આભડછેટ
માલતી થેલામાં કપડાં ભરવા લાગી. એ દિલીપે જોયું, "આ શું કરે છે માલતી?"મો ચડાવીને માલતી બોલી,"હવે એક મિનિટેય મારે નથી રહેવું"
"પણ..!" દિલીપ બોલ્યો.
"મને ખબર છે. સવારે આવ્યા ને સાંજ પણ નથી થઈ. ત્યાં જ જવાનું નામ લઉં છું.. એમ કહેવું છે ને??"
આભડછેટ - લઘુકથા
"હા."દિલીપે કહ્યું.,"એમ ચાલ્યું ન જવાય. આપણે જેને ફોન પર કહેલ. ઉજ્જૈનથી આવીએ છીએ. બે ત્રણ દિ રોકાવાના છીએ. કેવા રાજી થઈ ગયા હતા, એ તું જાણે જ છે. હવે આમ સાત જ કલાકમાં ચાલ્યા જઈએ તો કેવું લાગે?"
માલતી ધૂંધવાઈ ઉઠી,"તમારા ભાઈબન્ધને કઈ ન લાગ્યું? આવ્યા એટલે તરત આ અલાયદા રૂમમાં મોકલી દીધા."
દિલીપ એના મિત્રનો બચાવ કરતો હોય એમ બોલ્યો,"આપણને આવકાર તો આપેલો. નયનાભાભીએ પણ કેવો મીઠો આવકાર આપ્યો"
"જોયો આવકાર..કોઈના બેસણામાં પરાણે હસતા હોય એમ આઘા રહીને બોલ્યા હતા. જીતુભાઇ એના રૂમના બારણે ઉભા રહયા. નયનાભાભી વળી બાજુના રૂમના બારણે ઉભા હતા. એ ન જોયું તમે.?. કઈ હરખ દેખાયો હતો? એક ડગલું આગળ આવીને કહ્યું..?" માલતી ગુસ્સાથી બોલી.
"જો માલતી, તેઓને એમ હોય કે આપણે દૂરથી આવીએ છીએ. એટલે થાક્યા હઈશું. નિરાંતે ફ્રેશ થઈને મળીએ"
"તમે કઈ બોલશો જ નહીં. અઢાર વરસ પેલા આપણે ત્યાં આ બેય માણસ આવેલા. અઠવાડિયું રોકાયા. મેં ક્યાંય ઉણપ આવવા દીધી હતી? મેમાનને ભગવાનની જેમ રાખ્યા હતા. ત્યારે આ તિથિ છોકરીએ ન હતી. ખબર છે?"
દિલીપ વિચારમાં પડી ગયો. માલતી ખોટી ન હતી. એ અને જીતેન્દ્ર પાક્કા ભાઈ બન્ધ હતા. હા..વેપારમાં જીતુ ખૂબ આગળ વધી ગયો. પૈસા પણ ખૂબ કમાયો. બન્ગલા ગાડી થયા. પણ એથી એ મિત્રતા ભૂલી જાય એવો તો નથી જ. એણે કેમ આવું વર્તન કર્યું એ સમજમાં ન આવ્યું.
સવારે આવ્યા ને તરત જીતુની દીકરીને રૂમ બતાવી જવાનું કહ્યું. ફ્રેશ થયા. ને તરત તેની દીકરી તિથિ જ ચા નાસ્તો લઈને આવી.
નયનાભાભીને ન અવાય? જીતુને આવીને અમારા ખબર અંતર ન પુછાય..!?
દિલીપને પણ આવા વિચારો આવ્યા. બપોર માંડ થયાં. ત્યાં તિથિ જ બે ડીશ ભોજનની આપી ગયી.
માલતી આ બધું જોતી જ હોય ને. તે દિલીપ સામે કાતર મારી રહી હતી-આવો તમારો ભાઈ બન્ધ.. ! એને અહીં મળવામાં શેની આભડછેટ છે..! અને જ્ઞાતિનું ગણતા હોઈએ તો જીતુભાઈ કરતા આપણી જ્ઞાતિ ઉંચી છે.
જોકે બન્ને ક્યારેય એવું વિચારતા નહીં. છતાં આવી રીતનો જીતુ અને એની પત્ની નયનાનો વહેવાર જોઈને મનમાં થાય પણ ખરું જ.
જ્યારે ત્યારે તિથિ આવીને પૂછી જાય. અંકલ કઈ જોઈએ છે?. આંટી કઈ જોઈએ છે?. એ બિચાડી માંડ સતર વરસની. એને કઈ થોડું કહેવાય..!? તોય આવતી. ને ભાવથી બોલાવતી. પણ તેના મમ્મી પપ્પાને આવતા શુ કાંટા વાગે છે..?! જયાં ત્યાંથી આ બલાઓ ટળે એમજ હશે ને.! માલતીનું મગજ ફાટફાટા થવા લાગ્યું.
એટલે એણે થેલો ભરી લીધો. દિલીપને પણ કઈ બોલવા જેવું ન રહ્યું.
ત્યાં તિથિ આવી,"અંકલ સાંજે જમવાનું શું બનાવું?"
"સાંજ પડી..! અને જોઈ લીધી તારા પપ્પાની ભાઈબન્ધી!!.અમે જોઈએ છીએ..!" માલતીએ મોઢે ચોપડાવી દીધું.
પાછળ જ જીતુ અને નયના દૂર ઉભા હતા, જીતુ બોલ્યો," ભાભી એવું નથી. પણ કોરોના.."
જીતુ અડધું વેણ બોલે ત્યાંજ માલતી બોલી ઉઠી,"એટલે ઉજ્જૈનથી અમે આવીએ છીએ..એટલે એમને કોરોના હોય, એમ માનો છો? એટલે આવો આભડછેટ રાખો છો..એમને. ?"
હવે નયના બોલી ઉઠી,"અરે..માલતી ભાભી તમે આ શું કહો છો!! એવું થોડું હોય?"
"તો બીજું શું હોય?" હવે દિલીપથી પણ ન રહેવાયું.
"અંકલ,..!" તિથિની આંખમાં આંસુ આવી ગયા,"મારા મમ્મી પપ્પાને કોરોના છે. એટલે તમને દૂર રાખ્યા. એ હોમ આઇસોલેશનમાં છે!"
માલતીના હાથમાંથી કપડાં ભરેલા થેલાઓ ફસકી પડયાં.....!!!!
■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
