લાશ - વાર્તા

Related

લાશ

બરાબર રસ્તાની વચ્ચે જ લાશ પડી હતી. બંને તરફનો રસ્તો બંધ થઈ ગયો. લાશને ટપીને જવાની કોઈની હિંમત ચાલે..! અરે લાશને ટપીને જવાની ક્યાં વાત છે? અહીં તો લાશની નજીક પણ કોઈ ફરકવા તૈયાર નથી.લાશથી સૌ ખૂબ જ દૂર ઉભા હતા.

લાશ - વાર્તા
લાશ - વાર્તા

શહેરમાંથી ગામડામાં આવનારા શહેર તરફના રસ્તે ઊભા રહી ગયા. ગામડામાંથી શહેરમાં જનારા ગામ તરફના રસ્તે ઊભા રહી ગયા. કોઈ લાશને વટીને આગળ વધતું ન હતું.

રસ્તો કાચો હતો. ગાડા રસ્તો હતો. વળી સાંકડો પણ હતો. નદીમાંથી પસાર થતો હતો. નદી પર રેલ્વેનો પુલ હતો. પુલના એક નાળામાંથી રસ્તો નીકળતો હતો.

આ રસ્તો ગામ અને શહેરને જોડતો ટૂંકો રસ્તો હતો. જોકે ગામ અને શહેરને જોડતો બીજો ડામર રસ્તો પણ હતો. પરંતુ તે ખૂબ ફરીને જતો હતો. આથી ગામ અને શહેર વચ્ચેનું અંતર બેવડું થઈ જતું. ગામથી શહેર ટૂંકા રસ્તે બહુ દૂર ન હતું. નદીનો ભેડો ચડીને નજર નાખો એટલે શહેરનો ટાવર દેખાય.

પગપાળા જનારા, સાયકલ સવારો, ગાડાવાળા, સ્કૂટર કે મોટર સાયકલવાળાઓ આજ રસ્તાનો ઉપયોગ કરતા. ગામના ભરવાડો શહેરમાં દૂધ દેવા જતાં તે પણ આ રસ્તેથી જતા. હટાણું કરનારા, શાકભાજીવાળા બધા અહીંથી જ ચાલતા.

આ રસ્તે સતત અવરજવર રહેતી હતી. બપોરના સમયે જ રસ્તો સુનો પડતો. બાકીના સમયે કોઈને કોઈ આ રસ્તેથી પસાર થતું જ હોય.

આ બનાવ બપોરના ગાળામાં બન્યો હોવો જોઈએ. સવારે અહીં લાશ પડી ન હતી. બપોર ટાણે હીરાઘસુઓ શહેરમાંથી જમવા માટે ગામમાં આવતા. ત્યારે તેમણે લાશ જોઇ ન હતી. પણ જમીને પાછા જવા લાગ્યા ત્યારે તેઓ ગામ તરફના રસ્તાને છેડે અટકી ગયા. મોડેથી શહેરમાંથી ગામ તરફ આવનારા સામેની બાજુએ ઊભા રહી ગયા.

ઘડીકમાં લાશ ક્યાંથી આવી ગઈ? અહીં જ કોઈનું ખૂ#ન થયું હશે? કે બીજી જગ્યાએ મારીને લાશને અહીં કોઈ ફેંકી ગયું હશે!? બધા અનુમાન કરવા લાગ્યા.

-એ લાશ છે કોની? ઓળખાય એવી છે કે નહીં? કોઇને પ્રશ્નો થયા.

ત્યારે બધાને એ લાશ ક્યા માણસની લાશ છે, એ જાણવાની ઉત્કંઠા જાગી. અત્યાર સુધી બધાએ આશ્ચર્ય, આઘાત, કુતૂહલ અને અચંબાથી માત્ર લાશ જ જોઈ હતી. હવે એ લાશ ક્યા માણસની છે, તે જાણવા માટે બધાનું લક્ષ દોરાયું.

સાવ લાશની નજીક જવાની કોઈની હિંમત ચાલી નહીં. અને દૂરથી એ લાશ ઓળખાતી ન હતી. ચતીપાટ લાશ પડી હતી. મો આખું લાલ રંગે રંગાઇ ગયું હતું. એક પગ વાંકો હતો. એક હાથ છાતી પર અને બીજો હાથ સહેજ મોઢા પર પડ્યો હતો. ક્યાંક માંસના લોચા દેખાતા હતા. હાથ પણ લોહીથી લથબથ થઈ ગયો હોય તેવું લાગતું હતું. આંખો ફાટી રહી છે કે મીંચાયેલી છે એ જાણી શકાતું ન હતું.

કેટલાક માણસો બે-ચાર ડગલા આગળ આવ્યા. લાશને ઝીણવટથી જોવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

અરે- એક જણ બોલતો બોલતો થોથવાયો. એ તેની પાસે ઊભા રહેલા માણસો સામે જોવા લાગ્યો. બધા તેની સામે જોઈ રહ્યા. બધાના મનમાં જાણે એ પ્રશ્ન હતો, જે આ માણસ હમણાં બોલતા બોલતા ચૂપ થઈ ગયો. જેના મનમાં ઘોળાતો હતો, તે જ પ્રશ્ન.

"ઓળખાય છે ?" થોડો ધીમો અને દબાયેલો બીજો અવાજ ટોળામાંથી આવ્યો.

મને તો એના શરીરનો બાંધો- કહેતા એ અટક્યો. અને ક્ષણેક પછી કહી દીધું- હકા જેવો લાગે છે.

" હકો ?" ત્રીજાએ લાશ તરફ જોયું. 'હા એના લૂગડાં પણ એવા જ હોય એમ લાગે છે."

"લૂગડાં એવાં લાગે છે એમ નહીં, એ હકાનાં જ છે". ચોથો બોલ્યો.

ધીમે ધીમે બધાની જીભ ખુલવા લાગી."એના ઝટિયા પણ હકા જેવા જ છે."

"હા પગમાં જોડા પણ હકો પહેરતો એવા જ છે."
ટોળાનો ધીમો ધીમો ગણગણાટ સ્પષ્ટ અભિપ્રાયમાં પલટાવા લાગ્યો.

"હકો જ છે, એમ કહો ને..!" એક જણે બધાના મનની શંકાનો પડદો ચીરી નાખ્યો.

ઘડીક તો કોઈ કંઈ બોલ્યું જ નહીં. બધા ટગર ટગર લાશ તરફ જોઈ રહયા. હા, લાશ હકાની જ છે. એ જ છે. બધાને ખાતરી થઈ ગઈ.

"હકાની લાશ ? આજે સવારે તો મેં શહેરમાં જતો જોયો હતો."

"તું સવારની વાત કરે છે. પણ મેં તો બપોર પહેલા 10:30 વાગ્યે એને ચોરે બેઠેલો જોયો' તો."

"તો આટલી વારમાં -" એ આગળ ન બોલી શક્યો. એનો અવાજ રૂંધાઈ ગયો. સૌ એકબીજાનાં મોં સામે તાકી રહ્યા..

ઘડીભર બધા અવાક બની ગયા. બધાને ખાતરી થઇ ગઈ કે લાશ હકાની જ છે. છતાં લાશ પાસે જવાની કોઈ હિંમત કરતું ન હતું. કુતૂહલ, આશ્ચર્ય, આઘાત હવે શોકના વાતાવરણમાં પલટાવા લાગ્યું.

બિચારો હકો...!
હકો આજ ગામનો હતો. 22 વર્ષનો ફૂટડો જુવાન. સાવ એકલો જ રહેતો હતો. નફકરું જીવન. ત્રણેક વર્ષ પહેલા હોનારતમાં એની મા તણાઈને મરી ગયેલી. ત્યારથી હકો નોંધારો થઈ ગયેલો. કુટુંબમાં બીજું કોઈ ન હતું. હકો સાવ એકલો પડી ગયો. એને એકલતા કોઠે પડી ગઇ. એકલવાયું જીવન અપનાવી લીધું. કોઈ જાતની ચિંતા વગરનો થઈ ગયો. એને રોકનાર કે ટોકનાર કોઈ રહ્યું નહીં.

ગામમાં આંટા ફેરા મારતો. ગામને હકા તરફ લાગણી. હકો નોધારો હતો એટલે.

હકો ગામમાં આંટા મારતો. ગામમાં કંટાળે તો શહેરમાં જતો. શહેરમાંથી કંટાળી ગામમાં આવતો. કામકાજ કશું કરતો નહીં. આજીવિકા, એટલે શું? તે એ જાણતો નહીં. બે ટંકનો રોટલો ગમે ત્યાંથી મળે એટલે બસ. એટલે હકાને ભયો ભયો. લાંબી બળતરા જ નહીં. સાંજે પેટ ભરાઈ જાય, એટલે સવારની ચિંતા નહીં. પછી મંદિરને ઓટલે કે પછી નિશાળના ધાબા પર પછેડીની સોડ તાણીને ઘસઘસાટ ઉંઘી જતો.

ગામના શેઠ ક્યારેક હકાને કામ ચીંધતા. કામ દોડીને કરતો. ખેડૂતો ખેતરના કામે બોલાવે, તો હોંશે હોંશે જતો. બધા એને મોજી કહેતા. મોજમાં હોય તો એવું કામ કરે કે ન પૂછો વાત.

હકો દે, તો દીકરા દઈ દે. નહિતર હોય એ આંચકી લે. એવું બધા માનતા. આમ બધાનું ચીંધ્યું કામ કરતો. કોઈને ના પાડતો નહીં. જરાય આળસુ નહી. એ સ્વભાવે પણ મળતાવડો અને નિખાલસ. પાછો રોંનકી ખરો. જેની તેની પટ્ટી ઉતારતો. ત્યારે નાના મોટાનો ભેદ ભૂલી જતો. ગામની સ્ત્રીઓને પણ બાકાત ન રાખતો. તેનું દુઃખ ના લગાડતી. કારણકે હકાની મશ્કરીમાં જરાય ડંખ નહીં. તદ્દન નિર્દોષ. એટલે જ તો સ્ત્રીઓ એની મશ્કરી સહી લેતી. આમ રખડું ખરો, પણ ચારિત્રનો શુદ્ધ હતો. ખાવા લાયક ચીજ ચોરી લેતો. પણ ચોર ન હતો. લીધા પછી બેધડક કહી દેતો- પાંચાબાપા, તમારા ખેતરમાંથી ચણા ઉપાડી લાવ્યો. ને આ ભાયડે ઓળા પાડ્યા હતા હો...! તમને ખબરેય પડી?"

- બસ માફ.
હકાની આ ખૂબી. બધા હસી પડતા.-" તને નો પુગાય હો હકા..!!"

એ સિવાય પણ હકાના અનેક પરાક્રમો હતા. તેને જુદા જુદા વેશ કાઢતા આવડતા. અદભુત વેશભૂષા કાઢતો. ગામમાં ભવાયા રમવા આવતા, ત્યારે હકો એમાં ભળી જતો. ભવાયા સાથે એ પણ જોડાતો. બધા ત્યારે એને ભવાયો કહેતા.

હકો ભાંડનો પણ ભાઈબંધ. એક દિવસ હકો શહેરમાંથી કોઈના ખાખી શર્ટ અને પેન્ટ લઈ આવ્યો. ચામડાનો પટ્ટો શોધી કાઢ્યો. ખાખી ડ્રેસ પહેરી, માથે પોલીસ જેવી ટોપી ઓઢી. મોં પર બકરીના વાળની લાંબી મૂછો ચોંટાડી દીધી. અસલ પોલીસવાળો બની ગયો. આવ્યો શેઠની દુકાને- એ શેઠ..! ખડા હો જાઓ..! હાથકડી ડાલની હૈ..!"

શેઠ ખરેખર ધ્રૂજવા લાગ્યા. અહીં...પોલીસ ક્યાંથી? શેઠ શિયાવિયાં થઈ ગયા. શેઠનું ગરીબડું મો જોઈને હકાથી હસી પડાયું. અને શેઠ હકાને ઓળખી ગયા. -અરે, તારી તે જાતનો...!હકલો મારું.." શેઠે તોલું હાથમાં લીધું. ત્યાં તો હકો ઉભી પૂંછડીએ ભાગ્યો.

આવા તો કેટલા ખેલ કર્યા હતા. ક્યારેક એ ભરવાડણ બનતો. ક્યારેક ભૂતિયો બાવો બનતો. ક્યારેક કોઈની નકલ કરીને તેની ઠેકડી ઉડાવતો. હકાને અભિનયમાં કોઈ ન પહોંચે. આબેહૂબ અભિનય કરી જાણતો.

હકાના એકેએક પ્રસંગ બધાને યાદ આવવા લાગ્યા હતા. એને કોની સાથે દુશ્મનાવટ હોય!? ના, એને કોઈ દુશ્મન ન હતો. તો હકાને કોણે માર્યો હશે?

બધાની સહાનુભૂતિ હકાની તરફ ઢળવા લાગી. રેલવેના પુલ પરથી ગાડી પસાર થઈ. ગાડીમાં બેઠેલા પેસેન્જરો બારીમાંથી જોવા લાગ્યા. બધાએ નીચે પડેલી લાશ જોઈ. ગાડી તો ચાલી ગઈ. તેને લાશને ક્યાં પડી હતી..!

ગામમાંથી બે-ચાર નહીં, જેને ખબર પડી તે સૌ આવવા લાગ્યા. બધા મૌન હતા. હકાના મૃત્યુનું દુઃખ બધાના ચહેરા પર લીંપાઈ આવેલું હતું.

કમરઅલી બંગડીવાળો દોડતો આવ્યો- યા અલ્લાહ..! હું શું સાંભળું છું? હજી 11:00 વાગ્યા પહેલા હકો મારી દુકાને આવ્યો હતો. ચિત્ર દોરવા થોડો રંગ લઈ ગયો હતો. ત્યાં આ શું થઈ ગયું?" કમરઅલી રડવા લાગ્યો. કારણકે હકો કમરઅલીની દુકાને બેસતો. નાટક સિનેમાની વાતો કરતો. ક્યુ..નાટક ભજવવું છે. એ કહેતો.

કમરઅલીની કટલેરીની દુકાન હતી. ત્યાંથી નાટકનો સામાન મળી રહેતો. વળી કમરઅલીને પણ નાટક સિનેમાનો શોખ હતો. બંનેના શોખ સરખા હતાં. કમરઅલી અને હકાને ખૂબ જામતી. ક્યારેક કમરઅલીને ત્યાં જ હકો જમી લે. બંનેના જીવ મળી ગયા હતા. તેથી કમરઅલીને આ સમાચાર જાણીને ખુબ દુઃખ થયું.

" અરે ...કોઇએ પોલીસને કીધું કે નહીં?" કમરઅલી પણ લાશને ન જોઈ શક્યો. એ બધાની સાથે જ ઉભો હતો.

" ના, એ તો યાદ જ ન આવ્યું "
ગામના આગેવાન પાંચાભાઇ બોલ્યા," જાવ.... પોલીસને જાણ કરો..."

"ઊભા,ર્યો. જાણો છો..? પોલીસ આવશે એટલે તરત જ પૂછશે, હકાને કોણે માર્યો?" ગામમાં પસાયતા રહી ચૂકેલા નનકુભાઈ બોલ્યા.

"એ તો પૂછે જ. આપણે એજ કામ છે. આ નિર્દોષ માણસને મારનારા એ ઘાતકી કોણ હશે? તો ખબર પડશેને..! "પાંચાભાઇ બોલ્યા.

" પણ પોલીસ પૂછશે કે લાશ કોણે જોઇ ? ત્યારે?"
"બધાએ જોઈ છે ..!"
નનકુભાઈએ કહ્યું - પોલીસના સવાલો વધશે."

હકાના મૃત્યુનું દુઃખ કારક વાતાવરણ થોડું પલટાવા લાગ્યુ.
બધાને થયું પોલીસનું લફરું સારું નહીં.

"લાશ આપણે બધાએ જોઈ છે." હકા તરફ વધુ સહાનુભૂતિ ધરાવતો યુવાન બોલ્યો.

"એ સાચું, પણ પહેલા કોણે જોઇ? એને જ વધુ હેરાનગતિ થશે. પોલીસ તેને પોલીસ સ્ટેશને બોલાવીને પૂછી પૂછીને ઠરડ કાઢી નાખશે. અને વારંવાર ધક્કા ખવડાવશે. એ જુદા ..!"

બધા વિચારમાં પડી ગયા.
"હા એ સાચું એ આપણા ગામનો હતો. આપણો ધર્મ એને અવલ મંજિલે પહોંચાડવાનો. પણ આ તો ખૂન..!!! તેની લાશને અડાય પણ નહીં. પોલીસનો ભરોસો નહીં. એ તો સામે લેતા પડે. એને તો ગમે તેમ કરીને તોડ કરવો હોય." નનકુભાઈએ આખો ચિતાર આપ્યો.

અત્યાર સુધી આંખમાં આંસુ રાખીને, આંખો ભીની રાખીને, કાંઈક વાતો કરતા હતા તે સૌની આંખમાંથી આંસુ ઉડી ગયા. પોલીસનું લફરું થાય તો ભારે પડે.

સૌથી પહેલા શેઠ ટોળા વચ્ચેથી સરવા લાગ્યાં. "આપણે લાશ જોઈ જ નથી..! આપણે કંઈ જાણતા જ નથી." શેઠ પાછળ બીજા બે-ચાર જણ ખસી ગયા .

શહેરના તરફના રસ્તે ઉભેલા માણસો પાછા વળી ગયા. કોઈ અજાણી લાશ જોઇ હોય એવી જ માત્ર લાગણી રહી. હકા તરફનું હેત ખંખેરવા લાગ્યું. હકો, હકો ન રહ્યો. માત્ર એક લાશ બની ગયો.

બધા વિખેરાવા લાગ્યા. વાત ત્યાં અટકી પડી હતી. પોલીસને ખબર પડે એ પહેલા ત્યાંથી જવા લાગ્યા. જેથી પોલીસ તેમને કોઈ સવાલ જવાબ ન કરી શકે. બધા ચાલ્યા ગયા.

છેલ્લે કમરઅલી રહ્યો. પૂલથી થોડે દુર પાણીનું પાટોડું ભરેલું. ઘડીક પહેલા ત્યાં જીવો ભરવાડ ભેંસો નવડાવતો હતો. હવે તે પણ ચાલ્યો ગયો હતો. હવે માત્ર કમરઅલી અને પેલી લાશ જતી.

કમરઅલી થોડીવાર ઊભો રહ્યો. એ સૌની છેલ્લે આવ્યો હતો. અહીં પણ સૌની છેલ્લે ઉભો છે. એને થયું- પોલીસ જાણશે તો મને સૌપ્રથમ લાશ જોઈ એમ માની લેશે. શું કરું? મારા ભાઈબન્ધની લાશને છોડી દઉ?

- હા, ચાલો.. બધાની જેમ ચાલ્યો જાઉં..! આ લાશના ચક્કરમાં નથી પડવું. ઓલિયા જેવા એક ઇન્સાનને મારનાર ઘાતકીને અલ્લાહ માફ નહીં કરે...!

મનોમન આટલું બોલ્યો, ને એ પણ ગામ તરફ ઉતાવળા પગલે ચાલવા લાગ્યો.

- અને એ જ ક્ષણે હકો ઉભો થઇ ગયો. તરબૂચના લાલ લોચા હાથ મોં પરથી હટાવવા લાગ્યો. મોં પર લગાડેલો લાલ રંગ પેલા પાણીના પાટોડામાં ઘસી ઘસીને જોવા લાગ્યો....!!


■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી -365601

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"