'ઈશ્વરનો રીંગટોન'
કુવાડવા ચાર રસ્તાથી બસ ચોટીલા હાઇવે પર દોડવા લાગી. બસમાં ઠીક ઠીક માણસો હતા. કેટલાક વીરપુર ધામનાં જલારામ બાપાના દર્શનેથી આવી રહ્યા હતા. જેઓ ધન્યતા અનુભવતા હતાં.ઈશ્વરનો રીંગટોન - લઘુકથા
બસની સીટો ભરાયેલી હતી. કોલેજીયન યુવાનો અને યુવતીઓનું ટોળું બસમાં ખિલખિલાટ કરી રહ્યું હતુ. એનાં મોં પર દર્શનની ધન્યતા કરતા પિકનિકનો આનંદ છલકી રહ્યો હતો.
કાનમાં મોબાઈલની ડટીયું ભરાવીને એક બીજા સામે વાતો કરતા હતા. જોર જોરથી થતી વાતોનો કોઈ નિષ્કર્ષ આવતો ન હતો.
કેટલાક યુવાનો બસમાં ઉભા રહેવાનો સળીઓ પકડ્યા વિના સાહસી ઢબે ઊભા હતા. ચાલતી બસનાં વળાંકો સાથે એનાં શરીરનું ડોલન પણ થતું હતું.
બસમાં કેટલાક વૃદ્ધો,પીઢ ઉમરના સ્ત્રી પુરુષો બેઠાં હતાં. તેઓ મનોમન વિચારતા હતાં, આ આજના છોકરા.? શું કરશે આગળ જઈને ?! કોઈ જાતની રીતભાત નથી.ખા.. ખા..ને ખી.. ખી.. કરી રહ્યા છે.
બસની છેલ્લી સીટમાં એક ગરીબ મજુર દંપતિ સંકોડાઈને બેઠું હતું. પેલો ભાઈ નિરાશ વદને તેની સ્ત્રીને તાકી રહ્યો હતો. સ્ત્રીને કશીક વેદના થતી હોય એમ ચહેરાની રેખાઓ તરડાતી હતી. એ અમળાઈ રહી હતી.
બસ પૂરપાટ દોડી જતી હતી.
ચોટીલાથી થોડા કિલો મીટર બસ દૂર રહી હતી. ને એકાએક એક ચીસ ઉઠી. એવી ચીસ ઉઠી કે યુવાનો ચોંકી ગયા. યુવાનો એકાબીજાની સામે જોવા લાગ્યા.
પાછલી સીટની સ્ત્રીના મોમાંથી ભયંકર ચીસ નીકળી હતી. એનો ઘરવાળો આંખો ફાડીને જોઈ રહ્યો હતો.
કેટલાકનું ધ્યાન ત્યાં ગયું. સ્ત્રીના કપડાં લોહીથી ખરડાયેલા હતા.
એક પીઢ બેનને તરત ખ્યાલ આવ્યો. એ ઊભા થઈને ત્યાં ગયા, "અરે..આ બાઈને તો વેણ ઉપડી છે..! બસમાં જ કદાચ..."
યુવાનો કંઈ સમજ્યા નહિ. એ સ્થિર આંખોએ જોઈ રહ્યા.
બીજા પેસેન્જર ટીકાએ ચડી ગયા - ખબર ન પડે, આવી હાલતમાં મુસાફરી કરાય?
- આ ભાઈ ડોબા જેવો છે. પૂરા દાડા જાય છે ને એ બસમાં બેસાડીને નીકળ્યો. જાત જાતની વાતો નીકળી. બધા એ બંનેને ઠપકો આપવા લાગ્યા.
એક યુવતીએ પોતાની ચૂંદડી પહોળી કરી. બીજીને ઈશારો કર્યો. બંને પાછલી સીટે આવી. પેલી સ્ત્રીને આડશ રાખીને ઊભી રહી ગયી.
પીઢ સ્ત્રી એ કહ્યું - આને દવાખાને જ લઈ જવી પડે. એટલી એ પીડાય છે.
યુવાનોએ ફટાફટ મોબાઈલ બંધ કર્યા. બે યુવાનો બસના દ્રાઈવર આગળ ગયા - ચોટીલા કેટલું ?
- કેમ ?
એક બેનને ડીલવરી આવે એમ છે. તમે બસને સીધી હોસ્પિટલે લઈ જાઓ.
ડ્રાઈવર યુવાન હતો. એ પરિસ્થિતિ સમજી ગયો, પણ - સરકારી બસ..મારે કેવી રીતે લઈ જવી.?
- પણ એક નહિ બે જિંદગીનો સવાલ છે. એક યુવાને કહ્યું.
- એમ છે ? ચાલો, જે મેમો મળવો હોય એ મળે. હું બસને સીધી હોસ્પિટલે જ લઉં છે.
યુવાનો ખુશ થઇ ગયા.
- પણ મને હોસ્પિટલ ક્યાં આવી એ ખબર નથી.
આગળ રોડ પર એક યુવાન બાઈક લઈને જતો હતો. કાન પર મોબાઈલ હતો.
બસની સ્પીડ વધારીને યુવાનને ઉભો રાખ્યો. હોસ્પિટલ વિશે પૂછ્યું. ને આખી પરિસ્થિતિ કહી.
- ચાલો મે જોઈ છે. મારી પાછળ પાછળ આવો. નજીકની હોસ્પિટલ છે. પણ પ્રાઇવેટ છે.
- ભલે રહી. યુવાનો બોલ્યા. પણ બે જીવ બચી જાય..
પેલો મજુર ભાઈ કરગરી પડ્યો - મારી પાસે પૈસા નથી.
યુવાનોએ એક બીજા સામે જોયું.- આપણી પિકનિક પાર્ટી અને ફરવાનું કેન્સલ. બધાએ મોબાઈલ મૂકી દીધા. ખિસ્સામાં જેટલા રૂપિયા હતા એ એકઠા કરવા લાગ્યા.
ત્યાં તો બસમાં રહેલા બીજા બધાં પેસેન્જરનું હ્રુદય પીગળવા લાગ્યું. - લ્યો, અમે પણ આપીએ છીએ.
બસ હોસ્પિટલે પહોંચી. તાબડતોબ સ્ત્રીને દાખલ કરવામાં આવી. યુવાનો પણ શું રીઝલ્ટ આવે છે એ જાણવા માટે ઊભા રહ્યા.
ને થોડી વાર થઈને રૂમમાંથી ઉવાં.. ઉંવા.. ઉંવા.. ... નું મધુર રુદન ગાન સંભળાયું.
બધા યુવાનો બોલી ઉઠ્યા - વાહ...ઈશ્વરનો રીંગટોન ....! ઈશ્વરનો રીંગટોન આવી ગયો.!!
■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
