અભિષેક (Abhishek Novel Part-81)

Related

અભિષેક પ્રકરણ 81

અભિષેક વિલે પાર્લેના પોતાના નવા ફ્લેટમાં રહેવા જવાનો હોવાથી એ પોતાના પરિવારને ફ્લેટ બતાવવા અને સાફસૂફી કરાવવા પાર્લા ગયો હતો. બપોરે પોણા બાર વાગે પાર્લામાં એન્ટ્રી લેતાં જ એણે પોતાની આગળ થોડેક દૂર શાલ્વીની ગાડી જોઈ હતી. એ ખૂબ જ આશ્ચર્ય પામી ગયો હતો કે શાલ્વી અત્યારે અહીં ક્યાંથી !!

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

અભિષેકે શાલ્વી અહીં પાર્લામાં ક્યાં જાય છે એ જાણવા એની ગાડી ફોલો કરી હતી. શાલ્વીની મર્સિડીઝ નહેરુ રોડ ઉપર આવેલી રામકૃષ્ણ હોટલના ગેટમાં દાખલ થઈ હતી. અભિષેકે ગેટની બહાર ઉભા રહીને થોડીવાર શાલ્વી ઉપર નજર રાખી હતી. ત્યાં એણે જોયું કે બીજો કોઈ હેન્ડસમ યુવાન બીજી ગાડીમાંથી ઉતર્યો હતો અને શાલ્વી એને જાહેરમાં જ પ્રેમથી ભેટી પડી હતી.

એ પછી બંને જણાં હોટલની અંદર દાખલ થયાં હતાં. અભિષેકે પોતાના મોબાઈલથી એમના આલિંગનનો ફોટો પણ પાડી લીધો હતો. અભિષેકને આ દ્રશ્ય જોઈને ખૂબ જ આઘાત લાગ્યો હતો.

શાલ્વીની આ બેવફાઈ જોઈને એણે નક્કી કર્યું કે શાલ્વીને પેલાની સાથે રંગે હાથ જ પકડવી પડશે. જો એમ નેમ જ વાત કરીશ તો એ ગમે તે બહાનું કાઢી દેશે. પણ એના માટે અહીં ઊભા રહીને રાહ જોવાનો કોઈ મતલબ ન હતો. એ લોકો હોટલમાં ગયાં છે એટલે ઓછામાં ઓછા બે અઢી કલાક તો નીકળી જ જશે. પરિવારને ઘરે મૂકીને પછી પાછા અહીં આવવું પડશે.

અભિષેક પોતાની ગાડી પાસે આવ્યો અને યુ ટર્ન લઈને ગાડીને એણે અથર્વ હાઈટ્સ તરફ લીધી. પોતાનો નવો ફ્લેટ રામકૃષ્ણ હોટલથી બહુ દૂર ન હતો. એ ફ્લેટ ઉપર પહોંચ્યો ત્યારે એના ફ્લેટની સાફસફાઈ કરવા માટે બોલાવેલા એની હોસ્પિટલના બે છોકરાઓ ગેટ પાસે જ ઉભા હતા અને અભિષેક સર ની રાહ જોતા હતા !

અભિષેક બધાંને લઈને ઉપર પાંચમા માળે ગયો. ફ્લેટ ખોલ્યો તો અંદર ઘણી ધૂળ જામેલી હતી. જો કે આ વિશાળ ફ્લેટ બધાંને ખૂબ જ ગમી ગયો. વીણામાસી અને આરતી તો અહીં પહેલી વાર જ આવ્યાં હતાં. ઈન્ટિરિયર ડિઝાઇન પણ એટલી બધી સરસ કરેલી હતી કે ફ્લેટ હોવા છતાં પણ કોઈ બંગલો હોય એવો એનો લુક હતો !

તમામ બેડરૂમ સુંદર રીતે સજાવેલા હતા અને દરેકમાં એસીની સગવડ હતી. ફ્રીઝ, વોશિંગ મશીન, ડીશ વોશર મશીન વગેરે તમામ વ્યવસ્થા ફ્લેટમાં હતી. એક વિશાળ ટીવી ડ્રોઈંગ રૂમમાં હતું જ્યારે એક ટીવી માસ્ટર બેડરૂમમાં પણ હતું.

" અભિષેક તારો આ ફ્લેટ તો બહુ મજાનો છે ભાઈ ! ફ્લેટને સજાવવામાં કોઈ જ કમી રાખી નથી. પાર્લાનો આ એરિયા પણ મને ઘણો સરસ લાગ્યો." વીણામાસી બોલ્યાં.

" માસી તમારે લોકોને અમારી સાથે આવી જવું હોય તો તમે લોકો જ અમારી સાથે રહેવા આવી જાઓ. અંજલીનાં મમ્મી પપ્પાને દહીસરનો ફ્લેટ આપી દઈશું. " અભિષેક બોલ્યો.

" ના બેટા અમને તો દહીસર બહુ સારું ફાવી ગયું છે. તમે લોકો સુખેથી રહો. તારા માટે આ જગ્યા ઘણી સારી છે. હોસ્પિટલથી નજીક પણ પડશે." માસી બોલ્યાં.

" અભિ ...માસી ભલે ના કહેતાં પણ માસી અને આરતીબેન અહીં મારી સાથે રહે એવી મારી પણ ઈચ્છા છે જેથી મને હું સાસરે છું એવો અનુભવ થાય. દિપાલીબેન પણ મુંબઈ આવી જવાનાં છે તો એમને અને આરતીબેનને અહીંથી હોસ્પિટલ પણ નજીક પડશે ! ટ્રેઈનમાં ના જવું હોય તો અહીંથી રીક્ષામાં પણ અપ ડાઉન થઈ શકશે. " અંજલી બોલી.

" ભાભીની વાત સાચી છે મમ્મી. આ જગ્યા હોસ્પિટલથી ખૂબ જ નજીક છે. આપણે બધાં ભાઈ સાથે અહીં જ શિફ્ટ થઈ જઈએ. " આરતી બોલી.

" એટલા માટે જ પાર્લા પસંદ કર્યું છે માસી. વળી આખો એરિયા ગુજરાતી છે. હવે મારી વાત સાંભળો. અહીં આપણે રહેવા આવવાનું છે એટલે ઘર શરૂ કરવા માટે જે પણ વસ્તુની જરૂર હોય એ બધાનું તમે એક લીસ્ટ બનાવો. વાસણો જોઈશે, કિચનનો સામાન જોઈશે, મિક્સર જોઈશે, અનાજ કરિયાણું ભરવું પડશે. ઘી ગોળ તેલ ચા ખાંડ વગેરે પણ વસાવવું પડશે. કપ રકાબીનો સેટ પણ લાવવો પડશે. તમે લોકો યાદ કરી કરીને એક લિસ્ટ બનાવો. હું એકાદ કલાકમાં આવું છું. એ પછી આપણે જમવા જઈએ." અભિષેક બોલ્યો.

" અને તમે બે જણા આખો ફ્લેટ વાળી ઝૂડીને બિલકુલ સાફ કરી દો. એ પછી દરેક રૂમમાં પોતું પણ મારી દેજો." અભિષેકે એના બે માણસોને પણ સૂચના આપી.

એ પછી અભિષેક નીચે ઉતરીને એની ગાડીમાં બેઠો અને ગાડીને રામકૃષ્ણ હોટલના કમ્પાઉન્ડમાં જ લઈ લીધી. ગાડીને સાઈડમાં ઉભી રાખીને હોટલ તરફ નજર રાખીને એ બેઠો.

અભિષેક પાસે હવે પોતાની શક્તિઓ અને સિદ્ધિઓ જાગૃત થઈ રહી હતી. એના મગજમાં અચાનક રૂમ નંબર ૨૦૫ ફ્લેશ થયો. પહેલી વાર તો અભિષેક સમજી ના શક્યો કે પોતાને આ નંબર કેમ દેખાયા કરે છે પણ પછી એને ટ્યુબલાઈટ થઈ ગઈ.

અભિષેકે ગાડીને બંધ કરી અને બહાર નીકળ્યો. એ રામકૃષ્ણ હોટલની અંદર દાખલ થયો. પોતે જાણે હોટલમાં જ ઉતર્યો હોય એમ સડસડાટ સીધો બીજા માળે પહોંચી ગયો. કોઈએ એને રોક્યો નહીં. ૨૦૫ નંબરના રૂમ સામે આવીને એ ઊભો રહ્યો. ડોરબેલ વગાડવાને બદલે એણે દરવાજે ટકોરા માર્યા.

બે મિનિટ સુધી એ ઉભો રહ્યો. ફરી પાછા એણે જોરથી ટકોરા માર્યા. બીજી બે મિનિટ રાહ જોઈ એ પછી પેલા હેન્ડસમ યુવાને અડધો દરવાજો ખોલ્યો. એણે શર્ટ કાઢી નાખેલું હતું. માત્ર પેન્ટ પહેરીને ખુલ્લા શરીરે જ એણે દરવાજો ખોલ્યો હતો. એ અમિત દોશી હતો !

" અરે મિસ્ટર તમારે કોનું કામ છે ? આ રૂમ તો મારો છે. " અમિત ગુસ્સે થઈને બોલ્યો. અમિત આજ સુધી કદી પણ શાલ્વીના પતિ અંકિતને મળ્યો ન હતો એટલે ઓળખતો ન હતો.

અભિષેકે કોઈ જ જવાબ આપ્યો નહીં અને દરવાજાને ધક્કો મારીને સીધો અંદર ધસી ગયો. બેડ ઉપર શાલ્વી ત્યાં આપેલો કામળો ઓઢીને સૂતી હતી. ચહેરો ખુલ્લો હતો પરંતુ આંખો બંધ હતી. સૂઈ જવાનો ડોળ કરી રહી હતી. અભિષેકને ગુસ્સો તો એવો આવ્યો કે આખો કામળો જ ખેંચી લઉં પણ સ્ત્રીની મર્યાદા લોપાય નહીં એટલા માટે એ ગમ ખાઈ ગયો. એણે પોતાના મોબાઈલથી શાલ્વીનો ફોટો પાડી લીધો.

" શાલ્વી મારી તો આંખો ખુલી ગઈ. હવે તારી આંખો ખોલ. પ્રેમનું અને વફાદારીનું નાટક પૂરું થઈ ગયું. " અભિષેક બોલ્યો.

શાલ્વીને તો કલ્પના જ ન હતી કે અભિષેક રૂમની અંદર આવી ગયો છે અને પોતાની સામે જ ઉભો છે ! એ અભિષેકના અવાજથી ચમકી ગઈ. એણે આંખો ખોલી નાખી તો સામે અભિષેક જ ઉભો હતો. શાલ્વીના માથે જાણે આભ તૂટી પડ્યું. એને પોતાની આંખો ઉપર વિશ્વાસ જ નહોતો આવતો કે ખરેખર સામે અભિષેક ઉભો છે ! આવું કઈ રીતે બને !!!

" અરે અંકિત તમે !!! " શાલ્વી માંડ માંડ બોલી. ભય અને આઘાતથી એ ધ્રુજી રહી હતી.

" એન્જોય યોર લાઈફ. ગુડ બાય. " અભિષેક ગુસ્સાથી એટલું જ બોલ્યો અને સડસડાટ બહાર નીકળી ગયો.

બાજુમાં જ હેબતાઈને ઉભો રહેલો અમિત સમજી ગયો કે આ શાલ્વીનો પતિ અંકિત જ હતો ! એ એને પહેલીવાર જ જોઈ રહ્યો હતો. એ સમજી ગયો કે હવે એ શાલ્વીને ડિવોર્સ જ આપી દેશે. કોઈપણ પતિ પોતાની પત્નીને બીજાની સાથે આવી અવસ્થામાં હોટલમાં જોઈ ના શકે. એને પોતાને પણ આઘાત લાગ્યો કે પોતાના કારણે જ શાલ્વીના જીવનમાં તોફાન આવી ગયું !

" શાલુ... " અમિત બોલવા ગયો પણ શાલ્વીએ ગુસ્સાથી એને રોકી દીધો.

" ખબરદાર જો તેં મને શાલુ કહ્યું છે તો ! તારા કારણે આજે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. હું વળી ક્યાં તારી વાતોમાં આવી ગઈ ! મારા ઉપર કેવો પહાડ તૂટી પડ્યો છે એ તું નહીં સમજી શકે. " શાલ્વી બોલી અને રડી પડી.

અભિષેક હવે કાયમ માટે એના જીવનમાંથી જતો રહ્યો હતો. એણે મને અમિત સાથે રંગે હાથ હોટલના રૂમમાં આવી અવસ્થામાં જોઈ હતી. હું હવે માફી માગવાને પણ લાયક નથી રહી. મેં એના માટે જે પણ કર્યું અને જે પ્રેમ કર્યો એ બધા ઉપર મેં જાતે જ પાણી ફેરવી દીધું.

અમિતે એને રડવા દીધી. રોકવાની કે લાગણી બતાવવાની કોઈ જ કોશિશ ના કરી. એણે શર્ટ પહેરી લીધું.

" તું કપડાં પહેરી લે. હવે આપણે નીકળવું જોઈએ. અહીં વધુ રોકાવાનો કોઈ મતલબ નથી. " અમિત બોલ્યો.

અમિતને એ જ સમજાતું ન હતું કે શાલ્વીના હસબન્ડને ખબર કેવી રીતે પડી કે શાલ્વી હોટલમાં મને મળવા આવી છે ! કદાચ એણે શાલ્વી સાથે થતી મારી વાતચીત સાંભળી લીધી હશે અને પછી આજે પીછો કર્યો હશે. એ વગર આવું શક્ય બને જ નહીં. પણ અંકિત સીધો આ જ રૂમમાં કેવી રીતે આવ્યો ! અંકિત જો રિસેપ્શનિસ્ટ પાસે ગયો હોય તો રિસેપ્શનિસ્ટ પહેલાં રૂમમાં જાણ કરે અને પછી કોઈને આવવા દે !

આ જ સવાલ શાલ્વીને પણ પરેશાન કરી રહ્યો હતો. અભિષેકને હોટલની ખબર કેવી રીતે પડી ! અમિત સાથે જ્યારે ફોન ઉપર વાત કરી ત્યારે તો એ પોતે જૂહુના બેડરૂમમાં એકલી જ હતી. કદાચ અમિતને મળવા પોતે મેકડોનાલ્ડ ગઈ ત્યારે અભિષેક એને જોઈ ગયો હશે અને પછી પોતાની ઉપર વૉચ રાખી હશે ! એને કંઈ સમજાતું ન હતું પણ બહુ જ ખરાબ બની ગયું હતું. પોતે અભિષેક સાથે બેવફાઈ કરી હતી અને એનો વિશ્વાસ તોડ્યો હતો !

શાલ્વી ધીમે રહીને ઊભી થઈ. એ અત્યારે સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં હતી. અભિષેકે દરવાજો નોક કર્યો ત્યારે એ બંને જણાં કામક્રીડામાં ખોવાયેલાં હતાં. દરવાજો નોક થયો કે તરત જ શાલ્વીએ અમિતને ધક્કો મારીને પોતે કામળો ઓઢી લીધો હતો. એટલા માટે જ દરવાજો ખોલવામાં ચાર પાંચ મિનિટ લાગી ગઈ હતી. પોતે ઓઢેલો કામળો અભિષેકે ખેંચી ના લીધો એ એની શાલીનતા હતી !

પરંતુ જે થવાનું હતું તે થઈ ગયું હતું. અભિષેક પોતાના જીવનમાંથી હંમેશ માટે ચાલી ગયો હતો. એણે પોતાના હાથે જ પોતાની જિંદગી બરબાદ કરી દીધી હતી. હવે જો અભિષેક વાત પણ નહીં કરે કે ઘરે પણ નહીં આવે તો પોતે પોતાના પપ્પાને શું જવાબ આપવો એ જ એને સમજાતું ન હતું.

ખૂબ જ ગુસ્સાથી બહાર નીકળીને અભિષેકે શાલ્વીનો નંબર બ્લોક કરી દીધો. આજે જે પણ એણે પોતાની નજરે જોયું એ એના માટે ખૂબ જ આઘાતજનક હતું. શાલ્વીને એણે પત્નીનો દરજ્જો આપ્યો હતો. શાલ્વી મને એવું કહેતી હતી કે મારા વગર એ જીવી નહીં શકે અને એ જ શાલ્વી આજે હોટલમાં જઈને બીજાની સોડમાં સૂતી છે ! આ સ્ત્રી ઉપર કઈ રીતે વિશ્વાસ રાખી શકાય ? ચારિત્ર્ય જેવું એની પાસે કંઈ છે કે નહીં ?

અભિષેકને લાગ્યું કે પોતે જાણે આજે એક જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો. ’ભલું થયું ભાગી જંજાળ... સુખે ભજીશું શ્રી ગોપાળ’. એ થોડો હળવો થઈ ગયો. હવે અંજલી સાથે સુખી જીવન જીવી શકાશે. માસીને પણ ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં મળે.

એ પોતાની ગાડીમાં બેઠો અને પેલા લોકો બહાર આવે તે પહેલાં જ ઝડપથી ગાડીને અથર્વ હાઇટ્સ ફ્લેટ તરફ લઈ લીધી.

" તું તો કલાકનું કહીને ગયો હતો. બહુ જલ્દી પાછો આવી ગયો. " માસી બોલ્યાં.

" મારું કામ પતી ગયું માસી એટલે પછી તરત જ આવતો રહ્યો. આપણે હવે જમવા માટે નીકળીએ. અહીં ગુજરાતી થાળી એટલી બધી સારી જમવા નહીં મળે. પંજાબી અથવા સાઉથ ઇન્ડિયન આપણને જમવા મળશે. "અભિષેક બોલ્યો.

" જે સમયે જે મળે તે જમી લેવાનું અભિષેક. " માસી બોલ્યાં.

" ઠીક છે તો પછી આપણે હવે નીકળીએ. પેલું લીસ્ટ બની ગયું ? " અભિષેક બોલ્યો.

" અમને જેટલું યાદ આવ્યું એટલું લીસ્ટ બનાવી દીધું છે. બાકી જે રહેશે તે રહેવા આવ્યા પછી પણ લાવી શકાશે. આસપાસમાં બધું જ મળે છે. અને બાજુના ફ્લેટમાં જે કામવાળી આવે છે એની સાથે પણ મેં વાત કરી લીધી છે. મરાઠી બાઈ છે. " માસી બોલ્યાં.

" એ કામ તમે બહુ જ સારું કર્યું માસી. મુંબઈમાં સારી કામવાળી મળી જાય એટલે અડધી ચિંતા ઓછી ! " અભિષેક બોલ્યો.

દસેક મિનિટમાં બધાં નીચે ઉતર્યાં એટલે અભિષેક બધાંને શિવસાગર રેસ્ટોરન્ટમાં લઈ ગયો. રામકૃષ્ણ હોટલના શબરી રેસ્ટોરન્ટમાં પંજાબી ડીશ સારી મળતી હતી પરંતુ ત્યાં હમણાં જવાય એવું હતું નહીં. ચારે જણાં માટે અભિષેકે પાઉં ભાજીનો ઓર્ડર આપ્યો.

જમવાનું પતી ગયું પછી ફરી બધાં ફ્લેટ ઉપર ગયાં. એ પછી સાફસૂફીનું કામ પતી ગયું હોવાથી અભિષેકે એની હોસ્પિટલના બે છોકરાઓને રજા આપી અને મજૂરીના તેમજ જમવાના અલગ પૈસા આપ્યા. આખો ફ્લેટ એકદમ નવા જેવો બનાવી દીધો હતો.

" આજે આખો દિવસ અહીં જ આરામ કરીશું અને સાંજે બોરીવલી સાગરમાં જમીને પછી જ ઘરે જઈશું" અભિષેક બોલ્યો.

શાલ્વી માટે તો બારે ય વહાણ ડૂબી ગયાં હતાં. એણે અભિષેક સાથે જીવવાનાં જે સપનાં જોયાં હતાં તે બધાં ચકનાચૂર થઈ ગયાં હતાં. એનું મગજ શૂન્ય થઈ ગયું હતું. એને પોતાને સમજાતું ન હતું કે અભિષેક એને કાયમ માટે સ્વીકારવા માટે તૈયાર થઈ ગયો હતો તો પછી શા માટે એણે આવું પગલું ભર્યું ! કેમ એ અમિતની વાતોમાં આવી ગઈ !!

" ઘરે જતાં પહેલાં આપણે થોડું જમી લઈશું ? " રૂમ ખાલી કરતી વખતે અમિત ધીમેથી બોલ્યો.

" તું જમવાની વાત કરે છે ! અંકિત અહીં આવીને મને રૂબરૂ જોઈ ગયા. મારે હવે ઘરે કેવી રીતે જવું એ પણ મારા માટે ટેન્શન થઈ ગયું છે ! હું વળી ક્યાં તારી વાતોમાં આવી ગઈ !! "

શાલ્વી ગુસ્સાથી બોલી અને રૂમમાંથી બહાર નીકળી ગઈ. જમ્યા વગર જ પોતાની ગાડીમાં બેસી ઘરે જતી રહી. જમવાની ઈચ્છા જ મરી પરવારી હતી. ઘરે પહોંચીને પોતાના બેડરૂમમાં એ ખૂબ જ રડી.

થોડી વાર પછી અભિષેકને સોરી નો મેસેજ કર્યો અને વિશાળ દિલ રાખીને માફ કરી દેવાની વિનંતી કરી પરંતુ એ મેસેજ ડીલિવર થયો નહીં. કારણકે અભિષેકે એનો નંબર બ્લોક કરી દીધો હતો ! એ આખો દિવસ એ જમી જ નહીં.

સાંજે પપ્પા આવ્યા ત્યારે એમની સામે પણ એ રડી પડી.

" અરે બેટા પણ તું રડે છે કેમ ? તારા અને અંકિત વચ્ચે કોઈ ઝઘડો થયો છે ? આટલી બધી અપસેટ કેમ છે ? " જૈમિનભાઈ બોલ્યા.

" પપ્પા બહુ મોટી ગરબડ થઈ ગઈ છે. અંકિત એટલે કે અભિષેક મારા જીવનમાંથી ચાલ્યા ગયા છે. એ હવે ક્યારેય પાછા નહીં આવે. બધું ખતમ થઈ ગયું. ભૂલ મારી જ છે પપ્પા. " શાલ્વી બોલી.

" અરે પણ એવું તે શું થયું તમારા બંને વચ્ચે ? મને માંડીને બધી વાત તો કર. અને આટલું બધું રડવાની જરૂર નથી. અભિષેકને હું ઓળખું છું. ખૂબ જ સમજદાર વ્યક્તિ છે. અને એ તને પ્રેમ પણ ખૂબ કરે છે. " જૈમિનભાઈ બોલ્યા.

" મને પ્રેમ કરતા હતા પપ્પા પણ એ પ્રેમ હવે ભૂતકાળ થઈ ગયો છે. મારો નંબર પણ એમણે બ્લોક કરી દીધો છે." શાલ્વી બોલી.

" અરે પણ એવું તે શું થયું છે તમારા બંને વચ્ચે કે તારો નંબર પણ બ્લોક કરી દીધો ! " જૈમિનભાઈ ચિંતામાં પડી ગયા.

" પપ્પા તમે અમિતને તો ઓળખો જ છો ને ! કોલેજમાં હતી ત્યારે હું એના પ્રેમમાં હતી. એની સાથે લગ્ન કરવાની પણ મારી ઈચ્છા હતી પરંતુ એ સમયે એની આર્થિક સ્થિતિ નબળી હતી અને અચાનક અંકિતની વાત આવી એટલે તમે મને અંકિત સાથે પરણાવી દીધી. " શાલ્વી બોલી.

"હા. તો એનું શું છે અત્યારે ? " પપ્પા બોલ્યા.

" પપ્પા અત્યારે પણ એ મને પ્રેમ કરે છે. એનાં પણ લગ્ન થઈ ગયેલાં પરંતુ એક અકસ્માતમાં એની વાઈફ ગુજરી ગઈ એટલે એકલો પડી ગયો છે. બે દિવસ પહેલાં મારી ઉપર એનો ફોન આવેલો કે મારે તને મળવું છે. મેં ના પાડી પરંતુ એણે બહુ જ આગ્રહ કર્યો એટલે હું એને મળવા ગઈ. અભિષેકે મને એની સાથે જોઈ લીધી એટલે એણે મારી સાથે સંબંધ કાપી નાખ્યો." શાલ્વી એના પપ્પાને સાચી વાત કહી શકે તેમ ન હતી.

"અરે આ તો કોઈ કારણ છે ? આટલા બધા પઝેસીવ થોડા થવાય ! તું તારા મિત્રને મળી પણ ના શકે ! તું ચિંતા ના કરીશ. હું અભિષેક સાથે વાત કરી લઈશ. સમજાવીશ એને કે અમિત તો તારો બહુ જૂનો મિત્ર છે ! " જૈમિન શાહ બોલ્યા.

શાલ્વી કંઈ બોલી નહીં. એને ખાત્રી હતી કે પપ્પાની વાતથી અભિષેકને કોઈ ફરક નહીં પડે. પરંતુ પપ્પાના કાને વાત નાખવી જરૂરી હતી એટલે એણે વાત કરી.

બીજા દિવસે બપોરે એક વાગે જૈમિન શાહ વનિતા હોસ્પિટલ પહોંચી ગયા અને સીધા ડૉ. અભિષેકની ચેમ્બરમાં ગયા.

" આવો અંકલ. " અભિષેકે ઊભા થઈને પ્રેમથી એમને આવકાર આપ્યો. હોસ્પિટલ ઉભી કરવામાં જૈમિન શાહનો મોટો હાથ હતો અને શાલ્વીએ જે પણ કર્યું એમાં એમનો કોઈ વાંક ન હતો. એટલે જૈમિન શાહ તરફ તો અભિષેકને આદર જ હતો.

" અરે અંકિતકુમાર શું છે આ બધું ? શાલુએ મને વાત કરી કે તમે તો એનો નંબર પણ બ્લોક કરી દીધો છે ! અરે ભલા માણસ, આવી નાની નાની વાતોમાં કંઈ રિસાઈ જવાતું હશે ? અમિત દોશી એનો જૂનો મિત્ર છે. બંને કોલેજમાં સાથે હતાં. બિચારી કેટલી રડે છે ! મારે ના છૂટકે અહીં સુધી આવવું પડ્યું. " થોડી આડી અવળી વાતો કર્યા પછી છેવટે જૈમિન શાહ બોલ્યા.

અભિષેક સમજી ગયો કે શાલ્વીએ એના પપ્પાને સાચી વાત કરી જ નથી.

" અંકલ વાત નાની નથી. શાલ્વીએ મારી સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. તમને લાગે છે કે કારણ વગર હું એને છોડી દઉ ? મારે ના કહેવું જોઈએ પરંતુ પાર્લાની રામકૃષ્ણ હોટલમાં ૨૦૫ નંબરના રૂમમાં મેં અને અમિતને કઢંગી હાલતમાં રંગે હાથ પકડ્યાં . હું ત્યાં પહોંચ્યો ત્યારે બંને વચ્ચે શારીરિક સંબંધ ચાલુ હતો ! " અભિષેક બોલ્યો.

એ પછી અભિષેકે મોબાઈલમાં પાડેલા બે ફોટા જૈમિન શાહને બતાવ્યા. એક ફોટામાં શાલ્વી હોટલની બહાર અમિતના આલિંગનમાં હતી તો બીજા ફોટામાં હોટલના રૂમની અંદર કામળો ઓઢીને સુધી હતી !

જૈમિન શાહના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ સ્તબ્ધ થઈ ગયા !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."