પુત્ર હોય તો આવા…
સ્મિતાએ કીધું, “આપણે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમમાં છીએ... પણ લગ્ન વગરની જિંદગીને સંસાર લફરું કહે છે. તેથી આ સંબંધને હવે આપણે કાયદેસર સ્વરૂપ આપવા માટે પણ લગ્ન માટે વિચારવું જોઈએ.”
પુત્ર હોય તો આવા…
“તું પણ શહેરની એક મોટી કોર્પોરેટ કંપનીમાં પ્રોડકશન મેનેજર તરીકે ઘણા સમયથી નોકરી કરે છે... પપ્પા મમ્મીને કહેવામાં હવે મને વાંધો લાગતો નથી.”
સ્મિતાના કહેવાથી આજે સ્મિતાના મમ્મી પપ્પા, લગ્ન પહેલા અમારા ઘરની મુલાકાત અને મને મળવા માંગતા હતા તેથી તેઓ અમારા ઘરે આવ્યા હતા.
સ્મિતાના પપ્પા મમ્મીની વાંઝણી સલાહોને હું ધ્યાનથી સાંભળતો હતો.
મેં જીવનમાં એક નિયમ બનાવ્યો છે; મને કે મારા પરિવારને વ્યક્તિગત નુકશાન થતું ન હોય ત્યાં સુધી હું સામે પ્રત્યુતર કોઈને આપતો નથી.
સામેની વ્યક્તિને બોલવાનો કે ચાલ રમવા માટે પૂરતો સમય આપું છું. આવી તક આપવાથી જ તમે સામેની વ્યક્તિને ઓળખી શકશો, એટલે મેં સ્મિતાના પપ્પા મમ્મીને શાંતિથી સાંભળવાનું ચાલુ રાખ્યું.
વાતચિત દરમ્યાન તેઓ મારા પપ્પા મમ્મી સામે જોઈ બોલ્યા, “તમારા પપ્પા મમ્મી તમારી સાથે જ રહે છે?”
મેં કીધું, “ના વડીલ તમે બોલવામાં ભૂલ કરો છો... હું પપ્પા મમ્મી સાથે રહું છું, તેઓ મારી સાથે નહિ. મારી એવી કાબીલીયત કે હેસિયત જ નથી કે હું આવું વિચારી શકું.”
સ્મિતાના પપ્પા મારી સામે ઝીણી આંખ કરી બોલ્યા, “મતલબ તમે લગ્ન પછી પણ સાથે જ રહેવાના છો?”
મેં કીધું, “શરીર માંમાંથી આત્મા જતો રહે પછી શરીરની કોઈ કિંમત નથી; તેમ માઁ બાપ વગરના ઘરની કોઈ કિંમત નથી.”
થોડી વાર પછી સ્મિતાના પપ્પા બોલ્યા, “લગ્ન પછી ઘર નાનું નહિ પડે?”
મેં કીધું, “ના, મહત્વાકાંક્ષા વધે ત્યારે મહેલ પણ નાના પડે... મારી જરૂરિયાત પ્રમાણે બે બેડરૂમ પૂરતા છે.”
સ્મિતાના પપ્પા મમ્મી બોલ્યા, “અમે થોડો ટેકો કરીએ.. તો તમે મોટો ફ્લેટ લેવા તૈયાર થશો?”
મેં હસતા હસતા કીધું, “સોરી, હું મારા પગ ઉપર ઊભો છું... મારે કોઈના ટેકાની જરૂર નથી. ટેકો માંગવો જ હોય તો મારો બાપ મારી સામે બેઠો છે.”
“એક માઁ બાપ જ એવી વ્યક્તિ છે જે પોતાના ઋણનો બદલો કદી પોતાના સંતાન પાસે માંગતા નથી. છૂટાછેડાના કેસમાં પત્ની ભરણપોષણનો દાવો કરે છે, પણ માઁ બાપને સંતાન જ્યારે તરછોડી દે છે ત્યારે માં બાપ કદી આવા દાવા ઠોકતા નથી... આ જ પ્રેમની તાકાત છે.”
“દરિયાની ઊંડાઈ અને માં બાપના પ્રેમની ઉંચાઈ માપવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. કોઈની સાદાઈ કે ગરીબી જોઈ તેને જરૂરિયાતમંદ સમજવાની ભૂલ પણ કદી કરવી ન જોઈએ.”
“વડીલ તમારી જાણ ખાતર... હું એવી સવારી કદી કરતો જ નથી જેની લગામ કે અંકુશ કોઈ બીજી વ્યક્તિના હાથમાં હોય. હું મારી નાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત છું; સ્વમાન એ મારો શ્વાસ છે અને કોઈની મદદ મેળવી હું મારો શ્વાસ રૂંધાવવા માંગતો નથી.”
પપ્પા મમ્મી મારી સ્વમાન ભરેલ વાતને ગર્વ સાથે સાંભળી રહ્યા હતા.
સ્મિતાના પપ્પા બોલ્યા, “સોરી તમને અમારી વાતોથી ખરાબ લાગ્યું હોય તો.. બાકી શાંતિથી વિચારીને કહેજો... ઉતાવળ નથી.”
મેં હસતા હસતા કીધું, “વડીલ વિચાર તો તમારે કરવાનો છે; તમારે સ્વમાની જમાઈ જોવે છે કે ગરજાવ? ખોટા નિર્ણય લેતી વખતે વિચારવાનો સમય જોઈએ, સાચા નિર્ણય સમયે નહિ.”
“ભૂખ લાગે ત્યારે... ઉકરડે ભૂંડ મોઢું નાખે સિંહ નહિ... સિંહ ભૂખ્યો હોય તો પણ કોઈનો એઠો શિકાર ખાતો નથી.”
સ્મિતાએ આજે મારું સાચું સ્વરૂપ જોયું... તેને હું તેના મમ્મી પપ્પા સાથે જે રીતે ચર્ચા કરતો હતો એ તેને ગમતું ન હોય તેવું તેનો ચહેરો ચાડી ખાતો હતો.
જીવનમાં અમુક સ્પષ્ટતા જો યોગ્ય સમયે નહિ કરીએ તો તેના પરિણામો અયોગ્ય સમયે ભોગવવા તૈયાર રહેવું પડે, તેથી હું આજે સ્પષ્ટ મારા અભિપ્રાય આપી રહ્યો હતો.
આંધળો પ્રેમ વ્યક્તિને નિર્માલ્ય બનાવે, સાચો પ્રેમ વ્યક્તિને સ્વમાની બનતા શીખવાડે. આજે સ્મિતાની કસોટી હતી... તેણે તરફણ કોની કરવી છે; મારી કે તેના માઁ બાપની?
મેં હાથ જોડી સ્મિતાના પપ્પાને કીધું, “વડીલ... ઈચ્છાઓનું પ્રમાણ જરૂરિયાત કરતા જ્યારે વધી જાય ત્યારે લોભનો જન્મ થાય છે. લોભમાંથી અપેક્ષાઓનો જન્મ થાય છે અને અપેક્ષાઓ પુરી ન થાય ત્યારે સામેની વ્યક્તિના દોષ દેખાવા લાગે છે.”
“તેના કરતાં આપણી ઈચ્છાઓ ઉપર લગામ રાખી સ્વમાનથી જીવન જીવવું શું ખોટું છે? જેવો છું.. તેવો તમારી સામે બેઠો છું.”
“હજુ ઘણા ખુલાસા પણ સ્મિતા સાથે કરવાના બાકી છે... તમારે નક્કી કરવાનું છે; તમને મારા ભૂતકાળમાં રસ છે, વર્તમાનમાં કે પછી ભવિષ્યમાં?”
બીજે દિવસે રવિવાર હતો, મેં સ્મિતાને કીધું, “આજે ગામડાના મકાનની મુલાકાત લેવાની ઈચ્છા થઈ છે.”
સ્મિતા મૂડમાં ન હતી, છતાં મારી સાથે આવવા તૈયાર થઈ. આખા રસ્તામાં કારમાં ટેપ વાગતું રહ્યું પણ તે એક શબ્દ મારી સાથે બોલતી ન હતી. ગઈકાલનો અણગમો હજુ તેના વર્તન ઉપર હતો.
કાર ફૂલ સ્પીડે હાઈવે ઉપરથી ગામડા તરફ વળી. કાર ધૂળ ઉડાડતી ઉડાડતી અંદર અમારા ગામડાના મકાન પાસે આવી એટલે મેં ઊભી રાખી.
કંપાઉન્ડનો ઝાંપો ખોલી અમે અંદર પ્રવેશ્યા... વિશાળ પ્લોટ અને મકાન જોઈ સ્મિતાના ચહેરા ઉપર ખુશી આવી.
અમે ઘર ખોલી અંદર ગયા. મકાનના ટેરેસ ઉપર જઈ સ્મિતાને કીધું, “સ્મિતા, આ વિશાળ લીલાછમ ખેતરમાં જ્યાં સુધી તારી નજર પહોંચે છે, ત્યાં સુધીના ખેતરની માલિકી અમારી છે.”
“આ ખેતરનો ફક્ત એક ટુકડો વેચી નાખું તો પણ તારા પપ્પાના ટેકા વગર મોટો ફ્લેટ હું લઈ શકું તેમ છું... વાત સંતોષ અને સ્વમાનની છે.”
થોડી વાર પછી, અમે અમારા કંપાઉન્ડના ખૂણામાં દેખાતી ઓરડી તરફ ગયા. ઓરડીનું તાળું ખોલી અંદર ગયા.
એક ટેબલ ઉપર બે ફોટા હતા, તેને હું પગે લાગી બોલ્યો, “આ મારા માઁ બાપ છે.” સ્મિતા આશ્ચર્ય સાથે બોલી, “તો ઘરે બેઠા એ કોણ છે?”
મેં કીધું, “એ મારો વર્તમાન છે... આ ફોટામાં દેખાય છે એ મારો ભૂતકાળ છે અને તું મારું ભવિષ્ય છે. જો તું મારા ભૂતકાળ અને વર્તમાનને સ્વીકારી શકતી હોય તો આપણે ભવિષ્ય તરફ આગળ વધીએ; નહિતર એક સારા મિત્ર બની વાતને પૂર્ણવિરામ અહીં કરીએ.”
સ્મિતા બોલી, “સમીર જે હોય તે સીધી વાત કર.” અમે ખાટલા ઉપરથી ધૂળ ઉડાવી બેઠા.
મેં કીધું, “સ્મિતા સાંભળ, હું જ્યારે માત્ર એક વર્ષનો હતો... ત્યારે તને ફોટામાં જે દેખાય છે એ મારા બાપને ખેતરમાં ઝેરી નાગ પગના અંગૂઠે કરડ્યો.”
“મારી માઁ એ કંઈ પણ વિચાર્યા વગર પપ્પાના પગના અંગુઠામાંથી પોતાના મોઢા વડે ઝેર ખેંચવા પ્રયત્ન કર્યો, પણ નાગ કોબ્રા જ હોવો જોઈએ; બન્નેનું સ્થળ ઉપર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું.”
“હું ઝાડ સાથે બાંધેલ હીંચકામાં એકલો રડતો રહ્યો, પણ પપ્પા મમ્મી જીવતા હોય તો મારી પાસે આવે ને?”
ગામના લોકો ભેગા થયા... ખેતરના માલિકને જાણ કરી બોલાવ્યા. ખેતરના માલિકે મને હીંચકામાંથી તેડી લીધો અને પ્રેમથી ઘરે લઈ ગયા; તેમને કોઈ સંતાન હતું નહીં.
કાયદેસર કાર્યવાહી કરી મને તેમનું સંતાન બનાવ્યો. સ્મિતા, એ વ્યક્તિ કોઈ બીજું નહિ; આપણા ઘરે બેઠેલ દેવ સમકક્ષ વ્યક્તિ છે જેને હું પપ્પા કહું છું.
આ ખેતર, આ મકાન પણ તેમની માલિકીનું જ છે, જે ગયા વર્ષે જ તેમને મારા નામે કરી દીધું છે. જે વ્યક્તિએ રસ્તા ઉપર પડેલ પથ્થરને મૂર્તિ બનાવવાનું કામ કર્યું છે, એ શિલ્પકારની આંગળી છોડાવી હું ભાગું તેવો નગુણો નથી.
સ્મિતા, મારા માઁ બાપ તો ખેતમજૂર હતા... મને પણ આ હકીકત થોડા સમય પહેલા ખબર પડી. એક દિવસ પપ્પાએ મને બાજુમાં બેસાડી સત્ય હકીકત જણાવી.
મને તો મારા માઁ બાપનો ચહેરો પણ યાદ ન હતો, પણ મારી સામે જ ઈશ્વર બેઠા હતા... આજના દિવસ સુધી હું પાલક પુત્ર છું તેવો મને અહેસાસ નથી કરાવ્યો.
સ્મિતા, આપણે ભગવાનને મંદિરમાં શોધીએ છીએ; ભગવાન મંદિરમાં નથી, લોકોના દિલમાં બેઠો છે.
આપણી તકલીફના સમયે સામેની વ્યક્તિમાં કરુણા અને પ્રેમ જાગૃત થાય, તો સમજી લ્યો એ વ્યક્તિમાં ઈશ્વરનો પ્રવેશ થયો છે... અને જે વ્યક્તિમાં ઈશ્વરનો પ્રવેશ થાય તે કેટલો પવિત્ર હોય તે તું સમજી શકે છે. આ મારી દુઃખ ભરી કહાની છે.
સ્મિતાની આંખો ભીની હતી. મેં કીધું, “હવે તું તારો નિર્ણય લેવા મુક્ત છે... કદાચ જીવનસાથી ન બનીએ તો દુઃખ નથી, પણ આપણે સારા મિત્ર તો જરૂર બનશું.”
સ્મિતા બોલી, “સાચું કહું સમીર, તારા ભૂતકાળની તો આજે મને ખબર પડી.”
“પણ પપ્પાએ તારા ઘરેથી આવી મને કીધું હતું... સંસારમાં દહેજ માટે લોભિયા અને સ્વમાન વગરના લોકોની ફોજ મેં જોઈ છે, મેં તો માત્ર ચકાસવા માટે જ ટેકા કે મદદની વાત કરી હતી.”
“ખરેખર તો તું નહિ, અમે પણ નસીબદાર છીએ કે સમીર જેવો જમાઇ અમને મળશે.” સ્મિતા આનંદ સાથે ઊભી થઈ અને મારો હાથ પકડી લીધો.
“મિત્રો, ખીચડી જો વાસણમાં રંધાય તો બીમાર માણસને સાજો કરી દે છે અને જો મનમાં રંધાય તો સાજા માણસને બીમાર કરી દે છે... મન ચોખ્ખું રાખો, જરૂર પડે ત્યારે સ્પષ્ટ પણ થઈ જાઓ, સ્વાર્થી અને મૂર્ખ વ્યક્તિથી અંતર રાખો.”
- પાર્થિવ નાણાવટી
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
