મીઠો લીમડો
સૂરજ આથમવાની તૈયારી થાય એટલે મનજી અચૂક તેના ઘર પછવાડેના વાડામાં આવી પહોંચે. વાડામાં આવેલાં મીઠાં લીમડાની ઘેઘુર ઘટાને જોયા કરે. મીઠાં લીમડામાંથી છૂટતી મીઠી ફોરમને માણ્યા કરે.વાડાની વાડયની આરપાર મનજીની આંખો કોઈકને ખોળયા કરે. તેને થોડીક જ રાહ જોવી પડે. અને ત્યાં જ મીઠા લીમડાની સુવાસ જેવો મીઠો ટહુકાર તેના કાને પડતો.' મના...! એ મના..."મીઠો લીમડો - લેખક વાસુદેવ સોઢા
એ ટકુકાર સાંભળતા યુવાન મનજીના રોમે રોમમાં સંચાર થઈ જતો. તેની ધડકનો તેજ થતી. મો પર મુસ્કુરાટની રંગોળી પુરાય જતી.આંખોમાં અજીબ શું નર્તન જાગતું.
"આવી...!સવી...આવી.." મનજીના હૈયામાં પડખો ઉઠતો.
સવલી આવીને કાંટાળી વાડ પછવાડે પગ ભર ઊંચી થઈને ડોકિયાં કરતી.કાંટાળી વાડની તીરખીને પકડીને મનજી સામે જોઈ રહેતી. મનજી પણ ઘડીભર બધુ ભૂલીને સવલીના સહેજ શ્યામ મોં પર મીટ માંડી રહેતો.
"મન્યા, મીઠાં લીમડાની તીરખી લાવી દે ને..!"
" હા..! હા...!"જાણે એ સવલીની વાટ જ જોતો ન હોય.! એમ મનજી દોડતો. મીઠાં લીમડા પાસે ઊભો રહેતો. થોડી વાર લીમડાની ઘટાને તાકી રહેતો. પછી કઈ તીરખી ઘાટી છે!? ઝાઝા પાંદડા વાળી છે! ?એ નક્કી કરતો. અને ઠેકડો મારીને એક ડાળ પકડીને નીચી કરતો. તીરખીને નજાકતથી પકડીને તોડતો. પાંદડાવાળી તીરખીને હાથ ફેરવતો. મીઠાં લીમડાની તીરખીમાંથી છૂટતી, મીઠી ફોરમને જાણે સવલી હાથમાં આપતો. તીરખી સવલીના હાથમાં આપે ત્યારે બંનેની આંગળીનાં ટેરવાનો સ્પર્શ થતો. આંગળીનાં ટેરવાં કંપતા, તીરખીના પાન કંપતાં,અને બંનેની આંખોની પાંપણો કંપી ઉઠતી. એ કંપન રુંએ રુંએ ફેલાઈ જતું. બંને રોમાંચિત થઈ જતાં. સવલીની આંખો મનજી સામે તાકી રહેતી. અને મીઠાં લીમડાની ફોરમ જેવું હસીને તીરખી લઈને એ નાસી જતી. જતાં જતાં સવલી શેરીનો વળાંક વળે ત્યાં સુધીમાં બે ત્રણ વખત પાછું વળીને જોતી. મનજી ત્યાં વાડે જ ઉભો હોય. સવલી વળાંક લઇ લેતી, તે દેખાતી બંધ થાય કે પછી મનજીના હૈયામાંથી હળવો નિસાસો નીકળી જતો. સવલી જાય પછી તે આથમણી દિશા તરફ જોઈ જોતો. સુરજ ડૂબવાની તૈયારી કરતો. બસ પછી મનજીને વાડામાં કે વાડામાં ઉગેલા મીઠા લીમડામાં રસ ન રહેતો. મીઠા લીમડાની મહેક તો સવલીની સાથે ચાલી જતી. જાણે આખા લીમડાની મહેક સવલી એક તીરખી તાણી જતી.-હવે કાલ ક્યારે થશે !!!!
મનજીનો આ રોજનો ક્રમ હતો. સવલી રોજ આ ટાણે મીઠાં લીંમડાની તીરખી લેવા આવતી.
મનજીના ઘરથી થોડે દુર જ સવલીનું ઘર આવેલું. એ નાગજીભાઈની દીકરી હતી. નાગજીભાઈ સરપંચ હતા. ગામમાં પૈસાદાર ગણાતું ઘર હતું. લોઠકી ખેતી હતી. બે વાડીઓ હતી. વાડીમાં ચોવીસ કલાક મોટર ચાલુ રહે એટલું પાણી હતું. વર્ષમાં ત્રણ સિઝનના પાક નાગજીભાઈ લેતા. ઘેરે ખેતી કામમાં બે ત્રણ માણસો કાયમી સાથી તરીકે રોકેલા હતા. નાગજીભાઈ ખેતીની દેખરેખ રાખતા. અને બાકીનો સમય સ્થાનિક રાજકારણમાં વિતાવતા. તાલુકા, જિલ્લામાં તેની સારી પહોંચ હતી. ગામમાં નાગજીભાઈનો પડ્યો બોલ જીલાતો. ખેતી તેમનો ધંધો હતો. ખેડૂતનું ઘર એટલે માણસોનો વિશાળ સમુદાય હતો.
નાગજીભાઈને રોજ વાળુંમાં કઢી અને રોટલા તો જોઈએ જ. આ વર્ષોથી ચાલ્યો આવતો ક્રમ હતો.
નાગજીભાઈની પત્ની મોંઘીબેન કઢી પણ એવી જ કરતા બનાવતા. કઢીનો વઘાર એવો કરતા કે તેની સોડમ ઠેઠ મનજીનાં ઘરે આવતી.જ્યારે મનજીના વાડાનાં મીઠાં લીમડાનાં પાન કઢીમાં પડતા ત્યારે, કઢીની મીઠાશ આંગળા કરડીને ખાયvએવી થઈ જતી.
ગામ આખામાં મનજીના વાડામાં જ મીઠો લીમડો હતો. મીઠો લીમડો લેવા બધાં મનજીના વાડામાં આવતા. તે બધાં પોતાની જાતે જ આવીને એક તીરખી તોડીને જતા. પણ સવલી આવે ત્યારે મનજી ખુદ હાજર થઈ જતો. અને પોતાને હાથે લીમડાની તીરખી તોડીને તે સવલીને આપતો. ટેરવાંનો સ્પર્શ થતો. એ સ્પર્શ મનજી તેના સોણલાંમાં પંપાળ્યા કરતો.
મોં પર કૂમળી મુછનાં દોરા પર મનજી હાથ ફેરવતો.અવાર નવાર અરીસા સામે જોઈ લેતો.
મનજી નાનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. મા હતી. માએ દીકરા પર જ જીવન વિતાવવાનું નકકી કરેલું.મનજી યુવાન થતો ગયો. તેની મા અને મનજી પોતે મંજૂરી કામ કરતાં. નાનકડું મકાન સાચું મકાન હતું. છાપરું દેશી નળિયાવાળું હતું. મકાનની પછવાડે નાનો વાડો હતો. અને વાડામાં મીઠો લીમડો હતો.આખા ગામને જરૂરિયાત હોય એવી કંઈક ચીજ પોતાની પાસે છે. એવું મનજીને લાગતું.તેથી પોતે કોઈક ખજાનાનો માલીક છે. તેવો તેને આનંદ થતો.પોરસ હતો.
આ આનંદની પરાકાષ્ઠા તો તેને ત્યારે આવી કે જયારથી સવલી મીઠો લીમડો લેવા આવવા લાગી. આમ તો સવલી રોજ આવતી હશે જ. ત્યારે મનજીને ક્યાં ખબર હતી? પણ એક દિવસ મનજી ઘરે હતો. ત્યારે સવલીએ આવીને કહેલું," મના, લીમડાની તીર કાપી દેને?"
" તે લઈ લેને? તને લેતા કાંટા વાગે છે?"મનજીએ ખિજાઈને કહેલું.
સવલીને મનમાં ચીડ ચડી,- આ પીટ્યાને ક્યાં બોલાવ્યો.!!?
પણ પછી ખૂબ મૃદુ અવાજે અને લાડથી સવલીએ કહેલું," તોડી લે ને વળી મના..! આમ શું કરે છે!!? મારાથી આંબી શકાતું નથી..!"
મનજીએ છાસિયું કર્યું," કઢી ખાવી તમારે અને તીરખી તોડી દેવી અમારે ? લીમડો કઈ હમથો નથી થતો..હો. !? તેને પાણી પાવું પડે છે. એનું ધ્યાન રાખવું પડે.!"
"હું તને ઍક વાટકો કઢી આપી જઈશ બસ..!" સાવલીનાં એ મીઠાં લલચાવે એવા બોલથી મનજી પીગળી ગયો.
મનજી ઊભો થયો. એક તીરખી કાપી આપી. સાવલીનાં હાથમાં આપી. સવલી મનજી સામે જોઈને મલકી. ને મનજીનું હૃદય ધબકારો ત્યારે ચૂકી ગયું.
એ રાત્રે વાળું ટાણે સવલી મનજી માટે કઢીનો વાટકો ભરીને આપી ગઈ. મનજીને કઢી ખૂબ જ ભાવી.
બીજે દિવસે મનજી વહેલો ઘરે આવી ગયો હતો. સવલી મીઠો લીમડો લેવા આવી.
" કાલની કઢી તો કંઈ કઢી... ઈ.. ઈ...! શું સ્વાદ હતો?"મનજી સવલી સામે જોઈ બોલ્યો.
સાવલી મલકી," એ મેં કરી'તી."
" એમ? જિંદગીમાં મેં આવી કઢી ક્યારેય ખાધી નથી. !" મનજી બોલ્યો.
" તને ભાવી..?"
" હા..!ખૂબ જ..!"
" તો હું તને રોજ દઈ જઈશ..!" પછી આંખો નચાવીને બોલી," પણ મીઠાં લીમડા વિના આવી કઢી ન બને હો..! તારે મને તીરખી તોડી દેવી પડશે..!"
" આવી કઢી ખાવા મળે, તો હું આખો જન્મારો તને તીરખી તોડી દઉં..!" મનજીની આંખો અપલક સવલીને તાકી રહી.
" તું સાચું કહે છે..?"સવલીએ મનજીના હાથ પકડી લીધા.એ સ્પર્શ બંનેમાં અલૌકિક બની ગયો.
અને પછી તો રોજ આ સમયે મીઠો લીમડા લેવા સવલી આવતી. મનજી હાજર જ હોય. એ તીરખી તોડી આપતો. થોડી વાર બંને ગુપચુપ કરતાં.ને સવલી મીઠો લીમડો લઈને રવાના થઈ જતી.
એક દિવસ નાગજીભાઈ ત્યાંથી નીકળ્યા.વાડામાં સવલી અને મનજીને જોયા. હાથમાં મીઠા લીમડાની તીરખી હતી. પણ બંનેની આંખો એકમેકમાં પરોવાયેલી હતી. પ્રેમની નજરે મનજી સાવલીના શ્યામવર્ણ નમણા મોંને તાકી રહેલો. હળવે હળવે મનજીના હાથ સવલીનાં હાથને પંપાળી રહ્યા હતાં.
એક અવાજ બંને પ્રેમી પંખીડાંને ફફડાવી ગયો." શું કરે છે અહીં સવલી તું..,??"સવલી ત્યાંથી ભાગી છુટ્ટી.
નાગજીભાઈ એ દ્રશ્ય જોઈને અવાક બની ગયા," હાહરા...!! તું છો કોનો ? મીઠો લીમડો તારા વાડામાં છે, તો શું થઈ ગયું.! તું વાડામાં આવીને શું ઉભો છો?"
મનજી કંઈ બોલ્યો નહી.નાગજીભાઈએ ખૂબ ડરાવ્યો.,"તારે વાડામાં આવવાની જરૂર નથી.જેને મીઠો લીમડો જોઈશે એ લઈ જશે.સમજ્યો..?!"
એ દિવસ પછી મનજી વાડામાં આવીને રોજ બેસતો. સવલી ક્યારેક મોકો જોઈને આવતી. પણ અંદર ન આવતી. વાડાની વાડ પાછળ બારોબાર જ ઉભી રહેતી.
આજે મનજીને થયું સવલી જરૂર આવશે. એ ડૂબતા સૂરજની દિશામાં તાકી રહ્યો હતો. ત્યાં જ વાડ ઠેકીને જમ જેવા બે ત્રણ માણસો આવ્યા. તેના હાથમાં કુહાડા હતા.
" ઉલાળી નાખી એ લીમડાને. આ બધી મોકાણ મીઠાં લીમડામાંથી થઈ છે.." નાગજીભાઈનો કૃરતા ભર્યો અવાજ આવ્યો.
પેલા બેત્રણ માણસો મીઠાં લીમડાને થડે કુવાડાના ઘા ઝીંકવા લાગ્યા. મનજીના શરીરનું જાણે એક એક અંગ કપાતું હોય એવી તેને વેદના થઈ. મનજીએ તેને રોકવા ઘણું કર્યું. પણ પેલા માણસોએ મનજીને ઢિંકા પાટા મારીને બેવડો વાળી દીધો. લીમડાને કાપીને જમ જેવા માણસો ચાલ્યા ગયા. તેની ડાળીઓ જમીન પર પડી હતી.
સાંજે મનજીની મા મજૂરી કરીને ઘેરે આવી. મનજી વાડામાં પડ્યો હતો. વાડાનો મીઠો લીમડો કપાઈને ઢગલો પડ્યો હતો.
" દીકરા... મના...!!"માનાં હૃદયમાંથી ચિત્કાર ઉઠ્યો ,"આ મીઠો લીમડો કોણ્યે કાપ્યો ? તારી આ હાલત કોણે કરી?"
" નાગજીભાઈ સરપંચના માણસો..!"મનજીના મોમાંથી ડૂસકું સરી પડ્યું,"મા...આ..! મારો મીઠો લીમડો...!"
મનજીનું લોહી નીકળતું કપાળ સાડલાના છેડાથી માએ લૂછ્યું. મનજી લીમડાની કપાયેલી ડાળીઓનાં ઢગલાને તાકી રહ્યો. તેનાં હૈયામાં અપાર વેદના હતી," મા... મારો મીઠો લીમડો ...!!"
"બેટા, આટલું નાનું સુખ પણ મોટાની આંખમાં ખટકતું હતું.એ ઝુંટવી લીધું."માએ આંખો લૂછી.
સાંજનો અંધકાર થઈ ગયો હતો.માની ઝાંખી આંખની નજર વાડની પાછળ પડી.ત્યાં સવલી આવીએ ઉભી હતી. એ ઉભી ઉભી આંસુ સારતી હતી. મનજીની હાલત જોઈને તે ત્યાં વધુ ન રોકાઈ શકી.ઓઢણીના છેડાથી આંસુ લૂછીને ચાલી ગઈ.
મનજીને ટેકો આપીને ઉભો કર્યો. તેની માને કહ્યું,"દીકરા..! મના..! મીઠાં લીમડાનાં મૂળ હજી રહી ગયાં છે.રોજ પાણી પાજે.મીઠો લીમડો ફરી કોળાશે ને ઘેઘૂર થશે.. !"
********* લેખક: વાસુદેવ સોઢા
24, આદર્શ નગર, ચક્કરગઢ રોડ, અમરેલી-365601
_______
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
