છેલ્લી વ્હીસલ - લઘુકથા

Related

છેલ્લી વ્હીસલ

ધૂળિયા ગામના એ નાના અને પછાત રેલવે સ્ટેશન પર આખા દિવસમાં માંડ બે ટ્રેન ઊભી રહેતી! આખો દિવસ અહીં એક વિચિત્ર પ્રકારની નીરવ શાંતિ છવાયેલી રહેતી!!

છેલ્લી વ્હીસલ - લઘુકથા
છેલ્લી વ્હીસલ - લઘુકથા

સ્ટેશન માસ્તર હરિભાઈનો મોટાભાગનો સમય જૂની ટિકિટોના થોકડા ગોઠવવામાં અને સિગ્નલના લાલ-લીલા દીવાઓ સાફ કરવામાં જ જતો! પત્નીના અવસાન પછી, આ સૂમસામ સ્ટેશન જ એમની આખી દુનિયા બની ગયું હતું!!

દીકરો શહેરમાં હોવાથી હરિભાઈ અહીં સાવ એકલા હતા, એટલે સવારથી સાંજ બસ આ પ્લેટફોર્મ પર જ સમય વિતાવતા! સ્ટેશન પર ચા વેચતો અનાથ અને મૂંગો છોકરો દેવુ, હરિભાઈનો એકમાત્ર સાથી હતો!!

જ્યારે કોઈ ટ્રેન ન હોય, ત્યારે હરિભાઈ બાંકડા પર બેસીને બીડી પીતા અને દેવુને મોટા શહેરોની, ભીડની અને દરિયાની વાતો કરતા!

"જો દેવુ, શહેરમાં તો આકાશને આંબતી મોટી ઇમારતો હોય અને ત્યાંનો દરિયો તો એવો વિશાળ હોય કે તારી આંખો થાકી જાય પણ છેડો ના દેખાય!" હરિભાઈ હવામાં હાથ હલાવીને કહેતા!!

ભલે દેવુ બોલી શકતો નહોતો, પણ તેની મોટી અને અચરજ ભરેલી આંખો હરિભાઈની દરેક વાતને જાણે ચૂપચાપ પી જતી! શિયાળાની કાતિલ રાતોમાં જ્યારે પવન સૂસવાટા મારતો હોય, ત્યારે હરિભાઈ પોતાની જૂની શાલ દેવુને વહાલથી ઓઢાડી દેતા!!

અને દેવુ બદલામાં તેમને પોતાની કીટલીમાંથી આદુ-ફૂદીનાવાળી ગરમાગરમ ચાનો કપ ભરીને સામેથી આપતો! આ બે સાવ અસમાન ઉંમરના જીવો વચ્ચે એક અદ્રશ્ય અને અતૂટ તાર બંધાઈ ગયો હતો!!

દેવુ માટે હરિભાઈ એક પિતા સમાન હતા, અને હરિભાઈ માટે દેવુ તેમની એકલતા દૂર કરતું એકમાત્ર જીવંત પાત્ર બની ગયો હતો! સમય પોતાની ગતિએ વીતતો ગયો અને આખરે હરિભાઈની નિવૃત્તિનો દિવસ આવી જ ગયો!!

તેમને લેવા માટે શહેરથી તેમનો દીકરો આવી પહોંચ્યો હતો!

“આવી ગયો દીકરા! ઘરે બધા કુશળ મંગળ ને?” હરિભાઈએ ખુરશી દીકરા બાજુ ખસેડતા આવકાર આપ્યો!!

“હા પપ્પા, બધા જ એકદમ મજામાં છે.” દીકરો ખુરશી પર બેસતાં બોલ્યો! “સારું, થોડીવાર બેસ, હું સામાન ગોઠવી લઉં એટલે ટ્રેન આવતાં જ નીકળીએ!” કહીને હરિભાઈ પોતાનો સામાન ફંફોસવામાં લાગી ગયા!!

"પપ્પા, જલ્દી કરો હવે! મારે ઓફિસે પહોંચવામાં મોડું થાય છે, આ ધૂળિયા ગામમાં મને તો શ્વાસ લેવાની પણ તકલીફ પડે છે!" આવતાવેંત દીકરો અકળાઈ ઉઠ્યો!!

દીકરાની વાત સાંભળી હરિભાઈએ ભારે હૈયે પોતાનો સામાન બાંધ્યો! વર્ષો જૂની ખુરશી અને પોતાના લાકડાના ટેબલ પર તેમણે છેલ્લી વાર વહાલથી હાથ ફેરવ્યો!!

મનમાં એક અલગ પ્રકારનો ખાલીપો હતો, જાણે પોતાનો જીવ અહીં જ છૂટી રહ્યો હોય એવું તેમને લાગી રહ્યું હતું! થોડીવારમાં ટ્રેનનું એન્જિન કાળો ધુમાડો કાઢતું પ્લેટફોર્મ પર આવીને ઊભું રહ્યું!!

ત્યાં જ દેવુ હાંફતો હાંફતો દોડતો આવ્યો અને તેણે હરિભાઈના હાથમાં ચાનો છેલ્લો કપ મૂક્યો! હરિભાઈએ ધ્રૂજતા હાથે ખિસ્સામાંથી પચાસની નોટ કાઢીને દેવુના હાથમાં મૂકવા પ્રયત્ન કર્યો, પણ દેવુએ તરત હાથ પાછળ ખેંચી લીધો!!

તેની નિર્દોષ આંખોમાં ચોધાર આંસુ વહી રહ્યા હતા! અને તેની આંખો જાણે કહી રહી હતી કે મને પણ સાથે લઈ ચાલો!!

"ગાંડો થઈ ગયો છે કે શું? શહેરમાં જઈશ એટલે તારી આ આદુવાળી ચા મને બહુ યાદ આવશે દેવુ!" હરિભાઈએ ગળગળા સાદે કહ્યું અને આંસુ લૂછતાં ડબ્બામાં ચડી ગયા!!

ટ્રેને એક લાંબી વ્હીસલ મારી અને ધીમે ધીમે લોખંડના પાટા પર સરકવા લાગી! હરિભાઈએ ભારે હૈયે બારીમાંથી બહાર જોયું, પણ દીકરો તેમને શહેરી જીવનની નવી સગવડોની વાતોમાં વ્યસ્ત કરવા લાગ્યો!!

"પપ્પા, ત્યાં તમારા માટે અલગ રૂમ છે અને બધી જ સુવિધાઓ છે, તમારે હવે અહીની જેમ હેરાન નથી થવાનું!" દીકરો બોલતો રહ્યો! પણ હરિભાઈનું મન તો એ પ્લેટફોર્મ પર જ અટવાયેલું હતું!!

થોડીવારમાં એ નાનકડું સ્ટેશન આંખોથી દૂર થઈ ગયું અને શહેરી ચકાચૌંધમાં એક જૂનો સંબંધ ક્યાંક પાછળ છૂટી ગયો! અને ત્યાં પ્લેટફોર્મ પર, હાથમાં ઠંડી થઈ ગયેલી ચાની કીટલી પકડીને દેવુ સાવ એકલો ઊભો રહ્યો!!

ટ્રેનનો અવાજ ક્યારનો શાંત થઈ ગયો હતો, પણ તેની ભીની નજર હજુ પણ એ ખાલી પાટાઓ પર જ મંડાયેલી હતી!


*********
જરૂરી નથી કે પરિવારનો અહેસાસ માત્ર લોહીના સંબંધથી જ થાય! ક્યારેક અજાણ્યા જીવની મૂંગી વહેંચણી પણ સંબંધોના સરનામાં બદલી નાખે છે!! 🥹

✨હરેકૃષ્ણ"…✍️
©કૉપિરાઇટ આરક્ષિત..."

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ વધુ વાંચન માટે નવલકથાઓ વાંચવી ગમતી હોય તો આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."