ઘંટી અને ઘૂઘરો
" એય... ઉઠો'તો. " બપોરની મીઠી ઊંઘ હું માણી રહ્યો હતો. ત્યાં સરલાએ આવીને મને હલબલાવી નાખ્યો." શું છે?" આંખો ચોળતા ચોળતા ખીજમાં મેં તેને કહ્યું.," બે રાતનો ઉજાગરો છે. અત્યારે ઘડીક તો જંપવા દે."
ઘંટી અને ઘૂઘરો
બારી પાસે જઈને અડધી ઉઘાડી. બારીમાંથી બહાર નજર નાખીને સરલા ઉભી.," અહીં આવો..!"
" પણ તારે જે કહેવું હોય તે કહે ને.! મને ત્યાં સુધી શા માટે લાંબો કરે છે?"
" તમે આને જુઓ." એમ કહેતી તે ફરી મારી પાસે આવી. તેના ચહેરા પર ગભરાટ હતો. ખરા બપોરે તેને શાની બીક લાગી હશે?
હું કંટાળાના અને ઊંઘના ભાર સાથે ઉભો થયો.," શું દેખાડવું છે તારે?"
બારીમાથી નજર નાખીને સરલા બોલી, "એ...દરવાજે જુઓ."
મેં દરવાજે નજર નાખી. એક બાર તેર વર્ષનો છોકરો દરવાજો પકડીને ઊભો હતો. પાછળ આવેલી ઝૂપડપટ્ટી વાળાનો છોકરો હતો. ગરીબ છોકરો હતો. કપડાં ફાટેલાં હતા.
અહીંથી રસ્તો પસાર થતો હતો. ઝુંપડાવાળા બધા અહીંથી શહેરમાં જતા. અમારી સોસાયટીમાં છોકરાને હું ઘણી વખત આવતા જતા જોતો. સોસાયટી વાળા બધા જોતા. એમાં કંઈ નવું ન હતું.
"એ તો પેલા ઝૂપડપટ્ટી વાળાનો છોકરો છે." મેં નારાજી બતાવી, "એમાં મને શા માટે જગાડયો?"
" એ તો કહું છું. ક્યારનો આપણા દરવાજે ઊભો છે. ચારે બાજુ ટગર ટગર જોયા કરે છે."
" તું તો સાવ વેવલી રહી. ભલેને ઉભો..! થાકશે એટલે જતો રહેશે.," હું સુવા માટે જતો હતો. ત્યાં સરલા એ મારો હાથ પકડીને ઉભો રાખ્યો,"
"એ હજી ત્યાં ઉભો છે. ક્યાંક ચોરી કરશે તો?"
હું હસી પડ્યો," બિચારો.., ક્યાંય ચોરી કરી હોય એવું મેં સાંભળ્યું નથી."
" આપણે તો હજી હમણાં નવા નવા આ સોસાયટીમાં રહેવા આવ્યા છીએ. પણ બાજુવાળા નીતાબેન કહેતા હતા કે આ ઝૂપડપટ્ટી વાળાનું ધ્યાન રાખજો. ક્યારેક હાથ મારી લેશે."
" ના.. ના. એવું ન બને. હજી સુધી કોઈ ચીજ વસ્તુ ચોરાય હોય એવું નથી." મેં કહ્યું.
" તમને તો સૌ સારા દેખાય છે. પણ જે દિવસે કોઈ તાળા તોડશે ને કંઇક કીમતી વસ્તુ ચોરી જશે ને ત્યારે ખબર પડશે."
પેલો છોકરો ઘણી વખત અહીં આવતો. થોડીવાર ઊભો રહેતો. હું ઓફિસેથી આવતો. ને જતો રહેતો.ત્યારે હું જોતો. શાંતિથી ઊભો હોય. તેની એક ખાસિયત હતી. તે અમારા ફ્લેટ સામે જ ઉભો રહેતો. બીજે ક્યાંય જતો નહીં. મને ઍક દિવસ થયું કે આ કંઈક કહેવા માંગે છે. કદાચ ખાવાનું માગવા આવતો હશે.
એક દિવસ મેં તેને રોટલી ને શાક આપ્યા હતા. એ કશું બોલ્યા વિના મારી સામે જોઇ રહ્યો હતો.,"તું ભુખ્યો લાગે છે.લે તને ખાવા માટે આપું છું."
તેણે રોટલી લઇ લીધી. પણ ખાધી નહીં. બાજુમાં બેઠેલા કુતરાને નાખી દીધી. શાક ત્યાં જ મૂકી દીધું. પછી એ ચાલ્યો ગયો.
ત્યાર પછી અવારનવાર તે અહીં ઊભો રહેતો. તેના ચહેરા પર સખત વિષાદ ઘૂંટાયેલો જોવા મળતો હતો. વેદના અને રોષ મિશ્રિત ભાવો તે ક્યારેક પ્રગટ કરતો.
કદાચ એવું પણ હોય કે સોસાયટી બની એ પહેલા જ બધા ઝૂપડા અહીં આવ્યા હતા. ત્યાંથી હટાવી ને છેક દૂર હોંકળાને કાંઠે લઇ જવા પડેલા. તેઓને સોસાયટી વાળા દુશ્મન જેવા લાગે. તેથી જ આ છોકરો પણ પૂર્વગ્રહ રાખીને અહીં ઊભો હોય. મનોમન વ્યથા અનુભવતો હોય. એવું બને પણ. હતો શાંત. ન કશું બોલવું, ન ચાલવું. રોજ આવે ને થોડી વાર ઉભો રહે. એની આંખો ભીંજાતી લાગે. મને થતું આ છોકરો આવું શા માટે કરતો હશે?
" આ છોકરો ચોરી કરે એવો નથી. માટે ચિંતા કર્યા વિના તું આરામ કર, ને મને ઊંઘવા દે." હું ફરી સુવા માટે ચાલ્યો ગયો.
ચારે બાજુ સુમસામ હતું. થોડીવાર નહીં થયું હોય અને સરલા મારી પાસે દોડી આવી," અરે પેલો છોકરો આપણો જ દરવાજો ઉડાડે છે."
હું ઉભો થયો. બારી પાસે આવ્યો. એ તો ખરેખર દરવાજો ઉડાડતો હતો. હું ચૂપચાપ જોવા લાગ્યો. છોકરો આસપાસ જોઈ ને દરવાજો ખોલી અંદર આવ્યો. છે શું કરે છે તે, એ જોવા માટે હું કશું બોલ્યો નહીં.
સોસાયટી થયા પહેલાં અહીં એક તોતિંગ ઝાડ હતું. અને સુકાઈ ગયું હતું. પણ તેનું થડ ઊભું હતું. વચ્ચે ક્યાંય નડતું ન હોવાથી દૂર કર્યું ન હતું.
છોકરો દોડીને તે ઝાડના થડ પાસે ગયો. એક અણિયાળા પત્થરથી ઝાડના થડ પાસે ખોદવા લાગ્યો. ઝડપથી ખોદીને ખાડો કર્યો. તેમાંથી કશી જ ચીજ શોધી કાઢી.પોતાના ખમીસની સાળમાં સંતાડી દીધી.
હવે મને પણ શંકા ગઈ કે છોકરો ચોર છે. તેને રંગે હાથ પકડવા હું ધડ કરતા બારણું ખોલી અને ઝડપથી બહાર આવ્યો. છોકરાને ખ્યાલ આવી ગયો. એ ઉભો થયો. અને કોટ કુદી ને ભાગ્યો.
નક્કી તેણે કંઈક ચોર્યું જ છે. એને પકડવા હું તેની પાછળ ગયો. એ તેના ઝૂંપડામાં દોડી ગયો. હું ત્યાં પાછળ પાછળ ગયો.
જોયુ તો ઝૂંપડામાં તેનો બાપ બેઠો હતો. એ અપંગ હતો.
" આ છોકરો કઇ ચોરી કરીને લાવ્યો છે."
" મનસુખો..! ના સાહેબ..ઇ ચોરી ન કરે ."એનો બાપ બોલ્યો.
" ન શું કરે? મેં જોયું ને ? સગી આંખે જોયું!. એ લઈને ભાગ્યો છે."
એનો બાપ બગલમાં ઘોડી ભરાવી છોકરા પાસે આવ્યો.," આપી દે એલા..જે લીધું હોય ઇ!"
પેલો છોકરો પહેરણમાં કશું છુપાવવા લાગ્યો.
"કહું છું.. આપી દે .!"એના બાપે ત્રાડ પાડી. છોકરો માથું ધુણાવીને ના પાડવા લાગ્યો.
" તું એમ નહિ માને..!" કહીને તેના બાપે છોકરાની પીઠમાં એક ઘોડી ફટકારી. છોકરો બેવડ વળી ગયો. મોંમાંથી ઉંહકાર નીકળી ગયો. બીજી ફટકારી. ત્રીજી લાકડીએ છોકરો લાંબો થઇ ને પડી ગયો.તેના હાથ છૂટી ગયા. પેરણની સાળમાંથી પેલી ચીજો બહાર પડી.
જોયું તો એક પતરાંનો તીના તીના થઈ ગયેલો ઘૂઘરો હતો. અને એક લાકડાની સડી ગયેલી ઘંટી હતી.
" લો સાહેબ આ તમારી ચીજો." છોકરાના બાપે ઘોડી ફગાવી દીધી. અને ત્યાં જ બેસી ગયો. " આ ચોરી લાવ્યો છે"
" આ શું છે ?"
"આ તો છોકરાના રમકડાં છે.?" પેલા છોકરાના બાપને આંખમાં આંસુ આવી ગયા.
હું આશ્ચર્યથી તાકી રહ્યો.
" મનસુખો ચોરી ન કરે. મને ખાતરી હતી.ઇ ઘંટીને ઘૂઘરો લેવા આવ્યો હશે."
" પણ મારા ઘરે ઝાડના થડમાં છે, એ કેમ ખબર પડી.?"
સોસાયટી બન્યા પહેલા, ત્યાં અમારું ઝૂપડું હતું..આ મારો મનસુખો અને પાસેના ઝૂંપડામાં રહેતી લક્ષ્મી. તેના જેવડી જ હતી.બંને આ ઘંટી અને ઘૂઘરાથી રમતા. મેળામાંથી એ લીધા હતા. બને ત્યાં ઝાડ નીચે જ હોય. મનસુખો ઘૂઘરો વગાડતો. ને લક્ષ્મી ઘંટી ફેરવતી."એના બાપે મનસુખા સામે જોયું. પછી ભીના સાદે બીલયો.,"બેયને હેત પ્રીત સારી હતી. પણ સાપ કરડવાથી લક્ષ્મી ગુજરી ગઈ. પછી આ રમકડાં મનસુખાએ ત્યાં ડાટયાં હશે. તેથી ત્યાં લેવા આવેલો હશે. !"
"ઓહ. .!" મારા મનમાંથી ઉદગાર સરી પડ્યો." મેં કેવો અન્યાય કર્યો!? મને માફ કરજો. મેં ખોટું કર્યું. મારી ભૂલ થઇ છે."
"તમે મોટા માણસો. તમારાથી ભૂલ થોડી થાય??" છોકરાના બાપના બોલ અંગારાની જેમ લાગ્યા.
હું બોલ્યો," એણે મને કીધું હોત તો હું જ તેને આપી દેત.."
" ક્યાંથી બોલે? સાહેબ..! એ બેરો છે અને હાર્યોહાર્ય મૂંગોય મર્યો છે . !" એના બાપની આંખમાંથી દડદડ આંસુ પડ્યા.
ત્યાં મનસુખો ભાગ્યો. મેં એના બાપને પૂછ્યું," એ ક્યાં ભાગ્યો છે?"
" આવો દેખાડું. ! ઝૂંપડાંમાંથી અમે બહાર આવ્યા.
હોકળાને કાંઠે ઢોરા જેવું હતું. મનસુખો છાતીએ ઘંટીને ઘૂઘરો રાખી સૂતી હતો. ને હીબકાં ભરતો હતો.
મેં તેના બાપને પૂછ્યું ,"અહીં કેમ આવીને સુઈ ગયો?"
" સાહેબ .. ત્યાં લક્ષ્મીને દાઢી છે. !!
હું જોતો રહ્યો. દિકમૂઢ થઈ ગયો. મનસુખો હજી મૂંગા મૂંગા હીબકાં સાથે આંસુ પાડતો હતો......!!
■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
