આંધળી દોટ! - આજની વાસ્તવિકતા
આજે તમે કોઈપણ મોલ કે કેફેમાં જાઓ, યુવાનોના હાથમાં મોંઘા સ્માર્ટફોન, પગમાં જાણીતી બ્રાન્ડના શૂઝ અને કપડાં પર મોટા અક્ષરે લખેલા લોગો સામાન્ય બની ગયા છે.આંધળી દોટ!
બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવી એ આજકાલ માત્ર શોખ નથી રહ્યો, પણ સમાજમાં પોતાનું 'સ્ટેટસ' બતાવવાનું એક માધ્યમ બની ગયું છે. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે: શું આપણે ખરેખર આપણી જરૂરિયાત માટે ખરીદી કરીએ છીએ, કે પછી માત્ર દેખાદેખી માટે?
અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે, જે લોકોની 'ઇન્કમ' સારી છે અને જેઓ આવા ખર્ચા આસાનીથી 'અફોર્ડ' કરી શકે છે, તેમના માટે મોંઘી કે બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવી બિલકુલ ખોટી નથી.
સારી 'ક્વોલિટી'ની વસ્તુઓ વાપરવાનો સૌને હક છે. પોતાના કમાયેલા પૈસા પોતાની 'લાઈફસ્ટાઈલ' પાછળ વાપરવા એ તેમનો અધિકાર છે, અને તેમાં કોઈ જ વાંધો હોવો પણ ના જોઈએ.
પરંતુ, ચિંતાનો વિષય ત્યારે ઊભો થાય છે જ્યારે આ "બ્રાન્ડ કલ્ચર"ની અસર આપણા 'મિડલ ક્લાસ' પર હદ કરતાં વધુ થવા લાગે છે.
આજે ઘણા યુવાનો અને 'ફેમિલી' એવા છે, જેઓની મહિનાની આવક 'લિમિટેડ' હોય છે. છતાં માત્ર ચાર લોકોમાં વટ પાડવા અથવા પોતાના 'ફ્રેન્ડ સર્કલ'માં પાછળ ન રહી જવાય તેવી ખોટી ધારણાઓથી ગજા બહારનો ખર્ચ કરી બેસે છે.
વીસ હજારના પગારમાં પચાસ હજારનો ફોન લેવા માટે 'ઈએમઆઈ' (EMI) ની સિસ્ટમ અપનાવવી, એ આર્થિક રીતે પગ પર કુહાડી મારવા સમાન છે. માત્ર એક બ્રાન્ડનો લોગો બતાવવા માટે લોકો 'ક્રેડિટ કાર્ડ'ના દેવામાં ડૂબી રહ્યા છે.
આ દેખાદેખીની બીમારી માત્ર ગેજેટ્સ કે કપડાં સુધી જ સીમિત નથી રહી; તે આપણા સામાજિક પ્રસંગો, ખાસ કરીને લગ્નોમાં પણ પ્રવેશી ચૂકી છે. આજકાલ લગ્ન એ બે જીવોનું મિલન ઓછું અને કોની પાસે કેટલો રૂપિયો છે એનું 'એક્ઝિબિશન' વધુ બની ગયા છે.
જરૂર ન હોવા છતાં લાખો રૂપિયાના વિશાળ મંડપ, આંખો આંજી દેતી 'લાઈટિંગ' અને મોટા મોટા 'ડીજે' (DJ) ના કાન ફાડી નાખે એવા ઘોંઘાટ પાછળ પાણીની જેમ પૈસા વેરવામાં આવે છે. આ ઘોંઘાટથી માત્ર આપણા સ્વાસ્થ્યને જ નુકસાન નથી થતું, પણ અબોલ પશુ-પક્ષીઓ અને સમગ્ર પ્રકૃતિને પણ આપણે ભારે નુકસાન પહોંચાડી રહ્યા છીએ.
જમણવારમાં પણ એટલી બધી 'વેરાયટી' રાખવામાં આવે છે કે અડધાથી વધુ ખાવાનું તો એમને એમ કચરાપેટીમાં જાય છે. આ બધું માત્ર એટલા માટે, કે આવનારા મહેમાનો વાહ-વાહ કરે!!
સૌથી દુઃખદ વાત એ છે કે, ઘણીવાર પિતાની આર્થિક પરિસ્થિતિ આ બધા ખર્ચાને પહોંચી વળવા સક્ષમ નથી હોતી. છતાં, બાળકોના દબાણને કારણે કે પછી સમાજમાં 'સ્ટેટસ' જાળવી રાખવાના ખોટા ડરથી, એક 'મિડલ ક્લાસ' પિતા મને-કમને પણ વ્યાજે પૈસા લાવીને કે આખી જિંદગીની પૂંજી લગાવીને પણ આ દેખાડો કરવા મજબૂર બને છે. અને આ દેખાદેખીમાં સંતાનોની જિદ્દ તેમને દેવાના ઊંડા કૂવામાં ધકેલી દે છે.
લગ્નોની સાથે-સાથે હવે 'બર્થડે પાર્ટી'ઓનો ટ્રેન્ડ પણ સિટીથી લઈને છેક ગામડાં સુધી પહોંચી ગયો છે. પહેલાના જમાનામાં તો આવું કંઈ હતું જ નહીં પણ આની શરૂઆતમાં જે જન્મદિવસ ખાલી મીઠાઈ વહેંચીને કે મંદિરે દર્શન કરીને સાદગીથી ઉજવાતો, તે આજે લાખોના ખર્ચાવાળી 'ઇવેન્ટ' બની ગયો છે.
મોંઘી 'થીમ ડેકોરેશન', વળતા રિવાજ તરીકે અપાતા 'રિટર્ન ગિફ્ટ્સ' અને મોટા બેન્ક્વેટ હોલ બુક કરાવવાનો જાણે એક વણલખ્યો નિયમ બની ગયો છે. પાડોશીના બાળકની પાર્ટી કરતાં પોતાના બાળકની પાર્ટી વધુ ભવ્ય હોવી જોઈએ, એ સ્પર્ધામાં માતા-પિતા પોતાની બચત તોડી રહ્યા છે.
આ દેખાદેખીના રોગમાં હવે વાહનોની 'રેસ' પણ ભળી ગઈ છે! માત્ર સોશિયલ મીડિયા પર 'રીલ્સ' (Reels) બનાવવા અને 'લાઈક્સ' મેળવવાની લ્હાયમાં, યુવાનો દેવું કરીને મોંઘી કાર કે 'સ્પોર્ટ્સ બાઈક' ખરીદે છે.
પછી બે ઘડીની વાહ-વાહી લૂંટવા જાહેર રસ્તાઓ પર સ્ટંટ કરવા કે જીવલેણ ઝડપે રેસ લગાવીને પોતાનો જ નહીં, પણ રસ્તે ચાલતા નિર્દોષ લોકોનો જીવ પણ જોખમમાં મૂકે છે. મોંઘી ગાડીઓમાં બેસીને કાયદાઓ તોડવા એ આજકાલ 'વટ'નો વિષય બની ગયો છે.
આ માત્ર આર્થિક પાયમાલી નથી, પણ યુવાનોની જિંદગી સાથેની સૌથી ખતરનાક રમત છે. ક્યારેક શાંતિથી વિચારજો, શું આ ખરેખર ભારતીય સંસ્કૃતિ છે?!
આપણી સંસ્કૃતિ તો સાદગી, બચત અને સંતોષ શીખવે છે. આપણા વડવાઓએ હંમેશાં મહેનતની કમાણીને સારા કાર્યોમાં વાપરવાની અને મુશ્કેલ સમય માટે બચાવવાની સલાહ આપી છે.
પરંતુ આજે આપણે દેખાદેખીમાં એવા તો આંધળા થયા છીએ કે આપણી મૂળ ઓળખ જ ભૂલી ગયા છીએ. માત્ર બે કલાકના દેખાડા માટે વ્યાજે પૈસા લાવવા કે દેવું કરવું, એ આપણી સંસ્કૃતિ નથી, પણ આપણી સમજણનું દેવાળું છે!
આ પરિસ્થિતિ 'ફ્યુચર' માટે ખૂબ જ 'રિસ્કી' છે. જ્યારે કોઈ અચાનક મેડિકલ ઈમરજન્સી આવે, ત્યારે આ બ્રાન્ડેડ વસ્તુઓ કે લગ્ન-પાર્ટીઓનો આ ખોટો દેખાડો કોઈ કામમાં નથી આવતો, ત્યારે કામ આવે છે માત્ર તમારું 'સેવિંગ્સ'.
ખરી ખુશી અને સંતોષ બ્રાન્ડેડ વસ્તુઓમાં નહીં, પણ 'ફાઇનાન્સિયલ સિક્યુરિટી' અને માનસિક શાંતિમાં છે. જે કપડાં કે શૂઝ તમને 'કમ્ફર્ટ' આપે અને તમારા 'બજેટ'માં હોય, તે જ તમારા માટે 'બેસ્ટ' છે.
"બ્રાન્ડ" એ માત્ર એક નામ છે જે કંપનીઓ માર્કેટિંગ માટે વાપરે છે. સાચું સ્ટેટસ તો તમારા 'નેચર', તમારા કામ અને તમારી સાદગીમાં છે.
આ લેખ કોઈને નીચા દેખાડવા કે કોઈના શોખ પર કાપ મૂકવા માટે નથી. આ માત્ર એટલું જ સમજાવવાનો પ્રયાસ છે કે, આપણા પૈસા ક્યાં વપરાય છે તેનું 'પ્રોપર પ્લાનિંગ' હોવું જરૂરી છે.
પોતાની ચાદર જોઈને જ પગ ફેલાવવા, એ કહેવત આજે પણ એટલી જ સાર્થક છે. શોખ પૂરા કરો, પણ એવા નહિ જે તમને પાયમાલ કરી દે. સાચી બ્રાન્ડ તો તમારી પોતાની ઓળખ છે, તેને મજબૂત બનાવો!
આ લેખને અંતે મારે મારા ભારતના નવયુવાનોને માત્ર એટલું જ કહેવાનું છે કે આવા "બ્રાન્ડ્સ" અને દેખાદેખીના ચક્કરમાં ફસાઈને તમારા મા-બાપને રડાવશો નહીં. તેઓ રડીને તમને દેખાડશે નહી, અને તમે એમના વ્હાલા સંતાન છો આથી મનાઈ પણ નહી કરી શકે પણ તમારા આવા તોતિંગ ખર્ચાઓ જોઈને અંદરથી તૂટી જશે!!
તેથી તેમને કોઈ ગજા બહારનો ખર્ચો કરાવતા પહેલા..જે ચહેરા પાછળ તમારા "ફ્યુચર" માટે તેમની તનતોડ મજૂરી અને વર્ષોની "વેદના" છૂપાયેલી હોય છે પાસે બેસી એ ચહેરો એકવાર તો નિરખી લેજો.
■ હરેકૃષ્ણ જાની
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
Stories
