ચપટી ભભૂતી - લઘુકથા

Related

ચપટી ભભૂતી

"પપ્પા, આ શ્રાવણ મહિનામાં હું સોમવારના ઉપવાસ કરીશ." મારો પુત્ર પિન્ટુ ડાઇનિંગ ટેબલ પર ડિનર લેતાં-લેતાં બોલ્યો.

મેં કહ્યું, "સરસ બેટા, કર. ભક્તિ યુવાનીમાં જ થાય, ઘડપણમાં નહીં. ઘડપણમાં તો રોગ અને માયાનો ભરડો વધુ તીવ્ર બને છે!"

ચપટી ભભૂતી - લઘુકથા
ચપટી ભભૂતી - લઘુકથા

સ્મિતા હસી પડી અને બોલી,
"શિવ સમાન કોઈ દાતા નહીં, વિપત વિદારણહાર, 
અબ લજ્જા મોરી રાખીયો, શિવ નંદી કે અસવાર...
આપણે તો આખો મહિનો એક સમયનું જ ભોજન લઈશું."

"બેટા, સંસારમાં આવ્યા છીએ તો એક હાથે કૃષ્ણ અને બીજા હાથે મહાદેવજીને પકડીને ચાલવું પડે." મેં પિન્ટુને સમજાવતા કહ્યું.

"સંસાર ચલાવવા મોહ-માયાથી કૃષ્ણ જકડી રાખે છે, જ્યારે ઉંમર વધવાની સાથે મોહ-માયાથી અલિપ્ત કેમ થવું એ મહાદેવજી શીખવાડે છે. આ બંનેની ભક્તિ જીવન જીવવા માટે જરૂરી છે."

"બેટા, અત્યારે કળિયુગ છે. છોકરીને મહાદેવજી જેવો વર જોઈએ છે, પણ નિર્ધન નહીં! જેને મોહ કે માયા સ્પર્શ નથી કરતી એ જ મહાદેવજી છે. બાહ્ય કોઈ આડંબર નહીં."

"પાર્વતીજીએ જે સ્વરૂપે તેમને ભજ્યા અને ઓળખ્યા, બરાબર એ જ સ્વરૂપે તેઓ લગ્ન કરવા ગયા હતા. ન માથે મુગટ, ન કોઈ આભૂષણ કે ન કોઈ સગા-સંબંધી! ભૂતોની ટોળી એ જ તેમનો પરિવાર."

"જેવા છીએ તેવા સ્વીકારવાની તાકાત અરસપરસ હોય, ત્યારે જ તેને સાચો પ્રેમ કહેવાય. મા પાર્વતી અને શિવનો પ્રેમ એવો જ હતો."

"પોતાના પતિનું અપમાન સહન ન થતાં મા પાર્વતીએ અગ્નિકુંડમાં પોતાની જાત સમર્પિત કરી દીધી. ત્યારે એ જ મહાદેવજી, જે અત્યંત શાંત અને ઠંડા સ્વભાવના હતા, તેમણે જગતને પોતાના રૌદ્ર સ્વરૂપનું ભાન કરાવ્યું!"

"બેટા, શિવ અને કૃષ્ણને સમજવા એટલા સરળ નથી. દરેક વ્યક્તિના વર્તમાન અને ગત જન્મના કર્મ પ્રમાણે તેનું પ્રારબ્ધ લખાય છે. કર્મ કોઈને છોડતું નથી, પછી ભલે ખોળિયું બદલાતું રહે!"

"જેમ મોબાઈલ બદલતા રહો પણ સીમ કાર્ડ એક જ રહે, તેમ શરીર ભલે બદલાતું હોય, પણ આત્મા અને આત્મા મારફતે કરેલા કર્મો હંમેશાં સાથે જ આવે છે."

"લોકો કહે છે કે, 'શું લઈને આવ્યા અને શું લઈને જવાના?' પણ આધ્યાત્મિક સૂક્ષ્મ દૃષ્ટિએ જુઓ, તો પાપ-પુણ્યનું પોટલું લઈને જીવ જન્મ-મરણના ફેરા ફરતો રહે છે. આ પોટલું જ્યારે ખાલી થાય ત્યારે જ મોક્ષ મળે, મતલબ કે શિવનું શરણ મળે."

પિન્ટુ એકદમ ધ્યાનથી મારી વાતો સાંભળી રહ્યો હતો.

"શિવ અને પાર્વતીજીને જ્યારે ભજો, ત્યારે તેમના જેવું દાંપત્ય જીવન જીવવાની પ્રેરણા પણ લેવી જોઈએ. તને ખબર છે? લગ્નમંડપમાં બેઠેલા દંપતીને પણ શિવ-પાર્વતી સાથે જ સરખાવવામાં આવે છે."

"સંતોષ છે ત્યાં જ શાંતિ છે. હરીફાઈ કે સરખામણીનો જીવનમાં પ્રવેશ એટલે અશાંતિનો પ્રવેશ. જીવનમાં ક્યારેક અસંતોષ આવે, ત્યારે પણ સમજણ અને પ્રેમપૂર્વક તેનું સમાધાન લાવવા એકબીજાએ પ્રયત્ન કરવો જોઈએ."

"મહાદેવજીના બે પ્રસંગો મેં વાંચ્યા છે, જે આપણા જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. એ આજે હું તને કહું છું."

"બેટા, લંકા કોણે બનાવી?" મેં પૂછ્યું.

"રાવણે!" પિન્ટુ તરત જ બોલ્યો.

મેં કહ્યું, "૮૦% લોકો આવું જ કહે છે. પણ વાસ્તવમાં એક વખત મા પાર્વતીજીએ જીદ કરી. તેમણે કહ્યું કે દરેક દેવ-દેવીઓ મહેલમાં રહે, આભૂષણ પહેરે અને આપણે ગુફામાં, જંગલમાં કે સ્મશાનમાં રહેવાનું? અને ફૂલ-હારના જ આભૂષણ પહેરવાના?"

"મહાદેવજીએ હસીને કહ્યું, 'તમે વિવાહ પહેલાં મારું જીવન જાણતા હતા. હું મારા માટે જીવતો નથી, હું જગતના કલ્યાણ અર્થે ધ્યાન અને યોગ કરતો રહું છું."

"'જે વસ્તુથી હું વિમુખ થયેલો છું અને જે આપણા ભાગ્યમાં લખાયું જ નથી, તેની પાછળ વિચારો કરીને તમારો સમય વ્યર્થ ન કરો.' છતાં પણ મા પાર્વતીજીની જીદ સામે મહાદેવજીએ નમતું જોખ્યું."

"તેમણે કુબેર ભંડારીને બોલાવીને પોતાના માટે એક મહેલ બનાવવાનું કહ્યું, જેની રચના વિશ્વકર્માજીએ કરી અને તેનું નામ 'લંકા' આપ્યું."

"હવે વાસ્તુનો સમય આવ્યો. સંસારના મોટામાં મોટા જ્ઞાની બ્રાહ્મણ હોય તો એ રાવણ હતા, તેથી મહાદેવજીએ તેમને બોલાવ્યા. વાસ્તુ પૂરું થયા પછી મહાદેવજીએ રાવણને દક્ષિણા માંગવા કહ્યું."

"રાવણે દક્ષિણામાં લંકા જ માંગી લીધી! આ સાંભળીને મહાદેવજી પાર્વતીજી સામે જોઈને હસી પડ્યા."

"બેટા, જેનું નિર્માણ મહાદેવજીના કહેવાથી થયું હોય અને બનાવનાર સ્વયં વિશ્વકર્મા હોય, તો પછી વાસ્તુશાસ્ત્રની તો વાત જ ન આવે! છતાં લંકાનો નાશ કેમ થયો?"

"કારણ કે જેના વિચારો લંપટ હોય અને પ્રવૃત્તિ કોઈને નુકસાન પહોંચાડવાની હોય, ત્યાં કોઈ વાસ્તુશાસ્ત્ર કે ભગવાન પણ કામ ન આવે. જે વ્યક્તિ જગત કલ્યાણના કામ કરતાં કરતાં વૈભવી આશ્રમો અને કાર તરફ વળી જાય, તો સમજી લેવું કે એ વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. હવે એ વ્યક્તિમાં વિશ્વાસ મુકાય નહીં."

"બીજો એક નાનો પ્રસંગ તને કહું. એક વખત મા પાર્વતીની આભૂષણની જીદ જોઈને મહાદેવજીએ પોતાની એક 'ચપટી ભભૂતી' આપીને કહ્યું કે, 'આ ભભૂતી કુબેર પાસે લઈ જાવ અને તમારે જેટલા જોઈએ તેટલા આભૂષણ જોખાવીને લઈ લેજો.'"

"મા પાર્વતી 'ચપટી ભભૂતી' હાથમાં લઈને હસી પડ્યા, પણ અંદરથી તેઓ પણ દેવોના દેવ મહાદેવને ઓળખતા હતા. ઘણી વખત દાંપત્યજીવનમાં કસોટીનો આવો સમય આવે છે."

"જ્યારે મા પાર્વતીએ કુબેરને એ ચપટી ભભૂતી આપી અને તેની સામે આભૂષણ આપવાની વાત કરી, ત્યારે કુબેર બે હાથ જોડીને બોલ્યા..."

"'મા, સંસારની એવી કોઈ તાકાત નથી કે એ 'ચપટી ભભૂતી'નું મૂલ્ય કરી શકે કે એને જોખવા પ્રયત્ન કરે! આપ જાતે જ પ્રયત્ન કરી લ્યો.'"

"આ સાંભળીને પાર્વતીજીની આંખોમાં પાણી આવી ગયા અને તેઓ ખાલી હાથે પરત ફર્યા."

આ સાંભળીને સ્મિતા અચાનક ભાવમાં આવી ગઈ અને ભજન ગાવા લાગી:

"બખાન ક્યા કરું મૈં રાખોં કે ઢેર કા,
ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા...

હૈ ગંગ ધાર, મુક્તિ દ્વાર, ઓમકાર તું...
આયો શરણ તિહારી ભોલે તાર તાર તું,
કૈલાશ કે નિવાસી નમો બાર બાર હું,
નમો બાર બાર હું..."

મિત્રો, દરેક તહેવાર શ્રદ્ધાપૂર્વક તમારા પરિવાર સાથે માણો. આપણા તહેવારો જીવનનો થાક ઉતારે છે અને જીવન જીવવાનું સાચું માર્ગદર્શન આપે છે. સમયનું ચક્ર ફરે છે. આર્થિક પ્રવૃત્તિ માટે કોઈ વખત પરિવારથી દૂર જવું પડશે, ત્યારે આ જ તહેવારો અને આધ્યાત્મિક વારસો તમને જીવન જીવવા માટેનું પ્રેરક બળ બની જશે.

હર હર મહાદેવ!
• પાર્થિવ નાણાવટી

રીરાઈટ: 🪶હરેકૃષ્ણ ..

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"