અભિષેક (Abhishek Novel Part-82)

Related

અભિષેક પ્રકરણ 82

શાલ્વીએ પોતાના પપ્પાને અભિષેક સાથેના સંબંધો પૂરા થઈ ગયા એવી વાત કરી ત્યારે જૈમિન શાહે એ વાતને છોકરમત સમજી બહુ ગંભીર લીધી ન હતી. એટલા માટે જ એ બીજા દિવસે બપોરે અભિષેકને મળવા હોસ્પિટલે ગયા હતા.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" અંકલ વાત નાની નથી. શાલ્વીએ મારી સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. તમને લાગે છે કે કારણ વગર હું એને છોડી દઉ ? મારે ના કહેવું જોઈએ પરંતુ પાર્લાની રામકૃષ્ણ હોટલમાં ૨૦૫ નંબરના રૂમમાં મેં અને અમિતને કઢંગી હાલતમાં રંગે હાથ પકડ્યાં . હું ત્યાં પહોંચ્યો ત્યારે બંને વચ્ચે શારીરિક સંબંધ ચાલુ હતો ! " અભિષેક બોલ્યો અને એણે મોબાઈલથી લીધેલા બે ફોટા બતાવ્યા.

જૈમિન શાહના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ સ્તબ્ધ થઈ ગયા !

" અંકલ હું ખોટું બોલતો નથી. હું પાર્લા મારા નવા ફ્લેટમાં શિફ્ટ થવાનો હોવાથી ફ્લેટની સાફસૂફી કરાવવા મારી ફેમિલી સાથે પાર્લા ગયો હતો. હું જ્યારે નહેરુ રોડ પહોંચ્યો ત્યારે મારી આગળ મેં શાલ્વીની મર્સિડીઝ ગાડી જોઈ. મને કુતુહલ થયું અને મેં એ ગાડીને ફોલો કરી તો ગાડી રામકૃષ્ણ હોટલના ગેટમાં વળી ગઈ." અભિષેક બોલી રહ્યો હતો.

" મેં મારી ગાડીને સાઈડમાં પાર્ક કરી અને નીચે ઉતરીને ગેટની બહાર ઊભો રહ્યો. થોડીવારમાં બીજી ગાડીમાંથી એ અમિત ઊતર્યો અને શાલ્વી એને પ્રેમથી ભેટી પડી. મને આઘાત લાગ્યો. શાલ્વી એની સાથે હોટલમાં દાખલ થઈ ગઈ. હું મારા પરિવારને મારા ફ્લેટ ઉપર મૂકીને એકાદ કલાક પછી પાછો આવ્યો. " અભિષેક બોલી રહ્યો હતો.

" મને ખબર પડી કે એ લોકો ૨૦૫ નંબરના રૂમમાં છે એટલે હું તરત જ એ રૂમ પાસે પહોંચી ગયો અને દરવાજો બે વાર જોરથી નોક કર્યો. પાંચ મિનિટ પછી અમિતે ગુસ્સાથી માત્ર પેન્ટ પહેરેલી હાલતમાં દરવાજો ખોલ્યો. હું અંદર ધસી ગયો એટલે શાલ્વીએ ગરમ કામળો ઓઢી લીધો. મને ઈચ્છા તો થઈ કે કામળો ખેંચી લઉં. પરંતુ સ્ત્રીની મર્યાદાના કારણે હું એને બે શબ્દો સંભળાવીને બહાર નીકળી ગયો." અભિષેકે સાચી વાત રજૂ કરી.

જૈમિન શાહને લાગ્યું કે અભિષેકનો કોઈ જ વાંક ન હતો. કોઈપણ પતિ પત્નીની આવી હરકત ના જ ચલાવે. ગુસ્સો એમને એમની દીકરી ઉપર જ આવ્યો. લાખ રૂપિયાનો સંબંધ એણે પળમાં કોડીનો કરી નાખ્યો.

" અંકલ જે થયું તે થયું. મારી આંખ ઉઘડી ગઈ. શાલ્વી માટે મેં ઘણું બધું વિચાર્યું હતું. મેં એને સાચા દિલથી અપનાવી લીધી હતી પણ એણે હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડી મારી છે. હવે મને એના તરફ કોઈ જ પ્રેમ રહ્યો નથી. મને કલ્પના પણ ન હતી કે શાલ્વી મારી સાથે દગો કરશે. મેં એનો નંબર બ્લોક કરી દીધો છે. મારે એની સાથે કોઈ જ વાત કરવી નથી. અંકલ એક સલાહ આપું ? " અભિષેક બોલ્યો.

જૈમિન શાહ કોઈ જવાબ આપવાની હાલતમાં જ ન હતા. એમને ખૂબ જ આઘાત લાગ્યો હતો.

" અંકલ અમિત દોશી સારો છોકરો છે. શાલ્વીની જ ઉંમરનો છે. બંને કોલેજમાં સાથે ભણતાં હતાં. અંધેરી ઈસ્ટમાં એનો પોતાનો ફ્લેટ છે. એના કુટુંબમાં માત્ર એની મા છે. એની પત્ની છ મહિના પહેલાં ગુજરી ગઈ છે. એ આજે પણ શાલ્વીને ખૂબ જ પ્રેમ કરે છે. શાલ્વીના ભૂતકાળ સાથે એને કોઈ સંબંધ નથી. તમે શાલ્વીને ડિવોર્સ અપાવી અમિત સાથે લગ્ન કરાવી દો તો એની જિંદગી બની જશે. અમિત મલ્ટીનેશનલ કંપનીમાં માર્કેટિંગ મેનેજર છે. શાલ્વી પાસે પણ હવે કરોડો રૂપિયા છે. અમિત સારો છોકરો છે અંકલ." અભિષેકથી બોલાઈ ગયું. હકીકતમાં એ અમિતને ઓળખતો જ ન હતો !

" મને શાલ્વીના જૂહુના ફ્લેટમાં કે એની હોટલમાં પણ કોઈ રસ નથી. વલ્લભદાસને એમનો વારસદાર પણ મળી જશે. મારા તમામ બંધનોમાંથી શાલ્વીને હું મુક્ત કરું છું. અમારા ઋણાનુબંધ પૂરા થઈ ગયા." અભિષેક બોલ્યો.

" મારે હવે તમને કંઈ જ કહેવા જેવું નથી રહ્યું. તમે તમારી જગ્યાએ સાચા છો. વાંક મારી દીકરીનો જ છે. મને પોતાને પણ આજે એક ગુનેગાર જેવી લાગણી થાય છે. મારા એને આપેલા સંસ્કારમાં જ કોઈ ખામી હશે. " જૈમિન શાહ નિરાશાથી બોલ્યા અને અભિષેકને બે હાથ જોડી બહાર નીકળી ગયા.

અભિષેકે શાલ્વીનો નંબર પણ બ્લોક કરી દીધો હતો એટલે શાલ્વી ખૂબ જ ડિપ્રેસ થઈ ગઈ હતી. અભિષેકને એ સાચા દિલથી પ્રેમ કરવા લાગી હતી. અભિષેક એનું સર્વસ્વ બની ગયો હતો. એ અભિષેકને મેળવીને ખૂબ જ ખુશ હતી. પોતાના મિત્ર અમિતની વિનંતીને માન આપીને એણે આ પગલું ભર્યું હતું. ભૂતકાળમાં પણ ઘણીવાર એની સાથે હોટલમાં ગઈ હતી. એણે અભિષેકને કોઈપણ હિસાબે મનાવી લેવાનો નિર્ણય લીધો.

જૈમિન શાહ અભિષેકની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા એ પછી એક કલાક બાદ શાલ્વી અભિષેકની ચેમ્બરમાં દાખલ થઈ.

" અંકિત હું જાણું છું કે તમે મારાથી ખૂબ જ નારાજ છો. તમારો ગુસ્સો હું સમજી શકું છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમિત સાથે એક વાર હોટલમાં જવા માટે હું મજબૂર હતી અંકિત. હવે પછી હું સંપૂર્ણપણે તમને વફાદાર રહીશ એનું વચન આપું છું. પ્લીઝ મને માફ કરી દો." શાલ્વી લગભગ રડમસ અવાજે બોલી.

" શાલ્વી હવે આંસુ સારવાનો કે માફી માગવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. હું તારી વાતોમાં આવી ગયો એ જ મારી મોટી ભૂલ હતી. મારી પોતાની નજરે મેં જે જોયું છે એ હું ક્યારેય પણ ભૂલી શકતો નથી. મેં પત્ની તરીકે તારો સ્વીકાર કર્યો હતો. તેં સાચા પ્રેમ અને વફાદારીની વાતો મને કરેલી છે. હવે તારા પ્રેમીને ખુશ કરવા તું કઈ રીતે જઈ શકે ? એવી તે કેવી તારી મજબૂરી હતી !!" અભિષેક બોલ્યો.

અભિષેકના તીર જેવા તીખા શબ્દો સાંભળીને શાલ્વી ઘા ખાઈ ગઈ. અભિષેકની વાત એકદમ સાચી હતી.

" અંકિત અમિત મારો જૂનો મિત્ર છે. અમે બંને કોલેજમાં સાથે હતાં અને લગ્ન પણ કરવા માગતાં હતાં. અમારા બંને વચ્ચે ભૂતકાળમાં પણ શારીરિક સંબંધો થયેલા છે. તમે મારા લાઇફમાં આવ્યા એ પહેલાં છેલ્લે અમિતને જ્યારે હોટલમાં મળવા ગઈ ત્યારે એણે મારા ન્યૂડ ફોટા પાડી લીધા હતા. હવે એ મને બ્લેકમેઈલ કરી રહ્યો હતો. છેવટે એ ફોટા ડીલીટ કરવા માટે મારે એકવાર એને મળવું જરૂરી હતું. બસ આ મારી એની સાથેની છેલ્લી મુલાકાત હતી. મને સમજવા પ્રયત્ન કરો અંકિત. હું એવી નથી. " શાલ્વીએ વાર્તા કરી.

અભિષેક પાસે તો પોતાની શક્તિઓ હવે પાછી આવી ગઈ હતી એટલે સત્ય હકીકત એ જાણતો જ હતો.

" શાલ્વી તું મારી આગળ ખોટી વાર્તા ના કર પ્લીઝ. મેં કહ્યું એમ તું એની ઈચ્છા પૂરી કરવા માટે તારી ઈચ્છાથી જ ગઈ હતી. અમિત તને પસંદ જ છે. તારા આ પગલાથી આપણા સંબંધો પૂરા થઈ ગયા છે. અમિત માટે તું જે બ્લેકમેઇલની વાત કરે છે એ તને શોભતું નથી. અમિત દોશી એક સારો છોકરો છે. એ તને હજુ પણ પ્રેમ કરે છે. તારા ભૂતકાળ સાથે એને કોઈ સંબંધ નથી. તું એની સાથે લગ્ન કરી લે." અભિષેક બોલી રહ્યો હતો.

" મને હવે શેઠની હોટલમાં કે એમના પૈસામાં કોઈ રસ નથી. એ બધું જ તારું છે. તારે જ્યાં પણ મારી સાઈનની જરૂર હોય ત્યાં સાઈન કરાવી લેજે. હોટલ, ફ્લેટ અને હોટલના બેન્ક એકાઉન્ટમાં જે કરોડો રૂપિયા છે એ બધું હવે તારું જ છે. કાયદેસર રીતે અંકિત સાથે ડિવોર્સ લઈને અમિત સાથે લાઈફને એન્જોય કરી શકે છે. મારો આ નિર્ણય ફાઇનલ છે." અભિષેક બોલ્યો.

શાલ્વી સમજી ગઈ કે અભિષેકને ખૂબ જ ખરાબ લાગ્યું છે. એણે પોતાની સગી આંખે એને હોટલમાં અમિતની સાથે સૂતેલી જોઈ છે. પોતે માફીને લાયક જ નથી એ હવે એને સમજાઈ ગયું. એના અભિષેક સાથેના સંબંધો પૂરા થઈ ગયા હતા. એ નિઃસાસો નાખીને ઊભી થઈ અને નિરાશ ચહેરે બહાર નીકળી ગઈ. એને સમજાતું ન હતું કે અમિત વિશે અભિષેક આટલું બધું કેવી રીતે જાણે છે !

માસીએ અભિષેકને તે દિવસે ઠપકો આપ્યો એ પછી અભિષેકની આંખો ઉઘડી ગઈ હતી. એ પોતાના બાપને માર્ગે આગળ વધવા માગતો ન હતો અને હવે સંપૂર્ણપણે પોતાની પત્ની અંજલીને જ વફાદાર રહેવા માંગતો હતો. કુદરતે જ જાણે એને સાચા માર્ગે વાળવા હોટલનું આ દ્રશ્ય એને બતાવ્યું હતું ! જો તે દિવસે એ પાર્લા ના ગયો હોત તો ક્યારેય પણ એને શાલ્વીની આ સચ્ચાઈ ખબર ના પડી હોત !

શાલ્વીએ બહાર નીકળીને તરત જ અમિતને ફોન કર્યો.

" અમિત મારા જીવનમાં મોટી આંધી પેદા થઈ છે અને મારે તને આજે જ મળવું છે. કેટલા વાગે ક્યાં મળી શકાય ? " શાલ્વી બોલી.

" આપણે જ્યાં મળ્યા હતા એ જ મેકડોનાલ્ડમાં સાંજે સાત વાગ્યે મળીએ. " અમિત બોલ્યો.

" ઠીક છે. હું પહોંચી જઈશ. " શાલ્વી બોલી.

શાલ્વી સાંજે ચાર વાગે ઘરે પહોંચી તો એના પપ્પા વહેલા ઘરે આવી ગયા હતા. એ ગુસ્સાથી તમતમી રહ્યા હતા અને શાલ્વીની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા.

" પપ્પા હું અત્યારે અભિષેકને મળીને જ આવું છું અને અમારા સંબંધો પૂરા થઈ ગયા છે. વાંક મારો જ છે એટલે તમારે હવે એને મળવાની કોઈ જરૂર નથી. " પપ્પા કંઈ બોલે એ પહેલાં જ શાલ્વી બોલી.

" હું પણ અભિષેકને મળીને જ આવું છું. અભિષેકે મને બધી જ વાત કરી છે. તારે અમિતને આ રીતે હોટલમાં મળવાની શું જરૂર હતી ? તને શરમ પણ નથી આવતી ? અભિષેક જેવું ખાનદાન પાત્ર તેં ગુમાવી દીધું. એની વાત સાંભળીને મને પોતાને પણ શરમ આવી." જૈમિન શાહ ગુસ્સાથી બોલ્યા.

" પપ્પા અમિત મારો કોલેજનો જૂનો મિત્ર છે. પહેલેથી જ અમારા બેની વચ્ચે અંગત સંબંધો છે. છ મહિના પહેલાં એની પત્ની ગુજરી ગઈ છે. એનો ખાસ આગ્રહ હતો એટલે હું એને નિરાશ ના કરી શકી. હવે આજે સાંજે સાત વાગે હું એને મળવાની છું અને જો એ તૈયાર હોય તો હું એની સાથે લગ્ન કરી લેવા માગું છું. " શાલ્વી બોલી ગઈ.

શાલ્વીએ વાત જ એવી રીતે કરી કે જૈમિનભાઈ વધારે કંઈ બોલ્યા નહીં. અભિષેકે પણ અમિત સાથે શાલ્વીનાં લગ્ન કરાવી દેવાની વાત કરી હતી. અમિત જો એને સ્વીકારવા તૈયાર હોય તો શાલ્વીની જિંદગી બની જાય એવી હતી. પૈસાનો તો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં. અમિત હોટલ સંભાળી લેશે. – જૈમિન શાહ વિચારી રહ્યા હતા.

" ઠીક છે તારા માટે બીજો હવે કોઈ રસ્તો પણ નથી અને બીજે ક્યાંય લગ્ન પણ શક્ય નથી. જો એ હા પાડે તો તારા ડિવોર્સની પ્રોસેસ ચાલુ કરી દેવી પડશે." જૈમિનભાઈ બોલ્યા.

એ પછી બંને વચ્ચે કોઈ ચર્ચા થઈ નહીં અને શાલ્વી સાંજે સાત વાગે મેકડોનાલ્ડ પહોંચી ગઈ.

શાલ્વીએ પોતાના જીવનમાં આજ સુધી જે પણ બન્યું હતું એ આખી સ્ટોરી અમિતને સંભળાવી. એ એને અંધારામાં રાખવા માગતી ન હતી.

" હવે તું જો મારી સાથે લગ્ન કરવા માગતો હોય તો હું પણ તૈયાર છું. મને વારસામાં જૂહુમાં ફ્લેટ પણ મળેલો છે. મારા પોતાના નામે બે હોટલો પણ છે. પૈસાની પણ હવે મને કોઈ જ તકલીફ નથી એટલે તારે પણ જોબ કરવાની કોઈ જરૂર નહીં રહે." શાલ્વી બોલી.

શાલ્વીની વાત સાંભળીને અમિત આશ્ચર્યમાં પડી ગયો. એને તો એટલી જ ખબર હતી કે અંકિત પાછો આવી ગયો છે. પોતે શાલ્વીને સાચા દિલથી પ્રેમ કરતો હતો અને શાલ્વીનું એને આકર્ષણ પણ હતું. શાલ્વી પાસે હવે કરોડો રૂપિયા હતા. ના પાડવાનું કોઈ જ કારણ ન હતું.

" ઠીક છે શાલુ. તારી સાથે લગ્ન કરવામાં મને કોઈ જ વાંધો નથી. તારા લીગલ ડિવોર્સ થાય ત્યાં સુધી હું રાહ જોવા તૈયાર છું. આપણે વચ્ચે વચ્ચે મળતાં પણ રહીશું. " અમિત બોલ્યો એટલે શાલ્વીએ રાહતનો અનુભવ કર્યો.

" થૅન્ક યુ અમિત. તારી પાસેથી મને આ જ અપેક્ષા હતી. ઘરે જઈને હું પપ્પાને વાત કરું છું. પપ્પાને કોઈ જ વાંધો નથી. એ મારા ડિવોર્સની પ્રોસેસ ચાલુ કરી દેશે. આઈ લવ યુ. " શાલ્વી બોલી.
 
***********************
બીજા આઠ મહિનાનો સમય પસાર થઈ ગયો. આ આઠ મહિનામાં ઘણું બધું બની ગયું.

છ મહિના પછી શાલ્વીને લીગલ ડિવોર્સ પણ મળી ગયા અને અમિત સાથે એનાં ધામધૂમથી લગ્ન પણ થઈ ગયાં. અભિષેક અને અંજલીએ એમના લગ્નમાં ખાસ હાજરી આપી અને મોંઘી ભેટ સોગાતો પણ આપી.

અભિષેકે જરૂરી દસ્તાવેજો ઉપર સહી કરીને વલ્લભદાસ શેઠની બંને હોટલો ઉપરનો પોતાનો હક જતો કર્યો. એની પાસે આવેલા શેઠના કરોડો રૂપિયા પણ એણે શાલ્વીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.

વલ્લભદાસ શેઠનાં પત્ની કામિનીબેન પણ પતિના વિયોગમાં વધુ જીવી શક્યાં નહીં. જૂહુના ફ્લેટમાં શાલ્વી સાવ એકલી થઈ ગઈ એટલે અમિતે પોતાનો અંધેરીનો ફ્લેટ વેચી દીધો અને કાયમ માટે એ એની મમ્મીને લઈને શાલ્વી સાથે જૂહુ રહેવા આવી ગયો.

અભિષેકના મેસેજ પછી રાજકોટથી ડૉ. દિપાલી ફરી પાછી મુંબઈ આવી ગઈ હતી અને વીણાબેન સાથે વિલે પાર્લે નવા ફ્લેટમાં રહેવા લાગી હતી.

અભિષેકની ગાડીમાં જ આરતી અને દિપાલી રોજ હોસ્પિટલ જતાં હતાં. અભિષેકમાં જે ફેરફાર થયો એનાથી દિપાલી ખૂબ જ ખુશ હતી અને એનો અભિષેક પ્રત્યેનો આદર વધી ગયો હતો.

અંજલીનાં મમ્મી પપ્પા પોતાનો મલાડ સુંદરનગરનો ફ્લેટ વેચીને કાયમ માટે દહીસર રહેવા માટે જતાં રહ્યાં હતાં. રોકડ કેશ અને સોનાનાં બિસ્કીટ અભિષેક નવા ફ્લેટમાં લઈ આવ્યો હતો અને અંજલીને બધું બતાવી દીધું હતું.

" જો આ પૈસાનો સદુપયોગ કરીએ તો આપણી સાત પેઢી સુધી ના ખૂટે એટલી સંપત્તિ આપણી પાસે છે. અને સોનાના ભાવ તો વધતા જ જવાના છે. " અભિષેક કહેતો.

ડૉ. અભિષેક આખો બદલાઈ ચૂક્યો હતો. નિયમિતપણે રોજ ગાયત્રી મંત્રની ૧૧ માળા એણે ચાલુ રાખી હતી અને વહેલા ઊઠીને એક બે કલાક ધ્યાનમાં બેસી જતો હતો.

એની પાસે ઘણી સિદ્ધિઓ પણ ફરી પાછી જાગૃત થઈ ગઈ હતી પરંતુ એને આ સિદ્ધિઓનો ઉપયોગ કરવામાં કોઈ જ રસ ન હતો. નિર્મલાનંદજી હવે ઘણીવાર એના ધ્યાનમાં આવીને દર્શન આપતા હતા.

અભિષેક બે ત્રણ મહિનાથી પોતાની પત્ની અંજલીને પણ હોસ્પિટલ લઈ જતો હતો અને એડમિનિસ્ટ્રેટર તરીકે બધું કામકાજ સમજાવતો હતો. એણે પોતાના હોસ્પિટલના એકાઉન્ટમાં અંજલીનું નામ પણ જોઈન્ટ કરી દીધું હતું એટલે બેંકના તમામ વ્યવહારોમાં હવે માત્ર અંજલીની સાઇન પણ ચાલી શકતી હતી ! અભિષેક ક્યારેક બહારગામ હોય ત્યારે એ રામાણી સાહેબની સલાહ પણ લઈ લેતી હતી.

ચૈત્ર મહિનો પૂરો થઈ ગયો. વૈશાખ માસની અક્ષય તૃતીયાના દિવસે અભિષેક વહેલો ઉઠી ગયો. એને જાણે કે કોઈએ જગાડ્યો હોય એવું લાગ્યું.

આજે એણે સૌથી પહેલાં સ્નાન કરી લીધું અને પછી રોજની જેમ પોતાના પૂજારૂમમાં ધ્યાનમાં બેઠો.

તરત જ એની સામે એના મહાન ગુરુજી પ્રગટ થયા. અભિષેકે પોતાના રૂમમાં ગુરુજીની સાથે અંકિતના સૂક્ષ્મ શરીરને પણ જોયું. એ ઊભો ઊભો હસતો હતો. એના ચહેરા ઉપર દિવ્ય શાંતિ હતી !

" તૈયાર છે ને ? " ગુરુજી બોલ્યા.

અભિષેક કંઈ સમજ્યો નહીં. એ ગુરુજી સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો.

" તારું આયુષ્ય આજે પૂરું થયું છે બેટા. બંને સ્ત્રીઓ સાથેના તારા પાછલા ચાર જન્મોના ઋણાનુબંધ પણ મેં પૂરા કરાવી દીધા છે. તેં શાલ્વી સાથે જે પણ કર્યું એ વ્યભિચાર ન હતો પરંતુ તમારા બંનેની પાછલા જન્મોની અધૂરી રહેલી વાસના જ હતી. એમાંથી કાયમ માટે મુક્ત થવું જરૂરી હતું એટલે જ મેં તને આગળ વધવા દીધો. એમાં હું ક્યાંય વચ્ચે આવ્યો નથી. જો આ અંકિત પણ તને લેવા માટે આવ્યો છે. થોડા દિવસો પહેલાં તે દિવસે મેં જ તને ધ્યાનમાં આવીને કહ્યું હતું કે શાલ્વી સાથેના ઋણાનુબંધ પૂરા થઈ રહ્યા છે એટલે હું હવે એને અમિત સાથે જોડીને તારાથી દૂર કરી દઉં છું." ગુરુજી બોલી રહ્યા હતા.

" તારું આયુષ્ય બત્રીસ વર્ષનું જ હતું એટલે શાલ્વીનાં બીજે લગ્ન કરાવવાં જરૂરી હતાં. જે પણ થયું એ મારી રચેલી માયાથી જ થયું છે અને તારી પત્ની અંજલીના નસીબમાં તારો વિરહ પણ લખેલો જ છે એટલે એને મિથ્યા કરી શકાય એમ નથી ! મારી ઈચ્છાથી જ તેં એને તારી હોસ્પિટલ ચલાવવા તૈયાર કરી દીધી છે એટલે એને વાંધો નહીં આવે. હવે હું તને સમાધિમાં લઈ જાઉં છું. " ગુરુજી બોલ્યા.

" હા ગુરુજી હવે મને બધું યાદ આવી ગયું. તે દિવસે તમે મને આ બધી જ વાત કરી હતી અને એ પણ કહ્યું હતું કે મારું આયુષ્ય ઓછું છે એટલા માટે તમે શાલ્વીને મારા જીવનમાંથી હવે દૂર કરવાના છો. પરંતુ તરત જ મને બધું ભુલાવી દીધું હતું. હવે મને માત્ર પાંચ મિનિટ આપો." અભિષેક બોલ્યો અને એણે મોબાઈલ પોતાના હાથમાં લીધો અને મેસેજ ટાઈપ કરવા લાગ્યો.

# શાલ્વી તે દિવસે તને હોટલમાં અમિત સાથે જોઈ અને ગુસ્સાથી મારે મારા બંધનમાંથી તને મુક્ત કરવી પડી પરંતુ એ મારી પોતાની ઈચ્છાથી નથી થયું. આજે અત્યારે જ આ દુનિયા હું છોડી રહ્યો છું ત્યારે તને જણાવું છું કે એ બધી લીલા મારા દિવ્ય ગુરુજીએ જ રચી હતી. મારું અને અંકિતનું આયુષ્ય થોડા મહિનાઓ પછી પૂરું થવાનું હતું એટલે તું અમિત સાથે લગ્ન કરીને સુખી થાય એ જ એમની ભાવના હતી. અંકિતે પણ દેહ છોડી દીધો છે અને એનું સૂક્ષ્મ શરીર અત્યારે મારી સામે જ છે. શાલ્વી આપણા જીવનની બધી જ ઘટનાઓ નિયતિ દ્વારા સર્જાતી હોય છે અને એટલે જ એમાં કોઈને કોઈ પાત્ર અચાનક આપણી સામે આવે છે !

# આપણા જીવનની યાત્રામાં જે પણ સંબંધો થાય છે એ તમામ સંબંધો ચોક્કસ સમયના કોન્ટ્રાક્ટ હોય છે ! મારા પ્રત્યે કોઈ રોષ કે ગુસ્સો હોય તો મને માફ કરી દેજે અને હું પણ તને માફી આપી દઉં છું. તેં જ મને અંકિતમાંથી અભિષેક બનાવ્યો હતો. તેં જે પણ પ્રેમ આપ્યો છે એ બદલ તારો આભાર માની તારી વિદાય લઉં છું.....એક સમયે તારો અંકિત બની ગયેલો અભિષેક. #

એ પછી બીજો મેસેજ એણે પોતાની પત્ની અંજલીને કર્યો.

# અંજલી આપણા બેઉની વચ્ચે પાછલા જન્મના જે ઋણાનુબંધ હતા એ આજે પૂરા થાય છે. આપણા બંને વચ્ચેનો કાર્મિક સંબંધ પણ આજે પૂરો થાય છે. દરેકના માટે મૃત્યુ એ નિશ્ચિત છે એટલે એનો કોઈ શોક કરવાનો ના હોય. મારી યાદ રૂપે મારો જ અંશ કુશ તારી સાથે છે. તારી અને મારી વચ્ચે વિયોગ જ લખેલો છે એટલે જ આપણી જોડી રામસીતા કે રાધાકૃષ્ણ જેવી છે. મને જે પણ મળ્યું છે એ બધું અહીં જ મૂકીને જાઉં છું. સાથે કંઈ જ આવતું નથી. મારી જીવનલીલા અહીં જ સમાપ્ત થાય છે. શાંત ચિત્તે વિદાય લઉં છું એટલે તું પણ શોક કરીશ નહીં. મારા દિવ્ય ગુરુજી મને લેવા માટે આવ્યા છે.... તારો અભિષેક #

એ પછી અભિષેકે બંને મેસેજ ફોરવર્ડ કરી દીધા.

" હવે હું તૈયાર છું ગુરુજી." અભિષેક બોલ્યો અને ફરી ધ્યાન મુદ્રામાં બેસી ગયો.

ગુરુજીએ એના માથે હાથ મૂક્યો એટલે અભિષેકને એક આંચકા સાથે સમાધિ લાગી ગઈ. જેવી સમાધિ લાગી કે તરત જ ગુરુજીએ એના આત્મા સાથે સૂક્ષ્મ શરીરને બહાર ખેંચી લીધું અને સિલ્વર કોર્ડ પણ તોડી નાખ્યો. હવે પૂજા રૂમમાં અભિષેકનો નશ્વર દેહ પડી રહ્યો અને અંકિત તથા ગુરુજીની સાથે એ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યો !

શાલ્વી અને અંજલીએ સવારે જાગીને તરત જ અભિષેકનો મેસેજ વાંચ્યો. શાલ્વી પોતે આજે વિધવા થઈ ગઈ હોય એમ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી તો અંજલી ચીસ પાડતી દોડીને સીધી પૂજા રૂમમાં ધસી ગઈ અને નિશ્ચેતન પડેલા અભિષેકને વળગી પડી !

બંને સ્ત્રીઓએ જેને સાચા દિલથી પ્રેમ કર્યો હતો એ અભિષેક આજે પોતાની માયા સંકેલીને આ દુનિયા છોડી ગયો હતો !
સમાપ્ત
અશ્વિન રાવલ (અમદાવાદ)

(વાચક મિત્રો, આજે આપણી વચ્ચેથી અભિષેક કાયમ માટે વિદાય લઈ રહ્યો છે ત્યારે અભિષેક નવલકથા પણ આજે સમાપ્ત થઈ ગઈ છે. તમામ વાચક મિત્રોને વિનંતી છે કે માત્ર ઈમોજી મૂકવાના બદલે જેવા પણ ફાવે તેવા પોતાના પ્રતિભાવો મોકલે. 🙏 )

લેખક: અશ્વિન રાવલ: 63588 41199 

_______________આવકાર ઓનર તરફથી👇
વાચક મિત્રો ઉપર આપેલ નંબર "અભિષેક" નવલકથાના લેખકનો નંબર છે, આપ નવલકથાના વિશેના આપના અભિપ્રાય લેખકને વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ...(લેખકની વ્યસ્તતાને ધ્યાનમાં રાખી માત્ર મેસેજ કરવો)

"અભિષેક" નવલકથા આપણાં સૌ માટે એક એવી નવલકથા રહી કે..જેની અંદર ધાર્મિક, આધ્યાત્મિક, ધ્યાન, પ્રમાણિકતા, કૌટુંબિક વહેવારો, સમર્પણની ભાવના વગેરે જેવા તથ્યોનુ ખુલીને ખૂબ જ સરસ અને સરળ રીતે વર્ણન કરવામાં આવેલું છે.

– આપ સૌએ "અભિષેક" નવલકથા રસપૂર્વક માણી એ બદલ આવકાર ટીમ આપનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે, હવે ફરી મળીએ છીએ એક નવી નવલકથા સાથે – આભાર સહ .. 🙏🏻હરેકૃષ્ણ 🌸

– આવકાર ટીમ
+91 7878222218 (વોટસએપ, ટેલીગ્રામ અથવા ટેક્સ્ટ મેસેજ) કોઈ પ્રતિસાદ ના મળે તો ઇમેઇલ: avakargrp@gmail.com પર આપનો મેસેજ છોડી શકો છો. –આભાર ધન્યવાદ
"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."