પ્રાયશ્ચિતનો પ્રયાસ!!

Related

 પ્રાયશ્ચિતનો પ્રયાસ!!
_____________લેખક: - ફાલ્ગુની વસાવડા.

અરુણ અને અજીત બને પાકાં મિત્રો છે અને એક જ ઓફિસમાં નોકરી કરે છે! બંનેની ડીગ્રી અને પદવી બંને સરખું! અજીતને એક દિકરી અક્ષા અને અરુણને એક દીકરો આર્ય, બંનેની પત્ની પણ વર્કિંગ વુમન હતી. 

#આવકાર

રજાઓમાં સાથે પિકનિક પર જાય અને એકબીજાનાં જન્મ દિવસ કે લગ્ન દિવસ નિમિત્તે ભેગા થાય , આમ એમ કહો કે બે ભાઈઓનો પરિવાર એક જ શહેરમાં રહેતો હોય એમ! આજે અરુણે અંતરના ઉમળકાથી #આવકાર આપી અજીતનાં ફેમિલીને પોતાના ઘરે જમવા બોલાવ્યા હતાં! 

રજાનો દિવસ હતો અને ત્રણેય જણા અરુણને ઘરે પહોંચી ગયા! અક્ષાને એમ કે આર્ય સાથે રમવા મળશે એમ વિચારી ખુશ હતી તો! અજીતની પત્ની આકૃતિ દિવાળી આવતી હોવાથી અરુણની પત્ની અદિતિ સાથે શોપિંગ પ્લાન થઈ જશે અને જો મેળ પડશે તો આજે જ બંને જઈ આવશે, એમ વિચારી ને આવી હતી. 

અરુણની મમ્મીનું શ્રાદ્ધ હતું એટલે જમવાનું હતું, દૂધપાક પુરી અને બટેટા વડાનું જમણ જમી પરવાર્યા પછી, આકૃતિ અને અદિતિ બંને પ્લાન મુજબ શોપિંગમાં ગઈ! આર્ય અને અક્ષા બંને સ્કૂલના પ્રોજેક્ટ વિશે કામ કરવા લાગ્યા.

અરુણ અને અજીત એકલાં પડ્યા એટલે અજીતે અરુણને પુછ્યુ યાર તું આ શ્રાદ્ધમાં માને છે? એણે કહ્યું કે ના હું માનતો નથી! પણ... એ અટકી ગયો! 

એટલે અજીતે પુછ્યુ પણ શું? એણે કહ્યું યાર મમ્મી માટે એનાં જીવતાં એવું કંઈ કરી શક્યો નથી! અને તું જાણે છે મારા પપ્પા તો બહુ નાની ઉંમરે ગુજરી ગયા હતાં, મમ્મી એ જ મને ઉછેરીને મોટો કર્યો! ચાર્ટડ એકાઉન્ટન્ટ સુધી ભણાવ્યો! અને એનાં કેટલાં અરમાન હતાં કે પછી અમારી સાથે રહે! પણ.. વળી એ અટકી ગયો, પછી આગળ કહ્યું કે અદિતિને એની સાથે નહીં ફાવે, તો રોજનાં ઝઘડા થશે! એટલે દર વખતે કોઈને કોઈ બહાનું આગળ કરી દેતો! ઈવન મેં અદિતિને પણ મમ્મી આવવા માંગે છે એવું કહ્યું નહીં! અને આમને આમ લગ્ન પછીનાં પાંચ વર્ષ ચલાવ્યું. પછી આર્યનો જન્મ થયો અને એની કેર કરવા તો કોઈ જોઈશે, એટલે મમ્મીનો ઓપ્શન અદિતિ સ્વીકારી લેશે, એમ સમજી હું રાજી થઈ ગયો, 

પણ વિધીને એ મંજૂર નહોતું એટલે એ સમય આવે એ પહેલાં જ એ આર્યનું મોઢું જોયા વગર જ વૈકુંઠની વાટે ચાલી નીકળી! અને આટલું બોલતા તો એનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો. 

અજીત એ એને વાંસામાં હાથ ફેરવીને પાણી પાયું. અરુણે કહ્યું કે ગયા મહિને ટેક્સમાં મુક્તિ મળે એટલે માય ફ્રેન્ડસ નામનાં ઓલ્ડ એજ હોમમાં દાન આપવા ગયો હતો, ત્યાં એક મમ્મી જેવડાં બહેન મને મળ્યાં, એમણે કહ્યું કે તમારું નામ અરુણ છે? મેં કહ્યું કે હાં તો એણે કહ્યું કે તારી મમ્મી મારી સહેલી હતી, અને અમે બંને જણા સેલ્સ વુમનનું કામ કરતા હતાં. અમે રોજ સાથે જ વસ્તુઓનું માર્કેટિંગ કરવા જતાં, રસ્તામાં કોઈ મસ્ત કાર નીકળે એટલે એને જોઈ રહેતી, અને પછી મને તમારો ફોટો બતાવી કહે કે સુનીતા જોજે એક દિવસ અરુણ ચાર્ટડ એકાઉન્ટન્ટ બની જાય, પછી હું પણ આમ ગાડીમાં ફરીશ! 

અને અરુણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો! મમ્મીને કેટલાં અરમાનો હતાં, પણ હું એકે પૂરાં ન કરી શક્યો! એટલે આમ શ્રાદ્ધ કરીને અને ઓલ્ડ એજ હોમમાં દાન કરીને મન મનાવુ છું! જીવતા તો મમ્મી ન આવી શકી પણ આમ શ્રાદ્ધને બહાને ફોટો આવ્યો!

અજીત જોવાની વાત એ છે કે મમ્મી ગુજરી ગઈને તોય એના મોઢા પર પોતાના દિકરા માટે એકપણ ફરિયાદનો ભાવ નહોતો અને હવે.... હવે શું??: આવતે મહિનાથી છ મહિના માટે અદિતિની મમ્મી અમારી સાથે રહેવા આવે છે, એનાં પપ્પા ગુજરી ગયાં, અને ભાઈ ભાભી અહીંની મિલકત વેચીને પછી એને વિદેશ લઈ જશે! અત્યારે એમને રજા મળે એમ નથી. ભલે અદિતિની મમ્મી એટલે એ મારી પણ મા જ છે! પણ આ સુખ હું મમ્મીને ન‌ આપી શક્યો એનું દુઃખ હવે રોજ થશે.

અજીત પોતાના પરિવાર સાથે રાત્રે ઘરે પાછો આવ્યો અને અક્ષાએ એને પુછ્યુ પપ્પા શ્રાદ્ધ એટલે શું? આર્ય કહેતો હતો કે શ્રાદ્ધમાં એની દાદી કાગડો બનીને કાંતો ગાય બનીને જમવા આવે ? 

અજીત શું કહે?: એ આ બધી વાતોને માનતો નહોતો! પણ... એ વિચારતો હતો કે મા ગુજરી ગયા પછી પપ્પા ગામમાં એકલા છે, એણે ઘણીવાર એને લાવવા પ્લાન કર્યો, પણ પછી પોતે જ માંડી વાળ્યું! કારણ કે પોતાના પપ્પા (બાપુજી) અહી આવશે તો એનું સ્ટેટ્સ ઘટી જશે. પપ્પાની ઉંમર ઘણી મોટી થઈ, પછી પોતાનો જન્મ છે ! અને એ દેખાવે સામાન્ય તો ઉપરથી બોલી પણ ગામડાની અને હવે તો તમાકુ બીડીની આદત પણ છે! કેમ કરીને આ સોફેશ્ટિકેટેડ સોસાયટીમાં લાવી શકે! 

જોકે આ બધું તો કહેવાનું હતું! એ લોકો પણ પાર્ટી કરે જ છે ને! અને બીડી નહીં તો સિગારેટ પણ .. હવે તો એમની તબિયત પણ સારી રહેતી નહોતી, એટલે જ એણે વચલો માર્ગ શોધ્યો હતો, કે એ તેને અહીંના લકઝરિયેશ ઓલ્ડ એજ હોમમાં દાખલ કરી દે. 

પણ આજે અરુણની વાત સાંભળીને એ વિચારમાં પડી ગયો અને એણે નક્કી કર્યું કે એ બાપુજીને અહીં લઈ આવશે! અને બીજે દિવસે સવારે જ એણે રજા મુકીને તૈયાર થઈને આકૃતિને કહ્યું, હું આજે રજા પર છું, ગામ જાઉં છું પપ્પાને લેવા! અક્ષા બોલી પપ્પા દાદાજી આપણી સાથે રહેશે! એણે કહ્યું હાં! એણે કહ્યું વાહ મને સ્ટોરી સાંભળવા મળશે! અને એણે ગાડી મારી મૂકી.. 

એકવાર કેબીસીના મંચ પરથી હાલનાં સમયની એક કડવી વાસ્તવિકતા બતાવી હતી, સ્મિત ફાઉન્ડેશન!: શો જોનાર દરેકની આંખમાં આંસું હતાં! પણ આ એ જ સમાજ છે, જેમાં આપણે રહીએ છીએ, અને એમાં દેખાંડેલા કિસ્સા પણ આપણામાંથી જ કોઈક છે!  

અને છતાં એ સુસભ્યનું લેબલ લગાડીને ફરે છે! વિધિની વિટંબણા કહો કે સમયની! પણ વિચારવા જેવો પ્રશ્ન તો એ છે, કે શું એમાં આપણો કોઈ જ દોષ નથી??? સમય રહેતાં હજી પણ વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટવી જોઈએ! 

પહેલા તો લોકો એવું પણ વિચારતાં કે આપણે એમની સાથે જેવું કરીશું, એવું જ આપણા સંતાનો આપણી સાથે કરશે! પણ હવે આવતીકાલ વિશે એટલું લાંબુ કોઈ વિચારતું નથી! અને પોતાનાં મોજશોખમાં બાધાં આવે એટલે સંતાન પણ ક્યાં કરે છે! આવીજ કંઈક આ વાત છે. અને વધતાં જતાં વૃદ્ધાશ્રમ એ આજના સમાજની કડવી વાસ્તવિકતા છે!!

           — ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post