"વળતા પાણી!"- સમય જરૂર પાછો ફરે છે!

Related

"વળતા પાણી!"- સમય જરૂર પાછો ફરે છે!

રવિવારની સવાર હતી. સૂર્યકાંત અને તેની પત્ની દિપાલી ડાઇનિંગ ટેબલ પર બેસીને આરામથી બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા. બાજુની ખુરશી પર સૂર્યકાંતના પિતાજી, વસંતરાય પણ બેઠા હતા. ઉંમર હવે પંચોતેરને પાર કરી ગઈ હતી. પાર્કિન્સન્સની બીમારીને કારણે તેમના હાથ સતત ધ્રૂજતા રહેતા.

વળતા પાણી - વાર્તા
"વળતા પાણી!"- સમય જરૂર પાછો ફરે છે!

દિપાલીએ પિતાજીની પ્લેટમાં ગરમાગરમ ઉપમા પીરસ્યો. વસંતરાયે ચમચીથી ઉપમા ખાવાનો પ્રયત્ન કર્યો, પણ હાથ ધ્રૂજતો હોવાથી અડધો ઉપમા પ્લેટની બહાર અને ડાઇનિંગ ટેબલ પર ઢોળાઈ ગયો.

દિપાલીથી રહેવાયું નહીં, તેનું મોઢું બગડી ગયું. "યાર સૂર્યકાંત, આ રોજનું થયું હવે. કાલે સૂપ ઢોળ્યું અને આજે આ ઉપમા. આખું ટેબલ ગંદુ કરી મૂકે છે. મને સવાર સવારમાં આ ક્લિનિંગ નથી ગમતું."

સૂર્યકાંતે પણ પત્નીના સૂરમાં સૂર પુરાવ્યો, "પપ્પા, તમને કેટલી વાર કહ્યું છે કે શાંતિથી ખાવ ને! આમ કેમ બધું ઢોળો છો? જુઓ તો ખરા, આ આખુંય ટેબલ કેવું કરી નાખ્યું."

વસંતરાયે નીચું જોઈ લીધું. ધ્રૂજતા અવાજે એટલું જ બોલ્યા, "સોરી બેટા, હાથ ધ્રૂજે છે એટલે કંટ્રોલ નથી રહેતો."

પણ સૂર્યકાંતને જાણે આ વાત સમજવી જ નહોતી. તેણે દિપાલીને કહ્યું, "એક કામ કર દિપાલી, કાલથી પપ્પાનું જમવાનું એમના રૂમમાં જ આપી દેજે. ત્યાં એમને ફાવે એમ નિરાંતે જમે. આપણું ડાઇનિંગ ટેબલ તો ચોખ્ખું રહે."

દિપાલીએ તરત જ હા પાડી દીધી. વસંતરાય કશું બોલી ન શક્યા. બસ, ચૂપચાપ ઉભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા. એ દિવસથી વસંતરાયનું જમવાનું ડાઇનિંગ ટેબલ પરથી ખસીને તેમના રૂમના એક નાના લાકડાના ટેબલ પર આવી ગયું.

રૂમમાં એકલા બેસીને જમતી વખતે વસંતરાયની આંખોમાંથી આંસુ સરી પડતા. જે દીકરાને નાનપણમાં પોતાના હાથે કોળિયા ભરાવ્યા હતા, આજે એ જ દીકરાએ તેમને પોતાની સાથે જમવા બેસાડવાને લાયક ન ગણ્યા. પણ તેઓ કોઈને કશું કહી ન શક્યા. ઘરની શાંતિ જળવાઈ રહે એટલે ચૂપચાપ રૂમમાં જ જમી લેતા.

સમય વીતતો ગયો. થોડા જ વર્ષોમાં બીમારી વધતા વસંતરાય આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

સમયનું ચક્ર ક્યાં કોઈના માટે ઉભું રહે છે! જોતજોતામાં ત્રીસ વરસ વીતી ગયા. સૂર્યકાંતનો દીકરો હેમલ હવે મોટો થઈ ગયો હતો અને મલ્ટીનેશનલ કંપનીમાં સારા પેકેજ પર જોબ કરતો હતો. હેમલના લગ્ન પણ થઈ ગયા હતા અને તેની પત્ની અદિતિ ઘર બહુ સરસ રીતે સાચવતી હતી.

લગ્ન પછી થોડા જ સમયમાં દિપાલીબેને ટુંકી બીમારીમાં સૂર્યકાંતભાઈને એકલા છોડી અનંતની વાટ પકડી લીધી હતી અને સૂર્યકાંતભાઈ પણ આઘાત અને સમય સાથે હવે વૃદ્ધ થઈ ગયા હતા.

એક દિવસ સૂર્યકાંતભાઈને અચાનક હાથમાં કંપન મહેસૂસ થવા લાગ્યું. ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે તેને પણ પિતાની જેમ પાર્કિન્સન્સ શરૂ થઈ ગયો છે. ધીમે ધીમે સૂર્યકાંતભાઈના હાથ પણ ખાસ્સા ધ્રૂજવા લાગ્યા.

એક સાંજે હેમલ ઓફિસેથી આવ્યો. ત્રણેય જણા ડાઇનિંગ ટેબલ પર ડિનર કરવા બેઠા. અદિતિએ સૌને ગરમાગરમ દાળ-ભાત પીરસ્યા. સૂર્યકાંતભાઈ દાળ-ભાત ખાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ચમચી મોઢા સુધી પહોંચે તે પહેલાં જ ધ્રૂજતા હાથને કારણે દાળ-ભાત ટેબલ પર અને સૂર્યકાંતભાઈના કપડાં પર ઢોળાઈ ગયા.

સૂર્યકાંતભાઈ એકદમ ગભરાઈ ગયા. તેને વીસ વર્ષ પહેલાંનો એ દિવસ યાદ આવી ગયો. તેને થયું કે હમણાં જ હેમલ કે અદિતિ ગુસ્સે થશે અને કહેશે કે, "પપ્પા, તમે તમારા રૂમમાં જ જમી લેતા હોવ તો!" સૂર્યકાંતભાઈ ડરના માર્યા ટેબલ સાફ કરવા લાગ્યા અને બોલ્યા, "સોરી બેટા... આ હાથ..."

અદિતિ તરત જ ઉભી થઈ અને નેપકીનથી સૂર્યકાંતભાઈના કપડાં સાફ કરતા બોલી, "અરે પપ્પા, ઈટ્સ ઓકે! આમાં સોરી શું કામ બોલો છો? કપડાં અને ટેબલ તો હું હમણાં સાફ કરી દઈશ."

હેમલે પોતાની ખુરશી પપ્પાની બાજુમાં લીધી. તેણે સૂર્યકાંતભાઈના હાથમાંથી ચમચી લઈ લીધી. પછી સૂર્યકાંતભાઈની પ્લેટમાંથી દાળ-ભાત મિક્સ કરીને પોતાના હાથે એક કોળિયો સૂર્યકાંતભાઈના મોઢામાં મૂક્યો.

સૂર્યકાંતભાઈની આંખો ફાટી ગઈ. "હેમલ, તું... તું જમી લે બેટા. હું…હું કોશિશ કરું છું જાતે સંભાળી લઈશ."

હેમલે હસીને કહ્યું, "પપ્પા, પ્લીઝ! હું નાનો હતો ત્યારે મેં પણ આખું ઘર ગંદુ કર્યું હશે ને? તમે અને મમ્મીએ કેટલા પ્રેમથી મને જમાડ્યો છે. તો હવે મારો વારો છે. તમે જરાય ટેન્શન ના લો, હું તમને રોજ ખવડાવીશ. અને હા, મારી ઓફિસ હશે ત્યારે અદિતિ તમને જમાડશે, ખરું ને અદિતિ?"

"હમમ…" અદિતિએ સ્મિત કરતા હકારમાં માથું ધુણાવ્યું.

સૂર્યકાંતભાઈથી રહેવાયું નહીં. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેને તેના વૃદ્ધ પિતા વસંતરાયનો એ ઉદાસ ચહેરો યાદ આવી ગયો, જ્યારે તેણે અને દિપાલીએ પિતાજીને રૂમમાં અલગ જમવા કાઢી મૂક્યા હતા.

તેને સમજાઈ રહ્યું હતું કે તેણે પોતાના પિતા સાથે કેટલો મોટો અન્યાય કર્યો હતો. આજે તેનો દીકરો તેને ધ્રૂજતા હાથે જમતા જોઈને ગુસ્સે થવાને બદલે તેને પોતાના હાથે જમાડી રહ્યો હતો.

સૂર્યકાંતભાઈએ રડતાં રડતાં કહ્યું, "હેમલ, મને માફ કરી દે બેટા. મેં મારા પિતા સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું. મેં એમને આ જ ટેબલ પરથી ઊભા કરી દીધા હતા."

હેમલે પિતાને શાંત પાડતા કહ્યું, "પપ્પા, ભૂતકાળ ભૂલી જાવ. પણ મને એટલી ખબર પડે છે કે ફેમિલી એટલે એકસાથે બેસીને જમવું. કોઈ બીમાર થાય એટલે એને સાથ આપવાનો હોય, એને દૂર ના કરવાના હોય."

સૂર્યકાંતભાઈને એ દિવસે પોતાના પુત્ર પર ગર્વ થયો અને પાછો પોતાના પર ખેદ સાથે ખૂબ જ પસ્તાવો પણ થયો કે વડીલોની નબળાઈઓને અગવડ નહીં, પણ તેમની જરૂરિયાત સમજવી જોઈએ. ઘડપણ એક એવી અવસ્થા છે, જ્યાં માણસ પાછો બાળક બની જાય છે.

એમને આપણા ગુસ્સા કે શિખામણની નહીં, માત્ર હૂંફ અને સાથની જરૂર હોય છે. એમના ધ્રૂજતા હાથથી કંઈક ઢોળાઈ જાય, ત્યારે એમને અલગ બેસાડવાને બદલે પ્રેમથી તમારા હાથે એક કોળિયો ખવડાવી જોજો. એ કરચલીવાળા ચહેરા પર છવાયેલી તૃપ્તિ તમને પણ અવર્ણનીય આનંદથી ભરી દેશે !!

■ હરેકૃષ્ણ જાની
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■