વલોપાત - લઘુકથા

Related

વલોપાત ..!

"ગોપી, બહાર આવ હવે! આમ અંધારા રૂમમાં ભરાઈને ક્યાં સુધી બેસી રહીશ? બહાર આવી જમી લે." માનો કર્કશ અવાજ રૂમની બહારથી આવ્યો.

"મારે નથી જમવું મા! તમે લોકો શાંતિથી જમો હવે આ ઘરમાં, જે ઘર બચાવવા તમે મારું હસતું-રમતું ઘર ઉજાડી નાખ્યું!" ગોપીએ અંદરથી જ રાડ પાડી.

વલોપાત - લઘુકથા
વલોપાત - લઘુકથા

"હવે આઠ વર્ષ થઈ ગયાં એ વાતને! તું ક્યાં સુધી રવિના વિચારોમાં બળ્યા કરીશ?" માએ બારણું ખખડાવતાં કહ્યું.

"મારો રવિ હવે બે બાળકોનો બાપ બની ગયો છે મા! એનું નવું ઘર વસી ગયું, પણ તમે લોકોએ મને ક્યાંયની ના રાખી!!" ગોપીનું મગજ બહેર મારી ગયું હતું!

તેને બરાબર યાદ હતો એ દિવસ, જ્યારે એ લગ્ન કરીને સાસરે ગઈ હતી! સાસરામાં કેટલું સુખ હતું, પોતાને દીકરીની જેમ રાખતા! પણ મા અને બહેનોની ખોટી ચડામણીથી આજે તે ક્યાંયની ના રહી!!

"જો ગોપી, તારા સસરાની આટલી બધી મિલકત છે. તું કંઈક તો તારા પિયરનો વિચાર કર!" ફોન પર એની મા રોજ મીઠું ઝેર રેડતી.

"મા, પણ રવિ અને સાસુ-સસરા બહુ સારા છે! મને ત્યાં કોઈ વાતની કમી નથી." ગોપી ભોળપણથી કહેતી.

"પણ બેટા! એ ડોસા-ડોસીનું શું નક્કી? કાલ સવારે કંઈક ઊંચનીચ થાય તો મિલકત પર તારો શું હક્ક રહેશે બોલ? માએ કહ્યું.

"મિલકત તારા નામે થાય, તો ભાઈઓ જે હપ્તા ભરીને થાકી ગયા છે, એમને રાહત મળે ને! જો એ લોકો ના પાડે તો ડરતી નહીં! અમે તારી પાછળ બેઠા છીએ!!" બહેને ચડામણી કરી.

"પણ બહેન, મારા સાસુ તો મને દીકરીની જેમ રાખે છે. સવારે ઉઠું એ પહેલાં તો મારું અને રવિનું ટિફિન બની ગયું હોય છે." ગોપીએ સાચું જ કહ્યું.

"એ બધો દેખાડો હોય છે ગોપી! તારા બાપે તો દાદાની બધી મિલકત અવળા ધંધામાં ઉડાડી દીધી, એટલે અમને ખબર છે દુનિયાદારીની. તું હવે રવિને કહીને મિલકત તારા નામે કરાવી જ લે." માએ હુકમ કર્યો.

પિયરવાળાઓની વાતોમાં આવીને ગોપીએ એ જ દિવસથી રવિ સાથે કકળાટ ચાલુ કર્યો! "રવિ, મારે આ સંયુક્ત કુટુંબમાં નથી રહેવું! તું કાલે જ પપ્પાને કહીને મિલકતમાં આપણો ભાગ અલગ કરાવી લે." ગોપીએ બોમ્બ ફોડ્યો.

"અરે ગોપી, અચાનક તને શું થઈ ગયું? આ બધી મિલકત છેવટે તો આપણી જ છે ને! તો મા-બાપથી અલગ થઈને શું ફાયદો?" રવિએ તેને સમજાવવાની કોશિશ કરી.

"મારે કોઈ લાંબી વાત નથી સાંભળવી. જો તું મને અલગ મકાન અને મિલકતમાં અડધો ભાગ નહીં અપાવે, તો હું કાલે જ મારા પિયર જતી રહીશ." આટલું કહી ગોપી સડસડાટ રૂમની બહાર નીકળી ગઈ.

બીજા દિવસે સવારે ગોપીએ સાસુ-સસરા સાથે ના બોલવાના વેણ કહ્યા! "વહુ બેટા, અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો કહે, પણ આમ ઘર તોડીને નોખાં થવાની વાત ના કર, સમાજ શું કહેશે!" સસરાએ હાથ જોડ્યા.

"તમારો સમાજ તમે સંભાળો! મારે તો મારો ભાગ જોઈએ છે." કહીને ગોપીએ જ દિવસે સામાન બાંધીને પિયર ચાલી ગઈ.

પિયરમાં આવ્યા પછી લગભગ પંદર દિવસ બાદ એકવાર રવિ એને મનાવવા આવ્યો. "ગોપી, ચાલ હવે ઘરે પાછી આવી જા. જે થયું તે ભૂલી, આપણે નવી શરૂઆત કરીશું. મમ્મી-પપ્પા બહુ દુઃખી છે તારા વગર." રવિએ આજીજી કરી.

"ના રવિ, જ્યાં સુધી પપ્પા મિલકત આપણા નામે નહીં કરે, ત્યાં સુધી હું નહીં આવું!" ગોપીએ અહંકારથી કહ્યું.

આ સાંભળીને ગોપીના પિતા આગળ આવ્યા. "જુઓ કુમાર, મારી દીકરી હવે તમારા ઘરમાં ત્યારે જ પગ મૂકશે, જ્યારે એના હાથમાં મિલકતના તમામ કાગળ હશે!" રવિ નિરાશ થઈ દુઃખી હૃદયે પાછો જતો રહ્યો. રવિના ગયા પછી તરત જ પિતાએ એમના ઓળખીતા એક વકીલને ઘરે બોલાવ્યો.

"જુઓ વકીલ સાહેબ, આ લોકો પાસે બહુ પૈસો છે. તમે એમના પર દહેજનો અને ત્રાસ ગુજારવાનો એવો કેસ ઠોકી દો કે એ લોકો સીધા મિલકત આપી દે." પિતાએ સિગારેટ સળગાવતાં પોતાની વાત વકીલ આગળ મૂકી!

"અરે, તમે બિલકુલ ચિંતા ના કરો. આપણે એવો સજ્જડ કેસ કરીશું કે પોલીસના ડરથી એ લોકો સામે ચાલીને સમાધાન કરવા આવશે." વકીલે પણ પોતાની ફી ની લાલચમાં આગમાં ઘી હોમી દીધું.

"ગોપી, તારે કોર્ટમાં જઈને માત્ર એટલું જ બોલવાનું છે કે તારા સાસુ-સસરા તને ભૂખી રાખતા અને દહેજ માટે રોજ ટોર્ચર કરતા. બાકી બધું હું સંભાળી લઈશ." વકીલે ગોપીને પટ્ટી પઢાવી દીધી.

લાલચમાં અંધ થયેલી ગોપીએ પોતાના જ નિર્દોષ પરિવાર પર ખોટો કેસ કરી દીધો. પણ કોર્ટમાં જૂઠ લાંબુ ના ટક્યું.

"ગોપીબેન, તમારા સાસુ-સસરા પર લગાવેલા બધા જ આરોપો પાયાવિહોણા સાબિત થાય છે. વળી, હયાત મા-બાપની સ્વપાર્જિત મિલકત પર દીકરા કે વહુનો કોઈ સીધો હક્ક બનતો નથી." જજે અંતિમ ચુકાદો આપ્યો.

આ ચુકાદો સાંભળીને ગોપીના પગ નીચેથી જમીન ખસી ગઈ! એને ખબર પડી ગઈ કે એણે સોનાની લગડી જેવો પરિવાર કાયમ માટે ગુમાવી દીધો છે. સાસરીયાવાળા નિર્દોષ છૂટી ગયા અને રવિએ ગોપી સાથે કાયમી છૂટાછેડા લઈ લીધા.

આજે આઠ વર્ષ પછી એ જ પિયરના રૂમમાં ગોપી રડી રહી હતી. "મા, તમે લોકોએ ખોટો કેસ કરાવીને મારી જિંદગી વેરવિખેર કરી નાખી!

"હવે જે થઈ ગયું તે થઈ ગયું ગોપી! રડવાથી કંઈ વળવાનું નથી." માએ નિર્દયતાથી મોઢું ફેરવી લીધું.

"કાશ! એ દિવસે રવિ લેવા આવ્યો ત્યારે હું એની સાથે ચાલી ગઈ હોત! તો આજે હું એના ઘરની રાણી હોત." અને ગોપી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

■ હરેકૃષ્ણ ..©

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"