🔔 વીરપસલી !
**************- નિલેશ ધોળકિયા_
શિક્ષકે એક દિવસ મજાકમાં પૂછ્યું, કોઈ છે એવો કે, જે સ્વર્ગમાંથી માટી લાવી શકે ? બીજા દિવસે એક બાળક માટી લઈ આવ્યો અને શિક્ષકને આપી. શિક્ષકે અને બીજા બાળકોએ આશ્ર્ચર્ય સાથે પૂછ્યું : આ તું ક્યાંથી લાવ્યો ? એ બાળકે ખૂબ સરસ જવાબ આપ્યો : મારી 'ભારત માતા'ના પગ નીચેથી !! એવી જ અનુકરણીય વાત એ છે કે,
વીરપસલી ! - લઘુકથા
અમદાવાદના વિરાટનગરના એક હિંમતવાન સૈનિક મહિપાલસિંહ જમ્મુ-કાશ્મીરના ફૂલ ગામમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. જ્યારે મહિપાલ દેશની સેવા કરી રહ્યા હતા, ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી, અને તેમના બાળકના આગમનને થોડા જ દિવસો બાકી હતા. પતિના ગુજરી ગયાના છઠ્ઠા દિવસે, તેમની પત્નીએ એક બહાદુર પુત્રીને જન્મ આપ્યો અને પરિવારે તેનું નામ _વિરલબા_ રાખ્યું, જેનું નામ 'વિરાંગના' જેવું જ છે, જેનો અર્થ એક બહાદુર સ્ત્રી છે. હાલમાં માતા અને પુત્રી બંનેની તબિયત સારી છે. દુ:ખની વાત એ છે કે પંદરમી ઓગસ્ટે સમગ્ર રાષ્ટ્રે આઝાદીની ઉજવણી કરી ત્યારે શહીદ સૈનિકના પરીવારે મહિપાલસિંહના "બારમા"ની વિધિ કરી !
પરીવારના તમામ સભ્યો તેમની આંખોમાં આંસુ સાથે હોસ્પિટલમાં એકઠા થયા હતા અને ભાવનાત્મક દર્દને શેર કર્યું હતું. મહિપાલસિંહ દ્વારા છોડી દેવામાં આવેલી ખાલી જગ્યા ક્યારેય ભરી શકતા નથી, તેઓ વિરલબાને કોઈ મુશ્કેલીઓ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ તેણીને જરૂરી તમામ સુખ, સગવડ અને શિક્ષણ આપશે. જો તેણી મોટી થશે ત્યારે સંરક્ષણ સેવાઓમાં જોડાવાનું પસંદ કરશે, તો તેઓ તેના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપશે. પરિવાર સરકાર અને સૈન્ય તરફથી મળેલા સમર્થનને સ્વીકારે છે અને હવે તેઓ સામૂહિક રીતે તેના ઉછેરની જવાબદારી ઉઠાવે છે.
અમદાવાદના વિરાટનગર પાસે રહેતો મહિપાલ સિંહ વાલા જમ્મુ-કાશ્મીરના ફુલ ગામમાં ફરજ બજાવતા હતા. તેમણે આતંકવાદીઓ સાથેના મુકાબલામાં પોતાનો જીવ આપ્યો. બહાદુર સૈનિકનું બલિદાન હજારો લોકોના હૃદયને ઊંડે ઊંડે સ્પર્શી ગયું, લોકો તેમના સન્માન માટે શેરીઓમાં ઉતર્યા. બહાદુર સૈનિક, શહીદ જવાન મહિપાલ સિંહ વાલા, ૨૦૧૬ ની આસપાસ સેનામાં ભરતી થયા. તેમણે મધ્યપ્રદેશના જબલપુરમાં એક વર્ષની તાલીમ લીધી. ત્યારબાદ તેને ગુવાહાટીમાં તૈનાત કરવામાં આવ્યો હતો. ત્યાં થોડા વર્ષો સેવા આપ્યા પછી, તેમની બદલી ચંદીગઢ થઈ ગઈ. છ મહિના પહેલા તેને જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે ૩૪ મી નેશનલ રાઈફલ્સ યુનિટમાં સેવા આપી હતી. મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના વતની અને અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળાએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પોતાનો જીવ આપી દીધો.
'મારા બાળકને પણ લશ્કરમાં જ મોકલીશ’, કાશ્મીરમાં લડતા લડતા જીવ આપનારા જવાનની વીરાંગના, શહીદ સૈનિકની પત્નીની હૃદય વિદારક છતાં પ્રેરક વાત મારી જાણમાં આવતા સૌ માટે અત્રે, રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે પ્રસ્તુત કરતા મારી જાતને રોકી નથી શકતો ! "દોઢ મહિના પહેલાં મારા સીમંતમાં લશ્કરમાંથી રજા લઈને આવેલા મારા પતિએ અને મેં નક્કી કર્યું હતું કે દીકરો આવે કે દીકરી આપણે તેને દેશની સેવા કરવા માટે લશ્કરમાં જ મોકલીશું." આ શબ્દો કુલગામમાં ઉગ્રવાદીઓ સામે થયેલા ઘર્ષણમાં પોતાનો જીવ આપી દેનારા મહિપાલસિંહ વાળાના પત્ની વર્ષાબા વાળાનાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના નુરીકર ગામના વર્ષાબાનું સપનું હતું કે તેમના લગ્ન સૈન્યમાં કામ કરનાર જવાન સાથે જ થાય.
એમનું એ સપનું પૂર્ણ થયું અને અમદાવાદમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા સાથે તેમના લગ્ન થયા. સુખી દામ્પત્ય જીવનના બે વર્ષ બાદ વર્ષાબા ગર્ભવતી થયા. પરંતુ સંતાનને આવકારવા માટે જોવાતી રાહ અને તેનો હરખ અણધાર્યા આઘાત અને શોકમાં ફેરવાઈ ગયો જ્યારે પરિવારને મહિપાલસિંહના અવસાનના સમાચાર મળ્યા.
મહિપાલસિંહના બહેન તેજલબાની મદદથી બીબીસીએ પતિના નિધનના આઘાતમાં ગરકાવ થઈ ગયેલાં વર્ષાબા સાથે વાત કરી. વર્ષાબા કહે છે, ‘તેઓ (મહિપાલસિંહ) વર્ષમાં ત્રણવાર રજા મળે ત્યારે આવતા હતા. એ રજામાં અહીં આવે એટલે હું સ્વર્ગમાં વિહરતી હોઉં એવા દિવસો લાગતા. અમે બંને સાથે ફરવા જતા અને એ લશ્કરની વાતો કરતા.’ એમને જયારે જાણ થઈ કે હું બાળક ને જન્મ આપવાની છું ત્યારે તેમના આનંદનો પાર નહોતો. એ રોજ મને સમય મળે ત્યારે વીડિયો કૉલ પણ કરતા. તેઓ બાળક અને મારા સ્વાસ્થ્યની ચિંતા કરતા અને સતત ડૉક્ટરના સંપર્કમાં પણ રહેતા હતા. જયારે એમનું પૉસ્ટિંગ ઈન્ટરનેટ ન હોય એવી જગ્યાએ થયું હોય ત્યારે જ એમનો વીડિયોકૉલ આવતો ન હતો. એ કુલગામ ગયા ત્યારે એમનો વીડિયો કૉલ આવ્યો હતો કે એ કોઈ મોટા ઑપરેશનમાં જઈ રહ્યા છે પણ લશ્કરના નિયમ મુજબ એમણે મને કહ્યું નહોતું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.’
ભારતીય વીર મહિપાલસિંહના ધર્મપત્ની વર્ષાબાએ કહ્યું કે, ડૉક્ટરે મને એવું કહ્યું હતું કે, આવનારા બે-પાંચ દિવસમાં જ બાળકનો જન્મ થશે. મને પણ પ્રસવ પીડાની શરૂઆત થઈ હતી એટલે હું દવાખાનામાં દાખલ થવાની હતી. ‘મેં એમને કહ્યું પણ હતું કે ઈશ્વરની કૃપાથી ફતેહ કરીને આવજો. તેમનો સામે જવાબ આવ્યો કે ફતેહ તો હું કરીશ, પરંતુ આપણે દીકરો હોય કે દીકરી તેને ભારતીય સેનામાં જ દાખલ કરવાના છે !’ આટલી વાત કરતાં વર્ષાબાનાં ગળામાં ડૂમો ભરાઈ ગયો. પરંતુ તરત જ તેમણે અવાજમાં એક અજબ રણકાર સાથે કહ્યું, 'મારા બાળકને પણ હું લશ્કરમાં જ મોકલીશ.’ વર્ષાબાનાં અચાનક ડૂસકાં સંભળાયા. એ દિવસે વિરાટનગર - અમદાવાદ ખાતે માં ભારતીના સપૂત મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ આપી હજજારો લોકો ઉપરાંત સ્કૂલના બાળકો એક કતારમાં બહાર નીકળી રહ્યા હતા.
ભોમકાની રક્ષા કાજે પ્રાણ આપી દેનારા મહિપલસિંહના કાકાએ આપવીતી કહી : મારો નાનો ભાઈ પ્રવીણસિંહ ૨૦૧૨ માં જ દુનિયા છોડીને જતો રહ્યો. એ પછી એમના બેઉ દીકરાઓનું ધ્યાન મેં રાખ્યું છે. નાના ભત્રીજા મહિપાલનો જન્મ ૧૫ મી ઑગસ્ટના દિવસે થયો હતો. મારા ભાઈ પ્રવીણસિંહ (મહીપાલ સિંહના પિતાશ્રી)ની ઈચ્છા હતી કે મહિપાલ લશ્કરમાં જોડાય. મારો ભત્રીજો એમના પિતાનું સપનું પૂરું કરવા માટે દિવસ રાત મહેનત કરતો હતો. એ લશ્કરમાં જોડાયો ત્યારે મેં આખા ગામમાં મીઠાઈ વહેંચી હતી. અમારી જ્ઞાતિના જ મૂળીમાં રહેતા એક કુટુંબમાંથી તરત જ માંગુ આવ્યું કારણ કે અમારા વેવાઈને લશ્કરમાં કામ કરતો હોય એવો જમાઈ જોઈતો હતો. પણ એની આ શહાદતે અમારા ખાનદાનનું નામ ઊંચું કર્યું છે. મહિપાલસિંહએ ચોપડીઓ વાંચી લશ્કરમાં ભરતી માટે કેવી તૈયારી કરવી જોઈએ એ વાંચતો અને જાતે મહેનત કરતો હતો. એ પહેલા જ ટ્રાયલમાં લશ્કરમાં પસંદ થઈ ગયો હતો.
મહિપાલસિંહના મોટાભાઈ યુવરાજસિંહે કહ્યું, "અમે બંને ભાઈઓ સાથે મોટા થયા. મારા પિતા વેલ્ડિંગનું કામ કરતા હતા. બાળપણથી જ એ અમારી સાથે ક્રિકેટ રમવા આવતો હતો. પણ મોટા છોકરાઓને એની સામે બૉલિંગ કરવી હોય કે બેટિંગ કરવી હોય તો એ તેમની આંખે પાણી લાવી દેતો હતો. બાળપણથી જ એ લશ્કરમાં જવા માટેની પ્રૅક્ટિસ કરતો હતો. તેની દોડ જોઈને તેનાથી મોટા છોકરાઓ પણ તેની પાસેથી દોડની ટ્રેનિંગ લેવા આવતા હતા. અમારા પિતાના અવસાન પછી અમારી આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે લશ્કરમાં જવા માટેની ટ્રેનિંગનાં ક્લાસ કરવાનું સંભવ ન હતું. પરંતુ એનું સપનું તૂટે નહીં એટલે મેં નાની ઉંમરે ખાનગી કંપનીમાં નોકરી લઈ લીધી જેથી તેના પર આર્થિક ભારણ ન રહે. એ પહેલી ટ્રાયલમાં જ પાસ થયો. જબલપુરમાં ટ્રેનિંગ લીધી. ત્યારપછી અરુણાચલમાં તેનું પહેલું પોસ્ટિંગ થયું હતું. ત્યારબાદ ચંડીગઢ અને પછી જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું.
વર્ષમાં ત્રણવાર મહિપાલસિંહ રજાઓમાં અમદાવાદ આવતા. યુવરાજસિંહ કહે છે કે, તેનું ધ્યેય લશ્કરમાં જવાનું હતું એટલે તેના દોસ્તો પણ ખૂબ સારા હતાં. એના અંગત મિત્રો ડઝનેક હતા. એ ક્યાંય અન્યાય થાય એ જોઈ શકતો ન હતો. પહેલેથી જ શુદ્ધ શાકાહારી મહિપાલસિંહને બાજરીના રોટલા અને દૂધ, ચોખ્ખા ઘીનો શીરો ખૂબ ભાવતો હતો. મહિપાલસિંહ વાળાના બહેન તેજલબાએ કહ્યું કે, મારા ભાઈ મહિપાલસિંહે મને કહ્યું હતું કે આ રક્ષાબંધનમાં હું ફોઈ બની ગઈ હોઈશ એટલે રક્ષાબંધનની વીરપસલી ઉપરાંત એ મને એવું કંઈક આપવાનો હતો કે મને એ જીવનભર યાદ રહી જાય. પણ મને ક્યાં ખબર હતી કે એ મને આ રક્ષાબંધનમાં વીરપસલીમાં શહાદત આપશે. તેણે દુશ્મનોને આંખે પાણી લાવી દેતા શહાદત વહોરી છે. તેનાથી મોટી વીરપસલી મારા માટે કોઈ નથી ! રક્ષાબંધન પર્વની પાવન શુભેચ્છા !
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
