કાળનો ઘા
કાસમ સાંઈના કૂકડાએ 'કૂકડે કૂક' કર્યું, ત્યારે રાત્રિનો છેલ્લો પ્રહર ચાલી રહ્યો હતો. કૂકડાના અવાજથી મેરુ ઝબકી ગયો. તેની આંખ તરત ઊઘડી ગઈ. એ ગોદડું ફગાવીને ખાટલેથી નીચે ઊતર્યો.
કાળનો ઘા - વાર્તા
પોષ મહિનાના બીજા પખવાડિયાના પાછલા દિવસો હતા. છેલ્લા પ્રહરની ઠંડીએ બરાબરનો પ્રહાર કર્યો હતો. ગોદડાની હુંફમાંથી બહાર નીકળેલા મેરુની દાઢી ઠંડીના કારણે ડગડગી ગઇ. પણ રાત આખી પથારીમાં પડખા ફેરવીને મનમાં ઘૂંટેલા ખુન્નસની જ્વાળા જરાય ટાઢી પડી ન હતી.
મેરુ દબાતા પગલે ફળિયામાં આવ્યો. આછું અંધારું હતું. પાણિયારે મૂકેલું ફાનસ ધીમું ધીમું ટમટમી રહ્યું હતું. આકાશમાં તારાઓના ઝુમખાંઓ ઝગમગી રહ્યાં હતાં. પૂર્વ આકાશમાં વદ તેરસનાં ચાંદાની લકીર ઝાંખી ઝાંખી દેખાતી હતી. આખા આભમાં ધબેડિયો તારો વધારે તેજદાર લાગતો હતો.
મેરુએ અનુમાન કર્યું. પ્રાગડ વાસવામાં હવે ઝાઝી વાર નથી. હીમ ભર્યો હળવો પવન વાતો હતો. છતાં મેરુના મનનો મનસૂબો જરાય મોળો પડ્યો ન હતો. એ પાણિયારે ગયો. ગોળામાંથી પાણીનો કળશો ભર્યો. ઠંડા પાણીથી કોગળા કર્યા. મોં પર પાણીની છાલક મારી. રહીસહી ઊંઘ ઊડી ગઈ.
ચોફાળને બેવડો કરીને મેરુએ શરીર ફરતે વીંટયો. ઠંડીથી રાહત થઇ. પછી ફાનસની વાટ ચડાવી. ચારેકોર અજવાળું વધ્યું. એણે ઓસરીમાં નજર કરી. બીજા ખાટલામાં મેરુની મા દિવાળીબા માથે ગોદડું ઓઢીને ગૂંડલું વળીને પડી હતી. એ જોઈને મેરુને નિરાંત થઈ.
ત્યાં ઉભા ઉભા જ મેરુએ ઘરની આડીમાં નજર નાખી. મોડી રાત્રે કાસમ સાંઈ પાસેથી ધારિયું આવ્યો હતો. કાસમ સાંઈએ આ ધારિયાથી એક પાડા સરખા બકરાનું માથું એક ઝાટકે નોખું કરી નાખેલું. મેરુએ એ નજરોનજર જોયેલું. એવું પાણીદાર ધારિયું હતું. રાત્રે માની નજર ન પડે એમ આડીમાં સંતાડી દીધું હતું.
જ્યાં ધારિયું ભરાવેલું હતું ત્યાં મેરુ દબાતા પગલે આવ્યો. પડખે તેની માનો ખાટલો હતો. જરાય અવાજ ન થાય એમ મેરુએ ધારિયાને આડીમાંથી ખેંચ્યું. છતાં ધારિયાનો હાથો વાંસ અને ખપાટો સાથે ઘસાવાથી ખરરર.. એવો અવાજ થયો.
મેરુએ માના ખાટલા સામે જોયું. એ થોડી સળવળી. ઊંચા થઈ ગયેલા ગોદડાના છેડાને ખેંચીને પછી ફરીને ટૂંટિયું વાળીને સુઇ ગઇ. મેરુને હાશ થઇ. મા હજી ઊંઘમાં જ છે. એણે જોડા પહેર્યા. ધારિયાને થાંભલીએ ટેકવીને પનિયાથી મોં ફરતું મોહરિયું વાળ્યું.
ધારિયું લઈને ધીમા પગલે એ ડેલીએ આવ્યો. ડેલીની સાંકળ ઉઘાડતા તેને યાદ આવ્યું. ફાનસને ધીમું કરવાનું ભૂલી ગયો હતો. મા જાગી જાય અને પથારી ખાલી જુએ તો? દબાતા પગલે એ પાછો વળ્યો. જોડા ઘસાવાનો અવાજ થયો. મા ફરી સળવળી. મેરુ ચાલતા ચાલતા અટકી ગયો.
ફરી પગલાં ઉપાડ્યા.
પાણીયારા તરફ ગયો. ચોકડીમાં ઉંધુ વાળેલું તગારું મેરુના ઠેબે ચડ્યું. એનો અવાજ થયો. માની ઊંઘ ઉડી ગઈ. એ ખાટલામાં બેઠી થઈ ગઈ," કોણ છે?"
" એ તો હું છું.. બા..!" ધારિયાને પીઠ પાછળ સંતાડીને મેરુ બોલ્યો.
"કોણ.. મેરકો?" માએ આંખો પટપટાવી," તું ડાકુ જેવો કેમ લાગે છે ?"
"ઇ તો ટાઢ છે ને એટલે..!" મેરુ 'ડાકુ' જેવો શબ્દ સાંભળીને થથરી ગયો.
"અત્યારના પોરમાં ક્યાં ઉપડ્યો?" માએ પૂછ્યું.
ફાનસની વાટ ધીમી કરીને મેરુ બોલ્યો," બા, ઘઉંને પાણી પાવા જાવ છું. હવે છેલ્લું પાણ બાકી છે. જો આ પાણ પાવામાં મોડું થાય તો...!"
"પણ આવી ટાઢમાં?" મા બોલી.
" હા બા, કૂવામાં આખી રાતનું પાણી ભરાણું હશે. સૂરજ ઉગતા સુધીમાં એક ઉલાળો લઈ લઉં."
માને થયું. મેરુ કેવો કામઢો થઈ ગયો છે. નહિતર એને કહી કહીને જીભના કુચા વળી જતા, ત્યારે માંડ માંડ ખેતર વાડી ભેગો થતો. થોડું કામ કર્યું ન કર્યું, ત્યાં તો બપોર પહેલા ઘરે પાછો વળતો. આજે પ્રાગડ વાહે ઊઠ્યો. દીકરાના દિલમાં કામની ચીવટ અને ચિંતા જોઈને માને પોરહ ચડ્યો. તેનું હૈયું હરખાયું.," સારું દીકરા..! પણ જાળવીને કામ કરજે. હમણાં હમણાંથી ખેતરમાં જીવજંતુની બહુ રાડ છે." માએ દીકરાને સલાહ આપી.
" તમે ફિકર કરોમાં." મેરુને જલ્દીથી મા પાસેથી છૂટવું હતું.
"મને ફિકર કેમ ન થાય? હજી અઠવાડિયા મોર અજવાળી વવને ખેતરના શેઢે એરૂ આભડી ગયો હતો. સારું થયું કે ભગવાને લાજ રાખી. કાસમ સાંઈએ ઝેર ઉતારી દીધું." મા ખાટલામાંથી ઊભી થઈ," પ્રાગડ વાહવા આવ્યું લાગે છે. હવે હુંએ ઊઠીને ઢોરને નીરણ કરું.
" ભલે. " મેરુ ધારિયાને ઉંધુ રાખીને માની નજરે ન ચડે એમ ડેલી બહાર નીકળી ગયો. જતા-જતા કહેતો ગયો," એ ડેલી વાહી દેજો. !"
ગામની શેરીઓ હજી સુમસામ હતી. દૂરના કોઈ ઘરમાંથી જીવન સંધ્યાએ પહોંચેલા ગલઢેરા માણસો અજવાળું થાય, ત્યારે ઉઠવાની રાહ જોતા હોય એમ તેની ઉધરસના ઠો.. ઠો.. અવાજ આવતા હતા. ગામની પરવાડે રહેતાં જીવા ભગતના કંઠમાંથી ધ્રુજારી ભર્યા અવાજમાં ધીમે ધીમે પ્રભાતિયું સંભળાતું હતું- એ... જાગને જાદવા..! મેરુને મનોમન દાઝ ચડી.- આ ભગતડાને અટાણે જાગવાનું કોણે કહ્યું !? જેને જાગવું છે એ તો જાગી ગયો છે. ને ભાગવા લાગ્યો છે.
મેરુએ ઝડપથી પગ ઉપાડ્યા. એને થયું કે હજી હું મોડો નથી. એ ગામના પાદરમાં આવ્યો. તેણે પોતાની વાડીના રસ્તાને છોડીને બીજા જ રસ્તે પગ ઉપાડ્યા. કંઈક ફેસલો કરી નાખવાના નિર્ણય સાથે જાણે કાળની કેડીએ જતો હોય, એમ ઉતાવળે ચાલવા લાગ્યો.
હજી કોઈના ખેતરના કેડે ગાડું કે સાંતિ નીકળ્યા હોય એવું લાગતું ન હતું. સીમમાં ચારેકોર શાંતિ હતી.
મેરુ ગામના સીમાડે આવી ગયો. અહીંથી સામેના ગામની સીમ શરૂ થતી હતી. ઊંડી નેળ વાળો રસ્તો હતો.
ત્યાં વાડીમાં જવાની નાની ઝાંપલી પાસે આવીને મેરુ અટકયો. ખભેથી ધારિયું નીચે ઉતાર્યું. ઝાંપલી બંધ હતી. વાડીમાં કશો જ સળવળાટ ન હતો. મેરુએ ચારે તરફ નજર ફેરવી. પછી મનોમન બોલ્યો- હું બરાબર ટાણે જ આવી ગયો છું. હજી રણછોડીયો આવ્યો લાગતો નથી.
મેરુએ ઝાંપલી ખોલી. અંદર જઈને ઝાંપલી બંધ કરી. વાળાનો ગાળીયો હતો, તેમ જ પાછો ભરાવી દીધો. કોઈને એમ ન થાય કે કોઈક અહીં આવ્યું છે.
અંદર જઈને ચારે તરફ જોયું. ધીમે ધીમે અંધારું ઓગળી રહ્યું હતું. હજી સીમમાં ચહલ પહલ શરૂ થઈ નહોતી. બંને તરફના ગામમાંથી ઢોરના ભાંભરડાં, છાશ ફેરવવાના ઘમકારા ને મંદિરે ઝાલરના ટકોરાનો ભેળસેળીયો કોલાહલ સંભળાતો હતો.
બંને તરફ હાથલિયા થોરની જીવતી વાડ હતી. ઝાંપલીની પાસે જ એક તરફ ઊંચો રાફડો હતો. આછાં અંધકારમાં રાફડો બિહામણો લાગતો હતો. રાફડાની આડશ લઈને મેરુ ઉભડક બેઠો. બરાબર જોઈ લીધું. અહીં મેરુને કોઈ જોઈ શકે એમ ન હતું. પણ ઝાંપલીએથી અંદર દાખલ થનારને મેરુ સ્પષ્ટ જોઈ શકતો હતો. એ એમ જ બેઠો રહ્યો.
હવે રણછોડિયો આવવો જોઈએ. રોજ વહેલી સવારે ઘઉંને પાણી પાવા આવે છે. આ એની જિંદગીનો છેલ્લો દિવસ હશે.જે ઊગ્યા પહેલાં જ આથમી જશે.
જેવો એ ઝાંપલીમાં આવે કે તરત જ ધારિયાનો એક જ ઘા...! ને એ પેલા બકરાની જેમ.....!!
મેરુના હાથની મુઠ્ઠીઓ ધારિયાના હાથા પર જોરદાર ભીડાઈ ગયી. એ વિચાર માત્રથી ઉત્તેજીત થઈ ગયો.
મેરુએ બાતમી મેળવી લીધી હતી. રણછોડ રોજ વહેલી સવારે ઘઉંને પાણી પાવા આવે છે, ત્યારે એકલો જ હોય છે. આસપાસ સુનો વગડો,ઘોર અંધારું અને પાછળથી એક ઘા. ને ...! રણછોડ બઠ્ઠો!
કોને ખબર છે..!!? એને કોણે ગુડી નાખ્યો..!! અને પછી તો મારો માર્ગ મોકળો. કંકુ મારી જ હતી, ને મારી થઈને રહેશે.
મેરુના મનમાં વિચાર વલોણું ફરવા લાગ્યું. કંકુની યાદ આવતા જ મેરુના મનનો મોરલો ગહેકવા લાગ્યો..!!
કંકુ એટલે સાચોસાચ કંકુનો ઢગલો જોઈલો. મોટી મોટી મારકણી આંખો. ગોળ મટોળ ચહેરો. કાળા ભમ્મર લાંબા વાળ. ચોટલો છેક નિતંબ સુધી નીચે ઝુલતો આવે. માથા પર ચોખલિયાળી ભાતવાળી ચૂંદડી. હવામાં ઉડતી ચૂંદડીનો છેડો. જાણે કંકુનું રૂપ ચારેતરફ ફોરમ બનીને ઉડતું હોય એવું લાગે.
કંકુના હાથ પર કાંડાથી માંડીને કોણી સુધી અને છાતી પર ત્રોફાવેલા ત્રાજવાં કંકુની કાયાના કામણ વધારતા હતા. રૂપની પૂતળી જેવી કંકુ મેરુના મનના માળામાં કોયલ બનીને વસી ગઇ હતી. એ ને મેરુ નાનપણથી જ સાથે રહેતા હતા.
કંકુના માવતર લોઠકા હતા. ગામની સીમમાં સૌથી ઝાઝી જમીન કંકુના બાપ પાસે હતી. ત્રણ ત્રણ વાડીઓ હતી. ખેતીનું ઉત્પાદન સારું હતું. જ્યારે મેરુ ઉભડ ખેડૂત હતો. તેની મા અને પોતે મા દીકરો બે જ હતા. એના પિતા કંકુના બાપની વાડીમાં નવો કૂવો ગાળવા ગયેલા, ત્યારે માથે ભેખડ પડવાથી દબાઈને મુવા હતા. ત્યારે મેરુ નાનો હતો. મેરુને બાપનો ચહેરો પણ યાદ નથી રહ્યો.
કંકુના બાપે ત્યારે મદદ કરેલી. મેરુ પાસે થોડી જમીન હતી. જરૂર પડે ત્યારે બળદ કે ગાડું આપતા.
બન્ને નાનાં હતાં ત્યારથી જ મેરુ ને કંકુ વાડીની પીપરના છાંયે રમતા. ઘર ઘોલકી કરતા. પીપર પર ચડીને મેરુ કૂણી કૂણી પેપડી કંકુ માટે પાડી આપતો. આમલી પરથી કાતરા ઉતારી દેતો. ગામની નદીના ઘૂનામાં બંને એક સાથે ધુબાકા મારતા. શેરીમાં સાંજની વેળાએ બંને મીનીઠેકામણી રમતા. મેરુ ને કંકુ ભાગ્યે જ જુદા પડતા. રમતમાં ને રમતમાં યુવાની ક્યારે આવીને ઊભી રહી, તેનો ખ્યાલ આવ્યો જ નહીં ..!! પણ બંનેને કંઈક અણસાર આવી ગયો હતો. દિલમાં કશુંક ન સમજાય એવું ચાલી રહ્યું હતું.
એક દિવસ બપોર ટાણે મા ભાત લઈને આવી. ત્યારે મેરુએ માને આશ્ચર્યથી પૂછ્યું," બા? તમે ભાત લઈને કેમ આવ્યા?"
"તો તારુ ભાત લઈને બીજું કોણ આવે?" મા બોલી.
" કંકુડી છે ને?"
માએ હળવો નિસાસો નાખ્યો," હવે કંકુડી ન આવે. મારા બાપ...!!"
" કેમ ન આવે ?"
"તું તો આવો ને આવો ર્યો. છોડી જુવાન થાય પછી એને થોડી મોકલે? એ તો એના ખેતરનું ભાત લઈને આવતી, એ હારે તારું પણ લેતી આવતી. હવે તો એના ખેતરનુંએ ભાત લઈને આવતી નથી.!"
મેરુ મા સામે જોઈ રહેલો. મેરુના દિલમાં યુવાનીનો ઘંટ વાગી રહ્યો હતો. કંકુ ન આવી તેની આટલી બધી અકળામણ કેમ થવા લાગી. !!
-મેરકા, તારે તો ભાતથી કામ છે ને. !! પેટ ભરવાનું છે ને..!!" પણ ના, મેંરુને સમજાયું કે ખાલી પેટ ભરાય એ પૂરતું નથી. હૈયું પણ ભરાવું જોઈએ. અને એ કંકુ વિના કોણ ભરે..!!!.?
"હવે તુંય જવાન થયો છે. કાકાના કરા જેવડો થઇ ગયો છે. હવે કંકુડીનો બહુ મોહ ન રાખવો..!" માની આંખમાં શિખામણ હતી કે ઠબકો?
મેરુ કંઈ ન બોલ્યો. મા જે લાવી હતી તે ખાઈ લીધું. પછી માને કહ્યું," બા, એક વાત કહું?"
માએ સૂચક રીતે ભડ જેવા દીકરા સામે જોયું.
" કંકુ કાયમ અહીં આવે એવું ન થાય?"
" થાય ને.!! એને પરણીને લાવે તો કાયમનું સુખ થાય." માના દિલમાંએ કંકુ જેવી વહુ લાવવાના કોડ રમતા હતા. જો કંકુ વહુ બનીને ઘરમાં આવે, પછી જોઈએ જ શું?
" પણ દીકરા, આપણે ક્યાં? ને એ ક્યાં ?" ધરતી અને આભ સામે જોઈને માએ કહ્યું. અને પછી મેરુને સંભળાય એવો નિસાસો નાખ્યો.
મા-દીકરા વચ્ચે તે દિવસે વાત થયા પછી દિવાળીબાએ મોકો મળતા કંકુના બાપને વાત કરી," વશરામભાઈ તમે મારા મેરુને જાણો છો. નાનપણથી જ તે આજ લગણ એ તમારા છાંયે જ મોટો થયો છે. કામઢો છે. વળી એકે ય કલખણ નથી. ગરીબ ગાય જેવો છે વળી ગજા બહારનું કામ કરે છે."માએ દીકરાના ખૂબ ગુણગાન ગાયા.
" હા દિવાળીબેન, મેરુ જેવો છોકરો ગામમાં દીવો લઈને ગોતવા ગયે ન મળે," વશરામભાઈએ પણ ટાપશી પુરી.
- તો પછી...!! દિવાળીબાના હોઠે આવેલા શબ્દો ગળી જવા પડ્યા. કારણકે ત્યારે જ કંકુની બા દરણું દળાવીને ડેલીમાં દાખલ થયા. થયું કે કંકુની બાની હાજરીમાં આ વાત કરવી હાલ નકામી છે.
આમે કંકુની માના અરમાનો કંકુ માટે બહુ ઊંચા હતા.
જુવાની ફૂટવાથી કંકુને મેરુ આઘા થતાં ગયા. પણ હૈયા તો એકમેકને મળવા તરસતા હતા. દિવાળીબા એ જાણતા હતા.
ગામમાં ધીમી ધીમી વાતો પણ થવા લાગી હતી. મોટા ભાગના માનતા હતા કે મેરુ અને કંકુની જુગતે જોડી છે પણ કંકુના માબાપને આ વાત ક્યાંથી ગળે ઉતરે..!!? એની પાસે એક જ શેઢે સો વીઘાનુ ખેતર હતુ. લીલી કુંજાર વાડી, ને ગામમાં સૌથી મોખરાનું આબરૂદાર ઘર. આજુબાજુના પંથકમાં વશરામ પટેલનું નામ બોલાય. કોઈ કહે પણ ખરા, કે કોઈ નહીં અને કંકુને માટે ઉભડ ખેડૂત મેરકો મળ્યો ? મુરતિયાનો ક્યાં દુકાળ હતો ? મેરકા પાસે છે શું ? આઠ દસ વીઘા જમીન? કે બીજું કાંઈ? બાકીનો સમય એના બાપની જેમ દાડી દપાડી જ ને...!! વશરામ પટેલને એની વડનો ખમતીધર કોઈ ખેડૂત ન મળ્યો?
છતાં દિવાળીબાએ એક દિવસ હિંમત કરીને વશરામ પટેલને પાસે જઈને ખોળો પાથરી જોયો," મેરુ અને કંકુના હૈયાની એક ગાંઠ છે." એની વાત કરી. ત્યારે જ કંકુની બાએ ન કહેવાનાં વેણ દિવાળીબાને કહ્યા. એને અપમાનિત કર્યા.," શું જોઈને માંગુ લઈને આવ્યા છો? ઘરે કઢી ખાવાનો વેત છે?" વશરામ પટેલે પણ કહ્યું," દિવાળીબેન, સંબંધ સરખેસરખાં થાય. કંકુની મા સાચું કહે છે. એ કહે એ માની લેવાનું. બસ ફેંસલો આવી ગયો."
આ વાત સાંભળીને મેરુ સમજી ગયો. પણ વશરામ પટેલ જાણતા હતા કે કંકુના કાળજે મેરુ છે. કંકુ કંઈ આડું અવળું કરી બેસે તો ઘરની આબરૂને બટ્ટો લાગે. એ પહેલાં ક્યાંક સારું ઘર જોઇને વળાવી દેવી જોઈએ.
પડખેના ગામમાં દાનાભાઈના છોકરા રણછોડ સાથે કંકુનું નક્કી કરી નાખ્યું. ઘણાએ કહ્યું,"દાનાભાઈ પાસે ગમે તેટલી મિલકત હોય, પણ રણછોડ એક હાથે ઠૂંઠો છે. ચાલે ત્યારે પગ લચકાતો ચાલે છે. એનું શું ?
"તો શું થયું? દાનાભાઈની આબરૂ આપણા પંથકમાં છે. વળી શાહુકારોમાં ગણાય છે. એનું ઘર જ અમારા માટે લાયક ગણાય. છોકરામાં બીજી ખામી થોડી છે ? અમારી કંકુડી રાજ કરશે રાજ." કંકુનીમા સૌને કહેતી.
મેરુનું હૈયું વલોવાતું .પણ કશું જ કરી શકતો ન હતો. એક દિવસ કંકુ એ કહ્યું ,"મેરૂ તું ચૂપચાપ બેઠો છે?"
" તો શું કરું?"
" હાલ, ક્યાંક મલક ઉતરી જઈએ.!"
" નહીં કંકુ..! વાજતે ગાજતે તને લઈ જાવ તો જ..!"
" પણ હવે એવો વખત રહેશે નહીં." કંકુએ ખૂબ કહ્યું. પણ મેરુ પાસે એનો કોઈ જવાબ ન હતો.
વશરામ પટેલે દિવાળી જતાં કંકુના લગન રણછોડ સાથે કરી નાખ્યા. મેરુ જોઈ રહ્યો. એની નજર સામે જ કંકુને રણછોડ સાથે વળાવી દીધી.
ત્યારથી મેરુના દિલમાં દાવાનળ સળગવા લાગ્યો.- મારી કંકુને એક હાથે ઠૂંઠો ને લંગડો ઉપાડી ગયો!!? બસ હવે એક જ ઉપાય રહ્યો છે. કંકુને ઉપાડી લાવીને છડે ચોક ઘરમાં બેસાડવી. પણ છતે રણછોડે કંકુ આવે ખરી? ના. ન આવે. મેરુ વિચારતો.
અને એના મનમાં ભયંકર વિચાર આવ્યો. જો રણછોડ જ આ દુનિયામાં ન હોય તો પછી કંકુ ક્યાં જાય? પછી કંકુ મારી જ છે..!
બે બે મહિનાથી મનમાં ઘોળાતો વિચાર આજ વંટોળ બનીને મેરુના મનમાં ફૂંકાવા લાગ્યો હતો. અને એ વંટોળની ઝપટમાં નાબુદ થવાનું હોય એમ રણછોડના પગલાનો અવાજ મેરુના કાને અથડાયો. એક પગનો વજનદાર અવાજ અને બીજા પગનો ધીમો અવાજ સાંભળીને મેરુને ખાતરી થઈ. રણછોડ આવી રહ્યો છે. બેટમજી.. ! પગલાં ગણી લે.! રણછોડીયા..! અહીંયા ઝાંપલી સુધીના ...!!
મેરૂ ઉભડક થઈ ગયો. મોં પરનું મોહરિયું તંગ કર્યું. ધારિયું બંને હાથે મજબૂત પકડ્યું. સહેજ નજર નાખવા ઉભો થયો. અને જોયું તો રણછોડ ઝાંપલી સુધી આવી ગયો હતો. મેરુનો શ્વાસ થંભી ગયો. અજવાળું થઈ ગયું હતું. રણછોડનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. ચારે ફરતી પછેડી ઓઢી હતી. પણ મોં ખુલ્લું હતું. ગરદન ખુલ્લી હતી. એક ઘા ને....!!
મેંરૂ જરા પાછળ હટ્યો. ઝાંપલી ખોલીને રણછોડ અંદર દાખલ થયો. અને બંધ કરવા માટે રણછોડે પીઠ ફેરવી. વાળાનો ગાળીયો બરાબર ભરાવતો હતો.
એ જ સમયે મેરુએ ધારિયા પરની પકડ મજબૂત કરી. ખરો મોકો છે. એક ઘા, ને વાત પૂરી..!
અચાનક મેરુના કાન ચમક્યા. ખરર... ખરર્.. એવો અવાજ આવ્યો. સાવ નજીક જ. મેરુ ધબકારો ચૂકી ગયો. રાફડાના દરમાંથી એક કાળોતરો નાગ બહાર આવ્યો. ને એ ઝાંપલી તરફ જવા લાગ્યો. મેરુ ફાટી આંખે જોઈ રહ્યો. ત્યાં ઝાંપલી બંધ કરીને રણછોડ આગળ આવ્યો. કાળોતરાની પૂંછડી પર રણછોડનો પગ પડયો. એ જ વખતે ફુત્કાર કરતો સાપ એક હાથ જેટલો ઊંચો થયો. અને રણછોડને દંશ દેવા જાય છે ત્યાં જ મેરુના ધારિયાએ કાળોતરા નાગ ટુકડા કરી નાખ્યા.
રણછોડ સ્તબ્ધ બની ગયો. એણે સાપના તરફડી રહેલા ટુકડા સામે જોયું. ને પછી મેરુ સામે જોયું," મ...મ... મેરુ તું?? તું ન હોત તો આજે ......!!"
મેરુએ એક ક્ષણ રણછોડ સામે જોયું. ને તરત જ રણછોડના ખભે હૂંફાળો હાથ દબાવીને મૂંગા મૂંગા ઝાંપલીની બહાર નીકળી ગયો.
રણછોડ મેરુની પીઠને તાકી રહ્યો. ત્યારે જ પૂર્વ આકાશમાં સૂરજની લાલ કોર નીકળી. મેરુ જાણે સૂરજ તરફ આગળ વધી રહ્યો હોય એવું રણછોડને લાગ્યું.
■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી -365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.