કાંઈક ભાળી ગયા !
એકાએક ભાયસનકાકાના નસખોરાં બોલતા બંધ થઈ ગયા. ખરડ...ખરડ... બોલતાં નસખોરાં પોરો ખાઈ ગયાં. ના હો.. ! એ મરી નહોતા ગયા. પણ અચાનક એની ઊંઘ ઊડી ગયી. દુકાનમાં કંઈક ખખડાટ થયો, એટલે ઝબકીને જાગી ગયા.કાંઈક ભાળી ગયા !
ગામડામાં પેલાના વખતમાં ઠીક ઠીક એકાદ વેપારી હોય. દુકાનમાં ખાપણથી માંડીને ખાંડ સુધી, મોભિયાથી માંડીને મલમલના કાપડ સુધી બધું જ મળે. દુકાન અને ઘર લગભગ એટેચડ હોય. ઘરમાંથી બહાર આવે એટલે ઓછરી, ઓછરીએથી નીચે પગ મૂકે એટલે ફળિયું. ફળિયું વટાવે એટલે તરત દુકાનનું પાછળનું બારણું આવી જાય. દુકાનમાં જઈને બજારમાં પડતું મેઈન ડોર ખોલે. એટલે સીધી બજાર દેખાય. આગળ ઊંચો ઓટલો આવી જાય. આ એ વખતની લેટેસ્ટ સુવિધા. ગામડાનો મોલ કહો તો મોલ. અહી બધું મળે.
ભાઇસનકાકા મોલના માલિક, કમ કેશિયર, કમ ગુમાસ્તા પણ ખરા.
શાહુકારોમાં આવા વેપારીની ગણતરી થાય. અને ગામના આગેવાન તથા મહાજન પણ ગણાય. આબરૂદાર અને અક્કલવાળા પણ ગણાય.
ભાઈસનકાકાની નીંદર એકાએક ઉડી ગયી. દુકાનમાં ખખડાટ ?નકકી ઉંદરડાઓ આવ્યા લાગે છે.
પથારીમાંથી ઊભા થયા - ઉંદરડાઓ હળી જશે તો રોજ કંઈને કંઇ નુકશાની કરશે.! આવું વિચારી, હાથમાં સોટી લઈને ફળિયામાં આવ્યા. ખખડાટ બંધ થઈ ગયો.
મારા બેટા ઉંદરડા..! ખબર પડી ગયી લાગે છે કે હું સોટી લઈને આવું છું. એટલે ચૂપચાપ થઈ ગયા. કાં દવા મૂકી છે, તે ખાઈને ટોલી ગયા હશે.
હાથમાં પાવરવાળી બતી હતી. ફળિયામાં પડતું દુકાનનું બારણું ભાઇસનકાકાએ ખોલ્યું. અને બતીની લાઈટનો શેરડો ચારે તરફ ફેરવ્યો. અનાજની ગુણ આડે બે તગતગતી આંખો દેખાણી.
"અરે દામાભાઈ તમે ?"ભાઇસનકાકાને માનવામાં નહોતું આવતું.
દામાભાઈ એટલે પાંચ માણસમાં પૂછાતો માણસ. આબરૂદાર માણસ. જેને ભીડ પડી હોય એની પડખે ઉભો રહે એવો માણસ. આખા એરિયામાં દામાભાઇનું નામ માનથી લેવાતું.
"માફ કરો શેઠ, મને માફ કરો,..!"દામાભાઇ હાથ જોડીને ઊભા થયા.
"પણ દામભાઈ, આમ રાતે ચોરની જેમ આવવાની શી જરૂર હતી? તમે હજારો રૂપિયાનો માલ માગ્યો હોય, તો પણ હું ના પાડું ?"ભાઈસનકાકા દામાભાઇનો લાગણીથી હાથ પકડી બોલ્યા.
"તમે ન આપો શેઠ..! ન આપો ..! એટલે મારે...." દામાભાઇ આગળ ન બોલી શક્યા.
"કેવી વાત કરો છો દામભાઈ? તમારી પાસે મારા બાકી પૈસા એટલે સોનાની ભીંતમાં જ હોય. મારા પેટનું પાણી પણ ન હલે..હો..!"
દામાભાઈ કંઈ ન બોલી શક્યા.
"બોલો, શું જોઈએ છે..? સવારે ઘેરે પુગાડી દઉ..!"
"તમે નહીં આપો હો..? એટલે જ ઈ વસ્તુ લેવા આવેલો.."દામાભાઈએ કહ્યું.
"અરે..બોલો તો ખરા..! ભલા માણસ..! ભાઈસન બોલ્યો ન ફરે.!"
"ઝેર..!"
"હે..?"
"હા, હું ઝેર લેવા આવેલો. જે તમે ઉંદરને મારવા વાપરો છો એ.."દામાભાઈ બોલ્યા.
ઘડીક ભાઇસનકાકા અવાક થઈ ગયા. કંઈ બોલી શક્યા નહિ. "પણ એવું તે શું થયું?" માંડ માંડ પૂછી શક્યા.
"દીકરી વિજયાનું આણું કરવાનું છે. ઘરમાં રાતી પાઈ નથી. સમાજે મને મોટો બનાવી દીધો છે. દીકરીને મેણાં ન લાગે એવું આણું મારાથી થાય એમ નથી..! બીજો કોઈ ઉપાય ન મળ્યો.." દામાભાઈ માંડ બોલી શક્યા.
"બે મિલિટ..! આવું હમણાં." ભાઈસનકાકા ઘરે જઈને તરત આવ્યા, "લ્યો,"કહીને એક ઘરેણાંની પોટલી દામાભાઈના ખિસ્સામાં નાખી."જાવ, હવે કંઈ બોલ્યા વિના ચૂપચાપ ઘેરે જાવ. બજારનું બારણું ખોલું છું."
દામાભાઈ બજારમાં નીકળીને ગયા. તો શેરીમાં કૂતરાઓ ભસવા લાગ્યા.
પડોશમાં રહેતા મેણસી, સવાભાઇ જાગી ગયા. લાકડીઓ લઈને. ચોર હશે એવું સમજીને બહાર નીકળ્યા." કોણ હતું ભાઈસનકાકા?"
"અરે એની ભલી થાય..! દુકાનમાં ખખડાટ થયો, મે આવીને જોયું તો કોઈ નહીં. બારણું ખોલીને બહાર આવીને જોયું.. પણ કોઈ દેવતાઈ પુરુષનો મને ભાસ થયો...! "ભાઈસનકાકા હસવા લાગ્યા."જાવ સુઈ જાવ, આવું બન્યા કરે...! કારણ વગરની નીંદર બગાડી..તમારી!"
ત્યારે હમણાં જ બંધ થયેલી દામાભાઈનાં ઘરની ડેલીનાં બારણાને બંધ થવાનો ખટક અવાજ બધાએ સાંભળ્યો.
ભાઇસનકકાએ બારણું બંધ કર્યું. જાણે પોતે કંઈ જ ભાળ્યું નથી..!
■ વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
