અમૂલ્ય જીવન - લઘુકથા

Related

અમૂલ્ય જીવન ..!

મુંબઈ શહેરનો એ જાણીતો રેલવે ઓવરબ્રિજ અને શ્રાવણનો ધોધમાર વરસાદ! પચીસ વર્ષનો યુવાન નીરવ લોકલ ટ્રેનના પાટા તરફ તાકીને હતાશ થઈને ઊભો હતો.

નીરવની જિંદગી અચાનક વેરવિખેર થઈ ગઈ હતી. અંગત મિત્રએ વેપારમાં દગો કરી મોટો દાવ રમી લીધો હતો અને માથે લાખોનું દેવું થઈ ગયું હતું. જેની સાથે જિંદગી વિતાવવાના સપના જોયા હતા, તે મંગેતરે પણ ખરા સમયે સંબંધ તોડી નાખ્યો હતો.

"હવે આ દુનિયામાં મારું કોઈ જ નથી, તો પછી જીવીને પણ શું ફાયદો!" આ વિચાર સાથે નીરવે આંખો બંધ કરી અને પાટા પર કૂદવા પોતાનો પગ આગળ વધાર્યો.

બરાબર એ જ ક્ષણે કોઈએ પાછળથી તેનો ખભો પકડ્યો! "દીકરા, આટલો સરસ વરસાદ પડે છે, મરવા જતાં પહેલાં મારી દુકાને ગરમાગરમ ચા નહીં પીએ?" પાછળ એક અત્યંત શાંત અને વૃદ્ધ અવાજ ગુંજ્યો.
નીરવે ચોંકીને પાછળ જોયું, તો એક સાઠેક વર્ષના વૃદ્ધ, જેનો એક હાથ કોણીથી કપાયેલો હતો.

તેમની આંખોમાં એક અલગ પ્રકારની સ્થિરતા અને કરુણા હતી. એ વૃદ્ધ, જેમનું નામ દલીચંદ શેઠ હતું, સ્ટેશનની બહાર અનાજ કરિયાણાની જૂની દુકાન ચલાવતા હતા.

તેઓ નીરવનો હાથ પકડીને તેને પરાણે પોતાની દુકાન પર લઈ ગયા, જ્યાં અનાજની ગુણીઓ ભરેલી હતી.

દલીચંદ શેઠે પોતાની દુકાનની બરાબર સામેના ચાના સ્ટોલ પર હાંકલ કરીને ચા લાવવા જણાવ્યું. થોડીવારમાં ચા આવી ગઈ અને શેઠે એક કપ નીરવ તરફ લંબાવ્યો.

"વડીલ મારે ચા નથી પીવી! મને જવા દો, મારી પાસે હવે જીવવાનું કોઈ કારણ જ નથી બચ્યું," નીરવ જાણે અંદરથી સાવ તૂટી ગયો હોય તેમ રડી પડ્યો.

દલીચંદ શેઠ હળવેથી હસ્યા અને દુકાનના ગલ્લામાંથી એક જૂની, ડાયરી કાઢી તેના પર લાગેલી ધૂળ ખંખેરી નીરવના હાથમાં મૂકતા બોલ્યા. "બેટા, જીવન અમૂલ્ય છે તું તારો જીવ આપે એ પહેલાં મારી આ અંગત ડાયરીના બે પાનાં વાંચી લે!"

નીરવે ધ્રૂજતા હાથે ડાયરી ખોલી. તે વર્ષ ૨૦૦૫ નું પાનું હતું તેમાં શેઠે લખ્યું હતું: “મુંબઈના આ ગોઝારા પૂરે આજે મારું બધું જ છીનવી લીધું. પાણીના ધસમસતા પ્રવાહમાં મારી પત્ની અને નાની દીકરી તણાઈ ગયા અને હું એમને બચાવવા જતાં મારો પોતાનો જમણો હાથ ગુમાવી બેઠો."

ડાયરીમાં આગળ લખ્યું હતું: "આજે હું સાવ એકલો અને અપંગ છું. મુંબઈના અફાટ દરિયામાં કૂદીને હું પણ એમની પાસે જતો રહું તેવો વિચાર આવે છે."

નીરવે ઉતાવળે બીજું પાનું ફેરવ્યું, જેમાં લખ્યું હતું: "પણ પછી મેં વિચાર્યું કે ઈશ્વરે મને જીવતો રાખ્યો છે, તો તેનો કોઈ તો સંકેત હશે!"

"મેં મારા જીવવાની દિશા જ બદલી નાખી. આજે હું આ અનાજની દુકાન ચલાવીને શુદ્ધ વસ્તુઓના વેચાણની સાથે સાથે લોકોમાં પ્રેમ પણ વહેંચી રહ્યો છું."

ડાયરી વાંચીને નીરવ સાવ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોના આંસુ હવે સુકાઈ ગયા હતા અને મનમાં એક અલગ જ શાંતિ સાથે હવે થોડું સારું લાગી રહ્યું હતું!!

દલીચંદ શેઠે તેના ખભા પર પોતાનો ડાબો હાથ મૂક્યો અને અત્યંત માયાળુ સ્વરે બોલ્યા, "દીકરા, તારી પાસે તો બે સાબૂત હાથ, પગ અને યુવાની છે!" તારી તો માત્ર સંપત્તિ અને એક સંબંધ જ ગયો છે. મેં તો મારો આખોય પરિવાર, એક અંગ સહિત સર્વસ્વ ગુમાવ્યું છે, છતાં હું રોજ સવારે નવી આશા સાથે આ દુકાન ખોલું છું!"

"ઘઉંમાંથી જેમ કાંકરા વીણીને બહાર ફેંકી દઈએ, એમ જિંદગીમાંથી નિરાશાને ફેંકી દેવાની હોય. બીજ માટીમાં દબાય તોય સમય આવ્યે એમાંથી નવો ફણગો ફૂટે જ છે."

દલીચંદ શેઠના આ અમૂલ્ય શબ્દો નીરવના હૃદયમાં સોંસરવા ઊતરી ગયા. તેણે શાંતિથી ચા પીધી અને ઊભા થઈને મુંબઈના ઘોંઘાટ વચ્ચે પોતાને ઉગારી લેનાર શેઠના ચરણ સ્પર્શ કર્યા.

આ વાતને આજે પાંચ વર્ષ વીતી ગયા છે. નીરવ અત્યારે મુંબઈનો એક અત્યંત સફળ અને નામાંકિત ઉદ્યોગપતિ બની ગયો છે! તેના ચહેરા પર હવે કોઈ નિરાશા નથી, પણ એક અદભુત આત્મવિશ્વાસની ચમક છે. તે આજે પણ દર મહિને અચૂક એ દુકાને આવે છે. અને તેને નવજીવન આપનાર તેના જીવનદાતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ, શેઠ સાથે અનાજની ગુણીઓ વચ્ચે બેસીને ચા પીએ છે.

અને ભરાયેલા અવાજે કહે છે, .....
"શેઠ, તમારું અણીના સમયે મારા જીવનમાં આવવું અને આ એક કપ ચાએ મારી જિંદગીમાં ખુશીઓનું નવું વાવેતર કરી દીધું! આને હું જિંદગીભર નહીં ભૂલી શકું!!

ખરેખર, ઈશ્વર ક્યારેક મંદિરની મૂર્તિમાં નહીં, પણ સમયના કોઈ વળાંક પર કોઈ અજાણ્યા માણસના રૂપમાં ઊભો હોય છે.

અંત ન આવે ત્યાં સુધી આ જીવનમાં કશું જ પૂરું થતું નથી. જિંદગીની કિતાબનું છેલ્લું પાનું વિધાતા સિવાય કોઈ લખી શકતું નથી! 🪶હરેકૃષ્ણ .. (ગુજરાત ન્યુઝલાઈન - કેનેડાના અખબારમાં પ્રકાશિત લઘુકથા)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"