છેલ્લો નિર્ણય
ચાંદનીએ નિર્ણય કરી લીધો. હવે આગળ વધવું નથી. હું ખુદ જઈને નીરજને ના પાડી આવું. -નીરજ ભૂલી જા બધું. એ એક સ્વપ્ન આવેલું. વાસ્તવિકતા કંઇક જુદી જ છે. અને માનવજીવન વાસ્તવિકતા ઉપર ચાલે છે. પ્રેમ, રોમાન્સ, લાગણી આ બધા શબ્દો રૂપાળા જરૂર લાગે છે. પણ નક્કર જીવન સાથે તેને જોડી રાખીએ તો જીવવું દુષ્કર બની જાય.છેલ્લો નિર્ણય
નીરજના ગામે જતી બસમાં ચાંદની બેસી ગઈ. બસ ઉપડી. બસ ઉપડવાની સાથે જ ચાંદનીના વિચારો એ પણ વેગ પકડ્યો.
કોલેજકાળના એ દિવસો પુરા થયા. નીરજ સાથે આંખ મળી ને હૈયું પણ મળ્યું. ખૂબ સાથે ફર્યા. વાતો કરી. આનંદ કર્યો. ભવિષ્યના સપનાઓ જોયા. બન્નેએ પરણવાનો પાકો નિર્ણય પણ કરી લીધેલો.
છુટા પડતી વખતે ચાંદનીની આંખમાં આંસુ પણ ઉભરી આવ્યા," નીરજ હવે કોલેજકાળ પૂરો થયો. તું તારા ગામડે જાય છે. પણ તારા વગર મને એક પળ પણ અહીં નહીં ગમે."
"ચાંદની, હું તને મળતો રહીશ.મારી પણ તારા જેવી દશા થશે."
"પણ મારા માટે હવે અહીં રહેવું મુશ્કેલ છે, નીરજ..! મને પણ તારી સાથે લઈ જા ને.!"
નીરજ હસી પડ્યો,"ચાંદની, ગામડામાં અહીં શહેર જેવું નથી હોતું. અહીં આપણે છૂટથી ફરી શકીએ છીએ. વાતો કરી શકીએ છીએ. ગામડામાં મર્યાદા હોય છે."
ચાંદની સજળ નયને નીરજને તાકી રહી. હૈયામાં હીબકાને સમેટતા બોલી,"નીરજ, મને લઈ જઈશને ?"
"હા, મારા માતા-પિતા સાથે વાત કરીને જરૂર લેવા આવીશ.!"
" ભૂલી તો નહી જાય ને..!"
" ના. "
નીરજ ગયા પછી ચાંદનીનું હૈયું પળેપળ તેને ઝંખવા લાગ્યું. એને થતું હવે નીરજ ક્યારે આવશે!? લગ્ન માટે હા તો પડશે ને!? મને ભૂલી તો નહી જાય ને?"
ચાંદનીની દશા જોઇને એના મમ્મીએ પૂછ્યું, ત્યારે ચાંદનીએ પોતાના અને નીરજ વચ્ચેના પ્રેમની વાત સાફસાફ જણાવી દીધી, "મમ્મી, હું નીરજ વિના નહીં જીવી શકું."
ચાંદની માથે હાથ ફેરવીને તેના મમ્મી બોલી ઊઠી,"જા..બેટા..એમાં આટલી બધી ઉદાસ શા માટે થઇ જાય છે? નીરજને અહીં બોલાવ. અથવા એને મળવા જા.!"
" પણ મમ્મી એ અહીં નથી.."
" તો ક્યાંય વેકેશન ગાળવા ગયો છે?"
" હવે એ અહીં નહીં આવે..!"
" શા માટે ?"
"તે અહીં નથી રહેતો..! મમ્મી, એ તો ગામડે રહે છે. ત્યાંથી અહીં ભણવા આવેલો..!"
"ઓહ...!" ચાંદનીના મમ્મીએ નિસાસો નાખ્યો.
" કેમ શું થયું ?'
"તે પ્રેમ કર્યો તો એક ગામડાના છોકરાને?"
"મમ્મી, નીરજ ખૂબ સારો છે. એની રીતભાત, વિવેક, તમે જુઓ તો...!!"
"ચાંદની..." તેની મમ્મીએ વચ્ચે અટકાવીને કહ્યું, "આખરે તો એ ગામડામાં જ રહેશે ને..!"
" તો શું થયું? હું ત્યાં જઈશ."
" પણ બેટા, ગામડાનું જીવન તને નહિ ગમે. ત્યાં હાડમારી હોય છે."
" કેમ મમ્મી!? નીરજ છેને...!'
" નીરજ ગમશે. પણ ત્યાંના માણસો, તેમના રીતરીવાજ અને ગામડાની ધૂળ..! આ બધું તને બે દિવસ સારું લાગશે, પછી તને નહીં ગમે."
ચાંદની વિચારમાં પડી ગયી.
" જો બેટા, તું જન્મી અહીં. ઉછરી પણ અહી. આ ઉચ્ચ સોસાયટીમાં તારું ઘડતર થયું છે. અને આ આખું વાતાવરણ...!! ત્યાંનું બધું જુદું લાગશે બેટા,!"
" પણ હું એડજસ્ટ થઈ જઈશ..!"
" ના, તું કહે ભલે, પણ વાસ્તવિક જિંદગી જુદી છે. હું તારા પ્રેમનો અનાદર નથી કરતી, પણ સમય વીતશે ત્યારે તને તારું શહેરનું મુક્ત જીવન યાદ આવશે."
ચાંદની વિચારમાં પડી ગઈ. નીરજ કહેતો હતો,"ચાંદની, મારે ગામડે ખેતી છે. આંબાની બાગ છે. સમૃદ્ધ ખેતી છે. અને મને ગામડાનું શાંતિમય, મહેનતુ જીવન જ ગમે છે. હું ત્યાં જ રહીને ખેતી સંભાળી લઈશ."
"તો ભણ્યો શા માટે!?' ચાંદની બોલી ઊઠી. "ગામડામાં રહેવાનું નક્કી જ હતું તો..!!"
"જો, ચાંદની.ભણવું એટલે જીવન કેળવવું. જ્ઞાન મેળવવું. ભણવું એટલે શહેરી જીવન નહીં. ભણવું એટલે ઉચ્ચ હોદ્દો મળવો એ નહીં. મારૂ શિક્ષણ ગામડાના લોકોને કામ આવે, તે માટે ત્યાં જ રહીશ."એ શબ્દો યાદ આવતા ચાંદનીને થયું કે નીરજ તેનું ગામ છોડીને શહેરમાં નહીં જ આવે. નહિતર મમ્મી તેનો સહર્ષ સ્વીકાર કરી લે.
તેના પપ્પાએ પણ ચાંદનીને વાસ્તવિકતા સમજાવી. મમ્મી પપ્પાની વાત સાચી હતી.એ વાત ગળે ઊતરી ગઈ.
હા, નીરજ ને હું ચાહું છું. એ અલગ વાત છે. અને લગ્ન કરીને ગામડામાં જીવન ગુજારવું એ અલગ વાત છે. કલ્પના કરી. વાસ્તવિક જીવન કેવું હશે..! તેનો અનુભવ આંખ મીંચીને ચાંદનીએ કર્યો. ત્યારે તેને લાગ્યું કે મમ્મી પપ્પાની વાત સાવ ખોટી નથી. અને એટલે જ ચાંદની જાતે જઇને નીરજ પાસે ખુલાસો કરી આવું, તેવું વિચારીને નીકળી પડેલી.
બસ નીરજના ગામે આવી પહોંચી. ચાંદની બસમાંથી નીચે ઉતરી. બસ ધૂળ ઉડાડતી રવાના થઈ ગઈ. દિવસમાં માંડ ત્રણથી ચાર વખત બસ આવતી. એટલે બસમાં ચડનારા કે ઉતરનારા, સિવાય બસને આવતી-જતી જોનારા વધારે હતા.
ગામનું સરસ પાદર હતું. પીપર, લીમડાનો છાંયો હતો. ઓટલા હતા. ત્યાં ઘણા માણસો બેસતા.
બસમાંથી કોણ ઉતરે છે? કોણ ચડે છે? એ જોતા. ચાંદની ને જોઈને બધાએ એકસામટું ચાંદની સામે જોયું. કોણ હશે? ક્યાં જવું હશે? એના અનુમાનો થવા લાગ્યા.
" નીરજ ક્યાં રહે છે?" ચાંદનીએ પૂછ્યું.
" અરે દીનુકાકા, તમારા નીરજનું પૂછે છે..!"
" એમ ?" કહેતા દીનુકાકા ઓટલેથી ઊંભા થયા.
"દીકરી .!" કહીને દીનુકાકા ચાંદનીને ધારી ધારીને જોવા લાગ્યા.
"નીરજ મળશે?' ચાંદની દીનુકાકા સામે જોઈ રહી.
"ચાલ," દીનુકાકા લાકડી ઠપકારતા આગળ ચાલવા લાગ્યા. ચાંદની તેની પાછળ-પાછળ ચાલી.
મોટા ડેલામાં ટ્રેક્ટર પડ્યું હતું. આગળના ભાગે ખાટલા પડેલા. વિશાળ વન્ડો વાળેલો. સામે હારબંધ પાકા ઓરડા હતા. ફળિયામાં લીંબુડીના ઝાડ હતા. ગુલમોહર અને આસોપાલવ હતા. આંગણામાં ડંકી હતી. એક તરફ ભેંશ અને ગાયો બાંધેલી હતી.
"નીરાની બા..!" પગ મુકતા દીનુકાકાએ બૂમ પાડી." જો, મહેમાન આવ્યા છે..!"
કાંતાબેન માથે ઓઢીને ઓરડા બહાર આવ્યા. તે ચાંદનીને જોઈ રહ્યા,"દીકરી..!" કહીને ચાંદનીના દુઃખણા લીધા. હાથની દસે આંગળીના ટચાકિયા ફૂટી ગયા.
"લે, દીકરી . !!." કહીને કાંતાબેન પાણી લાવ્યા. ચાંદની આશ્ચર્યથી જોઈ રહી..
" નીરજ છે?" ચાંદનીએ પૂછ્યું.
"ના બેટા, એ તો બાગમાં ક્યારા કરવા ગયો છે." દીનુકાકા ચાંદની સામે જોઈ રહ્યા.
"તમે મને ઓળખો છો?"
"ના ઓળખાણ પાડે તો ઓળખે ને !!" કાંતાબેન બોલ્યા," ચા પીવી છે ને ?"
"તમે ઓળખતા નથી, તો પછી મને આમ....!!"
"તે શું થયું ??આંગણે આવેલા અમારા માથા પર હોય છે.." દીનુકાકા બોલ્યા.
"એ તો દેવ સમાન હોય છે."કાંતાબેન બોલ્યાં.
ચાંદનીના દિલમાં આ વાત પ્રસરી ગઈ. એ જોઈ રહી. આ બંને આધેડ દંપતીમાં ક્યાંય દમ્ભ દેખાતો ન હતો. આંગણે આવેલા માટે જબરો આદર હતો.
"ક્યાંથી આવે છે દીકરી?" કાંતાબેન ચાનો કપ આપતા બોલ્યા.
" હું ચાંદની છું. હું, નીરજ કોલેજમાં સાથે ભણતા." ચાંદની બોલી.
દીનુકાકા ને કાંતાબેન એકમેકની સામે જોઈ રહ્યા. ને પછી એક સાથે બંને એ ચાંદની સામે જોયું.
"અરે જોઈ શું રહ્યા છો? જાવ નીરાને બોલાવો...! ઘરે લક્ષ્મી પધાર્યા છે. એના કંકુ વરર્ણા પગલા થયા છે. ઘરે લક્ષમી આવી છે." કાંતાબેન હરખાયા. અને ખીસ્સીમાંથી નાનો બટવો કાઢીને પાંચ રૂપિયા ચાંદનીના હાથમાં મુક્યા.
ચાંદની અવાક થઇને જોવા લાગી.
"બેટા આ શુકન કહેવાય. તે અમારું આંગણું પાવન કર્યું છે."
થોડીવારમાં નીરજ અને દીનુકાકા આવ્યા. નીરજ ચાંદનીને તાકી રહ્યો.
"એલા નીરા, તે કીધું પણ નહિ કે આપણા ઘેર વહુરાણી આવવાની છે."કાંતાબેને ખોટો રોષ કર્યો. નીરજ શરમથી આંખ ઝુકાવી ગયો. કાંતાબેન ચાંદનીના માથે વહાલથી હાથ ફેરવવા લાગ્યા.
"હું મારો નિર્ણય આપવા આવી છું." ચાંદની બોલી.
ત્રણેએ ચાંદની સામે જોયું. એની આંખોમાં પ્રશ્નાર્થ હતો..
"બસ, હું હવે વહુ થઈને આવીશ. આ ઘરમાં જ આવીશ."
અને ચાંદનીને દુપટ્ટો માથે ઓઢી લીધો. દીનુ કાકાને પગે લાગી.કાંતાબેન પાસે ગઈ તો કાંતાબેને તેને પોતાની છાતીએ વળગાડી. અને વહાલથી નવરાવી નાખી.
અને નીરજ શરમાય ડેલીની બહાર દોડી ગયો.
■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
