગાડીને જોઈ શકે એમ ન હતી. અભિષેક નીચે ઉતર્યો.

" તમે લોકો અંદર બેસી રહો. હું બે મિનિટમાં આવું છું. " કહીને અભિષેકે પોતાની ગાડીનો દરવાજો બંધ કર્યો અને હોટલના ગેટની બહાર સાઈડમાં ઉભો રહ્યો.

થોડીવારમાં બીજી એક ગાડી આવી અને ગેટમાં પ્રવેશીને મર્સિડીઝની બાજુમાં ઉભી રહી. એમાંથી હીરો જેવો દેખાતો એક હેન્ડસમ યુવાન બહાર આવ્યો. ત્યાં ઊભેલી શાલ્વી એને પ્રેમથી ભેટી પડી. અભિષેકે તરત જ એનો ફોટો પાડી લીધો.

બંને જણાં પોતપોતાની દુનિયામાં મસ્ત હતાં ! બંને હસતાં હસતાં હોટલની અંદર દાખલ થઈ ગયાં.

અભિષેક પોતાની ગાડી તરફ પાછો વળી ગયો. એના દિલને ખૂબ જ ચોટ પહોંચી હતી!! આજ સુધી પોતે કેટલી ભ્રમણામાં જીવતો હતો !!!

અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."