ફૂલોનો ડંખ
લગ્ન બાદ થોડા દિવસોમાં કામિનીને ખ્યાલ આવી ગયો કે પોતાના સુખની કલ્પનાના તરંગો એ માત્ર તરંગો બનીને રહી ગયા. ક્ષણજીવી નીકળ્યા. કામિનીની મનની મુરાદો, એના અરમાનો, તેના દિલના દરવાજે સજાવેલા સુખના તોરણો જાણે સંકેલાઈ ગયા. ક્યાં ગયા એ મનોરમ્ય રંગોના ચિત્રો? ક્યાં ગઈ એ અહલાદક અનુભૂતિઓ?ફૂલોનો ડંખ
એમાં કોણ દોશી છે? પોતે? ના. તો શું પ્રશાંતનો દોષ છે? ના. પ્રશાંત પ્રેમાળ જ છે. દોષ માત્ર નિયતિનો છે.
કામિની અને પ્રશાંતે બંનેએ એકબીજાને પસંદ કરીને એકબીજાને હૈયુ સોંપીને લગ્ન કર્યા હતા. જાણે સ્વર્ગનું સુખ મળી ગયું હોય એટલો આનંદ હતો જીવનમાં.
કામિનીના કાજળ ઘેરા નયનોમાં નજર નાખીને પ્રશાંતે ઘેનઘૂંટયા અવાજે કહ્યું હતું,"મને તું મળી એટલે જાણે દુનિયાનું તમામ સુખ મળી ગયું."
કામિની ત્યારે પ્રેમવિભોર થઈને પ્રશાંતને તાકી રહીને બોલી," પ્રશાંત ભાગ્યશાળી તો હું છું કે મને તારા જેવો સુશીલ, શાણો, સમજુ અને પ્રેમાળ પતિ મળ્યો છે."
" તો તે પાંચે આંગળીએ ગોરમાને પૂજ્યા હશે."
"નહિ, તો તો મારું સુખ આના કરતાં કેટલાગણું હોત!"કામિનીએ મજાકિયા મૂડમાં પ્રશાંત સામે જોયું.
" ઓહો..હો .. તો તો તું સુખના સાગરમાં જ હોત. ઓ સુખની રાણી, તમારા સુખનો સ્વાદ મને ચાખવા દેશો..!?"
બનાવટી રોષ કરીને કામિનીએ પ્રશાંતના મોઢા આગળ હાથ ધરી દીધો. તેની ચુંબનની તૈયારી ત્યાં જ ચીત કરી દીધી.,"ઊં... હું.. ઉ.. ઉ...અમૃતના છાંટણા જ હોય. ના.. ના.. એના ઘુંટડા ન ભરાય મારા ભરથાર."ને પછી છણકો કરીને બોલી," અને આમ જાહેરમાં તો નહીં જ...!"
પ્રશાંત ચાલી જતી કામિનીની લચક્તી કેડને તાકી રહ્યો. દૂર જઈને કામિની તેને હાથનો ડિંગો બતાવવા લાગી.
"તું મને તારા પ્રેમમાં પાગલ કરી દઇશ..! "પ્રશાંતે દોડીને કામિનીની નાજુક કલાઈ પકડી લીધી.
"તું તો મારું કાંડું મરડી નાખીશ."કામિનીનાં મોંમાંથી હળવી ચીસ નીકળી ગઈ.
"તું મને પાગલ કરી દઈશ તો પણ હું તને છોડીશ નહી." પ્રશાંતે કામિનીની કલાઈમાં રહેલી બંગડીઓ ખણખણાવી.
"પાગલ કહી કા?" એમ કહીને કામિની પ્રશાંત સામે મો મચકોડીને જોઈ રહી.
કામિનીનું રૂપ પૂનમની ચાંદની જેમ આસપાસ વેરાતું હતું. રૂપના બૂંદ વરસાદના છાંટા જેમ ટપકી પડ્યા હતા. બંને એકમેકની આંખમાં આંખ પરોવીને હાથના અંકોડા ભીડને ચાલવા લાગ્યા. અને એ જ વખતે ચાલતા ચાલતા અચાનક કામિનીના મોમાંથી ચીસ નીકળી ગઈ.
"પ્રશાંત...પ્રશાંત... !" પ્રશાંત ચાલતા ચાલતા પડી ગયો. કામિની બહાવરી બની ગઈ. પ્રશાંતના મોએ અને છાતીએ હાથ ફેરવવા લાગી." પ્રસાદ શું થયું? શું થયું? મારા પ્રશાંતને.!." કામિનીના કોઈ પ્રશ્નનો જવાબ પ્રશાંત આપતો ન હતો.
એને ફીટ આવતી હોય એમ એનો શરીર તણાવા લાગ્યું. કામિનીના સુંદર મુખડા પર ગ્લાનિના વાદળો ઘેરાવા લાગ્યા. તેના ચહેરા પર ઘડીક પહેલાંની ખિલેલી ખુશી પળભરમાં દુઃખીની ઊંડી ખાઈમાં ગબડી પડી.
આવતાં જતાં કોઈએ સૂચન કર્યું," બેન આને જલદી હોસ્પિટલે પહોંચાડો.
ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી. કામિની રાતભર પ્રશાંતના બિછાને બેઠી રહી. પ્રશાંતના શરીરમાં કોઈ જ ફેર પડ્યો નહીં.
બીજા ડોક્ટરે હાથ ખંખેરી નાખ્યા.
" શું થયું છે..ડોકટર..મારા પ્રશાંતને..!"
ડોક્ટર કામિનીના ચહેરાને વિવશતાની નજરે તાકી રહ્યા.
" શું થયું છે?"કામિનીના આંસુઓ સુકાવા લાગ્યા.
"જુઓ,પેશન્ટને પાગલપનની અસર થઈ રહી છે. તે મેન્ટલી....!"ડોકટર અટક્યા. હોસ્પિટલમાં ચારે તરફ જોયું. ડોક્ટરે પ્રશાંતની આંખો સામે જોયું.
" પણ મારા પ્રશાંતને સારી કરી દો...!" કામિનીનાં મુખમાંથી એક મોટો નિસાસો સરી પડ્યો. સાથે આંસુનો ધોધ બેકાબુ વહી રહ્યો.
" હું આપને મેન્ટલ હોસ્પિટલની ભલામણ કરું છું. ત્યાંના નિષ્ણાત ડોક્ટરો તેની વિશેષ સારવાર કરી શકશે." ડોક્ટરે સલાહ આપી.
કામિની શહેરની મેન્ટલ હોસ્પિટલે પ્રશાંતને લાવી. ડોક્ટરે પ્રશાંતનું પરીક્ષણ કર્યું. નિરીક્ષણ કર્યું.નિદાન કર્યું." ઢીલા આજે ડોકટરે કહ્યું,"આપણા દિલની આશા અને આપણો પ્રશાંત સાથેનો પ્રેમાળ વ્યવહાર કદાચ પ્રશાંતના પાગલપનને શાંત પાડી શકે."
" ડોક્ટર હું પ્રશાંતને ખૂબ જ ચાહું છું. અમે હજુ કશું જોયું પણ નથી. દાંપત્ય જીવનની અમારી શરૂઆત છે, એમ કહી શકાય..!!પ્લીઝ ડોકટર આપ...!"કામિની રોઈ પડી.
" હિંમત રાખો."
દિવસે દિવસે પ્રશાંતનું પાગલપન જોર પકડતું હતું. ક્યારેક એ ખડખડાટ હસી પડવું. ક્યારેક રડી પડ ઉઠવું. હાથમાં જે ચીજ આવે તેના છુટા ઘા કરવા. ક્યારેક મનમાં આવે તેવો બબડાટ કરવો.
કામિની કોઈ અણસમજુ બાળકને સમજાવીને સાચવતી હોય એ રીતે પ્રશાંત સાથે વ્યવહાર કરવા લાગી. કામિનીએ પ્રશાંતને ઘેર જ રાખેલો. ડોક્ટરની સલાહ મુજબ દવાઓ આપતી. રોજ પ્રશાંતના પાગલપનના તોફાનો હસતા મુખે સહેતી.
સમયનું ચક્ર ફરવા લાગ્યું. ચારેક વર્ષ થયા. કામિની રાત દિવસ જોયા વિના પ્રશાંતની સેવામાં લાગી ગઈ હતી.
એક દિવસ પ્રશાંતના હાથમાં ફૂલદાની આવી ગઈ. પંચ ધાતુની બનેલી ફૂલદાની વજનદાર હતી. પ્રશાંતના પલંગ પાસે જ કાયમ માટે કામિની એમાં ફૂલો ગોઠવતી. તાજા ફૂલો ગોઠવીને કામિની પાછી ફરતી હતી. ત્યારે પ્રશાંતે ફૂલદાની ઉપાડી. કામિનીએ પાછળ જોયું. પ્રશાંતે તાજા ગોઠવાયેલાં ફૂલો સાથે જ ફૂલદાનીનો ઘા કર્યો. ફૂલદાની કામિનીના મોં પર આવી. કામિનીના આગલા ચાર દાંત નીકળી ગયા. લોહીથી મોઢું ખરડાઈ ગયું. કામિનીએ સહી લીધું. પ્રશાંતના બાળક જેવા પાગલપનના વ્યવહારને ખુશીથી સહી લેતી. એક જ આશા, મારો પ્રશાંત પહેલા જેવો સાજો સમો અને સમજુ થઈ જાય.
પ્રશાંતની સેવામાં કામિનીએ પોતાનો કશો જ વિચાર ન કર્યો. મોંઘી દવાઓ, વિવિધ ડોક્ટરોની મુલાકાત, આ શહેરથી બીજા શહેરમાં પ્રશાંતને લઈ જતી. આ તમામ ખર્ચમાં કામિની પાસેના પૈસા ખૂટી ગયા. ડોક્ટરોનો અભિપ્રાય એવો આવ્યો કે પ્રશાંતમાં પરિવર્તન આવતું જાય છે. પણ હજી ધીરજથી કામ લેવું પડશે. સમય જશે.પ્રશાંત મૂળ સ્થિતિમાં આવી જશે.
કામિનીના હૈયામાં આશા હતી. પ્રશાંત જરૂર સાજો થઈ જશે. તેની આશાની ડાળે નવા નવા નવા ફૂલો ખીલતાં હતાં. ભલે ગમે મારું સર્વ લૂંટાઈ જાય, પણ પ્રશાંતને હું સાજો કરીશ.
ચિંતા, દોડધામ, ઉજાગરા અને આર્થિક સ્થિતિ એવી આવું કે કામિનીની કામણગારી કાયા ઘસાઈ ગઈ માથા પરના ઘટાદાર સુવાળા વાળ ખરી પડ્યા. આછા થઈ ગયા. સ્નિગ્ધ ચહેરા પર ચિંતાની કરચલીઓ પડી ગઈ. આંખો ઊંડી ઉતરી ગઈ. આગલા ચાર દાંત પડી જવાથી ચહેરો બિહામણો બની ગયો હતો.
અને એક દિવસ કામિની ઉપાસના ફળી. તપ સાચું પડ્યું. તેની સાધના સિદ્ધ થઈ. તેની આરાધનાનો અંતરનાદ છેક ઉપર સંભળાયો હોય તેમ પ્રશાંત ધીમે ધીમે સાજો થવા લાગ્યો.
કામિનીની ખુશી છલકાવા લાગી. તેના મન મંદિરમાં આનંદનો ઘંટારવ થવા લાગ્યો.
સાતેક વર્ષ વીત્યા બાદ પ્રશાંત નોર્મલ બની ગયો. ખાતો, પીતો, હસતો, વાતો કરતો. શાંત અને ડાયો ડમરો થઈ ગયો.
કામિની પ્રશાંતને લઈને ફરવા નીકળવા લાગી. હવે પ્રશાંત સ્વતંત્ર રીતે જમવા લાગ્યો. બહાર જવા આવવા લાગ્યો કઇક વાંચવા લાગ્યો. વિચારવા લાગ્યો વાતો કરવા લાગ્યો. દલીલો કરવા લાગ્યો. અને પોતાના કુટુંબની જવાબદારીનો ભાન થયું હોય એમ ચિંતા કરવા લાગ્યો.
કામિનીના જીવન બાગમાં પુષ્પો ખીલ્યા.
એક રાત્રે પ્રશાંત કામિનીના પડખામાં સૂતો હતો. કામિનીનો ચહેરો ચહેરો પ્રશાંત સામે હતો.પ્રશાંત તેના ચહેરાને તાકી રહ્યો.
અને પળ વારમાં શું થયું કે પ્રશાંત છળી પડ્યો. ઝાટકા સાથે ઉભો થઈને દૂર થઈ ગયો.
સવારે કામિની સામે જોયું. શરીર બેડોળ. વાળ સાવ રુક્ષ. આગલા ચાર દાંત ન હતા. એ બોખા મોઢે હસતી હતી. પ્રશાંતે બીજી દિશામાં મોં ફેરવી લીધું.
" પ્રશાંત, શું થયું?"કામિની પ્રશાંત સામે જોઈ રહી.
" ના. ના..! હું આવી બેડોળ સ્ત્રી સાથે રહેવા રાજી નથી.."
કામિનીના માથે વીજળી ત્રાટકી.
"આ.. આ.. તું શું કહે છે પ્રશાંત.."
" હું તારા ઘરમાં નહીં રહી શકું."
" તો ??" કામિનીની આંખો ફાટી રહી.
" હું અહીંથી ચાલ્યો જઈશ."પ્રશાંતે કપડાની બેગ ઉપાડી. કામિની ફાટી આંખે પ્રશાંતને તાકી રહી. તેના હૈયામાંથી વેદનાભરી ચીસ નીકળી," પ્રશાંત ..! નહીં ...! નહીં.. ! પ્રશાંત..!"
પ્રશાંતે પાછળ જોયા વિના જ પગલા ઉપાડ્યા. તેને પીઠ પાછળ કામિનીનું ભયંકર અટાહસ્ય સંભળાયું. કામિની પોતાના વાળ પીંખી રહી હતી. જે ચીજ હાથમાં આવે તેનો ઘા કરતી હતી. હાથ ફેલાવીને આખા ઘરમાં ચીસો પાડતી દોડતી હતી. કામિનીના હાથમાં ફૂલદાની આવી ગઈ. તેનો પ્રશાંતની પાછળ ઘા કર્યો.
પણ ત્યારે પ્રશાંત દૂર દૂર નીકળી ગયો હતો. ફૂલદાનીના તાજા ફૂલો વેરાઈને અહીં તહીં ઉડવા હતાં.
" હું તારા ઘરમાં નહીં રહી શકું."
" તો ??" કામિનીની આંખો ફાટી રહી.
" હું અહીંથી ચાલ્યો જઈશ."પ્રશાંતે કપડાની બેગ ઉપાડી. કામિની ફાટી આંખે પ્રશાંતને તાકી રહી. તેના હૈયામાંથી વેદનાભરી ચીસ નીકળી," પ્રશાંત ..! નહીં ...! નહીં.. ! પ્રશાંત..!"
પ્રશાંતે પાછળ જોયા વિના જ પગલા ઉપાડ્યા. તેને પીઠ પાછળ કામિનીનું ભયંકર અટાહસ્ય સંભળાયું. કામિની પોતાના વાળ પીંખી રહી હતી. જે ચીજ હાથમાં આવે તેનો ઘા કરતી હતી. હાથ ફેલાવીને આખા ઘરમાં ચીસો પાડતી દોડતી હતી. કામિનીના હાથમાં ફૂલદાની આવી ગઈ. તેનો પ્રશાંતની પાછળ ઘા કર્યો.
પણ ત્યારે પ્રશાંત દૂર દૂર નીકળી ગયો હતો. ફૂલદાનીના તાજા ફૂલો વેરાઈને અહીં તહીં ઉડવા હતાં.
■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
