એક શેર સંભળાવું ? [વાર્તા]

Related

એક શેર સંભળાવું ?

સુરજ નમતો નમતો છેક ક્ષિતિજે આવી ગયો હતો. કોઈ પ્રિયતમાના લલાટે લગાડેલ કંકુના ચાંદલા જેવો શોભી રહ્યો હતો. ચાંદલામાંથી થોડું કંકુ પ્રિયતમાના ગોરા ગાલે ખરે ને ગાલે ફરી વળેલી લાલાશ જેવું આભ શોભી રહ્યું હતું. મારી નજર વારેવારે એ નમતા સુરજ તરફ આસપાસની લાલાશરંગી આભને જોયા કરતું હતું.

એક શેર સંભળાવું - લઘુકથા
એક શેર સંભળાવું - વાર્તા

મને થતું કે સોનલ તેના કપાળે ચાંદલો કરતી હશે ત્યારની એ ઘટના કુદરતે છુપાઈને જોઈ લીધી હશે. અને આજે સોનલની નકલ જ સૂરજને ચાંદલો બનાવીને કરી હશે. નહિતર આથમતા સૂરજનું રૂપ આવું ન શોભે ઊઠે..!

સોનલની યાદ આવતા તળાવને કાંઠે ટહેલતા મારા પગ આપોઆપ ઊભા રહી ગયા. તળાવમાં ઊઠતાં ટચૂકડા તરંગો સામે હું તાકી રહ્યો. ક્યારેક મારા વિચારોના તરંગો આની માફક ઉઠતા અને બેસી જતા. પણ સોનલના વિચારોના મોજાઓ તો રાત દિવસ સતત મારા મનના દરિયામાં ઉછળતા જ રહેતા.

તળાવમાં ખીલેલા કમળના ફૂલો તરફ મારી નજર ગઈ. પવનના હલેસામાં કમળના ફૂલો ડોલી રહ્યા હતા. તેની કોમળ પાંખડીઓની કલ્પના પણ કુદરતે સોનલના હોઠો પરથી તો નહીં કરી લીધી હોય ને..! અષાઢની મેઘલી રાતની કાળાશ પણ સોનલના કાળા ભમ્મર વાળના અંબોડા આગળ ફીકી લાગે.

વીજળીનો ચમકારો સોનલના ચમકતા દાંત આગળ ઝાંખો લાગે. ઢળતી ડોક રાખીને ચાલી જતી સોનલની સુંદરતા જોઈને જ જૂઈને ઢળવાનું મન થયું હશે..! સોનલની કથ્થઈ રંગની આંખોનું ઓજસ જોઈને જ પરોઢનો એવો રંગ પસંદ કર્યો હશે..!સોનલના લચકતી કેડનું નર્તન જોઈને ઢેલની એ મોરની આસપાસ નાચવાની કળા હાથ કરી લીધી હશે..! પવન પણ ત્યારે જ વાય જ્યારે સોનલના સુવાળા વાળની લટોને લહેરાવાની ઈચ્છા થાય.

એની મો, એની આંખ, એનો નાક એની ઉજવળ કોમળ ફૂલ જેવી હથેળી, એની પગની પાની, અરે.. આખો એનો દેહ ..જાણે અજંતા ઇલોરાની ગુફાની મૂર્તિઓની પ્રેરણામૂર્તિ....

એનું નામ સોનલ કોણે પાડ્યું હશે? તો મારે એને વંદન કરવા છે. કારણ કે એ નામ પાડનારની નજર કેવી પારખું હશે..!? સાચે જ સોનલ આમ નામ પ્રમાણે રૂપમાં ને ગુણમાં સોનું નીકળશે.
કોયલ ટહુકે ને સોનલનો કંઠ યાદ આવે. ઝીણી ઝીણી ઝાંઝરનો ઝણકાર સંભળાય ને સોનલ સાંભરે. ફૂલ ડાળી પરથી ખરતું દેખાય અને સોનલનું હાસ્ય સંભળાય.

સોનલ... સોનલ... સોનલ... ચારે દિશાઓમાંથી એના નામના પડઘા સંભળાતા જ હોય એવું લાગે.
 
પણ ના, આજે હું મક્કમ છું. દિલનાં દ્વારને સજ્જડ ભીડી દીધા છે. મજબૂત રીતે સાંકળ મારી દીધી છે.સોનલ ગમે તેટલું બોલાવે, બોલવું જ નથી. ભલે એના નામના દિલમાં ધબકારા હોય, પણ બોલવું તો નથી જ.

હું મનને મક્કમ કરવા મથી રહ્યો હતો. ને એટલે તો આ તળાવની એકાંત પાળ્યે આવીને બેઠો હતો. હું સોનલને ભૂલવાની મથામણ કરતો ક્યાંય મારા એકાંતમાં ઉતરી ગયો. છતાં ચારે તરફ એની જ સાહ્યબી સામે આવીને દેખાય છે.

ભલે દેખાય..! અને એ વિચાર આવતા જાણે આઠ-આઠ યુગનો કાળ વહી ગયો હોય એટલી વેદના ઉપડી. હું ચાલતા ચાલતા એક પથ્થર પર બેસી ગયો. ને સોનલના વિચારોમાં જ મન ઘેરાવા લાગ્યું.

સુરજ આથમવાની તૈયારીમાં હતો. પવન તળાવના તરંગો પરથી આવી રહ્યો હતો. કાઠે ઉભેલા ઝાડના પાંદડાનું મધુર સંગીત સંભળાતું હતું. પક્ષીઓ ટહુકો ગમતો હતો. પણ એ બધામાં સોનલનો છુપો વાસ હતો. તે હું અનુભવી શકતો હતો.

ત્યાં પાછળથી એક અવાજ આવ્યો: સંભળાયો..! પહેલા મને થયું કે આ મારો વહેમ તો નથી ને..! આભાસ તો નથી ને..! ખાલી ભણકારા તો નથી ને..! 
: એક શેર સંભળાવું? એ અવાજ અણુમાં પ્રસરી ગયો. મેં અચાનક પાછળ જોયું. કોણ બોલ્યું? આવો મધુર અવાજ તો સોનલનો જ હોય..! પણ તે અહીં તો ક્યાંથી હોય?
 
અને મારી નજર બરસલીના ઝાડના થડ આગળ પડી. થડ પાછળથી અધુડું મો બહાર કાઢીને સોનલ નાનાં છોકરાની જેમ હાઉકલ્લી કરતી હતી. ઉભી ઉભી હાસ્યના ફૂલડાં વેવતી હતી. મને આ ગમ્યું. આ દ્રશ્ય મારા ચિત્ત પ્રદેશમાં છવાઈ ગયું. પણ મારું મન ફરી મક્કમ થઈ ગયું. તારે ક્યાં એની સાથે બોલવાનું છે!? અને એજ ક્ષણે મેં ફેરવી લીધું. ડૂબતા સૂરજની દિશામાં તાકવા લાગ્યો.

સોનલ બહાર આવી. ઝાડના થડેથી આગળ આવીને મારી પાછળ ઉભી રહી.

: એક શેર સંભળાવું?
એની અદા મારા હૃદયની આરપાર ઉતરી ગઈ. માંડ માંડ ભેગા કરેલા ઘઉંના દાણાંને કોઈ સાવ જર્જરિત કપડાની ફાટમાં ભરીએ ને કપડું તરડ.. કરતું તૂટી જાય અને ઘઉંના દાણા ને વેરાતા રોકવા મુશ્કેલ બની જાય, એમ મારી મક્કમતા પેલી જર્જરીત કપડાંની જેમ ચિરાઈ ગઈ. સોનલ એ જોઈને હસી પડી.
 
:શેર સંભળાવું ને?
"કયો શેર?" મને યાદ ન રહ્યું કે મારે સોનલ સાથે બોલવાનું નથી. ક્ષણ બે ક્ષણ સોનલ મારી સામે તાકી રહી. અને પછી ખડખડાટ હસી પડી. તેના એ હાસ્યમાં જાણે મારો રોષ ક્યાં ઓગળી ગયો, તે મને સમજાયું નહીં.

સોનલના નમણા ચહેરાનું નિરીક્ષણ કરતી મારી આંખો અપલક એ ચહેરાને તાકી રહી. મારા હૈયાને હાથ રાખવા ખૂબ મથામણ કરવી પડી. મને થયું કે સોનલના સુંદર ચહેરાને મારા બંને હાથોમાં પકડીને તેના બંને ગાલોએ ચુંબનના ચસકા ઉપસાવી દઉં. તેના ગૌર ગાલ ઉપર મારા પ્રેમની મહોર મારી દઉં. એને નજીક ખેંચીને તેના દિલના ધબકાર મારાં અંતરમાં રેકોર્ડિંગ કરીને અંકિત કરી દઉં. તેના મધુરો હોઠો પરથી મધુમાખીને પેઠે મધુરસનું પાન કરી લઉં. તેની સુકોમળ આંગળીઓમાં અંકોડા ભીડીને સ્નેહની સાંકળ બનાવી દઉં. તેને બાહુપાશમાં જકડીને પ્રેમના પાસમાં એવી બાંધી દઉં કે જે કદી એ છૂટે નહિ.

પણ ના, એમાંથી હું કશુંય ન કરી શક્યો. કરી શકું એમ ન હતો. હું માત્ર નજરથી તેનું પાન કરતો રહ્યો. કલ્પનામાં વિહરતો રહ્યો. મારા મનના આવેગો ને મહાપ્રયત્ને રોકી રાખ્યા. અંતરના ઉલ્લાસને દબાવી દીધો. મનના મોરલાના સ્થિર કરી દીધો. પ્રેમના ઉડાઉડ કરતા પંખીડાને પિંજરામાં કેદ કરી દીધું.

સોનલે ત્રીજી વખત જણાવ્યું.: હવે તો શેર સંભળાવું ને...!!
અનાયાસ મારાથી હા પડાઈ ગઈ." હા, ક્યો શેર?"

સોનલે મારાં જ મુખેથી ક્યાંક કોઈક જગ્યાએ બોલાયેલો, કોઈક શાયરનો શેર કહ્યો. ખૂબ જ લયબદ્ધ રીતે.. આરોહ અવરોહ સાથે.. ને એ શેરનો મતલબ પણ જાણે આ મારી સ્થિતિનું જ વર્ણન કરતો હોય તે મતલબનો હતો. જાણે મારી નહીં બોલવાની મક્કમતાને તોડતો હતો.

કોઈ આડબંધ તૂટીને નદી ને સરોવરનું પાણી એકમેકમાં ભળીને ઓગળી જાય, એમ સ્નેહનો સાગર ઉછળવા લાગ્યો. ઘૂઘવવા લાગ્યો. તેનો મીઠો રવ ચારે દિશાઓમાં પડઘાવા લાગ્યો. ને જાણે તેમાંથી એક શેર સંભળાવું ? એવો અવાજ ઊઠતો હતો..###

• વાસુદેવ સોઢા
24, આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી - 365601

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"